Opinion Magazine
Number of visits: 9962884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 January 2022

હોલિવૂડની ફિલ્મોના અશ્વેત હિરોમાં દંતકથા બની ગયેલા સિડની પૉટિયે[Sidney Poitier]નું ૭મી જાન્યુઆરીના રોજ, ૯૪ વર્ષની વયે, લોસઍન્જલ્સના બેવરલી હિલ્લસ ખાતે અવસાન થઇ ગયું. ૧૯૬૪માં, 'લિલીઝ ઓફ ધ ફિલ્ડ' નામની ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ઓસ્કાર એવોર્ડ જીતનારો સિડની પહેલો અશ્વેત અભિનેતા હતો.

એક અભિનેતા તરીકે, નાગરિકતા અધિકાર અંદોલન દરમિયાન સિડનીએ એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે અમેરિકમાં નસ્લભેદની લઈને તનાવની સ્થિતિ હતી, ત્યારે સિડનીએ કટ્ટરતા અને રૂઢિવાદને પડકારતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ૧૯૬૭માં આવેલી 'ગેસ હુઝ કમિંગ ટૂ ડિનર' અને 'ઇન ધ હીટ ઓફ ધ નાઈટ' મહત્ત્વની ફિલ્મો હતી.

એ જ વર્ષે, તેની ત્રીજી એક મહત્ત્વની ફિલ્મ, 'ટૂ સર, વિથ લવ' આવી હતી. એ ફિલ્મમાં, સામાજિક અને નસ્લીય મુદ્દાઓથી ખદબદતી લંડનની એક સ્કૂલમાં ભણતાં ઉદ્દંડ છોકરાઓને એક આદર્શવાદી શિક્ષક કેવી રીતે સીધા રસ્તે લાવે છે, તેની કહાની હતી. એ ફિલ્મમાં 'ટૂ સર, વિથ લવ' નામનું થીમ સોંગ ગાનારી સ્કોટિશ ગાયિકા લુલુ કહે છે કે, "સિડની મારા મિત્ર, મારા શિક્ષક અને મારા પ્રેરણામૂર્તિ હતા."

આપણે ત્યાં અને બહાર, શિક્ષકોના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બને છે. 'ટૂ સર, વિથ લવ' એવી એક અનોખી ફિલ્મ હતી, જેમાં સિડનીએ એક સંવેદનશીલ શિક્ષક તરીકે સ્કૂલના વિધાર્થીઓ અને અભિનેતા તરીકે દર્શકોનો આદર મેળવ્યો હતો.

એ ફિલ્મ પ્રેમમાં પડી જવાય તેવી હતી. આપણો વિનોદ ખન્ના પણ પડી ગયો હતો. તેની 'ઇમ્તિહાં' યાદ છે? જો ફિલ્મ યાદ ન હોય, તો કિશોર કુમારનું સદાબહાર ગીત 'રુક જાના નહીં, તું કહીં હાર કે' તો યાદ હશે જ. 'ઇમ્તિહાં'નું એ ગીત એટલું જ લોકપ્રિય થયું હતું, જેટલું 'ટૂ સર, વિથ લવ' થયું હતું. ૧૯૭૪માં આવેલી અને તમિલ ફિલ્મ 'નૂતૃક્કુ નૂરુ'ની રિમેક, 'ઇમ્તિહાં'નો મૂળ પ્રેરણાસ્રોત સિડની  પૉટિયેની 'ટૂ સર, વિથ લવ' હતી.

જેમ 'ટૂ સર, વિથ લવ' સિડની  પૉટિયેની કારકિર્દીમાં એક માઈલસ્ટોન ફિલ્મ ગણાય છે, તેવી રીતે વિનોદ ખન્નાની ફિલ્મી સફરમાં ત્રણ ફિલ્મો તેને એક અપવાદરૂપ અભિનેતાના રૂપમાં સ્થાપિત કરે છે; ૧૯૭૧માં આવેલી રાજ ખોસલાની 'મેરા ગાંવ મેરા દેશ,' ૧૯૭૩માં આવેલી ગુલઝારની 'અચાનક' અને ૧૯૭૪માં આવેલી મદન સિન્હાની ‘ઇમ્તિહાં'.

'દસ નંબરી,' 'રાજા જાની,' 'શરાફત,' 'રાત ઔર દિન' અને 'બંદિશ' જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર મદન સિન્હાએ બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; નૂતન અને મોહનિસ બહેલની 'યેહ કૈસા કર્ઝ' અને વિનોદની ‘ઇમ્તિહાં'.

ઉપર વાત કરી તેમ, આપણે ત્યાં સ્કૂલ-કોલેજના વિષયને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે, અને એમાં ય, વિધાર્થીઓનાં જીવનની સંવેદનશીલતા અને શિક્ષકના બોધપાઠ વચ્ચેના નાજુક સંબંધને ઉજાગર કરતી હોય તેવી ફિલ્મો તો એથી ય ઓછી છે. થોડાં નામો :

સત્યન બોઝ નિર્દેશિત, અભી ભટ્ટાચાર્ય અભિનિત ‘જાગૃતિ’ (“આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી”), રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ (“ઈચક દાન બીચક દાના”), શમ્મી કપૂરની ‘પ્રોફેસર’ (“આવાજ દે કે હમે બુલા લો”), ગુલઝાર-જીતેન્દ્રની ‘પરિચય’ (“મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠીકાના”), મહેશ ભટ્ટ-નસીરુદ્દીન શાહની ‘સર’ (“આજ હમને દિલ કા કિસ્સા તમામ કર દિયા”) અને આમિર ખાનની ‘તારે જમીં પર’ (“દેખો ઇન્હેં યે હૈ ઓંસ કી બુંદે”).

આ બધામાં, 'ટૂ સર, વિથ લવ'ની પ્રેરણાને ભૂલી જઈએ તો પણ, ‘ઇમ્તિહાં’ ઘણા બધા અર્થમાં કોલેજની વાસ્તવિકતાને મૌલિક રીતે પેશ કરવામાં સફળ રહી હતી. એ વર્ષે બોક્સ ઓફિસ પર તોતિંગ ફિલ્મોની સ્પર્ધા હતી. જેમ કે, મનોજ કુમારની ‘રોટી, કપડાં ઔર મકાન,’ રાજેશ ખન્નાની ‘પ્રેમ નગર,’ ‘આપ કી કસમ,’ અને ‘રોટી,’ અમિતાભની ‘મજબૂર,’ દેવ આનંદની ‘અમીર ગરીબ,’ શશી કપૂરની ‘ચોર મચાયે શોર’ અને ધર્મેન્દ્રની ‘દોસ્ત.’ એ બધા વચ્ચે ‘ઇમ્તિહાં’ પહેલા નંબરે ઇમ્તિહાં પાસ કરી હતી!

તેની વાર્તા કંઇક આવી હતી : પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના) એક સમૃદ્ધ બિઝનેસમેન(મુરાદ)નો આદર્શવાદી દીકરો છે. સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાથી તે પિતાનો ધંધો સંભાળવાને બદલે આદર્શ મહાવિદ્યાલય નામની કોલેજમાં ઇતિહાસ ભણાવવાનું કામ સ્વીકારે છે. પ્રમોદનું કામ એટલે અઘરું છે કારણ કે ત્યાંના વિધાર્થીઓ તોફાની અને અસભ્ય છે. છોકરાઓનો નેતા રાકેશ (રણજીત) છે. ક્લાસમાં પહેલા જ દિવસે રાકેશ તોફાન કરે છે અને પ્રમોદ તેનું સખત અપમાન કરે છે.

પ્રમોદ છોકરાઓને સુધારવા પ્રયાસ કરે છે. એમાં, કોલેજના ચેરમેનની દીકરી રિટા (બિંદુ) પ્રોફેસર તરફ આકર્ષાય છે. બીજી બાજુ, પ્રમોદનો ભેટો કોલેજના પ્રિન્સિપાલની અપંગ દીકરી મધુ (તનુજા) સાથે થાય છે. મધુ એક પાયલોટના પ્રેમમાં હતી અને લગ્ન કરવાની હતી, પરંતુ વિમાન અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થઇ ગયું હતું. એ આઘાતમાં મધુ ઘરની સીડીઓ પરથી ગબડી પડી હતી અને તેનો એક પગ કાયમ માટે તૂટી ગયો હોય છે.

પ્રમોદ મધુના જીવનમાં પ્રેરણા અને સકારાત્મકતા લાવે છે, એટલે મધુ તેના પ્રેમમાં પડે છે. રિટાને બંનેનો સંગાથ પસંદ નથી, એટલે તે ઈર્ષ્યામાં આવીને પ્રમોદ પર જાતીય સતામણીનો આરોપ મૂકે છે. રાકેશ એમાં રિટાને સાથ આપે છે. કોલેજના વિધાર્થીઓને અચ્છા ઇન્સાન બનાવવા આવેલા પ્રોફેસર પ્રમોદના ચારિત્ર્યની જ ઇમ્તિહાં શરૂ થાય છે. તેને હવે સર્વેની નજરમાં નિર્દોષ સાબિત થવાનું હોય છે. એમાં તે પાર ઉતરે છે અને ફિલ્મના અંતે, મધુ સાથે જીવન વિતવા માટે તે કોલેજ છોડીને ચાલ્યો જાય છે.

રિટા અને મધુ જ નહીં, દર્શકો પણ આ પ્રોફેસરના પ્રેમમાં પડી ગયા હતા. ઊંચો-પડછંદ વિનોદ ખન્ના કાળી ફ્રેમનાં ચશ્માં અને કોટ-ટાઈમાં સાચે જ આકર્ષક પ્રોફેસર લાગતો હતો. રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન વચ્ચે વિનોદ ખન્ના સેન્ડવિચ થઇ ગયો એટલે, બાકી તેનામાં સ્ટારડમ અને એક્ટિંગ બંનેનું જબરદસ્ત મિશ્રણ હતું. એ સંસ્કારી પણ એટલો જ હતો. એટલે જ બોલીવુડની ઉંદર-દૌડથી ત્રાસીને મનની શાંતિ માટે રજનીશના આશ્રમમાં જતો રહ્યો હતો. તેની સહકલાકાર તનુજા એક જગ્યાએ કહે છે, “એ આલતુ-ફાલતું ન હતો. એની વાતોમાં કચરો ન હતો. માનસિક રીતે મળતો આવતો હોય તેવા સહકલાકાર સાથે સંવાદ કરવાની અલગ જ મજા છે.”

‘ઇમ્તિહાં’ની બીજી યાદગાર ચીજ તેનું ગીત “રુક જાના નહીં તું કહીં હાર કે’ હતું. લક્ષ્મીકાંત-પ્યારેલાલના કર્ણપ્રિય સંગીતમાં, એમ તો લતા મંગેશકરના કંઠે ગવાયેલું શૃંગારરસથી ભરપૂર ‘રોજ શામ આતી થી મગર ઐસી ન થી’ પણ બેહદ મધુર હતું, પણ કિશોર કુમારના અવાજમાં ગવાયેલું મોટિવેશનલ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કિશોરનાં ઘણાં ગીતો બેહદ પ્રેરણાદાયી સાબિત થયાં છે. એમાં આ તો વિશેષ હતું, કારણ કે એમાં જીવનના વિવિધ સંઘર્ષોમાં થાક્યા-હાર્યા વગર આગળ વધતા રહેવાની વાત હતી.

ગીત એકદમ સાદું હતું, પણ શ્રોતાઓને તેમાં ખુદની જિંદગી નજર આવતી હતી, એટલે તે પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યું છે. શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપૂરી મોટા ભાગે સામાજિક નિસ્બતવાળાં ગીતો માટે જાણીતા છે, પણ ‘ઇમ્તિહાં’માં તેમણે જીવનની અત્યંત વ્યક્તિગત ફિલોસોફી પેશ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ફિલ્મની શરૂઆત પ્રમોદ કોલેજ જોઈન કરવા માટે જતો હોય છે ત્યાંથી થતી હોય છે. તે અમીર બાપની ઈચ્છા વિરુદ્ધ, તેમની દોલતને ઠુકરાવીને, ૫૦૦ રૂપિયાની નોકરી કરવા નીકળ્યો હોય છે. પ્રમોદ કહે છે, “મેં કિસી ભી એસે પૈડ કી છાયા મેં નહીં રહે શકતા, જિસકી છાયા મુજે ધૂપ સે દૂર રખને સે બજાય ઉજાલો સે દૂર રખે.” બાપ તેને રોકવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રમોદ ઘર છોડીને નીકળી જાય છે. તેની પીઠ પાછળ બાપ બોલે છે, ‘રુક જાઓ, પ્રમોદ … લૌટ આઓ, બેટે.”

એ ઓપનિંગ દ્રશ્યમાં વિનોદ ખન્ના મહાભારતના અર્જુન જેવો લાગે છે, જેની પીઠ પાછળ બાપનું આક્રંદ છે અને જેની નજર સામે આદર્શ મહાવિદ્યાલયનો રસ્તો છે. એમાં મજરૂહ સુલ્તાનપૂરી જાણે અર્જુનના કૃષ્ણ હોય તેમ લખે છે :

સાથી ન કારવાં હૈ
યે તેરા ઇમ્તિહાં હૈ
યૂં હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંજિલ તુજકો ઈશારે
દેખ કહીં કોઈ રોક નહીં લે તુજ કો પુકાર કે
ઓ રાહી, ઓ રાહી …

પ્રગટ : ‘બ્લોકબસ્ટર” નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

તમે છો ને તો બહુ સારું લાગે છે ! …..

રમજાન હસણિયા|Opinion - Opinion|19 January 2022

લગભગ દાયકા પૂર્વે, મુંબઈના વરલી સી ફેસના ફ્લેટમાં બેઠે બેઠે, દિવાલના માપની બારીમાંથી દેખાતા અખૂટ સમુદ્રની સાક્ષીએ, હ્રદયસ્થ એવા ધનવંતભાઈએ એક વિધાન ઉચ્ચારેલું, 'રમજાન, તારા જીવનમાં સજ્જનતાનો સરવાળો થતો રહેશે.' કોઈ એવી વિરલ ક્ષણે ભાવસભર હૈયે બોલાયેલા આ શબ્દો ક્રમશઃ સાચા થતાં હું અનુભવતો રહ્યો છું. જ્યારે પણ કોઈ ઉમદા વ્યક્તિ સાથે નિકટનો ઘરોબો કેળવાય છે, ત્યારે પ્રિય ધનવંતભાઈએ વગર માંગે આપેલું આ વરદાન ફરી ફરી સાચું પડતું અનુભવું છું. આવો જ અનુભવ મને થયેલો, જ્યારે હું પ્રિય એવા તરલાબહેન શાહના સંપર્કમાં આવ્યો ત્યારે.

આમ તો અમે ફેસબૂકિયા ભાઈબંધ. ઉંમરના હિસાબે એમને મારા વડીલ બહેનપણી કહી શકાય. ગાંધી-વિનોબા મને ગમતા, એમની વાતો ને વિચાર ગમતા; પણ મને ગાંધી-વિનોબાના અભ્યાસ માટે કોઈએ પ્રેર્યો એમ કહેવું હોય તો તેમાં તરલાબહેનનું જ નામ લેવું પડે. સ્વ.બાબુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેમણે મને પોતાની કુશાગ્ર બુદ્ધિથી સમજાવીને ગાંધી અને વૈષ્ણવજન વિશે વાત કરવા મનાવી લીધેલો. એ વાત કરવા વાલોડ પહોંચ્યો ત્યારે પ્રથમ વખત મને એમના દર્શનનો લાભ મળ્યો હતો.

સફેદ સાડીમાં સજ્જ એક પાતળી દેહયષ્ટિ ને ભાલની કરચલીઓ વચ્ચેથી દેખાતી-પરખાતી તેમની આંતરિક તેજસ્વિતા. મારા જેવા એક છોકરડાને ગાંધીની વાત કરવા આવેલો જોઈ લગભગ વડીલોના મોતિયા મરી ગયેલા, પણ હું જોઈ શક્યો કે કોઈએ તરલાબહેનને એમ કહેવાની હિંમત ન કરી કે આ કોને ઉપાડી લાવ્યા છો ! એમના નિર્ણય પ્રત્યેની સૌની અદબ પરથી સૌના દિલ પરના એમના પ્રેમાળ આધિપત્યનો ખ્યાલ મને ત્યારે આવી ગયેલો.

કોઈ પણ જાતના દેખાડા વિના એમણે પોતાની લાગણી વ્હાવ્યા કરી. સભા દરમિયાન મંચ પર નહિ પણ સામે બેસીને મારું બળ વધાર્યા કર્યું. એમની જે અપેક્ષા હોય તે પણ મારી વાતની કોઈ ટીકા ટિપ્પણી તેમણે ન કરી કે ન તો સભા પૂરી થયે રાજી થતા વર્તુળમાં પોતાનો વટ પડાવ્યો. બંને   સ્થિતિમાં તેમનું મંદ સ્મિતભર્યું અડોલ ગાંભીર્ય મને તેમના ભણી વધુ ઝુકાવતું રહ્યું.

કાર્યક્રમ બાદ તેમનાં ફૂલછોડથી છલકાતાં ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેઓ આટલા ફૂલગુલાબી કેમ લાગતા હતા ! ફૂલોની ભાઈબંધીનો આ પરતાપ હતો. ગણી ન શકાય તેટલાં નાના મોટા કુંડાઓમાં તેમની લીલીછમ સંપત્તિ મલકાતા ચહેરે આવનારનું અભિવાદન કરતી હતી. નાનકડા હોલની એક સાઈડમાં મજાનો હીંચકો નાગરી ઠાઠ માઠની ગરજ સારતો હતો. ઘરમાં બહુ ઝાઝું રાચ-રચીલું ન્હોતું પણ જે હતું તે કલાત્મક સજાવટને લીધે એટલું સુંદર લાગતું હતું કે બસ જોયા જ કરીએ ! ધીરેધીરે સંપર્ક વધતાં જણાયું કે એમણે જીવતરને પણ એ જ રીતે સજાવ્યું હતું.

કચ્છના પ્રભુલાલભાઈ ધોળકિયા જેવાં સાધુચરિત પિતાના તેઓ પુત્રી હોવાને લીધે ગાંધી અને વિનોબાના વિચારો તો એમને ગળથૂથીમાં જ મળેલા. માતા પિતાની તાલીમ અને સદનવાડીથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠ સુધીની કેળવણી પામીને તેમનું પોત એવું તો ઘડાયું કે જીવતરના આઠ દાયકા વીતવ્યા પછી પણ એનો રંગ સહેજ પણ ઝાંખો પડ્યો નથી.

કામ પણ આજીવન એમના જીવન ગુરુઓને ગમે એવું જ કર્યું. મગનભાઈ સોની આદિ દ્વારા વાગડમાં ચાલતી વાંઢશાળામાં ભણાવ્યું, બીજે પણ ભણાવ્યું. મોટી ગણાતી નોકરીઓની માયા છોડી એમણે કોઈના જીવન ઘડતરમાં મહત્ત્વની એવી શિક્ષકની નોકરી થઈ શકી એટલો વખત કરી પતિ બાબુભાઈના કામમાં જોડાઈ ગયાં. એમનું કામ શું એવું કોઈ પૂછે તો તેનો એક શબ્દ કે વાક્યમાં જવાબ ન આપી શકાય. સમાજમાં જે પ્રકારના કામની માંગ હોય તે કરવું એ બાબુભાઈની સાદી સીદી સમજ. પતિના પગલે ચાલેલા તરલાબહેને આજીવન એમ જ કુદરતે સોંપેલ કાર્યને સ્વધર્મ સમજીને કર્યા કર્યું ને હજુ કરી રહ્યાં છે.

એમને વ્યક્ત થવાનો ભારે સંકોચ થાય. કેટકેટલું વાંચે પણ આપણે કહીએ કે આના વિશે બોલો ને;  તો મને એવું ન આવડે કહીને પોતાની જાતને ખસાવી દે. આમ પણ ક્યાં ય કેન્દ્રમાં રહેવું કે દેખાવું એમની પ્રકૃતિ જ નહિ. ‘બરાબર … બરાબર … ' એવું બોલીને બધું બરાબર કરી લે. એમની નિશ્રામાં ચાલતી વનસ્થલી જેવી એકાદ નિશાળ જ જોવાનું મને તો સદ્ભાગ્ય મળ્યું છે પણ એ એક અનુભવે હું એટલો પ્રભાવિત થયો છું કે ન પૂછો વાત !

એમની સાથે વાત કરવાની બહુ જ મજા આવે. એક તરફ જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર અને બીજી તરફ ભારોભાર સંવેદનશીલતા. એક નાનકડો પિંડ કેટકેટલું સાચવીને બેઠું છે. પ્રેમાળ હૃદયથી છલકાતાં આવા તરલાબહેનને જન્મદિને એટલું જ કહેવું છે કે તમે છો ને તો બહુ સારું લાગે છે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|19 January 2022

= = = મને મારો કોઈ લેખ સમ્પન્ન થઈ જાય એટલે બદામ-પિસ્તાં ને દ્રાક્ષવાળો ગરમ શીરો આરોગ્યા જેવો ભાવ થાય છે. સંતોષનું સહજ સ્મિત ફરકે = = =

"મારી વિદ્યાયાત્રા"-માં ત્રીજો ખણ્ડ છે : 'મારે વિશે, મારાં મન્તવ્યો વિશે' : એમાં મેં દર્શાવ્યું છે કે હું સાહિત્યકાર છું; અધ્યાપક છું; ટૂંકીવાર્તાકાર છું; વિવેચક છું; તન્ત્રી-સમ્પાદક છું; કૉલમનવીસ છું; અનુવાદક છું; તે કેવા સ્વરૂપે છું. તે તે પ્રવૃત્તિઓ વિશે કેવાં કેવાં મન્તવ્યો ધરાવું છું.

અધ્યાપન, ટૂંકીવાર્તા અને વિવેચન વિશે આ સ્થાને અનેક વાતો કરી છે, મન્તવ્યો પણ દર્શાવ્યાં છે. આજે એમાં તન્ત્રી-સમ્પાદક સ્વરૂપની વાત મૂકી છે :

તન્ત્રી-સમ્પાદક રૂપે —

સાહિત્યિક સામયિકોના તન્ત્રી – editor – તરીકે મેં લગભગ ૩૫ વર્ષ લગી કામ કર્યું -‘વિશ્વમાનવ’ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘ખેવના’. ઉપરાન્ત, 'સન્ધાન' અને ‘સન્નિધાન’- સંલગ્ન પુસ્તકોનું તથા 'સાહિત્યસ્વરૂપ શ્રેણી', 'ચિન્તન-મનન શ્રેણી', 'કાવ્યતત્ત્વ વિચાર શ્રેણી', તદુપરાન્ત, કાવ્યોનાં, ટૂંકીવાર્તાઓનાં તથા દયારામ, સુરેશ જોષી તેમજ રમણલાલ જોશીની સૃષ્ટિ વિશેનાં સમ્પાદનકાર્ય પણ ઉમેરાયાં. એ સઘળા સમય દરમ્યાન, તન્ત્રી-સમ્પાદક તરીકેનો મને માતબર અનુભવ મળ્યો.

ઉત્તરોત્તર મારા ધ્યાનમાં આવ્યું કે તન્ત્રીકાર્યના સ્વરૂપમાં અને તેની રીતભાતમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. જુઓ ને, આ ઇન્ટરનેટ યુગમાં કેટલાક શબ્દોનો વપરાશ કેટલો બધો વધી ગયો છે – default – update – select – cut – paste – save, – junk – trash – archive – recycle – delete – edit, વગેરે.

એ બધામાં edit મને વધારે ગમતો થઈ ગયો છે. કેમ કે, એમાં લગભગ સમગ્ર તન્ત્રીકાર્ય આવી જાય છે : લખાણને edit કરવા માંડીએ એટલે એના અમુક અંશ select થાય, cut થાય, paste થાય, delete થાય. સારા અંશ save કરાય, archive-માં રખાય. ન-સારા junk-માં જાય, trash-માં જાય. આખેઆખું recycle થઈ જાય તેમ આખેઆખું આંખના પલકારામાં duplicate થઈ જાય. નકલ ઉતારવા બેસવાની જફા નહીં.

તન્ત્રીકાર્ય મને વધારે એ કારણે ગમ્યું અને ગમે છે કે એનો મૂળેરો સમ્બન્ધ લેખન સાથે છે. કેમ કે લખવું એટલે જ edit કરવું – શબ્દો લખવા, બદલવા, શબ્દગુચ્છોને ઉલટપુલટ કરવા, વાક્યો બનાવવાં, બદલવાં, જોડણી સાચવવી, વિરામચિહ્નો મૂકવાં, કાઢી નાખવાં. લખનારને જાણ છે કે લખવાની મજા છે, કેમ કે લેખન self-editing છે. જો કે લખનારને એ વાતની પણ જાણ છે કે એ એક પ્રકારની જાતજધામણ છે – આ બેલ મુઝે માર ! નરી ચૅંકભૂંસનો મામલો. તેમ છતાં, એનું છેલ્લું પરિણામ હમેશાં પ્રસન્નતા હોય છે.

મને મારો કોઈ લેખ સમ્પન્ન થઈ જાય એટલે બદામ-પિસ્તાં ને દ્રાક્ષવાળો ગરમ શીરો આરોગ્યા જેવો ભાવ થાય છે. સંતોષનું સહજ સ્મિત ફરકે.

મેં ધ્યાન રાખ્યું હોય છે કે લેખનને પ્રકાશિત કરતાં પહેલાં હું જાતે જ ઍડિટ શું કામ ન કરું -? સૅટ થઈ ગયેલી મારી નાહકની લઢણોની એથી મને ખબર પડે છે, દૂષિત વાક્યરચનાઓ દેખાય છે. ક્યાંક જોડણીનો ઝીણો લોચો હોય, તે ભળાય છે, કશેક વિરામચિહ્નોની ગરબડ હોય, તે વરતાય છે. તો વળી, રમણીય તાજા પુષ્પગુચ્છ જેવા છતાં સમુચિત શબ્દપ્રયોગોની લિજ્જત પણ આવતી હોય છે.

તન્ત્રીકાર્ય મને એ કારણે પણ ગમ્યું અને ગમે છે કે એનો સીધો સમ્બન્ધ લિટરેચર, જર્નાલિઝમ અને મીડિયા સાથે પણ છે. ‘ખેવના’ સામયિકના ૧૦૦ અંક થયા, ૨૨ વર્ષ લગી ચલાવ્યું. ત્યારે મને થાય, એક તન્ત્રી તરીકે કોઈના પણ લેખનને હું એવું-ને-એવું જાહેરમાં શી રીતે મૂકી શકું? લેખકપ્રાણીને વાણી-સ્વાતન્ત્ર્યનો છાક બહુ હોય છે. ફાટ્યું-ફાટ્યું બોલે ને ફગ્યું-ફગ્યું લખે. હું પહેલેથી સમજતો હતો ને ધીમે ધીમે દૃઢ થયું કે એવા લેખકમહાશયના એવા યદૃચ્છાવિહારને કાતરી-સમારીને માફકસરનો કરનાર કોઈ હોય, તો તે હું છું – તન્ત્રી ! કોઈ કોઈ ભારાડીને તો મારે ઘેર બોલાવીને નાસ્તાપાણી કરાવીને બતાવતો હતો કે એનું ચર્ચાપત્ર કેટલું તો કાપકૂપને લાયક છે !

પણ તન્ત્રી માત્રે સમજી રાખવા જેવું પરમ સત્ય પણ મારા ધ્યાનમાં આવ્યું. તે એ કે હું તન્ત્રી, પણ લેખક-વાચક-ગ્રાહક મારા સામયિકનું બીજું અર્ધાંગ છે અને એ અર્ધાંગ જોડે મારાથી પ્રેમ કરાય, હાકેમી નહીં.

કેટલાંક વ્યવહારુ સત્યો પણ ધ્યાનમાં આવતાં ગયાં :

મારું સામયિક લેખકોથી અને ગ્રાહકોથી ચાલવાનું છે. લેખકો નીસરી ગયા હશે, ગ્રાહકો ચાલી ગયા હશે, તો પોતાને પણ પોબારા ગણવા પડશે.

લેખકને મન પુરસ્કાર પ્રભુની અમીદૃષ્ટિ સમો આહ્લાદકારી હોય છે – ભલે ને નાનો કે અમસ્તો કેમ નથી ! આપનારાઓ ઉપકાર નથી જ કરતા. જો કે અહંમન્ય તન્ત્રી ઊધું ક્હૅ છે – લેખકનું પોતે છાપે છે એ જ ઉપકાર છે !

એવું તો એ ઘણું ઘણું ભળતું સમજી બેઠો હોય છે : એમ કે, પોતે સર્વથા સાહિત્યજ્ઞ છે – લેખકમાત્રને સાહિત્યસમાજમાં સ્થાન આપનાર – વાચકમાત્રની સાહિત્યરુચિ કેળવાય તે માટેની તક પૂરી પાડનાર. પરન્તુ એ શ્રીમાનને ભાન નથી હોતું કે અંક જ ન પ્હૉંચ્યો હોય, તો એ તક તો બચારી બ્હાવરી ઊડણચકલી કે કંઈ બીજું -?

Editor : તન્ત્રી

Pic courtesy : Pinterest

મારી સમજ બંધાઈ છે કે લિટરેચર, જર્નાલિઝમ કે મીડિયાનો તન્ત્રી એવી વ્યક્તિ છે જેને શબ્દના સૌન્દર્ય અને સામર્થ્યની પૂરેપૂરી સૂઝબૂઝ હોય છે. મોટાં છાપાંનાં તેમ જ વરસો-વીત્યે નીવડેલાં સામયિકોનાં વ્યવસ્થા-તન્ત્રો સમૃદ્ધ હોય છે, ખાસ તો પશ્ચિમના દેશોમાં.

ત્યાં મુખ્ય તન્ત્રી ઉપરાન્ત બીજા અનેક ઉપ-તન્ત્રીઓ હોય છે. કોઈ ઉપ-તન્ત્રી લેખમાં મુકાયેલા ડેટાની ખાતરી કરે, ગ્રાફ, કોઠા, જો હોય, તો તે તપાસે. બીજો, અવતરણો, સૂચિઓ અને હકીકતોનાં તથ્યાતથ્ય તપાસે. ત્રીજો, એ રીતે પરખે કે લેખ પોતાના છાપાએ નક્કી રાખેલા ફૉરમેટ અનુસાર છે કે નહીં. દાખલા તરીકે, વાર્તા ૨,૦૦૦ શબ્દની હોવી જોઈએ, એમ નિયમ રાખ્યો હોય તો તે તેમ છે કે કેમ એ તપાસે. ચૉથો ઉપતન્ત્રી લેખના વિચાર કે મન્તવ્યને સમીક્ષાદૃષ્ટિથી જુએ અને એને જો લાગે કે લેખ સમુચિત કે સંતુલિત નથી તો, પરત કરે કે ન પણ કરે.

આમ, તન્ત્રીકાર્ય બેશુમાર સમય અને શ્રમ માગી લેનારી પ્રવૃત્તિ છે. તેથી તન્ત્રીને હું એક જાગ્રત વિવેકી જન ગણું છું. વિવેક એવો કે માણસે સરજેલી કલા અને જ્ઞાનની સમ્પદાઓની એ સતત ચૉકી કરે છે, વૉચમૅન છે એ. જનજીવનમાં સ્થિર થયેલા સંસ્કારોની હમેશાં રક્ષા કરે છે, રક્ષક છે એ, પહેરેગીર, સન્ત્રી. લેખન-તસ્કરો પર એ ચાંપતી નજર રાખે. પાત્રતા કે સજજ્તા વિના ઘૂસવા નીકળેલા આલિયા-માલિયાને રોકે. આઇ.ડી. અને પાસવર્ડ માગે. સિક્યૉરિટી ગાર્ડ છે એ.

બહુ ચોખ્ખું છે કે લેખકોનાં લેખનોને વાચકો સાથે જોડનારી કડી તન્ત્રી છે. ગૉરમા’રાજ છે એ. પણ ત્યારે, સવિશેષે તો સાહિત્યના ગૉરમા’રાજે, એટલે કે, દાખલા તરીકે, મારે, જોવું જોઈશે કે હું લાકડે માંકડાં તો નથી વળગાડતો ને. કાવ્ય, વાર્તા કે વિવેચનને નામે વાચકસમાજને અગડમ્ બગડમ્ તો નથી પધરાવતો ને. મારે સમજદારી દાખવવાની હોય કે હું સાહિત્યપદાર્થ પીરસનારો છું – નહીં કે કચરો.

કેમ કે, આપણે ત્યાં મોટા ભાગનું સાહિત્ય સૌ પહેલાં સામયિકોમાં પ્રગટે છે. એ પછી લેખકો એનાં પુસ્તકો કરે છે. એટલે, શું સાહિત્યપદાર્થ, કે શું કચરો, સૌ પહેલાં તો તન્ત્રીને હાથ, મારે હાથ, ચડે છે – જાણે નવજાત શિશુ. મારે વિવેક કરવો જોઇશે કે કયું શબ્દ-શિશુ જીવવાલાયક છે ને કયું ‘સ્વાહા’ કરવાને લાયક છે. મારો ધર્મ બને છે કે હું સાહિત્યપદાર્થને પ્રકાશમાં લાવું ને કચરાનો નાશ કરું. કહી દઉં પેલાને કે ભઇ, અહીં તારો ગજ વાગે એમ નથી, કંઈક બીજું કર.

મેં સમજી લીધેલું કે એ ગૉરમા’રાજ રૂપે મારે નવીન અને નીવડેલા સાહિત્યકારોને જોડવાના પણ છે. નીવડેલી કલમોને નવીનો સામે ધરી બતાવવાની છે તથા નવીનોને નીવડેલાઓની સામે ધરવાના છે. એક દીપ છે, એક દર્પણ છે. મારે સંકેત એવો રચવાનો છે કે જોજો ભાઇ, જોજો બહેન, આ પૂર્વજોમાંથી બળ મેળવજો અને એમનાથી ઊતરતી કોટિનું તો ન જ લખશો. સંકેત મારે નીવડેલાઓ માટે પણ વિસ્તારવાનો છે કે તમે જોજો વડીલો કે કેવી નવ્ય અને આશાસ્પદ કલમો આવી છે, આવી રહી છે.

મને સમજાયું હતું કે તન્ત્રી રૂપે આમ મારે બે પેઢી વચ્ચે ઉપકારક સેતુ બનવાનું છે, નહીં કે પેલા ચતુર વાનરની જેમ નીવડેલાંઓનું ને નવીનોનું, બન્નેનું, ખાઈ જવાનું છે !

= = =

(January 19, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7441,7451,7461,747...1,7501,7601,770...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved