Opinion Magazine
Number of visits: 9573982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી, સંકેલાતે એક્સો એકાવનમે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 October 2020

હવે તરતમાં ગાંધી જયંતી આવશે. સાર્ધ શતાબ્દી નિમિત્તે કંઈક શોરઉજવણાં, કંઈક સહવિચાર-દોર તો ક્રિયોપચાર વગેરે વિરમ્યાં કે આછર્યાં પછી બાકી સિલક શું રહે છે એ એક સહજ જાગતો સવાલ છે અને રહેશે. ગાંધીનાં ચશ્માં ને ઝાડુ તો કે’દીનાં સત્તા-પ્રતિષ્ઠાને હસ્તગત કીધાં છે. તેમ છતાં, સ્વચ્છતા ઝંખતી પારદર્શક દૃષ્ટિની રીતે જે ગાંધીની વિરાસત છે તે છે.

દેખીતી રીતે જ સામ્પ્રત કોરોનારણ્યે પહેલો પ્રતિભાવ કદાચ એવો હોઈ શકે કે સરવાળે સવાલ તો જીવનશૈલીનો છે. જે જીવનશૈલી ભણી આપણે આંધળીદોટ ને આકરી હરીફાઈ(રેટ રેસ)માં ગાંડાતુર પેશ આવીએ છીએ – રનિંગ એમક, એ પુનર્વિચાર માગે છે. હજુ ઔદ્યોગિકીકરણ આજની હદે નહોતું ત્યારે, ખાસાં એકસો દસથી પણ વધુ વરસ પર, ‘હિંદ સ્વરાજ’માં ગાંધીએ આ સ્તો ઊહાપોહ કરેલો. જો કે લાંબા સમય લગી ઘણાં વર્તુળોમાં આ કિતાબ સાહિત્યેર ઉપેક્ષિતા શી રહી છે. બલકે, માદામ સોફિયા વાડિયાએ ‘આર્યન પાથ’નો વિશેષાંક ‘હિંદ સ્વરાજ’ વિશે કાઢવાનું નક્કી કર્યું ત્યારે ખુદ ગાંધીએ સંદેશમાં કહ્યું હતું કે વાચક યાદ રાખે કે એક મિત્રે આને ‘મૂર્ખ માણસની કૃતિ’ કહી છે. અને આ મિત્ર, ગાંધીજીના ગુરુઓ પૈકી ગોખલે હતા.

ગમે તેમ પણ, જીવનશૈલી બાબતે જે બુનિયાદી વિચારભૂમિકા ‘હિંદ સ્વરાજ’ના લેખકે સૈકાથીયે પહેલાં લીધી હતી તે ભૂમિકા આજે ઔદ્યોગિકોત્તર (પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ) સમયમાં તો ઊલટાની વધુ વિચારણીય અને આચરણીય લાગે છે. લૉકડાઉનનાં અઠવાડિયાઓમાં કંઈક પ્રદૂષણ ઘટ્યું ન ઘટ્યું અને સુદૂર જલંધરથી હિમાલયનાં દર્શન થવાં લાગ્યાં ત્યારે કેવી હરખની હેડકી ઉપડી’તી યાદ છે ને. પણ એ તો એક આભાસી આનંદ હતો, અને જીવનશૈલીનો પડકાર તો એથી દૂર, એથી ઊંડે જતો એકદમ જ મૂળગામી છે.

મારી દૃષ્ટિએ જો કે મુશ્કેલી જરી જુદી છે. મૂળગામિતાની જિકર કરતી વખતે આપણે ખોટા નથી. પણ ગાંધીને સારુ મૂળગામિતા એ પ્રત્યક્ષ સામે આવી ઊભેલ સીધા સવાલનો તત્ક્ષણ વિકલ્પ નહોતો. સામ્પ્રત જોડે કામ પાડવાનું લગારે ચૂક્યા વગર એ ચાલતા. અલબત્ત, એ પ્રકારની મથામણ અગર જદ્દોજહદ વહોરતી વખતે એ દૂર જોવાનું ચૂકતા નહીં; પણ એમનું દૂર જોવું તે સામ્પ્રત પડકારમાંથી પલાયન થવાની પેરવી નહોતી. દૂરિતને દૂરની આશાએ અણદીઠું કરવું ને વણપડકાર્યા રહેવું એ ગાંધીની પદ્ધતિ નહોતી. એક ડગલું બસ થાય, એ ક્રિયારૂપ ગાંધીની સૂઝતાં સૂઝે એવી રણનીતિ હતી.

વિશ્વસ્તરે બીજી ઑક્ટોબર અહિંસા દિવસરૂપે મનાવાય છે ત્યારે આ સંદર્ભમાં એ સંભારવું રસપ્રદ ને વિચારપ્રદ થઈ પડશે કે આ અહિંસામૂર્તિને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યું નહોતું! ભાઈ, એનો ખુલાસો સીધોસાદો એ છે કે એ અન્યાયનો પ્રતિકાર ટાળીને શાંતિ ખાતર શાંતિના હિમાયતી નહોતા. સામ્પ્રતમાં પ્રત્યક્ષ દૂરિતને વણદેખ્યું વણપડકાર્યું જવા દેવું, અન્યાયને આધીન થવું એવી કોરીધાકોડ ને અર્થશૂન્ય શાંતિ એ આ અહિંસામૂર્તિને પસંદ નહોતી. એટલે સહજરૂપે શાંતિ પુરસ્કાર માટે ઉભરવું જોઈતું એમનું નામ યુરોપીય સંસ્થાનવાદની ભીંતે અફળાઈને પાછું પડતું રહ્યું. શાંતિ અને ન્યાય વચ્ચે અવિનાભાવ સંબંધ જોતી અહિંસાદૃષ્ટિ આ માણસની હતી, પણ સંસ્થાનવાદી સત્તાઓને એમની ભૂમિકા ક્યાંથી રાસ આવે? અલબત્ત, ૧૯૪૮નું શાંતિ માટેનું નોબલ પારિતોષિક કોઈને ય અપાયું નહીં (કેમ કે ૩૦મી જાન્યુઆરીની ઇતિહાસઘટનાએ જેની પાત્રતા અંકે કરી હતી તે વ્યક્તિને મરણોત્તર માન આપવું શક્ય નહોતું).

ગાંધી પરત્વે લાંબો સમય ટીકાભાવ સેવતા ડાબેરીઓને ગાંધીના બલિદાને છેક નહીં તો પણ કંઈક પુનર્વિચાર કરવા પ્રેર્યા હતા, એ ઇતિહાસવસ્તુ છે. જો કે ખાસું નોંધપાત્ર નિરીક્ષણ બીયૉન્ડ માર્ક્સિઝમની રીતે નવમાનવવાદ વિકસાવી ચૂકેલ ક્રાંતિપંડિત માનવેન્દ્રનાથ રાય (એમ.એન. રોય) તરફથી દર્જ થયેલું છે. બલિદાન પરત્વે આદરાંજલિના હૃદયભાવ સાથે એમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદના ઉદ્‌ગાતાનો ભોગ છેવટે રાષ્ટ્રવાદે જ લીધો! ગાંધીએ દેશની આમ જનતાને પૂર્વે નહીં તે હદે ઉદ્યુક્ત કરી ત્યારે તેમાં રહેલી હિંસક શક્યતા વિશે ગુરુદેવે મહાત્માને જાહેરમાં આલોચનાવચનો કહેતાં સંકોચ કર્યો નહોતો, અને એમણે જેમાં ‘ધર્મ’ જોયો તે વિશે ઘટતી નુકતેચીની અને સફાઈને ધોરણે મહાત્માએ એમને ‘ગ્રેટ સેન્ટિનલ’ (મહાન સંત્રી) કહ્યા હતા. એ આખી ચર્ચા રાષ્ટ્રવાદની રવીન્દ્ર-ગાંધી ભૂમિકાને યુરોપીય અભિગમથી અલગ તારવવાની દૃષ્ટિએ મૂળગામી મહત્ત્વની બની રહે છે. અમદાવાદમાં આશ્રમની સ્થાપના વેળાએ વિશ્વહિતને અવિરોધી એવા દેશહિતની જે ભૂમિકા ગાંધીએ લીધી હતી એમાં પણ એ સંકેત વાંચી શકાશે. યુરોપીય રાષ્ટ્રવાદમાં રમી દેશમાં એક પ્રકારે સાંસ્થાનિક માનસિકતાવશ ખીલી રહેલા સંકીર્ણ ને પ્રતિગામી રાષ્ટ્રવાદથી ઉફરાટે ગાંધીવલણને એક સળંગ પ્રક્રિયારૂપે જોતાં, બને કે, રૉયને પોતાની ટિપ્પણીમાં કંઈક સુધાર કરવાપણું પણ લાગી શકે.

એમની અહિંસાદૃષ્ટિ કહો, પ્રેમની ભૂમિકા કહો, એણે ગાંધી પાસે એક સત્યાગ્રહી અભિગમ વિકસાવ્યો. દૂરિતનો શાંતિમય પ્રતિકાર કરતે કરતે, ખુદ કષ્ટસહનને રસ્તે, ન્યાય વાસ્તે મથવું એ એમનો વિશેષ હતો. એમનાં ચશ્માં અને એમનું ઝાડુ તો સત્તા-પ્રતિષ્ઠાને માનો કે ઓળવી લીધાં, પણ એમની કને તો એક આખું પેકેજ હતું જેમાં સત્યાગ્રહી પ્રતિકાર એ કદાચ સૌથી મોટી વાત હતી – અને એ પ્રતિકારની જ એક છટા જેને અસંમતિનો અવાજ કહેવામાં આવે છે તે હતી.

વિશ્વસ્તરે અહિંસા દિવસનું ગૌરવ લેવું અને ઘરઆંગણે અસંમતિના અવાજને રૂધવો તેમ જ દમવો, શું કહીશું એને. અસંમતિના અવાજ સહ શાંતિમય પ્રતિકારની રીતે જેઓ કાર્યરત છે એ સૌ પોતપોતાની ગજાસંપત પ્રમાણે નાના નાના પણ ગાંધી છે. તેઓ પ્રસંગે વિરોધ કે પ્રતિકારની જે ભૂમિકા લેતા માલૂમ પડે છે એ વાસ્તવમાં સમાજમાં જે લૂણ પડેલું છે એનું પ્રગટીકરણ નથી તો કશું નથી.

મુદ્દે, ગાંધીનાં ચશ્મે જોવા સારુ જે સાફ નજર જોઈએ અને ગાંધીનું ઝાડુ સાહવા માટે જે મજબૂત પકડ જોઈએ તેનું હાલના સત્તા-પ્રતિષ્ઠાનમાં એ હદે ટાંચુ પડેલું છે કે તે કેવળ અને કેવળ સત્તાશાહી, સામ્રાજ્યશાહી, સંસ્થાનશાહી માનસ સિવાય કામ લઈ શકતી નથી.

હમણેના દિવસોમાં જે દાખલા બહાર આવી રહ્યા છે તેની લગરીક વાત કરીએ તો મુદ્દો તરત સાફ થઈ જશે. શાહીનબાગના નમૂનેદાર શાંતિમય પ્રતિકાર નિદર્શન પછી રાજધાનીના એક હિસ્સામાં હિંસાનો જે દોર ચાલ્યો એને અંગે મોડે મોડે એફ.આઈ.આર. દર્જ કરી જે પકડાપકડી થઈ તેમાં મહદ્‌ ધોરણે વરતાતી રૂખ જેઓ ભોગ બન્યા છે એમને જ કનડવાની છે. પોલીસ ચાર્જશીટમાં યોગેન્દ્ર યાદવ, હર્ષ મંદર, રાહુલ રોય, સબા દીવાન વગેરે વાતચીત, સમાધાન, શાંતિ-પ્રયાસમાં રોકાયેલાઓને ગુનેગાર ઠરાવવાની કોશિશ જણાય છે. જેમણે શાંતિના પ્રયાસ કીધા એ પકડવા લાયક મનાયા! સામ્રાજ્યશાહી સંસ્થાનવાદ અન્યાય પ્રતિકારક ગાંધીનું શાંતિ સૈનિક શું સ્વરૂપ સમજવામાં ગોથું ખાતો અગર જોયું ન જોયું કરતો હતો, કંઈક એવું જ આ કિસ્સામાં બની રહ્યું છે. તાજેતરનાં વરસોમાં ભીમા કોરેગાંવ ઘટના પણ બીજું શું છે? એને બહાને દેશભરમાંથી એવાઓને ખોળી ખોળીને પકડવામાં આવ્યા છે જેઓ મોટે ભાગે અહીં કે તહીં અન્યાયપીડિતોને ન્યાય અપાવવાની શાંતિમય ચળવળમાં પડેલા છે. બીજી બાજુ, મિલિન્દ એકબોટે અને સંભાજી ભીડે (હિન્દુત્વવાદી નેતાઓ) સામે ઉશ્કેરણીના આરોપો અને પુરાવાના સગડ છતાં પોલીસ કારવાઈનો કોઈ સંચાર નથી.

જેઓ નવી ને ન્યાયી દુનિયા ઝંખે છે અને શોષણયુક્ત સમાજવ્યવસ્થાના સિપાહી છે તેઓ પોતપોતાની મર્યાદામાં ગાંધીનું કામ કરી રહ્યાં છે. એમની કનડગત કરનારું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની સાર્ધ શતાબ્દીનાં શોરઉજવણાં પછી અને છતાં કાલચક્રની કસોટીએ ગુનેગાર ઠર્યા વિના રહેવાનું નથી.

કાશ, ગાંધીનું એકસો એકાવનમું આ પાયાની સમજ સાથે સંકેલાઈ શકતે!

સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૦     

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 01-02

Loading

સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતા

બારીન મહેતા|Opinion - Opinion|1 October 2020

આપણે અનેક મહાન વક્તાઓ, વિચારકો, ચિંતકો, લેખકો અને સર્જકોના સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતાવિષયક અનેક ઉદ્ધરણો અહીં મૂકી આપીને એ અંગે વાત કરી શકીએ અને કોઈ તારણ સુધી પહોંચી શકીએ. પરંતુ, એના કરતાં આજના વર્તમાનમાં બદલાતી અને બદલાઈ રહેલી પ્રવાહી પરિસ્થિતિના સંદર્ભમાં આપણા અનુભવનું ભાથું જ કામે લગાડીને આપણે જે કંઈ વાચ્યું-વિચાર્યું છે અને એક સમજણ ઘડવાની મથામણ કરી છે, એની વાત માંડીએ તો એ વધુ વ્યવહારુ તેમ જ ફળદાયી હોઈ શકે એમ લાગતા આ ત્રણ શબ્દના ઝૂમખા વિશે એક વિમર્શ અર્થે પ્રવૃત્ત થવાનું મુનાસિબ લાગ્યું છે.

જ્યારથી માનવ પોતે સર્જન કરવા લાગ્યો, ત્યારથી એનો મહિમા થવા લાગ્યો. એનું ગણિત બહુ સીધું છે. ત્યારે એ પૂરેપૂરો સ્વાયત્ત પણ હતો. આ સ્વાયત્તતા એની સ્વતંત્રતાને કારણે જ એને મળેલી હતી, પરંતુ જ્યારે એનું આ કે તે સર્જન એના સમાજ-કબીલાના વગદાર કે શક્તિશાળી જૂથને કઠ્યું કે એને એ જૂથ દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે આ બરાબર નથી લાગતું! એથી ઊલટું આવા જૂથ દ્વારા એમને ગમે એ કરવાનું સૂચન થવા લાગ્યું અને આગળ જતાં એ આદેશ પણ બનવા લાગ્યું. આપણે જાણીએ છીએ કે આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે છે. તબક્કાવાર સમયસંદર્ભોના લાંબા કાળપટે સમાંતરે સર્જન અને સત્તાના પલટાતા દોર પછીના દોર દરમિયાન અનેક લીલીસૂકી આવી ગઈ તો પણ સર્જકતાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા એનું ગજું કાઢતાં ગયાં અને એ છીનવવાની પ્રક્રિયાઓ થઈ, ત્યારે એનો અવાજ બુલંદ થયા કર્યો.

શ્રમ અને સર્જનને સીધો નાતો છે. સર્જન શ્રમ માગે છે. જેવું સર્જન એવો અને એટલો શ્રમ, એ આપણે જાણીએ છીએ. શ્રમ કોઈ પણ પ્રકારનો હોય, કંઈક ને કંઈક સર્જન એ એનું પરિણામ છે. માનવના આદિકાળથી માંડીને આજ સુધી આપણે શ્રમ અને સર્જનની વ્યાપક તપાસ કરીએ, તો એક બાબત સીધી સામે આવે છે કે કોઈ પણ આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે, તો એ આડકતરી રીતે શ્રમને અને એની પાછળના સર્જક વિચારને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન હંમેશાં સત્તા દ્વારા થતો આવ્યો છે અને એટલે સત્તાપલટામાં સર્જકોનો અને શ્રમિકોનો ફાળો સ્વાતંત્ર્યના સંદર્ભમાં રહેલો છે. વિશાળ કાળપટે ક્રમશઃ એવું જોઈ શકાય છે કે શ્રમ અને સર્જનને વ્યવસ્થા, વહેંચણી અને ઉપાર્જનના સંદર્ભે અલગ કરવામાં-રાખવામાં આવ્યાં, શ્રમિકો અને સર્જકોને વેગળા કરવામાં આવ્યા. આ એક વરવા, સત્તાપરક અને વિભાજક રાજકારણની જ એક નીપજ છે. આજે આપણે શ્રમિકો અને સર્જકો વચ્ચે જે ભેદ પાડીએ છીએ, તે આવા વરવા વિભાજક સત્તાપરક રાજકારણને જ નિર્દેશે છે. આપણે ત્યાં આઝાદી પહેલાંના સમયમાં મોટે ભાગે જે કોઈ આંદોલનો થયાં એમાં શ્રમિકો અને સ્ત્રીઓને સાંકળવામાં આવતાં જ હતાં અને સર્જકો પણ એનો હિસ્સો હતાં, કહો કે એમાં એકવાક્યતા ઉમેરવામાં આવી હતી. કહો કે સમયની તાતી આવશ્યકતા પણ હતી. સર્વસમાવેશક લોકબળ એમાં હતું. એટલે તો ધર્મભેદ, કોમભેદ, વર્ગભેદને એમાં પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું. એમ ચોક્કસ કહી શકાય કે જ્યારે-જ્યારે ધર્મભેદ, કોમભેદ, વર્ણભેદ અને વર્ગભેદને વિભાજક રાજકારણે પ્રવૃત્ત કર્યા, ત્યારથી આજ સુધી એણે મોબલિંચિંગથી માંડીને રાષ્ટ્રદ્રોહ સુધી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને તે એટલે સુધી કે વ્યક્તિની સ્વતંત્રતાને હણવા સુધી લઈ જાય છે. હું કે પછી અન્ય કોઈ પણ જ્યારે ભેદનાં ચશ્માંથી પ્રેરિત બને ત્યારે સહુ પ્રથમ હોડમાં મુકાય છે વ્યક્તિની પોતાની સ્વતંત્રતા. પછી એ કોઈ પણ હોય; સામાન્ય જન, શ્રમિક, ધંધાદારી, વ્યવસાયી કે સર્જક. બીજા અર્થમાં એ રાજકારણથી પ્રેરિત થઈને એનું એક હથિયાર બની રહે છે. એનાં કાર્યોમાં પછી રાજકીય બૂ પ્રવેશી જાય છે અને એની સ્વાયત્તતા ઓળપાઈ જાય છે. સાથોસાથ એ અન્યોના અને ખૂદ પોતાનાં શ્રમ અને સર્જકતાને પણ જોખમમાં મૂકી દે છે.

આ મુદ્દાને જરા જુદી રીતે જોઈએ : જન્મદત્ત સ્વતંત્રતા પ્રત્યેકને મળેલી જ હોય છે, પરંતુ આધુનિક જગત, રાષ્ટ્ર, રાજ્ય એ પ્રકારના એકમોમાં એક અધિકાર લેખે, બંધારણની રુએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિને આપવામાં આવ્યું છે અને એ એની વ્યક્તિ તરીકેની સ્વતંત્રતાના ભાગ તરીકે આપવામાં આવ્યું છે, ત્યારે એમાં મુકાતા કોઈ પણ પ્રકારના કાપ એ સ્વતંત્રતા સામેની એક પ્રક્રિયા થઈ ગણાય અને એ સત્તાપક્ષે વ્યક્તિની સ્વતંત્રતા ઉપર ધીમે-ધીમે મુકાતા કાપ સમાન જ હોય છે. આ સંદર્ભમાં આપણે કોઈ પણ સર્જકની સ્વયત્તતાને સમજીએ, તો કઈ રીતે સમજીએ? અને એવા સર્જકોની સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોય અને એ સ્વાયત્તતા રાજસત્તા છીનવી લે, તો એને કઈ રીતે સમજાય-જોવાય ? એ ઉપરાંત, લોકશાહીપ્રથા હોવા છતાં રાજસત્તા પોતાની મનમાની કરે; તો સર્જકોએ શું કરવું જોઈએ ? આજે આપણે ગુજરાતના સાહિત્યસર્જકો એક એવા પ્રકારની સ્વાયત્તતા ગુમાવી ચૂક્યા છીએ કે જે પરત મેળવવી એ સહુ સર્જકોની ફરજ પણ બને છે, કારણ કે સ્વાયત્તતા હોવી એ અનિવાર્ય આવશ્યકતા છે. અકાદમીની સ્વાયત્તતા ગુમાવ્યાને અઢાર વર્ષો વીતી ગયાં છે. સાહિત્ય પરિષદે ૨૦૦૭માં એ અંગે ઠરાવ કરેલો. પછી ૨૦૧૫થી અમુક સ્વાયત્તતાપ્રેમી સર્જકોએ સાથે મળી સ્વાયત્ત અકાદમી-આંદોલન સક્રિય કર્યું. પરિષદ એમાં ક્રમશઃ સંકળાવા લાગી. આંદોલનના તબક્કાવાર ચઢાવો પછી પરિષદ હવે પૂરેપૂરી સક્રિય થવા જઈ રહી છે. ૨૦૧૯ના જ્ઞાનસત્રમાં ઠરાવો પણ થયા. હવે એ અંગેના ઠરાવ અને શ્રેણિબદ્ધ કાર્યક્રમો અંગેની પગલાં સમિતિ ઘડાઈને સક્રિય થવામાં હતી, ત્યાં જ કોરોનાકાળ શરૂ થયો, લૉકડાઉન આરંભાયાં. હવે તો સર્જકે અને એની સાથે સંલગ્ન સંસ્થાઓએ પોતાની સ્વાયત્ત સ્વતંત્રતાબળે કરીને એ પરત મેળવવા જે કરવું જોઈએ તે કરવા માટે સર્જક મિજાજ સાથે પ્રવૃત્ત થવાનું રહે. એક સાહિત્ય સર્જકોના એકમ લેખે પરિષદે પરિણામલક્ષી પણ હોવું ઘટે. એટલે એના કાર્યક્રમોમાં જોમ અને નર્મદ કથિત જોસ્સો, ગાંધીપ્રેરિત અપીલ, ઉમાશંકર-દર્શક જેવી દૃઢતા અને નિરંજન ભગત જેવી સ્વકીય મૂલ્યનિષ્ઠા અને એકનિષ્ઠા હોવાં જાઈએ.

આજે ૨૦૨૦નો છેલ્લો તબક્કો ચાલે છે. માથા ઉપર પરિષદ-પ્રમુખના પદ માટે ત્રિપાંખિયો જંગ મંડાઈ ચૂક્યો છે. આ સમય પ્રત્યેક સર્જકે પોતાની જાતને તપાસવાનો પણ છે. સ્વાયત્તતા વિનાની સર્જકતાનું કાઠું કેટલું બળવત્તર ? આ સવાલ એ કોઈ રાજકીય પક્ષનો નથી, સર્જકોનો પોતાનો છે : પોતાને શું ખપે છે, સરકારી સૂચનપરસ્તી કે કોઈ સત્તાધારી પક્ષની દોરવણી? સંભવ છે કે એ માટે નાણું મળે, છતાં એમાં સર્જકની સ્વાયત્તતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ક્યાં ? અમુક સર્જકો કોઈ પક્ષને માનતા હોય. એ પક્ષ સર્જક અને એની સંસ્થાની સ્વાયત્તતામાં ના માનતો હોય અને એનાથી વિરુદ્ધ સત્તાબળે પોતાનાં પક્ષીય ધોરણો આવી સંસ્થાઓમાં સ્થાપવા માગતા હોય. છેવટે તો સર્જક તરીકે એ સર્જકને પણ અસર કરશે જ, જે એ રાજકીય પક્ષમાં માનતો હોય. લોકશાહીમાં આવાં રાજકીય વલણો અંતે તો સર્જકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતાને જ નેસ્તનાબૂદ કરવા ભણી લઈ જાય છે. વ્યાપક રીતે વિચારીએ તો કોઈ પણ દેશની રાજકીય સ્થિતિ એના સ્વતંત્ર નાગરિકો ઉપર નિર્ભર હોય છે. સર્જકો પણ નાગરિકો જ છે. આપણા દેશની હાલની તમામ સરકારી ગતિવિધિઓ જોતાં માત્ર સર્જકોના જ નહીં, નાગરિકોની સ્વાયત્તતાના સવાલો ઊભા થઈ ચૂક્યા છે, ત્યારે સર્જકે રાજકીય પક્ષના ઓઠે રહેવાનો કશો અર્થ નથી. એણે તો જેવી છે તેવી, એની પોતાની અને એની સાથે સંલગ્ન તમામ સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતા અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય અંગે ના કેવળ સચેત થવાની જરૂર છે, પરંતુ એ અંગે સક્રિય ભાગીદારી કરી એવાં બળોને સાથ આપવાની જરૂર છે, જે સ્વાયત્તતા માટે મથે છે, સંઘર્ષ કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 05-06

Loading

દવા એ જ દારૂ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 September 2020

'હેલો, આ એકટ્રેસોનું શું છે?'
'શું હોય? બધીઓ માંદી છે.'
'મેં તો જુદું જ સાંભળ્યું છે.'
'શું?'
'એ જ કે બધી ડ્રગ્સ લે છે.'
'તે બરાબર જ છેને ! '
'એ કઈ રીતે?'
'માંદી હોય તો જ ડ્રગ્સ લેને!'
'હેલો, તું ડોબીની ડોબી જ રહી !'
'તે કઈ રીતે?'
'હું દવાની નહીં, 'ડ્રગ્સ'ની વાત કરું છું.'
'ડોબી હું નથી, તું છે.'
'તે કઈ રીતે?'
'હવે માંદા હોય તે જ ડ્રગ્સ લે એવું નથી.'
'એમ? તો, તો કાલથી હું પણ લઈશ.'
'હવે તો લોકો જુદી રીતે નશો કરે છે.'
'મને તો ખબર જ નહીં !'
'તો શું? આ લોકો તો ખાંસીના સિરપ લે છે,'
'તે તો ખાંસી રોકવા હશે.'
'કપાળ તારું. ખાંસી રોકવા આખી બાટલી ?'
'ઓત્તારીની ! આ હાળું ખરું.'
'લોકો તો સિરપમાં સોડા નાખીને ઢીંચે છે.'
'એ ખરું. દવાની દવા ને નશાનો નશો.'
'દવા ને દારૂ એ બધું જુદું નથી કૈં !'
'હા, હવે તો દવા જ દારૂ થઈ ગઈ છે !'

૦

દંડને દંડવત …

૦

પોલીસ : એઈ, માસ્ક ક્યાં છે?
ચોર : આ રહ્યું.
પોલીસ : તે ગજવામાં કેમ રાખ્યું છે?
ચોર : માસ્ક ચોરેલું છે.
પો : તે પહેર્યું કેમ નથી?
ચો : પહેરું તો ચોર લાગુને !
પો : એ તો મંત્રીઓ પણ પહેરે, ને તું તો ચોર જ –
ચો : ચોર નથી. ખાલી માસ્ક ચોર્યું છે.
પો : તે ચોર જ કહેવાય.
ચો : સોરી. માસ્ક ચોર્યું, પણ પહેર્યું નથી.
પો : પહેર્યું કેમ નથી?'
ચો : પહેરતાં આવડતું નથી.
પો : પહેરાવી આપું. બોલતો કેમ નથી?
ચો : થેંક યુ !
પો : એઈ, જાય છે ક્યાં?
ચો : હવે શું છે?
પો : દંડ લાવ.
ચો : શેનો દંડ?
પો : માસ્ક નથી પહેર્યું તેનો.
ચો : આ શું, માસ્ક પહેરેલું તો છે.
પો : પહેલાં નો'તું પહેર્યુને !
ચો : હવે તો પહેરેલું છેને !
પો : તે નહીં ચાલે.
ચો : તો કાઢી નાખું?
પો : બકવાસ નહીં ! ફાઈન ભર ! 
ચો : ફાઈન? વેરી ફાઈન !
પો : વેરી ફાઈન નહીં, ફાઈન !  દંડ !
ચો : કેટલો?
પો : હજાર રુપિયા !
ચો : પૈસા જ નથી.
પો : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ ચાલશે.
ચો : કાર્ડ હોત તો માસ્ક શું કામ ચોરતે ?

૦ 

અટપટું ચટપટું

૦

'પપ્પા, આ વિચિત્ર લિંક ભણવામાં આવી છે.'
'અરે ! આ તો deoએ મોકલી છે ! '
'એ શું છે?'
'એ પોર્ન લિંક છે.'
'એટલે શું? સમજાયું નહીં.'
'એ તો તારા deoને પણ સમજાયું નથી.'
'આવું મારે ભણવાનું?'
'મારે ભણવાનું તે તને મોકલી દીધું લાગે છે.'

૦

'હવે દાળ-શાક આવશ્યક ચીજોમાંથી પણ બાકાત?'

'હા. ગરીબો માટે ઝેર જ આવશ્યક રહ્યું છે હવે તો!'

૦

૦૦૦   

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 30 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1532,1542,1552,156...2,1602,1702,180...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved