Opinion Magazine
Number of visits: 9962839
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમિક્રોનનાં વધામણાં

જાગૃત ગાડીત|Opinion - Opinion|13 January 2022

ડેલ્ટા વેરિયન્ટ પરનો લેખ લખ્યા પછી એવી આશા હતી કે હવે આવા કંટાળાજનક લેખ વધુ નહીં લખવા પડે, અને ‘કાવ્યશાસ્ત્ર વિનોદેન’ સમય પસાર કરી શકાશે. પણ માણસજાત ખરેખર બુદ્ધિહીન, હાસ્યાસ્પદ અને દયાજનક બની ગઈ છે. પહેલાં માઇક્રોસ્કોપમાં જોઈને ડરવાનું શીખી અને હવે જીન સિક્વન્સ કરીકરીને છળી મરે છે.

મીડિયાએ ત્રીજી (ઓમિક્રોનની) લહેર જાહેર કરી દીધી છે. જ્યારે ઓમિક્રોનની વાતો શરૂ થઈ ત્યારથી એ ડેલ્ટા કરતાં ત્રણ ચાર ગણો વધુ ચેપી છે એ વાતને બિહામણી રીતે રજૂ કરવામાં આવી. જેટલા પ્રમાણમાં ચેપી હશે તેટલા પ્રમાણમાં જ હળવો પણ હશે, એ મૂળભૂત વાત કોઈ કરતું જ નથી.

મારા ડેલ્ટા પરના લેખમાં લખ્યું હતું :

‘વધારે CFR વાયરસના ફેલાવાની તકો ઓછી કરતો હોવાથી તેની reproductive fitness અને તેથી survival probability ઘટાડે છે. ટૂંકમાં, CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે. આમાં અપવાદ શક્ય નથી. હળવો રોગ પેદા કરનાર વેરિયન્ટ જ વધુ ફેલાઈ શકે. અથવા, વેરિયન્ટ જેટલો ઘાતક તેટલો ઓછો ફેલાય.’

આ વાતનું થોડું વધુ પૃથક્કરણ કરી શકાય. વાઇરસનું ચેપીપણું અને ઘાતકતા એ બે પાસાં લઈએ તો ચાર શક્યતા બને. એક – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR); બે – વધુ ચેપી, ઓછો ઘાતક (ઊંચો Rnumber અને નીચો CFR); ત્રણ – ઓછો ચેપી, વધુ ઘાતક (નીચો Rnumber અને ઊંચો CFR); અને ચાર –ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR).

ગયા લેખમાં દર્શાવ્યું હતું કે ઉપરમાંથી પહેલો વિકલ્પ – વધુ ચેપી, વધુ ઘાતક (ઊંચો Rnumber અને ઊંચો CFR) શક્ય નથી, પણ બાકીના ત્રણેય શક્ય છે. અવતરણમાંની એ વાત કે ‘CFR અને Rnumber એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે’ સંપૂર્ણપણે સાચી નથી. વિકલ્પ ચાર – ઓછો ચેપી, ઓછો ઘાતક (નીચો Rnumber અને નીચો CFR) વાઇરસ ચોક્કસ હોઈ શકે, પણ એ સામે આપણને કોઈ વાંધો ન હોય.

ટૂંકમાં, વધુ ઘાતકતા, ઓછા ચેપીપણા અને વધુ ચેપીપણું ઓછી ઘાતકતા સાથે જ શક્ય છે. જો epidemiologyના ગ્રંથોમાં ન આપ્યો હોય, તો તેના એક મૂળભૂત ‘જાગૃતભાઈના સિદ્ધાંત’ તરીકે ઉમેરવો જરૂરી છે. બિલકુલ ટેક્‌નિકલ અને સાદા ગણિત પર આધારિત છે.

ઓમિક્રોન ડેલ્ટા કરતાં ચાર ગણો વધુ ચેપી છે, એમ વાત આવી ત્યારે મારી સ્વાભાવિક પ્રતિક્રિયા એ જ હતી – સરસ ! પણ લોકોને એમાં પરપીડનવૃત્તિનો ભાસ થાય છે. એમાં શું સારું છે ? વળી, મીડિયાવાળા શોધી લાવ્યા કે ડેલ્ટામાં બે મ્યુટેશન હતાં, જ્યારે આમાં તો ત્રીસ બાઁબ છે! કેટલો ખતરનાક! જાણે કોઈ આતંકવાદી પાસે બે ને બદલે ત્રીસ હોય! સમજાવતાં અઘરું પડે કે મ્યુટેશનની સંખ્યા અને ખતરનાકપણાને કોઈ સંબંધ નથી. પછી એમ કહ્યું, ‘વધારે ડિગ્રીવાળો વધુ હોશિયાર હોય એમ જરૂરી ખરું ?’ એમાં બધાનો મત સ્પષ્ટ હતો – બિલકુલ નહીં. ઊલટાનું વધુ ડિગ્રીવાળાની હોશિયારી પર શંકા ઊપજે. બસ,ઓમિક્રોનનું એમ જ સમજો.

વાઇરસનો કોઈ વેરિયન્ટ વધુ ચેપીપણા સાથે ઓછી ઘાતકતાથી ફેલાય એ સાચી દિશાનું હકારાત્મક અનુકૂલન (positive adaptation) છે. રોગચાળો હળવો થવાની દિશામાં જઈ રહ્યો છે. અત્યારે મોટા ભાગના કોવિડ કેસ ઓમિક્રોનના જ છે. ઓમિક્રોન કેસની જે સંખ્યા જાહેર થાય છે, તે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે ખૂબ ઓછા કેસ જીન સિક્વન્સિંગ માટે જાય છે, પણ જે જાય છે, એમાંના મોટા ભાગના ઓમિક્રોન જ નીકળે છે.

ટેક્‌નિકલી કહીએ તો ‘Omicron has overtaken Delta in the population’. મોટા ભાગનાં રિસોર્ટ, ગેસ્ટહાઉસ અને ખાલી ઘરોની ચાવી મેળવીને ઘૂસી ગયો છે, એ આનંદના સમાચાર છે. ઓમિક્રોનનો રોગ ડેલ્ટા કરતાં ચાર ગણાંથી પણ વધુ હળવો છે. શ્વસનતંત્રના ઉપરના ભાગમાં (upper respiratory tract) જ એ મુખ્યત્વે નવી પેઢીઓ પેદા કરે છે અને ફેફસાં સુધી લાંબો થતો નથી. ગંભીર ન્યૂમોનિયા કે ઑક્સિજનની જરૂરિયાત ખાસ પેદા થતી નથી. જોખમ ઘણું ઓછું છે – શૂન્ય નથી.

આ બધામાં રસીકરણની જે ઝુંબેશ ચાલે છે તેની અસર શું? મધ્યમગાળે પણ – આવતાં વીસપચ્ચીસ વર્ષોમાં – જોખમી પરિણામો હવે દેખાય છે. વધુ ટેક્‌નીકલ મુદ્દાઓ સાથે એક ઓર બોરિંગ લેખ એ માટે લખવો પડશે!

કેસની સંખ્યા ખૂબ ઝડપથી ઉપર જશે અને તે જ રીતે નીચે પણ આવશે. પણ આ સંજોગોમાં ‘કોવિડ કેસ’ કોને કહેવો તેની વ્યાખ્યા સુધારવાની ખાસ જરૂર છે. બધા પૉઝિટિવ RT PCRવાળાને ‘કેસ’ ગણવા એ હવે બિનજરૂરી છે. શરીરમાં વાઇરસ હોવો અને કોવિડ હોવો બે અલગ વસ્તુ છે. Epidemiologist ગિરધર આર. બાબુ (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ૮/૧/૨૨) એ જ સૂચન કરી રહ્યા છે. ૧૯૮૦ના દાયકામાં દરેક HIV પૉઝિટિવને એઈડ્‌સનો કેસ ગણવામાં આવતો હતો. સમય જતાં ખબર પડી કે ઘણા બધા HIV પોઝિટિવ લોકોને full-blown એઈડ્‌સ થતો જ નથી. એ પ્રમાણે વ્યાખ્યાને વખતોવખત સુધારવામાં આવી છે.

આ વખતે એ સારું છે કે ટી.વી. પર દેખાતા મોટા ભાગના ડૉક્ટરો એ વાત ખાસ જણાવી રહ્યા છે કે ઓમિક્રોનથી થતો રોગ ક્લિનિકલી ઘણો હળવો દેખાય છે. અને મેં આગળ લેખોમાં (‘પેરસીટમોલ’ વગેરે …) લખ્યા મુજબ જો આ હળવાં એક્યુટ લક્ષણો સાથે બિનજરૂરી છેડછાડ ન કરવામાં આવે, તો હોસ્પિટલો ઉભરાઈ જાય, ઑક્સિજન માટે લોકો દોડાદોડ કરતા હોય કે રાતદિવસ સ્મશાનગૃહ કામ કરતાં હોય એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય એમ નથી.

ટૂંકમાં, ઓમિક્રોન આ રોગચાળામાંથી નીકળવાનો ઓછા જોખમવાળો ઍક્ઝિટ માર્ગ છે. છોડિયાફાડ કવિતા લખવાનો ચાન્સ મળે એમ લાગતું નથી. મીસમૅનેજમેન્ટ અને બિનજરૂરી સારવાર અને રસીકરણને લીધે જે થોડીઘણી સમસ્યા પેદા થાય એમાં એકાદ હાઇકુ જરૂર લખી શકાશે. લાવો હું જ હાથ અજમાવું!

આ ઓમિક્રોન!
આવ્યા ભીડભંજન
કે વિધ્નહર્તા?

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 03

Loading

અસહમતીનું શિક્ષણ

રોહિત શુક્લ|Opinion - Opinion|13 January 2022

"અસહમતીનું શિક્ષણ અને સાંપ્રત સમસ્યા" એ વિષય પર રોહિતભાઈ શુક્લએ, તારીખ 08 જાન્યુઆરી 2022ને શનિવારે, સુરત જિલ્લા શિક્ષણ સંસદ અને કીમ એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદ કર્યો હતો.

******************************************

શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર ભારતની લોકસભાના સભ્ય હતા, ત્યારે આ શબ્દો વપરાયા. તેમણે વાપરેલાં બે શબ્દ – 'નો સર', ખૂબ ખ્યાતિ પામ્યા. આ શબ્દો સત્તા સામે હતા અને અસહમતીસૂચક હતા.

બીજી તરફ વીસમી સદીના મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલ 'સત્તા' (પાવર) નામના પોતાના નિબંધમાં નોધે છે કે સત્તા "ના" કહેવાથી ઓળખાય છે.' (પાવર લાઈઝ ઈન સેવિંગ "નો"!)

આપણે ત્યાં જાણીતી એક જૂની વાર્તા પ્રમાણે સાસુ કહે છે : 'ના પાડનાર એ (વહુ) કોણ?'

આવી જુદી જુદી માનસિકતાનાં મૂળ ક્યાં હશે? તેનાં સાંસ્કૃતિક મૂળિયાં ક્યાં અને તેના સંદર્ભો ક્યા તે એક લાંબી મિમાંસાની ભૂમિકા સર્જે છે. હિંદુત્વની પરંપરામાં 'ડાહ્યા, વિવેકી અને સદ્દગુણી' ગણાવા માટે આજ્ઞાંકિત બનવું જરૂરી છે. (નમૂના દાખલા) સાંસ્કૃતિક મૂળિયાં જોઈએ :

ન વદેત સત્યમ્‌ અપ્રિયમ્‌
મહાજનો યેન ગત: સ પંથ:
સંશયાત્મા વીનશ્યતિ.

ડાહી માનો દીકરો – મગનું નામ મરી ન પાડે.

પરાપૂર્વથી બોલતા આ વિધાનો ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત, અન્ય પુરાણો જેવા અનેક ગ્રંથોમાં સંસ્કાર અને વિવેકના અભિવ્યક્તિ કે ઓળખરૂપે આજ્ઞાંકિતતા, વડીલોનું કહ્યું કરવું, સમાજની અડધો-અડધ વસતી એવી સ્ત્રીઓએ પુરુષોની આજ્ઞામાં રહેવું, વગેરેનું મહત્ત્વ છે. પરણ્યા પહેલાં સ્ત્રીએ પિતાની આજ્ઞામાં અને પછી પુત્રની આજ્ઞામાં રહેવું જોઈએ, એમ 'શાસ્ત્ર' કહે છે.

આ પ્રકારની વર્તણૂક ઈસ્લામમાં પણ છે. બુરખો, હિજાબ, લગ્ન અને છૂટાછેડા વગેરેમાં સ્ત્રીઓનો અવાજ હોઈ જ ન શકે. તાલિબાની શાસન તેનો એક આત્યંતિક નમૂનો છે.

લોકોના સ્વત્રંત વિચાર અને અસહમતીને કોઈ પણ સામ્યવાદી દેશમાં સ્થાન નથી. સોવિયત યુનિયન હતું ત્યારે પૂર્વ યુરોપથી માંડીને ચીનના પૂર્વ છેડા સુધી લોકોને વિરોધ કે સ્વત્રંત વિચારની અભિવ્યક્તિની કોઈ છૂટ ન હતી.

ઇસ્લામી અને સામ્યવાદી જગતને સ્વત્રંત વિચાર અને અભિવ્યક્તિથી વેગળા કરીએ તો અસહમતી એક અમૂલ્ય બાબત તરીકે જગતની ખૂબ મર્યાદિત જનસંખ્યા ભાગે આવી શકે.

પશ્ચિમી જગતના 'મૂડીવાદી' ગણાતા દેશોમાં પણ વિચારો પ્રચાર માધ્યમો વડે પ્રભાવિત હોય છે તે પણ યાદ રાખીએ.

છતાં ''નો સર'' જરૂરી તો ખરું જ ને! 'ચીલે ચાલે બળદિયા' જેવી કહેવત પણ કાઢી નાખવા જેવી નથી. બે ઉર્દૂ પંક્તિઓ પણ વિચાર અને કથનના સ્વાતંત્ર્યને બખૂબી વ્યકત કરે છે :

ગિરતે હૈ રાય સવાર હી જંગે મેદાન મેં
વો ઇંસાં ક્યાં ગિરેગા જો ઘૂટનોં કે બલ ચલે.
બોલ કે લબ આઝાદ હૈ તેરે,
બોલ કે જુબાં અબ તક તેરી હૈ.

નચિકેતાએ પિતાને સત્ય કહ્યું તો સગા પિતાએ પણ તેને યમદ્વારે મોકલ્યો.

સાચું અને તથ્યપૂર્ણ વિધાન ન બોલવાની તરફેણમાં કહેવતો અને ઉક્તિઓનો ઢગલો છે.

'જગતને સુધારવાને બદલે શાક સુધારો તો ખાવા ભેગા થશો'; સત્તા આગળ શાણપણ નકામું' અને કબીરજી પણ કહી ગયા છે :

'એસી બાની બોલીએ મન કા આપા ખોય
ઔરન કો શીતલ કરે આપ ભી શીતલ હોય'

જો ડહાપણ, વિવેક, સામંજસ્ય, વગેરેની તરફેણમાં આટઆટલો ઝૂકાવ હોય તો, તાલિબાન, સરમુખત્યારશાહી, સામ્યવાદ, વગેરેમાં વાણીસ્વાતંત્ર્ય ન હોવા સબબ આટલો બધો ઊહાપોહ શાને?

અસહમતી લોકશાહી સમાજનું હાર્દ અથવા આત્મા છે. પોપટને પાંજરામાં પૂરીને ફળફળાદિ ખાવા અપાય પણ ખૂલ્લું આકાશ ન મળે તો?

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈનને 'અબ્બુખાં કી બકરી' નામની સુંદર વારતા લખી હતી. અબ્બુખાં બકરીને રોજ રાત્રે ઓરડીમાં બાંધી રાખતા, પણ એક દિવસ, 'પિંજરા તોડ' કરીને તે ભાગી ગઈ. જંગલમાં વરુ મળ્યું. તેની સામે ખૂબ લડી પણ આખરે મરી ગઈ. બીજે દિવસે અબ્બુખાંએ તેના અવશેષો જોયા; પણ તેના સ્વતંત્રાચાહક ઝમીરથી પ્રભાવિત થયા.

તો માણસે હવે નક્કી કરવાનું છે. સામ્યવાદ, ધાર્મિક ઝનૂન અને સરમુખત્યારી સ્વીકારવાં છે કે નીલાકાશમાં મુક્ત ચિત્તે વિહરવું છે. ખુલ્લા જંગલમાં વરુ સાથે 'દો દો હાથ' થઈ જવું છે કે બંધ પિંજરમાં ફળફ્ળાદિ ખાતાં રહેવું છે!

આ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન શિક્ષણના ક્ષેત્ર દ્વારા થઈ શકે. તથ્યોની ખોજ, જૂનાં વળગણોનો સાવચેતીપૂર્વકનો ત્યાગ, ખુદારીની ચાહ અને માનવતાલક્ષી તર્કવિવેક વગર શિક્ષણ પાંગળું છે.

ભારતમાં પૂર્વમાં ટાગોરે અને પશ્ચિમમાં ગાંધીએ સમાજલક્ષિતા સાથેના સ્વતંત્ર વિચારવાળા સત્ય અને અહિંસામૂલક શિક્ષણની નીંવ મૂકી આપી છે. અભ્યાસકર્મો ગોખાવતા અને પ્રચલિત વિચારોને અનુસરતા અને શિક્ષણ માટે ત્યાજ્ય ગણાવાં જોઈએ. જ્ઞાનની યાત્રા આગળ ચલાવવા વાસ્તે અગાઉના મતોનું ખંડન અને નવા મતનું મંડન સતત ચાલવું જોઈએ.

ફ્રેંચ ફિલસૂફ રેને દકાર્ત (1596-1650) કહે છે. :

'I think and therefore I am.'          

માણસને રાની પશુથી જુદો પાડનારું તત્ત્વ 'વિચાર' છે. વિચાર સ્વતંત્ર ન હોય અને મોકળા મને અભિવ્યક્ત થતો ન હોય તે દેશની દયા ખાવી રહી.

કવિવર ટાગોર પણ કહે છે :

Where the mind is without fear,
And head is held high.'

ટાગોર પ્રાર્થે છે, 'હે પિતા, તે સત્યના સ્વર્ગમાં મારા દેશનું પરોઢ પ્રગટે!'

ભારત એક ખોજનો દેશ રહ્યો છે. વિદ્ધત સભાઓ, વાદ-વિવાદ, ખંડન-મંડન અને વૈચારિક ક્રાંતિઓનો આ દેશ છે. અમર્ત્ય સેને તો એક દળદાર ગ્રંથ, 'ધ આર્ગ્યુમેન્ટેટિવ ઈંડિયન' – વાદવિવાદી ભારતીયના નામે લખ્યો છે.

ઉમાશંકરભાઈ પણ લખે છે :

'છોને છોડે એ શહેરના કિનારા ને મહેલના મિનારા,
હોડીને દૂર શું નજીક શું?

સ્વતંત્ર વિચારની ભૂમિમાં કેટકેટલા મહાન આત્માઓ વસે છે – સોક્રેટિસ, ક્ણાદ, બૃહસ્પતિ (ચર્વાક), નિત્શે, સાત્ર, ટાગોર, ગાંધી, વીરાંગના લક્ષ્મીબાઈ, ફુલે દંપતી, આંબેડકર, નહેરુ, અબ્રાહમ લિંકન …. બધાં જ સ્વનામધન્ય !

આ બાબતે કેટકેટલા નવલોહિયાઓએ ઈન્કલાબ ગજવ્યો છે – ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસમિલ, નેતાજી બોઝ, સરદાર પૃથ્વીસિંહ ….

વિચાર અને અભિવ્યક્તિ સ્વતંત્રતા વગરના માણસો સજીવ અને તાજમાજા જણાય છે, પણ તેમના ફેફસાંમાં કોરોના પ્રવેશી ચૂક્યો છે તે નકકી !

(શ્રી રોહિત શુક્લ …… અર્થશાસ્ત્રી શિક્ષણવિદ)

Loading

આજના સંબંધો લાગણીના નહીં, પણ માગણીના છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2022

જ્યારથી આ દુનિયામાં સ્ત્રી અને પુરુષ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી બંનેને એકબીજા સાથે રહેવાનું બન્યું છે. સ્ત્રી અલગ ચોકો કરીને રહી હોય કે પુરુષ જુદા જ આકાશમાં વિહરતો હોય એવું બન્યું નથી. જેણે પણ સ્ત્રી કે પુરુષને ધરતી પર મૂક્યાં તેનો હેતુ જ એ હતો કે સ્ત્રી અને પુરુષ સાથે રહે. સાથે જ રહે. કુદરતનો હેતુ એ હતો કે પૃથ્વી ખાલી ન રહે. તેનો ખૂણેખૂણો પ્રકૃતિ, પશુપંખી અને મનુષ્યોથી કિલ્લોલતો રહે. મનુષ્ય આ બધાંમાં વિચાર – વાણીથી જુદો પડતો હતો. અભિવ્યક્તિ તો પશુપંખી અને પ્રકૃતિમાં પણ હતી. ઋતુ પ્રમાણે પ્રકૃતિ ખીલતી, કરમાતી હતી, પશુપંખી પણ હરખશોક પ્રગટ કરતાં હતાં, પણ મનુષ્ય પાસે વાણી, વર્તનની વિશિષ્ટ અભિવ્યક્તિ હતી. શરૂઆતમાં તો મનુષ્ય પાસે ભાષા નહીં આવી ગઈ હોય, પણ વૈચારિક સમૃદ્ધિએ વિશિષ્ટ ધ્વનિ-ઉદ્ગારોને શબ્દો આપ્યા હશે, ભાષા આપી હશે ને એમ વાણીનો વ્યવહાર શરૂ થયો હોય એમ બને. આ વ્યવહારે જ હૃદયની લાગણીનું ભાન પ્રગટાવ્યું હોય ને એને જ પ્રેમની અભિવ્યક્તિ ગણવાનું શરૂ થયું હોય એ શક્ય છે. એ સમયે લાગણી જ હશે, માગણી ખાસ નહીં હોય. આ લાગણી પિતા-પુત્રની, માતા-પુત્રીની ને એમ સામાજિક સંબંધોની હોય એવી જ, પ્રેમી-પ્રેમિકાની કે પતિ-પત્નીની પણ હોય એવું નથી. એ જુદી જ લાગણી છે. એ પણ કહેવાય તો છે પ્રેમ જ, પણ એ પિતા-પુત્રની કે માતા-દીકરીની કે પિતા-પુત્રી કે માતા-દીકરાની લાગણી કરતાં જુદી છે. પ્રેમીઓમાં એકબીજાને પામવાનો, એકબીજાના થવાનો જે તીવ્ર તલસાટ છે તે અન્ય લાગણીથી જુદો પડે છે. અન્ય સંબંધોમાં એવી તીવ્રતા કદાચ નથી. બીજા બધા સંબંધોમાં સંબંધ યાદ રહે છે જ્યારે પ્રેમમાં સંબંધ કે સમાજ કૈં જ યાદ નથી આવતું.

સ્ત્રી-પુરુષનું એકબીજાને ચાહવું એ પિતા-પુત્રીની કે મા-દીકરાની ચાહત કરતાં જુદી બાબત છે. એ ચાહત છે તે વિજાતીય આકર્ષણને કારણે. મા-દીકરા કે પિતા-પુત્રીમાં પણ વિજાતીય તત્ત્વ તો પડેલું છે જ, પણ એમાં વાત્સલ્ય ભળે છે જે પેલાં વિજાતીય તત્ત્વને મોળું પાડે છે, જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રેમમાં વિજાતીય આકર્ષણ જ કેન્દ્રમાં રહે છે ને એ જ એકબીજાને પામવાની વૃત્તિ તીવ્ર બનાવે છે. છોકરીને છોકરો ગમી જાય કે પુરુષને સ્ત્રીનું ખેંચાણ થાય ત્યારે તે એટલું પ્રબળ હોય છે કે એ પાત્ર સિવાય બીજી કોઈ વાત મહત્ત્વની લાગતી નથી. એમાં જો બંને પાત્રો એકબીજાનો સ્વીકાર કરવા રાજી હોય તો કોઈ પણ રીતે તે એક થવા આકાશપાતાળ એક કરીને રહેશે. ન સમાજ, ન જાતિ, ન ધર્મ, ન શિક્ષણ કે કૈં કરતાં કૈં જ પ્રેમીઓને નડતું નથી. તે એટલે કે એ લાગણી જ કુદરતી રીતે પ્રગટતી હોય છે ને સમાજ, ધર્મ કે જાતિ એ કુદરતી નથી, એ વાત મનુષ્યે વિકસાવી છે. એ વ્યવસ્થા છે. જ્યારે પ્રેમ અવ્યવસ્થામાંથી પણ પ્રગટતો હોય છે. કુદરતે તો સ્ત્રી અને પુરુષ એ બે જ જાતિને પ્રમાણી છે એટલે એ જે લાગણી સ્ત્રી કે પુરુષમાં પ્રગટાવે તે મૂળભૂત હોય છે ને સમજ અને સમાજ તે પછી આવે. એ જ કારણ છે કે સમાજને સ્ત્રી-પુરુષ પ્રેમના વાંધા પડે છે. સમાજ ઈચ્છે છે કે પ્રેમ પણ તે કહે ત્યાં ને તે રીતે જ થાય ને પ્રેમનું એવું છે કે એ થઈ જાય છે ને પછી જ્ઞાન અને ભાન પ્રગટે છે. એ જ કારણ છે કે પ્રેમ બહુ ઓછો સફળ થાય છે. મોટે ભાગે તો ત્યાં કુટુંબ, સમાજ સખતાઈ બતાવીને પ્રેમીઓને લોહીના આંસુ રડવા છૂટાં પાડી જ દે છે. એ ખરું કે પ્રેમીઓ નાદાન પુરવાર થાય, પણ ઘણું ખરું તો સમાજ કે કુટુંબ જ વધારે નાદાન પુરવાર થાય છે.

એટલું છે કે પ્રેમ કુદરત કરાવે કે સમાજ, એ થઈને રહે છે. કોઈ સ્ત્રી કે પુરુષ પ્રેમથી વંચિત રહે એવું બનતું નથી. કોઈ ઉંમરે એ લાગણી અનુભવાય તો છે જ. એ સફળ થાય કે નિષ્ફળ જાય એ જુદી વાત છે. પણ અદ્ભુત હોય છે એ લાગણી. જમીનમાંથી પહેલું પહેલું તૃણ ફૂટતું હોય તેમ હૃદયમાં પહેલી પહેલી ફૂટતી કોમળ લાગણી કોઈને જોવાની, કોઈને મળવાની થાય એ રોમાંચક ઘટના છે ! કોઇની પહેલી જ વાર ઝંખના થાય ને એની રાહ જોવાય, એની સામે મન મોકળું કરવાની અધીરાઈ જાગે, એની સાથે જીવવાની ઈચ્છા થાય ને ઝીણી ઝીણી લખોટી જેવી ક્ષણો કેવી રીતે ધબકાર થવા લાગે એ અનુભવે જ સમજાય. સપના બદલાય અને રાતદિવસ એક જ ચહેરો સપનામાં ય પ્રગટવા લાગે, એ જ પ્રગટે એવું હૈયે થવા લાગે ને આપણું હૈયું એ આપણું ન રહે ને એ પરાયાની વેદના ઝીલવા લાગે એને તો શું કહેવું? કોઈને ખભે માથું મૂકીને રડી લેવાથી હળવાશ અનુભવાય એ પણ કેવું? કોઈ આપણું થાય ને આપણે કોઈના થઈએ એમાં જ ઘણા જીવોને સાર્થકતા અનુભવાય છે, તો કેટલાકને આવું કૈં થતું નથી. એ નિર્લેપ રહી શકે છે, પણ ભીતરે એને ય કોઇની ઝંખના તો રહે જ છે. ઝંખના વગરનું કોઈ માણસ જ નથી.

એમાં જો કુટુંબને કે સમાજને વાંધો પડે છે તો બધી ભીની ભીની લાગણીઓ સાથે છૂટા પડવાનું ને જાતને બીજે જોડવાનું પણ થાય છે. કોઈ સાહસી હોય તો સમાજને કે કુટુંબને ફગાવીને પ્રેમ પામે પણ છે ને એવું નથી થતું તો સિલકમાં આંસુ રહે છે. જીવનમાં નવી વ્યક્તિ પ્રવેશે છે ને તે ભલી હોય તો પીડામાં થોડી રાહત થાય છે, પણ પહેલો પ્રેમ કાયમને માટે દેહમાં વહેતું લોહી થઈ જાય છે ને દુનિયા બદલાઈ જાય તો પણ એ બદલી શકાતો નથી. કોઈ ઘા નથી પડતા, પણ વિરહ જેવી બીજી પીડા નથી. યાદનું એવું છે કે એને આવવાનો જ માર્ગ છે એટલે પાછા ફરવાનું બનતું જ નથી. આપણે પાછા થઈ જઈએ છીએ, પણ યાદ પાછી થતી નથી.

પણ, આજે સંજોગો બદલાયા છે. લાગણીનું મહત્ત્વ ઘટ્યું છે. નાની નાની વાતોમાં પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થાય છે. બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ બદલાઈ જાય છે. પતિ-પત્ની છૂટાં થઈ જાય છે ને બીજા જીવનસાથી સાથે ગોઠવાઈ પણ જાય છે. એ ન ફાવે તો ત્રીજા, ચોથા સુધી પણ વાત આગળ જાય છે. એ બધું ધીમે ધીમે જાણે કોઠે પડી જાય છે. રાચરચીલું બદલાય એટલી સહેલાઈથી વ્યક્તિ બદલી કઢાય છે. એ બદલી પછી ફરિયાદો મટી જાય છે? એવું તો બહુ થતું નથી. નથી ફાવતું તો પ્રેમી કે પતિ-પત્ની બદલી કઢાય છે, પણ પછી ફાવે જ એવું નક્કી નથી. ઘણુંખરું તો ફાવતું હોતું જ નથી. થોડા દિવસ ઠીક ચાલે છે ને પછી ફરિયાદો ચાલુ થઈ જાય છે. વ્યક્તિ બદલાય છે, પણ ફરિયાદો એની એ જ રહે છે.

આપણા સંબંધો હવે અપેક્ષાના, માગણીના સંબંધો છે. અપેક્ષા કે માગણી સંતોષાય ત્યાં સુધી સંબંધો ટકે છે ને એ પછી ફરિયાદો શરૂ થઈ જાય છે. પછી ફરિયાદો સાથે સંબંધો નભે છે ને એમાં જ જન્મારો પૂરો પણ થઈ જાય છે, પણ એમાં જીવ નથી હોતો. ઉમંગ નથી હોતો. ઉત્સાહ નથી હોતો. હોય છે તો કેવળ એક રૂટિન ! એમાં જે સંવેદનશીલ હોય છે એ વેઠે છે. ઘણીવાર તો એટલું વેઠે છે કે અનેક માનસિક સમસ્યાઓનો એ ભોગ થઈ પડે છે. એમાં બંને લાગણીશીલ હોય કે બંને જડ હોય તો બહુ વાંધો નથી આવતો, પણ એક લાગણીશીલ હોય ને બીજી વ્યક્તિ જડ હોય ત્યાં મુશ્કેલીઓ વધે છે. કોઈ, કોઈને સમજી શકતું નથી ને પછી જીવન વેંઢારવાનું જ થાય છે. એવી વ્યક્તિઓ સાથે રહેવા છતાં એક પ્રકારનો ખાલીપો, વિરહ અનુભવે છે.

આજની મોટા ભાગની સમસ્યાઓ એકબીજાને સમજી ન શકવાની છે. એમ થવાનું કારણ પણ છે. આજે સંબંધો લાગણીના નથી, માગણીના છે. લાગણીનું ખાસ મહત્ત્વ જ નથી રહ્યું. ઘણાંને એમાં રોતલપણું લાગે છે. સાચું તો એ છે કે એકબીજા તરફ લાગણીનું હોવું હવે આઉટડેટેડ ગણાય છે. કોઈને માટે પ્રેમ હોવો એ અદ્ભુત વાત છે એ વાત જ હવે બહુ મહત્ત્વ ધરાવતી નથી. કોઇની ઝંખના થવી, કોઇની પ્રતીક્ષા કરવી, કોઇની યાદ બનવું એ હવે દુર્લભ બાબત છે. કોઇની યાદમાં આંસુ સારવાં એ રમત કે ગમ્મત નથી. આંસુ વહેવાથી પણ હળવા થવાય છે એ બહુ સમજાતું નથી હવે. આંસુ પાડવા ને પડાવવા એ બે વચ્ચે ફરક છે. એમાં જ કોઈ ન કહે ને કોઈને માટે સહજ રીતે આંખો ભીની થાય એ લાગણી છે ને કોઈને રડાવવામાં તો ઊંડે ઊંડે કોઈ માગણી પડી હોય છે એ ભૂલવા જેવું નથી. આપણે ગમે એટલા સુધરી જઈએ તો પણ જ્યાં સુધી આંસુ છે ત્યાં સુધી લાગણી રહેવાની છે ને એ ઈચ્છવા જેવુ છે કે આંસુ રહે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7521,7531,7541,755...1,7601,7701,780...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved