Opinion Magazine
Number of visits: 10,225,761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમાલ ખાનની નજરે અયોધ્યા …

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2022

કમાલ ખાનનું 14 જાન્યુઆરીના રોજ અવસાન થયું. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી એન.ડી.ટી.વી. માટે રીપોર્ટિંગ કરતા રહ્યા. કમાલની રીપોર્ટિંગનો વિષય, ભાષા, બોલવાની શૈલી તેમાં આવતાં સાહિત્યિક સંદર્ભથી કમાલનું રીપોર્ટિંગ ભર્યુંભર્યું રહેતું. કેટલાક વિષયને કમાલ ખાને એ રીતે સ્પર્શ્યા કે તે પત્રકારત્વની મિસાલ બની રહેશે, તેમાં એક અયોધ્યા છે. કમાલ ખાને અયોધ્યાનું સમયાંતરે રીપોર્ટિંગ કર્યું. અયોધ્યાની છેલ્લાં વર્ષોમાં જે છબિ છે તેનાથી અલગ અયોધ્યા કમાલ તેમના રીપોર્ટિંગમાં બતાવી શક્યા છે. કમાલદૃષ્ટિથી અયોધ્યા જો આપણે સૌ જોઈ શકીએ તો અયોધ્યા વિવાદનો પણ અંત આવી જાય.

2018માં 8 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલો તેમનો રિપોર્ટ : ‘અયોધ્યા : મર્મ કોઈ નહીં જાના’. આ રિપોર્ટની શરૂઆત કમાલ ખાન ગોસ્વામી તુલસીદાસ લિખિત રામચરિતમાનસની એક ચૌપાઈ ટાંકીને કરે છે : ‘રામ રાજ બૈઠે ત્રૈલોકા, હરષિત ભએ ગએ સબ સોકા. બયરુ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ’ આનો ભાવાર્થ પછી કમાલ કહે છે : “રામ અયોધ્યા કે રાજા બને તો તીનોં લોક ખુશ હો ગયા. દુશ્મની દોસ્તી મેં બદલ ગએ. ભેદભાવ મીટ ગયે.” રાજકીય નેતાઓએ અયોધ્યાની ઓળખ દ્વંદ કરવાના સ્થળ તરીકેની બનાવી દીધી છે, પણ કમાલ ખાન કહે છે કે, “અયોધ્યા કા મતલબ હૈ જિસકે સાથ યુદ્ધ ન કિયા જા સકે, લેકિન અયોધ્યા હંમેશાં યુદ્ધ મેં નજર આતી હૈ. અયોધ્યા કા નામ આતે હી જહન મેં એક તસવીર ઉભરતી હૈ. ઉન્માદ મેં ગુંબદો પર સવાર કારસેવક, લહરાતે ભગવે ઝંડે ઔર સડકો પર જય શ્રી રામ કે યુદ્ધઘોષ કરતા હૂજુમ. લેકિન અયોધ્યા ઐસી નહીં. યે અયોધ્યા કી કિસ એક દિન કી તસવીર હો સકતી હૈ. લેકિન અયોધ્યા કે સારે દિન ઐસે નહીં હોતે હૈ. હાલાંકી, અયોધ્યા વૈસી ભી નહીં હૈ જૈસા રામચરિતમાનસ કે ઉત્તરકાન્ડ મેં તુલસીદાસજી બતાતે હૈ. લેકિન ત્રેતા કે રામ કા કુછ અસર કલિયુગ મેં ભી અયોધ્યા પર હોતા હી હોગા. ભલે હીં અયોધ્યા કા મજબહી નફરતોં કા બહોત પ્રચાર હો, લેકિન સચ બાત તો યે હૈ કી અયોધ્યા કી દિલ મેં તમામ મઝહબો કે લિએ બેઇંતહા જગહ હૈ.”

કમાલના શબ્દોમાં ઉતરેલી આ અયોધ્યા એમ કંઈ સહજતાથી આવતી નથી. તે માટે તેમના જ સહયોગી પત્રકાર રવિશકુમાર લખે છે : “હવે કોઈ બીજો કમાલ ખાન નહીં થાય. કારણ કે જે પ્રક્રિયામાંથી તે પસાર થઈને કમાલ ખાન બને છે તેના પુનરાવર્તનની નૈતિક શક્તિ દેશે ગુમાવી દીધી છે. આ માટીમાં હવે એટલાં કમજોર લોકો છે કે તેમની કરોડરજ્જુમાં એવો દમ નથી કે તેઓ પોતાની સંસ્થામાં કમાલ ખાન પેદા કરી શકે. નહીંતર કમાલ ખાનની ભાષા પર દરેક ચેનલ જે રીતે પ્રશંસા કરવામાં આવતી તો તે ચેનલમાં કોઈ કમાલ ખાન જરૂર હોત.” કમાલ ખાન અને રવિશકુમાર જે રીતે હિંદીમાં લખે છે તેનો અનુવાદ કરવાથી તેની તીવ્રતા મારી જાય છે એટલે ઘણી વખત આવા લેખમાં તેમની ભાષા જસની તસ ગુજરાતી લિપિમાં લખવાનું વધુ યોગ્ય લાગે છે.

રવિશે કહ્યું તેમ એક પ્રક્રિયામાંથી પસાર થઈને કમાલ બને છે, અને આ પ્રક્રિયા તેમના અયોધ્યાના રિપોર્ટીંગમાં જોઈ શકાય છે. આગળ તેમના અયોધ્યાના રિપોર્ટના વીડિયોમાં એક એવું અયોધ્યા કમાલ દર્શાવી રહ્યા છે જ્યાં જનજીવન સામાન્ય છે, બજાર ધમધમી રહ્યાં છે, માર્ગ પર વાહનવ્યવહાર અન્ય શહેરોની જેમ છે, મંદિરોની ચહલપહલ સામાન્ય છે. અયોધ્યા વિશે ય કશું ય અસામાન્ય દાખવવાનો કમાલ પ્રયાસ નથી કર્યો. આવું અયોધ્યા દાખવીને ફરી કમાલ તેમની અદામાં કેમેરા સામે આવે છે. કેમેરામાં તેમની ફ્રેમમાં પાછળ રામની મોટી મૂર્તિ છે. કમાલ તેમના પીસ ટુ કેમેરા[પીટુસી]માં કહે છે : “ગોસ્વામી તુલસીદાસ ને રામરાજ કા ઝિક્ર કરતે હુએ લિખા હૈ, સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. રામ કે રાજ મૈં હરકોઈ એક દૂસરે સે પ્રેમ કરતા થા. હર કોઈ અપને – અપને ધર્મ કા પાલન કરતા થા. અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા કે અંદર કલિયુગ મેં ભી ઉસકે બહોંત સે અંશ થે, જો યહા સુંદરભવન કે અંદર મંદિર કે મેનેજર થે ઔર મંદિર મૈં ભગવાન કે ભોજ, ઉનકે વસ્ત્ર ઔર આરતી કા પ્રબંધ કરતે થે.” તે પછી કમાલ ખાન મુન્નુમિંયા કેવી રીતે આ મંદિરના મેનેજર બન્યા તેની પૂરી કહાની બયાં કરે છે. મુન્નુમિયાં સ્ક્રીન પર નમાઝ પઢે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કમાલ કહે છે : “અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા સન 1949 મેં સુંદરભવન મંદિર કે મેનેજર બને. અપને મજહબ કો માનતે, પાંચ વક્ત નમાઝ પઢતે, લેકિન આઠ પહોર બુતોં [મૂર્તિપૂજકો] કી સોબત મેં રહતે. પેદા ઉસ મજહબ મેં હુએ જહાં બુતપરસ્તી મનાં થી, લેકિન ઉન્હેં રોજી બુતોં સે હી મિલતી. ઔર જાહિર હૈ કી યે રોઝી ભી તો ખુદાને હી દી થી. વો અપની ઇબાદતોં મેં ખુદા સે દુઆ માંગતે હૈ કી તું રોઝી દેનેવાલા હૈ તુ રોઝી કો કાયમ રખના.” મુન્નુમિંયાનું નામ સાબિર હુસૈન છે અને પછી તેઓ કેવી રીતે મંદિરના મેનેજરની જવાબદારી સંભાળે છે અને ભાગે આવતા કામ કેવી રીતે કરે છે તે પણ કહે છે કે, મંદિરમાં પૂજા થતી હોય અને પૂજારી સિવાય કોઈ ન હોય તો આરતી દરમિયાન મંદિરમાં ઘંટ વગાડવાનું કામ પણ તેઓ કરે છે. આ બાબતે કોઈ પણ કોમે તેમનો વિરોધ ન કર્યો. કેમેરામાં મુન્નુમિંયાનો ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં છે તે શૉટ ચાલે છે અને ફરી કમાલ તેમના અંદાજમાં કહે છે : “અયોધ્યા કા સૈયદબાડા મહોલ્લા. સોલવીંહ સદીમેં ઇરાન સે આયે મીર અબુ તાલીમ ને બસાયા થા. તાઉમ્ર ઇસ તંગ સી ગલી મેં રહે મુન્નુમિંયા. મુન્નુમિંયા કા ઘર છોટા થા, કદ છોટા ઔર આમદની ભી છોટી. લેકિન દિલ ઇતના બડા થા કી ઉસમેં અપને મઝહબ કે અલાવા દુસરો કે મઝહબ કે લિએ ભી બહુત જગા થી. ઇસિલિએ તમામ બડેં બડે લોગ ઉનકે આગે બૌને નજર આતે હૈ. બાબરી મસ્જિદ ગિરાયે જાને કે બાદ સાત સાલ તક મુન્નુમિંયા ઇસ મંદિર કે મેનેજર રહે. 1999 મેં મુન્નમિંયા કા ઇન્તકાલ હો ગયા. … મુન્નુમિંયા કા જનાજા ઊઠા તો ઉસમેં કઈ સાધુ ભી શરીક હુએ. 92 મેં દંગા હુઆ થા તબ સાધુઓ ને ઉન્હેં મંદિર મેં છુપા દિયા થા.”

કમાલ પાસે અયોધ્યાની આવી અનેક સ્ટોરી છે, જેમાં હિંદુ-મુસ્લિમોનો સમન્વય એ રીતે થતો દેખાય છે કે તેમને કોઈ અલગ કરવાનું કે જોવાનું વિચારી ન શકે. પણ આ સમન્વય તરફ જ્યારે રાજકીયદૃષ્ટિ પડે છે ત્યારે કમાલ ખાન જેવાંની દૃષ્ટિ મહદંશે લોકોની સામેથી ઓઝલ થઈ જાય છે અને ફરી અયોધ્યાનું એ ચિત્ર આવીને આપણી સામે ખડું થાય છે જેમાં માનવતા નજરે નથી ચઢતી, ચડસાચડસી છે, એકબીજા પ્રત્યે દ્વેષ છે, ઉશ્કેરાટ છે, વિરોધ છે. જો કે કમાલ ખાન આવાં માહોલને પોતાના કામથી થોડુંઘણું નિર્મૂલન કરી શક્યા હતા, તેથી જ તો જ્યારે તેમના અવસાન પર અંજલિ આપવાની આવી ત્યારે તેમાં કોઈ એવો ભેદ ન રહ્યો. બનારસમાં જ્યાં તેમણે રીપોર્ટિંગ કર્યું અને લોકોના મનમાં જગ્યા બનાવી ત્યાં તો ગંગા આરતીના સમયે તેમને દિપ પ્રગટાવીને અંજલિ આપવામાં આવી.

અને છેલ્લે ફરી અયોધ્યા વિશે કમાલ : “જિસ અયોધ્યા મેં સવાલો સાલ સે જમીન કે છોટે સે ટુકડે પે યે તય નહીં હો પા રહા હૈ કી વહાં કિસકે ખુદા કી ઇબાદત હો, ઉસકે બિલકુલ પડોસ મેં, હનુમાનગઢી જમીન કા હિસ્સા વહાં કે મહંતને અયોધ્યા કે મુસલમાન કો મસ્જિદ બનાને કે લિએ દે દિયા.” કમાલની આવી અદ્દભુત સ્ટોરીઝ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે, જેઓને કમાલદૃષ્ટિનું અયોધ્યા જોવું હોય તેઓ તે જરૂર જુએ.

e.mail : kirankapure@gmail.com

Loading

સ્નૉ વ્હાઈટ, સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા – કોણે લખી હતી આ વાર્તાઓ ?

સોનલ પરીખ|Opinion - Opinion|27 January 2022

બહુ ઓછા જાણે છે કે વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક-સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લિપિંગ બ્યૂટી જેવી વિશ્વભરનાં બાળકોની માનીતી વાર્તાઓ 1812માં પ્રગટ થયેલા આ સંગ્રહમાં હતી …

હું નાની હતી ત્યારે કોઈએ ત્યારે ‘વ્યૂ માસ્ટર’ આવતું એ આપેલું. સાદા કેમેરા જેવડું સાધન, વાર્તાઓની સ્લાઇડ નાખો ને ફેરવો એટલે દસબાર ચિત્રોમાં એક આખી વાર્તા દેખાય. એમાં સ્નૉ વ્હાઈટની વાર્તા હતી. એનાં ચિત્રો હજી હું ભૂલી નથી. માનવીની મૂળભૂત વૃત્તિઓ – પ્રેમ, ઈર્ષા, વેર, દોસ્તી – ની એવી મઝાની રજૂઆત કે બાળમન ઝાઝું હેરાન થયા વિના એ વૃત્તિઓને ઓળખતું થાય અને શું અપનાવવું, શું નહીં એ એના મનમાં બેસતું આવે. યુનિવર્સલ અપીલવાળી આવી અનેક વાર્તાઓ આપણા પંચતંત્રમાં અને બીજે પણ છે અને પેઢીઓથી વિશ્વસમસ્તનાં બાળકોને આકર્ષે છે.

અમેરિકાએ ‘સ્નૉ વ્હાઈટ’ને સાંસ્કૃતિક રીતે, ઐતિહાસિક રીતે અને સૌંદર્યશાસ્ત્રની રીતે મહત્ત્વની ગણી છે. જે પચીસ ફિલ્મો નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં સાચવી રાખવામાં આવી છે, તેમાંની એક વૉલ્ટ ડિઝનીની ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ છે. તેને ‘ધ ગ્રેટેસ્ટ અમેરિકન એનિમેટેડ ફિલ્મ ઑફ ઑલ ટાઈમ’ ગણવામાં આવે છે. આ નામની ઘણી ફિલ્મો આવી છે, થીમ પાર્ક બન્યો છે, વીડિયો ગેમ બની છે અને બ્રોડવે મ્યુઝિકલ પણ બન્યો છે. વૉલ્ટ ડિઝનીનો 5 ડિસેમ્બરે જન્મદિન છે, એ નિમિત્તે જઈએ એમણે ઊભી કરેલી એક અદ્દભુત સૃષ્ટિમાં.

વૉલ્ટ ડિઝનીનો જન્મ 1901માં શિકાગોમાં થયો. બાળપણથી પ્રાણીઓનાં ચિત્રો દોરવા ગમતાં. પહેલી નોકરી પણ ચિત્રકાર તરીકે જ મળી. 1928માં તેમણે મિકી માઉસનું પાત્ર સર્જ્યું અને સિન્ક્રોનાઈઝ્ડ સાઉન્ડ સાથે પહેલું કાર્ટૂન ‘સ્ટીમબોટ વિલિ’ બનાવ્યું. 1937માં તેણે પોતાની પહેલી પૂર્ણ લંબાઈની એનિમેટેડ ફિલ્મ બનાવી, ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ અને પછી સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા, પિનોકિઓ, ફેન્ટાશિયા, ડમ્બો, બામ્બી, વન્ડરલેન્ડની એલિસ જેવાં અનેક લોકપ્રિય પાત્રો-વાર્તાઓ-એનિમેશન ફિલ્મોનું સર્જન કર્યું. 1955માં કૅલિફૉર્નિયામાં ડિઝનીલૅન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ખોલ્યો. 1966માં ફેફસાંના કૅન્સરથી 65 વર્ષની વયે એમનું મૃત્યુ થયું. ફ્લૉરિડાનું ડિઝની વર્લ્ડ એ પછી પાંચ વર્ષે ખૂલ્યું. વૉલ્ટ ડિઝનીની કંપની વિશ્વના એન્ટરટેન્મેન્ટ સામ્રાજ્યમાં સ્થપાઈ ત્યારથી ટોચ પર છે. વૉલ્ટ ડિઝનીને 59 નૉમિનેશનમાંથી 29 ઑસ્કાર મળ્યા છે, જે એક વિક્રમ છે.

બહુ ઓછા જાણે છે કે સ્નૉ વ્હાઈટની વાર્તા એમને જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક-સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. તેઓ બ્રધર્સ ગ્રીમ (1786-1859) તરીકે જાણીતા છે. બન્ને જર્મન અધ્યાપક, ભાષાશાસ્ત્રી, સંસ્કૃતિ-સંશોધક, કોષ-રચનાકાર અને લેખક હતા અને બન્નેએ મળીને 19મી સદીનાં લોકગીતોનું સંશોધન-સંપાદન કર્યું હતું. તેઓ ઉત્તમ લોકકથાકથક હતા. જે પુસ્તકમાંથી વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા મળી તે 1812માં પ્રગટ થયું હતું અને તેમાં સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લીપિંગ બ્યૂટી જેવી વિશ્વભરનાં બાળકોની માનીતી વાર્તાઓ પણ હતી. 

એમનાં ઉત્પાદક વર્ષો હાનુઆ નામના જર્મન ગામમાં વીત્યાં. 19મી સદીમાં આવેલા રોમેન્ટિસિઝમના જુવાળના કારણે સાહિત્યરસિકોનો લોકકથા તરફનો રસ ફરી જાગૃત થયો હતો અને ગ્રીમ ભાઈઓ તેને રાષ્ટ્રપરંપરા અને સંસ્કૃતિવારસા તરીકે પ્રસ્તુત કરતા. એમણે જે રીતે લોકકથાઓનો વિદ્વદભોગ્ય સંગ્રહ તૈયાર કર્યો હતો તે લોકસાહિત્યના અભ્યાસનો પાયો ગણાય છે. તેઓ બહુ ખાતરીપૂર્વક માનતા કે રાષ્ટ્રની એકતા અને સ્વતંત્રતા માટે લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતા સાંસ્કૃતિક વારસાને બરાબર ઓળખવો જોઈએ. 1812થી 1857 સુધીમાં તેમનો લોકકથાસંગ્રહ અનેક વાર છપાતો ને સંવર્ધિત થતો રહ્યો. લોકકથાઓના સર્જન-સંપાદન સાથે આ ભાઈઓએ જર્મન અને સ્કૅન્ડેનેવિયન પુરાણકથાઓના સંગ્રહો કર્યા અને 1838માં જર્મન શબ્દકોશ રચવાનું શરૂ કર્યું, પણ એ કામ એમની જિંદગીમાં પૂરું થઈ શક્યું નહીં.

એમની લોકવાર્તાઓ દુનિયાની 100 ભાષામાં પ્રકાશિત થઈ છે. અનેક પર વારંવાર ફિલ્મો બની છે. વૉલ્ટ ડિઝનીએ જ્યારે પહેલી વાર પૂર્ણ લંબાઈની ફિચર એનિમેટેડ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બ્રધર્સ ગ્રીમની લખેલી સ્નૉ વ્હાઇટ અને સાત ઠિંગુજીની વાર્તા પર જ પસંદગી ઉતારી. 83 મિનિટની આ ફિલ્મનું સ્વરૂપ મ્યુઝિકલ ફેન્ટસી પ્રકારનું હતું. તેને દોરવા અને ફિલ્માંકન કરવા પાછળ નિષ્ણાતોની એક આખી ટીમનાં કલાસૂઝ અને પરિશ્રમ હતા.

પ્રોડ્યુસર મેળવવા ડિઝનીને સારો એવો સંઘર્ષ કરવો પડ્યો, પણ અંતે ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ની 1937ના ડિસેમ્બર મહિનામાં કૅલિફૉર્નિયાના થિયેટરમાં રજૂ થઈ. વિવેચકોએ વખાણી, પ્રેક્ષકોએ પ્રશંસી અને બૉક્સ ઑફિસમાં પણ ટંકશાળ પડી. પ્રથમ રજૂઆતમાં જ તેણે બજેટ કરતાં આઠગણી કમાણી કરી. જોતજોતામાં એ કમાણી 500 ગણી થઈ હતી.

1938ના ઑસ્કારમાં સ્નૉ વ્હાઈટને સંગીત માટે નૉમિનેટ કરવામાં આવી. બીજા વર્ષે વૉલ્ડ ડિઝનીને એને માટે ઑનરરી ઑસ્કાર મળ્યો. આ અનોખા પ્રકારનો ઑસ્કાર હતો, એક નોર્મલ સાઈઝની અને સાત મિનિએચર ઑસ્કાર-પ્રતિમાઓ એમાં સામેલ હતી. ડિઝની માટે સાત ઠિંગુજીઓનું ખૂબ મહત્ત્વ હતું. ઠિંગુજીઓના પાત્રોમાં એમને નિર્દોષતા, ઈમોશન અને કૉમિકની પુષ્કળ શક્યતાઓ દેખાઈ હતી. મૂળ વાર્તામાં એમનાં નામ ન હતાં અને એમનું હોવું સ્નૉ વ્હાઈટની મૂળ કહાણીના સંદર્ભે જ હતું. વૉલ્ટ ડિઝનીએ તેમને નામ આપ્યાં – મુખ્ય ઠિંગુજીનું નામ ડૉક, અને તેના સાથીઓ ગ્રમ્પી, હેપી, સ્લીપી, બાશફૂલ, સ્નીઝી અને ડોપી. આ ત્રણેના દેખાવ અલગ, ઉંમર અલગ અને વ્યક્તિત્વ પણ અલગ. બધાં રત્નોની ખાણમાં કામ કરતા, ક્યારેક ઝઘડતા પણ સંપીને રહેતા, આંગણે આવી ચડેલી સુંદર સ્નૉ વ્હાઈટને નિર્મળ ભાવે ચાહતા અને એને મારી નાખવા આવેલી ઈર્ષાળુ જાદુગરણી રાણીનો પીછો કરતાં બતાવાયાં છે. 

યાદ છે ને સ્નૉ વ્હાઈટની વાર્તા – અનાથ સુંદર રાજકુંવરી સ્નૉ વ્હાઈટ, એની ઈર્ષાળુ જાદુગરણી સાવકી મા, સાવકી માની સૌથી સુંદર રહેવાની ઘેલછા, જાદુઈ અરીસો ? સ્નૉ વ્હાઈટનું ગીત સાંભળી એક રાજકુમાર તેના પ્રેમમાં પડે છે ત્યારે ઈર્ષાળુ રાણી સ્નૉ વ્હાઈટને મારી નાખવાનું કાવતરું ગોઠવે છે. મારાઓ સ્નૉ વ્હાઈટની હત્યા કરવાને બદલે જંગલમાં છોડી દે છે, સ્નૉ વ્હાઈટ પ્રાણીઓ સાથે દોસ્તી કરતી સાત ઠિંગુજીઓને ઘેર જઈ ચડે છે અને બધા મિત્રો બની આનંદ કરે છે. સ્નૉ વ્હાઈટ જીવતી છે એવી ખબર પડતાં રાણી ઝેરી સફરજન બનાવે છે જે ખાઈને સ્નૉ વ્હાઈટ મરી જશે, માત્ર પહેલું પ્રણય-ચુંબન તેને જીવતી કરી શકશે. વેશ બદલી એ સ્નૉ વ્હાઇટ પાસે પહોંચે છે. પ્રાણીઓ એના પર હુમલો કરે છે, પણ સ્નૉ વ્હાઈટ તેને બચાવે છે. પ્રાણીઓ ઠિંગુજીઓને કહેવા દોડી જાય છે. ઠિંગુજીઓ ભાગતી રાણીનો પીછો કરે છે. રાણી વરસતા વરસાદમાં પર્વત પર ચડતી મોટા પથ્થર ગબડાવતી જાય છે. વીજળી ત્રાટકે છે ને રાણી મૃત્યુ પામે છે.

ઠિંગુજીઓ સફરજન ખાઈને મૃત્યુ પામેલી સ્નો વ્હાઈટને કાચની સુંદર પેટીમાં સુવાડે છે. એક દિવસ રાજકુમાર આવે છે, સ્નો વ્હાઈટને ચૂમી લે છે અને એ આળસ મરડીને બેઠી થાય છે … આ…હા…, કેવી સુંદર સ્નૉ વ્હાઈટ, કેવી સુંદર એની વાર્તા અને કેવો સુંદર અંત ! મઝાની વાત એ છે કે વેર, ખલનાયિકા, કાવતરા, મૃત્યુ આ બધું વાર્તામાં આવવા છતાં વાતાવરણ આનંદનું, સંગીતનું, દોસ્તીનું અને પ્રેમનું જ રહે છે. સ્નૉ વ્હાઈટ અહીં કિશોર બાલિકા છે. દુ:ખો વચ્ચે પણ સૌંદર્ય, તાજગી, સ્ફૂર્તિ, પ્રસન્નતા, સારપ અને સ્નેહથી તરવરતી. બાળકોને અપીલ કરવાની વૉલ્ટ ડિઝની શક્તિ અપરંપાર હતી.

સ્નૉ વ્હાઈટની 83 મિનિટમાંથી 70 મિનિટ ગીતસંગીતમય હતી. એકમાં સ્નૉ વ્હાઈટ પંખીઓને કહે છે, ‘મેં કૂવામાં ઈચ્છા નાખી છે. પડઘો પડ્યો છે એટલે સાચી પડશે.’ ને ગાય છે, ‘આઈ એમ વિશિંગ ફોર ધ વન આઈ લવ ટુ ફાઈન્ડ મી ટુડે …’ છેલ્લું ગીત કહે છે, ‘યુ આર નેવર ટૂ ઑલ્ડ ટુ બી યંગ એન્ડ ગે …’ સાચું જ છે – પ્રેમ, આનંદ અને ઉત્સાહની કોઈ ઉંમર નથી હોતી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ડિસેમ્બર 2021 

Loading

પૈસા ડબલ થાય તો સુખ પણ ડબલ થાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 January 2022

અમેરિકામાં ૧૦માંથી ૯ માણસો એવું માને છે કે તેમનો દેશ માનસિક સ્વાસ્થ્યના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. બોસ્ટન સ્થિત સફોલ્ક યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત યુ.એસ. ટુડે સમાચારપત્રએ મળીને કરેલા લેટેસ્ટ સર્વેમાં આ જાણવા મળ્યું છે. અનેક સામાજિક કે રાજકીય મુદ્દાઓ પર કર્કશ રીતે વિભાજીત દેશમાં, ૯૦ ટકા લોકો એકમત વ્યક્ત કરે કે અમેરિકનો ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી, સ્ટ્રેસ, એડિકશન અને અન્ય માનસિક બીમારીઓનો શિકાર છે, તો એનો અર્થ એ થયો કે દુનિયાના સૌથી સમૃદ્ધ અને વિકસિત દેશમાં કંઇક ગડબડ છે.

આ સર્વે મર્યાદિત લોકો વચ્ચે હતો, પણ તેનાં તારણો નવાં નથી. ગયા મહિને, અમેરિકાના સર્જન જનરલ વિવેક મૂર્તિએ, 'સંકટ' શબ્દનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોરોનાની મહામારી આવી તે પહેલાંથી, દેશનાં બાળકો, કિશોરો અને વયસ્ક યુવાનોમાં હતાશા, ઉદાસી અને આત્મઘાતી વિચારોનો ચિંતાજનક વધારો થયો છે. "છેલ્લા એક દાયકામાં તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને તેના માટે ઝડપી અને સહિયારા પ્રયાસની જરૂર છે," એમ તેમણે કહ્યું હતું.

વિશ્વ આરોગ્ય સંગઠનનો એક અભ્યાસ પણ કહે છે કે દાયકાઓથી સૌથી સમૃદ્ધ દેશ હોવાનું ગૌરવ ભોગવતો અમેરિકા સૌથી વધુ ડિપ્રેશનવાળો દેશ પણ છે. એમાં ભારત પહેલા નંબરે છે, ચીન બીજા નંબરે છે અને ત્રીજા નંબરે અમેરિકા છે. જો કે, એમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે સમૃદ્ધિના મામલે અમેરિકા બંને કરતાં આગળ છે. ભારત અને ચીનમાં તો આર્થિક સિવાયની બીજી સામાજિક-પારિવારિક સમસ્યાઓ ડિપ્રેશનમાં યોગદાન આપે છે, પણ અમેરિકા એક અલગ જ પ્રશ્ન ઊભો કરે છે : આર્થિક સમૃદ્ધિ માનસિક સ્વાસ્થ્યની ગેરંટી છે?

આ પ્રશ્ન આપણા માટે વધુ પ્રાસંગિક છે, કારણ કે આપણે આર્થિક વિકાસનું અમેરિકન મોડેલ અનુસરી રહ્યા છીએ. આપણે એવું માની લીધું છે કે દેશ ત્યારે જ સુખી થાય જ્યારે તેની પાસે આર્થિક તાકાત હોય. એ વાત સાચી કે દેશની પ્રગતિનો મજબૂત સંકેત તેનું જી.ડી.પી. છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે એક સીમાથી આગળ, વધુ સમૃદ્ધિ વધુ સુખ ન લાવે.

અમેરિકાની જ પ્રિન્સટન યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે લોકોના રોજીંદા સુખમાં ત્યાં સુધી જ વધારો થતો રહે છે, જ્યાં સુધી તેની આવક ૭૫ હજાર ડોલર સુધી પહોંચે, તે પછી તેની વૃદ્ધિ અટકી જાય છે. આ અભ્યાસ મુજબ, ૧ લાખ ડોલર કમાતી વ્યક્તિનું સુખ ૭૫ હજાર ડોલર કમાતી વ્યક્તિ કરતાં વધુ નથી હોતું.

પૈસો સુખ જરૂર લાવે છે, પણ એક સીમા સુધી જ. વધુ પૈસો વધુ સુખ ના આપે. તમે એક ચોક્કસ પ્રકારની લાઈફ સ્ટાઇલ જીવવા સક્ષમ થઈ જાવ અને તમારી બુનિયાદી જરૂરિયાતો સંતોષાતી હોય, તે પછી વધારાના પૈસા તે સુખમાં વધારો ના કરે. સુખનો અહેસાસ જરૂરિયાતો સંતોષવા પૂરતો જ હોય છે. એટલા માટે લખપતિમાંથી કરોડપતિ બનેલા માણસનું સુખ 50,000ની નોકરીમાં જીવતા માણસ કરતાં બેવડાઈ ના જાય.

તમે અમેરિકન પોપ સ્ટાર માઈકલ જેક્શનનું નામ સાંભળ્યું હશે. માઈકલ જેક્શન અમેરિકન સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક છે. ૨૦૦૯માં તેનું અવસાન થયું ત્યારે તેની નેટ વર્થ ૫૦ કરોડ અમેરિકન ડોલરની હતી. ૧૯૫૮માં, તે એક મજદૂર અશ્વેત પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ વિટિલિગો નામની ચામડીની બીમારીના કારણે તે શ્વેત થઇ ગયો હતો. એ ચામડીને તડકાથી બચાવવા માટે તે મેક-અપ અને સ્કીન-ક્રીમ લગાવતો હતો.

તેના માથામાં અને પીઠમાં ઈજા થઇ હોવાથી તે આજીવન પેઈનકિલર દવા પર રહેતો હતો. માઈકલને મૃત્યુનો ડર લાગતો હતો. તેને ૧૫૦ વર્ષ જીવવું હતું. તે પોતાને જે.એમ. બેરીના કાલ્પનિક પાત્ર પીટર પાન જેવો ગણતો હતો, જે ક્યારે ય મોટો થતો ન હતો. મોત અને રોગને હાથતાળી આપવા માટે તેણે શક્ય હોય તેટલી ગોઠવણ કરી રાખી હતી. તે કોઈને હાથ મિલાવતી વખતે પણ ગ્લોવ્સ પહેરતો હતો.

પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરનું રોજે રોજ ધ્યાન રાખવા માટે તેણે એકાદ ડઝન ડોકટરોની એક ફૌજ રાખી હતી. તેનો ખોરાક લેબોરેટરીમાં ટેસ્ટ થઈને તેના ટેબલ પર આવતો હતો.

શરીરને ચુસ્ત રાખવા માટે તેની આસપાસ ૧૫ ટ્રેઈનરો રહેતા હતા. તે રોજ રાતે ઓક્સિજન-બેડ પર સુઈ જતો હતો. બેડની ટેકનોલોજી આખી રાત તેના ઓક્સિજન સ્તરને સતત નિયંત્રિત કરતી હતી. તે નિયમિતપણે એવા લોકોને પૈસા દાનમાં આપતો હતો, જેઓ તેને કોઈ ઈમરજન્સી આવી પડે તો કીડની, ફેફસાં, આંખો વગેરે દાનમાં આપી શકે.

તેણે તેના નાક પર વે વખત સર્જરી કરાવી હતી. તેની આત્મકથા ‘મૂનવોક’માં જેક્શને લખ્યું છે કે તેણે ગાલમાં નકલી ખંજન પડાવ્યાં હતાં. એ સિવાય, કપાળ, ગાલનાં હાડકાં અને હોઠ પર પણ તેણે સર્જરી કરાવી હતી. મૃત્યુના સમયે, ડોકટરોએ તેની ચામડીને યુવાન રાખવા માટે બુટોક્સનાં ઈન્જેકશન આપેલાં હતાં.

જે માણસ સાથે ડોકટર ન હોય તો ઘરની બહાર પગ મુકતો ન હતો, તેનું હૃદય ૨૫મી જૂન ૨૦૦૯ના રોજ અટકી ગયું. તે વખતે તેની ઉમર માત્ર ૫૦ વર્ષની હતી. આજુબાજુમાં ડઝન ડોકટરો હતા, પણ તેના કાર્ડિયાક એરેસ્ટને રોકી ન શક્યા. ૨૫ લાખ લોકોએ માઈકલ જેક્શનની અંતિમ વિદાય ટી.વી. પર જોઈ હતી.

છેલ્લાં ૨૫ વર્ષમાં તેણે ડોકટરોને પૂછ્યા વગર કશું ખાધું ન હતું, પણ એના મોત પછી તેના લોહીમાંથી પ્રોપોફોલ અને બેન્ઝોડાયેઝેપાઈન નામની દવાનો હેવી ડોઝ મળી આવ્યો હતો. એ છેલ્લા ૬૦ દિવસથી ઊંઘ્યો ન હતો, અને તેના ડોકટર કોર્નાડ મૂરીએ તેને પ્રોપોફોલનાં ઇન્જેક્શન આપ્યાં હતાં, જે ચેતના અને સ્મૃતિને મંદ કરી નાખવાની દવા છે. બેન્ઝોડાયેઝેપાઈન એન્ટી-ડિપ્રેશન્ટ દવા હતી, જે ઊંઘ લાવી દે. એ ઉપરાંત, તેના શરીરમાં એન્ગ્ઝીઓલીટિક, મિડાઝોલમ, ડાઈઝેપામ, લિડોકેઈન અને ઇફીડ્રીન નામની દવાઓના અંશ પણ હતા. માઈકલ જેક્શન કદાચ પહેલો માણસ હતો જે બે મહિના સુધી સૂતો ન હતો.

તેની ઓટોપ્સી વખતે, તેનું શરીર હાડપીંજર બની ગયું હતું, માથામાં વાળ ઉતરી ગયા હતા, હાંસડીનાં હાડકાં તૂટેલાં હતાં અને આખા શરીરમાં ૨૦ જેટલાં ઈન્જેકશનનાં કાણા હતાં.

પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ કે એક દેશ, સમૃદ્ધિથી કેટલો સુખી થઇ શકે?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7961,7971,7981,799...1,8101,8201,830...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved