Opinion Magazine
Number of visits: 10,226,579
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથથી મળસફાઈ કરનારા વધે છે, પુનર્વસનનું બજેટ ઘટે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 March 2021

સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.

૨૦૨૦-૨૧ના વરસના અંદાજપત્રને હાંસિયાના લોકોના લાભાલાભની રીતે મૂલવીએ તો નિરાશા સાંપડે છે. બહુ પ્રચારિત અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાનો બીજો તબક્કો  શરૂ થઈ ગયો છે. પણ જેમના માથે દેશ આખાની સ્વચ્છતાની જવાબદારી મરાઈ છે તેવા ગટર કામદારો, સફાઈ કામદારો કે હાથથી મળસફાઈ કરનારાના જીવનમાં ઝાઝો ફેર આણી શકાયો નથી. ભારતની સમાજવ્યવસ્થાની એ બલિહારી છે કે વર્ણબહારના ગણાયેલા દલિતોના માથે સફાઈના ગંદા કે હલકા ગણાતાં કામો કરવાનાં આવ્યાં છે. ચન્દ્ર કે મંગળ મિશનના આયોજક દેશમાં હજુ હાથથી મળસફાઈને સંપૂર્ણ તિલાંજલી અપાઈ નથી. દેશનાં અનેક શહેરો અને જિલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરાઈ રહ્યાં છે. ઘરેઘરે સંડાસ બનાવાઈ રહ્યાં છે. બીજી તરફ ખુદ સરકાર હાથથી મળસફાઈ કરનારા અને ગટરમાં ઊતરીને સફાઈ કરનારા વધી રહ્યાના આંકડા સંસદમાં આપે છે.

મહારાષ્ટ્રના લોકસભા સભ્ય સુધાકર તુકારામ શિંગારેના અતારાંકિત પ્રશ્ન ક્રમાંક ૫૫, તા.૨-૨-૨૦૨૧ના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે ૨૦૧૬થી ૨૦૨૦ સુધીમાં દેશનાં ૧૯ રાજ્યોમાં ૩૪૦ લોકોના ગટરમાં ઉતરીને સફાઈ કરવાના કારણે મોત થયાં છે. સૌથી વધુ બાવન ગટર કામદારોનાં મોત ઉત્તરપ્રદેશમાં તે પછી તમિલનાડુમાં ૪૩, દિલ્હીમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૪ અને ગુજરાત તથા હરિયાણામાં ૩૧-૩૧ સફાઈ કામદારોનાં મોત થયાં છે. રાજ્યસભામાં મંત્રી મહોદયે આપેલી માહિતી મુજબ ૩૪૦માંથી ૨૧૭ને જ વળતર ચૂકવી શકાયું છે; કેમ કે બાકીના મરણ પામેલા ગટર કામદારો વિશે પૂરતી વિગતો મળતી નથી. ગટર સાફ કરવાને કારણે મરણ થયાં છે તે હકીકત છે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમને વળતર પણ ચૂકવવાનું છે, પણ જેમને ગેરકાયદે ગટરમાં ઉતારીને મારી નંખાયા છે તેમનાં નામ-ઠામનો પત્તો વિશ્વગુરુ બનવા માંગતા દેશના વહીવટી તંત્ર પાસે નથી !

ગટરસફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારોની સાચી માહિતી જેમ સરકાર પાસે નથી તેમ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કહેતાં માથે મેલું ઉપાડનારા કે હાથથી મળસફાઈ કરનારા લોકો દેશમાં ખરેખર કેટલાં છે તેના અધિકૃત, ચોક્કસ અને વિશ્વસનીય આંકડા પણ સરકાર પાસે નથી. રાજ્યસભાના વર્તમાન સત્રમાં સરકારે હાથથી મળસફાઈ કરનારા ૬૬,૬૯૨ લોકોની ઓળખ થઈ હોવાનું લેખિતમાં સ્વીકાર્યું છે. તેમાં પણ અડધોઅડધ કરતાં વધુ, ૩૭,૩૭૯ના આંક સાથે, યુ.પી. અવ્વલ છે. સરકારી સંસ્થા “નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન”ના ૨૦૧૩ના ૧૩ રાજ્યોના સર્વેમાં હાથથી મળસફાઈ કરનારાનો આંક ૧૪,૫૦૫ દર્શાવ્યો છે. ૨૦૧૮-૧૯માં ૧૮ રાજ્યોના ૧૭૦ જિલ્લાના ૮૭,૯૧૩ લોકોની હાથથી મળસફાઈ કરનારા તરીકે ઓળખ થઈ હતી. પરંતુ રાજ્ય સરકારોને તે સ્વીકાર્ય નહોતી. એટલે ૧૪ રાજ્યોના ૮૬ જિલ્લાના ૪૨,૪૦૩ની ઓળખ જ માન્ય રહી હતી. બિહાર, હરિયાણા, જમ્મુ-કશ્મીર અને તેલંગણાએ પોતાના રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ હોવાનો જ ધરાર ઈનકાર કર્યો છે. હવે ૨૦૨૦ના અંતે સરકાર તે વધીને ૬૬,૬૯૨નો થયાનું જણાવે છે. દેશમાં વિકાસ અને આધુનિકતાની, રેકર્ડ સમયમાં કોરોનાની રસી શોધ્યાની, ગુલબાંગો પોકારાય છે પણ મહાનગરો-નગરો અને ગામડાંઓમાં ગટરો અને ખાળકૂવા સાફ કરવા માટેનાં યંત્રો શોધાતાં નથી, શોધાયાં હોય તો ખરીદાતાં નથી  અને ખરીદાયાં હોય તો વપરાતાં નથી.

૧૯૯૩ અને ૨૦૧૩ના સૂકા જાજરૂ બનાવવા પ્રતિબંધ ફરમાવતા અને ગટરસફાઈ સહિતની હાથથી થતી મળસફાઈને ગેરકાયદે ઠેરવતા કાયદા થયા છે. કાયદામાં દોષિતોને જેલ અને દંડની સજાની જોગવાઈ છે પરંતુ ખાનગી ધોરણે જ નહીં સરકારી તંત્રોમાં પણ હાથથી મળસફાઈ અને ગટર સફાઈ કરાવવામાં આવી રહી છે અને સંસદમાં કહેવાયું છે તેમ આખા દેશમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી ! પૂર્વ ક્રિકેટર અને દિલ્હીના બી.જે.પી. સાંસદ ગૌતમ ગંભીરના પૂરક પ્રશ્નના જવાબમાં લોકસભામાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર હાથથી થતી મળસફાઈ માટે કોઈ નવો કાયદો ઘડવાની નથી કે હાલના કાયદામાં કોઈ સુધારો પણ કરવાની નથી. મંત્રીમહોદયની વાત સોઆની સાચી છે. કોઈ કડક કાયદો ઘડવાની નહીં, વર્તમાન કાયદાનો અમલ કરાવવાની જરૂર છે. કાયદા હેઠળ દોષિત ઠરેલ કોઈ એકાદને પણ દંડ અને સજા કરાવવાની જરૂર છે.

યંત્રોથી જ સફાઈ કરવાની રાષ્ટ્રીય નીતિ સરકાર ઘડી રહી હોવાનું સંસદને જણાવાયું છે. ગયા વરસના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે “અમારી સરકાર એ વાતે પ્રતિબધ્ધ છે કે ગટરની સફાઈ વ્યક્તિ દ્વારા ન જ કરવી. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ગટરોની સફાઈ યંત્રો દ્વારા કરાવવાની ટેકનિક શોધી રહી છે. સરકારના આ વિભાગો દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સતત સંપર્કમાં છે. જેથી તેઓ ગટર સફાઈની ટેકનિક અપનાવે. આ યોજનાનો કાનૂની અમલ કરવા સાથે ભારત સરકાર રાજ્યોને આર્થિક મદદ પણ કરશે.” નાણાં મંત્રીની આ ઘોષણા પછી દેશના કેટલા મહાનગરો-નગરોમાં ગટર સફાઈ માટે યંત્રો અપનાવાયાં કે ઘરેઘરે શૌચાલયો બની ગયાં તે તપાસનો વિષય છે. પણ  હા, હજુ ય ગટરસફાઈ કરતાં દલિતોના મરણ થઈ રહ્યાં છે.

રાજકીય ઈચ્છાશક્તિ વગરની સરકારો અને સંવેદનહીન સરકારી બાબુઓ આ બાબતે શું કરી શકે છે તેનું ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પાસે ફલશ કે પાણીબંધ જાજરૂ હોવાની બાંહેધરી માંગી હતી. તેનો અર્થ એ કે જનપ્રતિનિધિ બનવા માંગતી વ્યક્તિના ઘરે પણ પાણીસહિતના જાજરૂ ન હોવાની વાત સરકાર સ્વીકારે છે. અમદાવાદની મહાનગરપાલિકાના કમિશનરે તાબાના અધિકારીઓને લેખિત સૂચના આપી છે કે હવેથી સરકારી દસ્તાવેજ અને પત્રોમાં ગટરો માટે ‘મેનહોલ’ને બદલે ‘મશીનહોલ’ શબ્દનો જ ઉપયોગ કરવો ! ભલે માણસોને અંદર ઉતારીને ગટરો સાફ કરાવાય પણ ગટરો ‘મશીનહોલ’ કહેવાશે. ઘરે જાજરૂ ના હોવાની સજા વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવીને કરાશે.

ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિકને ગરિમાપૂર્ણ જીવનનો અને સન્માનજનક રોજગારનો અધિકાર આપે છે. છતાં દલિતોને જ સફાઈનું નિમ્ન ગણાતું કામ કરવું પડે છે. તેમને સન્માનજનક વૈકલ્પિક રોજગાર આપી તેમનું પુનર્વસન કરવાનું કામ સરકારનું છે. આ બાબતમાં સરકારી સંવેદના કેવી છે તેના પુરાવા પણ બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. ગટરકામદાર કે હાથથી મળસફાઈ કરનાર વ્યક્તિના કુટુંબના કોઈ એક સભ્યને સ્વરોજગાર માટે રૂ. ૪૦,૦૦૦ની આર્થિક સહાય, મહિને રૂ.૩,૦૦૦ની સહાય સાથે બે વરસ સુધી કૌશલ્યવિકાસની તાલીમ અને સ્વરોજગાર માટે રૂ.૩.૨૫ લાખ સુધીની લોનની રૂપાળી યોજના કાગળ પર જ છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સ્થાયી સમિતિના લોકસભામાં રજૂ થયેલા દસમા અહેવાલમાં જણાવ્યા મુજબ પુનર્વસન માટે લાયક ૪૮,૬૮૭ મેન્યુઅલ સ્કેવેન્જર્સમાંથી માત્ર ૩૦,૨૪૬ને જ પુનર્વસન માટે રોકડ સહાય મળી છે. તેમના કૌશલ્ય વિકાસ માટેની તાલીમ કે ગરિમાપૂર્ણ વૈકલ્પિક વ્યવસાયનું સર્જન કરવામાં આવ્યું નથી.

કેન્દ્રના ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં પુનર્વસન માટે માત્ર રૂ.૫ કરોડની જોગવાઈ હતી. ૨૦૧૯-૨૦માં રૂ.૧૧૦ કરોડની જોગવાઈ સામે બજેટ ફાળવણી રૂ.૮૪.૮૦ કરોડની જ થઈ હતી. ૨૦૨૦-૨૧માં ફરી એ જ રૂ.૧૧૦ કરોડની બજેટ જોગવાઈ તો કરી પણ છ મહિના સુધી એક પણ રૂપિયાની ફાળવણી થઈ નહીં. હવે સુધારેલા અંદાજમાં ૧૧૦ કરોડની ફાળવણી ઘટાડીને રૂ.૩૦ કરોડની અને ગયા વરસની રૂ.૧૧૦ કરોડની જોગવાઈમાં ઘટાડો કરીને ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે એટલે એક જ વરસમાં બજેટ જોગવાઈમાં ૭૩ ટકાનો કાપ કર્યો છે. સફાઈ કામદારોના પુનર્વસનનો જેમાં સમાવેશ થતો નથી તે સ્વચ્છ ભારત મિશનના ૨૦૨૦-૨૧ના બજેટની રૂ.૧૨,૩૦૦ કરોડની જોગવાઈ સુધારેલા અંદાજમાં ઘટીને રૂ.૭,૦૦૦ કરોડ થતાં તેમાં પણ ૪૩ ટકાનો કાપ મુકાયો છે. નવા નાણાકીય વરસમાં સ્વચ્છ ભારત મિશનની બજેટ જોગવાઈમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી.

ભારે આર્થિક અને તીવ્ર સામાજિક અસમાનતા ધરાવતા આપણા દેશમાં સમાજના નબળા કે હાંસિયાના વર્ગોના કલ્યાણનો ખ્યાલ વિકાસ, સશક્તિકરણ અને હવે અધિકારિતા અને ન્યાય જેવા રૂપાળા શબ્દોમાં બદલાઈ રહ્યો છે. પણ શબ્દોનો બદલાવ તેમના જીવનને બદલી શકે એવી આર્થિક જોગવાઈઓ અને યોજનાઓ, સામાજિક માહોલ અને રાજકીય ઈચ્છાશકિતનો ભારોભાર અભાવ પ્રવર્તે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો  ૨૦૧૯-૨૦નો બજેટ ખર્ચ રૂ.૮,૭૧૨.૬૧ કરોડ હતો. ૨૦૨૦-૨૧નું બજેટ અનુમાન રૂ.રૂ.૧૦,૧૦૩.૫૭ કરોડ હતું જે સુધારેલા અંદાજોમાં રૂ. ૫૦૫.૦૮ કરોડ ઘટાડીને રૂ.૮૨૦૭.૫૩ કરોડનું થઈ ગયું છે. હવે નવા બજેટમાં ગત વરસના અનુમાનમાં સામાન્ય વધારો કરીને રૂ.૧૦,૫૧૭.૬૨ કરોડની જોગવાઈ થઈ છે. દલિતોની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી થતી નથી. વધુ આંચકાજનક બાબત તો એ છે કે આ વરસની બજેટ સ્પીચમાં ફાઈનાન્સ મિનિસ્ટરે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ સબપ્લાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પૈકીના ચાર પશ્ચિમ બંગાળ, કેરળ, અસમ અને તમિલનાડુ માટે મોટી બજેટ જોગવાઈ થઈ છે. આ બજેટ જોગવાઈ રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ, મેટ્રો, ટેકસટાઈલ પાર્ક, સમુદ્રી શેવાળ પાર્ક માટે કરી છે. દેશની રાજધાની દિલ્હીના ૩૦ ટકા વિસ્તારમાં આજે ય ગટર લાઈન નથી.  આ ચાર રાજ્યોનાં મહાનગરો-નગરોની સ્થિતિ કંઈ દિલ્હી કરતાં સારી નથી. ત્યારે ગટરલાઈન માટે કોઈ બજેટ જોગવાઈ નથી. સ્માર્ટસિટી તો બનાવવાં છે, પણ સ્માર્ટ સેનિટેશન નહીં. દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવા સાથે જેમના માથે સફાઈનું કામ મારવામાં આવ્યું છે તેમને મુક્ત કરી ગરિમાયુક્ત રોજગાર માટેના નક્કર પગલાં અને યોજના કેમ વિચારાતાં નથી ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 10-11

Loading

Business As Usual

E.P Unny|Opinion - Cartoon|15 March 2021

courtesy : "The Indian Express", 13 March 2021

Loading

સાહિત્ય, લોકશાહી અને આપણે

જાગૃત ગાડીત|Opinion - Opinion|14 March 2021

લોકશાહી એટલે ચૂંટણી. ચૂંટણી એટલે લોકશાહી. ચૂંટણી એટલે જ લોકશાહી. ભારતદેશના લોકશાહીથી તરબતર નાગરિકોને આ બરાબર ખબર છે. સાહિત્યમાં પણ લોકશાહી જોઈએ. લોકશાહી સાહિત્યની ઉપર કે તેથી ઊલટું? બેમાંથી ખરેખર સિનિયર કોણ? અઘરા સવાલ છે. માટે જવા દો! માંડમાંડ મળતા એકલદોકલ સુજ્ઞ વાચકને પણ મારે ખોઈ દેવા નથી. પણ સાહિત્ય અને લોકશાહી વચ્ચેનો અફેર ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એવું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દર ત્રણ વર્ષે અચૂક યાદ કરાવે છે.

આ ચૂંટણી મારી અંદરના લોકશાહીથી તરબતર નાગરિક, માસ્તર અને બિલકુલ ટાઇમપાસ પ્રકારના લેખકની ગહન વિચારશીલતાને ઊંધે ગધેડે બેસાડી દોડાવે છે. પ્રમુખ અને સંવર્ધક વગેરેના મત (આ ‘ચોકડી’ જ કેમ?) તો આમતેમ જરા જોઈને આપી દેવાય. પણ મધ્યસ્થ સમિતિ ?

‘મધ્યે તિષ્ઠતિ ઇતિ!’ પણ ભઈલા, વચમાં ક્યાં અને કેમ ઊભા રહેવું છે એ તો કહે. ભારત દેશમાં બધાને ખબર છે. ઊભા રહેવું, તો વચમાં. મધ્યે. ભીડભાડવાળા રસ્તા પર ગાડી પાર્ક કરી શાંતિથી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરો. નડો તો કોઈ ઓળખે. ભાવ પૂછે. ‘હાંસિયા સમિતિ કે ‘સાઇડલાઇન સમિતિ’ હોય, તો કેટલા ઉમેદવારી નોંધાવે? ‘માર્ગદર્શકમંડળ’ માટે ચૂંટણી સાંભળી છે?

‘કમળ કે પંજો ?’ એવી સીધીસાદી રીતે મતદાન કરવા ટેવાયેલા મારામાંના ગુજ્જુની, મધ્યસ્થ સમિતિ બન્યા પહેલાં જ આકરી તાવણી કરે છે. ‘ચાલીસ કરતાં એક વધુ નહિ – અને એક ઓછો પણ નહીં’, ચૂંટણી-અધિકારીશ્રીની સ્થિર વેધક નજર મારા ચહેરા પર હું અનુભવું છું. અલ્યા, અમને ગુજ્જુઓને ‘પ’માંથી ‘ક’ કે ‘ક’માંથી ‘ખ’કરતાં દાયકાઓ લાગે છે! તેમાં ચાલીસ મત! આવો જુલમ ?

છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓથી, મતપત્રક આવે એટલે થોડા દિવસ એમ ને એમ જ ટેબલ પર મારી સામે જોતું પડી રહે છે.

ક્યારેક એકદમ ફ્રૅશ હોઉં અને લોકશાહીનો તરવરાટભર્યો ઊભરો આવે, તો હાથમાં લઉં પણ ખરો. પણ એ ઊભરો ટકે કેવી રીતે? એંસીનેવુંમાંથી શ્રેષ્ઠતમ ચાલીસ કેમ તારવવા? આડેધડ ફટકાબાજી કરવા ક્યારેક હાથ સળવળી ઊઠે, પણ પેલો ખોટો લોકશાહી સ્પિરિટ, કે વિવિધ મહાનુભાવોના કે બની બેઠેલા વિદ્વાનોનાં લખાણોનું બિનજરૂરી વાંચન કે છેલ્લે પૂર્વજો પાસેથી મળેલા ખોટા સંસ્કાર કે મિથ્યા અહંકાર વગેરે-વગેરે … સરખી રીતે તેમ પણ કરવા દેતા નથી.

શ્રેષ્ઠતમ ચાલીસ ? આમાંથી કેટલાંને તો હું ઓળખતો પણ નથી. એમ કરું, જેટલાં નામ જાણીતાં લાગે તેમને ચોકડી? પણ આ અહમમૂલક નથી? હું કોઈનું નામ જાણતો હોઉં તેને યોગ્યતા કેવી રીતે ગણી શકાય? કે અહમ્‌ બિલકુલ ઓગાળી નાખું? જેમનાં નામ એકદમ અજાણ્યાં હોય તેમને ચોકડો? પણ જેમ હું જાણતો હોઉં એ યોગ્યતા ન ગણાય તેમ હું ઓળખતો હોઉં એ ગેરલાયકાત પણ ન બનવી જોઈએ. મારા અહંકાર સાથેની સંતાકૂકડીમાં બીજાનો અને ખાસ કરીને પેલી લોકશાહીનો ભોગ કેમ લેવાય ? આવા વિચારોની થોડી ઊંચકમૂક કર્યા પછી થયું, તેલ લેવા જાય બધું. થોડો અહમ્‌ જરૂરી છે. અહમ્‌ છે, તો હું છું. જેટલા ચોક્કસ જાણીતા જણાય તેમના પર ચોકડી! પણ આ તો મારી સમસ્યાનો આંશિક હલ જ થયો. હું સાહિત્યમાં પૂરેપૂરો ઘૂસેલો નથી કે સાહિત્ય મારામાં પૂરેપૂરું ઘૂસેલું નથી. જાણીતાં નામ કચકચાવીને શોધ્યા બાદ પણ ચાલીસથી થોડો દૂર છું. વળી, નામ જાણીતું હોવાની કલ્પના પણ એટલી સરળ નથી એ બરાબર સમજાય છે. સ્મૃતિ અને મનના તરંગ આપની સાથે કેવી રમત કરે છે તે દેખાય છે. ડેનિયલ કાયનેમાન મારી સામે જોઈને હસે છે.

આ રવીન્દ્ર પારેખ એ જ હશેને જેણે યાસુનારી કાવાબાતાની ‘Thousand Cranes’નો અનુવાદ કર્યો હતો? દાયકાઓ પહેલાં વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી કૉલોનીના ‘ટી ક્વાર્ટરની લાંબી અગાશી પર ચાલતાં-ચાલતાં કેટલા ય દિવસ સુધી એ વિષાદમય કાવ્યાત્મક અનુભવે મને ઘેર્યો હતો. હાથ જાણબહાર જ ચોકડી મારી દે છે. પછી રેશનલ મગજ જાગૃત થાય છે. અલા, સિત્તેરના દસકામાં ભાઈકાકા લાઇબ્રેરીના જે અનુવાદિત પુસ્તકનું પૂંઠું જૂનું લાગતું હતું એના અનુવાદકની ઉંમર આજે કેટલી થાય ? આજે હશે ખરા ? એમનું નામ ખરેખર શું હતું ? કદાચ રવીન્દ્ર ઠાકોર ? જે હોય તે. રવીન્દ્ર તો ખરુંને ? રવીન્દ્ર તો હશેને ? ભગવાન જાણે! આમે ય હવે શું? લોકશાહીનો સુંદર અફર નિયમ છે. મારેલી ચોકડી પાછી ન લેવાય. આભાર.

આ પરેશ નાયક એ જ ને જેમણે જયંત ખત્રીની ‘ધાડ’ પરથી ફિલ્મ બનાવી હતી ? એ ફિલ્મની એક લાંબી સિક્વન્સ યાદગાર છે. આન્ટેઈ તાર્કોવ્સ્કી કે સત્યજીત રે જેવા શિખાઉ દિગ્દર્શકો સાથે જ સરખામણી કરી રહ્યો છું અને આ અનિલા દલાલ, પેલા જયંતિ દલાલ સાથે કોઈ સંબંધ હશે ? બાળપણથી પપ્પાનાં પુસ્તકોના ઘોડા પર જોયેલું ‘જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકીઓ’ યાદ આવે છે. બાજુમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનુવાદિત ‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ દેખાય છે. પણ મુખ્ય તો જયંતિ દલાલ અનુવાદિત ટૉલ્સટૉયનું ‘યુદ્ધ અને શાંતિ’. ચાર ભાગ! એ પણ નવમાદસમાનાં વૅકેશનોમાં વાંચેલું. નતાશા અને પિયર બેજુખોવ, બોલ્ફોન્મ્કી વગેરેનો પરિચય. હાથ ફરી ચોકડી કરી બેસે છે.

આ રીતે પરિચિતતાનો સાચોખોટો આભાસ આપતાં નામો પર ચોકડી માર્યા પછી પણ ચાલીસના જાદુઈ આંકડાથી થોડો દૂર જ છું. ચાલીસનો આંકડો જ કેમ ? ક્યાંથી આવ્યો ? અલીબાબા અને ચાલીસ ચોર ? અલીબાબા જાણે ચાલીસ ચોરનો સરદાર હોય એમ લાગે. અલીબાબા માટે જુદું વોટિંગ? અલીબાબામાં વળી પસંદગી કેવી ? એ તો એક અને માત્ર એક જ ન હોય ? વિવિધ મનોભાવો વચ્ચે અટવાતાં હું મતપત્ર હાથમાં થોડે દૂર રાખી, લોકશાહીને – તેમાં ય સાહિત્યમાં ઘૂસેલી લોકશાહીને – બચાવી લેવા નવી પ્રેરણા કે સ્ફુરણા માટે બારી બહાર નજર કરું છું.

ત્યાં જ મગજમાં પ્રકાશ થાય છે. પેલા લેખકો અને ટાઇમપાસ કવિઓ અમસ્તા જ બારીબહાર નથી જોયા કરતા! નવી-નવી પ્રેરણાઓ અને સ્ફુરણાઓ મળી આવે. ક્યારેક તો રસ્તે ચાલતી પણ દેખાય. લોકશાહીનું મહત્ત્વનું તત્ત્વ કયું? વૈવિધ્ય? તો પછી ઈશ્વરે નીમેલું મૂળભૂત વૈવિધ્ય સાહિત્યમાં તો દેખાવું જોઈએને? ચાલીસ ચોરમાં વીસેક સ્ત્રીઓ જોઈએને? ઇતિહાસ સાક્ષી છે, ચોરીના કસબ પર જ્યારે સ્ત્રીઓએ હાથ અજમાવ્યો છે, ત્યારે વધુ કાર્યક્ષમ અને સફળ નીવડી છે.

સ્ત્રી અને પુરુષ સિવાય અન્ય વિકલ્પો વિશે હું સભાન છું. પણ હમણાં બે મુખ્ય વિકલ્પોની જ વાત કરીએ. મુખ્ય એટલે મધ્યસ્થ. મધ્યસ્થસમિતિની ચૂંટણીમાં હાંસિયાને ભૂલી જઈએ તો ન ચાલે? લોકશાહીમાં પણ, હાંસિયામાં હોવાથી કંઈક તો ખોવું પડે ને અને આ તો ભારતદેશની લોકશાહી. મોટા ભાગના હાંસિયામાં જ હોય કે બધ્ધા? હાંસિયો જ પહોળો રાખ્યો છે.

મતપત્રક પર લિંગભેદવાળી નજર ફેરવું છું. ફક્ત બાર સ્ત્રી-ઉમેદવાર! લોકશાહીની આવી કરુણ દશા? બારે – બારને ચોકડી! હરખ પણ છે. ચાલીસ થયા? ના, હજુ ખૂટે છે. ચાલીસ એટલે ચાલીસ જ, એવું કેમ? પણ હવે હિંમત છે. મગજ તરત જ વિવિધ વિકલ્પો સૂચવવા માંડે છે. પેલો કાયનેમાન ફરી લુચ્ચું હસી રહ્યો છે. પ્રથમ સિસ્ટિમ! આપણું intuitive માઇન્ડ જે રૅશનલ નથી, જે ફાસ્ટ છે. આદિમ છે. સજ્જ છે. સહજ છે.

જ્ઞાતિ? સવર્ણ, પછાત? રૅશનલ મગજ તરત સજાગ બને છે. ના ના, એ વૈવિધ્ય છે અને જેટલું છે એ પૂરતું છે. જરૂરથી ઘણું વધારે છે. ‘જાતિ વો હૈ, કે જો જો કભી નહીં જાતી! એક અનુકૂળતા છે. નામ અને અટક જોતાં, લિંગ, જ્ઞાતિ, ધર્મ, પૂર્વજોનો ધંધો વગેરે મોટે ભાગે જણાઈ આવે છે. આ અનુકૂળતા ઘણા માટે આતંકિત યંત્રણા બનતી હોય છે એ હું જાણું છું. આપણી લોકશાહીમાં કેટલાયને અટક છુપાવતા, બદલતા, એનું ઉચ્ચારણ કરતાં ખચકાતાં, એના વિષે વિવિધ ખુલાસા કરતા આપણે ક્યાં નથી જોયા?

પણ બીજા એક વૈવિધ્યની ખામી આંખમાં કણાની જેમ પડે છે. સાહિત્યમાં કોઈ એક ધર્મવિશેષને જ રસ હોય એવું કેમ દેખાય છે? શું ભાષા બધાની નથી? એને ધર્મ સાથે શું લેવાદેવા? બાલિશ પ્રશ્નો છે, મને ખબર છે. સંકુલ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને રાજકારણ છે. ઘણાં મુસ્લિમ ઘરોમાં ગુજરાતીમાં બોલવું હલકું ગણાય છે. તમારી કિંમત થઈ જાય! અને એવા સદ્‌ગૃહસ્થો છે, જેમને બેસતા વર્ષે ‘સાલ મુબારક! કહીએ તો એમના નવા વર્ષ પર પરધર્મનો રંગ લાગી ગયો હોય એમ દુઃખી થઇ જાય. સાલ મુબારક!’ કેટલો સુંદર પ્રયોગ! નૂતન વર્ષાભિનંદન’ જ કહેવાનું! આપણી સંસ્કૃતિ તો જાળવવી પડે ને! વોટ્‌સએપ યુનિવર્સિટીના સ્નાતકો, અનુસ્નાતકો અને સંશોધકો આપણને જ્ઞાન આપે છે. ‘મારી આગળ સંસ્કૃતિની મા ના પૈણીશ!’ મારાથી કોઈ ઓળખીતા પર તતડી પડાય છે. પણ આપણે એ યાદ રાખી શકીએ કે બાંગ્લાભાષીઓના ઉત્કૃષ્ટ ભાષાપ્રેમને લીધે એક નવો દેશ બન્યો.

આમ તો મને સ્થાપિત ધર્મોમાં બહુ રસ નથી. પણ મારી ભાષા અને તેના સાહિત્યમાં એ વૈવિધ્ય ટકી રહે – બલકે વધે – એવી ઝંખના ખરી. ધર્મ આધારે એકાદ ચોકડી જ ઉમેરાઈ. હવે ચાલીસ થયા? પ્રેમાળ સહૃદયી વાચક પણ હવે અધીરો બન્યો છે. વારંવાર ગણવું પડે છે. તેત્રીસ થયા કે ચોત્રીસ? ફરી ગણો.

વૈવિધ્યના આઇડિયાને થોડો આગળ લઈ જઈએ તો? ભૌગોલિક વૈવિધ્ય? ગુજરાતના ખૂણેખૂણેથી – દરેક જિલ્લામાંથી – પ્રતિનિધિત્વ આવે તો સારું નહીં? વહેંચાવું, વિખેરાવું અને કેન્દ્રસ્થ થવું, મધ્યસ્થ થવું એ બેની વચ્ચેનું સંતુલન – એ જ તો છે લોકશાહી! હાંસિયો કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયામાં જાય. હાંસિયો કેન્દ્રના કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયાના હાંસિયામાં જાય. પેલો દેરિદા આંખ મારે છે, “અલ્યા, મારો ધંધો પણ તું લઈ લઈશ?”

પણ આ આઇડિયાનો અમલ મુશ્કેલ છે. નામ ને અટક પરથી ભૌગોલિક સ્થાનનું આંશિક અનુમાન જ થઈ શકે છે. ખોટો વોટ જઈ શકે. ખોટો વોટ એટલે અન્યાય. લોકશાહીના નામે અન્યાય? ન ચાલે, મતપત્રક  મુકાઈ જાય છે. ફરી ક્યારેક આગળ વિચારીશું.

બેચાર દિવસ ટેબલ પર નજરમાં આવ્યા કરે છે – જાણીજોઈને એમ રાખ્યું છે. ઝીણી સતામણી મનમાં રહ્યા કરે છે. યુવાવસ્થાનો હું હોત, તો મતપત્રક કાયમ માટે બાકી જ રહ્યું હોત. એવા કેટલા ય મતપત્રક કચરામાં ગયા હશે. પણ ઉંમર સાથે આવાં કામ પૂરાં કરવાની બેચેની વધે છે. ક્યારે પતાવું અને પોસ્ટ કરી દઉં! કામ પતવાથી મનને નાની સિદ્ધિનો અનુભવ થાય. બીજું કામ કરવાની તાકાત મળે. મનોવિજ્ઞાન સહેલું જ છે સ્તો!

યુવાવસ્થામાં મોટી સિદ્ધિઓ મેળવવાની હોય છે. નાની-નાની સિદ્ધિઓ તરફ ધ્યાન આપવાની ફુરસદ હોતી નથી. પણ પચાસ પછી હાલત પેલી કચરો વીણવાવાળી જેવી હોય છે. સવારથી ટોપલો લઈને નીકળીએ અને નાની-મોટી જે મળે તે ભેગી કર્યા કરીએ. હરખ થાય. સાંજ પડે બૈરીને હિસાબ અપાય. પણ આ મધ્યસ્થ સમિતિ જલદી હરખ થવા દે એમ નથી. ખરેખર મધ્યસ્થ છે. ટેબલની વચ્ચોવચ પડેલી છે. નડે છે.

એકબે દિવસમાં એક નવો વૈવિધ્ય-ચમકારો થાય છે. અટકનું કેવું? આપણી અટકો અને તેમની વ્યુત્પત્તિનો ઇતિહાસ બેનમૂન હશે એવું મને ઘણીવાર લાગ્યું છે. એવી કોઈ અટક છે, જે પહેલી વાર જ જોઈ હોય? આ શાહ, પટેલ, જોશી, મહેતા, પરમાર, રાઠોડ બધાથી કંટાળી ગયો છું. મારી સામે ફરકવું જ નહીં! કંઈક વેરાઇટી જોઈએ! બેએક ચોકડી ઉમેરાઈ જાય છે. ચાલીસ હવે ખાસા નજીક છે. શું હવે સિદ્ધિ પ્રાપ્ત થશે? કોઈ તાંત્રિક પાસે જઈને સિદ્ધિપ્રાપ્તિ યંત્ર બનાવવું પડશે?

બેત્રણ દિવસમાં, મતપત્રક પર અનેક વાર ત્રાંસી ચિંતિત નજર ફર્યા પછી, ફરી પ્રકાશ થાય છે. મતપત્રક પર ચોકડીઓ ઘણી અનિયમિત રીતે પથરાયેલી છે. અમુક ઝૂમખાં બની ગયા છે. સળંગ પાંચ-છ, કે સળંગ ખાલી જગ્યા. આ અનિયમિતતા એ બિનરૈખિક્તા (non linearity) છે, એમ અંદરનો ઍન્જિનિયર કહે છે. બિનરૈખિકતા જીવંતતાનું સ્વરૂપ છે એ હું જાણું છું. પણ થોડું સરખું, વ્યવસ્થિત કરવાની માનવસહજ ઝંખના ઉભરાઈ આવે છે. આ ઇચ્છાએ જ માણસજાતની પત્તર ફાડી છે એ પણ હું સમજું છુ. પણ સમજ્યા પ્રમાણે જ બધું કરું તો હું માણસ શાનો?

ચાલીસમાં કેટલી ખૂટે છે તે બરાબર ગણી લીધી. બે વાર. ત્રણથી વધુ સળંગ ખાલી સ્થાન હોય ત્યાં મારવી. એ ખાલી સ્થાનોમાં પણ શાહ, પટેલ, પરમાર વગેરે બાદ. ઓગણચાલીસની ગણતરીએ ફરી અટકું છું. ક્યાંક વધારે ન થઈ જાય! આ ‘ચાલીસ અને ફક્ત ચાલીસ’નો જુલમ દૂર કરો ભાઈ! થોડા ઓછાવત્તા ચોર પણ ધાડ તો પાડી જ શકે. કદાચ વધુ અસરકારક રીતે ફરી બે વાર ગણું છું. ઓગણચાલીસ જ છે. ધડકતા દિલે છેલ્લી ચોકડી.

આ catharsis શું બલા છે તે અચાનક સમજાય છે. આંખમાં આંસુ આવવાનાં જ બાકી છે. ત્યાં જ પરમજ્ઞાન, બોધજ્ઞાન કે સાક્ષાત્કાર જે ગણો તેની ઘડી આવી પડે છે. આ યુરેકાક્ષણ મોડી પડી છે. અથવા ત્રણ વર્ષ વહેલી. આટલું મગજનું દહીં કરવા કરતાં ભગવાનભરોસે ન છોડી શકાય? ઉપરવાળો સુયોગ્ય ચાલીસ પસંદ કરી લે તો શું ખોટું? ઘરના મંદિર આગળ ચિઠ્ઠી નાંખી નિર્ણય લેનાર ઓળખીતાઓ યાદ આવે છે. યાદ્દચ્છિક્તા (randomness) ઈશ્વરીય છે.

યાદ્દચ્છિક્તા આપણે ધારીએ એમ મૂર્ખતાનું લક્ષણ નથી, અંદરનો AI ભણાવતો માસ્તર યાદ કરાવે છે. ઘણીવાર યાદ્દચ્છિક્તા ઉમેરીને એજન્ટને વધુ રૅશનલ બનાવી શકાય છે. ડોબાને હોશિયાર બનાવી શકાય છે. સાચું નથી લાગતું ને? માસ્તર વધારે ડિટેઇલમાં જવા આગ્રહ કરે છે. હું એને ચૂપ કરી દઉં છું. પણ એ જતાં-જતાં એટલું તો કહી જ દે છે કે તમે સોશિયલ મીડિયાની જે પણ એપ્સ વાપરો છો, એ બધી યાદ્દચ્છિક્તાનો વ્યૂહાત્મક ઉપયોગ તમારું વ્યસન – અને પોતાનો નફો – વધારવા માટે કરે છે.

તો એકથી એક્યાસી નંબરની ચિઠ્ઠીઓ બનાવી દેવાની એટલું જ ને? ત્યાં જ અંદરનો એન્જિનિયર ટપારે છે. અલ્યા, એટલી બધી ચિઠ્ઠીઓની ક્યાં જરૂર છે? સંભાવના(probability)ના સ્કૂલના પાઠ પણ ભૂલી ગયો? ખાલી દસ જ જોઈએ – ૦થી ૯. પત્તાંની કેટ સારી કામ આપે. એક્કાથી દસ્સો. દસ્સો એ શૂન્ય. રતન ખત્રીની જરૂર છે. હમણાં-હમણાં જ ગયા. ઉપર ઈશ્વરને મદદ કરતા હશે. એમણે યાદ્દચ્છિક્તા(randomness)ની દિવ્યતાને બરોબર ઓળખી હતી. જે પારદર્શિતાથી એમણે વર્ષો સુધી પત્તાંની કેટ પરથી આંકડા કાઢ્યા એનાથી ચોથા ભાગની આપણી પ્રજામાં હોય, તો ઉદ્ધાર થઈ જાય.

આ બાયોપિકના જમાનામાં રતન ખત્રીને કોઈ યાદ કરો મટકાકિંગ, તેમની આસપાસની કિંવદંતીઓ અને તેની સાથે વણાયેલી ગરીબવર્ગની આર્થિક સામાજિક પરિસ્થિતિઓ અને પેદા થતી માઇથોલૉજી. એવી સ્ક્રિપ્ટ કોઈ લખતું હોય, અને મને ટિપ્પણી માટે મોકલે, તો વિનામૂલ્ય જોઈ આપવાનું વચન આપું છું.

ઝીણી નજરવાળા સુજ્ઞવાચક એમ કહી શકે કે આગળ તો આડેધડ ફટકાબાજી કરવામાં સંસ્કાર, અહમ્‌ વગેરે નડતાં હતાં અને હવે ચિઠ્ઠી ઉપાડવાનું કહો છો? આજકાલ ઠેકાણું નહીં – લૉકડાઉનની નવરાશ પછી ઘણાંની બુદ્ધિ કુશાગ્ર બની ચૂકી છે. નવરાશથી બુદ્ધિની અણી નીકળે કે બુઠ્ઠી થાય એ વિવાદાસ્પદ મુદ્દો કોઈને લાગી શકે. આને મારો અંગત અભિપ્રાય ગણવો.

એ સ્પષ્ટતા જરૂર કરી દઉં કે શુદ્ધ યાદ્દચ્છિકતા અને આડેધડ ફટકાબાજી એ બે અલગ છે. આડેધડ ફટકાબાજીમાં તમે મતપત્રકની સામે તો જુઓ જ છો. એટલે એમાં ઓળખીતા અજાણ્યા, ગમતા, અણગમતા વગેરે પ્રગટ અને પ્રચ્છન્નભાવો સાથે મનોવિજ્ઞાન ભળે જ છે. ભૂવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે. એ શુદ્ધ યાદ્દચ્છિકતાથી ઘણું દૂર છે.

પણ આખરે હું રતન ખત્રીની નિર્મળ યાદ્દચ્છિક્તાથી સુસજ્જ છું. જેટલા મતપત્રક મોકલવા હોય તેટલા મોકલો! દસ પત્તાં લઈને બેસવાનું એટલું જ ને! હવે પરિસ્થિતિ ઊલટી છે. ત્રણ વર્ષ લાંબો સમય લાગે છે. દર વર્ષે ચૂંટણી રાખો. બને તો દર છ મહિને. યાદ્દચ્છિકતાની જય! લોકશાહીની જય! ઈશ્વરીય લોકશાહીની જય!

૫, આનંદવિલા બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 12-13

Loading

...102030...2,1402,1412,1422,143...2,1502,1602,170...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved