Opinion Magazine
Number of visits: 9962639
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Morbidity –

યોગેશ ભટ્ટ|Poetry|7 January 2022

ઝલમલ ઝૂલતા આકાશને પડદે બહાર નીકળી સવારે
ઢોળાતો સૂર્ય
નીચે –
'મ્યાંઉં'માંથી બનેલી બીલાડી ઉપર …..
બીલાડીના પગ નીચે બંધાયેલ
હરતો, ફરતો, થંભતો પડછાયો તેનો …
બીલાડીના હરતા ફરતા પડછાયા
નીચે
ઊભેલા એક ઘર માથે ઢેઢગરોળી શી
ચોંટી રહેલી છત –
ઘર ઉપરની છતની નીચે
દબાયેલી ચંપાયેલી રહેતી ઘરની ભોં ઉપર
એ
જ
ઊલટી
ઝળૂંબી રહેલી છત –
– ઢેઢગરોળીના પેટ જેવી –
(સૂર્યના 'ન'-કાર જેવી!)
ઘરમાં હરતાં ફરતાં શ્વાસોચ્છવાસોના વાદળો …..
કોઇ સૂક્કાં, કોઇ ભેજિયાળાં
બારીઓની કેદમાં બંધાયેલ સળિયા
બારણાઓ વચ્ચેના અવકાશ નીચે ચંપાયેલો રહેતો ઉંબર :
એ ઉંબરે –
સમી સાંજે સંકેલાતો સૂર્યના પ્રકાશનો પડછાયો
– સંકેલાય
વળી બીલાડીના’મ્યાંઉં’માં :
ઉંબરની અંદરના સંબંધો બહાર
ઉંબરની બહારના સંબંધો અંદર ….
આ –
લખાયેલા અક્ષરોની નીચે કાગળ કોરો :
આંખની નીચે અક્ષરો,
કાગળની ઉપર વંચાતા
ને
એ લખનાર :
અક્ષરોમાં થઇ,
            કાગળની બહાર! …..

Loading

સાવરકરે તો લખી આપેલું કે પોતે બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 January 2022

‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.

બાવીસમી માર્ચ ૧૯૨૦ના રોજ ઇન્પીરિયલ લેજીસ્લેટિવ કાઉન્સિલમાં એ સમયના હિંદુવાદી નેતા જી.એસ. ખાપરડેએ (જે લોકો ગાંધીજીની અહિંસાને કાયરતા કહેતા હતા એ લોકો ગાંધીજીનાં આંદોલનોમાં ભાગ નહોતા લેતા, પણ સરકારી પ્રતિનિધિગૃહોમાં બેસીને હિંસક-ક્રાંતિ કરતા હતા. ખાપરડે, કેરકર વગેરે આનું ઉદાહરણ છે.) પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘શું એ વાત સાચી નથી કે સાવરકર અને તેમના ભાઈએ તેમને જેલમાંથી છોડવામાં આવે એ માટેની એક અરજી ૧૯૧૫માં અને બીજી અરજી ૧૯૧૮માં કરી હતી જેમાં તેમણે સરકારને ખાતરી આપી હતી કે યુદ્ધના દિવસોમાં તેઓ સૈન્યમાં ભરતી થઈને સરકારને મદદ કરશે, એટલું જ નહીં, સરકાર દ્વારા કરવામાં આવી રહેલા બંધારણીય સુધારાઓને સફળ બનાવવા માટે તેઓ સરકારને મદદ કરશે અને બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે?’ સરકારે ખાપરડેના સવાલનો હકારાત્મક ઉત્તર આપ્યો હતો.

સાવરકરે દયા અને માફી માગતા કુલ મળીને છ પત્રો લખ્યા હતા જેના હવાલા સરકારી દસ્તાવેજોમાં મળે છે. પણ આઘાત એ વાતનો નથી. દયા અને માફી માગી એ વાત આઘાતજનક એટલા માટે નથી કે આ કોઈ નવું નથી. લંડનની અદાલતમાં પોતાને બચાવવા ઢીંગરા સામે હાથ ઊંચા કરી દીધા હતા. મુંબઈની અદાલતમાં પોતાને બચાવવા ક્ન્હેરે અને બીજા ક્રાંતિકારીઓને રઝળતા મૂકીને હાથ ઊંચા કરી દીધા હતા. જે માણસ સરકારને  માઈબાપ, દયાળુ અને પોતાને પ્રોડીગલ સન તરીકે ઓળખાવી શકે એ બધું જ કરી શકે. આઘાત એ વાતનો છે કે આંદામાનની જેલમાં રહીને તેઓ સરકારને મદદ કરતા હતા. છૂટવાનો તરફડાટ એટલો હતો કે તેની કોઈ સીમા નહોતી. એનાં બે કારણ હતાં. એક તો તેઓ ડરપોક અને કાયર હતા, જે સાબિત થઈ ગયું છે અને હજુ સાબિત કરવા માટે પુષ્કળ પ્રમાણો છે. બીજું કારણ એ કે તેમને અંગ્રેજોએ ગુનો કરવા માટે સજા નહોતી કરી, ચાલાકીઓ માટે સજા કરી હતી એ સાવરકર જાણતા હતા. શાબ્દિક બહાદુરી બતાવવા માટે બ્રિટનની ભૂમિનો ઉપયોગ કરવો, રૂંવાડા ઊભા કરી દે એવા જાનફેસાનીના લેખો લખીને યુવાનોને ઉશ્કેરીને હત્યાઓ કરાવવી, પોતે હંમેશાં પાછળ રહે, ભીંસમાં આવે તો હાથ ઊંચા કરી દે, ગમે ત્યારે ગમે તેને છોડી દે, જીવનમૂલ્યોને અને નૈતિકતાને ‘સદ્ગુણવિકૃતિ’ તરીકે ઓળખાવે, ફ્રાંસની ખાડીમાં ઊડી મારીને ફ્રાંસમાં શરણાગતી મેળવવાનો પ્રયાસ કરે જેવી હરકતો જોઇને સરકારે કચકચાવીને સીધી પચાસ વરસની સજા કરીને આંદામાનની જેલમાં મોકલી આપ્યા હતા. સાવરકરને ખાતરી હતી કે સરકાર તેમના પ્રત્યે એટલો રોષ ધરાવે છે કે તે બીજા પ્રત્યક્ષ ગંભીર ગુનો કરનારાઓને  છોડશે, પણ તેમને નહીં છોડે.

બન્યું પણ એમ જ. કાકલૂદી કરવા છતાં સરકાર મચક નહોતી આપતી એને કારણે સાવરકરે છૂટવા માટે હજુ વધુ નીચે આવવું પડતું હતું. તેઓ જેલરની ચાપલૂસી કરતા હતા. કેદીઓનો અસંતોષ દૂર કરીને જેલસત્તાવાળાઓને મદદ કરવાનો પ્રયાસ કરતા હતા. કેદીઓ ઉશ્કેરાઈ જાય અને ન્યાયી માગણીઓ માટે આંદોલન કરે તો સાવરકર તેમને રોકવાનો પ્રયાસ કરે અને જો રોકવામાં સફળતા ન મળે તો તેનાથી પીઠ બતાવીને દૂર થઈ જાય. બહાર તેમના નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરને પત્રો લખીને સલાહ આપે કે તેમને છોડાવવા માટે તેણે શું શું કરવું જોઈએ. આંદામાનની જેલમાં કેદીઓમાં હિંદુ-મુસ્લિમ ભેદ પાડીને રાજકીય કેદીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાની જગ્યાએ કોમી ભાવના પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ સરકારને મદદરૂપ થવાનો એક પ્રયાસ હતો. કોમીભાવના રાષ્ટ્રભાવનાની જગ્યા લેતી હોય તો એનાથી વધારે રૂડું શું! જેલમાંથી છૂટ્યા પછી પણ તેમણે આ જ કામ કર્યું હતું.

અંગ્રેજોએ જાણીબૂજીને આકરી અને વિચિત્ર સજા કરીને સાવરકરની વીરતાને કસોટી ઉપર મૂકી હતી, જેમાં સાવરકર સરિયામ નિષ્ફળ નીવડ્યા હતા. બધાં જ વસ્ત્ર ઉતરી ગયાં એ પછી પણ અંગ્રેજો સાવરકરને નહોતા છોડતા. એનું કારણ સાવરકરની ચાલાકીઓ અને અંગ્રેજોનો રોષ હતાં. ૧૯૨૦માં સરકારે રાજકીય કેદીઓને સામૂહિક મુક્તિ આપી હતી. એ મુક્તિનો લાભ અરવિંદ ઘોષના ભાઈ બારીન ઘોષને મળ્યો ત્યારે ઈર્ષ્યાથી સમસમી ગયેલા સાવરકરે સરકારને લખ્યું હતું કે તેઓ (બારીન ઘોષ) તો અલીપોર બોમ્બકેસમાં પ્રત્યક્ષ ગુનો કરીને આવ્યા છે અને આંદામાનની જેલમાં પણ સરકાર સામે કાવતરાં કરતાં હતા અને છતાં ય તેમને છોડવામાં આવી રહ્યા છે અને મને છોડવામાં નથી આવી રહ્યો, જ્યારે કે મેં તો કોઈ પ્રત્યક્ષ ગુનો જ નથી કર્યો એટલું જ નહીં સરકારને મદદ કરવાની વખતોવખત તૈયારી બતાવી છે. કોઈ દેશભક્ત અને વીર આવું કરે? જો એ વીર સાવરકર હોય તો કરે. (પ્રમાણો માટે મરાઠીમાં સમગ્ર સાવરકર વાંગ્મય ભાગ ૨ અને પ્રોસીડીંગ ઓફ ધ હોમ ડીપાર્ટમેન્ટ ઓગસ્ટ ૧૯૨૦ અને આંદામાનની જેલના સત્તાવાળાઓએ ૩૦મી માર્ચ ૧૯૨૦નાં રોજ આંદામાન ચીફ કમિશનરને મોકલેલો રિપોર્ટ)

આટલી હદે નીચે ઉતરવા છતાં પણ સરકારે સાવરકરને છોડ્યા નહોતા. બધાને છોડ્યા, સાવરકર બંધુઓને નહીં છોડ્યા. સરકારે જાણે કે સાવરકરના વજૂદની કસોટી કરવાનું અને તેમના આત્મસમ્માનના ચૂરેચૂરા કરવાનું ઠરાવ્યું હતું. સરકારને તેમાં સફળતા મળી હતી અને સાવરકર હજુ વધુ નીચે ઉતર્યા હતા.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જાન્યુઆરી 2022

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|6 January 2022

૩ : અભ્યાસક્રમ વગેરે :

અધ્યાપકો સામાન્યપણે નિયત અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે જ. કોઈ કોઈ હોય એવા, કે અમુક પોર્શન ગુપચાવી જાય. જાગ્રત વિદ્યાર્થીને તરત ખબર પડે. જો કે આજકાલ જાગ્રત કેટલા? માગતા હોય ખરા, કે સાહેબ, આ હજી બાકી છે, ક્યારે પૂરું કરશો?

પૂર્વશરત એ છે કે વિદ્યાર્થી પાસે પણ નિયત અભ્યાસક્રમ હોવો જોઇએ. હું તો વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહેતો કે સમગ્ર અભ્યાસક્રમ ઉતારી લેજો; કયા સાહેબ કયો પોર્શન ભણાવવાના છે તે પણ લખી લેજો.

હવે તો અભ્યાસક્રમ ઇન્ટરનેટ પર સર્વસુલભ હોય છે. છતાં, ઍક્ઝામ-પેપર્સ અગાઉના કોર્સ પ્રમાણે નીકળે છે. પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પણ આગળનો કોર્સ સમજીને ગયા હોય છે. આવું કેમ? સવાલ એ થાય કે ભણાવનારાએ કયો કોર્સ ભણાવ્યો હશે. નિયત અભ્યાસક્રમને અનુસરીને ભણાવવાનું હોય, પેપરો કાઢવાનાં હોય, વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની હોય ! સિમ્પલ વાત તો છે !

જુઓ, અભ્યાસક્રમ એક સૅક્રેડ બૉન્ડ છે – પવિત્ર બન્ધન. ઇન્ઍસ્કેપેબલ કૉન્ટ્રાક્ટ – અટળ અનિવાર્ય કરાર. અધ્યાપકે પેપરસૅટરે અને પરીક્ષાર્થીએ એને વશ વર્તવાનું હોય કે નહીં?

પણ સામા છેડાની વાત એ છે કે – શું એટલું જ ભણાવવાનું? નિયત અભ્યાસક્રમની સીમા-મર્યાદામાં આવે એ અને એટલું જ? તો તો અભ્યાસક્રમ પણ એક દીવાલ બની રહે !

ઍન્જીનિયરિન્ગ, મૅડિસિન કે કમ્પ્યૂટર સાયન્સના વર્ગોમાં અભ્યાસક્રમ-ચુસ્તતા આવકાર્ય લાગે છે. પણ હ્યુમેનિટીસમાં યન્ત્રવત્ ભાસે છે. ‘સરરસ્વતીચંદ્ર’-ના ચાર ભાગ તો નિયત ન જ થાય, પણ અન્ડરસ્ટૅન્ડિન્ગ હતી કે અધ્યાપકે બીજા ત્રણની ભરપૂર ચર્ચા તો કરવાની જ. ‘ઑથેલો’ કોર્સમાં હોય, પણ અમને કહેવામાં આવતું કે શેક્સપીયર-રચિત બીજી ત્રણ ટ્રેજેડીઝ વાંચી જજો; અને હું તો વાંચી જતો.

ઍમ.ઍસ.-માં અમારા અધ્યાપકોને નિયત ચૉકઠાંમાં ભણાવવું ન ફાવે. સુરેશ જોષી, પ્રોફેસર કંટક, જે.ડી. દેસાઇ, સાળગાંવકર, અરુણોદય જાની, ઇત્યાદિ એવા સભરેભર્યા વિદ્વાનો હતા. ત્યારે પ્રૉફેસર, લૅક્ચરર અને ટ્યુટર એવી સિસ્ટમ હતી. પ્રૉફેસર પ્રૉફેસ કરે – વિષયવસ્તુનું પ્રતિપાદન. લૅક્ચરર એને લૅક્ચરો કરીને પ્રસરાવે. ટ્યુટર એના ટ્યુટોરિયલ્સ કરાવે – લેસન.

હવેની સિસ્ટમમાં કોઈ લૅક્ચરર નથી, બધા જ પ્રૉફેસરો ! કોઈ ’આસિસ્ટન્ટ’ કે કોઈ ‘ઍસોસિયેટ’. સાઉન્ડ્સ ગુડ ! પણ એઓ શેને આસિસ્ટ કરે છે? શેની જોડે ઍસોસિયેટ થાય છે? રામ જાણે ! અથવા એ લોકો જો કહી શકે.

દીવાલો વિનાની યુનિવર્સિટી-ના સ્પિરિટથી – ભાવભાવનાથી – રચાયેલા ‘સન્નિધાન’-ના શિબિરોમાં અભ્યાસક્રમજડત્વ નથી હોતું. નિયતને કેન્દ્ર ગણીને વ્યાખ્યાતા વિષયનો યથાશક્તિમતિ પરિઘ રચે છે. એક-ના-એક સાહેબ પાસેથી ‘નળાખ્યાન’ પરની એ-ની-એ જ રૅકર્ડ સાંભળવાનો કંટાળો આવે; આવવો જ જોઈએ ! જ્યારે આમાં, બહારનો ઉપલબ્ધ વિદ્વાન કશું રેઢિયાળ નથી લલકારતો. એ સ્પેશ્યલ હોય છે ને એની વાત પણ સ્પેશ્યલ હોય છે. સભાને નવ્ય વિચારોનું ભાથું મળે છે.

સ્પેશ્યલને સાંભળવાથી સ્થાનિક અધ્યાપકને સમ્માર્જનની તક મળે છે. જો કે સ્પેશ્યલ કશું ભળતું ભળાવતો હોય તો ચર્ચા વખતે સ્થાનિક એને ખંખેરી શકે છે. કેમ કે વચ્ચે, ‘કહેવાતી વિદ્વત્તા’-ની દીવાલ નથી હોતી. પ્રેમપૂર્વકના શૅરિન્ગનો ઉલ્લાસ હોય છે. સૌએ અંકે કરી લીધું હોય છે કે સહભાગીતા પણ વિદ્યાવિકાસનું એક જરૂરી રસાયન છે.

આ જ ભાવભાવનાથી પ્રેરાઈને ગુજરાત સાહિત્ય અકાદમીએ યુનિવર્સિટીઓના ગુજરાતી વિષયનાં અધ્યયન-અધ્યાપન સંદર્ભે એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કર્યો હતો – ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ૧૦-૧૦ વ્યાખ્યાનોની એક એવી ૩ માળાઓ થઇ હતી. દરેકમાં વિદ્યાર્થીઓ અને તેમના અધ્યાપકોની સૉ-સવાસૉ જેટલી સક્રિય હાજરી વચ્ચે વિદ્વાનોએ વ્યાખ્યાનો કર્યાં.

ભૂતકાળમાં ભાવનગર યુનિવર્સિટીના અનુ-સ્નાતક ગુજરાતી વિભાગે અકાદમીના આર્થિક સહયોગથી વરસો લગી વિદ્યાર્થીલક્ષી અભ્યાસ-શિબિરો યોજેલા.

Literary Courses :

Picture courtesy : Waterloo

દીવાલો વિનાની યુનિવર્સિટીનો ખયાલ તમને દેખાડી દે કે ક્યાં ક્યાં દીવાલો છે. એક સાવ અજાણી દીવાલ દર્શાવું : કવિસમ્મેલન, મુશાયરો કે સાહિત્યકૃતિનાં ગાયન-વાદનના કાર્યક્રમોમાં, ધ્યાનથી જોશો તો ઑડિયન્સમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નહીં દેખાય. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટના હેડ કે ત્યાંના પ્રોફેસરસાહેબો નહીં દેખાય. કાર્યક્રમ ભલે ને અભ્યાસક્રમનિયત સાહિત્યકૃતિના કે તેના સર્જકના ગૌરવગાનનો હોય ! ભલે ને કોઇ અવૉર્ડીના સન્માનનો હોય ! આંગળીનાં વેઢે ગણાય એટલા મળી આવે તો અહોભાગ્ય ! આવું કેમ? હું મન મનાવી લેતો હોઉં કે એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય.

બીજું, આના જેવું જ, પણ અવળું : કૉલેજોમાં કે ડિપાર્ટમૅન્ટ્સમાં યોજાયેલાં વ્યાખ્યાનોમાં કે પરિસંવાદોમાં કવિ, વાર્તાકાર, નાટ્યકાર વગેરે સાહિત્યકારો નહીં દેખાય. મને ઘણી જગ્યાએ મારા વ્યાખ્યાન દરમ્યાન એ ગામના ખ્યાતનામ કવિમિત્ર યાદ આવ્યા જ કરે ! થાય કે સામે બેઠા હોય તો કેવું સારું ! શંકા થાય કે શું એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય …

સાહિત્યના સર્જન અને સાહિત્યના અધ્યયન-અધ્યાપન વચ્ચેની આ દીવાલ આપણા ધ્યાનમાં આવી જ નથી. એને કારણે લિટરરી ફન્કશન્સ ઝાંખાંપાંખાં રહી ગયાં છે. કાં તો, જ્ઞાનતેજ વિનાનાં. કાં તો, ડૉળઘાલુ.

આ તરફના એમ સમજે કે એ તો બધા સમ્મેલનિયા છે. બીજી તરફના એમ સમજે છે કે એ તો બધા માસ્તરો છે, ભણાવ્યા કરે.

વ્યવહારુ નુક્સાન એ થયું છે કે કાર્યક્રમોમાં શ્રોતાઓની હાજરી પાંખી પડી ગઈ છે. માંડ ૬૦-૭૦ જણાં હોય છે. પાછાં એ-ને-એ બીજી સભામાં બેઠાં હોય ! મન મનાવવું હોય તો મનાવી શકાય કે એટલાંને તો એટલાંને, રુચિ-ઘડતરની તકો તો સાંપડે છે ! જ્યારે, કૉલેજો અને ડિપાર્ટમૅન્ટ્સને શ્રોતાના વખા ક્યારે ય નથી હોતા – જેને તાકીદની તીવ્ર જરૂરિયાત છે એવું સાચી ગરજવાળું ઑડિયન્સ.

મેં તો આપણી સાહિત્ય-સંસ્થાઓને ડિપાર્ટમૅન્ટ્સ સાથે અનુબન્ધ રચવાનું વર્ષોથી કહ્યા કર્યું છે. ડિપાર્ટમૅન્ટ્સને પણ અવારનવાર કહ્યું છે કે વિદ્યાર્થીઓને સાહિત્યના કાર્યક્રમોમાં જવા કહો; તમે પણ જાઓ. સમજાતું નથી કે શા માટે આપણે બધું એકરસ નથી થવા દેતા ! અલગાવ ટકાવી રાખીને શું સિદ્ધ કરવા માગીએ છીએ?

ઉમેરું કે દરેક કૉલેજમાં તેમ જ ડિપાર્ટમૅન્ટમાં ‘મીની સન્નિધાન’ રચી શકાય છે. ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ઊભું કરવાનું અને બહારના સાહિત્યકારોને બોલાવીને અભ્યાસક્રમ-સંલગ્ન કાર્યક્રમો યોજવાના.

ભાષા-સાહિત્ય ભવનના એ મંડળના ઉપક્રમે એક વાર અમે શોભિત દેસાઈને બોલાવેલા. મને ચિન્તા હતી કે નામ જેનું શોભિત, તે ગઝલને કેમ વીસરી શકશે. પણ સાંભળો, શોભિતે હાથમાં એકપણ કાગળ વિના પોતાના એ જ ગઝલ-ટેવાયા મુખેથી ગદ્યના ફકરાઓ પર ફકરાઓની એકપણ શબ્દફેર વગરની અસ્ખલિત રજૂઆત કરેલી. અને સાંભળો, ફકરાઓ હતા સુરેશ જોષીના ‘જનાન્તિકે’ નિબન્ધોના ! અમે સૌ આફરીન પોકારી ગયેલાં. વિદ્યાર્થીઓ રાજીના રેડ તો એટલે હતા કે એ વર્ષે એઓ સુરેશ જોષીને એક ઑથર રૂપે ભણતા’તા !

‘સન્નિધાન’ કે ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’ દીવાલો વિનાની યુનિવર્સિટીઓ છે. એમાં આવી અભૂતપૂર્વ છતાં અર્થપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે.

= = =

(January 6, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7581,7591,7601,761...1,7701,7801,790...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved