Opinion Magazine
Number of visits: 9964592
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય, લોકશાહી અને આપણે

જાગૃત ગાડીત|Opinion - Opinion|14 March 2021

લોકશાહી એટલે ચૂંટણી. ચૂંટણી એટલે લોકશાહી. ચૂંટણી એટલે જ લોકશાહી. ભારતદેશના લોકશાહીથી તરબતર નાગરિકોને આ બરાબર ખબર છે. સાહિત્યમાં પણ લોકશાહી જોઈએ. લોકશાહી સાહિત્યની ઉપર કે તેથી ઊલટું? બેમાંથી ખરેખર સિનિયર કોણ? અઘરા સવાલ છે. માટે જવા દો! માંડમાંડ મળતા એકલદોકલ સુજ્ઞ વાચકને પણ મારે ખોઈ દેવા નથી. પણ સાહિત્ય અને લોકશાહી વચ્ચેનો અફેર ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એવું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દર ત્રણ વર્ષે અચૂક યાદ કરાવે છે.

આ ચૂંટણી મારી અંદરના લોકશાહીથી તરબતર નાગરિક, માસ્તર અને બિલકુલ ટાઇમપાસ પ્રકારના લેખકની ગહન વિચારશીલતાને ઊંધે ગધેડે બેસાડી દોડાવે છે. પ્રમુખ અને સંવર્ધક વગેરેના મત (આ ‘ચોકડી’ જ કેમ?) તો આમતેમ જરા જોઈને આપી દેવાય. પણ મધ્યસ્થ સમિતિ ?

‘મધ્યે તિષ્ઠતિ ઇતિ!’ પણ ભઈલા, વચમાં ક્યાં અને કેમ ઊભા રહેવું છે એ તો કહે. ભારત દેશમાં બધાને ખબર છે. ઊભા રહેવું, તો વચમાં. મધ્યે. ભીડભાડવાળા રસ્તા પર ગાડી પાર્ક કરી શાંતિથી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરો. નડો તો કોઈ ઓળખે. ભાવ પૂછે. ‘હાંસિયા સમિતિ કે ‘સાઇડલાઇન સમિતિ’ હોય, તો કેટલા ઉમેદવારી નોંધાવે? ‘માર્ગદર્શકમંડળ’ માટે ચૂંટણી સાંભળી છે?

‘કમળ કે પંજો ?’ એવી સીધીસાદી રીતે મતદાન કરવા ટેવાયેલા મારામાંના ગુજ્જુની, મધ્યસ્થ સમિતિ બન્યા પહેલાં જ આકરી તાવણી કરે છે. ‘ચાલીસ કરતાં એક વધુ નહિ – અને એક ઓછો પણ નહીં’, ચૂંટણી-અધિકારીશ્રીની સ્થિર વેધક નજર મારા ચહેરા પર હું અનુભવું છું. અલ્યા, અમને ગુજ્જુઓને ‘પ’માંથી ‘ક’ કે ‘ક’માંથી ‘ખ’કરતાં દાયકાઓ લાગે છે! તેમાં ચાલીસ મત! આવો જુલમ ?

છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓથી, મતપત્રક આવે એટલે થોડા દિવસ એમ ને એમ જ ટેબલ પર મારી સામે જોતું પડી રહે છે.

ક્યારેક એકદમ ફ્રૅશ હોઉં અને લોકશાહીનો તરવરાટભર્યો ઊભરો આવે, તો હાથમાં લઉં પણ ખરો. પણ એ ઊભરો ટકે કેવી રીતે? એંસીનેવુંમાંથી શ્રેષ્ઠતમ ચાલીસ કેમ તારવવા? આડેધડ ફટકાબાજી કરવા ક્યારેક હાથ સળવળી ઊઠે, પણ પેલો ખોટો લોકશાહી સ્પિરિટ, કે વિવિધ મહાનુભાવોના કે બની બેઠેલા વિદ્વાનોનાં લખાણોનું બિનજરૂરી વાંચન કે છેલ્લે પૂર્વજો પાસેથી મળેલા ખોટા સંસ્કાર કે મિથ્યા અહંકાર વગેરે-વગેરે … સરખી રીતે તેમ પણ કરવા દેતા નથી.

શ્રેષ્ઠતમ ચાલીસ ? આમાંથી કેટલાંને તો હું ઓળખતો પણ નથી. એમ કરું, જેટલાં નામ જાણીતાં લાગે તેમને ચોકડી? પણ આ અહમમૂલક નથી? હું કોઈનું નામ જાણતો હોઉં તેને યોગ્યતા કેવી રીતે ગણી શકાય? કે અહમ્‌ બિલકુલ ઓગાળી નાખું? જેમનાં નામ એકદમ અજાણ્યાં હોય તેમને ચોકડો? પણ જેમ હું જાણતો હોઉં એ યોગ્યતા ન ગણાય તેમ હું ઓળખતો હોઉં એ ગેરલાયકાત પણ ન બનવી જોઈએ. મારા અહંકાર સાથેની સંતાકૂકડીમાં બીજાનો અને ખાસ કરીને પેલી લોકશાહીનો ભોગ કેમ લેવાય ? આવા વિચારોની થોડી ઊંચકમૂક કર્યા પછી થયું, તેલ લેવા જાય બધું. થોડો અહમ્‌ જરૂરી છે. અહમ્‌ છે, તો હું છું. જેટલા ચોક્કસ જાણીતા જણાય તેમના પર ચોકડી! પણ આ તો મારી સમસ્યાનો આંશિક હલ જ થયો. હું સાહિત્યમાં પૂરેપૂરો ઘૂસેલો નથી કે સાહિત્ય મારામાં પૂરેપૂરું ઘૂસેલું નથી. જાણીતાં નામ કચકચાવીને શોધ્યા બાદ પણ ચાલીસથી થોડો દૂર છું. વળી, નામ જાણીતું હોવાની કલ્પના પણ એટલી સરળ નથી એ બરાબર સમજાય છે. સ્મૃતિ અને મનના તરંગ આપની સાથે કેવી રમત કરે છે તે દેખાય છે. ડેનિયલ કાયનેમાન મારી સામે જોઈને હસે છે.

આ રવીન્દ્ર પારેખ એ જ હશેને જેણે યાસુનારી કાવાબાતાની ‘Thousand Cranes’નો અનુવાદ કર્યો હતો? દાયકાઓ પહેલાં વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી કૉલોનીના ‘ટી ક્વાર્ટરની લાંબી અગાશી પર ચાલતાં-ચાલતાં કેટલા ય દિવસ સુધી એ વિષાદમય કાવ્યાત્મક અનુભવે મને ઘેર્યો હતો. હાથ જાણબહાર જ ચોકડી મારી દે છે. પછી રેશનલ મગજ જાગૃત થાય છે. અલા, સિત્તેરના દસકામાં ભાઈકાકા લાઇબ્રેરીના જે અનુવાદિત પુસ્તકનું પૂંઠું જૂનું લાગતું હતું એના અનુવાદકની ઉંમર આજે કેટલી થાય ? આજે હશે ખરા ? એમનું નામ ખરેખર શું હતું ? કદાચ રવીન્દ્ર ઠાકોર ? જે હોય તે. રવીન્દ્ર તો ખરુંને ? રવીન્દ્ર તો હશેને ? ભગવાન જાણે! આમે ય હવે શું? લોકશાહીનો સુંદર અફર નિયમ છે. મારેલી ચોકડી પાછી ન લેવાય. આભાર.

આ પરેશ નાયક એ જ ને જેમણે જયંત ખત્રીની ‘ધાડ’ પરથી ફિલ્મ બનાવી હતી ? એ ફિલ્મની એક લાંબી સિક્વન્સ યાદગાર છે. આન્ટેઈ તાર્કોવ્સ્કી કે સત્યજીત રે જેવા શિખાઉ દિગ્દર્શકો સાથે જ સરખામણી કરી રહ્યો છું અને આ અનિલા દલાલ, પેલા જયંતિ દલાલ સાથે કોઈ સંબંધ હશે ? બાળપણથી પપ્પાનાં પુસ્તકોના ઘોડા પર જોયેલું ‘જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકીઓ’ યાદ આવે છે. બાજુમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનુવાદિત ‘એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’ દેખાય છે. પણ મુખ્ય તો જયંતિ દલાલ અનુવાદિત ટૉલ્સટૉયનું ‘યુદ્ધ અને શાંતિ’. ચાર ભાગ! એ પણ નવમાદસમાનાં વૅકેશનોમાં વાંચેલું. નતાશા અને પિયર બેજુખોવ, બોલ્ફોન્મ્કી વગેરેનો પરિચય. હાથ ફરી ચોકડી કરી બેસે છે.

આ રીતે પરિચિતતાનો સાચોખોટો આભાસ આપતાં નામો પર ચોકડી માર્યા પછી પણ ચાલીસના જાદુઈ આંકડાથી થોડો દૂર જ છું. ચાલીસનો આંકડો જ કેમ ? ક્યાંથી આવ્યો ? અલીબાબા અને ચાલીસ ચોર ? અલીબાબા જાણે ચાલીસ ચોરનો સરદાર હોય એમ લાગે. અલીબાબા માટે જુદું વોટિંગ? અલીબાબામાં વળી પસંદગી કેવી ? એ તો એક અને માત્ર એક જ ન હોય ? વિવિધ મનોભાવો વચ્ચે અટવાતાં હું મતપત્ર હાથમાં થોડે દૂર રાખી, લોકશાહીને – તેમાં ય સાહિત્યમાં ઘૂસેલી લોકશાહીને – બચાવી લેવા નવી પ્રેરણા કે સ્ફુરણા માટે બારી બહાર નજર કરું છું.

ત્યાં જ મગજમાં પ્રકાશ થાય છે. પેલા લેખકો અને ટાઇમપાસ કવિઓ અમસ્તા જ બારીબહાર નથી જોયા કરતા! નવી-નવી પ્રેરણાઓ અને સ્ફુરણાઓ મળી આવે. ક્યારેક તો રસ્તે ચાલતી પણ દેખાય. લોકશાહીનું મહત્ત્વનું તત્ત્વ કયું? વૈવિધ્ય? તો પછી ઈશ્વરે નીમેલું મૂળભૂત વૈવિધ્ય સાહિત્યમાં તો દેખાવું જોઈએને? ચાલીસ ચોરમાં વીસેક સ્ત્રીઓ જોઈએને? ઇતિહાસ સાક્ષી છે, ચોરીના કસબ પર જ્યારે સ્ત્રીઓએ હાથ અજમાવ્યો છે, ત્યારે વધુ કાર્યક્ષમ અને સફળ નીવડી છે.

સ્ત્રી અને પુરુષ સિવાય અન્ય વિકલ્પો વિશે હું સભાન છું. પણ હમણાં બે મુખ્ય વિકલ્પોની જ વાત કરીએ. મુખ્ય એટલે મધ્યસ્થ. મધ્યસ્થસમિતિની ચૂંટણીમાં હાંસિયાને ભૂલી જઈએ તો ન ચાલે? લોકશાહીમાં પણ, હાંસિયામાં હોવાથી કંઈક તો ખોવું પડે ને અને આ તો ભારતદેશની લોકશાહી. મોટા ભાગના હાંસિયામાં જ હોય કે બધ્ધા? હાંસિયો જ પહોળો રાખ્યો છે.

મતપત્રક પર લિંગભેદવાળી નજર ફેરવું છું. ફક્ત બાર સ્ત્રી-ઉમેદવાર! લોકશાહીની આવી કરુણ દશા? બારે – બારને ચોકડી! હરખ પણ છે. ચાલીસ થયા? ના, હજુ ખૂટે છે. ચાલીસ એટલે ચાલીસ જ, એવું કેમ? પણ હવે હિંમત છે. મગજ તરત જ વિવિધ વિકલ્પો સૂચવવા માંડે છે. પેલો કાયનેમાન ફરી લુચ્ચું હસી રહ્યો છે. પ્રથમ સિસ્ટિમ! આપણું intuitive માઇન્ડ જે રૅશનલ નથી, જે ફાસ્ટ છે. આદિમ છે. સજ્જ છે. સહજ છે.

જ્ઞાતિ? સવર્ણ, પછાત? રૅશનલ મગજ તરત સજાગ બને છે. ના ના, એ વૈવિધ્ય છે અને જેટલું છે એ પૂરતું છે. જરૂરથી ઘણું વધારે છે. ‘જાતિ વો હૈ, કે જો જો કભી નહીં જાતી! એક અનુકૂળતા છે. નામ અને અટક જોતાં, લિંગ, જ્ઞાતિ, ધર્મ, પૂર્વજોનો ધંધો વગેરે મોટે ભાગે જણાઈ આવે છે. આ અનુકૂળતા ઘણા માટે આતંકિત યંત્રણા બનતી હોય છે એ હું જાણું છું. આપણી લોકશાહીમાં કેટલાયને અટક છુપાવતા, બદલતા, એનું ઉચ્ચારણ કરતાં ખચકાતાં, એના વિષે વિવિધ ખુલાસા કરતા આપણે ક્યાં નથી જોયા?

પણ બીજા એક વૈવિધ્યની ખામી આંખમાં કણાની જેમ પડે છે. સાહિત્યમાં કોઈ એક ધર્મવિશેષને જ રસ હોય એવું કેમ દેખાય છે? શું ભાષા બધાની નથી? એને ધર્મ સાથે શું લેવાદેવા? બાલિશ પ્રશ્નો છે, મને ખબર છે. સંકુલ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને રાજકારણ છે. ઘણાં મુસ્લિમ ઘરોમાં ગુજરાતીમાં બોલવું હલકું ગણાય છે. તમારી કિંમત થઈ જાય! અને એવા સદ્‌ગૃહસ્થો છે, જેમને બેસતા વર્ષે ‘સાલ મુબારક! કહીએ તો એમના નવા વર્ષ પર પરધર્મનો રંગ લાગી ગયો હોય એમ દુઃખી થઇ જાય. સાલ મુબારક!’ કેટલો સુંદર પ્રયોગ! નૂતન વર્ષાભિનંદન’ જ કહેવાનું! આપણી સંસ્કૃતિ તો જાળવવી પડે ને! વોટ્‌સએપ યુનિવર્સિટીના સ્નાતકો, અનુસ્નાતકો અને સંશોધકો આપણને જ્ઞાન આપે છે. ‘મારી આગળ સંસ્કૃતિની મા ના પૈણીશ!’ મારાથી કોઈ ઓળખીતા પર તતડી પડાય છે. પણ આપણે એ યાદ રાખી શકીએ કે બાંગ્લાભાષીઓના ઉત્કૃષ્ટ ભાષાપ્રેમને લીધે એક નવો દેશ બન્યો.

આમ તો મને સ્થાપિત ધર્મોમાં બહુ રસ નથી. પણ મારી ભાષા અને તેના સાહિત્યમાં એ વૈવિધ્ય ટકી રહે – બલકે વધે – એવી ઝંખના ખરી. ધર્મ આધારે એકાદ ચોકડી જ ઉમેરાઈ. હવે ચાલીસ થયા? પ્રેમાળ સહૃદયી વાચક પણ હવે અધીરો બન્યો છે. વારંવાર ગણવું પડે છે. તેત્રીસ થયા કે ચોત્રીસ? ફરી ગણો.

વૈવિધ્યના આઇડિયાને થોડો આગળ લઈ જઈએ તો? ભૌગોલિક વૈવિધ્ય? ગુજરાતના ખૂણેખૂણેથી – દરેક જિલ્લામાંથી – પ્રતિનિધિત્વ આવે તો સારું નહીં? વહેંચાવું, વિખેરાવું અને કેન્દ્રસ્થ થવું, મધ્યસ્થ થવું એ બેની વચ્ચેનું સંતુલન – એ જ તો છે લોકશાહી! હાંસિયો કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયામાં જાય. હાંસિયો કેન્દ્રના કેન્દ્રમાં આવે, કેન્દ્ર હાંસિયાના હાંસિયામાં જાય. પેલો દેરિદા આંખ મારે છે, “અલ્યા, મારો ધંધો પણ તું લઈ લઈશ?”

પણ આ આઇડિયાનો અમલ મુશ્કેલ છે. નામ ને અટક પરથી ભૌગોલિક સ્થાનનું આંશિક અનુમાન જ થઈ શકે છે. ખોટો વોટ જઈ શકે. ખોટો વોટ એટલે અન્યાય. લોકશાહીના નામે અન્યાય? ન ચાલે, મતપત્રક  મુકાઈ જાય છે. ફરી ક્યારેક આગળ વિચારીશું.

બેચાર દિવસ ટેબલ પર નજરમાં આવ્યા કરે છે – જાણીજોઈને એમ રાખ્યું છે. ઝીણી સતામણી મનમાં રહ્યા કરે છે. યુવાવસ્થાનો હું હોત, તો મતપત્રક કાયમ માટે બાકી જ રહ્યું હોત. એવા કેટલા ય મતપત્રક કચરામાં ગયા હશે. પણ ઉંમર સાથે આવાં કામ પૂરાં કરવાની બેચેની વધે છે. ક્યારે પતાવું અને પોસ્ટ કરી દઉં! કામ પતવાથી મનને નાની સિદ્ધિનો અનુભવ થાય. બીજું કામ કરવાની તાકાત મળે. મનોવિજ્ઞાન સહેલું જ છે સ્તો!

યુવાવસ્થામાં મોટી સિદ્ધિઓ મેળવવાની હોય છે. નાની-નાની સિદ્ધિઓ તરફ ધ્યાન આપવાની ફુરસદ હોતી નથી. પણ પચાસ પછી હાલત પેલી કચરો વીણવાવાળી જેવી હોય છે. સવારથી ટોપલો લઈને નીકળીએ અને નાની-મોટી જે મળે તે ભેગી કર્યા કરીએ. હરખ થાય. સાંજ પડે બૈરીને હિસાબ અપાય. પણ આ મધ્યસ્થ સમિતિ જલદી હરખ થવા દે એમ નથી. ખરેખર મધ્યસ્થ છે. ટેબલની વચ્ચોવચ પડેલી છે. નડે છે.

એકબે દિવસમાં એક નવો વૈવિધ્ય-ચમકારો થાય છે. અટકનું કેવું? આપણી અટકો અને તેમની વ્યુત્પત્તિનો ઇતિહાસ બેનમૂન હશે એવું મને ઘણીવાર લાગ્યું છે. એવી કોઈ અટક છે, જે પહેલી વાર જ જોઈ હોય? આ શાહ, પટેલ, જોશી, મહેતા, પરમાર, રાઠોડ બધાથી કંટાળી ગયો છું. મારી સામે ફરકવું જ નહીં! કંઈક વેરાઇટી જોઈએ! બેએક ચોકડી ઉમેરાઈ જાય છે. ચાલીસ હવે ખાસા નજીક છે. શું હવે સિદ્ધિ પ્રાપ્ત થશે? કોઈ તાંત્રિક પાસે જઈને સિદ્ધિપ્રાપ્તિ યંત્ર બનાવવું પડશે?

બેત્રણ દિવસમાં, મતપત્રક પર અનેક વાર ત્રાંસી ચિંતિત નજર ફર્યા પછી, ફરી પ્રકાશ થાય છે. મતપત્રક પર ચોકડીઓ ઘણી અનિયમિત રીતે પથરાયેલી છે. અમુક ઝૂમખાં બની ગયા છે. સળંગ પાંચ-છ, કે સળંગ ખાલી જગ્યા. આ અનિયમિતતા એ બિનરૈખિક્તા (non linearity) છે, એમ અંદરનો ઍન્જિનિયર કહે છે. બિનરૈખિકતા જીવંતતાનું સ્વરૂપ છે એ હું જાણું છું. પણ થોડું સરખું, વ્યવસ્થિત કરવાની માનવસહજ ઝંખના ઉભરાઈ આવે છે. આ ઇચ્છાએ જ માણસજાતની પત્તર ફાડી છે એ પણ હું સમજું છુ. પણ સમજ્યા પ્રમાણે જ બધું કરું તો હું માણસ શાનો?

ચાલીસમાં કેટલી ખૂટે છે તે બરાબર ગણી લીધી. બે વાર. ત્રણથી વધુ સળંગ ખાલી સ્થાન હોય ત્યાં મારવી. એ ખાલી સ્થાનોમાં પણ શાહ, પટેલ, પરમાર વગેરે બાદ. ઓગણચાલીસની ગણતરીએ ફરી અટકું છું. ક્યાંક વધારે ન થઈ જાય! આ ‘ચાલીસ અને ફક્ત ચાલીસ’નો જુલમ દૂર કરો ભાઈ! થોડા ઓછાવત્તા ચોર પણ ધાડ તો પાડી જ શકે. કદાચ વધુ અસરકારક રીતે ફરી બે વાર ગણું છું. ઓગણચાલીસ જ છે. ધડકતા દિલે છેલ્લી ચોકડી.

આ catharsis શું બલા છે તે અચાનક સમજાય છે. આંખમાં આંસુ આવવાનાં જ બાકી છે. ત્યાં જ પરમજ્ઞાન, બોધજ્ઞાન કે સાક્ષાત્કાર જે ગણો તેની ઘડી આવી પડે છે. આ યુરેકાક્ષણ મોડી પડી છે. અથવા ત્રણ વર્ષ વહેલી. આટલું મગજનું દહીં કરવા કરતાં ભગવાનભરોસે ન છોડી શકાય? ઉપરવાળો સુયોગ્ય ચાલીસ પસંદ કરી લે તો શું ખોટું? ઘરના મંદિર આગળ ચિઠ્ઠી નાંખી નિર્ણય લેનાર ઓળખીતાઓ યાદ આવે છે. યાદ્દચ્છિક્તા (randomness) ઈશ્વરીય છે.

યાદ્દચ્છિક્તા આપણે ધારીએ એમ મૂર્ખતાનું લક્ષણ નથી, અંદરનો AI ભણાવતો માસ્તર યાદ કરાવે છે. ઘણીવાર યાદ્દચ્છિક્તા ઉમેરીને એજન્ટને વધુ રૅશનલ બનાવી શકાય છે. ડોબાને હોશિયાર બનાવી શકાય છે. સાચું નથી લાગતું ને? માસ્તર વધારે ડિટેઇલમાં જવા આગ્રહ કરે છે. હું એને ચૂપ કરી દઉં છું. પણ એ જતાં-જતાં એટલું તો કહી જ દે છે કે તમે સોશિયલ મીડિયાની જે પણ એપ્સ વાપરો છો, એ બધી યાદ્દચ્છિક્તાનો વ્યૂહાત્મક ઉપયોગ તમારું વ્યસન – અને પોતાનો નફો – વધારવા માટે કરે છે.

તો એકથી એક્યાસી નંબરની ચિઠ્ઠીઓ બનાવી દેવાની એટલું જ ને? ત્યાં જ અંદરનો એન્જિનિયર ટપારે છે. અલ્યા, એટલી બધી ચિઠ્ઠીઓની ક્યાં જરૂર છે? સંભાવના(probability)ના સ્કૂલના પાઠ પણ ભૂલી ગયો? ખાલી દસ જ જોઈએ – ૦થી ૯. પત્તાંની કેટ સારી કામ આપે. એક્કાથી દસ્સો. દસ્સો એ શૂન્ય. રતન ખત્રીની જરૂર છે. હમણાં-હમણાં જ ગયા. ઉપર ઈશ્વરને મદદ કરતા હશે. એમણે યાદ્દચ્છિક્તા(randomness)ની દિવ્યતાને બરોબર ઓળખી હતી. જે પારદર્શિતાથી એમણે વર્ષો સુધી પત્તાંની કેટ પરથી આંકડા કાઢ્યા એનાથી ચોથા ભાગની આપણી પ્રજામાં હોય, તો ઉદ્ધાર થઈ જાય.

આ બાયોપિકના જમાનામાં રતન ખત્રીને કોઈ યાદ કરો મટકાકિંગ, તેમની આસપાસની કિંવદંતીઓ અને તેની સાથે વણાયેલી ગરીબવર્ગની આર્થિક સામાજિક પરિસ્થિતિઓ અને પેદા થતી માઇથોલૉજી. એવી સ્ક્રિપ્ટ કોઈ લખતું હોય, અને મને ટિપ્પણી માટે મોકલે, તો વિનામૂલ્ય જોઈ આપવાનું વચન આપું છું.

ઝીણી નજરવાળા સુજ્ઞવાચક એમ કહી શકે કે આગળ તો આડેધડ ફટકાબાજી કરવામાં સંસ્કાર, અહમ્‌ વગેરે નડતાં હતાં અને હવે ચિઠ્ઠી ઉપાડવાનું કહો છો? આજકાલ ઠેકાણું નહીં – લૉકડાઉનની નવરાશ પછી ઘણાંની બુદ્ધિ કુશાગ્ર બની ચૂકી છે. નવરાશથી બુદ્ધિની અણી નીકળે કે બુઠ્ઠી થાય એ વિવાદાસ્પદ મુદ્દો કોઈને લાગી શકે. આને મારો અંગત અભિપ્રાય ગણવો.

એ સ્પષ્ટતા જરૂર કરી દઉં કે શુદ્ધ યાદ્દચ્છિકતા અને આડેધડ ફટકાબાજી એ બે અલગ છે. આડેધડ ફટકાબાજીમાં તમે મતપત્રકની સામે તો જુઓ જ છો. એટલે એમાં ઓળખીતા અજાણ્યા, ગમતા, અણગમતા વગેરે પ્રગટ અને પ્રચ્છન્નભાવો સાથે મનોવિજ્ઞાન ભળે જ છે. ભૂવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે. એ શુદ્ધ યાદ્દચ્છિકતાથી ઘણું દૂર છે.

પણ આખરે હું રતન ખત્રીની નિર્મળ યાદ્દચ્છિક્તાથી સુસજ્જ છું. જેટલા મતપત્રક મોકલવા હોય તેટલા મોકલો! દસ પત્તાં લઈને બેસવાનું એટલું જ ને! હવે પરિસ્થિતિ ઊલટી છે. ત્રણ વર્ષ લાંબો સમય લાગે છે. દર વર્ષે ચૂંટણી રાખો. બને તો દર છ મહિને. યાદ્દચ્છિકતાની જય! લોકશાહીની જય! ઈશ્વરીય લોકશાહીની જય!

૫, આનંદવિલા બંસલ મૉલની સામે, ગોત્રી, વડોદરા – ૩૯૦ ૦૨૧

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 12-13

Loading

૨૦૧૯માં ગુજરાતમાં કોમી હિંસા

હિરેન ગાંધી|Samantar Gujarat - Samantar|14 March 2021

એક તરફ ‘કોરોના મહામારી’ સામેનું દ્વંદ્વ અને બીજી તરફ દેશની રાજધાનીને ચોતરફથી ઘેરીને ત્રણ નવા કૃષિ કાનૂનોના વિરોધમાં દેશના કિસાનોના આંદોલનનો વાસંતી વાયરો. આવા સમયમાં છેલ્લા ચાર દાયકાથી ગુજરાતમાં ધમધમતી સામાજિક-સાંસ્કૃતિક ફાસીવાદની પ્રયોગશાળા વિશે વાત કરવી કેટલી જરૂરી છે ? અલબત્ત જરૂરી છે. કેમ કે એનાં પરિણામો આજે દેશભરમાં પડઘાવા માંડ્યાં છે. એનું બીજું અત્યંત મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે, ગુજરાતમાંની એ પ્રયોગશાળા બંધ નથી થઈ ગઈ. દેશભરની રાજનીતિ ઉપર પોતાની સત્તા અને વર્ચસ્વની સ્થાપના કર્યા પછી પણ એ પોતાની સત્તાને હંમેશ માટે એકચક્રી બનાવવાની યોજનાઓ ઘડવાના અવિરત પ્રયાસો ચાલુ રાખવા માંગે છે.

‘બુનિયાદ’. ગુજરાતનું ભાંખોડિયા ભરતું નાનકડું સ્વૈચ્છિક સંગઠન. ગુજરાતનો નાગરિક સમાજ પણ એનાથી હજુ ખાસ પરિચિત નથી. હા, એનું નેતૃત્વ કરનાર યુવા સાથીઓને એ જરૂર ઓળખે છે, કેમ કે લગભગ ૨૦૦૨માં સર્જવામાં આવેલા ‘ગુજરાત જનસંહાર’ના સમયથી એ સાથીઓ કોમી એક્તા, ન્યાય, શાંતિ અને પ્રજાતંત્રની પુનઃસ્થાપનાના ઉદ્દેશ્યોને પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. આ જ ઉદ્દેશ્યોને માટે છેલ્લાં ત્રણેક વર્ષથી એમણે આ સંગઠન સક્રિય કર્યું છે. સાથે સાથે ‘અલ્પસંખ્યક અધિકાર મંચ’ નામનું એક અનૌપચારિક ખુલ્લું પ્લેટફોર્મ પણ કાર્યરત કર્યું છે. ગુજરાતમાં ક્યાં ય પણ સાંપ્રદાયિક હિંસાની કોઈ ઘટનાની ખબર મળે તો એકઠી કરે છે, એનો અભ્યાસ અને વિશ્લેષણ કરે છે તથા શક્ય હોય તો એક સમિતિ બનાવી એ ઘટનાનું ‘ફૅક્ટ ફાઇન્ડિંગ’(તથ્યોની શોધ) કરીને એ વિશે અહેવાલ અને વિશ્લેષણ તૈયાર કરે છે. છેલ્લાં બે વર્ષથી તેઓ ગુજરાતમાં બનતી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વિશે સવિસ્તર વાર્ષિક અહેવાલ પણ તૈયાર કરે છે. ‘કોરોનાની મહામારી’ અને સંસાધનોની મર્યાદાના કારણે ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાની કેટલીક ઘટનાઓ વિશેનો ખૂબ જ નોંધપાત્ર અહેવાલ તેમણે ૨૦૨૦ના ડિસેમ્બર અંતમાં પ્રકાશિત કર્યો. એ અહેવાલ ગુજરાત અને દેશભરના નાગરિક સમાજની આંખ ઉઘાડનારો છે અને સંવેદનશીલ આમ જનતાને ચોકાવનારો છે, કેમ કે ૨૦૦૨ પછી આજ સુધી ગુજરાત ‘શાંત’ છે, ‘વિકાસ’ની હરણફાળ ભરીને દેશના અન્ય રાજ્યો માટે ‘વિકસિત રાજ્ય’નું મોડેલ બની ચૂક્યું છે એવો પ્રચાર દેશભરના રાજકારણીઓ ઢોલ પીટી પીટીને કરી રહ્યાં છે.

આ ચિંતાજનક પરિદ્રશ્યની વચ્ચે ‘બુનિયાદ’નો ગુજરાતમાં કૌમી હિંસા વિશેનો ૨૦૧૯નો અહેવાલ શાંત પાણીમાં પથરાની જેમ પડે છે. શીર્ષક છે ‘પીસફુલ ગુજરાતઃ ઍન ઇલ્યુઝન ઑર ટ્રુથ?’ (‘શાંત ગુજરાતઃ ભ્રમણા કે સચ્ચાઈ?’).

અહેવાલની શરૂઆત ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા વિશેની કેટલીક પાયાગત માહિતીથી થાય છે. તેમાં ૨૦૧૯ની ઘટનાઓ અને ૨૦૧૮ની એવી ઘટનાઓના મહત્ત્વપૂર્ણ આંકડા રજૂ કરાયા છે. એ આંકડાઓનો એન.સી.આર.બી.(નેશનલ ક્રાઇમ રિપોટ્‌ર્સ બ્યૂરો)માં રજૂ થયેલ એ પ્રકારના ગુજરાતનાં આંકડાઓ સાથેનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરાયો છે. સંસ્થાની અભ્યાસ પદ્ધતિ તથા તેની મર્યાદિત પહોંચ અંગેની સ્પષ્ટતા કરાઇ છે. અહેવાલમાં જેની વિગતે ચર્ચા કરાઇ છે એવા સાંપ્રદાયિક હિંસાના બે મુખ્ય સ્વરૂપો – રમખાણ અને ભીડ દ્વારા હુમલો(મૉબ લિંચિંગ)ની વ્યાખ્યાઓ અને સમજૂતી રજૂ કરાઇ છે. આ ઉપરાંત એમાં આ પ્રકારની હિંસા પાછળનાં તત્કાળ કારણોની યાદી બનાવાઇ છે. તેમ જ માહિતી એકત્રીકરણ માટેનાં તેમનાં સંસાધનો અને પદ્ધતિની વાત કરી છે. મુખ્ય ધારાનાં બે અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત થયેલ ખબરો ઉપરાંત કેટલાંક સ્થળે ‘તથ્ય તપાસ સમિતિ’ બનાવી પ્રત્યક્ષ રીતે પણ માહિતી એકઠી કરી છે. અલબત્ત એક દ્રષ્ટિએ આ અહેવાલ ‘સંશોધન અહેવાલ’ (રિસર્ચ પેપર) જેટલી ઝીણવટભરી અને તમામ માહિતીઓને નથી સમાવતો, પરંતુ એ પ્રતીકાત્મક અને ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનાં વ્યાપક પરિદૃશ્યનો ઘણો ઉપયોગી અંદાજ જરૂર આપે છે.

અહીં ૨૦૧૯માં ગુજરાતમાં ‘કોમી હિંસા’માં કુલ છ બનાવોની છણાવટ કરાઇ છે. તેમ જ બે ‘મૉબ લિંચિંગ’ની ઘટનાઓ સમાવાઇ છે. એન.સી.આર.બી.ના આંકડા જોઈએ તો કુલ ૩૯ સાંપ્રદાયિક રમખાણો ગુજરાતમાં ૨૦૧૮માં નોંધાયા છે. જો કે ૨૦૧૯માં ‘કોમી હિંસા’ કે ‘મૉબ લિંચિંગ’નાં આંકડા રજૂ નથી કરાયાં. ૨૦૧૮ના આ સંદર્ભના આંકડાઓ ઉપર નજર કરીએ – સાંપ્રદાયિક રમખાણો ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે કુલ ૧૩ છે, અને ‘મોબ લિંચીંગ’ની ઘટનાઓ કુલ ૫ છે, જ્યારે એન.સી.આર.બી.ના અહેવાલ પ્રમાણે રમખાણો ૩૯ છે, ‘મૉબ લિંચિંગ’ કુલ ૪ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ એન.સી.આર.બી. પોલીસ સ્ટેશનો તથા ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ આંકડા દ્વારા એકઠા કરે છે. એ ‘મૉબ લિંચિંગ’ના આંકડા અલગથી નથી એકત્રિત કરતું. ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે ૨૦૧૯માં કુલ ૧૬ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ અને ૨૦૧૮માં ૩૩ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે ‘એન.સી.આર.બી.’ પ્રમાણે ૨૦૧૮માં ૫૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ. તેમ જ ૨૦૧૮માં ૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો અને ૨૦૧૯માં એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

‘બુનિયાદ’ના ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા સંદર્ભે પ્રકાશિત થયેલ અહેવાલમાં રજૂ થયેલ ઘટનાઓ ઉપર એક નજર નાંખીએ તો –

૧) ખંભાતઃ અહીં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે ત્રણ દરવાજા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે એક રાષ્ટ્રીય મુદ્દાને લઈને સોશ્યલ મીડિયા ઉપર થયેલ વાદ-વિવાદના કારણે રમખાણ થયું હતું. મુદ્દો હતો – એ જ માસમાં કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય જવાનો ઉપર થયેલ આતંકવાદી હુમલો. આ ઘટના ઉપરથી બે મહત્ત્વપૂર્ણ તારણો સ્પષ્ટ થાય છે.

(અ) સોશ્યલ મીડિયા સાંપ્રદાયિક તણાવ – તોફાનો વધારવા માટે એક નોંધપાત્ર સાધન બની શકે છે. અને તેનો એ પ્રકારનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોમાં સતત વધી રહ્યો છે.

(બ) રાષ્ટ્રીય સ્તરના મુદ્દા અને નફરતભરેલ સંદેશાઓ સ્થાનિક તંગદિલીમાં અંગારાનું કામ કરે છે.

આ પ્રસંગ પછીના બે જ દિવસમાં ત્યાં બે અલગ અલગ કોમનાં નાનાં બાળકો વચ્ચે ઝઘડો થયો અને એમાંથી હુલ્લડ ફાટી નીકળ્યું. થોડાં વર્ષ અગાઉથી ખંભાત ઉપર નજર નાખીએ તો સાંપ્રદાયિકતાના સંદર્ભે એ અત્યંત સંવેદનશીલ પુરવાર થતું રહ્યું છે.  

• ૨૦૧૨માં વકફ બોર્ડની જમીનો ઉપર દુકાનો બાંધવાના મુદ્દે ચુનારા (દલિત) અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં અને પાંચ ઘરોને એસીડ બલ્બ્સ, પેટ્રોલ બૉંબ વડે ખેદાન-મેદાન કરી નંખાયાં હતાં.

• ૨૦૧૬માં પીઠ બજાર નામના વિસ્તારમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં બે કોમો સામસામે આવી ગઈ હતી. એમાંથી થયેલાં હુલ્લડો કેટલાંક વિસ્તારોમાં પ્રસર્યાં હતાં તેમ જ કેટલાંક ઘરો ઉપર પણ હુમલા થયા હતા. તથા એક મંદિર, મસ્જિદ અને દરગાહને પણ આગ ચંપાઈ હતી. ૨૦૧૭-૧૮માં પણ કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ ત્યાં નોંધાઈ હતી.

૨) કોટડા ગડી (સાબરકાંઠા જિલ્લો) : ગામમાં એક આદિવાસી કિશોરી અને મુસ્લિમ યુવક લાંબા સમયના પ્રેમસંબંધને કારણે ગામ છોડીને ભાગી ગયેલ. સમય જતાં તેઓ ગામમાં પરત આવેલ. આ કારણે બંને સમુદાયો વચ્ચે ‘સમાધાન’ કરાવાયું હતું. શરતો મુજબ યુવક ફરી કદી ગામમાં પ્રવેશી ના શકે અને એના પરિવારે કિશોરીના પરિવારને રૂપિયા ૩૫,૦૦૦ ચૂકવવાના હતા. થોડા દિવસ પછી ફરીથી કિશોરી અને એ જ યુવક ફરાર થઈ ગયાં. પરિણામે આદિવાસી સમુદાયે ગામનાં મુસ્લિમ સમુદાય ઉપર હુમલો કર્યો અને બાર મુસ્લિમ પરિવારોએ હંમેશ માટે ગામ છોડીને ચાલ્યા જવું પડ્યું.

૩) ધૂનાદ્રા (ઠાસરા જિલ્લો) : અહીં રમખાણ એક બિન-હિન્દુ યુવતીની જાનના કારણે થયું હતું. જાન બેન્ડ-વાજાં વગાડતી અને ફટાકડા ફોડતી હતી. એ જ્યારે એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાંના સ્થાનિક રહીશોએ બેન્ડવાજાં ના વગાડવાની અને ફટાકડાં ના ફોડવાની વિનંતી કરી. આ કારણે ત્યાં બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી.

૪) નાંદોલિયા (તાલુકો – કડી) : ઉત્તરાયણ દરમિયાન અહીં એક મુસ્લિમ યુવાને ભરવાડ યુવાનની પતંગ કાપી. એમાંથી ઝઘડો શરૂ થયો. મુસ્લિમ યુવક ઉપર ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકાયો. ઝઘડો વધ્યો ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું. ગામના આગેવાનોએ મુસ્લિમ યુવકને ગામની બહાર કાઢી મૂક્યો. થોડા સમય પછી એ ગામમાં પાછો આવ્યો અને ભરવાડ યુવક સાથે ઝઘડવા માંડ્યો. પરિણામે ભરવાડ યુવકોએ ભેગા મળી ત્યાંના મુસ્લિમ રહીશો ઉપર હુમલો કર્યો અને એમનાં ઘરોમાં તોડફોડ કરી. પરિણામે ૩૫ મુસ્લિમ પરિવારો ગામ છોડી અન્યત્ર ચાલ્યા ગયાં.

૫) મોટી ખાવડી (જિ. જામનગર ) : અહીં પાંત્રીસેક વર્ષની માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ઉપર સાત જણાનાં ટોળાએ ચોરીનો આક્ષેપ મૂકી લાકડાં અને પ્લાસ્ટીકની લાઠીઓ વડે માર મારતાં મારતાં એને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

૬) શાહીબાગ (અમદાવાદ) : મહેશ પરમાર નામના અઢાર વર્ષના એક દલિત ઉપર ચોરીનો આરોપ મૂકી ટોળાએ એને ઘાયલ કર્યો હતો. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી જેલમાં પૂર્યો હતો. એની ખૂબ વિનવણીઓ પછી પોલીસે એને સિવિલમાં દાખલ કરાવ્યો હતો. મામલામાં કોઈના ઉપર ગુનો નોંધાયો નહોતો.

૭) એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા) : આ યુનિવર્સિટીના કેમ્પસમાં એક સ્ટુડન્ટ યુનિયન ‘એન્ટી રેગીંગ (મહિલાઓની છેડછાડના વિરોધમાં) આંદોલન કરી રહ્યું હતું ત્યારે એ આંદોલનને યુવતીઓને આકર્ષવાનો મુદ્દો બનાવી એને ‘લવ જેહાદ’માં ખપાવી કેટલાંક હિન્દુ વિદ્યાર્થીઓએ પ્રચારિત કરવા માંડ્યો, કેમ કે આંદોલન કરનાર યુનિયનનાં ઘણાંબધાં વિદ્યાર્થીઓ મુસ્લિમ હતાં. મામલો બીચક્યો. પરસ્પર અથડામણો થઈ. અને છેવટે આઠ મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી.

૮) ધોળકાઃ અયોધ્યાની બાબરી મસ્જિદ અને રામ જન્મ સ્થળ નિમિત્તે લાંબા સમયથી ચાલતા કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો. એના અનુસંધાને અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩૬૧ની સાલમાં બંધાયેલી ટાંકા મસ્જિદ સંદર્ભે કેટલાંક અસામાજિક તત્ત્વોએ એક જબરદસ્ત વિવાદ ઊભો કર્યો. એમણે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી એવી અફવા ફેલાવવા માંડી કે આ મસ્જિદની જગ્યાએ એક મંદિર હતું અને તેને તોડી પાડીને મસ્જિદ બનાવાઇ છે. એ તત્ત્વો ૨૯ અને ૩૦ ઑગસ્ટ દરમિયાન મસ્જિદમાં ઘૂસી પણ ગયાં. છેવટે નાગરિક સમાજની એક સંસ્થાના હસ્તક્ષેપને કારણે પોલીસે મસ્જિદને રક્ષણ પૂરું પાડ્યું. સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદે શાસનકર્તાઓને એક મેમોરેન્ડમ આપ્યું અને દાવો કર્યો કે આ મસ્જિદના સ્થળે અગાઉ ‘ભીમનું રસોડું’ હતું અને ‘પાંડવોની શાળા’ હતી.

૯) શેહરા (જિ. પંચમહાલ) : અહીંની એક હિન્દુ યુવતી તેની માતાની સારવાર માટે માતા-પિતા સાથે અમદાવાદ ગઈ હતી અને ગુમ થયેલ. એને ‘લવ જેહાદ’નો ભોગ બનેલ યુવતી બનાવી કેટલાંક હિન્દુ સંગઠનોએ ‘હિન્દુ સમાજ’ના બૅનર નીચે એને શોધી લાવવાની હાકલ કરતી અને હિન્દુ સમુદાયને ઉશ્કેરણી કરતી એક રેલી કાઢી હતી તેમ જ ‘બંધ’નું એલાન પણ આપ્યું હતું.

૧૦) મહેસાણા : એક કૉલેજમાં અભ્યાસ કરતા એક મુસ્લિમ યુવાન અને હિન્દુ યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાને લઈને ‘વિશ્વ હિન્દુ પરિષદનો’ એક યુવા કાર્યકર ધમકીઓ આપતો હતો. એ અરસામાં અન્ય કોઈ ઝઘડાના કારણે કોઈએ એ કાર્યકરને માર્યો. માર ખાધેલ યુવકે સોશ્યલ મીડિયા અને અખબારો, ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર એવો પ્રચાર ફેલાવ્યો કે હિન્દુ યુવતી ‘લવ જેહાદ’નો ભોગ બની છે. માધ્યમોએ એ પ્રચાર કરનારને ‘હીરો’ ગણાવવા માંડ્યો. સ્થાનિક વાતાવરણ આ ઘટનાથી ખાસ્સું તંગ થઈ ગયું. છેવટે પોલીસે એને વ્યક્તિગત ઝઘડાનો મુદ્દો જાહેર કરી મામલો  થાળે પાડ્યો.

૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં બનેલ કોમી હિંસા અંગેની આ માહિતી ઉપર નજર નાંખતાં જ આપણને ખ્યાલ આવે છે કે. ‘શાંત’ ગુજરાતની જાહેરાતો કેટલી પોકળ અને ગેરમાર્ગે દોરનારી છે!

સોશ્યલ મીડિયાની ભૂમિકાઃ

આજના સમયમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટેનું એક હાથવગું સાધન બની ચૂક્યું છે. જનતાની માનસિકતા ઘડવાની એની તાકાત મુખ્ય ધારાનાં સંચાર માધ્યમો જેટલી જ પ્રભાવશાળી બની ગઈ છે. ઉપર નોંધેલ મોટા ભાગની ઘટનાઓ માટે ઘણે અંશે સોશ્યલ મીડિયા જવાબદાર રહ્યું છે. ધોળકાની ટાંકા મસ્જિદનો વિવાદ હોય કે મહેસાણાનો ‘લવ જેહાદ’નો વિવાદ હોય. ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી ‘માહિતી’ વાયુવેગે આમ જનતા સુધી પહોંચી જાય છે. વાતાવરણ પળવારમાં ઉશ્કેરાટભર્યું તથા હિંસક બની જાય છે. આજનો શાસક પક્ષ અને એની જનેતા સમાન સંગઠન દ્વારા અસ્તિત્વમાં આવતાં સંગઠનો, સંસ્થાઓ અને જૂથો એનો ઉપયોગ બખૂબી જાણે છે. માત્ર સોશ્યલ મીડિયા જ નહીં લગભગ તમામ પ્રકારનાં સંચાર માધ્યમો ઉપર એમણે કબ્જો જમાવી દીધો છે.

વર્ચસ્વવાદી સંગઠનોઃ

ગુજરાતને તો ગઈ સદીના આઠમા દાયકથી આ સંગઠનો પોતાની સાંપ્રદાયિક ફાસીવાદની પ્રયોગશાળા બનાવી ચૂક્યાં છે. છેલ્લાં અઢી દાયકાથી તો રાજકીય સત્તાની ધુરી પણ એમની જ રાજકીય પાર્ટી – બી.જે.પી.ના હાથમાં રહી છે. અહીંના એમના પ્રયોગોને કારણે આજે છેલ્લાં છ વર્ષથી દેશની સત્તા પણ તેઓ ભોગવી રહ્યાં છે. દેશભરમાં આજે તેઓ સાંપ્રદાયિક ફાસીવાદના જે પ્રયોગો અજમાવી રહ્યાં છે એ તમામ ગુજરાતની પ્રયોગશાળામાં સફળ પુરવાર થઈ ચૂકેલા પ્રયોગો છે. ગુજરાતમાં થયેલી ૨૦૧૯ની કૌમી હિંસાના સંદર્ભમાં જોઈએ તો શહેરામાં બનેલા કાલ્પનિક ‘લવ જેહાદ’નો પ્રસંગ હોય કે ધોળકાની ટાંકા મસ્જિદનો પ્રસંગ હોય, સાબરકાંઠાના કોટડા ગડી ગામમાં ઊભી કરાયેલ ‘લવ જેહાદ’ની ઘટના હોય કે મહેસાણાની કૉલેજની ઘટના – આ તમામ હિંસા આ સંગઠનોએ જ સાકાર કરેલી છે.

પોલીસની ભૂમિકાઃ

કોમી હિંસાના પ્રસંગોમાં પોલીસની ભૂમિકા મોટે ભાગે ભેદભાવપૂર્ણ રહી છે. અને મુસ્લિમ સમુદાય એનો ભોગ બનતો રહ્યો છે. એ સમુદાય એક તરફથી જાન-માલનું નુકસાન ભોગવતો રહે છે તો બીજી તરફ પોલીસ એને અપરાધી ઠરાવી જેલોમાં ધકેલતી રહી છે. અગાઉ નોંધેલા ત્રણ કિસ્સામાં (વડોદરા, ખંભાત અને ધુનાદ્રામાં) પોલીસે કુલ ૮૫ ધરપકડો કરી હતી. તેમાંથી ૬૩ મુસ્લિમોની હતી. વળી ગુનો નોંધાયા પછી ન્યાય મેળવવો પણ એ સમુદાય માટે ખૂબ જ મુશ્કેલ બની રહે છે. પરિણામે એ સમુદાયે નાછૂટકે ‘સમાધાનો’ કરાવવાં પડે છે.

આ અહેવાલમાં નોંધાયેલ એક કિસ્સો તો ચોંકાવનારો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સેમરડી ગામમાં રહેતા એક મુસ્લિમ બૂટલેગરને ધારીના પોલીસ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. અને પોલીસે તેની અને તેના પિતાની ધરપકડ કરી હતી. બીજે દિવસે ધારીના પોલીસે અમરેલીના બીજા પોલીસદળો અને જંગલ ખાતાના કર્મચારીઓને સાથે લઈ સેમરડી ગામમાં રહેતાં બલોચ-મુસ્લિમોના ઘરોમાં ખાસ્સી તોડફોડ કરી અને સ્ત્રીઓ, બાળકો અને પુરુષોને ધક્કે ચડાવ્યા હતા. હજુ આટલું ઓછું હોય તેમ પશ્ચિમ ગુજરાતના વીજળી વિભાગને સાધી મુસલમાનોના વિસ્તારમાં બે દિવસ સુધી વીજળી ગુલ કરી દીધી હતી. આ ઘટનાથી મુસ્લિમો એટલા ડરી ગયા હતા કે તેઓ ગામ છોડીને એમનાં સગાં-સંબંધીઓના ત્યાં આશ્રય લેવા જતાં રહ્યાં હતાં.

ગુજરાતની પોલીસની માનસિકતા અને વર્તણૂકને સમજવા આ ઉદાહરણ પૂરતું છે.

રાજ્યની ભૂમિકાઃ

ગુજરાતને સાંપ્રદાયિક ફાસીવાદની સફળ પ્રયોગશાળા તરીકે વિકસાવવામાં રાજ્યની ભૂમિકા સૌથી નોંધપાત્ર રહી છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી કોમી હિંસાને બેલગામ બનાવવામાં રાજય એક રીતે સીધું સંડોવાયેલું રહ્યું છે. ૨૦૦૪માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાને (હાલમાં દેશના વડા પ્રધાને) ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ’ (ગુજકોક) નામના કાનૂનનો મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિએ એના ઉપર મંજૂરીની મહોર મારી નહીં. ત્રણ વાર સરકારે એ માટે પ્રયાસો કર્યા, પરંતુ એ સફળ ના થઈ. એ પછી ૨૦૧૫માં ગુજરાત સરકારે એ જ વિધેયકને નામ બદલીને ‘ગુજટોક’ના નામે ફરીથી રજૂ કર્યું. એમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી. એ જોગવાઈ મુજબ પોલીસ કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરીને, એમાંની વાતચીત અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકે. આખરે ૨૦૧૯માં આ કાયદાને મંજૂરી મળી ગયેલ છે.

એ જ રીતે ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં તત્કાલીન ગૃહ ખાતાના રાજય પ્રધાને વિધાનસભામાં ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (ડી.એ.) રજૂ કરી મંજૂર કરાવ્યો હતો. આ કાયદા મુજબ સરકાર જેને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ જાહેર કરે ત્યાં માલ-મિલકત, મકાન/દુકાનની લેવડ-દેવડની બાબતો જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવ્યા પછી જ થઈ શકે. હાલમાં આ કાયદા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, કપડવંજ અને ભરુચમાં કુલ ૭૭૦ વિસ્તારોને આવરી લેવાયાં છે. ખંભાતમાં પણ આ કાયદાનો અમલ લાગુ કરવામાં આવ્યો છે. આમાંના મોટાભાગના વિસ્તારો મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવે છે. આ કાયદાના પરિણામે ગુજરાતમાં ધાર્મિક સમુદાયોનું ધ્રુવીકરણ વધુ ઝડપી અને મજબૂત બન્યું છે. સમુદાયો વચ્ચેનું પારસ્પરિક સાંસ્કૃતિક આદાન-પ્રદાન લગભગ નહિવત્‌ બનતું જાય છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે – આ કાયદાને કારણે સાંપ્રદાયિક તણાવ અને હિંસાની જમીન વધારે ફળદ્રુપ અને ઉપજાઉ બને છે. વળી આ પ્રકારના કાયદા લોકતાંત્રિક માળખાનાં સંસ્થાનોના પાયા પણ હચમચાવી નાંખતા પુરવાર થાય છે.

આ અહેવાલમાં રજૂ થયેલ તારણો વિશે નાગરિક સંગઠનો અને સંવેદનશીલ, બુદ્ધિજીવી નાગરિકોએ ઊંડું મનોમંથન કરવાની ખૂબ જ તાતી જરૂરત છે. આ અહેવાલમાંના આધારે થતા સ્પષ્ટ કેટલાંક અત્યંત વિચારણીય તારણો નીચે મુજબ છે.

૧) ૨૦૦૨ના મુસ્લિમ જનસંહાર પછી ગુજરાતમાં કોમી હિંસા ગ્રામીણ વિસ્તારો તરફ આગળ વધી રહી છે.

૨) કોમી હિંસા અવનવાં સ્વરૂપો ધારણ કરવા માંડી છે.

૩) શહેરોમાં તો પહેલેથી હતું જ, પરંતુ હવે તો નાનાં નગરો અને ગામડાંઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ ઝડપથી થવા માંડ્યુ છે.

૪) મુસ્લિમ સમુદાય જબરદસ્ત અસલામતી અને ગૂંગળામણ અનુભવી રહ્યો છે.

૫) ગુજરાતના દલિત અને પછાત ગણાતા સમુદાયો પણ એક તરફથી સાંપ્રદાયિક હિંસાનો હાથો બની રહ્યાં છે બીજી તરફથી એનો ભોગ પણ બની રહ્યાં છે, અને સાથે સાથે હાંસિયાકૃત (માર્જિનલાઇઝ્‌ડ) પણ થઈ રહ્યાં છે.

૬) માનવઅધિકાર પંચ જેવાં લોકતાંત્રિક સંસ્થાનો લગભગ નિષ્ક્રિય અને સુષુપ્ત બની ચૂક્યાં છે. કેટલાંક સંસ્થાનોને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયાં છે.

આજના સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થતો આ દસ્તાવેજ તૈયાર કરવા બદલ ‘બુનિયાદ’ને અભિનંદન આપવાની સાથે સાથે હું બે સૂચનો પણ આપવા માંગું છું.

૧) અહેવાલની નકલ ગુજરાતીમાં તૈયાર કરી ગુજરાતભરમાં પહોંચાડવાની જરૂર છે.

૨) આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી જોઈએ.

* આ લેખ પૂરો કરતો હતો ત્યારે જ ગુજરાતના વરિષ્ઠ અને નિસબત ધરાવતા પત્રકાર રાજીવ શાહ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર રજૂ થતી ‘કાઉન્ટરવ્યૂ’ નામની પત્રિકાનો ૮ ડિસેમ્બરનો અંક મળ્યો. એમાં એમણે આ અહેવાલ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી મૂકી છે. ‘બુનિયાદ’ના અહેવાલમાં એક નાની નોંધ એ મુજબની છે કે ૨૦૧૪થી ગુજરાતનાં ગ્રામીણ પ્રદેશોમાં કોમી હિંસા અને ધ્રુવીકરણ વધવા માંડ્યાં જ્યારે રાજીવભાઈએ ૨૦૦૪માં સુરતના ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ’ના સંશોધક બિશ્વરૂપ દાસ અને વડોદરાના ‘સેન્ટર ફૉર કલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ’ના સ્થાપક ફા. લાન્સી લોબો દ્વારા ૨૦૦૪માં મધ્ય ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં કરાયેલ પ્રત્યક્ષ ઈંટરવ્યૂઝમાં તેમણે સ્પષ્ટ રીતે નોંધ્યું હતું કે ગામડાનાં સુખી પરિવારોમાં “કોમવાદ” વિશેનાં ખ્યાલો તથા વલણો ખાસ્સાં ઊંડે સુધી ઊતરી ગયેલાં હતાં. એમના એ સંશોધન પેપરનું નામ હતું ‘જ્યોગ્રાફી ઓફ ગુજરાત રાયટ્‌સ’.

ફા. લાન્સીએ આપેલ માહિતી મુજબ એ પેપર ૨૦૦૬માં ‘કોમ્યુનલ વાયોલન્સ એન્ડ માઈનોરિટી’ નામની પુસ્તિકામાં રાવત પ્રકાશને ઉપલબ્ધ કરાવેલ છે.

૯ જાન્યુઆરી, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 07-09

Loading

ચલ મન મુંબઈ નગરી—86

દીપક મહેતા|Opinion - Opinion|13 March 2021

જાવું જરૂર છે, બંદર છો દૂર છે

પાલવા બંદરને અંગ્રેજોએ બનાવ્યું એપોલો બંદર

ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે તાજ મહાલ હોટેલ

એપોલો બંદર પરથી પ્રસારિત થયેલો પહેલો રેડિયો કાર્યક્રમ   

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે.

કવિ સુંદરજી બેટાઈના કાવ્યની આ પંક્તિઓ આજે યાદ આવવાનું કારણ? કારણ આજે આપણે મુંબઈના એક જૂના બંદરની મુલાકાત લેવાનાં છીએ. પણ આપણે પહેલાં થોડો વિચાર કરીએ ‘બંદર’ શબ્દ વિષે. અંગ્રેજીના port માટે ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, બંગાળી, અને અસમિયા ભાષામાં આ શબ્દ વપરાય છે. હા, હિન્દીમાં તેમાં ‘ગાહ’ ઉમેરીને બંદરગાહ’ વપરાય છે અને બંગાળી-અસમિયામાં ઉચ્ચાર ‘બોન્દર’ જેવો થાય છે. આપણા સાર્થ ગુજરાતી શબ્દકોશ અને ભગવદ્દગોમંડળ કોશ આ શબ્દ ક્યાંથી આવ્યો તે જણાવતા નથી. સંસ્કૃતમાં આને મળતો કોઈ શબ્દ હોય તેવું જાણ્યું નથી. કોઈ કોઈ શબ્દકોશ ‘પોતાશ્રય’ અને ‘નૌકાશ્રય’ જેવા શબ્દો નોંધે છે, પણ દેખીતી રીતે જ તે ઉપજાવી કાઢેલા છે. વ્યવહારમાં વપરાતા હોય તેવા નથી. બંદર માટે સંસ્કૃત લખાણોમાં ‘વેલાકૂલ’ શબ્દ વપરાયો છે, ખાસ કરીને દસ્તાવેજોમાં. એટલે આજે આપણે મુંબઈના એક વેલાકૂલની મુલાકાત લેવાના છીએ.

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

સૌથી પહેલાં જશું પાલો બંદર કે પાલવા બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. આપણી ભાષાના શબ્દકોશોની એક મુશ્કેલી એ છે કે તેમાં મોટે ભાગે શહેરી ઉજળિયાત વર્ગોમાં વપરાતા શબ્દો જ નોંધાય છે. જુદા જુદા વ્યવસાયો, ધંધારોજગાર વગેરેમાં વપરાતા શબ્દો ભાગ્યે જ તેમાં જોવા મળે છે. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. એટલે જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. આજથી ૬૦-૭૦ વરસ પહેલાં પણ અહીં શઢવાળાં વહાણ જોવા મળતાં. અલબત્ત, ત્યારે તે મોટે ભાગે  સહેલાણીઓને ચાર-આઠ આનામાં દરિયાઈ સહેલ કરાવવાનું કામ કરતાં. ૧૯૬૫ સુધીના અરસામાં આ લખનારે આવી સહેલો કરેલી તે બરાબર યાદ છે. જો કે તે વખતે આ વહાણોની સાથે સ્ટીમલોન્ચ પણ આવી ગઈ હતી. પણ ધૂમાડો ઓકતી અને સતત ઘરઘરાટી કરતી આ સ્ટીમલોન્ચ કરતાં વધુ મજા તો વહાણોમાં જ આવતી. વળી સ્ટીમ લોન્ચ કરતાં વહાણોનું ભાડું લગભગ અડધું. આજે જેનું નામ જગન્નાથ શંકરશેઠ રોડ છે તેનું નામ અગાઉ ગિરગામ રોડ હતું. પણ તેનાથીયે પહેલાં તે રસ્તો પાલ કે પાલો બંદર રોડ તરીકે ઓળખાતો. એટલે કે તે માત્ર ધોબી તળાવ સુધીએ નહિ, ઠેઠ આ બંદર સુધી જતો હોવો જોઈએ.

અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. પણ હકીકતમાં પાલવા કે એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી. આવું અંગ્રેજો જ કરે છે એમ માનવું નહિ. સેન્ટ્રલ રેલવેમાં મુસાફરી કરતાં ઘણા શ્રમજીવીઓ ‘સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન’ને ‘સંડાસ રોડ સ્ટેશન’ કહે છે તે કાનોકાન સાંભળ્યું છે. વાંદરામાં માઉન્ટ મેરીના ચર્ચને ઘણા ‘મોત માવલી’ તરીકે ઓળખે છે. ખેર, જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. આ ત્રણ દરવાજા સાથેનો કિલ્લો બાંધવાનું કામ ૧૭૧૫માં શરૂ થયું હતું અને ૧૭૨૨માં પૂરું થયું હતું. એટલે કે એ અરસામાં પાલવા કે એપોલો બંદર એ કિલ્લા બહારનું એક મહત્ત્વનું સ્થળ હતું. અને ત્યાં સુધીમાં અંગેજોએ પાલવાનું એપોલો કરી નાખ્યું હતું. આ જગ્યાનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.

એક જમાનામાં પાલવા બંદર વેપારથી ધમધમતું હતું. વહાણોમાં પરદેશથી માલ આવતો અને અહીંનો માલ, મુખ્યત્વે કપાસ, વહાણોમાં ભરાઈને પરદેશ જતો. પણ પછી આ બંદરનો વપરાશ ઓછો થતો ગયો. તેનું મુખ્ય કારણ એ કે સ્ટીમશીપ કહેતાં સ્ટીમર આવી જે અહીંના છીછરા દરિયાને કારણે એપોલો બંદર સુધી આવી શકતી નહીં, જ્યારે બીજી ગોદીઓમાં એવી સગવડ હતી. એટલે પછી એપોલો બંદરનો ઉપયોગ એલિફન્ટા જનારા સહેલાણીઓ પૂરતો મર્યાદિત રહ્યો. સ્ટીમલોન્ચ આવી તે પહેલાં નાની સ્ટીમર એપોલોથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી. પાલવાથી શઢવાળાં વહાણ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જતાં. એ જ રીતે એલિફન્ટા ટાપુથી થોડે દૂર સ્ટીમર ઊભી રહેતી. મુસાફરો ઊતરીને વહાણમાં બેસીને કિનારે જતા. પછી સ્ટીમલોન્ચ આવતાં આ મુસાફરી સરળ બની. વહાણની જરૂર રહી નહિ. આજે પણ એપોલોથી એલિફન્ટાની સ્ટીમલોન્ચ ચોમાસાને બાદ કરતાં નિયમિત રીતે ચાલે છે.

સર જમશેદજી તાતા

એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે આ હોટેલના મકાનના સ્થપતિ બે હિંદીઓ હતા: સીતારામ ખંડેરાવ વૈદ્ય અને ડી.એન. મિરઝા. મકાનનું બાંધકામ ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટરે કર્યું હતું. અને એ બાંધવાનો ખરચ થયો હતો અઢી લાખ પાઉન્ડ, જે એ વખતે અધધ રકમ ગણાય. આજે આપણને નવાઈ લાગે, પણ એ વખતે જમશેદજીની બહેનોએ આ હોટેલ બાંધવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું આપણા મોભાદાર કુટુંબનો નબીરો ભટારખાનું ખોલે તો તો ખાનદાનની આબરૂ પાણીમાં જાય. મુંબઈની આ સૌથી મોંઘી હોટેલ શરૂ થઈ ત્યારે તેના રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા દસ! અને પંખાવાળો રૂમ જોઈએ તો ત્રણ રૂપિયા વધારે આપવાના! અને છતાં શરૂઆતમાં હોટેલ લગભગ ખાલી રહેતી. કારણ? ‘દેશી’ઓને એ બહુ મોંઘી લાગતી. અને ગોરાઓને આ ‘દેશી’ હોટેલનો ભરોસો પડતો નહોતો. તેઓ તો ગોરાઓની માલિકીની હોટેલ જ પસંદ કરતા. પણ એકવાર બિકાનેરના મહારાજા આ હોટેલમાં ઊતર્યા તે પછી તવંગર લોકોને ભરોસો બેઠો અને તેઓ અહીં ઉતરવા લાગ્યા. પછી તો ૧૯૧૧માં પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી મુંબઈ આવ્યાં ત્યારે તેમના માનમાં આ હોટેલમાં બેન્કવેટ યોજાયું હતું. પહેલા વિશ્વ યુદ્ધ વખતે આખી હોટેલને હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી શ્રીમતી સરોજિની નાયડુ મુંબઈ આવે ત્યારે આ હોટેલમાં, અને તેના એક ચોક્કસ રૂમમાં જ ઉતરતાં. એક એવી વાયકા પ્રચલિત છે કે ભૂલ ભૂલમાં આ હોટેલ મૂળ યોજના કરતાં ઊંધી બંધાઈ ગઈ છે. પણ હકીકત એ છે કે તે બંધાઈ ત્યારે દરિયા કિનારાને અડીને આવેલી હતી. એટલે દેખીતી રીતે જ તેનો મુખ્ય દરવાજો બીજી બાજુ, આજે જ્યાં સ્વીમિન્ગ પૂલ છે એ તરફ હતો. પણ પછી સરકારે ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાનું નક્કી કર્યું ત્યારે હોટેલની પાછળનો દરિયો પૂરીને જમીન મેળવી, અને એટલે દરિયો હોટેલથી  દૂર ગયો. અને મુખ્ય દરાવાજો દરિયા કિનારા તરફ ખસેડાયો. 

દરિયા કિનારાને અડીને બંધાયેલી તાજ મહાલ હોટેલ

હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. ગેટવેનું બાંધકામ તો છેક ૧૯૧૫માં શરૂ થયું. અને ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રસ્તો બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.

ગેટવે ઓફ ઇન્ડિયાની સામેનું રાજા પંચમ જ્યોર્જનું પૂતળું

એપોલો બંદર પર કુલ પાંચ જેટી છે. તેમાંની પહેલી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર માટે અનામત રાખેલી છે. બીજી અને ત્રીજી જેટી જાહેર જનતા માટે છે, અને અહીંથી મોટે ભાગે એલિફન્ટા, રેવાસ, માંડવા, અલિબાગ વગેરે સ્થળોએ જવા માટે સ્ટીમલોન્ચ ઊપડે છે. ચોથી જેટી બંધ કરી દેવામાં આવી છે, અને પાંચમી ફક્ત યોટ કલબના વપરાશ માટે છે. આ ક્લબ ગેટવે અને તાજ હોટેલ, બન્ને કરતાં ઘણી જૂની છે. તેની શરૂઆત છેક ૧૮૪૬માં હેન્રી મોરલેન્ડે કરી હતી. શરૂઆતમાં તેનું નામ ફક્ત બોમ્બે યોટ ક્લબ હતું. ત્રીસ વરસ પછી, રાણી વિક્ટોરિયાએ નામની આગળ ‘રોયલ’ શબ્દ ઉમેરવાની પરવાનગી આપી હતી. આજે હવે મુંબઈની ઘણી ખરી સંસ્થાઓનાં નામમાં બોમ્બેને બદલે મુંબઈ નામ મૂકવામાં આવ્યું છે, પણ આ ક્લબ આજે ય બોમ્બે નામ સાચવીને બેઠી છે. એટલું જ નહિ, બ્રિટિશ જમાનાની ઘણીખરી નિશાનીઓ ભૂંસી નાખવામાં આવ્યા પછી આ કલબના નામમાં ‘રોયલ’ શબ્દ સચવાઈ રહ્યો છે.

રોયલ બોમ્બે યોટ ક્લબ

પોતાના નામમાં આજે પણ બોમ્બે નામ સાચવીને બેઠેલી બીજી એક ક્લબ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. એ છે ધ બોમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ. ૧૯૨૪માં તેના લો ફ્રિકવન્સી ટ્રાન્સમિટર પરથી રેડિયો કાર્યક્રમ પહેલી વાર પ્રસારિત થયો હતો. ૧૯૨૬માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ, જેના સ્ટુડિયો  એપોલો બંદર પરના રેડિયો હાઉસમાં હતા. ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે સાંજના છ વાગ્યે તેનો પહેલો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. આ સ્ટેશનનું ઉદ્ઘાટન વાઈસરોય લોર્ડ ઈરવિને કર્યું હતું. પણ આ કંપની સતત ખોટમાં જતી હતી તેથી ૧૯૩૦માં બ્રિટિશ ગવર્નમેન્ટે તે લઈ લીધી હતી અને તેનું નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. ૧૯૩૮માં તેની ઓફિસ અને સ્ટુડિયો ક્વીન્સ રોડ પર આવેલા સરકારી મકાનમાં ખસેડાયાં. ૧૯૬૮ના નવેમ્બરમાં બેકબે રેકલમેશન ખાતે બંધાયેલા નવા અલાયદા મકાનમાં તે બધું ખસેડાયું. ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ પછીથી બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું, જે આઝાદી પછી બદલાઈને આકાશવાણી થયું.   

આ તો હજી પાશેરામાં પહેલી પૂણી થઈ. આવા તો બીજાં ઘણાં બંદર છે મુંબઈમાં. જાવું જરૂર છે, બંદર છો ઘણાં છે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 માર્ચ 2021

Loading

...102030...2,0832,0842,0852,086...2,0902,1002,110...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved