Opinion Magazine
Number of visits: 9456360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકી ધર્મપૃચ્છાથી સાવધાન : તેઓ તો કોમી તનાવ ઇચ્છે છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 April 2025

આતંકવાદ

ભાંગેલું હૈયું અને વિષાદછાયું મન

જેઓ સહેલાણીઓનાં ઢીમ ઢાળે છે તેઓ કાશ્મીરના અર્થકારણનું ગળું ટૂંપે છે. સરકારે અને સુરક્ષા તંત્રે જે કરવાનું છે તેમાં સફળતા સારુ એની શુચિર્દક્ષતા ઉપરાંત સંબંધિત સૌ પાસે, સવિશેષ અલબત્ત સત્તાપક્ષ પાસે સવિશેષ વિવેક અપેક્ષિત છે.

પ્રકાશ ન. શાહ

પાક ક્રિકેટર મોહમ્મદ હાફિઝ કને લાંબા આઘાતઆંચકા પછી પહેલગામની આતંકી ઘટના વિશે માત્ર બે, માત્ર બે જ શબ્દો હતાઃ  સેડ એન્ડ હાર્ટબ્રોકન – ભાંગેલું હૈયું ને વિષાદછાયું મન. આવે પ્રસંગે પુલવામા યાદ આવે, તરત યાદ આવેઃ એક રીતે એ ચૂંટણીપૂર્વ પરિણામદાયી વળાંક જેવી બીના હતી. પણ અહીં સરખામણી અટકી જાય છે, તરત જ અટકી જાય છે, કેમ કે એ લશ્કરી જવાનો પરનો આતંકી હુમલો હતો જ્યારે લઘુક સ્વિટ્ઝરલેન્ડનું હુલામણું નામ પામેલ વિસ્તારમાં મંગળવારની ઘટના એ એક એવો આતંકી હુમલો હતો જે નિઃશસ્ત્ર સહેલાણીઓ પર હતો. 

હુમલા માટેની સમયપસંદગી અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાતની છે એ નોંધ્યું તમે? આખી ઘટના કાશ્મીરચર્ચાને આંતરરાષ્ટ્રીય પરિમાણમાં મૂકી આપવા ન ઘડાઈ હોય જાણે! વડા પ્રધાન મોદીનું દેશ બહાર (અને તે પણ સાઉદીમાં) હોવું, આ સમયપસંદગી પણ સૂચક છેઃ કશાંક ઇસ્લામી/મુસ્લિમ પરિમાણનાં વમળો જગવવા વાસ્તે. મોદી અલબત્ત એમની હંમેશની સ્ફૂર્તિથી વહેલા દિલ્હી પરત થઈ ગયા અને સુરક્ષા સલાહકાર દોભાલ સહિતના સંબંધિતો સાથે ઉચ્ચ કક્ષાની વિચારણાથી માંડીને સંભવિત સર્વપક્ષીય બેઠક સહિતની પ્રક્રિયા એમણે હાથ ધરી છે. તો, ગૃહ પ્રધાન અમિત શાહે પણ સ્થળ મુલાકાત સાથે ‘હોસલા અફઝાઈ’ અને ‘જાયજા’ની અપેક્ષિત કામગીરી પાર પાડી છે. કાઁગ્રેસ પક્ષે પણ વડા વિપક્ષને (અને લાંબા સમયના સત્તાપક્ષને) છાજતી સકારાત્મક પ્રતિક્રિયા દાખવી છે. 

નાગરિક દીઠ સલામતી સેવા બાબતે લગભગ વિશ્વવિક્રમ જેવી કાશ્મીરની પરિસ્થિતિ દાયકાઓથી રહી છે. કલમ 370 વગેરે જે જાથુકી મુદ્દા ને મોરચાને યથાસંયોગ યશ અગર અપયશ સતત અપાતો રહ્યો, એ તો હવે ચિત્રમાં નથી. પણ પાક લશ્કરી વડાનું થોડા દિવસ પરનું આગ ઓકતું ભાષણ અને આ ઘટના પરની પાક રક્ષા મંત્રીની પ્રતિક્રિયા બંને અમે કન્સર્ન્ડ છીએ એવી પાક ભૂમિકા બાબતે પ્રશ્નાર્થ જગવે છે. લશ્કરે તૈયબાએ જવાબદારી સ્વીકારી છે, એ ભૂલવા જેવું નથી. 

પહેલગામની ઘટના આપણા સુરક્ષા વ્યૂહમાં ક્યાંક કશુંક ખૂટે છે એટલું તો અવશ્ય સૂચવે છે. સુરક્ષા વ્યૂહ બાબતે આક્રમક વિશ્લેષક લેખાતા અને જાણેઅજાણે મોદી નેતૃત્વના ઝંડાબરદાર ને બડકમદાર તરીકે ઉભરેલા મેજર જનરલ બક્ષીએ આ વખતે ઉગ્ર ફરિયાદલાગણી તરીકે જે કહ્યું છે તે લક્ષમાં લેવા જોગ છે. એમણે કહ્યું છે કે કોવિડનાં ત્રણે વરસ નવી ભરતી થઈ નથી. એટલે કાશ્મીરમાં અત્યારે અપેક્ષિત આંક સામે એક લાખ ને સાઠ હજાર જેટલા કમ તૈનાત છે. ભરતી નહીં કરવાનો સત્તાવાર નિર્ણય, ઘટતી સુરક્ષા-વિચારણા પછી જ થયો હશે ને?

કાશ્મીરનું અર્થકારણ પ્રવાસન પર નભતું અર્થકારણ ગણાય છે. સહેલાણીઓ પર સામાન્યપણે હુમલો નથી થતો તેને બદલે આ વખતે પસંદગીપૂર્વક તેમ થયું તે દેખીતી રીતે જ કાશ્મીરના અર્થકારણની કમર તોડવાનો કારસો છે એમ માનવામાં હરકત નથી. 

આવા હુમલા, કેમ કે પ્રવાસીઓ વિવિધ પ્રાંતોમાંથી તેમ પરદેશથીયે હોવાના, એટલે દેશમાં ઠેકઠેકાણે કોમી ઉંબાડિયાંથી માંડી આંતરરાષ્ટ્રીય પરિમાણની દહેશત રહે છે. આવે વખતે, ધરમ જાણીને નિશાન પર લેવાના વલણ સામે લોકમત જો કોમી રાહે પ્રતિભાવ આપે તો એ તો આતંકીઓની અપેક્ષિત રમતમાં જોડાઈ જવા જેવું થાય. 

પહેલગામ ઘટના પછી તરતના કલાકોમાં ભા.જ.પ.ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મારનારાઓએ ધરમ પૂછ્યો’તો, નહીં કે જાતિ, એવી ટિપ્પણી રમતી મુકાઈ તે આ સંદર્ભમાં ઇષ્ટ નહોતી. બાબા રામદેવની શરબત જેહાદ હજુ હમણાં જ પાછી ખેંચી શકાઈ છે. 

કાશ્મીરની મસ્જિદોમાં થતાં મિલનમાં આતંકી ઘટનાની ટીકા તેમ જ ઠેકઠેકાણે કેન્ડલ લાઈટ નિદર્શનો આ સંદર્ભમાં નરવી આશાઅપેક્ષા જરૂર જગવે છેઃ સૌ એમાં અવશ્ય જોડાશે. સરકારે અને સુરક્ષા એજન્સીઓએ જે કરવાનું છે તે કરવાનું છે, અને સત્તાપક્ષે જે નથી કરવાનું તે નથી કરવાનું!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 ઍપ્રિલ 2025

Loading

પાકિસ્તાન ન હોય, તો આતંકીઓ પણ ન હોય !

Opinion - Opinion|25 April 2025

રવીન્દ્ર પારેખ

‘… ત્યાં કોઈ સુવિધા નહોતી કે કોઈ પોલીસ નહોતી. તમારી પાછળ ગાડીઓનો મોટો કાફલો હોય છે. જ્યારે વી.આઇ.પી. આવે ત્યારે ઉપર હેલિકોપ્ટર હોય છે. આ બધું અમારા ટેક્સ પરથી જ ચાલે છે ને? તો અમારા માટે કેમ કોઈ સુવિધા નહીં? તમારે જવાબ દેવો પડશે, મારા ઘરનો સ્તંભ જતો રહ્યો છે, પાછો આપો. છોકરાને એન્જિનિયર અને દીકરીને ડૉક્ટર બનાવવી છે, હવે હું શું કરીશ?’ કાશ્મીરમાં સબ સલામતના દાવાની પોલ ખોલતા આ શબ્દો સુરતનાં શીતલ કળથિયાએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલને ભારે હૈયે સંભળાવ્યા છે. આ શીતલ કળથિયાના પતિ શૈલેષભાઈ, 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયા છે.       

આખા દેશ પર કોઈએ પ્લાસ્ટિક વીંટીને ગૂંગળાવવાની કોશિશ કરી હોય તેવી હાલત ભારતનો નાગરિક અનુભવી રહ્યો છે, તે એટલે કે પહેલગામની મિનિ સ્વિત્ઝરલેન્ડ ગણાતી બૈસરનની લીલીછમ ખીણને ચાર પાંચ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓનાં ઢીમ ઢાળીને લોહિયાળ કરી મૂકી છે. કેટલાક પ્રવાસીઓની જેમ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા, તેમાં સુરતના શૈલેષ કળથિયા પણ ખરા. એ જ શીતલ કળથિયા પહેલગામની બૈસરન ખીણની વ્યવસ્થા વિષે કહે છે, ‘હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઇજાગ્રસ્ત છે, તમે લોકો જલદી જાઓ અને કૈંક કરો. અમે ઉપરથી પડતાં આખડતાં નીચે ઊતર્યાં તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધું થઈ ગયું હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ-મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન, પોલીસમેન કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં. કૈં જ સુવિધા નહીં. તેમાંથી પણ એક આર્મી મેન કહે છે કે તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?… આ રીતનું જ હતું તો તમે અમને જવા જ શું કામ દો છો?’

આ દારુણ ઘટના પચીસેક વરસે પુલવામા હુમલા પછી સામે આવી છે. કલમ 370ની નાબૂદી પછી, જુદા જુદા રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ બપોરના સમયે બૈસરન ખીણમાં ઘોડેસવારીમાં, ખાણીપીણીમાં વ્યસ્ત અને મસ્ત હતા, ત્યારે જ આતંકીઓ પોલીસ/સૈનિકના વેશમાં ત્રાટક્યા અને ધર્મ પૂછીને, વીણી વીણીને માણસોને પૂરી નિર્દયતાથી લાશોમાં ફેરવતા ગયા. એક મહિલા અઠવાડિયા પહેલાં જ થયેલાં લગ્નનું હનીમૂન માણવા લેફ્ટનન્ટ પતિ સાથે આવી હતી. પતિને લોહીનું ખાબોચિયું બનેલો જોતાં તેણે પોતાને પણ મારી નાખવાનું કહ્યું, તો આતંકવાદીએ તેને છોડી દેતાં કહ્યું, ‘આ નરેન્દ્ર મોદીને કહેજે.’ એ પરથી એટલું સમજાય છે કે દેશના વડા પ્રધાન આતંકીઓને અને તેમના પાલનહાર પાકિસ્તાનને કેટલું ખૂંચતા હશે. એ મહિલા પર દાખવાયેલી ઉદારતાથી તેના સર્વનાશમાં તો ફેર નહીં પડે, પણ વડા પ્રધાનને સુરક્ષા મામલે વધુ ચિંતિત અને સક્રિય થવાનો મેસેજ તો એ આતંકીએ આપી જ દીધો છે. આતંકીઓએ પર્યટકો પર નિર્મમતાથી ગોળીઓ જ નથી વરસાવી, ત્યાંના કાશ્મીરીઓની રોજી-રોટી પણ આંચકી લીધી છે. 

આ ઘટનાએ દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલાં છીંડાં પણ બતાવી દીધાં છે. સીધો સવાલ એ છે કે દેશમાં પૂરતા સૈનિકો છે ખરા? એક વીડિયોમાં જનરલ બક્ષી કહેતા સંભળાય છે કે દેશના જવાનોની ભરતીમાં 1,80,000નો કાપ મૂકાયો છે. જરૂરી સ્ટાફ વગર ચલાવવાનો ઉદ્યમ લશ્કરમાં પણ કરાય તો એ શત્રુઓને આમંત્રણ આપવા જેવું જ છે કે બીજું કૈં? આ કરકસર ઘાતક છે. એ તો ઠીક, રોજના ચાર પાંચ હજાર પ્રવાસીઓ પહેલગામની બૈસરન ઘાટીની મુલાકાતે આવતાં હોય ત્યાં જવાનોની એક પણ ટુકડી ન હોય એ યોગ્ય છે – જ્યાં ખબર છે કે કાશ્મીરમાં નાના મોટા આતંકી હુમલાઓની નવાઈ નથી? છાશવારે આતંકીઓ ઠાર થતાં હોય કે જવાનો યુદ્ધ વગર શહીદ થતા હોય તે કાશ્મીરનાં પ્રવાસી સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુકાય એ અક્ષમ્ય છે. બૈસરનમાં આતંકીઓ એમ જ ઊતરી આવ્યા નથી, એ સાવ નિર્ભય થઈને ભરબપોરે આવ્યા છે. તે ગયા પછી તેમની શોધખોળ ચાલી છે ને તેમના સ્કેચિઝ પણ જાહેર થયા છે, પણ તેમને આવવામાં કોઈ મુશ્કેલી નડી નથી તે શીતલ કળથિયાનાં નિવેદન પરથી પણ સમજાય એવું છે. 

પહેલગામના આતંકી હુમલાની જવાબદારી ‘ધ રેજિમેન્ટ્સ ફ્રન્ટ (ટી.આર.એફ.)’ લઈ ચૂક્યું છે. એ હુમલાનો માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલીદ/કસૂરી છે જે લશ્કર-એ-તૈયબાનો ઉપપ્રમુખ છે. તે પી.ઓ.કે. તરફથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. 2025ની એક બેઠકમાં સૈફુલ્લાહે જાહેર કર્યું છે કે 2 ફેબ્રુઆરી, 2026 સુધીમાં કાશ્મીર પર કબ્જો કરવા પ્રયત્ન કરશે. તેણે છડેચોક જાહેર કર્યું છે કે આવનાર સમયમાં મુજાહિદ્દીન હુમલાઓમાં વધારો થશે. આવી આગોતરી જાહેરાતો છતાં, પહેલગામમાં સુરક્ષા અંગેની ઉદાસીનતા ઘાતક નીવડી છે, એટલું જ નહીં, એ પણ નોંધવું ઘટે કે પહેલગામનો હુમલો આખરી નથી… 

એ પણ છે કે આતંકવાદીઓએ તક સાધીને 26 નિર્દોષોને નિર્જીવ કર્યા છે. એમને ખબર છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે છે ને વડા પ્રધાન સાઉદી એરેબિયાના પ્રવાસે છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારત વિશેની ચોક્કસ છાપ લઈને જાય અને વડા પ્રધાનને સાઉદી એરેબિયામાં પણ આતંકી શક્તિઓની હિંસક કાયરતાનો પડઘો સંભળાય, એટલે આ હુમલો થયો છે. આ પછી પણ વડા પ્રધાન એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને જ રહી જવાના હોય તો તે અધૂરું ને અપૂરતું છે. ટૂંકમાં, આતંકીઓ પૂરેપૂરા સફાયાને લાયક છે. ખરી જરૂર તો પાકિસ્તાનને પાઠ ભણાવવાની છે, જેણે આતંકવાદીઓને પોષ્યા છે ને વિશ્વભરમાં આતંકવાદનો ફેલાવો કર્યો છે. એ પાકિસ્તાન અત્યારે હાથેપગે છે, તો ય ટંગડી ઊંચી રાખવાનું ચૂકતું નથી. સ્વતંત્રતા પહેલાં એનું અલગ અસ્તિત્વ ન હતું, એમ જ આ ધરતી પર એનું અસ્તિત્વ ક્યાં ય ન રહે એવી કાર્યવાહી કરવાની જરૂર છે. 

સરકારે કાર્યવાહી કરવા માંડી છે, તો પ્રજાએ પણ ટુરિઝમ પર બ્રેક મારવા માંડી છે. 90 ટકા ટ્રાવેલ, હોટેલ અને ફ્લાઇટ બુકિંગ રદ્દ થઈ ગયાં છે. ફ્લાઇટ્સના એડવાન્સ બુકિંગમાં પણ 40 ટકાનો ઘટાડો જોવાયો છે. પહેલગામી આતંકવાદી હુમલાને કારણે ટુરિઝમને 12,000 કરોડનો ફટકો પડવાની ધારણા છે. એ ખરું કે મુસ્લિમોએ હુમલાને વખોડ્યો છે, પણ ગળું ખોંખારીને એ અવાજ પાકિસ્તાન સુધી પહોંચે એવો બુલંદ કરવાની જરૂર છે. પાકના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બધો દોષ ભારત પર ઢોળતાં, આ હુમલા સાથે પાકિસ્તાનને કૈં લેવાદેવા નથી તેવો રાગ આલાપ્યો છે ને આ બધું તેમનાં જ ઘરમાં થયું છે એવું પણ ઉમેર્યું છે. થોડા દિવસ પર પાકિસ્તાનના સેનાધ્યક્ષ આસિમ મુનિરે કોઈ જેહાદીની જેમ હિન્દુઓ અને ભારતની વિરુદ્ધ પોતાની ઘૃણાસ્પદ માનસિક્તાનું વરવું પ્રદર્શન કર્યું હતું, તે એટલે કે સળગતાં બલૂચિસ્તાન તરફથી દુનિયાનું ધ્યાન હટે. પાકિસ્તાનનું લક્ષ્ય એ જ છે કે કાશ્મીરનું જનજીવન સામાન્ય ન થાય. બાકી, હતું તે રોબર્ટ વાડ્રાએ પૂરું કર્યું. તેમણે કહ્યું કે મુસ્લિમો પોતાને નબળા અનુભવી રહ્યા છે એટલે આ હુમલો થયો છે. કોઈ પણ સમજુ માણસ ન કરે એવું વિધાન વાડ્રાએ કર્યું છે. તેમને પૂછી શકાય કે પહેલગામમાં હુમલો કરનારા કોણ હતા તે જાણીને તેઓ આવું કહી રહ્યા છે? આખો દેશ આઘાતમાં હોય, તમામ રાજકીય પક્ષો ને સંગઠનો સરકારની સાથે રહી હુમલાને વખોડતાં હોય ત્યારે વાડ્રાનું આ વિધાન દેશ હિતમાં નથી ને લોક હિતમાં તો બિલકુલ નથી-

પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર(Pok)નું કોકડું વર્ષોથી ગૂંચવાયેલું છે. Pok લઈને રહીશું એવું બોલી બોલીને કાઁગ્રેસી સરકાર ગઈ, પણ કૈં વળ્યું નહીં અને ભા.જ.પ.ની સરકારને પણ દાયકો થયો, હજી સુધી Pok ત્યાંનું ત્યાં જ છે. તે લેવાનું મુહૂર્ત ખબર નહીં ક્યારે આવશે? જો કે, 22 એપ્રિલના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે મોદી સરકારે કેટલાંક અસરકારક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમ કે, અટારી બોર્ડર બંધ કરી છે. સિંધુ જળ કરાર અટકાવ્યો છે. સિંધુ જળ સંધિ અંતર્ગત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરાયું છે. પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે. પાક નાગરિકોના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે ને 48 કલાકમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ અપાયું છે. એ સાથે જ પાકિસ્તાની નાગરિકોને ભારત આવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ બધાંની અસર પડવી જોઈએ, પણ એટલાથી પાકિસ્તાનની શાન ઠેકાણે આવે એમ નથી. એક યુદ્ધમાં મરાય એટલા માણસો મરાયાં છે, પણ આતંકવાદ પર પૂર્ણવિરામ મૂકી શકાયું નથી. આતંકવાદમાં પરિણામ યુદ્ધ જેટલું જ ભયંકર આવ્યું હોય તો પાકિસ્તાન નકશામાં જ ન રહે એ આજની તારીખે સૌથી વધુ અપેક્ષિત છે. ભારતને વેઠવાનું આવશે, એ તો આમ પણ ક્યાં ઓછું વેઠવાનું આવ્યું છે? આટલું વેઠ્યા પછી પણ યુદ્ધ જ માથે ઊભું રહેવાનું હોય તો રાહ કોની જોવાની છે? 

કૂટનીતિ કે માથાકૂટનીતિ જુદો નિર્ણય લેવડાવે તો વાત જુદી છે, બાકી, લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે-એની સઘળી જ પાત્રતા પાકિસ્તાન ધરાવે છે તે ભૂલવા જેવું નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઍપ્રિલ 2025

Loading

મંજિલ વગરનો યાત્રી: ‘દૂર કા રાહી’માં કિશોર કુમારનું મહાભિનિષ્ક્રમણ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2025

રાજ ગોસ્વામી

વૈવિધ્યપૂર્ણ ગાયન કલાના માલિક કિશોર કુમાર વિશે આ દેશમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. અદ્દભુત ગાયન શૈલી અને અનન્ય કોમિક ટાઇમિંગથી તેમણે ચાહકોનાં હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. કિશોર કુમાર માત્ર તેમનાં ગાયન માટે જ પ્રખ્યાત નહોતા, પરંતુ તેમણે પોતાના રમતિયાળ સ્વભાવથી પણ દરેકને મોહિત કર્યા હતા. 

અભિનેતા અશોક કુમારના ભાઈ હોવા છતાં તેમને હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અશોક કુમાર તેમના જમાનામાં એક બહુ મોટા સ્ટાર હતા, પરંતુ કિશોર કુમારે તેમની અનન્ય કળા દ્વારા એથી પણ મોટું સ્થાન હાંસલ કર્યું છે. 

કિશોર સાચ્ચે જ કલાકારનો જીવ હતો. તેમણે તેમની કળામાં જીવનના વિવિધ રંગોને જે આબાદ રીતે ઝીલ્યા છે, તેવું બીજા કોઈ વિશે કહેવું મુશ્કેલ છે. તેમની કારકિર્દીને જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે તેમણે જ્યેષ્ઠ બંધુના પગલે હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો અને એક સાધારણ ગાયક તરીકે શરૂઆત કરીને ધીમે ધીમે ફિલ્મ નિર્માણની તમામ કલાને હસ્તગત કરીને એક ઘેઘૂર વ્યક્તિત્વ બનાવ્યું હતું.

આજે ભલે આપણે તેમને એક સુમધુર ગાયક તરીકે યાદ રાખતા હોઈએ, પરંતુ તેમની બહુમુખી પ્રતિભા માત્ર ગાયન સુધી સીમિત નહોતી. કિશોર કુમારમાં ફિલ્મ નિર્માણની, એક્ટિંગની અને સંગીતકારની પણ બહેતરીન કુશળતા હતી. પ્લેબેક સિંગિંગની તેમની યાદી તો બહુ મોટી છે પરંતુ તેમણે તે દરમિયાન 14 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. એ રીતે તે તેમના સમય કરતાં ખૂબ આગળ હતા. 

તેમને ચોક્કસ પ્રકારની વાર્તાઓ કહેવી હતી, તેમનું જીવન પ્રત્યે ચોક્કસ દર્શન હતું, તેમનામાં ચોક્કસ પ્રકારની લાગણીઓ હતી અને મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં તેના માટે જગ્યા નહોતી. એટલે તેમણે જાતે એ વાર્તાઓ કહેવા માટે ફિલ્મો બનાવી હતી. તેમની ફિલ્મો આજે પણ ગવાહી પૂરે છે કે બહારથી ચંચળ લાગતા કિશોર કુમાર ભીતરથી કેટલા ગંભીર અને દાર્શનિક હતા.

1971માં આવેલી તેમની ફિલ્મ ‘દૂર કા રહી’ આ કિશોર કુમારની સાક્ષી છે. તે ફિલ્મમાં તેમનો બાયોડેટા એકદમ સમૃદ્ધ છે; સ્ટોરી, સ્ક્રીનપ્લે, મ્યુઝિક, પ્રોડ્યુસર અને ડિરેક્ટર બધું જ કિશોરના નામે. ઓફકોર્સ, ફિલ્મના મુખ્ય કિરદારમાં પણ પોતે જ હતા અને પ્લેબેક સિંગિંગ પણ ખુદનું હતું. 

તેનાં ગીતો આજે પણ યાદગાર છે. ‘બેકરાર દિલ, તું ગાયે જા, ખુશિયોં સે ભરે વો તરાને’માં તમને વિન્ટેજ કિશોર કુમાર સાંભળવા મળે છે. કિશોર કુમારનું પહેલું હોમ પ્રોડક્શન ‘ચલતી કા નામ ગાડી’ હતું અને તેમાં કિશોરે કોમેડી કરી હતી, પરંતુ ‘દૂર કા રાહી’ના આ અને અન્ય ગીતોને સાંભળો તો તેમાં પીડા અને સંવેદના ભરેલી છે. 

કિશોરના અવાજમાં જેટલી મસ્તી હતી, વ્યથા પણ એટલી જ હતી. અને આ ગીતમાં તેની ઝલક જોવા મળી હતી. આ ગીત ડ્યુએટ હતું (પડદા પર તે જ્યેષ્ઠ બંધુ અશોક કુમાર અને તનુજા પર ફિલ્માવાયું હતું) અને સુલક્ષણા પંડિતે કિશોરને સાથ આપ્યો હતો. સુલક્ષણા પંડિતે ગાયનની શરૂઆત કરી તે સમયનું તેમનું આ મહત્ત્વનું ગીત છે.

ફિલ્મનું બીજું એક ગીત કિશોર કુમારનું ફેવરિટ હતું; 

પંથી હૂં મૈં ઉસ પથ કા, 

અંત નહીં જિસકા, 

આસ મેરી હૈ જિસકી દિશા, 

આધાર મેરે માનન કા. 

ફિલ્મના ગીતકાર તરીકે ઈર્શાદ જલીલીનું નામ પણ છે અને કિશોર કુમારનું પણ. આ ગીત કોણે લખ્યું હતું તેની સ્પષ્ટતા નથી. આખું ગીત શુદ્ધ હિન્દીમાં છે. માત્ર બે જ શબ્દો વિદેશી છે; રાહ અને ખુશી. તેના પરથી એવું અનુમાન કરી શકાય કે આના શબ્દો કિશોર કુમારે લખ્યા હોવા જોઈએ. એક બીજી વિશેષતા પણ છે કે આ ગીતમાં રવીન્દ્રનાથ ટાગોરનાં બે ગીતોનું પણ મિશ્રણ છે. આ કામ કિશોર કુમારનું જ હોવું જોઈએ.

આ ગીત સાંભળો તો તમને એવો સવાલ જરૂર થાય કે આ જ ગાયકે ‘મૈં હૂં ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમરૂ’ ગાયું હતું? ગીતમાં નાયકના દિલની પીડા પણ હતી અને જીવન દર્શન પણ. ગીત ફિલ્મની વાર્તાનો આધારસ્તંભ પણ છે.

ગીતના મુખડામાં ખબર પડે છે કે નાયક એક અંત વગરના માર્ગ પરનો યાત્રી છે, અર્થાત તે લક્ષ્ય વગર ભટકી ગયો છે, પરંતુ તે આશાની દિશામાં ચાલી રહ્યો છે અને તે આશા જ તેના આત્મસન્માનનો આધાર છે. બહુ ગહન વિચાર છે. 

પથિકને લક્ષ્ય મળતું નથી, પરંતુ આશા સાથે તેની ખોજ જારી રાખવી તે તેનું આત્મસન્માન છે તેમ માનીને તે કર્મરત છે. આ પથિકના માર્ગમાં સુખ અને દુઃખ બંને આવે છે, કાંટા અને ફૂલ બંને આવે છે, અંધારું અને પ્રકાશ બંને આવે છે. અને આ નાની-નાની ક્ષણો ફૂલઝડી બનીને માર્ગદર્શક બને છે.

‘દૂર કા રાહી’ પ્રશાંત નામના માણસની વાર્તા છે, જે સમાજની સુખાકારી માટે અનંત સફર પર નીકળે છે. પ્રશાંત પીડિત અને ગરીબ લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેના આ ભક્તિ ભાવની ડગલે ને પગલે પરીક્ષા લેવાય છે. 

તેને ઘણી બાબતો લલચાવે છે, પરંતુ પ્રશાંત અમુકને અવરોધી જાય છે અને અમુકનો દૃઢતાથી સામનો કરે છે. તે તેના મિત્રો અને વિરોધીઓ બંનેને કરુણાનો સંદેશો પહોંચાડવામાં સફળ રહે છે. ફિલ્મમાં કિશોર કુમારનું જીવન દર્શન ઝળકે છે. આ ફિલ્મ જીવનના હેતુ અને માનવ સંબંધની ક્ષણભંગુરતાનો વિચાર કરે છે.

ફિલ્મમાં કિશોર કુમારનું નિર્દેશન અને ચિત્રણ તેમના બિનપરંપરાગત અભિગમ માટે યાદ રહી જાય તેવું છે. તેમાં ફિલોસોફિકલ અર્થો સાથે કોમેડીનું મિશ્રણ છે. આ ફિલ્મ એક રીતે જીવનનો અર્થ અને સ્વને સમજવાનો પ્રયાસ છે. આવો કિશોર કુમાર લોકો માટે તદ્દન અજાણ્યો છે. ફિલ્મમાં ત્યાગની ભાવના પણ છે. એક દૃશ્યમાં કિશોરને એક નિર્ણય કરવાનો છે – તનુજા સાથે રહેવું કે પછી બધું છોડી દેવું. 

‘દૂર કા રાહી’નો પ્રશાંત તમને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધની યાદ અપાવે છે. સિદ્ધાર્થની જેમ તેના જીવનમાં રોમેન્ટિક પ્રેમનું કોઈ સ્થાન નથી, તેનો પરિવાર પ્રત્યે કોઈ લગાવ નથી અને તેનું કોઈ લક્ષ્ય નથી. પ્રશાંત આંતરમનની ખોજમાં ભટકતો એક આત્મા છે. ફિલ્મમાં હેમંત કુમારના અવાજમાં એક ગીત કિશોર પર ફિલ્માવાયું હતું, જેમાં ફિલ્મનું હાર્દનું હતું;

ચલતી ચલી જાયે, જિંદગી કી ડગર

કભી ખત્મ ના હો, યે સફર

મંજિલ કી ઉસે, કુછ ભી ના ખબર

ફિર ભી ચલા જાયે, દૂર કા રાહી

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...173174175176...180190200...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved