છેલ્લા બેચાર દિવસોથી નાનકડો કનિયો કશું સમજી નહોતો શકતો. બાપા અને વાસના બીજા મરદો સાંજ પડે ભેગા બેસીને ઘુસપુસ કર્યા કરતા. માડી અને બીજી બાયડીઓ પણ ભેગી થઈને કકળાટ કરતી અને જાણે મરદોને વારવા મથતી. એને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે! કનિયો ગુંચવાય એટલે એ સીધો મનિયા પાસે ઉપડતો. મનિયો એનાથી બે-એક વર્ષ મોટો. એના ઘરમાં ધીમે અવાજે ને છાનીછપની થતી વાતોમાંથી એને જે અડધુંપડધું સંભળાયું એનાથી મનિયાને એટલી સમજ પડેલી કે ગામના મુખીબાપાના છોકરાએ એમના વાસની રૂડીરૂપાળી પતંગિયા જેવી મંછીમાસીને પીંખી નાખેલી. આ ‘પીંખી નાખેલી’ એટલે શું એની તો મનિયાને પણ ખબર નહોતી. વાસના મરદો એ છોકરાને થોડો મેથીપાક ચખાડવા માગતા હતા. બાયડીઓ મેથીપાક આપ્યા પછી જે થશે એના વિચારથી બીતી હતી. મરદોને વારતી હતી.
તે દા’ડે રાતે કનિયો સૂ સૂ કરવા જાગી ગયો ત્યારે બાપા અંધારામાં લાકડી લઈને ક્યાંક જવા તૈયાર બેઠા હોય એવું લાગ્યું. માડી ગભરાયેલી હતી. ઘરની બહારથી ધીમો ખોંખારો સંભળાયો ને બાપા નીકળી ગયા. બાપા છાનામાના પાછા આવીને સૂઈ ગયા ત્યાં સુધી માડી એક બાજુ કનિયાને અને બીજી બાજુ એની મોટી બહેનાને બાથમાં લઈને બેઠી રહી. એને લાગ્યું કે માડી ધ્રૂજતી હતી. એને માડીને કંઈક પૂછવું હતું. બીકના માર્યા એનો અવાજ નીકળતો ન હતો. એને એમ જ નીંદર આવી ગઈ. બાપાએ એને ઉંચકીને ખભે નાખ્યો ને એ જાગી ગયો. બાપા એને લઈને ભાગ્યા. સાથે જ ચીસો પાડતી માડી અને એની મોટી બહેન પણ ભાગ્યાં. થોડી વારમાં તો આખો વાસ રાડારાડ કરતો ભાગતો દેખાયો. આઘેથી ગામના મોટેરાઓ લાકડીઓ ને તલવારો ને સળગતા કાકડાઓ લઈને રાડો પાડતા દોડતા આવતા દેખાયા. બધાથી આગળ હતા હાથમાં સળગતી મશાલ સાથે મુખી બાપા. ટોળાએ વાસને બાળી મુક્યો. ભેગા નહીં ભાગી શકેલા બધા જંતુઓ પણ બળી મૂઆ. માનવજંતુઓ સહિત. ભાગેલા માનવજંતુઓ પોલીસ થાણે જઈ ભરાયા. આખો દિવસ ખાવા-પીવા તો કાંઈ ના મળ્યું પણ એમનાં જીવ બચ્યાં. કનિયો રડતો રડતો ભૂખ્યો જ ઊંઘી ગયો. તે રાતે સપનામાં એને મુખી બાપા રાક્ષસ બનીને દોડતા આવતા દેખાયા.
કનિયાને કે મનિયાને પણ કાંઈ ઝાઝું સમજાયું તો નહીં. વખત વીત્યો. એ લોકો પાછા બળી ગયેલા વાસની જગાએ નવા ઝૂંપડાઓ બનાવી રહેવા આવી ગયા. આગ તો બાપડી અકસ્માતે લાગેલી. થોડાક બળી ગયેલાં જંતુઓને બાદ કરતાં, બધું પહેલા હતું તેવું થઈ ગયું.
વળી પાછા બીજા એક દિવસે કનિયાને ગુંચવાવાનો વારો આવ્યો. માડીને ગાળો દેતા અને ઝૂડી નાખતા બાપાને તો એણે ઘણી વાર જોયેલા. વાસમાં આવી ઘટનાઓ તો લગભગ ઘરેઘરે વારે વારે થતી. બાપા ગામની શેરીઓ વાળવા જતા, ત્યાંથી ઘણી વાર માર ખાઈને આવતા ને પછી માડીનું આવી બનતું. ગામના મોટેરાઓએ જે ગુસ્સો બાપા ઉપર ઠાલવ્યો હોય તે બધ્ધો બાપા માડી ઉપર બમણો કરીને ઠાલવતા. બાપા વિફર્યા હોય ને માડીને ફટકારતા હોય ત્યારે વાસના લોક જોયા કરતા, પણ કોઈ માડીને છોડાવવા વચ્ચે પડતું નહીં. પણ તે દિવસે નવાઈની વાત થયેલી. કો’ક ધોળાં કપડાંવાળી બાયડી માડીના ને બાપાના ઝગડામાં વચ્ચે પડેલી. એનાં કહેવાથી વાસના બે જણાએ બાપાને થાંભલે બાંધીને માથે ઘડો ભરીને પાણી પણ રેડી દીધેલું. ને પાછા જતાં જતાં એ બાયડી કહેતી ગયેલી કે તે દિ’થી વાસની બધી બાયુંને અને છોડિયુંને એણે પોતાની બેન્યું ને દીકરીયું માની લીધી છે. જો કોઈપણ એની બેન્યું-દીકરીયું ઉપર હાથ ઉપાડશે તો એ હાથ ઉપાડનારાને છ છ મહિના મામાને ઘેર રહેવા મોકલાવી દેશે. કનિયાને થયેલું કે લાવને હું ય મારી મોટી બેનાને ફટકારું. છ મહિના મામાને ઘેર રહેવા મળે તો તો મઝા જ મઝા પડી જાય. મામા-મામી એને કેટલું વહાલ કરતાં! આખ્ખો વખત ભનુભઈ ભનુભાઈ કર્યા કરતાં. મામી પોતાને માટે ખાવાનું પણ કેવું જાતજાતનું ને ભાતભાતનું બનાવતાં. ત્યાંથી કપડાં પણ નવ્વા મળી જતાં. ત્યાં તો પાછું કનિયાને થયેલું કે હું બહેનાને મારવા જાઉં ને બહેના જ ઊલટાની એને ધોકાવી નાખે તો?! વળી, પછી તો બહેના વહાલ કરે છે ને પોતાના ભાગમાંથી ખાવાનું આપે છે તે તો ભૂલી જ જવું પડે ને? કનિયો ગુંચવાયેલો …
… અને ગુંચવાયેલો એટલે ઉપડેલો મનિયા પાસે. મનિયાએ તે દિવસે એને સમજાવેલું કે એ ધોળાં કપડાંવાળી બાયડી તો બહુ મોટા માણસની ઘરવાળી હતી. ગાંધીબાપુની ચેલકી હતી. ગાંધીબાપુનું કહ્યું બધ્ધા માને. આનાથી વધારે તો મનિયો પણ કંઈ નહોતો જાણતો. અને હા, બહેનાને તો મરાય જ નહીં. પાપ લાગે.
બે-ચાર દા’ડા પછી પેલી ધોળાં કપડાંવાળી બાયડી પાછી આવેલી. જોડે બે-ચાર જુવાનિયાઓ ને જુવાનડીઓ પણ હતા. વાસના જે જે છોકરા-છોકરીઓને એમના મા-બાપ નિશાળે નહોતાં મોકલતાં તે બધાંને ભેગા કરી ને ગામની નિશાળે લઈ ગયેલી. બધાંના નામ શાળામાં દાખલ કરાવી દીધેલાં. પાટી-પેન અને સુખડીની દાબડીઓ ઈનામમાં આપેલી.
તે દિવસે રાતે ઊંઘમાં એ ધોળાં કપડાંવાળી બાયડી દયાની દેવી બનીને કનિયાના સપનામાં આવેલી … અને એમ કનિયા-મનિયાનું ભણતર શરૂ થયેલું. સમયના વહેણે વાસને ઝૂંપડપટ્ટીમાં, ફળિયાઓને ફ્લૅટોમાં ને ખેતરોને ગામથી દૂર ધકેલી દઈને ફાર્મ-હાઉસોમાં પલટી નાખ્યાં. ગામને શહેર ગળી ગયું. કનિયો પ્રાથમિક શાળાનો હેડ માસ્તર, કનુભાઈ સોલંકી થઈ ગયો. મનિયો ક્રિમિનલ લૉયર મનુભાઈ મકવાણા થઈ ગયો. અને મુખીબાપા જંગી બહુમતીથી ચૂંટાયેલા ધારાસભ્ય.
કનિયામાંથી કનુભાઈ થવાની સફર દરમ્યાન એક ગડમથલ કનુભાઈના મનમાં કાયમ ચાલ્યા કરતી. શું કરવું જોઈએ …. રાક્ષસરૂપે દોડતા આવતા અનેક મુખી બાપાઓ સામે શિંગડા ભરાવવા કે ધોળી સાડીવાળી પેલી દયાની દેવીની ટોળીઓમાં ભળી જવું? મન-ઘડિયાળનું લોલક ક્યારેક શિંગડા ભરાવવા તરફે ઢળતું તો ક્યારેક દયાની દેવીઓની ટોળીઓમાં ભળવા તરફ ઢળતું.
આજે કનુભાઈનું મન શિંગડા ભરાવવા તરફે ઢળતું જતું હતું. થયેલું એવું કે બે જ મહિનાથી હંગામી ધોરણે શિક્ષિકાની નોકરી પર લાગેલી સુજાતા ત્રિવેદી આજે કનુભાઈના ટેબલ ઉપર રાજીનામું ફેંકીને જતી રહેલી. હસમુખી, મિલનસાર અને હોંશિયાર સુજાતા બે મહિનાના ટૂંકા ગાળામાં પણ અન્ય શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આદર કમાઈ ચુકેલી. અધુરામાં પુરું એના કુટુંબની અત્યંત નબળી આર્થિક સ્થિતિ પણ એને બધાની સહાનુભૂતિ રળી આપતી.
બે દિવસ પહેલાં થયેલું એવું કે સુજાતાએ તખુભા જાડેજાના દીકરાને રામા ગામિતની દીકરીના વાળ ખેંચવા બદલ વીસ વખત ‘હવે આવું નહીં કરું’ લખવાની સજા કરેલી. તખુભા જિલ્લા શિક્ષણ અધિકારીના ડ્રાઈવર. દીકરાએ વાતને વધારી-ચગાવીને તખુભાને અને તખુભાએ વધારે મીઠું-મરચું ભભરાવીને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી. કનુભાઈને આજે એ બાબતે જિ.શિ.અ. સાહેબ પાસેથી ઠપકો સાંભળવો પડેલો અને એમણે એ ઠપકાનું પડીકું સુજાતાને પકડાવી દીધેલું. એ દિવસે સુજાતા ચોક્કસ જ કોઈ ખરાબ મૂડમાં હોવી જોઈએ. એણે રાજીનામું ધરી દીધું. સુજાતા શાંતિથી રાજીનામું આપીને જતી રહી હોત તો તો કદાચ બહુ તકલીફ ના થાત, પણ એણે રાજીનામું પાંચ જણાની વચ્ચે કનુભાઈના ટેબલ ઉપર ફેંકેલું, ચપટી વગાડીને ફેંકેલું. અને જતાં જતાં તીખા તમતમતાં અવાજે બોલેલી : ‘શાળાના હેડમાસ્તર પાસે આવી અપેક્ષા ના હોય. ખોટી વાતનો પક્ષ લો છો, મિ. સોલંકી!’
કાયમ ‘સાહેબ’સાંભળવા ટેવાયેલા કાન ‘મિ. સોલંકી’ પચાવી ના શક્યા. સુજાતાએ વગાડેલી ચપટી કનુભાઈના કાનમાં બોમ્બ ફૂટ્યાના ધડાકા જેવી ગુંજતી રહી. એમનું સમગ્ર અસ્તિત્વ અવમાનથી જન્મેલા ક્રોધાવેશમાં કંપી રહ્યું. સુજાતાના અણધાર્યા પ્રતિભાવથી એમનું મગજ સુન્ન થઈ ગયું. યુગોથી ઉચ્ચ કહેવતા લોકો દ્વારા પછાતો ઉપર કરાયેલા અત્યાચારો એમના મનોચક્ષુ સમક્ષ ભૂતાવળની જેમ નાચવા માંડ્યા. મન-પંખી ઉડતું ઉડતું શંબૂક વધના સમયગાળા સુધી પહોંચી ગયું. અપમાન અને ક્રોધથી અંધ બનેલી એમની આંખે ગરીબડી ગાય જેવી સુજાતા, માતેલા આખલા જેવી દેખાવા લાગી. શું કરવું શું ના કરવું ના મન હિંડોળામાં કનુભાઈ અટવાયા. એવામાં એમના ફોનની ઘંટડી વાગી. કોનો ફોન છે તે જોયા વગર જ એમણે ચીડાઈને ફોન બંધ કરી દીધો. થોડી વાર પછી ફરીથી ઘંટડી વાગી. કનુભાઈએ ફરીથી ફોન બંધ કરી દીધો. ક્યાં ય સુધી હારેલા સેનાપતિની જેમ ખુરશી પર ખોડાઈ રહ્યા. છેવટે સુજાતાનું રાજીનામું ગજવામાં નાખી પોતાના સંકટમોચન લંગોટિયા મિત્ર, મનિયા-મનુભાઈના શરણે જવા ખુરશીમાંથી જાતને ઊભી કરી. મનુભાઈના ઘર તરફ ધકેલી.
મનુભાઈ ચબરાક અને ધાર્યા નિશાન પાડનારા વકીલ તરીકે સારી એવી નામના કમાઈ ચુકેલા. સ્વભાવ ઉગ્ર. લોકો એમને ડર મિશ્રિત આદરથી જોતા. એ જરૂર સુજાતાએ કરેલાં ઘા પર મલમપટો કરવાનો ઉપાય બતાવશે એ વિચારે કનુભાઈના ટાંટિયામાં જોર આવ્યું.
મનુભાઈના ઘરે પહોંચેલા કનુભાઈએ રોજ કરતાં જુદો જ માહોલ જોયો. ઘરના બધા જ જણ અને બીજા બેચાર વધારાના લોકો પણ ઘરની સાફસફાઈમાં લાગેલા હતા. સઘળું ફર્નિચર ચકચકાટ સાફ થઈ રહ્યું હતું. નવા પડદા ટીંગાડાતા હતા. તોરણો લટકાવાતાં હતાં. રંગોળી પૂરાતી હતી. કોઈ ખુશીના પ્રસંગની ધમધોકાર તૈયારીઓ ચાલી રહી હતી. મનુભાઈ જાતે ઊભા રહીને ઉત્સાહભેર સૂચનાઓ આપતા હતા.
કનુભાઈને જોઈને દોડતા આવીને મનુભાઈ ભેટી જ પડ્યા. શ્વાસભેર બોલવા માંડ્યા : “તું આટલી જલદી કેવી રીતે આવી પહોંચ્યો? સવારનો ફોન કરું છું. તારો ફોન પણ તારા જેવો જ છે. દશેરાને દહાડે જ ટટ્ટુ દોડતું નથી. મનીષ સાયકલ લઈને બહાર નીકળતો હતો. તેને મેં હજુ હમણાં તો કહ્યું કે જતાં જતાં કાકાને કહેતો જા કે તરત બોલાવ્યા છે. એ તો હજી તારી સ્કૂલે પહોંચ્યો પણ નહીં હોય … તું કેવી રીતે આટલો જલ્દી આવી પહોંચ્યો? તને કોણે સમાચાર આપ્યા?”
મનુભાઈનો ઉત્સાહ એમના રોમેરોમમાં ઉભરાતો હતો. એના જોશના ધોધમાં વહી રહેલા કનુભાઈને સમજ નહોતી પડતી કે પોતે જે કમઠાણની વાત લઈને આવ્યા છે તે કરવી કે નહીં. માંડ માંડ આટલું બોલી શક્યા : “મને કાંઈ જ ખબર નથી. શું થયુ છે તે તો કહે.”
“હ્ત્તારીની! મેં તો આંધળે બહેરું કૂટ્યું. ચાલ ચાલ, તને નિરાંતે માંડીને વાત કરું.” કહી મનુભાઈએ કનુભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. બન્ને મિત્રો ચાલતા ચાલતા ચાલીની બહાર આવ્યા. રફીક મિયાંના ગલ્લે બે કડક મીઠીનો ઓર્ડર આપ્યો. ખાલી થયેલા રંગના ઊંધા ગોઠવેલા ડબ્બાઓ ઉપર સામસામે ગોઠવાયા. મનુભાઈએ શરૂ કર્યું.
થયું એવું કનિયા, કે આજે મારે કંઈ કામ નહોતું એટલે હું કોર્ટમાં જવાનો ન હતો. ઘરે આવેલા એક અસીલ સાથે લમણાઝીંક પતાવીને હું સહેજ આડો પડેલો જ હતો કે એક અજાણ્યા નંબર પરથી મારા મોબાઈલ પર રિંગ આવી. પહેલી વાર તો વાગવા દીધી. ફોન લીધો પણ નહીં. થોડી વાર પછી એ જ નંબર ઉપરથી ફરી રિંગ વાગી. મેં તો જરાક ખીજવાયેલા અવાજે જ પૂછ્યું : ‘કોણ છે’વ?’મને તો ખબર નહીં પણ સામે છેડે તો સિવિલ જજ દીવાનસાહેબ હતા.
મને કહે : ‘સૉરી મનુભાઈ! જરા ખોટા સમયે ફોન થઈ ગયો લાગે છે. મન્મથ દીવાન બોલું છું. આપ વકીલ છો એટલે મને જાણતા જ હશો. હાલમાં હું અંહી સિવિલ જજ છું. થોડી અગત્યની વાત કરવી હતી. ક્યારે ફોન કરું તો આપને વાત કરવાનું અનુકૂળ રહેશે?’
તું નહી માને કનિયા,પણ હું તો જવાબ આપતા તતફફ તતફફ થઈ ગયો. સિવિલ જજ દીવાન સાહેબ મારા જેવા સાધારણ વકીલને સામેથી પોતે જાતે શું કામ ફોન કરે? મારાથી તો સરખી રીતે બોલાતું પણ નહોતું. હું તો માંડ માંડ બોલી શક્યો : ‘સૉ… સૉ… સૉ… સૉ… સૉરી સાહેબ. ફોન ઉપર આપ હશો એવો ખ્યાલ ન હતો. ફ… ફ… ફ… ફરમાવો. શ… શ… શ…શીદ યાદ કર્યો?’
દીવાન સાહેબ કહે : આપને મનીષભાઈએ વાત નથી કરી લાગતી. સમજી શકું છું. વાત એમ છે મનુભાઈ, કે આપના દીકરા મનીષભાઈના અને મારી દીકરી મલ્લિકાના મન મળી ગયાં છે. આપને તો ખ્યાલ નહીં હોય પણ અમારા બન્ને ભાઈઓ વચ્ચે ….. દીકરો ગણો કે દીકરી … એક જ સંતાન છે. જો આપને મંજૂર હોય તો આ અંગે વધુ વાત કરવા હું, મારા પત્ની રોહિણી અને મારા ભાઈ-ભાભી આવતીકાલે આપને ત્યાં આવવા માંગીએ છીયે.
કનુડા, મેં કહ્યું : સાહેબ આપ શા માટે … અમે આપને ત્યાં …” તો મને અધવચ્ચે અટકાવીને દીવાન સાહેબ કહે, આપે હવે મને હવે ‘સાહેબ’ નહીં કહેવાનું …. મન્મથ તમે … બહુ બહુ તો મન્મથભાઈ તમે … કહેવાનું. અને જુઓ આપને વિચારવા માટે વધારે સમય જોઈતો હોય તો આપ કહો તેટલા દિવસો પછી ફોન કરું. આ તો મલ્લિકાએ ખુશખબર આપી ત્યારથી હરખના માર્યાં મારા ને રોહિણીના મન ઝાલ્યા નો’તાં રહેતાં એટલે તરત પહેલાં મારા ભાઈ-ભાભીને ફોન કર્યો અને પછી આપને કર્યો છે. આપને ઠીક લાગે ત્યારે આપ મને જણાવજો. અમે આવી જાશું. મલ્લિકા કહેતી હતી કે આપ આ સાંભળીને ખૂબ જ રાજી થશો. એટલે મારાથી આપને ત્યાં આવવાની વાત કરવામાં થોડી ઉતાવળ થઈ ગઈ. આપને વિચારવાનો સમય મારે આપવો જોઈતો હતો. માફ કરજો.
અબે સાલ્લા કનિયા, મને તો સમજ જ નહોતી પડતી કે શું કહેવું. મારું તો મગજ જ બહેર મારી ગયું હતું. હું શું બોલતો હતો એનું પણ મને ભાન નહોતું રહેતું. જેમ તેમ ગોટાવાળીને ફોન પર વાત પતાવી. માંડ માંડ ‘સાહેબ થોડી વાર પછી ફોન કરું’ કહીને ફોન મૂક્યો. મનીષિયાને બોલાવીને ખુલાસો પૂછ્યો ત્યારે બધી વાતની ગડ બેઠી. સાલ્લો મનીષિયો …. છુપો રૂસ્તમ નીકળ્યો. હવે તું જ કહે કનુડા, આપણે તો શું વિચારવાનું?
મેં તો મનષિયાની માને અડધી પડધી વાત કરી, ના કરી …. ત્યાં એની મા ફટ્ટ દેતીને મને કહે : ‘એમને એમની છોડીમાં વશવાસ સે ને તમુંને તમારા છોરામાં વશવાસ નથ? છોરાને ખુલાસો પૂછવા હું બેઠા? ને મને મુઈને પુછવા હું બેઠા? ઝટ સાયેબને ફોન જોડો ને બોલાવી લો કાલને કાલ આપડે ઘેર. એવડો ઈ છોડીનો બાપ સીં. પછી ફોન કરું કઈને તમે ઈ બચ્ચાડા જીવને કેટલી ચંત્યામાં મેલી દીધો એનો વશાર આવે સીં?’
મેં ફોન જોડ્યો તો સાહેબ કહે; ‘હવે આપે હા પાડી છે એટલે કાલે અમે ચોક્કસ જ આવીશું. સાંજના ચારેક વાગે પહોંચીએ તો ચાલે? કનિયા, કાલે ચાર પહેલાં તું ને ભાભી આવી પહોંચજો.’
મનુભાઈ તો લગભગ એક શ્વાસે બધું બોલી ગયા. કેમ ના બોલી જાય? કનુભાઈ હતપ્રભ. અવાચક …!
ઘરે કોઈ આવ્યું ને મનીષ બોલાવવા આવ્યો એટલે કાલે મોડા ના પડતા કહી મનુભાઈ તો વિદાય થયા. કનુભાઈ ત્યાં જ બેઠા બેઠા મન-હિંડોળે ચઢ્યા. અત્યારે એમને દયાની દેવીઓની ટોળીમાં ભળવું જોઈએ એવું લાગવા માંડ્યુ હતું. રફીક મિયાં કનુભાઈને સૂનમૂન બેઠેલા જોઈને સામે આવી બેઠા. ‘ક્યાં ખોવાઈ ગયા હેડમાસ્તર સાહેબ? એમણે બેસતાં બેસતાં પૂછ્યું.
‘ક્યાંયે નહીં. અહીં જ તો છું, રફીક્ભાઈ. જરા ગોટે ચડી ગયો હતો. શું કરવું જોઈએ? રાક્ષસ મુખીને ચૂંટનાર જંગી બહુમતી સામે લડવું જોઈએ કે પછી દયાની દેવીની ટોળીમાં ભળી જવું જોઈએ?’ કહીને કનુભાઈએ પોતાનો છેક બાળપણથી પીછો ન છોડતો સવાલ ટૂંકમાં કહી બતાવ્યો.
રફીક મિયાં બોલ્યા, “તમને જવાબ એટલે નથી મળતો, સાહેબ, કે તમે જવાબ બહાર શોધો છો. મારા જેવાઓ પાસે … મનુભાઈ જેવાઓ પાસે … છાપાઓમાં …. પુસ્તકોમાં …. ટી.વી. જેવા માધ્યમોમાં …. સંતો-વિદ્વાનોના … પ્રવચનોમાં …. ત્યાં ના મળે આનો જવાબ, સાહેબ. આનો જવાબ તો તમારે તમારી અંદર જ શોધવાનો હોય.”
કપમાં થોડી બાકી રહી ગયેલી રફીક મિયાંની ચા પીતાં પીતાં જ સાંભળેલી આ વાતે કનુભાઈના મનમાં વીજળીની જેમ ઝબકારો કરી દીધો. રફીક મિયાંએ જાણે અંધારી ગુફાના માર્ગે આગળ વધવા મશાલ પ્રગટાવી આપી. એમને થયું વાત તો ખરી છે રફીક મિયાંની. જવાબ જાત પાસેથી મેળવવો પડશે. રફીક મિયાંને પૈસા આપી કનુભાઈએ ચાલવા માંડ્યું. સાથે સાથે મગજ પણ ચાલવા માંડ્યું.
જગતમાં તો જેમ દેવો છે તેમ દાનવો પણ છે. ક્યારેક ઝગડાઓ અને યુદ્ધો તો ક્યારેક શાંતિ અને સુમેળ. આ તો સતત ચાલતું આવેલું અને ચાલતું રહેવાનું કાળચક્ર છે. કોઈ પણ યુદ્ધ ભલે ન્યાય અને શાંતિ માટે શરૂ કર્યું હોય, એનું પરિણામ થોડે ઘણે અંશે અન્યાય અને હિંસા જન્માવતું જ હોય છે. મારી મૂળભૂત પ્રકૃતિ શું છે? મારે એને ઓળખવાની છે, એને અનુસરવાની છે અને એને વફાદાર રહેવા મથવાનું છે. સમય અને સંજોગો પ્રમાણે મૂડ તો બદલાયા કરે, પ્રકૃતિ નહીં. જેટલા પ્રકૃતિને વફાદાર રહેવાશે તેટલા સ્વસ્થ અને શાંત રહી શકાશે. ગોટે નહીં ચડાય. વર્ષોથી ચાલી આવતી પેલી શિંગડા ભરાવવા કે દયાની દેવી તરફ ઢળવું વાળી વાત વચ્ચે ચાલતા દ્વંદ્વનો આખરે અંત આવ્યો. આ સ્પષ્ટતાએ કનુભાઈના પગને નવી દિશા આપી.
સુજાતાએ બારણું ખોલ્યું ને સામે કનુભાઈને ઊભેલા જોયા. એ હતપ્રભ થઈ ગઈ. એક અક્ષર પણ બોલ્યા વગર કનુભાઈએ ગજવામાંથી સુજાતાના રાજીનામાનો કાગળ કાઢ્યો. એના ચાર ટુકડા કરી સુજાતાના હાથમા મૂક્યા. શું થઈ રહ્યું છે એ હજી સુજાતા પૂરું સમજી ન શકી. બે હાથ જોડી લાગણીભીના ગળગળા અવાજે કનુભાઈએ એની માફી માંગી ત્યારે જ એને ઘટી રહેલી ઘટનાનો પૂરો તાગ આવ્યો. માફી માગી રહેલા કનુભાઈની સાત્ત્વિક ઊંચાઈનો અંદાજ આવતાં તે આદરપૂર્વક હેડમાસ્તર સાહેબને નમન કરી ઘરમાં આવકારતી પાછી હઠી.
ઘરના અંદરના ઓરડામાં, આગળના ઓરડામાં ચાલી રહેલી ઘટનાઓથી અજાણ, સુજાતાના પતિએ રેડિયો ચાલુ કર્યો. ઘર બિસ્મિલ્લાખાનની શરણાઈના સૂરોથી મહેકી ઉઠ્યું. દીવાલ પર ટાંગેલી ગાંધી-આંબેડકરની છબીઓના ચહેરાઓ પર મધ મીઠો મલકાટ પ્રસરી રહ્યો.
[શબ્દ સંખ્યા: ૨૪૫૩]
ઈ/૮, સ્ટર્લિંગ રો હાઉસ, સુભાષ ચોક, ગુરુકૂળ રોડ, મેમનગર, અમદાવાદ, ૩૮૦ ૦૫૨
e.mail : naik_ashok2001@yahoo.com