Opinion Magazine
Number of visits: 10,225,841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉજવણાં ઉઠમણાં ન બને એટલી ચિંતા તો કરીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 December 2021

કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આફતો આવે છે તો સરકારને જીવનું જોખમ ઊભું થતું નથી, પણ લોકો તો મરે જ છે ને ઘણીવાર તો એવાં મરે છે કે તેમનું રડતાં પાર નથી આવતો. જેમનો કોઈ વાંક નથી હોતો એવાં મરે છે ત્યારે પીડા વધુ હોય છે. એની વે, બહુ મહેનતને અંતે આપણે કોરોનાની ત્રીજી લહેર લાવવામાં સફળ થયાં છીએ ને હવે જે થાય તેની તૈયારી રાખવાની રહે જ છે. સરકારે રોગ ન વધે એની ચિંતા કરવા કરતાં  હોસ્પિટલોને સુસજ્જ કરવાનું શરૂ કરી દીધું છે ને બીજી લહેર વખતે પણ બધું સુસજ્જ જ હતું તો ય હજારો માણસો બેડ વિના, ઇન્જેકશન વિના, ઓક્સિજન વિના એટલી સંખ્યામાં મર્યાં કે સ્મશાનો ખૂટી પડ્યાં.  ગુજરાત સરકારે ચામડી બચાવવા મોતના આંકડા છુપાવ્યાં હતાં તે તો તે વખતના મુખ્ય મંત્રીએ ખુદ કબૂલ્યું હતું. એની તીવ્ર પ્રતીતિ તો એના પરથી થાય છે કે સુપ્રીમ કોર્ટે મૃતકોનાં સ્વજનોને 50,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો ત્યારે 67,388 અરજીઓ આવી. સરકારે જો 10,116 મૃત્યુ થયાનું જાહેર કર્યું હોય તો આટલી અરજીઓ આવી કેવી રીતે? એમાંથી 45 હજારથી વધુ અરજીની 226 કરોડથી વધુ રકમ તો મંજૂર પણ કરી દેવાઈ છે ને એમાં પણ, 41 હજારથી વધુ અરજદારના ખાતામાં તો રકમ પણ જમા કરી દેવાઈ છે. એ બતાવે છે કે આ આંકડાઓ સરકારે સ્વીકાર્યા છે. મોતની એટલી સંખ્યા તો હવે સરકારને ગળે પણ ઊતરી છે, નહિતર એ કરોડો રૂપિયા વળતર તરીકે મૃતકોનાં સ્વજનોને ચૂકવે નહીં. એ સાથે જ એ વાત પણ સરકારે જ પુરવાર કરી છે કે કોરોનાથી થયેલ મોતનો આંકડો તેણે છુપાવ્યો છે. સાથે જ એ પણ માનવું પડે કે સરકાર ખોટું બોલી શકે ને ખોટું કરી પણ શકે. મતલબ કે સરકાર વિશ્વનીય ન પણ હોય એય માનવું પડે. આ જ સરકારે કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા ઘણી તૈયારીઓ કરી હોવાના દાવાઓ પણ કરેલા ને પછી જે તકલીફો થયેલી તે લોકોને થયેલી ને સરકારે પણ પછી તો બદલાવું પડેલું. કોરોનાને કારણે એમ થયેલું એવું કદાચ ન પણ હોય, પણ એ વખતના મુખ્ય મંત્રી, કોરોનામાં જે હાલત ગુજરાતની થઈ એ કારણે સહાનુભૂતિ ગુમાવી ચૂકેલા એ વાત નિર્વિવાદ છે.

હવે ત્રીજી લહેરે ગુજરાતનું બારણું ખખડાવ્યું છે ત્યારે તેને આવકારવા સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, કેમ જાણે વિદેશથી કોઈ મંત્રી પધારવાના હોય ! પણ ત્રીજી લહેર ખાલી હાથે પાછી નહીં ફરે એટલું સરકારે અને લોકોએ સમજી લેવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે સરકાર કોઈ પગલાં ભરે કે ન ભરે, લોકોને બેદરકાર રહ્યે પાલવે એમ નથી. લોકો ભીડ કરી રહ્યાં છે એની ના પાડી શકાય એમ નથી. માસ્ક ન પહેરવાનું અને અંતર ન જાળવવાનું પરિણામ લોકો જોઈ ચૂક્યાં છે. એ બેદરકારી આપણાં સ્વજનોને ભારે પડે એવું ફરી થવા દેવા જેવું નથી. સરકાર ભીડ કરે એટલે લોકોએ પણ કરવી જ એવું ક્યાં ય લખેલું નથી. બીજું કે સરકાર બદલાતી નથી, ત્યાં સુધી તેને વ્યક્તિગત ખોટ બહુ પડતી નથી, પણ કોરોના કે ઓમિક્રોનમાં કોઈ સગું ગુમાવીશું તો એ ખોટ આપણી હશે ને એ ખાવા જેવી નથી.

એક વાત સમજી લેવાની રહે કે જોખમી સ્થિતિમાં સરકાર વધુ મતલબી જ પુરવાર થઈ છે. એક તરફ વડા પ્રધાન યુ.એ.ઈ.ની પોતાની મુલાકાત મુલતવી રાખે છે, પણ ગુજરાતનાં મુખ્ય મંત્રી રોડ શો રોકી શકતા નથી. આજે રાજકોટમાં મુખ્ય મંત્રી સવારે નવથી એકનો રોડ શો યોજી રહ્યાં છે ને એને માટે થઈ શકે એટલી ભીડ એકઠી કરવાનો ઉપક્રમ યોજ્યો છે. તંત્રોને પૂરી શક્તિથી કામે લગાડાયાં છે. એ ખરું કે કોરોના રાત્રે જ ફેલાય છે એટલે કરફ્યુ રાત્રે લાગુ થાય છે, પણ દિવસે કોઈ ભય નથી, એટલે ભીડ કરવાનો વાંધો નહીં ! એ ન્યાયે સરકાર ભીડ કરે તો તેનાં પર તો કરફ્યુ ન નખાય ને ! એવું નથી કે કોરોના કે ઓમિક્રોન રાજકોટમાં નથી. કોરોનાના 150થી વધુ ને ઓમિક્રોનના પાંચ કેસ છે જ, પણ સરકારને કે તંત્રોને બહુ વાંધો આવતો નથી. આમે ય મરશે તો લોકો, સરકારને તો ઊની આંચ પણ નહીં આવે ! એટલે એ તો ચૂંટણી ય કરશે ને રોડ શો ય કરશે. એ કોઈ કામ અટકાવે એમ જ નથી. કૈં અટકાવવાનું જ હોય તો લોકો ક્યાં નથી? એમને 144થી, ગાઈડલાઇન્સથી કે કરફયુથી રોકી જ શકાય, પણ સરકારને કોણ રોકે?

કાલે સાંજની મુખ્ય મંત્રીની બેઠકમાં 7 જાન્યુઆરી સુધી 8 મહાનગરોમાં કરફ્યુ યથાવત રખાયો છે તે સિવાય ખાસ કૈં નક્કી થયું નથી. એટલે ગુજરાત વાઇબ્રન્ટ અને ઉત્તરાયણને બહુ વાંધો આવે એમ લાગતું નથી. કદાચ કરફ્યુનો સમય વધે કે ઠુમકા મારવા પર રોક લાગે એમ બને, પણ ગુજરાત વાઇબ્રન્ટ વર્ચ્યુઅલ થાય એમ લાગતું નથી, કારણ દેશ-વિદેશના પ્રતિનિધિઓને ગુજરાત સરકાર આકર્ષવા ને ઇમ્પ્રેસ કરવા માંગે છે, એટલે એ તો ઈચ્છે જ કે વધુ વિદેશીઓ આવે, પણ વિદેશથી અહીં આવનાર પ્રતિનિધિઓને 7 દિવસ ફરજિયાત કવોરન્ટાઇન રહેવાની અનુકૂળતા કરવાનું ફાવશે કે એમાં બાંધછોડ થશે તે વિચારવાનું રહે. એમ કરવા જતાં જોખમો વધે પણ ખરાં. આમ તો આ બધું દેખાડવા, દેખાડા માટે થાય છે, એમાં તો કોઈ સરકાર પાછળ પડે એમ નથી, બલકે, દેખાડી દેવા તો તે પાછળ પડી જાય એમ છે. વાઇબ્રન્ટ માટે તો ગાંધીનગરને ચાર દિવસ રોશનીથી શણગારવાની વાત પણ છે, એને માટે ટેન્ડર પણ બહાર પડાયું છે. સરકારનો ઇરાદો માત્ર ચાર દિવસની રોશની માટે સાડા સાત કરોડનો ધુમાડો કરવાનો છે. એ સ્થિતિમાં બીજા ખર્ચની તો કલ્પના જ કરવાની રહે છે.

કોરોના અને ઓમિક્રોનનાં આક્રમણનું જોખમ એકદમ વધી ગયું છે ત્યારે આવા લહાવા લૂંટવાની અનિવાર્યતા કેટલી તે વિચારવા જેવું છે. રાજકોટનો રોડ શો જીવન મરણનો પ્રશ્ન નથી જ. એ ન થાય કે લંબાવાય તો કરોડોના ધુમાડા તો બચે જ, પણ ભીડથી ઉત્પન્ન થતું મોટું જોખમ પણ નિવારી શકાય, પણ લાગે છે એવું કે બધું જ થશે, બ્રેક જ  લાગવાની હશે તો લોકોને લાગશે. એમાં સરકારે ખાસ કૈં ગુમાવવા જેવું નથી.

એમ પણ લાગે છે કે ફરી એક વાર ઘડિયાળ ઊંધી ફરવાની છે. જે કરેલું તે ફરી કરવાનું આવે એમ બને. શિક્ષણ મંત્રી ઓફલાઇન સ્કૂલોનો આગ્રહ રાખે છે, પણ કોરોનાનું જોર અનેકગણું વધી રહ્યું હોય ત્યારે ફરી સ્કૂલો બંધ થાય એમ બને. ફરી કોર્સ 30 ટકા કાપવાની વાત આવે, ફરી ઓનલાઇનનો આગ્રહ વધે, પરીક્ષાઓ ઓનલાઈન લેવાય ને બોર્ડ ઓફલાઇન પરીક્ષાઓ લેવાની વાત કરીને પ્રમોશનની એ જ ગયા વર્ષની ફોર્મ્યુલા કામે લગાડે એમ બને. આમાંનું કૈં જ ઈચ્છવા જેવું નથી, પણ કોરોના નરમ નહીં પડે તો આ જ થાય એમાં શંકા નથી. આ અંગેનો વિચાર ઘણો વહેલો થવો જોઈતો હતો, પણ આપણે તો ત્રીજી લહેર લાવવી જ હતી, તો બીજું થાય શું? નથી સરકારને પડી શિક્ષણની કે નથી લોકોને પડી, તો શિક્ષણની ઘોર ન ખોદાય એવું તો બને જ કેમ? જેટલા દિવસ સ્કૂલો ચાલી છે એમાં પણ શિક્ષણનું કામ તો ઓછું જ થયું છે ને ઇતરપ્રવૃત્તિઓ જ વધુ ચાલી છે. લર્નિંગ લોસની ચિંતા કોઈએ કરી નથી. કોઈને કોઈ મહાનુભાવની તિથિઓ ઉજવવામાં જ પ્રાથમિક સ્કૂલો સક્રિય રહી છે. ખરેખર તો જે ભણાયું જ નથી, તે કેવી રીતે ભણાવાય ને ખોટ કેવી રીતે ભરપાઈ થાય એ વિચારાવું જોઈતું હતું, તેને બદલે આચાર્યો ને શિક્ષકો પરિપત્રો ને પત્રકોમાંથી જ ઊંચા ન આવે એવી સ્થિતિ સરકારી સ્કૂલોની થઈ છે. શિક્ષણ સમિતિઓ એ રીતે જ જીવી શકે એમ છે તો બીજું તો શું થઈ શકે? પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેલાં બાળકો બિચારા જાણતા જ નથી કે તેમણે શું ગુમાવ્યું છે ને એથી વધુ અબૂધ તો એ સમિતિઓ છે જેણે શિક્ષણ સિવાયનું જ બધું મહત્ત્વનું ગણ્યું છે. હોય, શિક્ષણ સમિતિમાં તો શિક્ષણ ન જ હોય ને !

બીજી તરફ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની જ છે. ચૂંટણી આયોગને તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું સ્પષ્ટ કરી દીધું છે. એ મામલે શાસક પક્ષ કે વિપક્ષ વચ્ચે કોઈ ભેદભાવ નથી. 5 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થાય કે મતદાર યાદીઓ બહાર પડે એમ બને. ટૂંકમાં, કોઈ ચમત્કાર જ હવે આ બધું રોકી શકે એમ છે. બાકી, ચૂંટણીઓ થવાની છે, કોરોના વધુ વકરવાનો છે, તબીબી સગવડો ખૂટવાની છે, સ્મશાનોમાં રાહ જોવાવાની છે, આંસુઓ ખૂટવાનાં છે ને એમ ફરી એક વખત માથે હાથ દેવાનો વારો આવવાનો છે. આવું કદી ન બને એમ ઇચ્છીએ, પણ જે ગતિ છે તે આવો ભય ઊભો કરે છે. એક વાત નક્કી છે કે રાજકારણ સિવાય ભારતમાં હવે કશું જ મહત્ત્વનું નથી. હવે રાજકારણ જ લોકોનું, લોકો દ્વારા ને લોકો માટે ચાલે છે. કમ સે કમ એ કહેવાના દિવસો કોરોના ન લાવે તો સારું કે મેરા ભારત મહાણ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ડિસેમ્બર 2021

Loading

મુકામ લખપત, ૨૦૨૨માં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 December 2021

પચીસમી ડિસેમ્બરનું વડાપ્રધાન મોદીનું લખપત વક્તવ્ય સાંભળ્યું તમે? જેમ તે પૂર્વે કાશીમાં તેમ અહીં કચ્છમાં પણ એમણે હજુ ‘ઔરંગઝેબ’ સામેનું જુધ્ધ ચાલુ છે, એ મુદ્દો કર્યો. ગુરુ નાનકે મક્કા જતાં જ્યાં રોકાણ કરેલું તે લખપતમાં એમણે હિંદુમુસ્લિમ સમન્વયનો મહિમા કરવા કરતાં ઓરંગઝેબનાં વરસો પસંદ કરવાનું નક્કી કર્યું એ સૂચક છે એમ જરૂર કહી શકાય. પણ ખરી વાત તો એ છે કે આ પ્રકારના ઉલ્લેખો એમનો ચિરરાબેતો છે. એમાં પણ ખાસ કરીને ૨૦૨૨નું વરસ ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોનું ચૂંટણીવરસ છે ત્યારે તો હિંદુમુસ્લિમ ધ્રુવીકૃત કોમી ચશ્મે જોવુંચીતરવું એ એમને સારુ કદાચ તકાજો પણ હશે. સબકા સાથ, સબકા વિકાસ જેવાં સૂત્રો ઉછાળતાં ઉછાળ્યાં હશે, પણ સ્થાયી રાગ તો પેલો અને પેલો જ, બોલ્યે અગર વણબોલ્યે.

તેગબહાદુર અને ગોવિંદસિંહ, બેઉ સન્માન્ય ગુરુઓના કાળમાં બાદશાહત સાથે બલિદાની ટકરાવ ખસૂસ છે. પણ શીખ ઘટનાને તમારે તેટલા પૂરતી જ જોવી છે? સમાનતા ભણી જે જદ્દોજહદ આ ઘટનામાં હતી એમાં તે સમયની હિંદુ સામંતી ઠકરાતો સાથે પણ ગોવિંદસિંહને ટકરાવના પ્રસંગો તો આવ્યા જ હતા, કેમ કે હિંદુ રાજાઓને જડબેસલાખ નાતજાતગત ઊંચનીચના ખયાલ પર શીખ ઘટનામાં સીધો ભય વરતાતો હતો.

આજનો સમય બંધારણીય લોકશાહી અને પ્રજાસત્તાક સ્વરાજનો છે. એમાં જૂના ઇતિહાસ પરત્વે ખંડદર્શન અને કાલવ્યુત્ક્રમની રીતે રાજનીતિ ખેલવી એ નાસમજ છે … અને એમાં પણ નફરતની ખેતી ! બેલાશક, આ વિશે ઝાઝું નહીં કહેતાં એટલું જ કહીશું કે મામલો છેવટે તો હોર્મોન્સ ને જિન્સનો છે; અને સામી ચૂંટણીએ કોમી ધ્રુવીકૃત જાતકમાઈ સારુ તે ઉપયોગી પણ છે. પ્રશ્ન, છેવટે તો, ટૂંકનજરી રાષ્ટ્રવાદની એવી જ ટૂંકનજરી ટિકિટબારીનો છે.

વડા પ્રધાનના વક્તવ્યને તમે એ રીતે જુઓ કે એમાં એ બધી જ સામગ્રી છે જેને યોગી આદિત્યનાથ મુખરપણે મૂકી આપે છે. તે પછી યતિ નરસિંહદાસની હરદ્વાર તકરીર એનું સ્વાભાવિક વિસ્તરણ બની રહે છે. કથિત ધર્મસંસદમાં તમને કહેવામાં આવે છે કે હિંદુરાષ્ટ્રને સારુ લડવા, મરવા ને મારવા તૈયાર રહો. હિંદુ માત્રે હથિયાર ધારણ કરી ‘એમને’ ખતમ કરવાના છે. એક એવું ‘સફાઈ અભિયાન’ ચલાવવાનું છે જેવું મ્યાંમારમાં ચાલ્યું હતું. આ તરેહની સંહારસત્રી ભાષા વિશે કેટલાક ધૂર્ત વ્યૂહકારો અને સવિશેષ તો સરળભોળા બચાવકારો કહેતા હોય છે કે આવું બધું કહેનારા થોડા હાંસિયા પરના લોકો જ છે. પણ તમે તપાસો તો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી અને દેશના પ્રધાન મંત્રીમાં લગભગ એ જ ખાણદાણ પડેલું માલૂમ પડશે.

હિંદુ ધર્મ અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા વચ્ચે વિવેક કેળવવાની કોશિશ આજકાલ રાહુલ ગાંધી કરી રહ્યા છે. (જો કે ગુજરાતની ચૂંટણી વખતે એમને મંદિર મંદિર ભટકતા જનોઈધારી રૂપે પ્રોજેક્ટ કરાયા એ પણ વિતૃષ્ણા જગવતી બીના હતી.) ધર્મ અને રાજકીય વિચારધારા વચ્ચેનો તફાવત સમજવો નાગરિકને પક્ષે ચોક્કસ જ જરૂરી છે. પણ પોતે આ બે વચ્ચે ભેદ કરે છે એ દર્શાવવા ટીલાંટપકાંની રીતે દાખડો કરવાની જરૂરત શા વાસ્તે હોવી જોઈએ? મતદારો જો આમ જ ખેંચાવાના હોય કે એમને આમ જ ખેંચવાના હોય તો એનો અર્થ એ જ થયો ને કે મત માંગનારાઓ મતઘડતરની જવાબદારી અદા કરવા માંગતા નથી.

આવે વખતે, જેમ આપણે જેપી આંદોલનના વારામાં જોયું હતું તેમ તટસ્થપણે વિચારી શકતા લોકોએ સક્રિય દરમ્યાનગીરી કરવી રહે છે. આવી દરમ્યાનગીરી એક પા જો દુરિત રાજવટનાં બળોને ખાળી અને કિંચિત્‌ સંસ્કારી પણ શકે, તો બીજી પા વિપક્ષને સારુ તે કંઈક સુવાણ પણ સરજે એવું બને. કમનસીબ અને કરપીણ કારુણિકા એ છે કે આ સુવાણના તે દિવસોના લાભાર્થીઓ આજે તે વખતની દુરિત રાજવટના નવા નાદર નમૂના લેખે આપણી સામે આવ્યાં છે. જે પ્રજાકીય બળોની સક્રિય દરમ્યાનગીરીથી ત્યારે કંઈક નવરચના શક્ય બની હતી તે પ્રકારનાં પરિબળોમાં હાલની રાજવટ અને તેની પાંખ ને પનાહ તળે કાર્યરત લુમ્પન તત્ત્વોને શત્રુ દેખાય છે. દેશના વડા સુરક્ષા સલાહકાર અજિત દોવલે સિવિલ સોસાયટીને જે રીતે શત્રુવત્‌ ચીતરી છે તે પછી કદાચ કશું જ ઉમેરવાનું રહેતું નથી.

નહીં કે ૨૦૨૨માં પ્રવેશતાં વિપક્ષો કોઈ મોટી આશા પ્રેરે છે, પણ વડો સત્તાપક્ષ ધોરણસર પેશ આવ્યો નથી એ વાસ્તવ વિશે બોલવામાં કોઈ ટીના ફૅક્ટર – ધેર ઈઝ નો ઑલ્ટરનેટિવ ફૅક્ટર – આડું ન આવવું જોઈએ. ૨૦૨૨માં પ્રવેશતાં કહેવાનું બીજું પણ ઠીકઠીક છે, પણ હમણાં તો આટલું જ સવાલ, છેવટે તો, સમજનો અને એ સમજને સક્રિયતામાં ફેરવવાનો છે.

ડિસેમ્બર ૨૯, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 01 તેમ જ 04

Loading

અલવિદા, ડેસમંડ ટુટુ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|31 December 2021

થોડાં વરસ પર વિપુલ કલ્યાણી અને હું દક્ષિણ આફ્રિકાનાં ગાંધીતીર્થની યાત્રાએ ગયા ત્યારે ઈલા ગાંધી સ્વયંસેવી ઊલટથી અમને સેલ્ફડ્રાઈવ કરી ફાતિમા મીરને મળવા લઈ ગયાં હતાં. એ જ સવારે અમે ગાંધીજી વિશે ઘસાતું (દક્ષિણ આફ્રિકી મૂળ પ્રજા સંદર્ભે) સાંભળ્યું હતું અને કંઈક ક્ષુબ્ધ પણ હતા. વાત ચાલી, ત્યારે ફાતિમા મીરે તળ ગુજરાતી પારસી લહેકામાં ને વળી હલકથી કહ્યું, ‘મધુરાધિપતેર અખિલં મધુરમ’ની તરજ પર, કે એવણનું બધ્ધું મીઠ્ઠું અને પછી ઉમેર્યું, હમણાં જ ડેસમંડ ટેટુએ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં – અમારું હૃદય ફાડીને જુઓ. એમાં ગાંધી દેખાશે.

— પ્ર.ન.શા.

“નિરીક્ષક” તંત્રી

°°°

ભારતનો અને દક્ષિણ આફ્રિકાનો સંબંધ જૂનો અને જાણીતો છે. મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાં વસતા ભારતીયો અને ગિરમીટિયાઓ માટે, તેમના અધિકારો માટે લડ્યા અને તે સમયે ‘ગાંધીભાઈ’ તરીકે જાણીતા થયા અને ત્યાં શરૂઆતના બે આશ્રમો સ્થાપ્યા, એ સઘળી વિગતો પાછળથી ગાંધીજીએ લખેલા પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’માં સંગ્રહેલી છે. ઘણાને યાદ હશે કે આ પુસ્તક ગાંધીજીએ જેલમાં રહ્યા-રહ્યા લખ્યું હતું અને ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી લખાવે તેમ લખતા હતા.

આ બધું આજે યાદ કરવાને કારણ છે રંગભેદ વિરોધી નેતા ડેસમંડ ટુટુ નેવું વર્ષની વયે ૨૬મી ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અવસાન પામ્યા છે. કાળા-ગોરાની લડાઈ દાયકાઓ સુધી ચાલી છે. ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા છે. ૧૯૮૦ના દાયકામાં તે ઘણી ઉગ્ર બની હતી. ઘણું લોહી વહ્યું હતું, ત્યારે અશ્વેત લોકોના નેતા તરીકે ડેસમંડ ટુટુ ઊભર્યા હતા.

ગાંધીજી રંગભેદનો ભોગ બન્યા હતા અને વાજબી ટિકિટ હોવા છતાં રેલવેના પહેલા વર્ગના ડબ્બામાંથી પ્લૅટફૉર્મ પર ધકેલી દેવાયા હતા ! જે ઘટના થકી જ તેમનો ઉદય મહાત્મા સુધી થયો હતો. આ એક ઘટનાની આપણને ખબર છે, પરંતુ આનાથી વધુ અપમાનજનક અને આઘાતજનક હિંસાત્મક ઘટનાઓ તે સમયના શ્વેત-શાસન તરફથી અશ્વેત પ્રજા પર આચરવામાં આવતી હતી, જે જાણીએ અને વાંચીએ તો માનવજાત પ્રત્યે નફરત જ નફરત પેદા થાય! ભલું થજો નેલસન મંડેલાનું જે પોતે રંગભેદનીતિ સામે લડતાં-લડતાં દાયકાઓ સુધી જેલમાં રહીને, બહાર નીકળ્યા પછી ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે વખતે મંડેલાએ ડેસમંડ ટુટુને અગાઉની સરકારોએ આચરેલા અત્યાચારો અંગેના તપાસપંચના અધ્યક્ષ નીમ્યા હતા.

મંડેલા અને ટુટુ બન્ને ત્યાંના સ્થાનિક નેતાઓ હતા. રંગભેદ વિરોધી ચળવળના લડવૈયાઓ હતા. ટુટુ તો ખ્રિસ્તી-ધર્મના પુરોહિતવર્ગમાંથી લડવા માટે આગળ આવ્યા હતા. ધર્મ એટલે કર્મકાંડ માત્ર નહિ, પરંતુ દેખીતા અન્યાય સામે લડત એ સાચો ધર્મ. એ વાત આવાં અનેક ઉદાહરણો થકી આપણને જાણવા મળે છે. આ બન્ને નેતાઓ તેમના લાંબા સમયના કાર્યકાળ પછી નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા પણ બન્યા હતા, જે આપણે સૌ જાણીએ છીએ.

ડેસમંડ ટુટુનો જન્મ ૭-૧૦-૧૯૩૧ના રોજ પશ્ચિમ જોહાનિસબર્ગના એક પરગણામાં થયો હતો. ૧૯૬૧માં તેઓને ચર્ચના પુરોહિતવર્ગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની આજે ૬૬ વર્ષનાં છે અને તેમને ચાર બાળકો છે. એક સમયે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે તમને લોકો કેવી રીતે યાદ કરે તે ગમે, ત્યારે એમણે જવાબ વાળેલો કે : “આ એવો માણસ હતો જેણે લોકોને ચાહ્યા, લોકો સાથે હસ્યાં અને રડ્યાં, તેને ક્ષમા મળી અને તેણે ક્ષમા આપી. આવા વિશેષાધિકારો તેને જીવનભર પ્રાપ્ત થતા રહ્યા.”

અનેક લોકોએ પોતાને લગતા અન્યાયો સામે સતત લડતો આપી છે. એમ પણ કહેવાયું છે કે અન્યાય સહન કરનાર અન્યાય આચરનાર જેટલો જ મોટો ગુનેગાર છે. માણસજાતે ખોટા અન્યાયો લાંબો સમય સુધી સહન કરતા રહેવાની કોઈ જરૂર નથી એ ગાંધી, મંડેલા, ટુટુ જેવા અનેક નેતાઓ આપણને શીખવી ગયા છે. શાસક કે શોષણખોર ગમે તેટલો જલ્લાદ કેમ ન હોય – પ્રજાએ અને પ્રજાકીય નેતાઓએ પોતાના નૈતિક બળથી લાંબી લડતો આદરીને, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા, અવશ્ય મેળવી છે. પરંતુ આખરે વિજય તો સત્યનો જ થયો છે. આવી ઇતિહાસસિદ્ધ હકીકતો આપણને પ્રેરણા પૂરી પાડે છે.

ડેસમંડ ટુટુ સદાય કહેતા કે હું ચૂપ નહિ રહી શકું. તેઓ એમ પણ કહેતા કે ઘાંટા પાડીને બોલવાને બદલે તમારી દલીલ એવી મજબૂત કરો જેનો પ્રતિકાર ન થઈ શકે! લડતમાં લડવાનું પણ છે અને જતું પણ કરવાનું છે. ક્યારે માફ કરી દેવું અને ક્યારે અડગ રહેવું એ બરાબર સમજવાનું છે. સદાય એવી આશા રાખવાની છે કે ગાઢ અંધકારને અંતે તેજકિરણ મળવાનું જ છે. તમે જ્યાં પણ હોવ, ત્યાં રહીને અન્યાય વિરુદ્ધ પોતાનાથી થાય તેટલું અવશ્ય કરતા રહો અને બાકીનું ઈશ્વરના ભરોસે છોડી દો. ઈશ્વરી સત્તા એ ન્યાયી છે અને હરહંમેશ એ તમારી પડખે છે એવો અહેસાસ અનુભવો. હું શાંત રહી શકું એવું જરૂર ઇચ્છું છું, પણ અન્યાય સામે જોઈને તેમ ન કરી શકું અને નહિ કરું.

કોઈકે ઠીક કહ્યું છે કે સદીઓના ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એવું જાણવા મળે છે કે માણસજાત ઇતિહાસમાંથી કશું શીખી નથી. એનો અર્થ એ થયો કે આપણે એકની એક ભૂલો ફરી કરીએ છીએ. લોકોએ અન્યાય સામે લડીને જીત મેળવી છે એ વાત અંકે કરીને સક્રિય બનવાને બદલે નિરાશ થઈએ છીએ. ભૂતકાળ આપણને ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરનારો હોવો જોઈએ, નિરાશ કરનારો નહિ.

રિવાજ તો મૃતાત્માઓેને અંજલિ આપવાનો રહ્યો છે. આમ જોઈએ એ એક પ્રકારનો, કર્મકાંડ થઈ ગયો છે. આપણે શ્રાદ્ધપક્ષમાં દૂધપાક ખાઈને અટકી જઈએ છીએ. પૂર્વજોએ શ્રદ્ધા પૂરી પાડનાર જે તત્ત્વો આચરી બતાવેલાં તેને અનુસરવાનું ભાગ્યે જ કરીએ છીએ. ઇતિહાસનાં પાત્રો પણ આપણા પૂર્વજો જ છે. તેમનાં કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. એ પ્રેરણા કદી પણ હતાશા કે નિરાશાની ન હોઈ શકે, પરંતુ પ્રોત્સાહન અને વિજયની જ હોઈ શકે.

ચાલો, આજે પણ આપણે ગાઢ અંધકારથી ડર્યા વિના તેજકિરણની આશાએ આપણને લાગતા-અનુભવાતા વ્યક્તિગત, સામાજિક અને જાહેર અન્યાયો સામે આપણી શક્તિ મુજબની નાની કે મોટી લડત લડવાનું કે તેમાં જોડાવાનું કે લડતા હોય તેમને ટેકો આપવાનું નક્કી કરીએ. આવું કરી શકીએ, તો તે કર્મકાંડથી આગળની વાત હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

...102030...1,8251,8261,8271,828...1,8401,8501,860...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved