Opinion Magazine
Number of visits: 9962630
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાનરોનું ‘માનવીયકરણ’ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 January 2022

મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.

સમાચાર ભલે રમૂજી હોય, પરંતુ તેમાં ગંભીર મુદ્દો પણ સમાયેલો છે; વાનરોઓ ઉત્તરોત્તર શહેરી અને ગ્રામીણ માનવવસાહતોથી ટેવાઈ રહ્યા છે, અને માણસો જે રીતે કરે છે તે બધું જ શીખી રહ્યા છે. “વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે”, એવી ફરિયાદ છેલ્લા અમુક દાયકાઓથી ભારતનાં તમામ શહેરોમાં સંભાળવા મળે છે. તેજ શહેરીકરણના કારણે જેમ જેમ પ્રાકૃતિક જગ્યાઓ ટૂંકી થઇ રહી છે, તેમ તેમ વાનરો માનવજીવન સાથે પનારો પાડી રહ્યા છે.

ભીડભાડવાળા ઇલાકાઓમાં વાનરો ઇલેક્ટ્રિક વાયરો પર લટકતા હોય, મકાનોના ધાબે ઠેકડા મારતા હોય, બાલ્કનીઓમાં બેઠા હોય કે રસોડામાંથી ખાવાનું ઉઠાવી જતા હોય, વરંડામાં ફળ-ફૂલ તોડી જતા હોય તેવો અનુભવ આમ થતો જાય છે. ભારતનાં શહેરોમાં વાનરોના હુમલાના રોજ ૧,૦૦૦ કેસ નોંધાય છે. દિલ્હીમાં ૨૦૧૮માં આવા ૯૫૦ કેસ નોંધાયા હતા.

દિલ્હી હાઈકોર્ટે, ૨૦૦૭માં નગરપાલિકાને આદેશ કર્યો હતો કે વાનરોને દિલ્હી બહાર અસોલા ભટ્ટી વાઈલ્ડલાઈફ સેન્કચૂરીમાં મોકલી દેવામાં આવે. એક દાયકા પહેલાં દિલ્હી સરકારે વાનરોનું પ્રજનન રોકવા માટે ખસીકરણની યોજના બનાવી હતી. એ પછી પણ દિલ્હીમાંથી ‘વાનરોનો ત્રાસ’ ઓછો થયો નથી.

હિમાચલ પ્રદેશમાં, શિમલા જેવા પ્રવાસી સ્થળોએ આ સમસ્યા અતિ ગંભીર છે. ૨૦૧૯માં, શિમલાની સૌથી મોટી હોસ્પિટલમાં વાનરોના હુમલાના રોજ આઠથી દસ કેસ આવતા હતા. ૨૦૧૪-૧૫ના એક સરકારી સર્વે પ્રમાણે, વાનરોના ભેલાણના કારણે હિમાચલમાં ૨૦૦ કરોડ રૂપિયાનો પાક અને બાગકામ ખતમ કરી નાખ્યું હતું.

ડો. ડેનિયલ અલેન સોલોમન નામના અમેરિકન નૃવંસશાસ્ત્રી ૨૦૦૭માં વાનરોનો અભ્યાસ કરવા માટે શિમલા આવ્યા હતા, ત્યારે માણસો સાથે વાનરોના વ્યવહારને જોઈને અચંભિત થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે વાનરોમાં ખંડણી ઉઘરાવાની કે ચોરી કરવાની સહજ સમજ નથી, પરંતુ માણસો વચ્ચે રહીને તેમને ખાવાનું ન મળે ત્યાં સુધી હાથ પકડી રાખવાનું કે ઝાપટ મારીને લઇ લેવાનું આવડી ગયું છે.

યુનિવર્સિટી ઓફ મૈસુરમાં વાનરશાસ્ત્રી ડૉ. મેવા સિંહના એક રિસર્ચ પેપર અનુસાર ભારતમાં વાનરોની ૨૨ પ્રજાતિ છે. તેમાંથી મોટા ભાગની જંગલોમાં રહે છે, પરંતુ બોન્નેટ મકાક્યુ, રેસુસ મકાક્યુ, લોંગ-ટેઈલ્ડ મકાક્યુ અને હનુમાન લંગૂર પ્રજાતિ માણસોના કાયમી મહેમાન બની ગયા છે. આ પ્રજાતિઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની ‘ખતરામાં આવેલી પ્રજાતિ’ની યાદીમાં પણ સામેલ છે. આ જ પ્રજાતિએ માણસોનું જીવવાનું હરામ કરી દીધું છે. ભારતમાં આવા ૫ કરોડ વાનરો શહેરોના રહેવાસી છે.

ગયા જુલાઈ મહિનામાં, કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં, લોકોએ ૩૮ વાનરોને મારી નાખ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. વન વિભાગ અને સ્થાનિક પોલીસેને જયારે ખબર પડી કે ગામના ખેડૂતોએ વાનરોની હત્યા બદલ ક્ષમા માગવા માટે હનુમાનજીના મંદિરે વિધિ કરી છે, તે પછી ગામમાં રેડ કરીને સાત લોકોની ધરપકડ કરી હતી. આ ગામ જ્યાં આવેલું છે એ વેસ્ટર્ન ઘાટના ઇલાકામાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવના આવી અનેક ઘટનાઓ વધી રહી છે.

ભારતમાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવ વધવાનાં મુખ્ય ત્રણ કારણો છે; એક, લીલોતરી ઘટી રહી છે અને સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે અને બે, વાનરો ભગવાન હનુમાનનો સમાજ કહેવાય છે એટલે લોકોમાં તેમને ખાવાનું આપવાનો અને તેમને સાચવવાનો ભક્તિભાવ છે. ત્રીજું કારણ એ છે કે વસ્તીમાં વધારો થવાથી શહેરોમાં કૂડો-કચરો મોટા પ્રમાણમાં નીકળે છે, જે આ પશુઓ માટે ખોરાકનો સ્રોત બની ગયો છે.

જંગલમાં, વાનરોને ખોરાક માટે દિવસોના દિવસો સુધી મહેનત કરવી પડે છે, કારણ કે ત્યાં ખોરાક ઝાડ પર હોય છે. શહેરોમાં તેમને તે રેડી-મેઈડ મળે છે. કોઈ પણ સડકના ખૂણામાં કચરામાંથી ખાવાનું મળી જાય છે. અજીબ વાત એ છે કે આવા કચરા જેવું ખાઈને તેમના હોર્મોન્સમાં ગડબડ થઇ છે, પરિણામે તેમનામાં આક્રમકતા અને સ્ટ્રેસ વધ્યો છે. દિલ્હી કોર્ટે એટલા માટે જ વાનરોને ખવડાવા પર પ્રતિબંધ મુક્યો છે, પણ માણસોની આસ્થા આગળ આવા આદેશનું કંઈ ચાલતું નથી.

ભારતમાં (દક્ષિણ એશિયાના ઘણા પાડોશી દેશમાં) આ ત્રણ કારણોસર વાનરોની સમસ્યા સૌથી વધારે છે, પરંતુ વાનરો માણસો વચ્ચે આવી ગયા હોવાના ઘણાં ઉદાહરણો વિશ્વનાં અન્ય દેશમાં પણ છે. ૨૦૧૯માં, નેશનલ જિયોગ્રાફી સામયિકે એક ફોટો-સ્ટોરી પ્રગટ કરીને, કેવાં-કેવાં પ્રાણીઓ તેમની પ્રાકૃતિક વસાહત ગુમાવીને માનવ વસાહતોમાં રહેવા આવી ગયાં છે તેનો અહેવાલ પ્રગટ કર્યો હતો.

માણસો અને પ્રાણીઓનું સહઅસ્તિત્વ સદીઓ જૂનું છે, પરતું શહેરીકરણનો વ્યાપ વધવાથી તેનું સંતુલન ખોરવાઈ ગયું છે. વધુને વધુ પ્રાણીઓ માનવ વસાહતમાં રહેવા આવી ગયાં છે, પરિણામે માણસો સાથે તેમનો ટકરાવ પણ વધી રહ્યો છે. આપણે તેને “પ્રાણીઓનો ત્રાસ” અથવા “પ્રાણીઓની ઘુસણખોરી” છીએ, પરંતુ હકીકત એ છે કે માણસ હોવાની તાકાતના જોરે આપણે તેમનાં જંગલને પચાવી પાડ્યાં છે, અને તેઓ તેમનું અસ્તિત્વ બચાવવા માટે સટાસટીનો જંગ ખેલી રહ્યાં છે.

આનો કોઈ ઉપાય? દુનિયાના તમામ નિષ્ણાતો કહે છે આ એક હારી જવાયેલું યુદ્ધ છે. આમાં બંને પક્ષે ખુવારી જ ખુવારી છે. કદાચ માણસ તેની તાકાતના જોરે આવનારી સદીઓમાં તમામ વાઈલ્ડ લાઈફને તહસનહસ કરી નાખશે, પણ પછી એ જીવન જીવવા જેવું હશે ખરું?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 02 જાન્યુઆરી 2022

Loading

મુખર વિશ્વનાગરિક ડેસમન્ડ ટુટુની વિદાય

કિરણ કાપુરે|Opinion - Opinion|3 January 2022

દક્ષિણ આફ્રિકાના ડેસમન્ડ ટુટુનું 26 ડિસેમ્બરના રોજ અવસાન થયું. તેઓની જાણીતી ઓળખ ‘આર્ચબિશપ’ની હતી, જેનો અર્થ પ્રધાન પાદરી એવો થાય છે. ખ્રિસ્તી ધર્મમાં ઊંચા પદે બિરાજેલા હોવા ઉપરાંત તેઓ રંગભેદ નીતિ સામે આજીવન લડતા રહ્યા. માનવઅધિકાર એક્ટિવિસ્ટ તરીકેની તેમની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી હતી અને સાથે-સાથે તેઓ આફ્રિકાના અશ્વેતો પર ખાસ્સો પ્રભાવ પાડી શક્યા હતા. જીવનભર ડેસમન્ડ રંગભેદ સામે લડ્યા અને તેને દૂર કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી.

રંગભેદ લાગુ કરવામાં દક્ષિણ આફ્રિકા કેન્દ્રસમું રહ્યું છે. ઓગણીસમી સદીના આરંભમાં યુરોપિયનોના પ્રવેશ સાથે રંગભેદની નીતિ ત્યાં અમલી બની અને પછી આ દૂષણ દક્ષિણ આફ્રિકામાં સર્વવ્યાપી બન્યું. 1893માં ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે તેઓ પણ તેના શિકાર બન્યા. ગાંધીજી આવ્યાના પૂર્વે અને પછી પણ આ ભેદનીતિ દૂર કરવા માટે સતત લડત ચાલતી રહી છે, અને તેમાં લાંબા સમય સુધીની લડત ડેસમન્ડ ટુટુના આગેવાની હેઠળ થઈ છે.

ટુટુના નિધન પછી રંગભેદ સામે લડવાનો એક અધ્યાય પૂરો થઈ ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાની વાત આવે ત્યારે હંમેશાં સ્મૃતિમાં નેલ્સન મંડેલા આવે છે, પણ ટુટુ એટલાં જ અગત્યના આગેવાન છે. પ્રથા મુજબ આપણી સામે કોઈ દેશના નાયકની છબિ સામે મૂકાય; પછીથી તે સિવાય અન્ય કોઈનું નામ આવતાં વર્ષો લાગી જાય. ટુટુના કિસ્સામાં ય એવું થયું. નેલ્સન મંડેલા પછી તેમનું નામ ક્યારે ય આવ્યું નહીં અને એટલે ટુટુનું અવસાન થયું ત્યારે સ્થાનિક અખબારોમાં વૈશ્વિક છબિ મુજબ તેમને સ્થાન ન મળ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટુટુના નિધનની નોંધ સોશિયલ મીડિયા પર આ રીતે લીધી : “આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ વિશ્વભરમાં અનેકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ગૌરવપૂર્ણ અને સમાનતા માટેની તેમની લડત હંમેશાં યાદ રહેશે. હું તેમના નિધનનો શોક વ્યક્ત કરું છું.”

માનવઅધિકાર માટે ડેસમન્ડ ટુટુનું નામ વિશ્વભરમાં કેમ જાણીતું બન્યું તેનાં અનેક કારણો છે. તે સફરની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ક્લર્ક્સડોર્પ નામની જગ્યાએથી થઈ હતી, જે ડેસમન્ડનું જન્મસ્થળ છે. અહીંયા તેઓ 1931માં ગરીબ પરિવારમાં જન્મ્યા. સરેરાશ શિક્ષણ લઈને શિક્ષકની નોકરી સ્વીકારી અને ચોવીસ વર્ષે તેઓ એક્ટિવિસ્ટ નોમાલિઝો લેહને પરણ્યાં. શિક્ષકમાંથી ધર્મ તરફ વળ્યા અને 1960માં પ્રિસ્ટ બન્યા. 1962માં ફરી શિક્ષણ લેવાનું ઠરાવ્યું અને થિયોલોજીના અભ્યાસ માટે લંડનની કિંગ્સ કોલેજમાં એડમિશન મેળવ્યું. દક્ષિણ આફ્રિકાથી લંડન ગયા. લંડન ગયા ત્યારે પણ મૂળ ધ્યેય દક્ષિણ આફ્રિકામાં સેવાકીય પ્રવૃત્તિ કરવાનો હતો, તેથી ત્યાંથી પાછા ફર્યા અને દક્ષિણ આફ્રિકામાં વિવિધ યુનિવર્સિટી સાથે થિયોલોજિકલ શિક્ષણ આપવા માટે સંકળાયા. આ દરમિયાન આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો અને બિશપ બન્યા. ધર્મમાં પોતાનું ઊંચું સ્થાન બનાવ્યા બાદ જાહેરમાં પોતાના મત વિશે મુખર થતા ગયા અને જોરશોરથી તેમણે રંગભેદની નીતિનો વિરોધ કર્યો. 1980ના અરસામાં તો તેઓ દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોના હામી બનીને ઊભર્યાં. આ વિરોધ માટે અહિંસક રીત અપનાવી. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોની સામે શ્વેત વસતી નહીવત્ છે, તેમ છતાં તેમનું શાસન વીસમી સદીના અંત સુધી ચાલતું રહ્યું અને તેમાં હિંસક બનાવો ઓછા બન્યા તેમાં ડેસમન્ડ ટુટુ જેવાં આગેવાનોનું પણ યોગદાન છે.

દક્ષિણ આફ્રિકામાંથી 1994માં રંગભેદની નીતિ નાબૂદ થઈ અને તેની પહેલ કરનારાં તત્કાલીન રાષ્ટ્રપતિ એફ.ડબલ્યુ.ડી. ક્લર્ક હતા. તેઓ દક્ષિણ આફ્રિકાની શ્વેત સરકારના અંતિમ રાષ્ટ્રપતિ રહ્યા અને તેમના જ પ્રતાપે રંગભેદની નીતિને જાકારો મળ્યો. અને પછીથી થયેલા ચૂંટણીમાં ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ની જીત થઈ અને નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા. આ પરિવર્તન લાવવામાં ડેસમન્ડ ટુટુએ અશ્વેતો તરફથી મધ્યસ્થી કરી હતી. 1994માં જ્યારે નેલ્સન મંડેલાની આગેવાનીમાં સરકાર રચાઈ ત્યારે ડેસમન્ડ ટુટુ ‘ટ્રુથ એન્ડ રિકન્સાઈલેન્શન કમિશન’ના અધ્યક્ષ થયા. આ કમિશન હેઠળ રંગભેદ વિરુદ્ધના પ્રદર્શનોમાં જે હિંસા થઈ તેની તપાસ કરવામાં આવી હતી. આમ ધાર્મિક રીતે વ્યાપક અસર ધરાવનારાં ડેસમન્ડનું રાજકીય કદ પણ વધ્યું.

1994 પછી રંગભેદ નાબૂદ થયેલાં દક્ષિણ આફ્રિકાને તેમણે ‘રેઇનબો નેશન’ નામ આપ્યું. ટુટુ ‘રેઇનબો નેશન’ને એ રીતે વ્યાખ્યાયિત કરતા હતા કે ‘એક સમયે જ્યાં રંગભેદ લાગુ હતી ત્યાં હવે અનેક દેશ અને સંસ્કૃતિના લોકોની એકતા જળવાશે’. ડેસમન્ડની લોકશાહીની ધારણા વ્યાપક હતી, જેમાં પછીથી તેમને નેલ્સન મંડેલાની પણ મર્યાદા દેખાઈ. સૌ પ્રથમ તો તેમણે નેલ્સન મંડેલાના વસ્ત્ર ‘માડિબા શર્ટ્સ’ની ટીકા કરી. તેમનું કહેવું હતું કે આ શર્ટ્સ અયોગ્ય છે. જો કે મંડેલાએ તે વખતે તરત પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારા શર્ટ્સની ટીકા કરનાર પોતે જ ડ્રેસ (બિશપનો પહેરવેશ) ધારણ કરે છે. આ પછી પણ ડેસમન્ટ ટુટુની ટીકા અટકી નહીં. મંડેલાના આગેવાનીમાં જે રીતે શસ્ત્રનીતિ રહી તે પણ ટુટુને જચ્યું નહીં અને ચૂંટાયેલા પ્રતિનિધિને આપવામાં આવેલી રાશિથી પણ તેમને વાંધો હતો. આ બાબતે મંડેલાએ ટુટુને ‘લોકપ્રિય’ થવાની લાલસા ધરાવનારા કહ્યા અને સાથે એમ પણ કહ્યું કે આ સૂચનો તેમણે વ્યક્તિગત કરવાની જરૂર હતી. જો કે એકબીજાના ટીકાકાર છતાં બંને પોતપોતાના સ્થાને દેશની સેવામાં રહ્યા.

‘ટ્રુથ એન્ડ રિકન્સાઈલેન્શન કમિશન’માં ટુટુની ભૂમિકા નેલ્સન મંડેલાના પક્ષ માટે અકળાવનારી રહી. ટુટુએ એમ સુદ્ધા કહ્યું હતું કે, નેલ્સન મંડેલા જે પક્ષની આગેવાની કરે છે તે સત્તાનો દૂરોપયોગ કરે છે અને એમ પણ કહ્યું હતું કે, ‘ગઈકાલનું શોષણ આજનું બનતાં વાર લાગતી નથી.’ શોષણનો આ સંદર્ભ અશ્વેતોનું શાસન આવ્યા બાદ શ્વેત રાખવામાં આવેલી નીતિ હતી. 1998માં આ કમિશનનો અહેવાલ એક જાહેર કાર્યક્રમમાં ટુટુએ મંડેલાને સોંપ્યો હતો. ટુટુ કમિશને જે કાર્ય કર્યું હતું તેનાથી બેહદ ખુશ હતા, તેમને વિશ્વાસ હતો કે લાંબા ગાળે દક્ષિણ આફ્રિકામાં તેની સારી અસર થશે. આ રીતે એક હદ સુધી દક્ષિણ આફ્રિકામાં રંગેભદ દૂર કરી શકાયો અને પછીથી ટુટુએ અન્ય મુદ્દા તરફ પોતાનું કાર્ય આગળ ધપાવ્યું. રંગભેદ પછી તેઓ ગે કમ્યુનિટીના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. તેમણે એવું નિવેદન સુધ્ધા આપ્યું કે હોમોસેક્સુઅલ પ્રત્યેનો ભેદભાવ તે અશ્વેત ભેદભાવ સરીખો જ છે. અને 1998માં ખ્રિસ્તી ધર્મની એક શાખા એગ્લિકેનના કોન્ફરન્સમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ‘સજાતિય જાતિય સંબંધોનો તેઓ વિરોધ કરે છે’ ત્યારે ટુટુએ નિવેદન આપ્યું કે, “હું એગ્લિકેન તરીકે શરમ અનુભવું છું.” આ સંબંધિત ટુટુના કેટલાંક નિવેદનોએ ખાસ્સો વિવાદ જગાવ્યો. જેમ તેમણે 2007માં ચર્ચ સંબંધિત એમ કહ્યું કે, “તેમના કહેવા મુજબ જો ઈશ્વર સજાતિય પ્રત્યે ભય રાખતા હોય તો હું ઈશ્વરને ન પૂજું.”

સમાનતા માટે તેઓની ઉદારતાએ ખ્રિસ્તી ધર્મ પર અનેક પ્રશ્નો ખડા કર્યા. જેમ કે દક્ષિણ આફ્રિકામાં પાદરી તરીકે મહિલાઓની વરણી થતી નહોતી. ટુટુએ મહિલા પાદરી બને તે માટે પ્રયાસ આદર્યા. 2005માં પોપ બેનેડિક્ટ સોળમાની ચૂંટણી થઈ હતી. તત્કાલિન પોપના જાતિ અને જાતિયતના રૂઢિચુસ્ત વિચારો અંગે ટુટુએ નિવેદન આપ્યું હતું કે તે કમનસીબી છે કે રોમન કેથલિક ચર્ચ એઇડ્સ સામે લડાઈ માટે કોન્ડોમના ઉપયોગનો વિરોધ કરવાનું કે મહિલા પાદરી પ્રત્યેના વિરોધનું વલણ બદલતું નથી.

ધર્મની જેમ રાજકારણમાં પણ ટુટુનું વલણ મુખર રહ્યું. ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દામાં તેઓ શાંતિદૂતની ભૂમિકામાં રહ્યા, પણ 2002માં જ્યારે અમેરિકાના મધ્યસ્થીથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી થઈ ત્યારે ટુટુએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પેલેસ્ટાઇન પ્રત્યેની ઇઝરાયલની નીતિને લઈને તેમણે ઇઝરાયલ પર પ્રતિબંધની માંગણી પણ કરી હતી. ઇરાક યુદ્ધ છેડાયું ત્યારે તેમણે અમેરિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. અમેરિકાના દાવા મુજબ આંતકવાદી પ્રવૃત્તિને ડામવા ગ્વાન્ટાનામોમાં નિર્માણ કરેલાં ડિટેન્શન કેમ્પનો પણ તેમનો વિરોધ કર્યો હતો. તેમની વાત એક જ હતી કે ટ્રાયલ વિના ડિટેન્શન ગેરકાયદેસર છે. આંતરરાષ્ટ્રિય સ્તરે જ્યાં પણ અન્યાય દેખાયો ત્યાં તેઓએ વિરોધ જતાવ્યો. તિબેટની આઝાદી તરફેણમાં તેઓ રહ્યાં છે, એઇડ્સની જાગ્રતિ માટે તેમનું કાર્ય વ્યાપક બનતું ગયું. 2008માં ઝિમ્બામ્બ્વેમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિસેના મોકલી આપવા માટે પણ તેમણે પ્રયાસ કર્યા હતા.

નિવૃત્તિ પછી પણ તેમના ધ્યાનમાં અન્યાય આવ્યો ત્યારે તેઓએ પોતાનો મત વ્યક્ત કર્યો. પોતાના જીવનકાર્ય માટે તેમને નોબલ સહિત અનેક સન્માન મળ્યાં છે. આખરે નેવું વર્ષે તેમનું કેન્સરના કારણે અવસાન થયું.

e.mail : kirankapure@gmail.com

Loading

ભગવદ્‌ગોમંડળના પુનર્મુદ્રણમાં હિંદુ શબ્દના મૂળ અર્થ બદલાઈ ગયા છે !

ધીમંત પુરોહિત|Opinion - Literature|3 January 2022

લગભગ અઘોષિત હિંદુ રાષ્ટ્ર બની ગયેલા નરેન્દ્ર મોદીના હિન્દુસ્તાનમાં હિન્દુને કોઈ ગુલામ, લૂંટારુ, ચોર કે ડાકુ કહે તો એની શી વલે થાય? થોભો, આ હું નથી કહેતો. ગુજરાત અને ગુજરાતીમાં સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનકોશ કમ શબ્દકોશ ‘ભગવદ્‌ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દનો આ અર્થ આપેલો છે. ‘ભગવદ્‌ગોમંડળ’, પુનર્મુદ્રણ ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ભાગ – ૯, પાનાનંબર : ૯૨૧૬.

‘ભગવદ્‌ગોમંડળ’ મૂળે તો ગોંડલના વિદ્વાન અને પ્રજાવત્સલ રાજા ભગવદ્‌સિંહનું ભવ્ય સર્જન. એ સાંજે ફરવા નીકળતા, ત્યારે પણ ખિસ્સામાં છુટ્ટા પૈસા રાખતા અને રસ્તામાં સામે મળતા લોકોને નવા નવા શબ્દો પૂછતા અને નવો શબ્દ આપે એને એ જમાનાના રણકતા સિક્કા આપતા. એમના સેવક ચંદુભાઈ પટેલે જૂનાનવા બધા શબ્દોનું સંપાદન કરીને ૧૯૪૪થી ૧૯૫૫ દરમિયાન ગુજરાતી ભાષાની યશકલગી સમાન ‘ભગવદ્‌ગોમંડળ’ના નવ ભાગ પ્રકાશિત કર્યા. 

ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ માત્ર જોડણી પૂરતો શબ્દકોશ હતો, જ્યારે ‘ભગવદ્‌ગોમંડળ’ તો ગુજરાતી ભાષામાં આ પ્રકારનો સર્વપ્રથમ જ્ઞાનકોશ હતો. મહારાજ ભગવદ્‌સિંહ, ચંદુભાઈ પટેલ અને એમની કોશ કચેરીની ૨૬ વર્ષની મહેનતના પરિણામે પ્રગટ થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દોના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે. સામાન્ય રીતે હળવાશથી કહેવાય છે કે ગુજરાતીમાં દરેક શબ્દના બે અર્થ હોય છે, જ્યારે અહીં તો દરેક શબ્દના સરેરાશ ચાર-ચાર અર્થ છે.

આમ છતાં, એક હિંદુ રાજવીએ ‘હિંદુ’ શબ્દનો સાવ આવો અર્થ કેમ આપ્યો હશે? તમને સવાલ થવો જોઈએ. મને તો થયો. મેં અભ્યાસ કર્યો તો ખબર પડી કે ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતના જૂના ગ્રંથોમાં ‘હિંદુ’ શબ્દ જ નથી તો અર્થનો તો સવાલ જ નથી. આપણા અભ્યાસુ કટારલેખક નગીનદાસ સંઘવી કહી ગયા છે કે સંસ્કૃતમાં ક્યાં ય ‘હિંદુ’ શબ્દ જ નથી. સ્વામી ધર્મબંધુએ વધુ વિગતવાર અભ્યાસ કરીને શોધ્યું કે વેદ, ઉપનિષદ, પુરાણ કે પ્રાચીન ધર્મગ્રંથોમાં, રામાયણ, મહાભારત કે સંસ્કૃત સાહિત્યમાં પણ ક્યાં ય ‘હિંદુ’ શબ્દ મળતો જ નથી, આર્ય શબ્દ છે. હિંદુ નહિ.

સ્વામી ધર્મબંધુના અભ્યાસ મુજબ, સૌ પ્રથમ આપણને હિંદુ તરીકે સંબોધ્યા આરબોએ, બાદમાં મુસલમાનોએ અને બ્રિટિશરોએ. એટલે, હિંદુ બીજા લોકોએ આપણને આપેલી ઓળખ છે, આપણે પોતે આપણને આપેલી કે ઊભી કરેલી નહિ. એમાં પણ હિંદુ પ્રજાની વાત હતી, હિંદુ ધર્મની નહિ. પછી સાદી સમજ એ બની કે હિંદુઓ જે ધરમ રીતરિવાજ પાળે, તે હિંદુ ધર્મ.

જો કે, ‘હિંદુ’ શબ્દનો અનર્થ કરવામાં ભગવદ્‌સિંહ, ચંદુભાઈ પટેલ કે એમની કોશકચેરીનો કોઈ વાંક નથી. એ વખતે એમણે કોઈ ફારસી શબ્દ કોષમાંથી ‘હિંદુ’ શબ્દનો અર્થ લીધો હશે, જે મુસ્લિમ દૃષ્ટિકોણથી ‘ગુલામ, લુટારુ કે ચોર અને ડાકુ’ એવો આપેલો છે. ‘ભગવદ્‌ગોમંડળ’નાં વખાણ તો બધાં બહુ થયાં, પણ એનો વ્યવસ્થિત અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો. એટલે જ આટલા મોટા અનર્થ તરફ કોઈનું ધ્યાન ના ગયું.

પ્રવીણ પ્રકાશને ૧૯૮૬માં જે ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું, તે મૂળ ગ્રંથોનાં પાનાંના ફોટા પાડીને મૂળ રૂપે જ છાપ્યા, કારણ કે એને ફરી કમ્પોઝ કરી છાપવા લગભગ અશક્ય હતા. આ પુનર્મુદ્રણના અકલ્પ્ય વખાણ થયાં પણ એનો અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો અને ગુજરાતમાં ભાગ્યે જ બને એવી ઘટનામાં આ ગ્રંથો વેચાઈ પણ ગયા.

૨૦૦૭માં એની બીજી આવૃત્તિ છાપવાની થઈ ત્યારે નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર મધ્યાહ્ને હતી. મોદી ગુજરાતી વિશ્વકોષના વિમોચન-કાર્યક્રમોમાં આયોજકોને જાહેરમાં ખખડાવતા કે તમારા ગ્રંથો અકબરથી શરૂ થાય છે અને ઔરંગઝેબ પર પૂરા થાય છે! આવા વાતાવરણમાં ‘ભગવદ્‌ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દના અનર્થ તરફ કોઈ હિંદુવાદી વિદ્વાને ધ્યાન દોર્યું. જો કે ગ્રંથો ફરી કમ્પોઝ કરવા શક્ય જ નહોતું, એને પહેલી આવૃત્તિની જેમ એની સ્કૅનકૉપી રૂપે જ છાપવાના હતા. તેમ છતાં, જુગાડ તરીકે ‘હિંદુ’ શબ્દ અને તેના અર્થવાળો ભાગ કટ કરી, ત્યાં ‘હિંદુ’ શબ્દ અને એનો નવો અર્થ પેસ્ટ કરી દીધો. જાણકાર ના હોય એ પણ જરા ધ્યાનથી જુએ તો આસાનીથી પારખી શકે કે પેસ્ટ કરેલા ‘હિંદુ’ના ફૉન્ટ અલગ છે. આટલો મોટો ફેરફાર કોઈને જાણ કર્યા વગર તદ્દન છાનામાના કરાયો. ૧૩ વરસ સુધી એના પર પણ કોઈનું ધ્યાન ના ગયું.

‘ભગવદ્‌ગોમંડળ’ની ૨૦૦૭ની બીજી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દનો અર્થ છે, “૧. જે ભારતને પોતાની પવિત્ર ભૂમિ માને છે, તે લોકો હિંદુ છે. ૨. જે હિંસાને દૂર કરે, તે પ્રજા હિંદુ છે. ૩. હિંદુધર્મનો અનુયાયી. ૪. દુષ્ટોને હણે તે લોકો હિંદુ છે.” સામાન્ય ગુજરાતી પણ કહી શકે કે આ અર્થ ખરાબ ભલે ન હોય, ખોટા જરૂર છે.

આખરે હિંદુ શબ્દના આ અર્થ આવ્યા ક્યાંથી? એનો ઉત્તર મેળવવા પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમણે ભોળાભાવે કબૂલ્યું કે, “આપણા હિંદુ શબ્દનો આટલો ખરાબ અર્થ ચલાવી જ કઈ રીતે શકાય, એટલે અર્થ બદલી નાખ્યો.” પણ આટલો મોટો ફેરફાર કેમ અને કોની સલાહથી કર્યો? નવી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દના નવા અર્થો કોણે કર્યા ? એનો એમની પાસે કોઈ જવાબ નથી મળતો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 09

Loading

...102030...1,7601,7611,7621,763...1,7701,7801,790...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved