Opinion Magazine
Number of visits: 10,226,399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ ખાડે તો ગયેલું જ હતું, હવે અખાડે ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 May 2021

કોરોના વૈશ્વિક મહામારી છે તે કરતાં તે રાષ્ટ્રીય કમનસીબી વધુ છે. કમનસીબી એ અર્થમાં કે પ્રજા સાચું જાણી શકતી નથી. એક તરફ કેસ ઘટી રહ્યાનું કહેવાય છે, તો બીજી તરફ 4 લાખથી વધુ કેસો નવા નોંધાય છે ને મૃત્યુ આંક પણ ચારેક હજાર નજીકનો બતાવાય છે. સવા ત્રણ લાખ દરદીઓ સાજા થયા છે તો તે વાત પણ નોંધવી ઘટે, પણ સચ્ચાઈ પ્રજા સુધી પહોંચતી નથી એટલે તે ડરેલી અને મરેલી વધુ જણાય છે. સુપ્રીમ કોર્ટ એક તરફ ઓક્સિજન મુદ્દે કેન્દ્ર સરકારને ઠપકો આપે છે તો બીજી તરફ મંત્રીઓ ઓક્સિજન પહોંચાડવા બદલ વડા પ્રધાનની આરતી ઉતારે છે. વડા પ્રધાન એ મામલે કેટલા જવાબદાર છે તે તેઓ જાણે, પણ દેશમાં નકલખોર અને આપવડાઈ કરતાં ફોટોમંત્રીઓની જમાત ઊભી થઈ છે, જે રોબોટને શરમાવે એટલા આજ્ઞાંકિત અને ખર્ચાળ છે. એનો તાજો દાખલો ગુજરાતના મુખ્ય મંત્રી પૂરો પાડી રહ્યા છે. મુખ્ય મંત્રી સાથે વડા પ્રધાન છે કે વડા પ્રધાન સાથે મુખ્ય મંત્રી છે એ નક્કી ન થાય એટલી હદે ફોટો-ફોટો રમાય છે. કોઈ પણ અભિનેતા કરતાં નેતાઓના વધુ ફોટોસેશન ચાલતાં હોય તો નવાઈ નહીં. કેન્દ્રએ લોકડાઉન કરવાની જવાબદારી રાજ્ય પર નાખી છે ને જે તે રાજ્યોએ લોકડાઉન લાદ્યાં, લંબાવ્યાં પણ છે, પણ આપણા મુખ્ય મંત્રી કહે છે કે કેન્દ્ર સરકાર કહેશે તો જ લોકડાઉન લાવીશું. રસીને મામલે પણ લોકો અટવાય છે. કમાલ એ છે કે રસી સરકાર પાસે છે, પણ લોકોને તે મળતી નથી. જાતભાતની મીટિંગો છાશવારે થાય છે, પણ વાત પાણી વલોવવાથી આગળ જતી નથી.

વાતાવરણ એટલું ડહોળાયેલું છે કે બોર્ડની પરીક્ષાઓ લેવાય એમ નથી. જો કે શિક્ષણ વિભાગ મગનું નામ મરી પાડતો નથી. સી.બી.એસ.ઈ.એ દસમાં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી છે અને પરિણામો અગાઉની પરીક્ષાઓ અને પ્રોજેકટ વર્ક સહિતનાં પેરામીટર્સને આધારે આપવાની વાત છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ આ મામલે શું કરવા માંગે છે તે અંગે ચૂપ છે. આ ચૂપકીદી તોડવા વાલીઓએ હાઇકોર્ટમાં ધોરણ દસની પરીક્ષાઓ રદ્દ કરવા પિટિશન કરી છે. વાલીઓની રજૂઆત એવી છે કે આવનારા મહિનાઓમાં પરીક્ષા લેવાશે તો હજારો વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનું જોખમ છે. સી.બી.એસ.ઈ.એ પરીક્ષા રદ્દ કરી છે, જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 10ની પરીક્ષા મોકૂફ રાખી છે. વાલીઓની રજૂઆત એવી પણ છે કે 10ની પરીક્ષા મોડી લેવાશે તો ધોરણ 11 પણ મોડું શરૂ થશે, એ સ્થિતિમાં ગુજરાત બોર્ડે પણ 10ની પરીક્ષા રદ્દ કરવી જોઈએ. વળી મંડળે પિટિશનની અર્જન્ટ સુનાવણીની માંગણી પણ કરી છે, કોર્ટ તે કરશે પણ ખરી, પણ તેને માટે પણ નિર્ણય કરવાનું સહેલું નહીં જ હોય, કારણ સી.બી.એસ.ઈ.ને 10ની પરીક્ષા રદ્દ કરવાની અનુકૂળતા હતી તે ગુજરાત બોર્ડને નથી.

ગુજરાતનો શિક્ષણ વિભાગ તુક્કાઓ પર ચાલ્યો છે ને ચાલે છે. 24 માર્ચ, 2020થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થયું ત્યારે દેશ આખામાં કોરોનાના છસો કેસ પણ ન હતા. એવામાં આખા દેશમાં તે લાગુ કરવાનું અર્થતંત્રનાં હિતમાં ન હતું, પણ વડા પ્રધાનને ત્યારે લોકડાઉન પહેલો વિકલ્પ લાગ્યો ને આજે જ્યારે લાખોની સંખ્યામાં કેસ વધે છે, ત્યારે લોકડાઉનને સાહેબ છેલ્લો વિકલ્પ ગણે છે. 2020નું આ લોકડાઉન મહિનાઓ સુધી ચાલ્યું અને અર્થતંત્રની પથારી તો એમાં ફરી જ, શિક્ષણનો ય દાટ વળી ગયો. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ મહિનાઓ સુધી બંધ રહી. એમાં વળી ઓનલાઇન શિક્ષણનો પવન ફૂંકાયો. સરકારે જેમ સૂઝ્યું તેમ શિક્ષણને નામે આડેધડ હાંક્યે રાખ્યું. ઓનલાઈન શિક્ષણ મનસ્વી રહ્યું. હેતુ તો ભણાવવાનો જ હતો, પણ ભણનાર અને ભણાવનાર માટે એ ટાઈમપાસથી વિશેષ ન હતું. એમાં એકમ કસોટી અને એવી બીજી કસોટીઓને નામે અનેક પ્રયોગો થયા. સામાન્ય સંજોગોમાં વર્ગખંડોમાં લેવાતી પરીક્ષાઓમાં ચોરી રોકી શકાતી ન હતી, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓમાં તો કોઈ જોનાર જ ન હતું એટલે જોઈને લખતાં કોઈ રોકે એમ ન હતું. એનું મૂલ્યાંકન પણ કેવું હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ મંત્રીએ જેમની પાસે ઓનલાઈન શિક્ષણ પામવાની સુવિધાઓ ન હતી તેમને પુસ્તકો અને અન્ય તકો પૂરી પાડવાનું એક મુલાકાતમાં કહેલું, પણ એ દિશામાં નક્કર કશું થયું હોવાનું જણાયું નથી.

ધારો કે થોડું થયું હોય, તો પણ સરકાર, બસ સેવાઓ ય ન હોય એવા વિસ્તારોમાં આજની તારીખમાં પણ ઓનલાઈન કે અન્ય રીતે ખાસ પહોંચી નથી, એ સ્થિતિમાં ગામડાંઓ અને વનવિસ્તારોના વિદ્યાર્થીઓની દસમાંની પરીક્ષાનું શું એ પ્રશ્ન શરૂઆતથી રહ્યો છે ને હકીકત એ છે કે એ દિશામાં ખાસ કૈં થયું નથી. ધારો કે 10ની પરીક્ષા રદ્દ થાય છે અને સી.બી.એસ.ઈ.ની રીતે પરિણામ આપવું છે, તો તેવી અનુકૂળતા ગુજરાત બોર્ડને નથી, કારણ અહીં ઓનલાઈન શિક્ષણ બધે થયું નથી, થયું છે ત્યાં શિક્ષણની કે પરીક્ષાની ગંભીરતા જળવાઈ નથી, ક્યાંક તો શિક્ષણકાર્ય જ થયું નથી, ત્યાં દસમાંની પરીક્ષા રદ્દ થાય તો કયા આધારે પરિણામો નક્કી કરવાં એ મોટો પ્રશ્ન છે.

માત્ર ધોરણ 10નો વિચાર કરીએ તો 2020ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ 2021માં પરીક્ષા આપે એમ બને. ગયે વર્ષે 9માંથી માસ પ્રમોશન લઈને 10માંમાં આવેલા વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે. એ સાથે જ 2021માં માસ પ્રમોશન લઈને પણ 10માં ધોરણમાં વિદ્યાર્થીઓ નવા ઉમેરાયા છે. એ રીતે 10માં ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો ભરાવો થયો છે. હવે ગયા વર્ષના 10મામાં આવેલાનો અને રિપિટર્સનો સરવાળો કરીએ તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓ થાય જે આજ સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સંખ્યા વધવાનું એક કારણ કોર્સમાં 30 ટકાનો ઘટાડો થયો તે છે. એનો લાભ રિપિટર્સને પણ મળે એવું લાગતાં આ વખતે વધુ ફોર્મ ભરાયાં છે.

એક વાત નક્કી છે કે પરીક્ષા રદ્દ થાય તો પણ 10માં ધોરણનું પરિણામ કોઈક આધારે તૈયાર કરવું પડે, પણ એ આધાર નથી, કારણ ક્યાંક શિક્ષણ ને પરીક્ષાઓ જેમ તેમ થયાં હોય તો પણ, તે, રાજ્યમાં બધે થયાં નથી, એટલે જેમની પરીક્ષા થઈ છે તે આધાર લેવાય તો જ્યાં પરીક્ષાઓ થઈ જ નથી ત્યાં કયો આધાર લેવો તે પ્રશ્ન છે. ધારો કે કોઈ આધાર વિના બધાંને જ 11માં ધોરણમાં મૂકવામાં આવે તો લગભગ સાડા બાર લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં જોગવવાનું સહેલું નહીં હોય. એટલે ક્યાં તો પરીક્ષાઓ યોજવી પડે અથવા 11ના વર્ગો વધારવા પડે ને એ બંને પ્રવર્તમાન સંજોગોમાં અત્યંત મુશ્કેલ છે. એક રસ્તો છે. જે ધોરણનું છેલ્લી પરીક્ષાનું પરિણામપત્રક રેકોર્ડ પર હોય તેને આધાર ગણીને 10નું ને 12નું પરિણામ નક્કી કરવું ને તેને આધારે આગલા ધોરણમાં પ્રવેશ આપવો. આ ઉપરાંત બીજા કોઈ માર્ગો હોય તો તે પણ અપનાવી શકાય. જો માત્ર 12ની પરીક્ષાનું આયોજન શક્ય બને તો તે પણ કરી શકાય. 12નું બોર્ડનું પરિણામ મહત્વનું છે એટલે તેની પરીક્ષા તો થવી જ જોઈએ, પણ 10 અને 12ની, એમ બંને પરીક્ષાઓનું આયોજન કરવાનો લોભ જતો કરવા જેવો છે. આમ પણ નવી શિક્ષણનીતિમાં 10માંની બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ રહ્યું નથી, ત્યારે 12ની જ પરીક્ષા લેવાનું વધુ યોગ્ય ગણાય.

કોઈને એમ લાગે કે વેકેશન પછી સ્કૂલો ખૂલે તે પછી 10ની પરીક્ષાનું આયોજન કરીને પરિણામ નક્કી કરવું, એવું થાય તો સારું જ છે, પણ એક મહિના પછી સ્કૂલો ખૂલવાની હોય તેમ માનીએ તો અત્યારની જે ગંભીર સ્થિતિ કોરોનાની છે તે જોતાં ચમત્કાર સિવાય સ્થિતિ સામાન્ય થાય તેવું લાગતું નથી. નથી રસીનાં ઠેકાણાં કે નથી અન્ય ઇલાજનાં, એવામાં મહિનામાં વાતાવરણ સુધરે તો પણ એવું નથી જ બનવાનું કે સ્કૂલો નિયમિત શરૂ થાય. 2020નાં લોકડાઉન પછી બધું ખૂલ્યું ત્યારે પણ સ્કૂલો તો બંધ જ રહેલી અને છેલ્લે જ ખૂલેલી. હાલનું વાતાવરણ વધારે ગંભીર છે, એ જોતાં સ્કૂલો જૂનમાં શરૂ થાય એ અશકયવત છે, એટલે પરીક્ષાનો તો પ્રશ્ન જ નથી ઊઠતો.

એક તરફ એકલદોકલ માટે નિયમો બતાવાતા હોય ને બીજી બાજુએ બધાં નીતિનિયમો કોરાણે મૂકીને લોકો સડક ભરી દેતાં હોય તો કોરોનાથી મુક્તિ ન જ મળે તે નક્કી છે. સાણંદમાં ધાર્મિક ઉજવણીમાં સેંકડો મહિલાઓ માથે બેડું મૂકીને સડક પર નીકળી પડે ને લોકો મંદિરનાં શિખર સુધી ઉત્સવના મૂડમાં હોય ત્યારે સંક્રમણ ન જ રોકાય એમાં શંકા નથી. લોકોને એવું છે કે કોરોના કૈં બગાડવાનો નથી, પણ ઉત્તર પ્રદેશની પંચાયતી ચૂંટણીમાં 2000 મોત થયાંની વાત આવી છે, જેમાં 700થી વધુ તો પ્રાથમિક શિક્ષકો હતા. એટલે બગડે તો છે જ ! આવામાં એક વિચિત્ર નિર્ણય પંજાબે પણ કર્યો છે. કરફ્યુના સમયે બીજું બધું બંધ રહેશે, પણ દારૂની દુકાનો ખુલ્લી રહેશે. આવા અક્કલ વગરના નિર્ણયો લેવાય ત્યાં શિક્ષણ તરફ કોણ ધ્યાન આપે? શિક્ષણમાં આ વર્ષ તો લખી જ વાળ્યું છે, આવતું વર્ષ પણ બચશે કે કેમ તેની ચિંતા થાય છે. સરકાર પ્રચારી અને પ્રજા અવિચારી હોય ત્યારે નિર્દોષોનું આવી જ બને એવું નથી લાગતું?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 મે 2021

Loading

લૂઝ કનેક્શન (10) : સમ્બોધનો

સુમન શાહ|Opinion - Opinion|7 May 2021

= = = = કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? = = = =

આજકાલ ‘બેબી’ સમ્બોધન બહુ સાંભળવા મળે છે – ‘હાય બેબી ! – યુ લૂક બ્યુટિફુલ – યુ લૂક પ્રેટી – હલો બેબી, આઈ લવ યુ’. પોતાની ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને તેમ જ સગી પત્નીને ‘બેબી’ કહેવાનું ચાલુ થયું છે. પુરુષો કાલા થવા લાગ્યા છે. એક રીતે સારી વાત છે.

આમ તો ‘બેબી’-નો મૂળ અર્થ છે, ‘બાળક’. ‘બેબીબૉય’, ‘બેબીગર્લ’ કહીને છોકરો છે કે છોકરી તેની ચોખવટ કરાતી હોય છે. તો શું તેઓ ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને બાળક સમજતા હશે? પટાવતા હશે? કોઈ નારીવાદીએ એઓને તતડાવ્યા નહીં હોય કે સ્ત્રીને તમે બેબી ગણો છો, સમજો છો શું …

પણ સાવ એવું નથી. કહી શકાય કે ‘બેબી’ સમ્બોધન પ્રેમ બતાવવા માટે જ છે. એમ બોલનારને સારું લાગે તેમ સાંભળનારને પણ સારું જ લાગતું હશે. પંચાવન વરસના મીઠાલાલને અંદર લડ્ડુ ફૂટતા હશે ને બાવનની સોમીને લજવાતાં-લજવાતાં ય થતું હશે કે હું ય મૂઈ હજી કેટલી જુવાન છું …

‘બેબી’ શબ્દનો આ બદલાતો રંગ, એટલે કે અર્થ, સમાજે સમજવો જોઈશે.

અંગ્રેજોના અને અંગ્રેજીના પ્રભાવને કારણે કેટલીક ગુજરાતી નવલકથાઓમાં ‘ડાર્લિન્ગ’, ‘સ્વીટહાર્ટ’ અને ‘સ્વીટી’-ને સ્થાને ‘મીઠડી’ કે ‘માધુરી’ વાંચવા મળેલું. મને યાદ છે, ‘અર્લિ ફિફ્ટીઝ લગી ઘણા લોકો ‘લવ’ શબ્દ બોલતાં શરમાતા’તા. એને સ્થાને ધીમે ધીમે ‘પ્રેમ’ કે ‘પ્રીતિ’ બોલતા થયા. આમ તો, ‘વ્હાલાનો સંદેશો આવ્યો છે’ બોલાતું’તું પણ ‘લવલેટર આવ્યો છે’ બોલાવા લાગ્યું.

Picture Courtesy : Amazon.com

પણ આપણી નજર ક્યાંક ચૉંટી ગઈ હોય તો આપણને બાકીનું દેખાતું નથી હોતું. એવી એકાંગી દૃષ્ટિમતિને લીધે પ્રેમની કોઈ પણ વાતમાં આપણને ‘સૅક્સ’ દેખાય છે. રસ્તે વયસ્ક ભાઈ-બેન હાથમાં હાથ નાખી જતાં હોય, કે બાપ અને વયસ્ક દીકરી સિનેમા જોવા જતાં હોય કે રેસ્ટોરાંમાં કૉફી પીતાં હોય, લોકોને એક જ સૂઝે છે – લફરું છે – બન્ને વચ્ચે ઍફેર ચાલે છે …

હા, જમાનો ખરાબ છે, કંઈ પણ હોઈ શકે, એવી આશંકા જરૂર થઈ શકે છે, કેમ કે દુષ્કર્મો થયે જાય છે. તેમ છતાં, વિચારવાનું એટલું જ છે કે આપણે ડરી ડરીને સંકોચાયેલું કે ઠિંગરાયેલું તો નથી જીવતાં ને … જીવનનો સહજ ઉલ્લાસ આછોપાછો તો નથી થઈ ગયો ને …

બાકી ‘પ્રેમ’ અને ‘લવ’ બન્નેના અર્થસંકેતોનું ગુચ્છ રમણીય છે. એમાં, ઘણા સંકેતો છે :

એક છે, ‘સ્નેહ’. મૂળે તો, એ છે, ચીકણો પદાર્થ. ‘સ્નેહાર્દ્ર’ કહીએ છીએ ત્યારે એમ કહેવા માગીએ છીએ કે સ્નેહથી ‘આર્દ્ર’ એટલે કે ‘ભીનાં’ છીએ. હૃદયની ભીનાશ. સ્નેહ-નો એક અર્થ છે, ‘ગ્રન્થી’ – ગાંઠ. ગૉરમા’રાજ છેડા ગંઠાવે છે ત્યારે એમને અને છેડા ગાંઠનારને આશા હોય છે કે બન્ને જણાં સ્નેહથી ગંઠાયેલાં રહેશે. પ્રેમીઓ એ ગાંઠથી જોડાયાં હોય છે.

‘સરસ્વતીચન્દ્ર’કારે અને કવિશ્રી ન્હાનાલાલે એ જમાનામાં એમની શબ્દસૃષ્ટિઓમાં સ્નેહલગ્નની ઘણી તરફેણ કરેલી, કેમ કે દેહલગ્નથી થતી બરબાદીઓ એમણે જોઈ હતી.

બીજો સંકેત છે, ‘વાત્સલ્ય’ અથવા ‘વ્હાલ’ : દાખલા તરીકે, મા-નો દીકરા પ્રત્યેનો અને બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ, વ્હાલ છે. અને એમાં, એવું જરૂરી નથી કે બાપ કે મા બાયોલૉજિકલ ફાધર કે મધર જ હોવાં જોઈએ. બાયોલૉજિકલ ભલે પણ તદ્દન આગવી અને પ્યૉર હ્યુમન રીલેશનશિપ લગી આપણે ક્યારે પ્હૉંચીશું? ‘વાત્સલ્ય’-માં મૂળ શબ્દ છે, ‘વત્સ’. ‘વત્સ’-નો અર્થ ‘બાળક’ તો છે જ પણ ‘વત્સ’-નો અર્થ ‘વાછરડું’ પણ છે. સમજુકાકીને એમની ભૂરી અને ભૂરીનું વાછડું બહુ ‘વ્હાલું’ હતું. વાછડાની ડોક પંપાળતાં થાકતાં ન્હૉતાં. નાનપણમાં મેં મારા મિત્ર સિકંદરને એની બકરીને બચ્ચીઓ કરતાં વારંવાર જોયેલો. સમ્ભુ ગોવાળિયો બુચકારા બોલાવીને ઢોરાં હાંકતો, પરોણો ઘૉંચતાં એનું મૉં કચવાતું, એના જીવને દુ:ખ થતું …

પરન્તુ હવે તો એવો સમય ચાલ્યો છે કે બાપ વયસ્ક દીકરીને બચ્ચી કરતાં ખંચકાય છે, એ દીકરી પણ બાપને કદી ચૂમી નથી શકતી. મા વયસ્ક દીકરાને ભેટતાં વિચારે છે. નતમસ્તક વિદ્યાર્થિનીને આશિષ આપવા માગતા અધ્યાપકનો હાથ માથે અડતાં પહેલાં, અધ્ધર રહી જાય છે. નિકટનાં સમ્બન્ધીઓ જ હવે સહજતા ગુમાવી રહ્યાં છે.

અને આજકાલના ચૅટિન્ગમાં તો નથી જરૂર ‘સ્વીટી’-ની કે ‘ડાર્લિન્ગ’-ની. ઇમેઇલમાં લેટર જરૂર લખાય છે, પણ અન્તે ‘લવ’ કે ‘અફૅક્શન’ કે ‘રીગાર્ડ્સ’ લખવાની જરૂર નથી પડતી. તમે લખો તો ઓલ્ડ-ફૅશન્ડ્ ગણાવ. કહેવાય કે તમે સોશ્યલ મીડિયાને સમજતા નથી; એ તો ફાસ્ટ કૉમ્યુનિકેશન માટે છે. બરાબર, પણ જો ફાસ્ટ છે તો બે શબ્દ ઉમેરવામાં કયું મૉડું થઇ જાય છે? ફાસ્ટ પણ સોશ્યલ હોઈ શકે છે, એ ઝીણી વાત સ્વીકારવા તેઓ તૈયાર નથી.

સવાલ એ છે કે તો પછી એ સમ્બોધનોની જરૂર ક્યાં છે. મોટો સવાલ એ છે કે એની જરૂર છે ખરી.

બીજો શબ્દ ચલણી બન્યો છે એ છે ‘ફક’. એ પરથી બનેલો ‘ફકિન્ગ’ પણ બહુ વપરાય છે. એનો અર્થ કોણ ન જાણતું હોય? અંગ્રેજી ન્હૉતાં જાણતાં એ પણ હવે જાણતાં થઈ ગયાં છે. ગાળ આપવાનો જ હેતુ હોય તો જુદી વાત; બાકી, વપરાશને બરાબર સમજો તો સમજાય કે એમાં આવા આવા અર્થસંકેતો છે – બાપ રે – સાલો – હરામી – નક્કામો – માથું ખાય છે. વગેરે.

અમુક લોકો ‘ફક’ ‘ફકિન્ગ’ બોલે કે આપણા લોકો ગાળવાચક શબ્દો વાક્યના પ્રારમ્ભે બોલે ને છેવાડે પણ બોલે ત્યારે એ લોકોના મનમાં એ સંજ્ઞાઓના કશા વાચ્યાર્થ નથી હોતા, એ એમની એક લઢણ કે ટેવ હોય છે. એમાં એમને બરાબર વ્યક્ત થયાની મજા આવતી હોય છે. અનેક દાખલાઓમાં એમ સાચું હશે. પણ એ સંજ્ઞાઓ ઝીલનારાં ને સાંભળનારાં બીજાંઓ શું અનુભવતાં હશે? નથી ખબર.

હમણાંનો હું લગભગ રોજ એક દેશી કે વિદેશી મૂવી જોઉં છું. એમાં ‘ફક’-નો, ‘ફકિન્ગ’-નો, તેમ જ ગુજરાતી ભારતીય શબ્દોનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે. જો કે આપણા એ શબ્દો તરત સમજાય એવી ખુલ્લા અને ચોખ્ખા અર્થની ગાળો જ છે. સ્ત્રીને જ લાગુ પડતા એ પ્રયોગો મૂવીની ભારતીય સ્ત્રી-કલાકારો પણ સહજપણે કરવા લાગી છે.

સાહિત્યકલામાં આ સ્તરનું જીવન-વાસ્તવ અનિવાર્યપણે જેટલું આવી શકે એટલું સારું છે, પણ સામાજિકોના વ્યાપક વર્ગને સારું લાગતું હશે? ‘સામાજિક’ એટલે ‘પ્રેક્ષક’ અને ‘સામાજિક’ એટલે, સમાજમાં વસનારાં અને માનનારાં, સૌ કોઈ.

ભાષાવિજ્ઞાનમાં પહેલું હું એ શીખેલો કે ભાષા પરિવર્તનશીલ છે. ભણાવતી વખતે પણ એ વીગત ધ્યાનથી ભણાવતો’તો. બીજું એ શીખેલો ને શીખવતો’તો કે શબ્દો યાદૃચ્છિક છે – આર્બિટ્રરી. એ પ્રાણીને ‘ગાય’ શું કરવા કહીએ છીએ એનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ જેવી બોલનારની ઇચ્છા -યદૃચ્છા, એટલે કે મનુષ્યઇચ્છા, એનું કારણ છે. પહેલી વાર બોલનારને ઇચ્છા થઈ હશે, મરજી થઈ હશે, કે આને ‘ગૌ’ કહું કે ‘ગાય’ કહું કે ‘કાઉ’ કહું. પછી એ શબ્દો, આમ તો ધ્વનિઓ, વપરાશને કારણે રૂઢ થઈ ગયા હોય છે ને જેવા બોલાય કે તરત ગાયને તાદૃશ કરી આપે છે. શબ્દો છે, વસ્તુઓની ચિત્તછબિઓ – ઇમેજીસ. શબ્દો છે, વસ્તુઓનાં વિભાવન – કન્સેપ્ટ્સ.

તો આમાં પણ ‘બેબી’ કહેનારાની ઇચ્છાને જ કારણ ગણાય. ‘ફક’ અને ‘ફકિન્ગ’-માં નવા અર્થસંકેતો સંભરી શકાય છે એનું કારણ પણ એમ બોલનારાંની ઇચ્છા છે એમ જ માનવું રહ્યું.

બીજું એમ બનતું હશે કે એ સંજ્ઞાઓના અર્થ સંદર્ભ પ્રમાણે થતા હશે અને સંદર્ભ બદલાતાં બદલાતા હશે. સસરાની હાજરીમાં જમાઈ પોતાની વાઇફને ‘બેબી’ ક્હૅતો હશે? સિવાય કે સાસુસસરા ઠીકઠીક યન્ગ હોય ને તેઓશ્રી પણ એમની વાઇફને – પેલાની સાસુને – ‘બેબી’ ક્હૅતા હોય. કોઇ પોતાની સગી દીકરીને ‘ફક યુ’ ન સંભળાવે, સિવાય કે દીકરી પણ ફાર ઍડવાન્સડ્ હોય.

સંદર્ભથી અર્થોને આપોઆપ વિશેષતા મળે છે તેમ એ બાપડા આપોઆપ મર્યાદામાં પણ આવી જતા હોય છે. ભાષાવિજ્ઞાનમાં શબ્દાર્થનું શાસ્ત્ર છે તેમ સંદર્ભનું પણ શાસ્ત્ર છે.

જો કે હું તો ઇચ્છું કે કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? આપણી પાસે એ બધી બિનભાષિક સગવડો ક્યાં નથી …

પણ ભારતીય પરમ્પરામાં દરેક પારિવારિક સમ્બન્ધને સમ્બોધવા માટેનાં નામ છે. એ દરેકની વ્યાખ્યા થયેલી છે – વ્યાખ્યા વિશેષતા સૂચવે છે તેમ મર્યાદા પણ સૂચવે છે. અદ્ભુત છે એ સંજ્ઞાઓ : વડદાદા-વડદાદી. દાદા-દાદી. પુત્ર-પ્રૌત્ર. પુત્રી-પ્રૌત્રી. કાકા-કાકી. મામા-મામી. માસા-માસી. ભાઈ-ભાભી. બહેન-બનેવી. ભત્રીજા-ભત્રીજી. ભાણા-ભાણી. આગળ વધતાં, સાસુ-સસરા. નણંદ-ભોજાઇ. જેઠ-જેઠાણી. એથી આગળ વધતાં, સાળા-સાળાવેલી અને સૌથી અઘરી સંજ્ઞા, સાઢુ ! આવી સુગ્રથિત કુટુમ્બજાળ મારી માન્યતા છે કે વિશ્વના એક પણ સમાજમાં નહીં હોય ને તેથી વિશ્વની એક પણ ભાષામાં નહીં હોય.

સવાલ એ જ છે કે આટલાં બધાં સુ-વ્યાખ્યાયિત સમ્બોધનો છે તેમ છતાં સમ્બન્ધો તૂટીફૂટીને  વેરવિખેર થઈ જાય છે કેમ. છૂટાં પડી જવાનું કે વિખૂટાં થઈ જવાનું ઇચ્છી શકાય છે કેમ.

મને રસ છે, માનવીય સમ્બન્ધોમાં; એ સમ્બન્ધોને દૃઢ કરી આપતાં સમ્બોધનોમાં. હું પહેલેથી એક જ વાત કરી રહ્યો છું કે સમ્બન્ધોમાં કશું પણ લૂઝ ન જોઈએ; ન જોઈએ એટલે, ન જ જોઈએ …

= = =

(May 7, 2021: USA)

Loading

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 May 2021

હૈયાને દરબાર

આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું. 

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં 'ગીતાંજલિ' કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા 'ક્ષુધિત પાષાણ' લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌ 

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, "ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે." આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!' બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે. ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં 'બે એરિયા'માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

"એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે." કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. 'રવીન્દ્રનાથનો કલા વૈભવ' પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, "સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે 'માર્ચ સોંગ'માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી."

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી 
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે  

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

•   કવિ-સ્વરકાર : રવીન્દ્રનાથ ટાગોર    •    અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ    • કલાકાર : માધ્વી મહેતા-અસીમ મહેતા અને ગ્રુપ

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 મે 2021

Loading

...102030...2,0812,0822,0832,084...2,0902,1002,110...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved