Opinion Magazine
Number of visits: 9571335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામારી અને ભેદભાવ : અતીત અને વર્તમાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 August 2021

પ્લેગ, બળિયા, ઓરી, શીતળા, કાળી ખાંસી, ટી.બી., રક્તપિત્ત, મેલેરિયા, ટાઇફોઈડ, યલો ફીવર, ઇંગ્લિશ સ્વેટ, સાર્સ, સ્પેનિશ ફ્લૂ, ઈન્ફલૂએન્ઝા, એચ.આઈ.વી. એઈડસ અને કોવિડ-૧૯ : ઈ.સ. પૂર્વે ૪૩૦થી લગભગ દર સદીએ જોવા મળતી, અને માનવ જાતનો મોટા પાયે ભોગ લેતી, આ કેટલીક મહામારીનાં નામ છે. આ પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોનાં મોત થયાં હતાં. માનવીના અસ્તિત્વ માટે ખતરો બની રહેનારી આ મહામારી માનવીમાં વધુ સમજણ અને માનવતા જગાડે તે અપેક્ષિત હોય છે. જો કે મહામારીમાં પણ માણસ સુધરતો નથી અને તેના પૂર્વગ્રહો, ભેદભાવ તથા અસમાનતા અકબંધ રહે છે.

‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવાયેલી ચૌદમી સદીની બ્યૂબોનિક પ્લેગની મહામારીમાં સાડા સાતથી વીસ કરોડ લોકોનાં મોત થયાંનો અંદાજ છે. આ મહામારીમાં પણ માનવીના પૂર્વગ્રહો અછતા રહી શક્યા નહોતા. યુરોપમાં બ્યૂબોનિક પ્લેગના ફેલાવા માટે ખ્રિસ્તીઓએ યહૂદીઓને જવાબદાર માન્યા હતા. ખ્રિસ્તીઓએ ખૂબ મોટા પાયે યહૂદીઓને નિશાન બનાવી તેમના પર બર્બર હિંસા આચરી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકાના પૂર્વ તટમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ઇંગ્લિશ મૂળના પ્રોટેસ્ટન્ટોએ તેનો દોષ આઈરિશ મૂળના કેથલિક્સ પર ઢોળ્યો હતો. તેવું તે સમયના દસ્તાવેજોના આધારે સાબિત થયું છે.

ભારતમાં ઓગણીસમી સદીના આખરી દાયકામાં પ્લેગની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આશરે બે દાયકા સુધી તેની અસર રહી હતી. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં જ એક કરોડ લોકોનાં પ્લેગને કારણે મોત થયાં હતાં. ૧૮૯૬માં ચીનમાંથી પ્લેગ ભારતમાં ફેલાયો હતો. મુંબઈ ઈલાકામાં પ્લેગ નિવારણમાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યાની ફરિયાદો એ સમયના બ્રિટિશ શાસકો પર ઊઠી હતી. બીજી તરફ શહેરી ગરીબ ઝૂંપડાવાળાઓના લીધે પ્લેગ ફેલાયો હોવાનું માનતા સુખી સંપન્ન લોકોએ ગરીબોની વસ્તીઓ સળગાવી તેમના પર હિંસક હુમલા કર્યા હતા.

જ્યારે સવાસો વરસ પૂર્વે મહારાષ્ટ્રના પૂણેમાં પ્લેગે કાળો કેર વર્તાવ્યો, ત્યારે વોલ્ટર ચાર્લ્સ રૈંડ નામક અંગ્રેજ અધિકારી પૂણેના પ્લેગ નિયંત્રણ અધિકારી હતા. કશા ભેદભાવ વિના તેમણે બે જ મહિનામાં પૂણેમાં પ્લેગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે તેની કિંમત તેમણે પોતાનો જીવ ગુમાવીને ચુકવી હતી. પ્રો. પરિમલ વી. રાવના દલિત દ્રષ્ટિકોણથી કરાયેલા પૂણેના પ્લેગના અભ્યાસમાં જણાવાયા મુજબ પૂણેના આસિસ્ટન્ટ કલેકટર રૈંડે અસ્પૃશ્યો સહિતના તમામ ધર્મના લોકો માટે પ્લેગ હોસ્પિટલ સ્થાપી હતી. પરંતુ લોકમાન્ય ટિળકને તે મંજૂર નહોતું. ટિળકના એક જીવનીકારે નોંધ્યું છે તેમ તેમણે હિંદુ નેતાઓ સાથે મળીને પોતાના ખર્ચે હોસ્પિટલ ઊભી કરી હતી પણ તેમાં અસ્પૃશ્ય હિંદુઓને દાખલ કરતા નહોતા. ટિળકના ‘મરાઠા’ અને ગોપાલકૃષ્ણ ગોખલેના ‘સ્વરાજ’માં અંગ્રેજો પ્લેગની સારવારમાં ભારતીયોની ધાર્મિક ભાવનાનું અપમાન કરી રહ્યાના અહેવાલો પ્રગટ થતા હતા. તેના કારણે જ સાંપ્રદાયિક માહોલ ઊભો થયો હતો અને ચાફેકર બંધુઓએ અંગ્રેજ અધિકારી રૈડ સહિત બે અંગ્રેજોની હત્યા કરી હતી. આ રાષ્ટ્રવાદી કૃત્યનાં મૂળમાં અંગ્રેજોની અસ્પૃશ્યો પ્રત્યેની સમાનતાની અને કથિત ઉચ્ચ વર્ણના હિંદુઓની ભેદભાવની નીતિ જવાબદાર હતી.

હાલની કોરોના મહામારીમાં આખી દુનિયાની આરોગ્ય સંભાળમાં મહિલાકર્મીઓનો હિસ્સો સિત્તેર ટકા જેટલો છે, પરંતુ મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહો અને ભેદભાવોને કારણે કોરોના સંબંધી નિર્ણય પ્રક્રિયામાંથી તેમને  બાકાત રાખવાનું વલણ વિશ્વની પિતૃસત્તાનું જોવા મળે છે. દુનિયાના ૧૩૭ દેશોના કોરોના અંગેના જે ૨૨૫ ટાસ્ક ફોર્સ કાર્યરત છે, તેમાં માત્ર ૨૪ ટકા જ મહિલાઓ છે. ૨૬ ટાસ્ક ફોર્સમાં તો એક પણ મહિલા નથી. માત્ર આઠ દેશોના ટાસ્ક ફોર્સમાં મહિલાઓની સમાન ભાગીદારી છે. કોરોના મહામારીના જે ઉકેલો વિચારાયા છે, તેમાં ૩૨ દેશોએ મહિલાઓને ધ્યાનમાં રાખીને કશું જ વિચાર્યું નથી. કોરોનાના ઉકેલના ૨,૨૮૦ સૂચનોમાં ૧૩ ટકા જ મહિલા સંબંધિત છે.  કોરોના મહામારી દરમિયાન લૈંગિક સમાનતામાં મહિલાઓ પાછળ ધકેલાઈ ગઈ છે અને ઘરેલુ હિંસા વધી છે.

કોરોના દરમિયાન મૃત્યુ પામનારા દક્ષિણ એશિયાઈ આરોગ્યકર્મીઓની સંખ્યા ગોરાઓ કરતાં બે ગણી છે. ભારતમાં સુરક્ષાનાં અલ્પ સાધનો સાથે સફાઈ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી જોખમી કામોમાં સફાઈ કામદારોને જોતરવામાં આવે છે. કોરોના કામગીરી દરમિયાન રાજધાની દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાના કુલ ૯૪ કર્મચારીઓનાં મોત થયાં છે તેમાં અડધોઅડધ એટલે કે ૪૯ સફાઈ કામદારો છે. ભારતના કેટલાંક શહેરોમાં રસીકરણનો આરંભ સફાઈ કામદારોથી થયો હતો. તે સમયે સફાઈ કામદારોની ફરિયાદ હતી કે રસીકરણમાં તેમને પ્રાથમિકતા આપવાનું કારણ સમાજ અને સરકારનો તેમના પ્રત્યેનો પ્રેમ કે લાગણી નથી, પણ રસીની આડઅસરો ચકાસવા માટે તેમને આગળ ધરી દેવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન છે. પરંતુ રસીકરણમાં પણ ભારોભાર ભેદભાવ પ્રવર્તે છે. દુનિયાની કુલ રસીનો એક તૃતીયાંશ ભાગ અમેરિકાએ લઈ લીધો છે. અમેરિકામાં પણ ગોરાઓના મુકાબલે કાળાઓનું રસીકરણ ઓછું છે. અમેરિકા, ચીન, બ્રિટન, ઈઝરાયલ અને ભારત એ પાંચ દેશો રસીકરણમાં મોખરે છે. તો દુનિયાના ૨૯ ગરીબ દેશોના એકે ય નાગરિક સુધી હજુ કોરોનાની રસી પહોંચી નથી. ભારતમાં જ્યાં બદતર આરોગ્ય સગવડો છે તે ગ્રામીણ ભારત અને અંતરિયાળ વિસ્તારો સુધી પણ રસી પહોંચી નથી. એપ્રિલ ૨૦૨૦માં ભારતમાં કોરોના સંક્રમણનો દર શહેરોમાં ૭૦ ટકા અને ગામડાંમાં ૩૦ ટકા હતો. એક વરસ પછી એપ્રિલ ૨૦૨૧માં શહેરોમાં ૬૦ અને ગામડાંઓમાં ૪૦ ટકા છે. પરંતુ ગામડાં પ્રત્યેના ભેદભાવોને લીધે હજુ તેમને રસીકરણમાં કે આરોગ્ય સુવિધાઓમાં પ્રાથમિકતા મળતી નથી.

કોરોનાકાળમાં આર્થિક અસમાનતા અકલ્પનીય હદે વધી છે. ‘ધ ઈનઈક્વાલિટી વાઈરસ’ નામક ‘ઓકસફામ’નો અહેવાલ, ભારતમાં અબજોપતિઓની સંપતિમાં આ ગાળામાં ૩૫ ટકાનો વધારો થયાનું નોંધે છે. ગરીબો અને અમીરો વચ્ચેનું અંતર એ હદે વધતું જાય છે કે અબજોપતિઓની માત્ર વધેલી સંપત્તિ દેશના ૧૩.૮ કરોડ ગરીબોને વહેંચવામાં આવે તો દરેકના ભાગે રૂ.૯૪,૦૪૫ આવે તેમ છે! વિશ્વ અસમાનતા ડેટાબેઝ જણાવે છે કે મધ્યમવર્ગના ૪૦ ટકા લોકોની કુલ આવકમાં હિસ્સેદારી ૪૪ ટકાથી ઘટીને ૩૦ ટકા થઈ છે. તળિયાના ૫૦ ટકાની હિસ્સેદારી ૨૦ ટકાથી ઘટીને ૧૩ ટકા થઈ છે. પણ ટોચના ૧૦ ટકા ધનવાનોની હિસ્સેદારી ૫૨ ટકાથી વધીને ૬૩ ટકા અને તેના ય ટોચના ૧ ટકાની ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થઈ છે. એકલા મૂકેશ અંબાણીની વધેલી સંપત્તિ ભારત સરકારના દસ વરસના મનરેગા કે આરોગ્યના બજેટ જેટલી છે.

ભારતમાં કોરોનાના આરંભે જ દિલ્હીના મરકઝ કે તબલિગી જમાતને દોષિત ઠેરવી દેવાનું સરકારી વલણ હતું. કોરોના દરદીઓના સત્તાવાર આંકડાઓ ખુદ સરકારો ધાર્મિક આધારે તબલિગીઓને જુદા તારવીને આપતી હતી. ગરીબ રાજ્યોના સ્થળાંતરિત કામદારોના પરસેવાથી દેશના જે રાજ્યોનો વિકાસ થયો છે, તેમણે તાળાબંધીમાં તેમને તરછોડી દીધા હતા. તેમના વતન રાજ્યોમાં પણ તેમને કોરોના ફેલાવનારા ગણાવી હડધૂત કરાયા હતા. માનવીમાં રહેલા ભેદભાવ, પૂર્વગ્રહો અને અસમાનતાનું વિકરાળ રૂપ દર્શાવતી કોરોના કંઈ પહેલી મહામારી નથી. સરકારો અને સમાજનું વલણ અને વર્તન શાયદ તેને છેલ્લી પણ નહીં બનવા દે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

પત્રકારત્વ ને સાહિત્યનો સમન્વય એટલે પ્રકાશ ન. શાહ

મણિલાલ પટેલ|Profile|3 August 2021

ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે થોડાક વરિષ્ઠ ગુજરાતી પત્રકારો વિશે લખાય તો સારું, એવો વિચાર આવતાં છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત વરિષ્ઠ પત્રકાર, લેખક ને કર્મશીલ પ્રકાશ ન. શાહ વિશે વ્યક્તિગત સંસ્મરણાત્મક થોડું લખ્યું છે. તેમણે તેમના આઠ દાયકા કરતાં વધુ સમયના આયખામાં સાડા પાંચ દાયકા જેટલો સમય અધ્યાપન, લેખન, પત્રકારત્વ, જાહેરજીવન અને વિવિધ આંદોલનોમાં વિતાવ્યો છે.

પ્રકાશભાઈ સાથેની પ્રથમ મુલાકાતનું વર્ષ યાદ કરું તો લગભગ ૧૯૭૫ના વર્ષનું સ્મરણ થાય છે. હીમાવન પાલડી ને લાલ દરવાજા નશાબંધી કંપાઉન્ડની લોક સમિતિની ઓફિસ અમારા પ્રથમ પરિચયનાં સ્થળો. સર્વોદય અગ્રણી પ્રકાશભાઈ શાહ, હસમુખ પટેલ, પરણ્યા પહેલાંનાં મંદાકિની દવે ને પરણ્યા પછીનાં મંદા હસમુખ પટેલ, પ્રો. રાજેન્દ્ર દવે, નીતા પંડ્યા, (પરણ્યા પછીનાં નીતા વિદ્રોહી, હાલના પત્રકારો મુકુન્દ પંડ્યા ને કાંતિ પટેલ, વકીલ દીપક દવે, હાલના ખેડૂત અગ્રણી સાગર રબારી ને ભીમજી નાકરાણી સહિત અનેક મિત્રોને સાંકળતું ‘સુકેતુ સ્ટડી સર્કલ’ આજે ય યાદોમાં અકબંધ છે. ૧૯૭૫માં હું મીઠાખળી છ રસ્તા પાસેથી સરદાર પટેલ સેવા સમાજ હોસ્ટેલમાં દાખલ થયો તેની નજીકમાં જ ‘પ્રકાશ’ બંગલો પોસ્ટ ઓફિસની પાછળ હતો. મારી હોસ્ટેલ એવી જગ્યાએ હતી કે ભૂગોળના ભાસ્કરરાવ વિદ્વાંસ, કવિ ઉમાશંકર જોશી, પૂર્વ સાંસદ પુરુષોત્તમ માવળંકર, કે.કા. શાસ્ત્રી, આર.કે. અમીન સહિત અનેક જાહેર જીવનના અગ્રણીઓ સવારના મોર્નિગ વોકમાં હોસ્ટેલ આગળથી પસાર થતા હતા.

આજે સફેદ ઝભ્ભા-લેંઘાના લગ્ન ને બેસણા બંનેમાં ચાલે તેવા યુનિફોર્મમાં દેખાતા પ્રકાશભાઈ સવારે પેન્ટ-બુશર્ટમાં અર્ધાંગિની નયનાબહેન સાથે મોર્નિગ વૉકમાં હોસ્ટેલ આગળથી નીકળે. અમે સાથે સવારે ઘણીવાર ‘બિનાકા’ની ચાની લારીની લૉ ગાર્ડનની ચા પણ અમે પીધી હશે.

તે સમયે ગામડેથી આવેલો એટલે હૃદયના સંબંધો હોય તેવા ખાસ કોઈ પરિચય અમદાવાદમાં ન હતા. પહેલો પરિચય ૧૯૭૪માં નવગુજરાત કૉલેજના ગાંધીવાદી અધ્યાપક પ્રો. બાલુભાઈ પટેલ પછી બીજો પ્રકાશભાઈનો. કશા શિષ્ટાચાર વિના હું હોસ્ટેલથી આવતાં જતાં પ્રકાશભાઈના ઘેર પહોંચી જતો. પ્રકાશભાઈ હોય કે ન હોય મોટાં બહેન ઇન્દુબહેન એટલે કે તેમનાં માતુશ્રી ને ભાઈ એટલે કે પિતાજી નવીનભાઈ તો હોય જ. હું તેમની સાથે વાતો કરું. કેટલી વાર મોટાં બહેનના હાથનો નાસ્તો કર્યો હશે તેની ગણતરી કરવી આજે મુશ્કેલ છે. તે સમયે તેમના પિતાનો કાપડનો વેપાર એટલે આર્થિક સ્થિતિ ઘણી સારી છતાં જીવન સાદગીપૂર્ણ હતું. પ્રકાશભાઈના પિતા સ્વ. નવીનભાઈ એટલા સ્વસ્થ ને મજબૂત કે મારી પેઠે કોઈપણ માણસ તેમને પ્રકાશભાઈના પિતાને તેમના મોટા ભાઈ માનવાની ભૂલ કરી જ બેસે. તેઓ મને હંમેશાં ‘કંકોતરી’વાળા તરીકે બોલાવતા. તે સમયના ગુજરાતના અનેક લેખકો, સાહિત્યકારો, કવિઓ ને જાહેરજીવનના જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો મને પ્રકાશભાઈના ઘેર જ મળી જતા. જેમાં ઉમાશંકર, માવળંકર, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોલી, જોસેફ મેકવાન જેવા સંખ્યાબંધ મહાનુભાવો હતા. તેમનું ઘર સાહિત્ય, લેખન, કલા ને સંસ્કૃતિના રસિકોનું મિલન સ્થળ જેવું હતું. બધાં નામો તો આજે યાદ પણ નથી. ને યાદી બનાવું તો ઘણી લાંબી થઈ જાય. ત્યાંથી હીમાવન ને લોક સમિતિનો નાતો બંધાયો હોવાનું આછુંપાતળું યાદ છે. ૧૯૭૭માં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે એક સવારે તેમના ઘેર પ્રકાશભાઈએ મને પૂછ્યું કે, પ્રોફેસર, હવે શું કરવું છે? મેં કહ્યું કે ગામડાનો માણસ છું. કામ તો કરવું છે. તેમણે કહ્યું કે, તમે મજૂર મહાજનમાં ઈલાબહેન ભટ્ટને મળો. ત્યાં ‘મજૂર સંદેશ’ અર્ધ સાપ્તાહિક તેમનું મુખપત્ર છે. તેના સંપાદક દાંડીયાત્રી ભાનુભાઈ દવે હવે નિવૃત્ત થઈ રહ્યા છે. હું ઈલાબહેનને મળ્યો તો તેમને મને અરવિંદ બૂચ પાસે મોકલ્યો. આમ વિધિવત્‌ પહેલી નોકરીનું શ્રેય પ્રકાશભાઈને આપું તો તેમાં જરાયે ખોટું નથી.

૧૯૭૮માં મેં ‘મજૂર સંદેશ’ની કામગીરી સંભાળી ત્યારે હું માત્ર ૨૧ વર્ષનો ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતો યુવક હતો. તે સમયે પ્રકાશભાઈ એક્સપ્રેસ જૂથના ‘નૂતન ગુજરાત’ સાપ્તાહિકનું તંત્રીપદ સંભાળતા હતા. ‘નૂતન ગુજરાત’માં કૌશલ ઠાકોર, ભરત દવે, હસમુખ પટેલ, (કુમાર મિહીર) મધુસુદન મિસ્ત્રી ને મારા જેવા અનેક નવા કટારલેખકોની કટાર તેમણે શરૂ કરી હતી. ૧૯૭૫-૭૬નાં વર્ષોમાં શરૂ થયેલી. અમારી સંબંધોની સદ્‌ભાવ યાત્રા ૨૦૨૧ સુધી કશા ય અંતરાય, અવરોધ કે વિરોધ વિના અવિરત ચાલુ છે.

આયખાના આઠમા દાયકે પ્રકાશભાઈ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ચૂંટણી પ્રચાર ટાણે પ્રકાશભાઈ સામે એક એવું આરોપનામું સ્પર્ધકોએ ફરમાવ્યું કે તેમણે એક પણ પુસ્તક લખ્યું નથી. તો તેઓ સાહિત્યકાર-લેખક કેવી રીતે કહેવાય. પણ પ્રકાશભાઈએ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનું જે વાંચન કર્યું છે અને પત્રકારત્વની સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયની કારકિર્દીમાં જે લખ્યું છે તેનાં જો પુસ્તકો લખાય તો આજના લેખકો કે સાહિત્યકારો કરતાં પણ મોટી સંખ્યા થાય. હા, એમણે લેખનમાં ધ્યાન આપ્યું, પણ પ્રકાશભાઈ હોવા છતાં પુસ્તકોના પ્રકાશન તરફ નહીં. પ્રકાશ હોવા છતાં પ્રકાશક કેમ ન બન્યા. એ વાત તેમના અલગારી સ્વભાવને સાચી રીતે જાણનારાને જ ખબર પડે. તેમનાં પુસ્તકો કરવા મહેનત કરનારા ડંકેશ ઓઝા, ચંદુ મહેરિયા ને ઉર્વીશ કોઠારી જેવાના હૃદયપૂર્વકના પ્રયાસો પ્રકાશભાઈની નિ:સ્પૃહતા કે ઉદાસીનતા જે કહો તે કારણસર સફળ ન થયા.

જેઓ આજના પ્રકાશભાઈને જાણે છે તેમને કદાચ ખબર પણ નહીં હોય કે મણિનગરની સરસ્વતી હાઇ સ્કૂલમાં ૧૯૫૧-૫૨માં આઠમા ઘોરણમાં ભણતા ત્યારે તેમના શિક્ષક ને પાછળથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનેલા સ્વ. હરિશ્ચંદ્ર પટેલ તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં લઈ જતા હતા ને કિશોર પ્રકાશનો આ સંઘ-સંગ માંડ પાંચેક વર્ષ ચાલ્યો ને પ્રો. માવળંકરની લૅસ્કી ઇન્સ્ટિટયૂટને રાધાકૃષ્ણનના ‘હિંદુ વે ઓફ લાઈફ’ પુસ્તકે પ્રકાશભાઈ ને નવી ને કાયમી દિશા ચીંધી ને સેકયુલારિઝમનું કાયમી સરનામું બની ગયા. વ્યંગમાં ઘણા તેમને સેકયુલારિઝમના સફેદ પોપ પણ કહેવા લાગ્યા. પ્રકાશભાઈને સમજવા અઘરા છે. વ્યક્તિ તરીકેની નહીં પણ વિચારધારાના મક્કમ હિમાયતીની તેમની સાચી ઓળખ છે.

પરિષદનું પ્રમુખપદ સંભાળતાં તેમણે પોતાની જાતને પરિષદના સ્થાપક રણજીતરામની પરંપરાના સિપાઈ તરીકે ઓળખાવી હતી. પણ તેમનો સાચો પરિચય સ્વરાજની બાકીની લડાઈના સિપાઈ તરીકેનો છે. તેમને માત્ર પત્રકાર, તંત્રી, કર્મશીલ કે વિચારપત્ર નિરીક્ષક’ના તંત્રી કહેવા તે તેમની સાચી ઓળખ નથી. પણ તેઓ કહે છે કે લોકશાહીમાં સરકારો તો આવે ને જાય પણ આપણા નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો, ન્યાયિક સમાજરચના ને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે. એટલે જ પ્રકાશભાઈ કોઈ રાજકીય પક્ષના ચોકઠામાં ન ગોઠવાયા પણ ગુજરાતમાં ૧૯૭૫માં કાઁગ્રેસ સામે જનતા મોરચાનો વિકલ્પ ઊભો કરવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૭૭માં જનતા પક્ષ સ્વરૂપે કાઁગ્રેસ સામે રાષ્ટ્રીય વિકલ્પ બન્યો.

લોકશાહીમાં સમયની માંગ મુજબ જનતા મોરચામાં જનસંઘ સાથે મેળ પાડનાર પ્રકાશભાઈ સરકારો તો આવે ન જાય – એ ન્યાયે વાજબી મુદ્દે ભા.જપ. સરકાર સામે પણ મોરચો માંડવાનું આજે.ય ચૂકતા નથી. ચૂંટણી લડ્યા વિના રાજ્ય કે દેશમાં ઈચ્છયું હોત તો ૧૯૭૫થી ’૭૯ના ગાળામાં પ્રકાશભાઈ કોઈ મોટું રાજકીય પદ કે સમ્માન મેળવી શક્યા હોત. મોરારજીભાઈ દેસાઈ એલિસબ્રિજમાંથી તેઓ ધારાસભા લડે તેમ ઈચ્છતા હતા. પણ તેમને તે સમયે તે યોગ્ય ન લાગ્યું ને હંમેશાં ‘વોચ-ડોગ’ની લોકશાહીમાં પ્રહરીની ભૂમિકા ભજવી. સારા માણસોએ રાજકારણથી દૂર ન રહેવું જોઈએ, તે વિચારે પક્ષીય નહીં પણ લોકઉમેદવાર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા ને હાર્યા. તે સમયે એલ.એ. શાહ લૉ કોલેજના જી.એસ. મહેન્દ્ર દેસાઈ ને મેં તેમના પ્રચાર માટે અમારા સ્વખર્ચે એક પત્રિકા પણ બહાર પાડી હતી. તેનું આજે ય સ્મરણ છે. આમ લોકશાહીમાં એક નવો વિચાર મૂક્યો ને નવો અભિગમ અપનાવ્યો. તેઓ હંમેશાં કહે છે કે કશામાં બંધાઉ એવું મારું વલણ નથી અને એકેયમાં હું પૂરાતો નથી. એટલે જ તો તેઓ સ્વયં પ્રકાશિત છે, પરપ્રકાશિત નહીં.

નામ પ્રમાણે ગુણ ઓછા લોકોમાં હોય છે. પણ ‘પ્રકાશ’ આપવાનો તેમનો ગુણ નામ પ્રમાણે છે. પ્રકાશભાઈની ભાષા વિશે જાતજાત ને ભાત-ભાતનાં વ્યંગબાણો ચારે દિશામાંથી હંમેશાં આવતાં રહે છે. મુરબ્બી મિત્ર જિતેન્દ્ર દેસાઈએ એકવાર મનુભાઈ પંચોળીના શબ્દો ટાંકીને મને કહેલું કે, પ્રકાશ વિદ્વાન બહુ પણ લોકભોગ્ય ઓછો. વિદ્વતામાં પ્રકાશભાઈ સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું એક પૂછવા ઠેકાણું છે. વૈચારિક પાટલી કદી બદલી ન હોય તેવા અણીશુદ્ધ વિચારક છે જે તેમની આલોચનાનો એક માત્ર મુદ્દો પણ બની રહેતો હોય છે.

બોલવાનો આરંભ તેમણે ૧૯૬૦માં જયંતી દલાલને પૂર્વ શિક્ષણ મંત્રી સી.એન. વિદ્યાલયનાં ઈન્દુમતીબહેન શેઠના નિર્ણાયકપદે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધક વક્તા તરીકે કર્યો હતો. ને ૧૯૬૨માં ગૂજરાત યુનિવર્સિટીની બધી કૉલેજોની મહાદેવ દેસાઈ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે સુવર્ણચંદ્રક મેળવ્યો તે ચીન યુદ્ધ સમયે સંરક્ષણ ફંડમાં આપી દીધો હતો.

કટોકટી સામેની લડાઈમાં ગુજરાતમાં ત્રણેક પત્રકારોએ જેલવાસ વેઠ્યો. તેમાં પ્રકાશ ન. શાહ, તત્કાલીન ‘સાધના’ના તંત્રી વિષ્ણુ પંડ્યા અને વડોદરાના કિરીટ ભટ્ટ હતા. રાષ્ટ્રીય કક્ષાના પત્રકારોમાં લગભગ કુલદીપ નાયર જ હતા. પકડાયા પહેલા કટોકટીમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ તેમના ઘેર અજ્ઞાતવાસમાં રહ્યા હતા. કટોકટીમાં નિર્ભય ને નીડરના તંત્રીપદે ભૂગર્ભ પત્રિકા પણ કાઢતા હતા.

પ્રકાશભાઈની મિત્રબેલડી ગણો કે બંધુ બેલડી ભાઈદાસભાઈ પરીખ ને પ્રકાશભાઈ મોટા ભાગે સાથે હોય ને બંને રંગ, વેશ-પહેરવેશને દેખાવે સગા ભાઈ જેવા લાગે. અને તેમને સંબંધ પણ તેવો. ૧૯૭૧માં એચ.કે. આર્ટસ કોલેજનું અધ્યાપન કાર્ય છોડ્યા પછી ભોગીભાઈ ગાંધી સાથે જ્ઞાનગંગોત્રીના સંપાદન કાર્યમાં જોડાયા. આજે વિશ્વકોશના જે ગ્રંથો દેખાય છે તે એક રીતે તો જ્ઞાનગંગોત્રીનું નવું સ્વરૂપ છે. તેમના કારણે ૩૦ જેટલા જ્ઞાનગંગોત્રીના સમૃદ્ધ ગ્રંથો ગુજરાતને મળ્યા.

પત્રકાર તરીકે પ્રકાશભાઈ પત્રકારોના પત્રકાર યા પત્રકારોનું પૂછવા ઠેકાણું જેવા રહ્યા છે. તેમનો નાતો એકસપ્રેસ જૂથના અખબારો નૂતન ગુજરાત, લોકસત્તા-જનસત્તા, ટાઇમ્સ જૂથના ગુજરાતી ટાઈમ્સ અને છેલ્લે દૈનિક ભાસ્કર જૂથના દિવ્ય ભાસ્કરના સંપાદકીય પૃષ્ઠના સલાહકાર તરીકે રહ્યો. દૈનિકમાં તેમના તંત્રીલેખો તથા સમયના ડંકાને દિશાન્તર જેવી કોલમોએ પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડી. જનસત્તામાં વાસુદેવ મહેતા, ઈશ્વર પંચોલી, જયંતી શુક્લ, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ ને કાંતિ રામી જેવા તંત્રીઓના સહયોગી સહતંત્રી તરીકે ને ત્યારબાદ લોકસત્તા-જનસત્તાના તંત્રીની જવાબદારી પણ સંભાળી. જનસત્તાની કામગીરીનો તેમનો ગાળો મારો ‘મજૂર સંદેશ’ના આરંભનો ગાળો હતો. બપોરે ૧૨થી ૪ મારે વિશ્રામકાળ હતો એટલે હું બપોરે જનસત્તામાં બિનવેતન કર્મચારીની પેઠે જતો. પત્રકારત્વના અભ્યાસનો બે માસનો તાલીમી કાળ પણ મેં જનસત્તામાં ગાળ્યો. શેખઆદમ આબુવાલા, ઈશ્વર પંચોલી, નરભેરામ સદાવ્રતી, ભાનુભાઈ અધ્વર્યુ, ધનવંત ઓઝા, દેવેન્દ્ર ઓઝા (વનમાળી વાંકો), દિગંત ઓઝા, જેવા અનેકનું સાંનિધ્ય મને તે સમયે ત્યાં સાંપડ્યું. તો નરેન્દ્ર ત્રિવેદી, કીર્તિ ખત્રી ને દિવ્યેશ ત્રિવેદી તે સમયે એક કેબીનમાં બેસતા. દિવ્યેશ ત્રિવેદીએ મારું ઉપનામ ‘વિશ્વદેવ પટેલ’ પાડ્યું હતું. તે સમયે રતિલાલ જોગી, રમણભાઈ ભાવસાર, દિનેશ બ્રહ્મભટ્ટ વગેરે અનેક મિત્રો થયા. આ બધાં મિત્રો સાથે ૧૨થી ૪નો ચા ને નાસ્તાનો તથા વિચારગોઠડીનો સમય હતો. ધનવંત ઓઝા કેળા લાવતા.

પ્રકાશભાઈએ શિષ્ટ ને સંસ્કારી પારિવારિક સામયિક ‘અખંડ આનંદ’ના તંત્રી તરીકે પણ કામગીરી કરી એ જ રીતે મુંબઈના એક્સપ્રેસ જૂથનાં દૈનિક સમકાલીન, સુરતના ગુજરાત મિત્ર, અમદાવાદના દિવ્ય ભાસ્કર અને ગુજરાતી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ કટારલેખન સમયાંતરે કર્યું. હાલ વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી ઉપરાંત ‘ગુજરાત ટુડે’, દૈનિકમાં પણ કટારલેખન કરી રહ્યા છે. ભોગીભાઈ ગાંધી સાથે વિશ્વમાનવના કામમાં પણ જોડાયા હતા. પરિષદ સાથેનો તેમનો નાતો કિશોરાવસ્થાથી જ બૌદ્ધિક, સંસ્થાકીય ને વહીવટી રહ્યો છે. તે પરિષદની મધ્યસ્થ સમિતિ, કારોબારી, મંત્રી, ઉપપ્રમુખ અને હાલમાં પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય કૃપાલાણી અધ્યયન કેન્દ્રના માનદ્દ નિયામક છે.

લોક સ્વરાજ આંદોલન, ગુજરાત લોકસંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતાપક્ષ, લોક સમિતિ, લોક સ્વરાજ સમિતિ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી જેવી નાગરિક-સામાજિક ચળવળની સંસ્થાઓ સાથે પ્રકાશભાઈ હંમેશાં કશી વિચારધારાની બાંધછોડ વિના મક્કમપણે રહ્યા છે. હારવા નાગરિક સમિતિ દ્વારા ઈલાબહેન પાઠક, હસમુખ પટેલ ને કશ્યપ દલાલ સાથે મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવાની હોય, આંદોલન માટે માનવસાંકળ રચવાની હોય, મીઠાખળીમાં શાળાની લડાઈ હોય, કટોકટીમાં જેલ જવાનું હોય, લોક સ્વરાજમાં સુકેતુ સ્ટડી સર્કલ કે મેઘાણી લાઈબ્રેરીમાં વક્તવ્ય આપવાનાં હોય કે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો વૈચારિક સંઘર્ષ હોય, પ્રકાશભાઈ હંમેશાં મોખરે રહ્યા છે.

પ્રકાશભાઈ જન્મે જૈન પણ તેમનું આધ્યાત્મિક વાંચન, અભ્યાસ ને જ્ઞાન બધા જ ધર્મોનું. એક વાર નવકારવાળી ગણતાં તેમનાં માતા સ્વ. ઇન્દુબહેનને મેં પૂછેલું કે, તમારો પ્રકાશ રોજ સવારે શણિયું પહેરીને દેરાસર જાય કે નહીં? તેમણે હસીને મને કહેલું કે, રામ-રામ કરો. જૈન ખરા પણ ‘જનસત્તા’ના તેમના ટેબલના પસ્તી ભંડારમાંથી સાથી સ્વ. નરેન્દ્ર ત્રિવેદીએ તેમના બેંકમાં નહીં ભરાયેલા ને એક્સપાર્યડ થઈ ગયેલા ચેક મને બતાવ્યા હતા. આવું તેમનું નાણા ખાતું હતું. એટલે એ અર્થમાં એ જૈન નહીં. તેમના મિત્ર વરિષ્ઠ પત્રકાર વ્યંગવક્રી સ્વ. તુષાર ભટ્ટ ગમ્મતમાં કહેતા કે પ્રકાશભાઈ એટલે ન પ્રકાશ — ન શાહ! તુષાર ભટ્ટના સૂત્રનો પાછળનો ભાગ સાવ યથાર્થ હતો. જો કે તુષાર ભટ્ટે આ સૂત્ર પર પોતાનો કોપીરાઈટ રાખેલો ને બીજાને વાપરવા દેતા નહતા. પણ તેની વિદાય પછી પુત્રી શિલ્પા ને જમાઈ વિવેકની મંજૂરીથી મેં એ સૂત્ર અહીં મૂક્યું છે.

મારા બંને સંતાનોનાં નામ પ્રકાશભાઈ એ આજથી ૩૦ વર્ષ પહેલાં પાડેલાં. તે સમયે બધાને ઉર્જિત ને હાર્દિકા બોલવાને ને લખવામાં અઘરાં લાગેલાં. મેં પણ ઉર્જિતમાં મોટો ‘ઊ’ આવે કે નાનો ‘ઉ’ તે શોધવા વિદ્યાપીઠનો શબ્દકોશ ફંફોળેલો.

ભલે માણસા એક જમાનામાં હિંમતસિંહજી ઑફ માણસા ને આજે અમિત શાહના વતન તરીકે ઓળખાતું હોય પણ માણસાએ પ્રકાશભાઈનું પણ મોસાળ છે. તેમનો માણસા ને માણસાઈ સાથે આજીવન નાતો રહ્યો.

પ્રકાશભાઈનો ડંખ વિનાનો વિનોદ ને વ્યંગ આ ઉંમરે પણ તેમના નિરોગી સ્વાસ્થ્યનું રહસ્ય છે. એક વાર બાબુભાઈ જ. પટેલનાં પુત્રવધૂ ગીરાબહેને મને કહેલું કે બાપુજી (બાબુભાઈ જ. પટેલ), પ્રકાશભાઈ ને હસમુખભાઈ મળે ત્યારે હાસ્યની છોળો સિવાય બીજું કંઈ ન હોય.

પ્રકાશભાઈને મોટે ભાગે ઘડિયાળ સાથે બહુ નાતો નહીં. કાંડે ઘડિયાળ રાખતા નથી. જેથી કોઈ એમની નિયમિતતા સામે આંગળી ન ચીંધી શકે. કંઈ લખવાનું કહ્યું હોય તો લખવા બેસે તો ઝડપથી લખી નાખે બાકી તો એ લખે ને લખાઈને તમારા હાથમાં આવે ત્યારે સાચું. અકાદમીએ તેમને ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું. પણ ન લખાયું ને રકમ અકાદમીને પરત કરી દીધી હતી.

તેમની પાસે લખાવવા કરતાં બોલાવવું સરળ છે. તેમનાં પ્રવચનો સાંભળવાં લહાવો છે પણ સમજવાં અઘરાં છે. ક્યાંથી ક્યાં ક્યા સમય કાળમાં, દેશમાં ને વ્યક્તિમાં કૂદકો મારે તે કળવું મુશ્કેલ છે. એ એમની વક્તૃત્વ શક્તિ ને વિદ્વતાની વિશિષ્ટતા છે. ઘણા એમનાં લખાણોનું ગુજરાતી કરાવવાનું કહે છે. પણ ઉર્વીશ કહે છે તેમ તેમને વાંચવામાં મામલો મગજને તસ્દી આપવાનો છે. તેમનાં લખાણ ને વક્તવ્યોમાંથી એક નવો પ્રકાશ શબ્દકોશ બની શકે.

હું હોસ્ટેલમાં હતો, અમે ઈશ્વર પેટલીકરનું સમાજસુધારા પર પ્રવચન ગોઠવેલું પણ પેટલીકરનો છેલ્લી ઘડીએ સંદેશ આવ્યો કે હું સ્વાસ્થ્યના કારણે નહીં આવી શકું. આયોજન તરીકે મારો તો ભવાડો થાય એટલે હું સીધો પ્રકાશભાઈને ત્યાં દોડ્યો. ચંપલ પહેરીને બહાર જવા નીકળતા હતા તે રદ્દ કરીને મારી સાથે હોસ્ટેલમાં આવ્યા. ૨૦૧૭માં મારી દીકરીના લગ્ન સમયે અમે પુસ્તકોનો કરિયાવર રાખેલો. સ્વામી સચ્ચિદાનંદ ને ડૉ. ચંદ્રકાંત મહેતા આવવાના હતા. પણ બંનેનો છેલ્લી ઘડીએ સંદેશ આવ્યો કે તબિયતને કારણે નહીં અવાય. મારી સંકટ સમયની સાંકળ પ્રકાશભાઈ હતા. મેં તે ખેંચી તો સીધા મારા ઘેર આવીને તેમની રીક્ષા ઊભી રહી. પ્રકાશભાઈ આમ સ્નેહને સંબંધોના માણસ છે.

મારે ત્યાં હું મજૂર સંદેશમાં હતો ત્યારે અરવિંદ બૂચ, પૂર્વ નાણાં મંત્રી સનત મહેતા, પૂર્વ વિધાનસભા સાંસદ નટવરલાલ શાહ, નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈ વગેરે અનેક જાહેર જીવનના સાથીઓ જમવા આવે તેમાં પ્રકાશભાઈ પણ હોય. એક વાર તે આવા જમેલામાં જમવા આવેલા. તે સમયે અમે પ્રાઈમસ પર રાંધતા, ઘરમાં ગેસ ન હતો. પ્રકાશભાઈ જતાં જતાં રસોડામાં ગયા ને મારી પત્નીને કહે તમને ને તમારા ભમભમિયા (સ્ટવ) બંનેને સલામ!

પ્રકાશભાઈ પહેલીવાર પરદેશ ગયા ત્યારે ‘નિરીક્ષક’નું સંપાદન મને સોંપીને ગયેલા. પાછા આવ્યા પછી મેં ગમ્મતમાં કહ્યું કે હું અત્યાર સુધી નિરીક્ષકનો તંત્રી હતો. હવે તંત્રીપદ તમને સોંપું છું ત્યારે તેમણે પૂરા હાસ્ય સાથે કહેલું કે માત્ર તંત્રી નહીં તમે મારા પુરોગામી અને અનુગામી તંત્રી ગણાવ!

પત્રકારત્વમાં પ્રકાશભાઈ સાથે સીધો કામ કરવાનો મોકો નવાસવા દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના આરંભના પ્રથમ દાયકામાં મળ્યો. ઘણીવાર અમે સાથે કારમાં ભાસ્કર જતા આવતા હતા. એ સંપાદકીય સલાહકાર ને હું સમીક્ષા સલાહકાર પણ બીજા સલાહકાર ‘ફૂલછાબ’ના પૂર્વ તંત્રી ને વરિષ્ઠ પત્રકાર દિનેશ રાજા, જયંતીભાઈ દવે, વય કરતાં વહેલા ને વધુ પરિપકવ થઈ ગયેલ વિદ્યાર્થી મિત્ર દિવ્યેશ વ્યાસ ને થોડો સમય ઉર્વીશ કોઠારી સાથે ચા-ભજિયાંની મજા માણતા ને પ્રકાશભાઈની વિદ્વત્તાની સાથે મુક્ત હાસ્ય અને ડંખ વિનાના વ્યંગની મિજબાની મફતમાં મળતી. જાહેરજીવનમાં પ્રકાશભાઈને બહોળું સંપર્કસૂત્ર ને બધા સાથે ધરોબો. એટલે અનેક સંસ્થાઓના આગેવાનો કંઈક પ્રેસનોટ લઈને પ્રકાશભાઈ પાસે આવે એટલે મારી સામે આંગળી ચીંધીને પ્રકાશભાઈ તેમને કહે કે પેલા સલાહકાર બેઠા છે તેમને મળો. ને બધી વ્યવસ્થા કરશે. આમ આબાદ રીતે છટકી જાય ને પોતાનો સમય પણ બચાવે. હું ભજિયાં ખાઉં નહીં પણ રાજાસાહેબને પ્રકાશભાઈની સંગતે ભાસ્કરમાં ભજિયાંના રવાડે થોડો ચડેલો. ને ઘેર આવીને મારાં પત્ની આગળ બચાવનામામાં પ્રકાશભાઈનું નામ પેશ કરી દેતો. ‘ભાસ્કર’નો અમારો દાયકો સ્મરણીય ને રમણીય હતો.

ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, ચિંતન, ગાંધી ને વિનોબાના ઊંડા અભ્યાસી હોવાના નાતે દરેક ક્ષેત્રમાં ભાગ્યે જ ગુજરાતમાં કોઈ એવી વ્યક્તિ હશે કે તેમના સંપર્કમાં ન આવ્યો હોય. ખાદીનાં જાડાં ધોતી-ઝભ્ભાને ટોપીવાળા બુનિયાદી શિક્ષણવાળા ગાંધીવાદીઓ, સર્વોદયવાળા સહિત સૌ કોઈ એમના સ્નેહીઓ.

સફેદ ઝભ્ભો ને લેંધો. લગ્ન, સ્મશાન કે બેસણામાં જવા કપડાં બદલવાની જરૂર જ નહીં. કોઈ કહે કે પ્રકાશભાઈ વાળ કાળા કરતા હોય તો હજુયે ૧૦-૨૦ વર્ષ નાના લાગો તો કહે કે ભાઈ ધોળા કરતાં આટલાં બધાં વર્ષો ગયાં છે. એ મહેનત ને કાળા કરીને એળે કેમ જવા દેવાય. ઉંમર વધી તેમ મિત્ર સર્કલ પણ વધતું જ રહ્યું. વધતી ઉંમરે પણ સ્મરણશક્તિ, દૃષ્ટિ, દાંત (નવા), વેશ, મિજાજ, સ્પષ્ટ વિચારધારા બધુ જ અકબંધ અને ઊંચું રક્તચાંપ કે મધુપ્રમેહ રહિત નિરામય સ્વસ્થ શારીરિક સુખના પાયામાં તેમની વ્યક્તિગત પૂર્વગ્રહ, દ્વેષ, ઇર્ષ્યા, નિરાશા કે  કડવાશ વિનાની હૃદય ને મનની સદાયે પ્રફુલ્લતા ને હાસ્યથેરાપી. તેમનાં બહેન પ્રફુલ્લા ખરાં પણ તેનાથી વધુ પ્રફુલ્લ તો પ્રકાશભાઈ!

૧૯૮૪માં મેં મારા લગ્નની કંકોત્રીમાં લખેલું કે ‘સોનેકી છડી, રૂપે કી મસાલ, મોતીકી માળા ને હાથમાં કલમ લઈને મેદાને પડેલા મણિલાલ’ હોલના દરવાજા આગળ અમારા આગમન ટાણે તમન્નાના તંત્રી જયંતિ સુબોધ સાથે ઊભેલા પ્રકાશભાઈએ પૂછેલું કે, પ્રોફેસર હાથમાં કલમ કયાં છે?

પ્રકાશભાઈને ચોકલેટ બહુ ભાવે. મારા પત્નીએ એક વાર કહ્યું કે, ચોકલેટ બહુ ખાવાથી દાંત વહેલા પડી જાય. પ્રકાશભાઈએ કહ્યું કે, દાક્તર પાડી નાખે એના કરતાં મૂવા ચોકલેટ ખાવાથી ભલે ને પડી જાય!

ઉમાશંકર જોષી ને દર્શકની વિચારધારાના ઉત્તરાધિકારી ગણીએ તો કશુંયે ખોટું નથી તો માનવઅધિકાર, કોમી એકતા, લોકશાહીનાં મૂલ્યો, સામાજિક ન્યાયમાં કદી તેમને બાંધછોડ ન કરીને ધર્મસત્તા-રાજયસત્તા કે અર્થસત્તા ભલે બદલાઈ હોય પણ ‘નો સર’ (પ્રો. માવળંકરના સંસદના કટોકટી વિરોધી પ્રવચનોના પુસ્તકનું શીર્ષક) કહેવાનું તેમણે ચાલુ રાખ્યું છે.

પ્રકાશભાઈ જાહેર સંપર્કોની પ્રાદેશિકથી રાષ્ટ્રીય કક્ષાના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની યાદી કરીએ તો અલગ પુસ્તિકા જેટલી થાય જેમાં જયપ્રકાશ નારાયણ ને આચાર્ય કૃપાલાણી, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈથી માંડીને આજના રાજનેતાઓ સુધીની લાંબીલચ યાદી થાય. પણ તેમની સામાજિક નિસબતનું માધ્યમ તો લેખનને પત્રકારત્વ જ રહ્યું. માત્ર લેખક નહીં, પણ અદ્‌ભૂત સ્મરણશક્તિ સહિતના ઉત્તમ વાચક પણ ખરા જ. આઝાદીના 50મા વર્ષમાં આઝાદીની લડત વિશે તેમની મુલાકાતને ‘ગ્રામગર્જના’નો ખાસ વિશેષાંક અમે પ્રસિદ્ધ કર્યો હતો.

તેમની પાસે લખાવવા કરતાં બોલાવવાનું સરળ લાગતાં તેવો પ્રયાસ ગૂજરાત વિદ્યાપીઠમાં ત્રણેક વર્ષથી ચાલે છે. તેમના સૌ ચાહકો ઇચ્છે છે કે પ્રકાશભાઈ સંસ્મરણો લખે તો દેશ ને ગુજરાતનો ઉત્તમ ઇતિહાસ ભાવિ પેઢીને મળે.

‘પ્રકાશ’ને માપવા ને મૂલવવા મારો પનોને ત્રાજવાં-કાટલાં બહુ ટૂંકા પડે પણ આ તો મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ખળખળ વહેતું મૂક્યું છે.

સાડા ચાર દાયકા પૂર્વે મારા બધા મિત્રો મારાથી ડબલ કરતાં વધુ ઉમંરના હતા ત્યારે મિત્ર હસમુખ પટેલે મને કહ્યું કે તું સાઈઠનો થઈશ ત્યારે તારે કોઈ મિત્રો બચ્યા નહીં હોય. એટલે પ્રકાશભાઈની પેઠે નવા – નાની ઉંમરના મિત્રો બનાવવાનું શરૂ કર. આથી મેં નવા-નાના મિત્રો બનાવવાનો પ્રકાશપંથ પકડ્યો. પણ હવે પ્રકાશભાઈ જેવા બહુ ઓછા જિંદગીના આઠ દાયકા વિતાવેલા મુરબ્બી મિત્રો છે.

પ્રકાશભાઈનું જીવન તો મહાસાગર છે. તેમાંથી એક નાની ગાગર ભરીને મૂકી છે. જેમાં મારા અંગત સંસ્મરણો હોવાથી ‘હું’ આવે છે ને આવે જ.

પ્રકાશભાઈ વિશે ભાઈ ઉર્વીશ કોઠારીએ ‘આશ્રમ ભજનાવલી’ સાઈઝનું એક નાનકડી પુસ્તિકા જેવું ૧૬૦ પાનાંનું પુસ્તક પ્રકાશભાઈ સાથેની પ્રશ્નોત્તરી સ્વરૂપે લખ્યું છે જેમાં તેમના જીવનની સફરની ઘણી ઓછી જાણીતી વિગતો છે. બાકી પ્રકાશભાઈ પાસે કંઈ લખાવવું એ હવામાં બાચકા ભરવા જેવું કપરું ને કઠિન કાર્ય છે. ગુજરાત પત્રકારત્વની બે સદીના ટાણે પ્રકાશભાઈ લખે તેમ ઈચ્છીએ પણ અત્યારે તો આ અપેક્ષા રણમાં વહાણ ચલાવવા જેવી છે.

સૌજન્ય : મણિલાલભાઈ પટેલની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હરીશ મીનાશ્રુ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ|Opinion - Interview|3 August 2021

પ્રશ્ન : તમને મળેલા રાષ્ટ્રીય સન્માન બદલ અભિનંદન. આમ તો ઘણાંખરાં સાહિત્યિક સન્માનો તમને આ પૂર્વે મળી ચૂક્યાં છે, છતાં આ સન્માન મળવાની જાહેરાત થઇ ત્યારે શું અનુભવ્યું? સન્માન મળતાં તમારો પ્રતિભાવ જાણવો છે.

ઉત્તર : તમારાં અભિનંદન માથે ચડાવું છું. સન્માનનો પ્રતિભાવ તો એક પ્રકારની વિનમ્રતા જ હોય કારણ કે મને ખબર છે કે સન્માન રાષ્ટ્રીય હોય કે પ્રાદેશિક હોય એ બહુ મહત્ત્વનું નથી. પણ એ સન્માનના નિર્ણય સુધી કેટલી પવિત્રતાથી જે તે સંસ્થા પહોંચી છે એ અગત્યનું છે અને એ રીતે જોવા જઈએ તો આ સાહિત્ય અકાદમીના સન્માન પ્રત્યે આપણને એક અહોભાવ છે, એ જળવાયેલો રહે છે એટલે એ આનંદનો વિષય બને છે. મને આ પૂર્વે ૨૦૧૩માં અકાદમીએ રેસિડન્સી આપેલી અને ત્યાર પછી અનુવાદ માટે પણ મને એવોર્ડ મળેલો. અને આ ત્રીજું સન્માન, એટલે આમ તો આનંદ.

પ્રશ્ન : હરીશ કૃષ્ણરામ દવેમાંથી હરીશ મીનાશ્રુ – એ રૂપાંતરનું રહસ્ય અમને કહેશો? હું જાણું છું ત્યાં સુધી એ રહસ્ય તમે હજુ ખોલ્યું નથી. ‘મીનાશ્રુ’ તખલ્લુસ રાખવા પાછળનું કારણ કોઈ જાણતું નથી, એવું કેમ? એ રહસ્ય અમને જણાવી શકો?

ઉત્તર : જી, જરૂર. આમ તો હું માનું છું ત્યાં સુધી આપણી અંદર અમુક પ્રકારનાં નાનાં નાનાં બીજ પડેલાં જ હોય છે. અમુક પુખ્ત ઉંમરે પહોંચીએ ત્યાર પછી એ બીજમાંથી છોડ થાય અને વૃક્ષ થાય. અને પછી વ્યક્તિ કલાકાર બને અથવા સંગીતકાર બને અથવા મારી જેમ કંઈક કવિ બની જાય. તમે અંદરથી એવું નક્કી કરીને કવિ નથી બનતા કે સાહિત્યકાર નથી બનતા. એક બાળક તરીકે શરૂઆતમાં તો અમુક શોખ હોય છે. નાના હો ત્યારે ચિતરામણ કરવાનું ગમતું હોય કે રાગડા તાણવાના ગમતા હોય, પછી એમાં વિશેષ રસ પાડવા માંડે. હું મારી વાત કરું તો કવિતા સાથે એ જાતનું સ્પષ્ટ અનુસંધાન અમુક જમાનામાં નહીં, અને આમ ખરું પણ ખરું. દાખલા તરીકે હું પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હોઈશ, તે વખતે અમારા શિશુવત્સલ અને વિદ્યાર્થીવત્સલ એવા જ્હોનભાઈ મેકવાન ગુજરાતીના શિક્ષક, એ કવિતાઓ લખે અને અમારા આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીમાંથી ‘બાલમિત્ર’ નામનું સામયિક પ્રગટ થતું એમાં એમની લખેલી કવિતા છપાય. એટલે એમને કવિતામાં રસ ખરો. તો એમણે કહ્યું કે નોટિસબોર્ડ પર મૂકવા માટે કોઈ કવિતા આપો. એટલે મેં કોઈક સમકાલીન ઘટનાના આધારે કવિતા લખેલી. એ રાજી થયા અને પછી બીજા દિવસે એમણે મને કહ્યું કે તમે આ બીજા પ્રસંગ ઉપર કવિતા લખીને આપો. એટલે મેં તો બીજા જ દિવસે એ કવિતા એમને સાદર કરી દીધી. મારામાં કોઈ કવિ હોય તો એને આમ સળવળાટ કરાવ્યો અમારા આ ગુજરાતીના એ શિક્ષકે. પછી તો કવિતા પોતે જ શાંત પડી ગઈ, કારણ કે પછીનાં વર્ષોમાં મેં કશું લખ્યું હોય એવો મને ખ્યાલ નથી.

પછી હું બી.એસસી.ના છેલ્લા વર્ષમાં હોઈશ ત્યારે અમારા અત્યંત નિકટનાં એક બહેન વિદ્યાનગરમાં બી.એડ. કરવા માટે આવેલાં. એ રોજ કોલેજમાંથી કોઈકને કોઈક સામયિક લઈને આવે. ત્યારે મેં પહેલી વાર ‘કવિલોક’ અને ‘કવિતા’ જોયાં. એ મારે માટે નવાઈની વસ્તુઓ હતી કે માત્ર કવિતાનાં સામયિકો હોય. એ વાંચ્યા પછી મને થયું કે આ જે પ્રકારનું લખાણ છે એ હું લખી તો શકું જ. અને મેં એક ગીત લખેલું, એ મને બરાબર યાદ છે : ‘ચાડિયાનું દુકાળગીત’. હવે તમે જુઓ કે ચાડિયો અને દુકાળ એ એક વિરોધાભાસ છે. ચાડિયો તો ખરેખર મોલ હોય અને પંખીઓ આવતાં હોય એને ઉડાડવા માટે મૂકેલો હોય છે. પણ અહીં દુકાળ છે એટલે ખેતરમાં કશું નથી અને ચાડિયો ઊભો છે. તો ચાડિયાની કેવી મનોદશા થાય? એ ગીત મેં ‘નૂતન શિક્ષણ’ કરીને એક સામયિક ગુણવંત શાહ ચલાવતા એમાં મોકલ્યું અને એમણે એ બીજા જ મહિને છાપ્યું. એ વખતે મને પ્રથમ વખત એમ થયું કે આપણે કવિ થયા. પછી સ્પષ્ટ રીતે એમ થયું કે આપણે કવિ થવું જોઈએ, લખવું જોઈએ. અને પછી બધા સંપાદકોની જે વલે થઈ એ તો સંપાદકો જ જાણે.

હવે તમે મને પૂછ્યું કે હરીશ દવેમાંથી હરીશ મીનાશ્રુ કેવી રીતે? એ વખતે હરીન્દ્ર દવે બહુ ઝળહળતું નામ હતું. તો મને થયું કે હરીન્દ્ર દવે અને હરીશ દવે એ બે નામમાં ખાસ ફરક નથી, તો આપણે કંઈક ફરક પાડવો જોઈએ. એટલે મેં ફરક પાડ્યો અને ‘મીનાશ્રુ’ કર્યું. એ અરસામાં મારા મનમાં એ ઈમેજ હતી જે પાછળથી એક ગીતમાં પણ આવે છે, એ ગીત પછી ‘કવિતા’માં પ્રગટ થયેલું. ‘કેમ કરી આંસુને ઓળખશે, ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી’. આ માછલીનાં આંસુનું કલ્પન છે કે માછલીનું પર્યાવરણ જ જાણે પીડા બની ગયું છે. એ પીડાને તમે અલગથી ઓળખી નથી શકતા એવું કંઇક એમાં પ્રગટ થાય છે. એમાં બીજું કંઈ ખાસ રહસ્ય નથી. એટલું જ કે એ એક એવી પીડા છે જેને આજુબાજુમાં કોઈ પારખી નથી શકતું, અને માછલી માટે તો એ એનું પર્યાવરણ જ છે. 

પ્રશ્ન : આપની પહેલી કવિતા શાળામાં લખાઈ એની આપે વાત કરી. પણ પછી આપે કોલેજમાં અભ્યાસ વિજ્ઞાનનો કર્યો અને કામ બૅન્કમાં કર્યું, અને પછી નામ કવિ તરીકે થયું. એટલે વિજ્ઞાન અને વાણિજ્યની સાથે શબ્દનું, કલાનું સંયોજન થયું. આ બધું કઈ રીતે થયું?

ઉત્તર : આ કોઈ એનાલિસિસ ન કરી શકાય એ પ્રકારનું સંયોજન છે, જે એક વ્યક્તિ તરીકે મારા જીવનમાં ઘટ્યું. એક તરફ મને કળાઓમાં પુષ્કળ રસ હતો. વિદ્યાર્થીકાળમાં હું લખતો નહોતો ત્યારે પણ કવિતા તરફનો મારો એક ઝોક હતો. આણંદનું અમારું જાહેર ગ્રંથાલય છે એમાં એક કાકા બેસતા. એ કોઈને કશું અડવા ન દે, તોફાની છોકરાઓ પર એ બહુ ચાંપતી નજર રાખતા. પણ એ ચાંપતી નજરની વચ્ચે પણ હું ‘કુમાર’ મેગેઝિનનું કવિતાવાળું પહેલું પાનું ફાડી લેતો. અને ઘેર એ ફાડેલાં પાનાંની એક નાનકડી પુસ્તિકા જેવું પણ મેં કરેલું એ મને બરાબર યાદ છે. પછી, એ જમાનામાં ઉમાશંકરભાઈને જ્ઞાનપીઠ મળ્યું, તો મને બરાબર ખ્યાલ છે કે ‘નિશીથ’ લાવીને મેં એમાંના જે અઘરા શબ્દો હતા એ તારવ્યા, મારો વ્યક્તિગત સાર્થ જોડણીકોશ ઊભો કર્યો, જાણે એ શબ્દો વાપરવાથી જ કવિતા થવાની હોય! ટૂંકમાં, આ પ્રકારની ગડમથલો બહુ કરેલી. એ ઉપરાંત મને ચિત્રકળામાં પુષ્કળ રસ, તે જમાનામાં હું ચિત્રકળાનો સારો વિદ્યાર્થી, આજે પણ મને ચિત્રકળામાં એટલો જ રસ છે. અને એ જમાનામાં મને એક ઇચ્છા એવી પણ હતી કે પછી આગળ જઈને ભણવાનું થાય તો આપણે જે.જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જઈશું. પણ આ બધું શક્ય ન બન્યું. પણ હું પેલી મૂળ ઘટના સાથે આ ઘટનાને સાંકળું. મારા પેલા ગુજરાતીના શિક્ષક જ્હોનભાઈ મેકવાન મને પેલી બીજી કવિતા લખવા વિષે કહેવા આવેલા તે મારા ચિત્રકળાના વર્ગમાં આવેલા. મને લાગે છે કે તે દિવસે ચિત્રકળાની જે કોઈ દેવી હશે એણે મારું હસ્તાંતરણ-ટ્રાન્સફર કવિતાની દેવીને કર્યું હશે. એને કારણે હું ચિત્રકળામાંથી કવિતા તરફ આવ્યો. હવે કવિતામાં લયની જે સૂઝ હોય એની પાછળ ઘણાં બધાં પરિબળો હોય છે. આપણી આજુબાજુ કયા પ્રકારનું લયાત્મક વાતાવરણ છે એ બધી વસ્તુઓ એમાં આવે છે. તો એ જમાનામાં મારા મોટા ભાઈ વાંસળી વગાડતા, સારી વગાડતા. પછી એમને એમ ઇચ્છા થઇ કે હું હાર્મોનિયમ પણ લાવું તો એ લઈ આવ્યા, પણ કોઈક કારણસર એ હાર્મોનિયમ ન શીખી શક્યા. કોણ જાણે કેમ પણ હું એકલવ્યની જેમ કોઈ ગુરુ વિના હાર્મોનિયમ વગાડતાં જાતે શીખી ગયેલો. પછી ફળિયામાં ક્યાં ય પણ ભજન હોય કે એવું કંઈ હોય તો મારું હાર્મોનિયમ લઈ જાય, અને એમણે મને પણ લઈ જવો પડતો. એમાં ફાયદો શું થાય કે હું વગાડવામાં ગરબડ-ગોટાળા કરું તો પેલા લોકો જે રાગડા તાણતા હોય એમાં મારી ભૂલો કોઈ પારખી ન શકે. એટલે મારું ચિત્રકળા પ્રત્યેનું આકર્ષણ, સંગીત તરફનો એક સ્પષ્ટ ઝોક અને પછી એમાં ઉમેરાયેલી કવિતા – તો એ સમયમાં બધી જ કળાઓ સાથેનું આ પ્રકારનું જોડાણ. પછી એવું થાય કે ભણવાની તમારી અમુક ક્ષમતા છે તો તમે વિજ્ઞાનમાં જાવ. માનસિકતા પણ કદાચ વિજ્ઞાનની હશે, એની હું ના નથી પાડતો. એટલે એમાં પછી રસાયણશાસ્ત્ર આવ્યું, એ પત્યા પછી જ્યારે નોકરી કરવાની થઈ ત્યારે ‘ડાયરેક્ટ રિક્રુટેડ ઓફિસર’ થયો. એટલે આ નિયતિના ખેલ છે. એમાં મેં કોઈ સંકલ્પ કર્યો હોય અને મને મળ્યું હોય એવું નથી બન્યું. પણ જે કામ આપણે ભાગે આવે એ આપણે સરસ રીતે કરવાનું હોય છે એ રીતે મેં નોકરી પણ કરી હશે. એક બૅન્કર તરીકે જ્યારે તમારા ગ્રાહક સાથે અમુક રીતે વ્યસ્ત હો ત્યારે પણ ચિત્તમાં, પેલું મગજનું જે વ્હાઈટ મેટર છે એ સતત સ્પંદનશીલ રહેતું હોય છે અને ત્યારે પણ એક ખૂણામાં કોઈક કવિતાની પંક્તિઓ ચાલતી હોય છે એવો મારો અનુભવ છે.

પ્રશ્ન : હરીશભાઈ, પહેલાં ‘બનારસ ડાયરી’ની વાત કરીએ કારણ કે આ એવોર્ડનું એ નિમિત્ત છે. કોઈપણ ગદ્ય કે પદ્ય સ્થળલક્ષી હોય, પછી એમાંથી એ જ્યારે સ્થળાતીત બને અને કોઈક દર્શન રજૂ કરે ત્યારે એનું સાહિત્યિક અથવા કલાકીય મૂલ્ય થાય છે. અઢાર કાવ્યોના આ ગુચ્છમાં કબીર સ્વયં પણ હાજર છે. આ કાવ્યોની સ્ફૂરણાની ભૂમિકા કહેશો? અને સાથે બીજો પ્રશ્ન એ પણ પૂછી લઉં કે આ સંગ્રહ ગુજરાતી કવિતાને એક નવી દિશા ચીંધે છે એવું કહેવાયું છે. આ નવી દિશા કઈ?

ઉત્તર : આમ જોવા જાઓ તો કબીર સાથેનું મારું અનુસંધાન ૧૯૭૯ની સાલથી છે, એ પહેલાં પણ હશે. પણ ૧૯૭૯માં પહેલી વખત રાધાસ્વામી મત સાથે મારું અનુસંધાન થયું. અને હું મારા સંત સદ્દગુરુ, જે તે વખતે કરમસદમાં બિરાજમાન હતા, એમના સંસર્ગમાં મૂકાયો. તે જમાનામાં, મને બરાબર યાદ છે કે સવારે સત્સંગ થાય જે મારા ઘરથી સાતેક કિલોમીટર દૂર, એમાં સાયકલ પર હું કરમસદ સુધી જતો. સત્સંગ પૂરો થાય પછી મારા ગુરુની સન્મુખ હું કબીરવાણીનો પાઠ કરતો. આ બધું મારા ચિત્તની કવિતાદાનીમાં સંગ્રહાતું ગયું હશે. સંતમત કબીરથી આરંભાયો છે. ‘કહે કબીર હમ ધૂરઘરકે ભેદી, લાયે હુકુમ હજૂરી’. એટલે જે અર્થમાં આપણે પયગંબર શબ્દ વાપરીએ છીએ એ જ કબીર છે. તો એક બાજુ સંતમત છે અને પેલી બાજુ ફકીરોનો મધ્ય-પૂર્વનો મત છે. એમની વચ્ચે શું અનુસંધાન છે, એની પણ બે પંક્તિ કહું : ‘સંત ફકર બોલી જુગલ, પદ દોઉં એક અખંડ’. સંતો અને ફકીરોની જે ભાષા છે એ ભલે પૃથક હોય, પણ એ જે પદની વાત કરી રહ્યા છે, જે તત્ત્વની વાત કરી રહ્યા છે એ એક જ છે. એટલે આમ એક તરફ મધ્ય-પૂર્વના ફકીરો મૌલાના રુમી, શમ્સ તબરેઝ વગેરે સાથેનું મારું અનુસંધાન અને આ બાજુ કબીર સાથેનું મારું અનુસંધાન. અને પછી આપણે કબીરને તો ઘણા વાંચતા રહ્યા હોઈએ. કબીરનું તમે બે રીતે અર્થઘટન કરી શકો. ઘણા લોકો માટે કબીર, સમાજ સુધારણાની ભૂમિકા પરથી જે વાત કરતા હોય છે એ જ દૃષ્ટિમાં હોય છે. હવે ખરેખર જે માણસ સાચી વાત કરે એમાં સમાજ સુધારાની વાત તો આવવાની જ, એ એનો હેતુ હોય કે ન હોય. પણ કબીરને સમાજ સુધારક નથી બનવું, કબીરને તો એના જે હજૂર છે એના હુકમની જ વાત કરવાની છે. એ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે. અને ધ્યાન જાય છે તો પોતપોતાની રીતે એનું અર્થઘટન થાય છે. કારણ કે આપણે ત્યાં કહેવાયું એવું કે કવિતા એ સ્પીરિચ્યુલ અધર છે. એટલે કોઈ પણ કવિતા એ અર્થમાં સ્પીરિચ્યુલ થવાની છે. પણ આધ્યાત્મિક કવિતા જેને કહો છો …, અને હું તો એ અર્થમાં આધ્યાત્મિક શબ્દ પણ પસંદ નથી કરતો, અમારી પરંપરા મુજબ હું એને પરમાર્થી કહેવાનું પસંદ કરીશ. પરમાર્થની જે વાત છે એને જો તમારે એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવી હોય તો તમારે કબીરને એ ભૂમિકાએ તપાસવા પડે. આટલા બધા જે અધ્યાત્મ પુરુષો પાક્યા છે અને એ બધા લોકોએ જે જાતજાતના મતો ઊભા કર્યા છે એ શું કહે છે અને કબીર શું કહે છે અથવા એમાં ભેદ શું છે, આવી પૃથક્કરણની ક્રિયા કર્યા વિના જ આપણે કબીરને પણ આધ્યાત્મિકતાનું લેબલ આપીએ અથવા બીજા કોઈને પણ આપી દઈએ છીએ. પણ કબીરે જે ઝીણીઝીણી વાતો કરી છે એ જુદીજુદી રીતે મારા ચિત્તમાં સંગ્રહાતી ગઈ હશે. તો હું માનું છું કે એ દૃષ્ટિએ કબીર બનારસ ડાયરીમાં નથી આવતા. ભલે એમાં કબીર સ્પષ્ટ રીતે અને વ્યક્તિગત રીતે હાજર છે, પણ તમે જોશો તો ૧૯૯૯-૨૦૦૦ના મારા સંચયો ‘સુનો ભાઈ સાધો’માં પણ કબીર છે અને ત્યાર પછી ૨૦૦૪માં જે ‘પદપ્રાંજલિ’ થઈ એમાં પણ કબીર જ છે. એટલે હું એમ કહી શકું કે કોઈ એક તત્ત્વની કવિતા હું કરી રહ્યો છું. કોઈ બીજા તત્ત્વની કવિતા હું નથી કરી રહ્યો તો એ ખોટું નથી, એ સાચું જ છે. કારણ કે એક દર્શન તમારા ચિત્તમાં પ્રગટ થયું છે અને દર્શન પરિવર્તનશીલ નથી, હું જ્યારે દર્શન કહું તો દર્શન આજે આ હોય અને કાલે પેલું હોય એવું બનવાનું નથી. દર્શન તમારા આત્માની અંદર, તમારા હૃદયમાં સ્થિરપણે ઊંડે ઊતરી ગયું હોય  અને એ જુદીજુદી રીતે, જુદીજુદી ભાષામાં, જુદાજુદા કલ્પનોથી એ પ્રગટવાની કોશિશ કરે. તમે વિચાર કરો કે ‘સુનો ભાઈ સાધો’માં સંતમતની વાત જે રીતે ગઝલમાં પ્રગટ થઈ, એ જ વાત ‘પદપ્રાંજલિ’માં જુદી જુદી રીતે પદોમાં પ્રગટ થઈ અને અહીં એ ગદ્યકવિતા રૂપે પ્રગટ થાય છે. એ ગદ્યકવિતા રૂપે પ્રગટ થાય છે ત્યારે જરા એક વિશેષ આધુનિકતાના દાબ સાથે એક નવા પ્રકારની ભાષા, સંકુલ ભાષા લઈને એ આવે છે. એમાં હું તો હાજર છું જ, કબીર હાજર છે અને બનારસ એક શહેર તરીકે છે. હવે તમે વિચાર કરો કે બનારસનાં બે પાસાં છે – એક કવિતા એવી પણ છે કે જેમાં અમુક પંક્તિઓમાં બનારસ એક સ્થૂળ નગર તરીકે આવે, અને પછી તરત જ કબીરની વાત આવે, વળી પાછી બનારસની વાત આવે. એમ બે જુદાજુદા તાણા અને વાણા એમાં વણાતા જાય અને એ બે વચ્ચેનું ટેન્શન – જે અંતર્મુખ અને બહિર્મુખ પ્રકારનાં બનારસો છે, એનું – રચાતું જાય. અને એમ કરીને એ ટેન્શનમાંથી આપણી સમક્ષ એક અસલ વાત અથવા તત્ત્વ ઊભરી આવે. આવું કૈંક એ કવિતાઓમાં થાય છે. એ કવિતાઓ વિષે વિશેષ વાત તો આપણા વિવેચકો અને સુજ્ઞ ભાવકો કે આસ્વાદકો કરી શકે, હું તો આ અછડતી વાત કરું છું કે આવું કૈંક મારા ચિત્તમાં હતું અને મને પણ એ લખતી વખતે આનંદ આવેલો, કારણ કે જરા જુદી રીતે એમાં કામ થઈ રહ્યું હતું.

પ્રશ્ન : જ્યારે મેં પ્રશ્ન કર્યો કે આ કાવ્યસંગ્રહ ગુજરાતી કવિતાને એક નવી દિશા ચીંધે છે ત્યારે હું આ જુદી રીતની જ વાત કરી રહી હતી.

ઉત્તર : ખરું પૂછો તો દિશા ચીંધાઈ રહી છે કે કેમ એ વિષય વિવેચકોનો ગણાય. હું બોલું તો …. હું બોલું જ નહીં, પહેલી વસ્તુ તો એ છે. અને બોલું તો મને છાજે નહીં. પણ મને એવું લાગે છે કે તમે જ્યારે કોઈ પ્રતીતિ સુધી પહોંચો છો અને એ પ્રતીતિને તમારી ગુજરાતી ભાષાની ક્ષમતાને સામે પલ્લે મૂકીને પ્રગટ કરવાની કોશિષ કરો છો, તોલવાની કોશિષ કરો છો, ત્યારે એ કવિતામાં એક પ્રકારનું ઋત પ્રગટ થાય છે. તો દિશા વગેરેની વાત તો હું નથી કરતો, એ જવા દઉં, પણ મને એવું ચોક્કસ લાગે છે કે કોઈ એક કવિ, અત્યારે જે લખાય છે, જે લખાતું આવ્યું છે, એણે જે કંઈ વાંચ્યું છે, એ બધાથી ઊફરો જઈને પોતાની જે પ્રતીતિ છે એને, પોતાની અંદર જે ગુજરાતી ભાષા પડેલી છે એના દ્વારા, બિલકુલ તીવ્રતમ રૂપે બહાર લાવે ત્યારે એ પોતાના માટે પણ કોઈક નવી દિશા ચીંધી રહ્યો હોય એવું બને. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ કવિએ આટલું જ કરવાનું છે એની સૂક્ષ્મતમ અને ગહનતમ પ્રતીતિને એની પોતાની ભાષાનું જે કંઈ સામર્થ્ય હોય એના દ્વારા અભિવ્યક્ત કરવાની છે અને એ જ એની દિશા ગણાય.

પ્રશ્ન : હરીશભાઈ, હવે આપણે જઈએ પહેલા કાવ્યસંગ્રહ તરફ – ‘ધ્રિબાંગસુંદર ..’. એ શાનું પ્રતીક છે? એમાં સર્જક સ્વયં કવિ રીતે પ્રગટે છે. પહેલા જ કાવ્યસંગ્રહમાં ગુજરાતી ભાષાને એની કેટલીક ઉત્તમ પંક્તિઓ મળી છે. એમાં કવિનો – આપનો ચહેરો શોધવાનો સૂર પણ આવ્યો છે. આ પ્રતીકાત્મકતાની વાત પણ કરીએ?

ઉત્તર : હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે ધ્રિબાંગસુંદર એ એક અર્થમાં આત્મકથનાત્મક અને આત્મવિડંબનાત્મક એવું આખ્યાન છે. આખ્યાન પણ નથી, એ વિ-આખ્યાન છે, વ્યાખ્યાન નથી, પણ વિ-આખ્યાન છે, પ્રતિ-આખ્યાન જેવું છે. એમાં બને છે એવું કે એમાં હું મારી જાત ઉપર હસવાની કોશિશ તો કરું છું. હવે કે એ જોવાની ય જરૂર છે ક્યારે આ લખાયું છે. મોટેભાગે તો આપણે એવું માનતા આવ્યા છીએ, ટેક્સ્ટ વરશીપર વિવેચકોનો એક સમૂહ છે એ એવું માનતો આવ્યો છે કે કવિએ જે ટેક્સ્ટ આપી છે એની ભીતર જ તમારે રમવાનું છે અને એના દ્વારા જે કૈં સંકેતો પ્રગટતા હોય એને પકડવાની કોશિશ કરવાની છે. હવે આ કિસ્સામાં બને છે એવું કે હું તમને … એ ટેક્સ્ટની ભીતરની વાતો મારે તમને કહેવી પડે એમ છે …., મેં તમને કહ્યું એમ ૧૯૭૯માં મારું અનુસંધાન સત્સંગ સાથે થયું, અને પછી થોડા વખતમાં મને એવો ખ્યાલ આવ્યો કે આ કવિતા ભલે આમ અંતર્મુખ લાગતી હોય, પણ એક બહિર્મુખ પદાર્થ છે. એ અર્થમાં કે હું જ્યારે લખું છું ત્યારે મારા ચિત્તમાં જે કંઈ સ્પંદનો જાગતાં હશે અને ભાષા સાથે જે કંઈ ક્રીડા થતી હશે તે અવશ્ય અંતર્મુખ છે. અને મને એટલે કે કવિને લખતી વખતે જે રસ પડે છે તે એની અંતર્મુખ એકાગ્રતાને કારણે પડે છે. હવે તમે જુઓ કે હું જ્યારે કવિતા લખું છું એટલે કે એક કાગળ ઉપર પેન લઈને એ ઉતારું છું ત્યારે થાય છે એવું કે એ મેં સિદ્ધ કરેલી જે અંતર્મુખતા છે તે ભાષાના આલંબને, ભાષાની બહિર્મુખ ભૂંગળીથી બહાર આવે છે. એટલે જે અંતર્મુખતા મેં સિદ્ધ કરી છે એ ‘નલ એન્ડ વોઈડ’ થઈ જાય છે. એ બહિર્મુખ પદાર્થ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. હવે તમે વિચાર કરો કે ભાવકને પણ એ કવિતા આનંદ આપે છે. એનો મતલબ એવો થયો કે એ કવિતાના આલંબને એ પણ કંઈક અંશે અંતર્મુખ થાય છે, કંઈક અંશે એકાગ્ર થાય છે અને એને કારણે એને એ રસ અથવા આનંદ પ્રાપ્ત થાય છે. પણ હું જે પ્રકારની અંતર્મુખતાની શોધમાં સત્સંગ સુધી પહોંચેલો એની સરખામણીમાં કવિતા જે અંતર્મુખતાનું નિર્માણ કરે છે તે અત્યંત ક્ષીણ છે. આ મારી સ્પષ્ટ સમજ છે. એટલે સત્સંગમાં ૧૯૭૯માં જોડાયો પછી એક-બે વર્ષની અંદર જ આ વસ્તુની સમજ આવી ગઈ કે આ બહિર્મુખ પદાર્થ છે અને મારે એને વળગી રહેવાની જરૂર નથી, ત્યજાય તો વધારે સારું. ઉમાશંકર પણ કહે છે ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો છે.’ એટલે ૧૯૭૯માં હું મારા સંકલ્પબળથી, – કોઈ સહજ રીતે નહીં, પણ આવી એક સમજ ધારણ કરીને, પણ આવા એક સંકલ્પથી કવિતા લખવાનું બંધ કરું છું તે લગભગ પાંચેક વર્ષ સુધી. અને પછી ૧૯૮૪માં અચાનક કૈંક થાય છે, એક પ્રકારનો વિસ્ફોટ થતો હોય એવી રીતે હું લખવાનું શરૂ કરું છું. તો એ વખતે આ ‘ધ્રિબાંગસુંદર’ લખાયું. હવે ત્યાં સુધીમાં મારી પાસે સત્સંગની એક સ્પષ્ટ સમજ તો પુષ્ટ થઈ જ ગઈ છે, મનથી કેળવેલો, સંકલ્પથી ઊભો કરેલો એક પ્રકારનો વિતરાગ મારા ચિત્તમાં હશે. અને ‘ધ્રિબાંગસુંદર’માં જે પદાવલી છે એ અત્યંત શૃંગાર પ્રધાન છે. કંઈક અંશે એમાં સંભોગ શૃંગારનાં ચિત્રો પણ છે. મારે માટે એ ‘ટગ ઓફ વોર’ હતી. મારી અંદર મારી આ જે સ્પ્લીટ પર્સનાલિટી હતી, જે અડધી ધ્રિબાંગ છે અને અડધી સુંદર છે, ધ્રિબાંગ – એ અભિવ્યક્તિ, જે પોલું છે તે બોલે છે. તો કવિતામાં આ જે બોલવાની પ્રક્રિયા છે એ છે ધ્રિબાંગ અને અંદરનું બીજું જે સુંદર અંગ છે, એ બંને અંગ વચ્ચેનો આ એક સંઘર્ષ છે, – એ બધું આ કવિતામાં પ્રગટ થાય છે. એટલે હું મારું વિડંબન કરું છું, મારી મશ્કરી કરવાની કોશિશ કરું છું, અને સાથે સાથે ચારે બાજુ જે પરિવેશ છે સાહિત્યનો, એની પણ હું વાત કરું છું અને એનું પણ વિડંબન કરવાની હું કોશિશ કરું છું. તે વખતે આપણી આટલી સુંદર લાલિત્યપૂર્ણ ભાષા વિષે પણ મારા ચિત્તમાં એક કવિ લેખે અને એક પરમાર્થી તરીકે હતું કે મારી કવિતામાં ભાષાનું આ લાલિત્ય પણ પ્રગટ કરું. એટલે મેં એક-બે પ્રકરણ ગઝલનાં લખ્યાં છે, પછી મધ્યકાલીન કુંડળિયાનો પ્રકાર છે એનું પણ એકાદ પ્રકરણ છે. પછી ગીતો છે, પણ એને મેં ગીતો નથી કહ્યાં પણ ‘તિર્યગ્ ગીતિ’ એવું કહ્યું છે, અછાંદસ પણ છે, ગદ્યકાવ્ય પણ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મારે મારી ભાષાનું ઐશ્વર્ય પણ એ કાવ્યોમાં પ્રગટ કરવું હતું એટલે મેં આ પ્રકારનું પ્રકરણોનું આયોજન કર્યું. એ કેટલું સફળ-નિષ્ફળ ગયું એ જુદી વાત છે. પણ એક કવિ તરીકેની મારી અભિલાષા અને એક પરમાર્થી તરીકે એ ઘટનાને સ્વીકારવાનો ભાવ એ બે વચ્ચેનો સંઘર્ષ અહીં પ્રગટ થાય છે.

પ્રશ્ન : લેખનના તબક્કાઓની વાત કરીએ તો આપે રાધાસ્વામી મત સાથેના અનુસંધાનની વાત કરી, કબીરના સંસ્પર્શની વાત કરી, બે વખત લેખનથી અળગા થયા એની વાત કરી, ઇરોટીસિઝમના તબક્કાની વાત કરી. પછી આવે છે ‘સુનો ભાઈ સાધો’, જેને આપ લેખનના એક નવા તબક્કા તરીકે ગણાવો છો. ‘નાચિકેતસૂત્ર’ પર આપે દસ વર્ષ કામ કરેલું. આપની દૃષ્ટિએ આપના લેખનના મહત્ત્વના તબક્કાઓ કયા?

ઉત્તર : આમ તો જીવનનો કોઇ પણ તબક્કો મહત્ત્વનો જ ગણાય. કારણ કે એ તબક્કો ન આવ્યો હોય તો ત્યાર પછીના તબક્કામાં પ્રવેશ કરી શકાતો નથી. તમે વિચાર કરો કે નરસિંહ મહેતા સાથે પણ આપણે શૃંગારનું અનુસંધાન જોયું છે, કેટલાક પદોમાં તો સંભોગ શૃંગારનું. ત્યાર પછી શૃંગારશતક, નીતિશતક લખવાવાળા ભર્તૃહરિ. મને લાગે છે કે એને આપણે વય સાથે સાંકળવાનું છે. નરસિંહ કે ભર્તૃહરિએ એ કઈ વયે લખ્યું છે એ જાણવાનાં આપણી પાસે કોઈ સાધનો નથી. પણ મારે માટે તો મને ખબર છે કે તે વખતે તો ધગધગતી યુવાનીનો ગાળો હતો, ૩૨-૩૩ની આજુબાજુની મારી વય. તો એ વખતે ઇરોટીસિઝમ ન આવે તો બીજું શું આવે? – એ મારો પ્રશ્ન છે. એક વ્યક્તિ તરીકે હું યુવાનીના ગાળામાં હોઉં તો આ પ્રકારનાં કલ્પનો શક્ય બને અથવા બન્યાં હોય તો એ કોઈ નવાઈ નથી. પણ મુદ્દો એ છે કે ’૮૪થી જે કવિતા લખાવાનું શરૂ થયું, એ પછી ‘૮૮માં બંધ થઈ ગયું. હવે આ બીજી એક કાવ્યેતર અંગત ઘટના કે ‘૮૮માં જે મારા સંત સદગુરુ કરમસદમાં બિરાજમાન હતા એમણે શરીર છોડી દીધું, એને કારણે મને એક ચોક્કસ પ્રકારનો ધક્કો લાગ્યો હશે અને વળી પાછો હું લખતો બંધ થઈ ગયો, તે સાતેક વર્ષ સુધી. ૧૯૯૫માં પાછું કંઈક બને છે, – શું બને છે એ મને પણ નથી ખબર – અને ફરી પાછું હું લખવાનું શરૂ કરું છું. એ ગાળાની રચનાઓ છે તે ‘સુનો ભાઈ સાધો’ની ગઝલો. હવે તમે જોશો કે એ ગઝલોમાં પેલો ઉચ્છૃંખલ, કામનાઓથી પીડાતો, એ પ્રકારનાં કલ્પનો પ્રગટાવતો જે કવિ છે, એ પ્રશમની ભૂમિકા પર આવ્યો છે અને સત્સંગની જે વાત છે તે એ પ્રશમ ભાવે કરી શકે છે. અને શુદ્ધ સત્સંગના કથનનો જે તાર છે એ પણ એમાં સચવાયેલો રહે છે. તો એ એક બીજો તબક્કો છે, અને મારે કહેવું જોઈએ કે ત્યાર પછીથી એ જમાનામાં હું જે રીતે કવિતા સાથે જોડાયેલો રહેતો હતો એ કશું હવે બચ્યું નથી. હું કવિતા લખું છું અને અત્યંત સરળતાથી એનાથી નિર્મમ થઈ જાઉં છું. આજે પણ મારી કોઈ પણ કવિતાની પંક્તિઓ હું મોઢે બોલી ન શકું, મારે વાંચવાનું થાય તો મારે હાથમાં પુસ્તક જોઈએ. એટલે એ તબક્કા પછી થયું છે એવું કે હું કવિતા લખું છું અને પછી એનાથી વેગળો થઈ જાઉં છું. પણ કવિતાથી સોએ સો ટકા વેગળો હું નથી થયો. અને ત્યાર પછીની તમામ કવિતાઓમાં ભલે સીધેસીધી પરમાર્થની વાત નથી, પણ એમાં એ તત્ત્વ જરા જુદી રીતે રહેલું તો છે. એટલે ત્યાર પછી જે રચનાઓ થઈ છે એ ‘પદપ્રાંજલિ’ની રચનાઓ છે, ‘પંખીપદારથ’ની રચનાઓ છે, અથવા ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’-ની રચનાઓ છે. આપણે કવિ તરીકે સક્રિય હોઈએ એટલે જુદી જુદી રીતે કવિતા કરવાની કોશિશમાં હોઈએ. એટલે એના ભાગરૂપે એ બધું લખાતું હતું. અને તમે કહ્યું એમ ‘નાચિકેતસૂત્ર’ની તો ૯૮-૯૯માં આરંભની પંક્તિઓ ટપકાવેલી અને પછી વચ્ચે વચ્ચે થોડું થોડું લખતો ગયેલો. એમ કરતાં ખાસ્સાં નવ-દસ વર્ષ સુધી લખતો ગયો. પણ એ પાછો એક જુદો પડાવ છે. આમ જોઈએ તો એ પડાવ નથી, પણ આખા ય દસકા પર પ્રસરેલી એ રચના છે. જો કોઈ વધારે અભ્યાસ કરે તો ‘સુનો ભાઈ સાધો’માં પણ અગ્નિવર્ણ કલ્પનો પુષ્કળ માત્રામાં છે. ‘સુનો ભાઈ સાધો’માં છેલ્લે જે આગ્રાના સંદર્ભે કેટલીક રચનાઓ છે એમાં એક રચના છે જેમાં એક પરમાર્થીના અગ્નિસંસ્કારનું વર્ણન આવે છે. એમાં એક પંક્તિ છે ‘પોઢેલા જણની જાગૃતિ વધારે ગાઢ બને છે. કહે છે, એને ભાતભાતના અગ્નિનો પરિચય હતો.’ હવે આ ‘ભાતભાતના અગ્નિનો પરિચય’ એ ન્યુક્લિયસ છે. ‘નાચિકેતસૂત્ર’ નામના એ દીર્ઘકાવ્યનું આ ન્યુક્લિયસ છે. એમાં એ જ વાત આવે છે કે મનુષ્યને જીવનમાં જે ભાતભાતના અગ્નિનો પરિચય થાય છે તે કયા છે. નચિકેતાને યમનું વરદાન હતું કે તારી અંદર આ જે અગ્નિ છે, તું અતિ-પ્રશ્નો પૂછી રહ્યો છે, તો એ અગ્નિ નાચિકેતના નામે ઓળખાશે. તો પરમને પ્રાપ્ત કરવાની એ ઝંખના, એ અગ્નિ જે બળી રહ્યો છે એ નાચિકેતના નામે છે. તો શરૂઆતમાં તો ‘નાચિકેતસૂત્ર’નો કવિ કોઈ અગ્નિને વંદન કરવાની ના પાડે છે. પણ છેલ્લે આ બધી જ અગ્નિમય વીથિકાઓમાંથી પસાર થઈને એ અગ્નિને વંદન કરે છે. કારણ કે એને ત્યારે ખ્યાલ આવે છે કે જેને હું આ જીવનનો અગ્નિ કહું છું, એમાંથી હું જો પસાર ન થયો હોત તો જે પરમ ચેતનાનો અગ્નિ છે જેનો મને અત્યારે સાક્ષાત્કાર થઈ રહ્યો છે એ શક્ય ન બન્યું હોત. આવું કંઈક એ રચનામાં છે.

પ્રશ્ન : હવે ગઝલની વાત કરીએ તો, આજે ખૂબ ગઝલો લખાય છે. ગઝલમાં અધ્યાત્મ લઈ આવવું એ એક ચીલો પણ બની ગયો છે. આપની પંક્તિઓ છે ‘શબ્દ શું છે તેં કહ્યું, મેં કહ્યું તત્ત્વમસિ’. આપે એમ પણ કહ્યું છે કે આપ ગઝલકાર કે સોનેટકાર કે હાઈકુકાર તરીકે ઓળખાવાનું પસંદ ન કરો. આપે લગભગ બધા જ કાવ્યપ્રકારોમાં વિપુલ કામ કર્યું છે. કયો કાવ્યપ્રકાર પોતીકો લાગે છે?

ઉત્તર : હું વારંવાર એવું કહેતો આવ્યો છું કે કોઈ કાવ્યસ્વરૂપ નિમ્ન પ્રકારનું હોતું નથી. જે પનો ટૂંકો પડે છે તે કવિનો પોતાનો જ હોય છે. આપણને ખબર છે કે તમામ કાવ્યસ્વરૂપોમાં પ્રશિષ્ટ કહેવાય એવી રચનાઓ કવિઓ ભૂતકાળમાં આપી ગયા છે. એટલે હું કોઈક કાવ્યસ્વરૂપમાં ન લખું, દાખલા તરીકે હું સોનેટ નથી લખતો તો એ સોનેટનો વાંક નથી. પણ કોઈ કારણસર અત્યારે હું જે રીતે અભિવ્યક્ત થવા માગું છું એમાં કદાચ મને સોનેટ અનુકૂળ નથી પડતું, બસ આટલું જ. છતાં આપણે ત્યાં બન્યું એવું કે કોઈએ ગઝલો લખી તો કહેવાય કે ફલાણા ‘ગઝલના ઋષિ’ છે કે ફલાણા ‘અછાંદસના અહોહો’ છે. આ બધાં ફૂટકળ પ્રકારનાં વિવેચનો છે, પણ આવું ચારે તરફ થઈ રહ્યું છે અને લોકોને એ ગમે પણ છે. પણ મુદ્દો એ છે કે કોઈ પણ સ્વરૂપની અંદર જે સામર્થ્ય છે એ સામર્થ્યને પ્રગટાવવાની જ કોશિશ કરવાની હોય. આજે ગઝલો પુષ્કળ લખાય છે. એમ સમજો ને કે દરેક નવો કવિ ગઝલથી પ્રારંભ કરે છે અને પછી જીવનભર ગઝલ લખવાની જ કોશિશ કર્યા કરતો હોય એવું લાગ્યા કરે છે. હું એવું નથી કહેતો કે ન લખવી જોઈએ, લખવી જોઈએ. પણ મુદ્દો એ છે કે આજ સુધી ગઝલમાં જે જે પ્રકારનાં કામો થઈ ચૂક્યાં છે એનાથી એક ડગલું આગળ જઈને આપણે નવેસરથી કંઈક મૂકી આપવાના હોઈએ તો બરાબર છે. મોટા ભાગના ગઝલકારોને છંદ ઉપર હથોટી આવી ગઈ હોય, રદીફ-કાફિયા પર પણ એક જાતની હથોટી આવી ગઈ હોય, એટલે ગઝલ તો લખી શકાશે. પણ મોટા ભાગના ચારથી પાંચ શેર થાય પછી અટકી પણ જાય છે. એટલે મને લાગે છે કે આ બધું આપણે ક્યાંક ટેવવશ કરી રહ્યા છીએ. એકલ-દોકલ ગઝલ લખવાથી કવિને અભિવ્યક્તિનો કેટલો અવકાશ મળે? એ સંદર્ભે અમે ગઝલનું એક સંપાદન ‘નખશિખ’ કરેલું અને એમાં એ સમયની જે આધુનિકતાની વિભાવના હતી એને લક્ષમાં રાખીને રચનાઓનો સંચય કરેલો. એ સંચય પ્રેસમાં ગયો પછી રાજેન્દ્ર શુક્લની કેટલીક રચનાઓ આવી. તો મને ખ્યાલ આવે છે કે આ જે અવકાશનો પ્રશ્ન છે એ માટે રાજેન્દ્રભાઈએ શું કર્યું કે ‘જત જણાવાનું તને’, એનાથી શરૂ થતી રચનાઓ એક પછી એક આવતી જાય અને એકબીજા સાથે સંકળાતી જાય અને નવો અવકાશ ઊભી કરતી જાય. હું આ વસ્તુ સમજી શક્યો અને એને કારણે જ ‘ધ્રિબાંગસુંદર’માં બત્રીસ રચનાઓ આખ્યાનમયી બને એ પ્રકારનું કશુંક કરી શક્યો. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી દૃષ્ટિ આપણને ધન્ય કરવા પર નહીં પણ સ્વરૂપને ધન્ય કરવા પર હોવી જોઈએ. સ્વરૂપની સાથે આપણે જરા જુદી રીતે અનુસંધાન ઊભું કરવાની જરૂર છે.

પ્રશ્ન : આપનાં કાવ્યોના અનુવાદો અન્ય ભાષાઓમાં થયા છે અને આપે અનુવાદો કર્યા પણ છે. પરદેશી ભાષાઓનાં કાવ્યોને ગુજરાતીમાં ઉતારવાનું કામ ‘દેશાટન’માં આપે કર્યું. અનુવાદ વિષે આપનું દર્શન અને આપના અનુભવો જાણવાની ઇચ્છા છે.

ઉત્તર : અંગતપણે કહું તો અનુવાદ એ મારી અંદર રહેલી કવિચેતનાને પુષ્ટ કરવાનો એક ઉપક્રમ છે. મારે એ પણ જાણવું જોઈએ કે મારી ભાષામાં, મારી ભાષાની ભગિનીભાષાઓમાં અને પરદેશી ભાષાઓમાં કવિતાના નામે શું થઈ રહ્યું છે? એ જાણવાનો એકમાત્ર ઉપાય એ અનુવાદ છે. અનુવાદ વિષે ઘણું બધું કહેવાઈ ચૂક્યું છે કે એ ગાલીચાની અવળી બાજુ છે, વગેરે. પણ મારું કહેવાનું એ છે કે આ બધું હોવા છતાં જો અનુવાદ ન હોય તો આપણે રિલ્કે પાસે કે બોદલેર પાસે કે પાબ્લો નેરુદા પાસે કઈ રીતે પહોંચી શકીએ? ભલેને બધું ગળાઈ-ચળાઈને આપણા સુધી પહોંચ્યું હશે, ઘણી સૂક્ષ્મતાઓ એમાંથી નીકળી ગઈ હશે, – એ બિલકુલ ચોક્કસ છે; તેમ છતાં પણ આપણે એ કવિતા માટે એક પ્રકારની મુગ્ધતા અનુભવીએ છીએ. હું તો ચોક્કસપણે માનું છું કે કોઈ પણ કવિએ પોતાની અંદર જે કવિ પડેલો છે એના સ્વાસ્થ્યના સંવર્ધન માટે પણ અનુવાદો કરવા જોઈએ. કારણ કે એમાં થાય છે એવું કે તમે અત્યંત ઝીણવટથી પોતાને એ કવિતા સાથે સાંકળી રહ્યા છો. તમારી સિસૃક્ષાને તમે એ કવિની સિસૃક્ષા સાથે કોઈક રીતે બાંધવાની કોશિશ કરો છો. હવે આ એટલી ઝીણી પ્રક્રિયા છે કે અનુવાદ કરતી વખતે તમને તરત ખ્યાલ આવે છે કે આ માણસના ઝોળામાં કયાં નવાં ઓજારો પડેલાં છે? એ પણ શક્ય છે, એનાં એ ઓજારો તમે તફડાવી પણ લો અને તદ્દન જુદી રીતે તમારી ભાષામાં એ ઓજારોનો ઉપયોગ પણ કરો. અને એ રીતે તમારી કવિતાને તમારે એક નિરંતર વિલક્ષણતા આપતા રહેવાનું છે. સિતાંશુ યશશ્ચંદ્રએ કહ્યું છે કે દરેક રાત્રે જુદી રીતે પ્રેમ કરવો પડે એવી પ્રિયતમા છે કવિતા. તો આ જુદી રીતે પ્રેમ કરવાની જે પ્રક્રિયા છે એને માટે પણ એક જુદા પ્રકારનું કવિ-પૌરુષ તમારી પાસે હોવું જોઈએ. એ સિદ્ધ કરવા માટે પણ અનુવાદ કરવા જોઈએ. હું જ્યારે કોઈ બીજી ભાષાની કવિતા પસંદ કરું ત્યારે બે વાતની કાળજી રાખું છું. એક તો એ કે અન્ય ભાષાઓના પ્રશિષ્ટ કવિઓ આપણી ગુજરાતી ભાષામાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. તો જે અવાજો હજુ અપણા સુધી પહોંચ્યા નથી અને જે પહોંચવા જરૂરી છે એવા કોઈ કવિની કવિતા હું વાંચતો હોઉં અને એ અનુવાદેય હોય, મને સ્પર્શી ગઈ હોય તો હું એનો અનુવાદ હાથ પર ધરું. તો આવી રીતે મધ્ય-પૂર્વના કેટલા બધા કવિઓ ‘દેશાટન’માં છે. આપણી પાસે બહુ સારા સારા અનુવાદકો છે, અને પાછી ગુજરાતી ભાષા તો ઉદારચરિત ભાષા છે. હવે તમે એમ કહો કે એનાથી તમારા પર શી અસર પડે? તો હું ૨૦૦૨માં અમેરિકા ગયેલો, ત્યાંથી વિશ્વકવિતાનાં ઘણાં પુસ્તકો લાવેલો અને પછી મેં તરત સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, એટલે ‘દૈવી ફુરસદ’ ઊભી થઈ, રવીન્દ્રનાથ કહે છે એમ. એ વખતે મારી પાસે સાતમી સદીના ચીની પ્રશિષ્ટ કવિ વાંગ વેઈનું એક પુસ્તક હતું. એના અંગ્રેજી અનુવાદકોએ અનુવાદ બહુ સારા કરેલા. એના મેં ઘણા અનુવાદો કર્યા અને એ પૈકી ઘણા અનુવાદો ‘દેશાટન’માં છે. પછી એમાં થયું એવું કે હું પોતે એક ડિપ્રેશનની સ્થિતિમાં જતો હોઉં એવું મને લાગ્યું, કેમ કે વાંગ વેઈ એ કોઈ દરબારી અધિકારી હતા અને એમાંથી પછી નિવૃત્ત થઈને કોઈ પર્વતમાળામાં જઈને વસે છે અને વાનપ્રસ્થ જીવન ગાળે છે. તો એની એવી બધી પંક્તિઓ આવે કે હવે હું કશા કામનો નથી રહ્યો, વગેરે. એટલે એને જે પ્રકારનું ડિપ્રેશન છે એ જ અવસ્થા એ વખતે મારી પણ હતી. એટલે એ કવિની સિસૃક્ષા સાથે મારી સિસૃક્ષાનું અનુસંધાન એટલું તીવ્ર થયું હશે કે એ ભાવ અવસ્થા મારામાં પણ સંક્રમિત થઈ હશે. એટલે પછી એ અનુવાદો કરવાનું મારે છોડી દેવું પડ્યું.

પ્રશ્ન : આપે અન્ય કળાઓ પ્રત્યે આપની પ્રીતિની વાત શરૂઆતમાં જ કરી. આપે અન્ય કળાઓ વિષે લખ્યું પણ છે. સાહિત્યેતર કળાઓ સાથેનું આપનું અનુસંધાન પ્રબળ છે. એ અનુસંધાન વિષે વાત કરશો?

ઉત્તર : એ સહજ અનુસંધાન છે. કવિતા માટે જે તીવ્રતા હોય એ તીવ્રતા બીજી કળાઓ માટે નહીં જ હોય. પણ સહજ રીતે મને ચિત્રકળા પ્રત્યે પ્રેમ છે અને અમારા વિદ્યાનગરમાં વાતાવરણ પણ. અમારા મિત્ર અને ખ્યાત ચિત્રકાર કનુ પટેલને ત્યાં અવારનવાર બેસવાનું થાય. એ પુસ્તકોના રસિયા છે, ચિત્રકળાનું એમનું ગ્રંથાલય વિશાળ છે, એમની સાથે વાતચીત થાય. એને કારણે આપણે જરા જુદી રીતે કળાઓ સાથે જોડાયેલા રહીએ એવું લાગે. અહીં એક ફાઈન આર્ટસ કોલેજ છે, એની સાથે પણ સંકળાયેલા રહીએ અને એ રીતે કંઈક લખવાનું થાય. ચિત્રકળા વિષે જે  કંઈ લખ્યું છે એ એક ભાવક તરીકે ચિત્રકળા વિષે બોલી રહ્યા છીએ, એના તદ્વિદ તરીકે નહીં.

પ્રશ્ન : ‘પ્રતિપદા’નું આયોજન થોડાં વર્ષ પર થયું, જેને આજે પણ સાહિત્ય વિમર્શના એક અનોખા આયોજન તરીકે યાદ કરાય છે. એની સંકલ્પના અને આયોજન વિષે શું કહેશો?

ઉત્તર : એ કાર્યક્રમમાં સત્તર કવિઓએ ચાર દિવસ જુદીજુદી બેઠકોમાં કવિતા પાઠ કરેલો અને એ ચાર બેઠકોમાં ચાર જુદા જુદા વિવેચકોએ એ કવિતા વિષે વાત કરેલી. એટલે અનુ- આધુનિક કવિતા વિષે વાત જ નહોતી થતી અથવા તો આમ ગંભીરતાપૂર્વક આવો કોઈ ઉપક્રમ નહોતો રચાયો તો મને એમ થયું કે ચાલો, આ થાય તો સારું. એટલે અમારી આણંદની એન.એસ. પટેલ આર્ટસ કોલેજે, એના તરવરિયા અધ્યાપકોએ બધું ખભા પર લઈ લીધેલું અને બહુ સારી રીતે આયોજન કરેલું.

પ્રશ્ન : આપે આ વાર્તાલાપમાં અગાઉ બહિર્મુખતાથી અંતર્મુખતા તરફ જવાની વાત કરી. તો આપને માટે અનિવાર્ય શું? ભાષા – સાહિત્ય કે પછી અધ્યાત્મ અને મૌન?

ઉત્તર : અધ્યાત્મ નહીં, પરમાર્થ અને મૌન. તમે જુઓ કે મારા પ્રથમ કાવ્યસંગ્રહમાં છેલ્લી પંક્તિ આવે છે, જેમાં ધ્રિબાંગસુંદર એવું પૂછે છે કે હે મિત્ર, તું કવિતા ન લખે તો ન ચાલે? ‘કોયલ કેર હગાર કવિતા, કવિતા કેવળ છાણું, અમીં છાણના દેવ, દેવનું મોઢું સ્હેજ કટાણું’. અને તમે જુઓ કે ‘ધ્રિબાંગસુંદર’ની આરંભમાં પણ કબીર છે. પહેલા જ સંગ્રહના ઊઘડતા પાને કબીર છે અને કબીર શું કહે છે? ‘લાયા સાખી બનાયકર ઇત ઉત અચ્છર કાટ, કહે કબીર કબ લગ જીયે જૂઠી પત્તલ ચાટ’ આ તો કબીરના જ શબ્દો છે. એના પછીની જે સાખી છે એમાં છે, ‘ધ્રિબાંગસુંદરની જીભે ચાટ્યાનો ચળકાટ, કાચો દાણો અન્નનો આ તેનો કચવાટ’. આપણે ત્યાં હવે એવું માનવામાં આવ્યું કે કોઈ પણ એક વાક્ય આપણે બોલીએ તો એ પહેલાં બોલાઈ ચૂકેલું જ વાક્ય છે, એમાં મૌલિક કશું જ નથી. એટલે એ તો એંઠી પતરાળી ચાટવા જેવી જ વાત છે, અને એટલે ચૂપ જ રહેવું પડે.

પ્રશ્ન : આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે અત્યારની આ મહામારીની સ્થિતિ અંગે એક સર્જક તરીકે અને એક પરમાર્થી તરીકે શું કહેવાનું મન થાય?

ઉત્તર : આ એટલી વિકટ પરિસ્થિતિ છે, ગયા વર્ષે જ્યારે આ મહામારી ફેલાઈ ચૂકી હતી ત્યારે મેં એક દીર્ઘ કવિતા લખેલી ‘મુમૂર્ષુની વિલાપિકાઓ’. આ સમકાલીન અને જગતવ્યાપ્ત પીડા છે એની વાત એમાં હતી. પણ હવે આજે તો એ હદે દુર્દશા વધી ગઈ છે કે કંઈ સૂઝતું નથી કે શું કરવું ને શું નહીં, ચારે તરફ મનુષ્યની અંદરની શેતાનિયાતો એટલી હદે બહાર આવી રહી છે. ૨૦૧૮માં મેં બે ગઝલો લખેલી. એ કવિતામાં મેં છેલ્લે એવું કહેલું કે ‘મારું ચાલે તો, ન ચાલે તો ય, મક્તામાં કહું.’ એમાં એક એવી પંક્તિ હતી કે ‘ હું ભણું ભડલીવચન: શાતા વળો સંસારને ‘. કંઈ વિચારી નથી શકાતું. બધા મનુષ્યોની ચેતના અત્યારે એકાકાર થઈ ગઈ છે. એક અખંડ શોકસભા ચાલી રહી છે. તમે ફેઈસબુક ખોલો ને કોઈક પરિચિત વ્યક્તિ વિદાય લે છે. આપણે આટલાં બધાં સામૂહિક મૃત્યુ ક્યારે ય જોયાં નથી. એટલે એટલી હદે ચિત્ત ક્ષુબ્ધ રહે છે કે જાણે કશું વિચારી નથી શકાતું, કશું બોલી નથી શકાતું. અને તમે પરમાર્થની વાત કરી તો પરમાર્થ તો એમ કહે છે કે જે કંઈ થાય છે તે સમષ્ટિના ભલા માટે છે તો એ ગળે ઊતરે કે ન ઊતરે એ માનીને ચાલીએ છીએ. તમે જુઓ કે હું તમારા પ્રશ્નનો સરખો જવાબ પણ નથી આપી શકતો, એટલી હદે એક વ્યથા ઊભી થઈ છે ચારે તરફ. ક્યારે કોણ વિદાય લેશે એ નથી ખબર અને એનાથી વધારે પીડા છે તે આ કે આવા વખતે પણ માણસની જે શેતાનિયત છે તે વકરીને બહાર આવી રહી છે. આ દુર્દશામાં આપણે શું કરી શકીએ? કશું જ નહીં.

પ્રશ્ન : આટલી લાંબી સર્જનયાત્રા પર નજર નાખો ત્યારે કોઈ અફસોસ જણાય છે? કંઈ કરવાનું બાકી રહ્યું હોય એવું લાગે છે?

ઉત્તર : એક વસ્તુ હજુ બાકી રહે છે જ કે જે અંતર્મુખતાની આશાએ મેં આ બધું શરૂ કર્યું છે એ અંતર્મુખતા અને એ પરમાર્થ સુધી પહોંચવાનું તો હજુ બાકી જ છે. બીજા કોઈ વસવસા નથી, આમ તો સુખદ રીતે જીવન પસાર થયું છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ, બે પૌત્રીઓ. ચારે તરફ જોઉં તો એવું લાગે કે અત્યાર સુધીનું જીવન અતિશય સુખમય ગયું છે. વીસ વર્ષથી તો નોકરી નથી કરતો, અડતાળીસ વર્ષની ઉંમરે તો નોકરી છોડી દીધેલી. પણ ત્યાર પછી જીવન એટલી સરસ રીતે પસાર થયું છે કે કોઈ ફરિયાદને કારણ નથી. પણ એટલું જ કે જેને માટે મેં આ યાત્રા શરૂ કરેલી એ યાત્રાનો પડાવ હજુ આવ્યો નથી.

પ્રગટ : “નવનીત સમર્પણ”, જુલાઈ 2021; પૃ. 20-28  તેમ જ 120-128

e.mail : aradhanabhatt@yahoo.com.au

છબિ સૌજન્ય : "નવનીત – સમર્પણ"

Loading

...102030...1,7941,7951,7961,797...1,8001,8101,820...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved