Opinion Magazine
Number of visits: 9964593
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉકડાઉન અને વાઇરસની એકધારી ઘટમાળનો થાક તમને હંફાવી ન દે તે જરૂરી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 April 2021

સાઇબર શ્રિંક્સથી દૂર રહેવું જરૂરી છે કારણકે માત્ર પૉઝિટીવીટીના ડૉઝીસથી જિંદગી નથી જીવી શકાતી

૧૯૯૩માં એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, ‘ગ્રાઉન્ડહૉગ ડે’. હેરોલ્ડ રેમિસે ડાયરેક્ટ કરેલી આ ફેન્ટસી કૉમેડી ફિલ્મમાં બિલ મરી અને એન્ડી મૅકડૉવેલ મુખ્ય પાત્રો ભજવતાં હતાં. બિલ મરી એક ચેનલમાં ‘મોસમ કી જાનકારી’ આપવાનું કામ કરનારો જર્નાલિસ્ટ ફિલ છે જેણે પેન્સિલવેનિયામાં ઉજવાતા ગ્રાઉન્ડહૉગ ડેનું લાઇવ રિપોર્ટિંગ કરવાનું હોય છે. સંજોગોવસાત્‌ તે ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે, અને સતત તે ૨જી ફેબ્રુઆરીએ જે ઘટનાઓ ઘટી હતી તેમાં જીવ્યા જ કરે છે, તેના અથાક પ્રયત્નો ચાલ્યા કરે છે જેથી એ પેટર્નમાંથી તે બહાર આવી શકે પણ કમનસીબે એવું કંઇ થતું નથી. એકવાર તેને સમજાઇ જાય છે કે તે આ ટાઇમ લૂપમાંથી નહીં નિકળી શકે એટલે તે તેમાં જ કોઇ મોજ મસ્તી શોધી લે છે. સતત ખાતા રહેવું, વન નાઇટ સ્ટેન્ડ કરવા, નાનકડી ચોરી સુધ્ધાં કરવી વગેરે કારણ કે તેને દરેક આવનારા દિવસે શું થવાનું છે તેની બરાબર ખબર રહેતી અને તે જાણકારી તેણે પોતાને એન્ટરટેઇન કરવાના હેતુથી એક્સપ્લોઇટ કરવાની શરૂઆત કરી. એક તબક્કે કંટાળેલા ફિલે જાતભાતની રીત અપનાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેમાં ય તેની કોઇ કારી ન ફાવી. તે પોતાની પ્રોડ્યુસર મિત્ર રીતાને આખો મામલો ગંભીરતાથી સમજાવે છે જે તેને કહે છે કે ફિલે આ ક્ષણોને આશીર્વાદ માનીને જીવવી જોઇએ. ફિલ બીજા દિવસથી લોકોને મદદ કરવાનું શરૂ કરે છે કારણ કે કોને મદદની જરૂર હશે તે તેને પહેલેથી જ ખબર હતી. તે સર્જનાત્મક વસ્તુઓ કરે છે, પિયાનો શીખે છે, આઇસ સ્ક્લ્પચર બનાવતા શીખે છે, ફ્રેંચ બોલતા શીખે છે – છતાં ય એક ગરીબગુરબાં માણસને તે બચાવી નથી શકતો. સ્વિકારની ભાવના ફિલને બહેતર ઇન્સાન બનાવે છે અને અંતે તે રીતા સામે પોતાના પ્રેમનો એકરાર પણ કરે છે. અને આખરે તે ટાઇમ લૂપની ચુંગાલમાંથી બહાર આવે છે.

આ ફિલ્મની સ્ટોરી અહીં વિગતવાર લખવાનું કારણ એટલું જ કે, જે રીતે ગ્રાઉન્ડહૉગ ડે ફિલ્મનો હિરો ટાઇમ લૂપમાં ફસાઇ જાય છે અને એકની એક જિંદગી રોજ જીવે છે, માળું એવું જ કંઇ આપણી સાથે આ વાઇરસને કારણે થઇ રહ્યું છે. વાઇરસની બીજી લહેર જોખમી સાબિત થઇ રહી છે અને કડક લૉકડાઉનના ભણકારા કંપારી છોડાવી દે. પહેલું લૉકડાઉન તો સોશ્યલ મીડિયાની રમતોમાં, વાસણો ઘસવામાં અને રસોઇ કરવામાં આપણે કાઢ્યું, સહેજ કળ વળી અને ગણતરીના મહિનાઓમાં પહેલાં જેવી જ હાલત ફરી માથે મરાશેનો ડર આપણને અકળાવી રહ્યો છે. આપણે ડિપ્રેશન, એન્ક્ઝાઇટી, સ્ટ્રેસ, ઇન્સોમ્નિયા જેવા શબ્દોને જિંદગીમાં સાહજિક બનાવી દીધાં છે. સંબંધો સુધરવા અને વણસવાની વાત નથી પણ એકધારાપણાનો થાક વર્ણવી શકાય તેવો નથી. જ્યારે વાઇરસનું દુનિયામાં નામો નિશાન નહોતું ત્યારે ય એમ હતું કે આપણે બધાં એક ઘટમાળમાં જ જીવતા હતા. કામ કરવું, સમય મળે તો બહાર જવું, મિત્રોના ખબરઅંતર પૂછવા, તેમને મળવું વગેરે. પરંતુ અત્યારે જે એકધારાપણું છે એ સાવ અણધાર્યું છે. માળું ક્યારે કોના માઠા સમાચાર આવે, ક્યારે કોને વાઇરસનું સંક્રમણ થાય જેવો એક ડર અથવા તો ચિંતા આપણા મનમાં ક્યાંક ધરબાયેલી હોય જ છે.

આ પરિસ્થિતિ અંગે અમદાવાદ સ્થિત ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે, “સૌથી મોટી સમસ્યા છે સોશ્યલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્યની સલાહ આપતા લોકો. પૉઝિટીવીટીના ડૉઝ લઇને જીવી નથી શકાતું એમાં નક્કરતા ઉમેરવાની તસ્દી લેવી જ પડે. સોશ્યલ મીડિયા પર બધાં કંઇ પણ સલાહ આપે છે પણ તેમને આ વિશે લગીરેક જાણકારી નથી. સાઇબર ટોળાંશાહીની અસરો સાવ ખોટી પડે છે. જે તમને મેડિટેશન કે પ્રાણાયામ કરવાની સલાહ આપતું હશે તે સાઇબર શ્રીંકને એ નથી ખબર કે કોઇ વ્યક્તિને IOP – ઇન્ટ્રા ઓપ્યુલર પ્રેશર હોય તો તે પ્રાણાયામ ન કરી શકે, પણ અહીં કોણ આ બધી બાબતોની ગણતરી ય કોણ કરે છે.”

તેમણે જણાવ્યું કે રોગચાળાને પગલે ગુજરાતમાં આત્મહત્યાના રોજના ૨૦ બનાવ બને છે. આજથી ૧૦૨ વર્ષ પહેલાં જે સ્પેનિશ ફ્લુ ફેલાયો હતો તે પછી પણ આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું હતું. વળી WHOના મતે દરેક સાતમો ભારતીય માનસિક રોગી છે. આ આંકડા કંઇ નાનાસૂના નથી. બેરોજગારીની તલવાર રોજ ધાર કાઢે છે, કામ છે તો તે ધાર્યા પ્રમાણે થઇ નથી શકતું, એકધારી ઘટમાળનો થાક અને કંટાળો મનને સતત સતર્ક કે પ્રફુલ્લિત રહેવામાં ય આડાં આવે છે.

ડૉ. પ્રશાંત ભીમાણીનું કહેવું છે કે, “આવા સંજોગોમાં તમે બિંજ વૉચ કરો તો તેની પસંદગી પણ જાળવીને કરો. તમારા મનને બહેતર ફીલ કરાવે તેવી ડૉક્યુમેન્ટ્રીઝ જુઓ, સત્ય રમણીય હશે ત્યારે તેમાંથી આશા જન્મશે. તમારા માઇન્ડસેટને ચેન્જ કરવામાં આવી નાની પસંદગીઓ બહુ પ્રભાવી કામ કરતી હોય છે કારણ કે તેની હાકારાત્મક અસર ન્યુરોપ્લાસ્ટિસિટી પર થાય છે. તમારે રોજ એક જૂના મિત્ર સાથે વાત કરવી જોઇએ અને એક નવા મિત્ર સાથે વાત કરવી જોઇએ, કારણ કે જૂના મિત્ર સાથેની વાતચિત કેથાર્ટિંક હોય, તેમાં મનનો ઘણો ઊભરો ઠલવાઇ જાય અને નવાસવા મિત્ર સાથે વાત કરો તો જરા જાળવીને મર્યાદામાં વાત થાય એટલે બે પ્રકારના સામાજિક વહેવારનું સંતુલન થાય. તમારી પોતાની આગવી કોઇ ડિશ હોય તે બનાવો તો પણ તમારા મનને સારું લાગશે.”

મેન્ટલ હેલ્થની વાત તાણ થઇ જાય તે રીતે કરવાનો અર્થ નથી. વાઇરસ એક ન ગમે એવું સત્ય છે અને તે સ્વીકારવા સિવાય છૂટકો નથી. કંટાળો જીવનનો ભાગ છે પણ તે જીવન ન બની જાય તેની તકેદારી રાખ્યા સિવાય છૂટકો નથી. આ પીડામાં આપણે સાથે છીએ, એ એક માત્ર વિચાર જો થોડી રાહત આપતો હોય તો એમ. પૉઝિટીવીટીનું વેક્સિન પણ ઉપરછલ્લું લાગે જો આપણે વિચારોની પેટર્નને ન તોડીએ તો. તમે બધાં જ આ વૈચારિક એકધારાપણાને તોડવામાં સારી પેઠે સફળ થાય તેની શુભેચ્છા.

બાય ધી વેઃ

રોગચાળા દરમિયાન ડૉ. ભીમાણીએ જાતભાતનાં કેસિઝ જોયા. બાળકોમાં ડર છે કે તે પોતાના મા-બાપ ખોઇ બેસશે અને એ ડરને કારણે તેઓ પેરન્ટ્સને નજરની સામેથી ખસવા જ નથી દેતા – સેપરેશન એન્ક્ઝાઇટીના કિસ્સા વધ્યા છે. અચાનક જ એક ટીનએજ છોકરીને લાગવા માંડ્યું કે તેના માતા-પિતાની અપેક્ષા પ્રમાણે તે જીવી નથી રહી એટલે તે મિસફિટ છે અને તેણે મરી જવું જોઇએ. પતિ-પત્નીના સંબંધોમાં સંદિગ્ધતા આવવા માંડી જેમ કે એક મહિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો, તેની સારવાર ખડે પગે કરાઇ, તેનો પતિ સતત તેની સાથે હતો પણ તે સાજી થઇ તો તેણે સૌથી પહેલાં તેની એક્સ બૉયફ્રેન્ડને જાણ કરી જેની સાથે તે પહેલાંથી જ સંપર્કમાં હતી અને પછી આ આખી વાતમાંથી છૂટવા ડૉમેસ્ટિક વાયલન્સનો ઉપયોગ કરાયો. આવા કેસિઝ વગર રોગચાળાએ પણ થતા હતાં, પણ તેનું પ્રમાણ અને પ્રકાર વધારે ગુંચવાયેલા બન્યા છે. ફ્રોઇડ અનુસાર જેની ના હોય તે કરવાનું મન થાય એ માણસનો સ્વભાવ છે. આપણને ખબર છે શું નથી કરવાનું અને શું કરવાનું છે પણ એ અનુસરવું અઘરું તો છે પણ પેલું કહે છે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી ..’ રસ્તા છે જ અને તેની પર ચાલવું જ રહ્યું, ભલે ગ્રાઉન્ડહૉગ ડે જેવી જિંદગી જતી હોય પણ ઘટમાળમાં રાહત શોધે જ છૂટકો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  11 ઍપ્રિલ 2021 

Loading

ભારતનો વિરોધ કરનારાઓનું કોઈ સાંભળતું નહોતું એવો એ સમય હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2021

ગાંધીજી ભારત આવ્યા એ પછી સાત પગલાંની સપ્તપદી વિકસવા લાગી અને કૉન્ગ્રેસે અપનાવવા માંડી. એના વિષે વ્યાપક ચર્ચા થવા લાગી અને સામન્ય પ્રજા તેને સ્વીકારવા પણ લાગી. એકંદરે અત્યારે જે બંધારણપ્રણિત ભારત આકાર પામ્યું છે તેનો સ્વીકાર થવા લાગ્યો હતો. એ સાત પગલાંમાં નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ, લોકતંત્ર, સેક્યુલરિઝમ, સમાનતા, નાગરિકના મૂળભૂત અધિકાર, સ્વતંત્ર ન્યાયતંત્ર અને લેખિત બંધારણનો સમાવેશ થતો હતો.

પણ આનો અર્થ એવો નહોતો કે તેની સામે કોઈનો વિરોધ નહોતો. વિરોધ મુખ્યત્વે બે વર્ગનો હતો. એક ગયા અઠવાડિયે કહ્યું હતું એમ મૂળભૂતવાદી મુસલમાનોનો હતો. આ બધાં તત્ત્વો ગેર-ઇસ્લામિક છે અને ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ અપનાવવાનું રહેતું નથી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ આધુનિક ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો તેને આપવામાં આવ્યા હોય તો મુસલમાન તરીકેની ઓળખ ગૌણ અથવા દ્વિતીય થઈ જાય.

બીજો વાંધો સનાતની હિંદુઓને હતો. તેમની સામે પણ એ જ સમસ્યા હતી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો નાગરિકને આપવામાં આવ્યા હોય તો વર્ણવ્યવસ્થા માટે કોઈ જગ્યા જ ન બચે. આમ મૂળભૂતવાદી મુસલમાનો અને રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ એકબીજાની સામે હોવા છતાં આધુનિક ભારતીય રાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી એક જ ભૂમિકાએ હતા. એકને મુસલમાનની અને ઇસ્લામની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું અને બીજાને વર્ણભેદને માન્યતા આપનારી બ્રાહ્મણોની અને સનાતન ધર્મની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું. બન્નેને ગાંધી-કૉન્ગ્રેસ દ્વારા વિકસાવવામાં આવેલું અને બંધારણમાં પરિણત થનારું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય નહોતું. 

એમ તો વાંધો સામ્યવાદીઓને પણ હતો. તેઓ સામ્યવાદી રશિયા જેવા ભારતની કલ્પના કરતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી ભારતમાં શ્રમિકોને સાચી આઝાદી નહીં મળે ત્યાં સુધી અંગ્રેજો પાસેથી મળનારી રાજકીય આઝાદી અધૂરી હોવાની. એને માટે શ્રમિકોની સરમુખત્યારશાહી જરૂરી છે.

જો મૂળભૂતવાદી મુસલમાનોને, સનાતની હિંદુઓને અને સામ્યવાદીઓને આધુનિક ભારતીય રાજ્ય સામે વાંધો હતો તો આધુનિક મુસલમાનોને અને બહુજન સમાજના હિંદુઓને આવું રાજ્ય ખરેખર અસ્તિત્વમાં આવશે કે કેમ અને જો આવશે તો ટકી રહેશે કે કેમ એ બાબતે શંકા હતી. શંકા માટે અને ડરવા માટે તેમની પાસે કારણો પણ હતાં. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ કેટલાક કૉન્ગ્રેસીઓ ઢોંગ કરતા હતા. તેમના જાહેરજીવન અને અંગત જીવન વચ્ચે અંતર હતું. આ સિવાય મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓ રાજકીય રીતે સક્રિય હતા અને તેઓ શંકા પેદા થાય તેવાં નિવેદનો કરતા હતા. મુસલમાનો અને સનાતની હિંદુઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરે એ તેમને ગળે જ નહોતું ઊતરતું. તેમને એમ લાગતું હતું કે ગાંધીજીના પ્રભાવને પરિણામે એવું બંધારણ ઘડાશે તો પણ આ લોકો એ બંધારણ આધારિત રાજ્યને ટકવા નહીં દે.

આમ છતાં ય ગાંધીજીએ અને કૉન્ગ્રેસે આઝાદી પછીના ભારતીય રાજ્યની સંકલ્પના વિષે પોતાની વાત કહેવાનું ચાલુ રાખ્યું હતું. થાક્યા વિના વારંવાર અને ઠરાવો કરીને તેને માટેની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. ૧૯૩૫માં ઘડાયેલા કાયદા હેઠળ ૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી યોજાઈ અને કૉન્ગ્રેસે બ્રિટિશ ભારતના કેટલાક પ્રાંતોમાં સરકાર રચી. એ અંગ્રેજી ભાષામાં કહીએ તો શો કેસિંગનો અવસર હતો. બ્રિટિશ સરકાર સ્વાયતતાની ખાતરી ન આપે ત્યાં સુધી કૉન્ગ્રેસે પ્રાંતોમાં સરકારો ન રચવી જોઈએ એવો સમાજવાદીઓનો અને કેટલાક કૉન્ગ્રેસી નેતાઓનો મત હતો. ગાંધીજીએ અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એ અભિપ્રાયની વિરુદ્ધ જઇને સરકારો રચવાનો નિર્ણય લીધો હતો તેની પાછળનું મુખ્ય કારણ શંકા કરનારાઓની શંકાનું નિરાકરણ કરવાનું હતું. તેઓ બતાવવા માગતા હતા કે જુઓ, સ્વતંત્ર ભારત આવું હશે. પેલી સપ્તપદીનાં સાતેય પગલાંનો પ્રાપ્ત પરિસ્થિતિમાં શક્ય એટલા પ્રમાણમાં અમલ કરવામાં આવ્યો હતો. બંધારણ ઘડાયું ન હોવા છતાં.

એને કારણે એટલું બન્યું હતું કે શંકા કરનારાઓની શંકા મોળી પડી હતી. હા, ભવિષ્ય વિશેનો ડર તેમના મનમાં કાયમ હતો. આઝાદી પછીનાં તરતનાં વરસોમાં જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન (ત્યારે રાજ્યોના મુખ્ય પ્રધાન વડા પ્રધાન તરીકે ઓળખાતા હતા) શેખ અબ્દુલ્લાએ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર પણ લખ્યો હતો કે તમારી હયાતિમાં અને કૉન્ગ્રેસનો જ્યારે સૂર્ય તપે છે ત્યારે બંધારણનિર્મિત ભારતનો વિરોધ કરનારાઓ આટલા ઉધમ મચાવી રહ્યા છે તો ભવિષ્યમાં જ્યારે તમે નહીં હો અને કૉન્ગ્રેસ નબળી પડી હશે ત્યારે તેઓ શું નહીં કરે? આવો જ અભિપ્રાય હિંદુ કોડ બિલનો જ્યારે સનાતની હિંદુઓએ અને રૂઢિચુસ્ત કૉન્ગ્રેસીઓએ વિરોધ કર્યો ત્યારે ડૉ. આંબેડકરે વ્યક્ત કર્યો હતો.

તો વાતનો સાર એટલો કે ભારતની આઝાદી ક્ષિતિજ ઉપર જ્યારે નજરે પડવા લાગી ત્યારે સપ્તપદી આધારિત ભારતનો વિરોધ કરનારાઓ હાંસિયામાં હતા અને તેમનું કોઈ સાંભળતું નહોતું. જે લોકો શંકા કરતા હતા તેઓ પણ હાંસિયામાં હતા અને એ સિવાય પ્રાંતીય સરકારો અને કૉન્ગ્રેસના સંકલ્પો જોઇને તેમની શંકા મોળી પણ પડી હતી. મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓથી ઊલટું શંકા કરનારાઓએ ભારતનાં બંધારણમાં રસ લેવા માંડ્યો હતો અને જરૂરી સૂચનો કરવા માંડ્યા હતા. બ્રિટી=ટિશ રાજ હજુ કેટલાંક વરસ ટકી રહે એવું ઈચ્છનારા ડૉ. આંબેડકર અને બીજાઓને ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારતની આઝાદી રોકી શકાય એમ નથી.

ભારતનું બંધારણ ઘડવામાં બે જણે પાયાનું કામ કર્યું હતું જેને આપણે નગુણા થઈને આજે સાવ ભૂલી ગયા છીએ. એક હતા કનૈયાલાલ મુનશી અને બીજા હતા સર બેનેગલ નરસિંગ રાવ. મુનશી ખ્યાતનામ વકીલ હતા અને કૉન્ગ્રેસના ભલે આવ-જા કરનારા પણ વરિષ્ઠ નેતા હતા. બી. એન. રાવ સનદી અધિકારી હતા અને વિલક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. મુનશીને ગાંધીજીએ કહ્યું હતું કે તમે અંગ્રેજોએ કરેલા રાજકીય સુધારાઓનો તેમ જ તેમણે ઘડેલા કાયદાઓનો અભ્યાસ કરીને, જગતના લોકતાંત્રિક દેશોના બંધારણનો તુલનાત્મક અભ્યાસ કરીને અને ભારતની સામાજિક-રાજકીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એનો એક મુસદ્દો તૈયાર કરો. એ મુસદ્દો કૉન્ગ્રેસની બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને બંધારણ ઘડવાના શ્રીગણેશ થશે.

સર બેનેગલ રાવને ૧૯૪૬ના જુલાઈ મહિનામાં ભારતના એ સમયના વાઇસરોય લોર્ડ વેવેલે ભારતનાં બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. (Constitutional Adviser to the Constituent Assembly) તમે મુનશી અને બી.એન. રાવે કરેલી અથાક મહેનતનું વિવરણ  વાંચશો ત્યારે નતમસ્તક થઈ જશો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઍપ્રિલ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—90

દીપક મહેતા|Opinion - Opinion|10 April 2021

મુંબઈની ધરતી પર પોલીસદાદાએ પહેલી વાર પગ ક્યારે મૂક્યો?

ભગવાન શંકરના પરસેવામાંથી પેદા થઈ ભંડારી જમાત

અંગ્રેજ કંપની સરકાર સામે અંગ્રેજ સૈનિકોનો બળવો 

કરફ્યુ હોય કે લોકડાઉન હોય, મુંબઈના રસ્તા પર એક જણ તો જોવા મળે જ. એક જમાનામાં માથે પાઘડી પહેરતો, પછી પીળી ટોપી પહેરતો. હવે ડાર્ક બ્લુ રંગ પર પીળી પટ્ટીવાળી કેપ પહેરે છે. હા, આજકાલ ખોટા કારણે રોજ છાપામાં પહેલે પાને ચમકે છે. એનું નામ મુંબઈ પોલીસ. પણ મુંબઈની ધરતી પર આ પોલીસદાદાએ પહેલી વાર પગ મૂક્યો ક્યારે? મુંબઈ પોર્ટુગીઝોના તાબામાં હતું ત્યાં સુધી તો મુંબઈમાં પોલીસનું નામનિશાન હોવાનું જાણવા મળતું નથી. શરૂઆતમાં તો અંગ્રેજો પણ આ રીતે જ વર્તતા. સુરતમાં બેઠેલા ગવર્નરને મુંબઈની સલામતીમાં કેટલો રસ હોય? શા માટે હોય?

મુંબઈનો સ્વપ્નદૃષ્ટા ઓન્જિયાર

પણ જેરાલ્ડ ઓન્જિયાર જૂદી માટીનો માનવી હતો. એવણ મુંબઈના બીજા ગવર્નર. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈના ગવર્નર બન્યા. ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા. તે વખતના બીજા ગવર્નરોની જેમ તેઓ પણ સુરતની ‘ફેક્ટરી’(આ શબ્દ એ વખતે ઓફિસના અર્થમાં વપરાતો હતો)ના પ્રમુખ અને મુંબઈના ગવર્નરનો બેવડો હોદ્દો ધરાવતા હતા. એટલે તેઓ અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને સારો એવો વખત રોકાતા. મુંબઈ તો કાદવકીચડમાં ઢબુરાયેલી સોનાની લગડી છે એ વાત સૌથી પહેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે કહેલું કે ઈશ્વરના આશીર્વાદથી મુંબઈ તો એક મહાન નગર થવા સર્જાયું છે. આવા માણસને આપણે સ્વપ્નદૃષ્ટા ન કહીએ તો કોને કહીએ?

શિવરીનો કિલ્લો

મુંબઈની મુલાકાતો દરમ્યાન એ વાત એમના ધ્યાનમાં આવી કે અહીં લોકોના જાનમાલની સલામતી માટે કશી જ વ્યવસ્થા નથી. વળી એ વખતે ડચ, પોર્ટુગીઝ, મોગલો, સીદી, અને મરાઠાનાં આક્રમણનો ભય સતત રહેતો હતો. એટલે ઓન્જિયારે માહિમ, સિવરી, શિવ (સાયન) અને બીજાં કેટલાંક સ્થળોએ સૂબેદારોની અને તેમના હાથ નીચે સિપાઈઓની નિમણૂક કરી. હા, તેમની કામગીરી આજની પોલીસ કરતાં હોમ ગાર્ડઝ જેવી વધુ હતી. તેમનું મુખ્ય કામ કંપની સરકારનું જે લશ્કર મુંબઈમાં હતું તેને મદદ કરવાનું હતું. પણ તે ઉપરાંત ચોરી-ચપાટી જેવા ગૂનાઓને કાબૂમાં રાખવાનું કામ પણ તેમને સોંપવામાં આવેલું. રોજ રાતે પોતપોતાના વિસ્તારમાં ફરીને આ પોલીસ ચોકીપહેરો ભરતી. આ દળમાં ભંડારીઓની સંખ્યા મોટી હતી. કારણ તેઓ કંપની સરકારને વફાદાર હોય છે એમ ગવર્નર માનતા હતા. કોળીઓની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના સૌથી જૂના વતનીઓ.

ભંડારી જમાત વિશેની પુરાણકથા

ભંડારીઓ સાથે એક પુરાણકથા પણ સંકળાયેલી છે. પંડિત મહાદેવશાસ્ત્રી જોશીએ આ કથા નોંધી છે. તિલકાસુર નામનો એક રાક્ષસ કાળો કેર વર્તાવતો હતો. એટલે ભગવાન શંકરે તેને બળદ-ઘાણીમાં પીલાવા નાખ્યો અને નંદીને એ ઘાણી ચલાવવા કહ્યું. પણ એ મહાકાય રાક્ષસ સાથેની ઘાણી ફેરવતાં નંદીને ખૂબ ત્રાસ થતો હતો. એ જોઈને શંકરને કપાળે પરસેવો વળી ગયો. શંકરના કપાળ પરના પરસેવાના ધર્મબિંદુમાંથી એક પુરુષ પેદા થયો. એ પુરુષ તે ભંડારી જમાતનો આદિપુરુષ. શંકરે તેનું નામ પાડ્યું ‘ભાવગુણ.’ પણ પછી તેની ભક્તિની પરીક્ષા કરવા પોતાની લીલા વડે શંકરે નાળિયેરનું એક ઝાડ ઊભું કર્યું, અને ભાવગુણને તેનાં ફળ તોડીને લાવવા કહ્યું. તે તો આંખના પલકારામાં ઝાડ પર ચડી નાળિયેર લઈ આવ્યો. તેનું પાણી પીને શંકર તૃપ્ત થયા એટલે તેમણે ભાવગુણની નિમણૂક અલકા નગરીના ભંડારના અધિકારી તરીકે, એટલે કે ભંડારી તરીકે કરી. ત્યારથી ભાવગુણના વંશજો ભંડારી કહેવાયા. પણ સાથોસાથ નાળિયેરી, તાડ અને તેના જેવાં બીજાં ઝાડ સાથેનો તેમનો સંબંધ કાયમ રહ્યો. એટલે આ સમાજના ઘણા લોકો તાડી બનાવવાના ધંધામાં પડ્યા. તેઓ મૂળ ક્ષત્રિય જાતિના, એટલે બહાદુર અને માલિક કે રાજાને વફાદાર. તો બીજા કેટલાક ભંડારી ફળ-ફૂલના બગીચા તરફ વળ્યા. મુંબઈમાં પણ તેમણે આંબા, નાળિયેરી, તાડ, ફણસ, સોપારી, વગેરેની વાડીઓ ઠેર ઠેર બનાવેલી. ખેર, ઓન્જિયારના અવસાન સમયે મુંબઈના ‘પોલીસ’ની સંખ્યા ૫૦૦થી ૬૦૦ જેટલી હતી. એ બધાની મુંબઈમાં જમીન હતી. હકીકતમાં સરકારે દરેક જમીનદાર માટે પોલીસમાં કામ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જો કે બ્રાહ્મણ અને વાણિયા જમીનદારોને તેમાંથી મુક્તિ આપેલી. પણ તેના બદલામાં તેમણે સરકારને સારી એવી રકમ ચૂકવવી પડતી, જેનો ઉપયોગ સરકાર ભંડારી પોલીસોને પગાર આપવામાં કરતી.

મુંબઈના પહેલા પોલીસ

૧૬૮૧થી ૧૬૯૦ સુધી જોન ચાઇલ્ડ મુંબઈના ગવર્નર હતા, જરા નરમ સ્વભાવના હતા. લંડનમાં બેઠેલા માલિકોને હા જી, હા કરવામાં માનતા. એ વખતે લંડનથી કંપનીના ડાયરેકટરોએ તેમને ફતવો મોકલ્યો કે મુંબઈમાં આ ભંડારી પોલીસ દળની કશી જરૂર નથી, માટે તેને વિખેરી નાખો. હવે બન્યું એવું કે એ જ વખતે એક બાજુથી છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર હુમલો કરશે એવી દહેશત ફેલાઈ હતી, અને બીજી બાજુથી સીદીઓ કંપનીની સત્તાને પડકારી રહ્યા હતા. એટલે જોન ચાઈલ્ડે નક્કી કર્યું કે પોલીસ દળ વિખેરી નાખવું નહિ. પણ સાથોસાથ એ વખતના સંજોગો સમજાવતો લાંબો કાગળ તેમણે લંડન મોકલ્યો. બીજે વરસે ડિરેક્ટરોએ ફતવો તો પાછો ખેંચી લીધો. પણ સાથોસાથ લશ્કરનાં પગાર અને સગવડોમાં ધરખમ ઘટાડો કરવા જણાવ્યું.

તાડી વેચતો ભંડારી

ઓન્જિયાર ગવર્નર હતા ત્યારે પણ મુંબઈના કંપની સરકારના લશ્કરમાં પગારને મુદ્દે અસંતોષ પ્રવર્તતો હતો. કેટલાક અંગ્રેજ સૈનિકોએ ભેગા મળીને બળવો કરવાનું કાવતરું રચ્યું. પણ ઓન્જિયારને આ વાતની ગંધ આવી ગઈ. એ બળવાખોર ટોળીના નેતા કોર્પોરલ ફેકને પકડીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું અને ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે તેને જાહેરમાં ગોળી મારીને દેહાંત દંડની સજા અપાઈ. અંગ્રેજી અમલ દરમ્યાન મુંબઈમાં અપાયેલી આ પહેલવહેલી ફાંસીની સજા. પણ ઓન્જિયારના ગયા પછી પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. પોતાના સૈનિકો અને નાવિકોને કંપની સરકાર ન તો પૂરો પગાર આપતી, ન તો ખાસ કોઈ સગવડ.

અંગ્રેજ સૈનિકોનો બળવો

ફરી એક વાર સૈનિકો અને નાવિકોમાં બળવો કરવાનું કાવતરું કંપની સરકારના જ એક વહાણ પર છાને ખૂણે ઘડાયું. ૧૬૮૩ના ડિસેમ્બરની ૨૭મી તારીખે હતો સેન્ટ જોન્સ ડે. જોન ચર્ચ નામના પાદરી સવારે સાતેક વાગ્યે પ્રાર્થના માટે દેવળમાં ગયા. રોજ સવારે, લગભગ આ જ સમયે કોટ કહેતાં ફોર્ટના દરવાજા પરના રક્ષકોની ટુકડી બદલાય. રાતે પહેરો ભરનારી ટુકડી જાય, અને નવી ટુકડી તેની જગ્યા લે. એટલે ટુકડીઓની આ ફેરબદલી થાય ત્યાં સુધી પાદરીએ પ્રાર્થના રોકી રાખી. થોડી વારમાં કેપ્ટન રિચાર્ડ કેગ્વિનની સરદારી નીચે ખલાસીઓની એક મોટી ટુકડી આવી પહોંચી. તેમની પાછળ હેન્રી ફ્લેચર અને જોન થોર્બન પણ ટુકડીઓ સાથે આવ્યા. જેવી ત્રણે ટુકડી ફોર્ટની અંદર આવી ગઈ કે તરત જ જોન થોર્બને ગ્રેટ બ્રિટનના રાજવીની દુહાઈ આપીને ફોર્ટના બધા દરવાજા બંધ કરી દેવાનો સૈનિકોને હુકમ આપ્યો. પછી ત્રણે ટુકડીના સૈનિકોને થોર્બને ટૂંકું ભાષણ આપ્યું. અને કંપની સરકાર સામે – ગ્રેટ બ્રિટનના તાજ સામે નહિ – બળવાનું એલાન કર્યું. પછી લશ્કરની ત્રણે ટુકડી ખુલ્લી તલવારે મુંબઈના ગવર્નર જોન ચાઇલ્ડના આવાસે પહોંચી. એ વખતે તેઓશ્રી હજી મીઠી નિંદર માણી રહ્યા હતા. તેમને જગાડ્યા અને બળવાની ખબર આપી. પછી કહ્યું કે આ કિલ્લો અને મુંબઈનો ટાપુ અમે ગ્રેટ બ્રિટનના તાજ વતી કબજે કર્યો છે. ગવર્નર ગભરાયા. કહે કે તમારી જે ફરિયાદો અને માગણીઓ હોય તે મને કહો. એ દૂર કરવા હું બનતું કરીશ. તેમણે બારીની બહાર નજર નાખી તો આ બળવાના સૂત્રધાર કેગ્વિનને ઊભેલો જોયો. બૂમ પાડીને તેને બોલાવ્યો. પણ કશો જવાબ આપવાને બદલે કેગ્વિને સિપાઈઓને કહ્યું કે પેલા બંદીવાનને નીચે લઈ આવો. થોડી આનાકાની પછી ગવર્નર નીચે આવ્યા એટલે કેટલાક સૈનિકો તેમને કિલ્લાના કોઠારની એક અંધારી કોટડીમાં લઈ ગયા, અને બંદીવાન બનાવ્યા. એટલું જ નહિ, સૈનિકોને નવા ગવર્નરની નિમણૂંક કરવા જણાવ્યું. ત્યારે સૈનિકોએ એકી અવાજે કેગ્વિનનું નામ પોકાર્યું. ૨૭ ડિસેમ્બર ૧૬૮૩થી ૧૯ નવેમ્બર, ૧૬૮૪ સુધી રિચર્ડ કેગ્વિન મુંબઈના બિનસત્તાવાર ગવર્નર રહ્યા.

ગવર્નર જોન ચાઈલ્ડ

કંપની સરકારના કારભારથી ત્રાસેલા મુંબઈના ઘણા લોકોએ અને ઓન્જિયારે સ્થાપેલા ભંડારી પોલીસદળના સૈનિકોએ પણ આ બળવાને ટેકો આપ્યો અને કેગ્વિનને ગવર્નર તરીકે માન આપ્યું. લગભગ એક વરસ પછી બ્રિટનના રાજાએ નૌકાદળના કમાન્ડર સર થોમસ ગ્રેન્થમને કેગ્વિન સાથે વાટાઘાટ કરવા મુંબઈ મોકલ્યા. તેમણે બળવામાં સંડોવાયેલા દરેકને તાજ તરફથી માફી આપી. લગભગ એક વરસ સુધી કેગ્વિને ગવર્નર તરીકે પગારની જે રકમ લીધી હતી તે પાછી ન લેવાનું ઠરાવ્યું. અને કેગ્વિનને તેઓ પોતાની સાથે ગ્રેટ બ્રિટન પાછા લઈ ગયા, માનભેર! લશ્કરમાં જૂદા જૂદા હોદ્દા ભોગવ્યા પછી સેન્ટ કિટ્સની લડાઈમાં ૧૬૯૦ના જૂનની ૨૧મી તારીખે કેગ્વિનનું અવસાન થયું.

બ્રિટિશ સરકારની એક વિશિષ્ટતા હતી આખા દેશ માટે સમાન કાયદાકાનૂન. ૧૭૯૩ના ૩૩મા કાયદા દ્વારા કલકત્તા, મદ્રાસ અને મુંબઈ ત્રણે ઇલાકા માટે સમાન પોલીસતંત્ર ગોઠવાયું. દરેક ઇલાકામાં ગવર્નરના વડપણ હેઠળ ‘કમિશન ઓફ ધ પીસ’ નીમવામાં આવ્યું. આ કમિશનને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની નિમણૂક કરવાની સત્તા અપાઈ. મુંબઈમાં આ જગ્યા પર સાઈમન હાલીડેની નિમણૂક થઈ. મુંબઈના આ પહેલા સુપ્રિન્ટેન્ડન્ટના શાસન દરમ્યાન મુંબઈ પોલીસે કેવી અને કેટલી પ્રગતિ કરી તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઍપ્રિલ 2021

Loading

...102030...2,0552,0562,0572,058...2,0702,0802,090...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved