Opinion Magazine
Number of visits: 9680429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંગાદેશનાં શ્રીગણેશ પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર સાત મહિનામાં જ મંડાઈ ગયાં હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2021

૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી થઈ, ત્યારે આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રાન્તોમાં અને બંગલાદેશમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. ૧૯૪૬માં અલબત્ત એ પ્રદેશોમાં મુસ્લિમ  લીગનો વિજય થયો હતો, એનું કારણ કોમવાદનો ઝેરી પ્રચાર હતો. એ સમયે મુસલમાનોનું મન એ રીતે ભ્રમિત થયેલું હતું જે રીતે અત્યારે કેટલાક હિંદુઓનું જોવા મળે છે. આમ છતાં ય તેમને પાકિસ્તાનમાં રસ હતો એમ ન કહી શકાય. એ સમયે પણ વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો અને બલુચિસ્તાને પાકિસ્તાનમાં જોડાવાની ના પાડી દીધી હતી.

રહી વાત આજના બંગલાદેશની તો ત્યાનાં મુસલમાનોને પણ સ્વતંત્ર થવા મળતું હોય તો તેમને પાકિસ્તાનમાં રસ નહોતો. બંગાળના દિગ્ગજ નેતાઓ ફઝલુલ હક્ક, શહીદ સુહરાવર્દી, સુભાષચન્દ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને હિંદુ મહાસભાના કેટલાક નેતાઓ મળીને ગાંધીજી પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા કે પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાનમાં જોડાવા રાજી નથી, પણ તેઓ સ્વતંત્ર બંગાળમાં હિંદુઓ સાથે સંપીને રહેવા તૈયાર છે. માટે જેમ મુસલમાનો માટે પાકિસ્તાન બની રહ્યું છે એમ બંગાળીઓ માટે મજિયારું બંગાળ આપવામાં આવે. કહેવાની જરૂર નથી કે તેમને ગાંધીજીનો ઠપકો સાંભળવો પડ્યો હતો. જો ભેગા રહેવામાં વાંધો નથી તો પાકિસ્તાનની માગણી કરતા મુસ્લિમ લીગને ટેકો આપ્યો શા માટે અને હવે જો ભેગા રહેવું છે તો ભારતમાં રહેવામાં વાંધો શું છે?

ગાંધીજીના આ પ્રશ્નનો જવાબ બંગાળના નેતાઓ આપી શકે એમ નહોતા. પણ છતાં ય આવી બેહૂદી માગણી કરવાનું સાહસ બંગાળના હિંદુ અને મુસલાન એમ બન્ને કોમના દિગ્ગજ નેતાઓએ કરી હતી. મેં મારા લેખોમાં અનેક વાર લખ્યું છે કે આ દેશમાં પ્રત્યેક ભારતીય એક કરતાં વધુ ઓળખો (અસ્મિતાઓ) લઈને જીવે છે જેમાં ભારતીય હોવાની ઓળખ છેલ્લે આવે છે. એમાં વળી બંગાળીઓની બંગાળી તરીકેની ઓળખ પ્રબળ છે. બંગાળી મુસલમાનોમાં પણ બંગાળી હોવાની ઓળખ પ્રબળ હતી અને છે. પાકિસ્તાન બન્યું ત્યારે પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓ સાથે તેમને પાકિસ્તાનવાદીઓને માફક આવે એવો ઇસ્લામ પકડાવવાની અને બંગાળી અસ્મિતા છોડાવવાની રમત શરૂ થઈ. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ ૨૧મી માર્ચ ૧૯૪૮ના રોજ  ઢાકાની મુલાકાત લીધી અને તેમણે ઉર્દૂ ભાષાને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા જાહેર કરી. પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોએ તેનો વિરોધ કર્યો અને ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષા વિરોધી તોફાનો કર્યા. ભવિષ્યમાં રચાનારા બંગલાદેશના શ્રીગણેશ એ જ દિવસે, પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર સાત મહિનામાં મહમદઅલી ઝીણાની હયાતીમાં જ મંડાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ વિદ્યાર્થી નેતા શેખ મુજીબુર રહેમાને  કર્યું હતું જે આગળ જતા પાકિસ્તાનનું વિભાજન કરીને બંગલાદેશની સ્થાપના કરવાના હતા.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. પૂર્વ પાકિસ્તાનમાં ખાસ પ્રકારના પાકિસ્તાનને માફક આવે એવી ઇસ્લામિક અસ્મિતા અને બંગાળી અસ્મિતા વચ્ચે સંઘર્ષ શરૂ થયો. બંગાળનો ઇસ્લામ અને બંગાળના મુસલમાનો પણ પાકિસ્તાનના ઇસ્લામ અને પાકિસ્તાનના મુસલમાનો કરતાં અલગ હતા. ઇસ્લામ ધર્મ પાકિસ્તાનની બે પ્રજાને જોડી રાખવામાં નિષ્ફળ નીવડ્યો. લગભગ આવી જ સ્થિતિ પશ્ચિમ પાકિસ્તાનમાં પણ હતી. ત્યાં પણ બલુચીઓ, પઠાણો અને સિંધીઓ પોતાની અસ્મિતાને પકડી રાખવા માંગતા હતા. સિંધમાં પણ ઉર્દૂ વિરોધી તોફાનો થયાં હતાં. પાકિસ્તાનના આ ત્રણ પ્રાંતોની પ્રજાએ આજે પણ પાકિસ્તાનનો તેના સંસ્કૃતિક રસાયણ સાથે પૂરેપૂરો સ્વીકાર કર્યો છે એવું નથી.

પાકિસ્તાનની બન્ને પાંખના મુસલમાનોએ પાકિસ્તાનનું ખાસ પ્રકારનું વિકસાવવામાં આવેલું રસાયણ સ્વીકારવાનો પ્રતિકાર કર્યો તેનો લાભ પંજાબી મુસલમાનોએ લેવાનું શરૂ કર્યું. એક તો પંજાબી અસ્મિતા ખાસ પ્રબળ નહોતી. બીજું પંજાબીઓ પ્રમાણમાં સમૃદ્ધ હોવાથી ત્યાં બોલકો મધ્યમવર્ગ વિશાળ હતો અને તેમનું પાકિસ્તાનમાં સ્થાપિત હિત હતું. માત્ર પંજાબી મુસલમાનોએ પાકિસ્તાનને તેના રસાયણ સાથે સ્વીકાર્યું હતું. તેમણે પાકિસ્તાનની શાસન સંસ્થાઓ કબજે કરી હતી. લશ્કરમાં મોટા પ્રમાણમાં પંજાબીઓ હતા. દાયકાઓથી એક વાયકા પ્રચલિત છે કે પાકિસ્તાનના તારણહાર ત્રણ ‘એ’ છે; અલ્લાહ, આર્મી અને અમેરિકા. પંજાબીઓએ અને પંજાબી જનરલોએ પાકિસ્તાનના સામેના વાસ્તવિક, સંભવિત અને ઉપજાવી કાઢેલા સંકટનો ભરપૂર લાભ લીધો છે અને આજે પણ લે છે.

આપણે ત્યાં જેમ આજકાલ મુસલમાનો અને પાકિસ્તાનનો ડર બતાવવામાં આવે છે એમ પાકિસ્તાનમાં ૧૯૪૭થી હિંદુઓનો અને ભારતનો ડર બતાવવામાં આવે છે. આપણે ત્યાં હિંદુઓને ડરાવવામાં જેમ હિન્દુત્વવાદીઓનો રાજકીય સ્વાર્થ છે એમ પાકિસ્તાનમાં મુસલમાનોને ડરાવવામાં પંજાબી શાસકો અને લશ્કરનો સ્વાર્થ છે. આ બાજુ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી ભૌગોલિક રીતે ઘણું દૂર હતું અને બંગાળી મુસલમાનો અને પંજાબી મુસલમાનો વચ્ચે કશું જ સમાન નહોતું. પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ ગુલામ સંસ્થાન (કોલોની) બનાવીને રાખ્યું હતું અને બંગાળીઓના વિદ્રોહને ખાળવા માટે પૂર્વ પાકિસ્તાનને લશ્કરી છાવણીમાં ફેરવી નાખ્યું હતું જે રીતે આત્યારે કાશ્મીરને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે.

પાકિસ્તાનના ઇતિહાસ અને ભારતના વર્તમાન વચ્ચે જે સમાનતા નજરે પડે છે જોઇને સુજ્ઞ વાચકે ચેતવું જોઈએ. ખરું કે નહીં?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જાન્યુઆરી 2021

Loading

અમેરિકાની રાજકીય અરાજકતા શીખવે છે કે લોકશાહીનું પતન બહારના પરિબળોથી નથી થતું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 January 2021

અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે.

રાજા, વાજા અને વાંદરા વાળી કહેવત અમેરિકાના કિસ્સામાં બંધ બેસે છે. એક સમયે દેશની ગાદી સાચવનારા ટ્રમ્પને માનવું જ નથી કે એ હવે યુ.એસ.એ.ના રાષ્ટૃપ્રમુખ રહ્યા નથી અને પાછા તેમના અંધ ભક્તોએ પણ પરિણામની ઐસીતૈસી કરીને કેપિટલ હિલ પર હલ્લો બોલાવ્યો. જાન માલને નુકસાન પણ થયું, ગોળીબારી, ધક્કામુક્કી બધું જ થયું. જ્યારે ટ્રમ્પના ટેકેદારો કેપિટલ હિલ પર ધસી ગયા હતા ત્યારે જે તસવીરો જોવા મળી, જે નજારા સમાચારોમાં જોવા મળ્યા તે જોઇને આપણે ત્યાં થતી બેહૂદગી આટલી ખરાબ નથી હોતી, એવો વિચાર કદાચ મોટાભાગનાં લોકોનાં મનમાં આવ્યો હશે. યુ.એસ. કાઁગ્રેસ જે લોકશાહીના પ્રતીક સમી ઇમારત છે, તેની પર આ પહેલાં પણ ચારેક વાર રાજકીય કારણોસર હુમલો થયો છે પણ આ વખતે જે ઘટના ઘટી એ અમેરિકન સત્તાની વૈશ્વિક સ્તરે જે પણ મહત્તા છે તેને ખળભળાવી નાખશે એ ચોક્કસ.

લોકશાહીની મશાલ ઝાલીને, કૉલર ઉપર કરનારા યુ.એસ.એ. માટે કેપિટલ હિલ પર ફરી વળેલાં ટોળાં નકરી નાલેશી સાબિત થયાં. વળી, યુ.એસ.એ.ના ઇતિહાસમાં ટ્રમ્પ એવા પહેલા પ્રેસિડન્ટ છે જેમને અમેરિકાની સંસંદે બીજી વાર ટ્રાયલ માટે ગૃહમાં બોલાવ્યા છે. ટ્રમ્પનું ઇમ્પિચમેન્ટ – મહાભિયોગ ફરી થશે. ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની મંજૂરી આપવા માટે 10 રિપબ્લિકને પણ ડેમોક્રેટ્સને સમર્થન આપ્યું. સમાચાર એજન્સી AFP અનુસાર અમેરિકન ગૃહના મોટા ભાગના સભ્યો ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની તરફેણમાં હતા. એવું પણ બને કે ટ્રમ્પને ફરી વાર અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાવાનો મોકો ફરી મળે જ નહીં, જો કે ટ્રમ્પને તો એવા ઘણા ય અભરખા છે અને તેણે પોતે ફરી ૨૦૨૪માં ચૂંટણી લડશે એવા સંકેત પણ આપ્યા છે. હવે આ ઇમ્પિચમેન્ટનું શું થાય છે તે તો અમેરિકન સેનેટના હાઉસમાં છે, અને તેનો કાર્યકાળ પૂરો થવામાં છ દિવસ બાકી રહ્યા છે. આ આખી પ્રક્રિયા થતાં પહેલાં જ બાઇડેન અમેરિકન પ્રમુખ તરીકે શપથ લઇ લેશે તેવું પણ બની શકે.

ટ્રમ્પને કારણે જે રીતે અમેરિકાની છબી ખરડાઇ તેની વાત કરીએ તો ટ્રમ્પના રાજમાં બિલકુલ ‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ જેવો હાલ થયો અને છ જાન્યુઆરીની ઘટના એ લોકશાહીના પોલા થઇ ગયેલા પાયાનો પુરાવો સાબિત થઇ. વાઇરસના સપાટાએ યુ.એસ.એ.માં સંજોગો બહુ બગાડ્યા, લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. લોકોની હાલત આ હતી પણ દેશના વડાને માટે નવેમ્બરની ચૂંટણીમાં મળેલી હાર સૌથી મોટો મુદ્દો હતી. માસ્ક ફગાવનારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે તું તું મેં મેં કરનારા, ચીનને કંઇપણ કહી દેનારા આ પ્રેસિડન્ટને પોતે હાર્યા છેની ખબર પડી પછી તેમણે જાતભાતના ગતકડાં કર્યા અને એ બધું ય તે બે મહિના સુધી ચાલ્યું, જેમાં લોકશાહી પર સૌથી મોટો ફટકો હતો એ દિવસ જ્યારે ટ્રમ્પના ટેકેદારોએ કેપિટલ હિલને ઝબ્બે કરી લીધી. ટ્રમ્પે ટોળેટોળાં વ્હાઇટ હાઉસ પર ભેગાં કર્યાં અને પછી તેમને કેપિટલ હિલ તરફ મોકલ્યાં. ટ્રમ્પનું એકએક પગલું લોકશાહીના નિયમોની ઠેકડી ઉડાડનારું હતું, એના આખા શાસન કાળ દરમિયાન કંઇને કંઇ થયા કરતું હતું. પરંતુ સત્તા પરિવર્તનની પ્રક્રિયા અત્યંત શાંતિ પૂર્વક થાય તે પણ લોકશાહીની એક બહુ ઘેરી ઓળખ છે પણ ટ્રમ્પના રાજમાં એ પણ ન થયું. ટ્રમ્પના ટેકેદારો ચૂંટણીના મતની લડાઇને જાણે મધ્ય યુગમાં થતી શારીરિક લડાઇથી લડવા માગતા હતા. વળી ટ્રમ્પે પોતાના કાળ દરમિયાન મન ફાવે એ રીતે નિયમોને અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાન્તોને નેવે મૂક્યા છે.

અહીં ફરી એકવાર પોપ્યુલિસ્ટ રાજકીય નેતા કેટલો નુકસાનકારક હોઇ શકે છે તે સાબિત થાય છે. પક્ષ, દેશ અને બંધારણની ઉપર ક્યારે ય કોઇ પણ ન હોઇ શકે પણ યુ.એસ.એ.માં તો એ જ થયું. ટ્રમ્પવાદીઓમાં ક્યાં ય રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનું સન્માન, બંધારણનાં મૂલ્યોની અગત્યતા જેવું કશું ય લગીરેક ન દેખાયું.  ટ્રમ્પનું અળવિતરાપણું પ્રેસિડન્ટ બનીને ઘટવાને બદલે ફાટી ફાટીને ધુમાડે ગયું. ટ્રમ્પની તાસિરથી વાકેફ લોકોને હતું કે સત્તા આવશે તો શાણપણ પણ આવશે પણ અહીં તો સત્તા સામે અને સત્તામાં બે ય રીતે શાણપણ નકામું જ સાબિત થયું. વૈશ્વિક સ્તરે ઇન્ફર્મેશન સિસ્ટમ પણ પાંગળી છે એ પણ કેપિટલ હિલ પર થયેલી દુર્ઘટનાએ સાબિત કર્યું. અમેરિકાના રાજકારણમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે રસાકસી કરતાં વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેની લડાઇ રાજકારણને ડહોળી રહી છે.  ટ્રમ્પ પર કરાયેલા જે પણ કેસિઝ છે એ બધાં ય બોખા સાબિત થશે જો ટ્રમ્પ પોતાની હાર માનવા માટે તૈયાર થશે જ નહીં, સત્તા સોંપવાને મામલે આડોડાઇ જ કર્યા કરશે, પણ બીજી વારનું ઇમ્પિચમેન્ટ લોકશાહીની ધાર તૂટી છે બુઠ્ઠી નથી થઇ એવું સાબિત કરે તો કંઇ વાત બને. ટ્રમ્પે અમેરિકાના બંધારણની ઘોર ખોદી છે, બાઇડન શપથ લેશે પછી ટ્રમ્પે કરેલું થાળે પાડવામાં પણ તેમનો સારો એવો સમય જશે. યુ.એસ.એ. હજી પણ એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર છે જેની પાસે સૈન્યનું ઉત્તમ બળ છે એવું સાબિત થઇ શકે છે, પણ માત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે જોઇએ તો અમેરિકા અન્ય કોઇ પણ બીજા લોકશાહી રાષ્ટ્ર જેમ જ ઊણું ઉતર્યું છે એ વાસ્તવિકતા છે.

બાય ધી વેઃ

અમેરિકાએ છબી બદલવી પડશે અને એ માટે બાઇડનના શાસનમાં ધ્રુવીકરણ અટકે, જેટલું થયું છે તે ફરી થાળે પડે, લોકોને અહીં ફરી એકવાર સલામતી લાગે એ જરૂરી છે. અમેરિકન લોકશાહી હવે મહાન, ખાસ કે અસાધારણ નથી રહી એ સ્પષ્ટ છે. ટ્રમ્પને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની નાલેશી થઇ છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી પણ આ રાષ્ટ્રો ઉછેર લોકશાહી જમીનમાંથી થયો હતો, ટ્રમ્પકાળના ચાર વર્ષે તમામ લોકશાહી રાષ્ટ્રને એક બોધ આપ્યો છે કે લોકશાહી પર સૌથી મોટું જોખમ બહારથી નહીં પણ અંદરથી જ, પોતાના જ માણસોથી, પોપ્યુલિસ્ટ નેતાઓથી અને ધ્રુવીકરણ કોટે વળગાડીને ફરનારા નેતાઓથી હોય છે. ( આપણે સાચવજો, હં કે!)

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 જાન્યુઆરી 2021 

Loading

ગાંધીની આઝાદી માત્ર અંગ્રેજોથી આઝાદી નહોતી !

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2021

ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી, સરદાર પટેલે એકલાએ ભારતનું એકીકરણ કર્યું અને ડૉ. બી. આર. આંબેડકરે એકલાએ ભારતનું બંધારણ ઘડ્યું એ ત્રણેય કથન લગભગ અસત્યની કક્ષાનાં અતિશયોક્તિવાળાં છે. ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત, સરદાર ન હોત તો પણ ભારતનું એકીકરણ થયું હોત અને ડૉ. આંબેડકર ન હોત તો પણ ભારતનું બંધારણ એ જ સ્વરૂપનું ઘડાયું હોત જે સ્વરૂપનું આજે છે. આપણે જ્યારે આવાં માત્ર આપણને ગમે અથવા માફક આવે એવાં અતિશયોક્તિભર્યાં નિવેદનો કરીએ છીએ ત્યારે આપણે બીજાને અન્યાય કરીએ છીએ એનું ભાન નથી રહેતું. એકને મોટા બનાવવા માટે બીજાની ઉપેક્ષા કરવી કે નાના ચીતરવા અથવા બદનામ કરવા એ અપરાધ છે.

પણ આપણે આમ કરીએ છીએ અને અજાણતા નહીં, જાણીબૂજીને આમ કરીએ છીએ. ગાંધીજીની પંક્તિમાં બેસાડી શકાય એવો દલિતોને એનો ગાંધી જોઈએ છે, હિન્દુત્વવાદીઓને એનો ગાંધી જોઈએ છે, મરાઠાઓને એનો ગાંધી જોઈએ છે, દરેક સમાજવિશેષને એનો ગાંધી જોઈએ છે અને પાછો ગાંધી તો કોઈનો હતો જ નહીં. એ તો સકળ માનવીય સમાજનો હતો, કોઈ ખંડિત સમાજવિશેષનો નહોતો. ગાંધીજીને નકારવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવતા હોવા છતાં તેને નકારી શકાતો નથી એનું કારણ તેની અંદર રહેલી સમગ્રતા છે. સમગ્રતા સામે ખંડિતતા પરાજીત થઈ રહી છે.

ગાંધીજીની સમગ્રતામાં ભારતને સ્થૂળ રાજકીય આઝાદી અપાવવી એ ગૌણ કાર્ય હતું. ફરક એ હતો કે ગાંધીજી જે કામ કરતા એ એટલી પરિણામલક્ષી ચીવટથી કરતા કે લોકોને એમ લાગતું કે ગાંધીજી જે કરી રહ્યા છે એ કામ સારુ જ તેમણે જન્મ લીધો છે. ગાંધીજી આઝાદી માટેની લડતોનું આયોજન એ રીતે કરે કે કોઈને લાગે કે ભારતને આઝાદી અપાવવી એ જ તેમનો એક માત્ર ઉદ્દેશ છે. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન એવી રીતે હાથ ધરે કે લોકોને એમ લાગે કે ગાંધીજીએ એને સારુ જન્મ લીધો છે. આવું જ બીજાં કામોની બાબતમાં.

મારી વાચકોને ભલામણ છે કે તેમણે સુભાષચંદ્ર બોઝ દ્વારા લિખિત ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ-૧૯૨૦-૧૯૪૨’ નામનું પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક તેમણે એ દિવસોમાં લખ્યું છે જ્યારે આઝાદીની લડતો ચાલતી હતી અને વિરમતી હતી. ગાંધીજી લડતમાં ઢીલ છોડે અને સુભાષબાબુ અકળાઈ જાય. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ, ચરખો, ખેતી, દારુની દુકાનો સામે મહિલાઓના પીકેટીંગ, ખેતીના પ્રયોગ, ખોરાકના પ્રયોગ, કુદરતી ઉપચારના પ્રયોગ, અહિંસાચિંતન, અહિંસક સમાજની રચના માટે આશ્રમજીવનના પ્રયોગો, એકાદશવ્રતના પ્રયોગો વગેરે ભાતભાતનાં ‘અવાંતર’ કામ કરે એ જોઇને સુભાષબાબુ અધીરા થઈ જાય. પાછાં આવાં ‘અવાંતર’ કામ તેઓ એટલી જ તીવ્રતાથી અને ચીવટથી કરે જેટલી ચીવટથી મીઠાનો સત્યાગ્રહ કરે. સુભાષબાબુને વારંવાર એવું લાગે કે આવો વેવલો માણસ ભારતને શું આઝાદી અપાવવાનો હતો અને જ્યારે નમક સત્યાગ્રહનો પ્રભાવ જુએ ત્યારે અભિભૂત થઈ જાય અને  ફરિયાદ કરવા લાગે કે આ માણસ સઘળાં અવાંતર કામ છોડીને રાજકીય લડત પર ધ્યાન કેમ નથી આપતો?

આવી જ મનોદશા ડૉ. આંબેડકરની પણ હતી. તેમને પણ ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ માટેની પ્રામાણિકતા અને તીવ્રતા જોઇને એમ લાગતું કે ગાંધીજીએ સઘળાં કામ પડતાં મુકીને દલીતોદ્ધારનું કામ હાથ ધરવું જોઈએ. તેમણે ગાંધીજીને એકથી વધુ વખત કહ્યું પણ હતું કે, ‘મહાત્માજી ભારતને આઝાદી આજ નહીં તો કાલે મળી જ જશે, પણ દલિતોને ન્યાય અપાવવાનું કામ તમારા સિવાય કોણ કરી શકશે? તમારો હિંદુઓ ઉપર પ્રભાવ છે.’ આમ સુભાષચન્દ્ર બોઝ માટે રાજકીય આઝાદી સિવાયનાં બીજાં કામ ‘અવાંતર’ હતાં અને ડૉ. આંબેડકર માટે અસ્પૃશ્યતાનિવારણ સિવાયનાં બીજાં કામ અવાંતર હતાં.

પણ ગાંધીજી માટે કોઈ કામ અવાંતર નહોતું. તેમનો આઝાદીનો અર્થ વ્યાપક હતો. એમાં સ્ત્રીઓની આઝાદી, દલિતની આઝાદી, શ્રમિકની આઝાદી, ખેડૂતની આઝાદી, ભૂખથી આઝાદી, શોષણથી આઝાદી, ભયથી આઝાદી, સુવાળી સુવિધાપરસ્તીથી આઝાદી, હાથમાંથી કામ છીનવી લેતા મશીનથી આઝાદી, આધુનિક સુધારાઓથી આઝાદી અને અન્યાય કરનારી પરંપરાથી આઝાદી એમ તેમને દરેક પ્રકારની આઝાદીમાં રસ હતો અને કોઈ આઝાદી ઓછી મહત્ત્વની નહોતી. તેઓ એમ માનતા હતા કે માનવ માનવ વચ્ચે શોષણનો અને સત્તાનો અર્થાત્ આધિપત્યનો સંબંધ હશે ત્યાં સુધી અહિંસક સમાજની રચના થવાની નથી. આ ત્યારે જ બને જ્યારે ખરા અર્થમાં સ્વ-રાજ હોય. પોતાના ઉપર પોતાનું રાજ.

તો વાત એમ છે કે ભારતને સ્થૂળ રાજકીય આઝાદી મળે એ ગાંધીજીનો એક માત્ર ઉદ્દેશ નહોતો. રાજકીય આઝાદી તેમની પ્રવૃત્તિના કેન્દ્રમાં સર્વોચ્ચ સ્થાને હતી એમ પણ ન કહી શકાય. જો એમ હોત તો ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે ગાંધીજી કલકત્તાની જગ્યાએ દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર હોત. ગાંધીજીએ રાજકીય આઝાદીની લડાઈ એટલા માટે હાથ ધરી હતી કે સંપૂર્ણ આઝાદી માટે રાજકીય આઝાદી એક નાનકડો પડાવ હતો અને જરૂરી પડાવ હતો. આ દૃષ્ટિએ પણ ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી એવો દાવો ન કરી શકાય.

ભારતને રાજકીય આઝાદી અપાવવામાં અનેક પરિબળોએ, વ્યક્તિઓએ અને સમૂહોએ ભાગ ભજવ્યો છે. ભારતને રાજકીય આઝાદી ન મળે અને અંગ્રેજ શાસન ટકી રહે એવું ઇચ્છનારાઓ અને એ માટે પ્રયત્નો કરનારાઓ પણ કાંઈ ઓછા નહોતા. ભારતને જો રાજકીય આઝાદી મળવાની જ હોય તો એ કેવળ અમને જ મળે અથવા અમારી શરતે મળે એવું કહેનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. ભારતને આઝાદી મળે તો એ માત્ર સત્તાંતર (ટ્રાન્સફર ઓફ પાવર) પ્રકારની જ હોય (એટલે કે શાસકો આપણા પણ શાશનનો ઢાંચો અંગ્રેજ) એવો આગ્રહ રાખનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. આને કારણે તેઓ અંગ્રેજ શાસકો સાથે વાટાઘાટો કરીને ક્રમશ: સત્તા મેળવવાનો આગ્રહ રાખતા હતા અને રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો તેઓ વિરોધ કરતા હતા. જો રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવું હોય તો સામાન્ય માણસને સપનાં જોતો કરવો પડે અને એ જો સપનાં જોતો થાય તો તેની કલ્પનાના ભારતને સાકાર કરવાની ફરજ પડે, એટલું જ નહીં તેને સત્તામાં ભાગીદારી આપવી પડે. માટે વાટાઘાટો કરીને સત્તા મેળવો, લડીને નહીં. લડવામાં જોખમ છે. લડનારાને સત્તામાં ભાગીદાર બનાવવો પડે અને એવું પણ બને કે એક દિવસ લડનારો લડ્યો છે માટે સત્તા ઉપર ઈજારાશાહી ભોગવે અને આપણે હાંસિયામાં ધકેલાઈ જઈએ.

તો કડવી પણ સત્ય હકીકત એ છે કે ભારતને આઝાદી ન મળે અને મળે તો અમારી શરતે જ મળે એવું ઈચ્છનારાઓની સંખ્યા ભારતને આઝાદી મળે એવું ઈચ્છનારાઓ કરતાં ઘણી વધારે હતી. ૧૯૧૫ પછી ગાંધીજીએ સામાન્ય પ્રજાને આઝાદીનાં સપનાં જોતી કરી દીધી. આને કારણે બન્યું એવું કે આઝાદી ન મળે એવું ઈચ્છનારાઓ, આમારી શરતે મળે એવું ઈચ્છનારાઓ અને આઝાદીનું સ્વરૂપ માત્ર સત્તાંતર પૂરતું સીમિત હોવું જોઈએ એવું ઈચ્છનારાઓ બાજુએ હડસેલાઈ ગયા. ભારતને આઝાદી અપાવવામાં જો ગાંધીજીનું સૌથી મોટું યોગદાન હોય તો એ આ છે. સામાન્ય માનવીને આઝાદીના અને તેમની કલ્પનાના આઝાદ ભારતનાં સપનાં જોતો કરી દીધો. બાકી રાજકીય આઝાદી ભારતને અનેક પરિબળો, વ્યક્તિઓ અને સમૂહો થકી મળી છે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0602,0612,0622,063...2,0702,0802,090...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved