Opinion Magazine
Number of visits: 10,221,698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓછું ભણેલા લોકો શાસન કરી શકે નહિ એવો કોઈ નિયમ નથી, પણ ભણેલા શાસકોએ ઉત્તમ શાસન પૂરું પાડ્યાના અનેક દૃષ્ટાંતો મોજૂદ છે!

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|31 December 2025

હિતેશ રાઠોડ

છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં અલ્પશિક્ષિત લોકોના સત્તા પર આવવા વિશે મોઢા એટલી વાતો થઈ રહી છે. સૌ પોતપોતાનો મત રજૂ કરી રહ્યા છે. કોઈના મતે, ઓછું ભણેલા લોકો દેશનો વહીવટ ચલાવવા સક્ષમ નથી હોતા, ઓછું ભણેલા લોકોના હાથમાં સત્તા એટલે વાંદરાના હાથમાં નિસરણી, ઓછું ભણેલા શાસકને લોક-સમસ્યા અને તેના ઉકેલ વિશે વિશદ જાણકારી હોતી નથી, તો કોઈ વળી એમ પણ કહે છે કે શાસન ચલાવવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી, ઓછું ભણેલા લોકો પણ સારુ શાસન આપી શકતા હોય છે. 

મેટ્રિકથી લઈ ડૉક્ટરેટ ડિગ્રી સુધી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા શાસકો ભારત દેશને મળ્યા છે, અને એ બધા શાસકોએ પોતાનાં શિક્ષણ, સમજણ, સૂઝ, કૌશલ, કૌવત, આવડત, અનુભવ, કાબેલિયત, ચતુરાઈ અને કોઠાસૂઝથી દેશનો વહીવટ ચલાવી બતાવ્યો છે, કોઈકનાં અસાધારણ કાર્યો આજે પણ યાદ કરવામાં આવે છે તો કોઈકને વળી તેમની અસાધારણ કાર્યશૈલીથી યાદ કરવામાં આવે છે, તો કોઈક વળી તેઓના કેટલાક અણઆવડત ભરેલા નિર્ણયોથી ચર્ચામાં રહ્યા છે. 

એ વાત સાચી છે કે શાસન ચલાવવા માટે શાસકમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય શરત નથી. શાસન ચલાવવા માટે હૈયે હામ, દિલમાં કોઈના માટે કંઈક કરવાની કસક અને હૈયાઉકલત હોય તો શાસકમાં શૈક્ષણિક લાયકાત છે કે નહિ એ બાબત ગૌણ બની જાય છે. લોકપ્રશ્નો અને સામાજિક સમસ્યાઓ અને તેના વ્યવહારુ ઉકેલ વિશે પાયાની જાણકારી, થોડી કોઠાસૂઝ અને બીજાઓ પાસેથી કામ લેવાનું કૌવત જો શાસકમાં હોય તો ભયોભયો. આ ત્રણ ગુણો વડે પણ તે દેશનો વહીવટ સુચારુ રીતે ચલાવી શકે છે. સ્વતંત્ર ભારતમાં અને એ પહેલાના રાજાશાહી કાળમાં પણ ઓછું ભણેલા કે અભણ શાસકોએ સુ-શાસન આપ્યાના દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. અલબત્ત શાસક જો શિક્ષિત હોય તો એની અસરકારકતા ક્યાંકને ક્યાંક એના વહીવટમાં વર્તાયા વિના રહેતી નથી. રાજાશાહીમાં પણ અનેક શિક્ષિત રાજવીઓના લોકકલ્યાણ અર્થેનાં કામો શિક્ષણની સાથોસાથ તેમનામાં આમજનતા પ્રત્યેની સંવેદનશીલતા, સૂઝ, ડહાપણ, દૂરંદેશીતા અને કાબેલિયતના દર્શન કરાવે છે, પછી એ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા સ્ટેટ હોય, સર ભગવતસિંહજીનું ગોંડલ સ્ટેટ હોય, જામ સાહેબનું જામનગર સ્ટેટ હોય, સર કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર સ્ટેટ હોય, મહારાજા સર વાઘજી ઠાકોરનું મોરબી સ્ટેટ હોય, કે મહારાજા અમરસિંહજીનું વાંકાનેર સ્ટેટ હોય, આ બધા સ્ટેટ પોતપોતાની રીતે ભવ્ય અને આગવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. 

અમુક રાજવીઓ એશોઆરામી હોવા છતાં મહદઅંશે એમનો વહીવટ લોકાભિમુખ હતો. લોકોના પૈસે એશ કરતા તો એ સામે લોકોને કંઈક આપવું જોઈએ એવા મત ધરાવતા હતા. પ્રજાને રંજાડનાર તત્ત્વોને તેઓ કદિ બક્ષતા નહોતા. રાજ્યની આમ જનતા પ્રત્યે તેમને ખાસ પ્રકારનો લગાવ રહેતો. અડધી રાતે પણ રાજા સમક્ષ ફરિયાદ કરવાની છૂટ હતી. રાજા પણ પ્રજાની રાવ ધ્યાનથી સાંભળતા અને પ્રજાનો અભિપ્રાય લઈ તેનો ઉકેલ આપતા. 

આ બધાં રાજ્યોના રાજાઓએ એ જમાનામાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, અને એમના શિક્ષણની સીધી અસર એમના રાજ્યના વહીવટમાં સ્પષ્ટ ઝલકતી હતી. શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, વીજળી, પાણી, કરવેરા જેવી લોકોને સીધી રીતે સ્પર્શતી બાબતોમાં આ રાજ્યોની કામગીરી ઉડીને આંખે વળગે એવી હતી. આ રાજ્યો લોકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવામાં અગ્રેસર હતા, ખાસ કરીને મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોને શિક્ષણ આપવું એ તેમની પ્રાથમિકતા હતી. આ દર્શાવે છે કે શિક્ષિત રાજવીઓ શિક્ષણને વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું પરિબળ માનતા હતા. શિક્ષણ ઉપરાંત લોકોને નજીકમાં, મફત અને સમયસર આરોગ્ય સુવિધાઓ મળી રહે એવી સુચારુ આરોગ્ય વ્યવસ્થા તેમ જ આમ જનતા પર કરવેરાનું વધુ ભારણ ન આવે એવી કર વ્યવસ્થા ગોઠવી હતી.

શાસકની શૈક્ષણિક યોગ્યતા રાજ્ય વહીવટ કરવા માટે અનિવાર્ય શરત ભલે ન હોય પણ જો શાસક સુશિક્ષિત હોય તો રાજ્યને અને રાજ્યની પ્રજાને એનાથી કેટલો મોટો ફાયદો થાય છે એના જીવંત ઉદાહરણો આપણા આ રજવાડાઓ છે. ગોંડલ, વડોદરા, ભાવનગર, જામનગર, મોરબી વગેરે જેવા રાજ્યોનો દૃષ્ટાંતરૂપ વહીવટ અને ઉડીને આંખે વળગે એવો અને લોકહિત માટેના તેમનાં કાર્યો ઉત્તમ શાસનના નમૂનારૂપ છે. 

ગોંડલના રાજા ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજા કહેવાતા હતા. રાજ્યની સામાન્ય પ્રજા માટેની એમની લાગણી એમના પોતાના સંતાનો કરતાં પણ વિશેષ હતી. પ્રજાની નાની નાની મુશ્કેલીઓનું પણ રાજા ધ્યાન રાખતા હતા. સામાન્ય પ્રજાને ખોટી રીતે રંજાડનાર તેમની ખુદની પ્રજા હોય તો પણ તેઓ તેમને માફી આપવાના મતના નહોતા. એ માટે એમને જે કોઈ કાયદાકીય સજા થતી હોય એ આપવામાં તેઓ પાછી પાની કરતા ન હતા. રાજા ભગવતસિંહજીની પ્રજાવત્સલતા કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો, પહેલાના સમયમાં ગોંડલ રાજ્ય હેઠળ આવતા ગામોમાં દર દોઢ બે માઈલને અંતરે બંધાવેલા થાકલા એ ગોંડલ રાજવી સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનનો એક નાનકડો નમૂનો છે. 

ગોંડલ નરેશ સર ભગવતસિંહજી મહારાજ એક વાર ઘોડા પર સવાર થઈ બહારગામ જઈ રહ્યા હતા. ભગવતસિંહજી એકલા જ જઈ રહ્યા હતા અને પહેરવેશ પણ સામાન્ય માણસ જેવો હતો એટલે કોઈને ખબર ના પડે કે આ ગોંડલ નરેશ છે. રસ્તામાં તેમણે એક ગ્રામીણ સ્ત્રીને નીરણનો ભારો નીચે રાખી વિસામો ખાતી બેઠેલી જોઈ. ઘોડેસવારને આવતા દીઠો એટલે એ સ્ત્રી હાથ ઊંચો કરી ઘોડેસવાર મહારાજાને ઊભા રાખ્યા. ભગવતસિંહજીએ ઘોડાને રોક્યો અને પુછ્યું, “બહેન, શું કામ છે”, સ્ત્રીએ કહ્યુ,”ભાઈ, આ નીરણનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને” મહારાજા ભગવતસિંહજીએ ઘોડા પરથી નીચે ઉતરી સામાન્ય માણસની જેમ નીરણનો ભારો સ્ત્રીના માથા પર ચડાવ્યો. જતા જતા સ્ત્રીએ કહ્યું, ”આપણા ભગાબાપુ જો થાકલા બનાવી આપે તો ભારો ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાની ઓળખ આપ્યા વિના પુછ્યું, ”આ થાકલા એટલે શું” ગામડાની એ સ્ત્રી બોલી, “માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકી તેના પર બાંધકામ કરી જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર મૂકી થોડી વાર વિશ્રામ લઈ શકે અને વિશ્રામ કરી લે પછી એ ભારો માથા પર ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ભારાને સીધો પોતાના માથા પર ચડાવી શકે.” માથે ભારો ચડાવી ભગવતસિંહજી વિદાય થયા. ભગવતસિંહજી પોતાનું કામ પતાવી ગોંડલ પરત ફર્યા એ પછી તરત જ રાજ્યના મુખ્ય ઈજનેરને મળવા બોલાવ્યો. ભગવતસિંહજીએ થાકલા બનાવવા વિશે વાત કહી ઈજનેરને સૂચના આપી કે રાજ્યના ગામોગામ રસ્તા પર દોઢેક માઈલના અંતરે આવા થાકલા ઊભા કરી દો જેથી મારા રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ન જોવી પડે અને કોઈના ઓસિયાળા થવું ના પડે. આ થાકલાનો ઉપયોગ માઈલ સ્ટોન તરીકે પણ કરો જેથી વટેમાર્ગુને ખબર પડે કે નજીકમાં આવેલ ગામ કેટલું દૂર છે.

આમ જનતાની મુશ્કેલીને દૂર કરવા એમના સૂચન પર શીઘ્ર અમલ એ સર ભગવતસિંહજીની સામાન્ય પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રજાવત્સલ વહીવટનો ઉત્તમ નમૂનો છે.

ગોંડલ રાજ્યના રસ્તા બાબતે બિલખાના મહારાજાએ નોંધ્યું હતું કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એ જોવા હાથમાં નકશો રાખવાની જરૂર નથી. ગોંડલ રાજ્યના રસ્તા એટલા સમથળ હતા કે તમે ઘોડાગાડીમાં બેઠા હોવ અને રોદા આવવાનું બંધ થઈ જાય તો સમજી લેવાનું ગોંડલની હદ શરૂ થઈ ગઈ છે અને ફરી રોદા આવવાનું શરૂ થાય કે સમજવાનું કે ગોંડલની હદ પૂરી થઈ છે.’ 

શિક્ષણ અને સંસ્કૃતિ વિશે એક અજાયબ કામગીરી એટલે મહારાજા ભગવતસિંહજી ખુદે તેમના જીવનકાળના લગભગ ૨૫ થી વધુ વર્ષ ભાષા અને સંસ્કૃતિ અંગે સંશોધન કરીને કુલ નવ ભાગમાં તૈયાર કરેલ “ભગવદગોમંડલ” નામનો મહાજ્ઞાનકોષ. ભગવદગોમંડલ એ કોઈ જ્ઞાનકોષ માત્ર જ નથી પરંતું એમાં ભારતીય સંસ્કૃતિની સદીઓ પુરાણી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરલ વાતો એમણે અથાગ પરિશ્રમ કરીને વણી લીધી છે. ભાષા અને સંસ્કૃતિ અંગે વિશદ માહિતી પૂરી પાડતો આટલો વિશાળ અને સમૃદ્ધ મહાગ્રંથ ભારત વર્ષમાં બીજે ક્યાં ય જોવા નહિ મળે. એક પ્રજાવત્સલ રાજાના શિક્ષણ પ્રેમનું આનાથી મોટું જ્વલંત ઉદાહરણ બીજું ક્યું હોય!

રાજાશાહીમાં જ્યારે ભણતર બહુ ઓછું હતું ત્યારે પણ એ સમયની નગરરચના, નગરની બાંધણી રોડ-રસ્તા, મહેલો, ઈમારતો વગેરે બેનમૂન હતા અને વર્ષો સુધી અડીખમ રહેતા. અલબત્ત સર ભગવતસિંહજી એ વખતના સમયમાં એક સુશિક્ષિત રાજવી ગણાતા હતા અને ગોંડલ સ્ટેટનો સુદૃઢ વહીવટ એમની શૈક્ષણિક યોગ્યતાનું આદર્શ પરિણામ કહી શકાય. જો કે શૈક્ષણિક યોગ્યતા કરતાં પણ વધુ મહત્ત્વનો ગુણ એમનામાં જે હતો તે એ કે રાજ્યની આમ જનતાની સમસ્યાઓ વિશે તેઓ અત્યંત સંવેદનશીલ હતા અને માયાળું હૃદયના રાજવી હતા. શિક્ષણ અને સંવેદનશીલતાનો સુભગ સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળતો હતો. જો આ બંને ગુણો તેમનામાં ન હોત તો તેઓ લોકોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા ના હોત. પોતે રાજવી હોવા છતાં લોકોના હિત સાથે સંકળાયેલ અમુક કાર્યો પોતાની જાતે કરવામાં પણ તેઓ કોઈ સંકોચ રાખતા ન હતા.

શાસકની શૈક્ષણિક યોગ્યતા એ શાસનની અનિવાર્ય શરત ન હોવા છતાં વર્તમાનમાં વિકાસના બદલાતા આયામો અને ટેકનોલોજીના વિકાસ અને માનવજીવનમાં તેની ઉપયોગીતાને ધ્યાનમાં લેતા શાસકની શૈક્ષણિક યોગ્યતાને સહેજે અવગણી શકાય એમ નથી. શિક્ષણથી વ્યક્તિમાં બીજું કોઈ પરિવર્તન આવે કે ન આવે પણ શિક્ષણથી વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ વિસ્તરે છે એમાં બેમત હોઈ શકે નહીં. શિક્ષિત વ્યક્તિ જીવન અને જીવન સાથે સંકળાયેલ તમામ પાસાઓને વધુ વ્યાપક દૃષ્ટિકોણથી મૂલવી શકે છે.  

પહેલાના સમયમાં જીવન સાદું હતું અને જરૂરિયાતો સીમિત હતી. મોટાભાગે રોટી, કપડાં અને મકાનને લગતી સમસ્યાઓ પ્રમુખ હતી એટલે શાસકોને પણ સમસ્યાના સમાધાન માટે બહુ વિશેષ પ્રયાસો કરવાના રહેતા નહીં. ઓછા સંસાધનો અને ટાંચા સાધનોથી પણ સમસ્યાનો હલ મળી આવતો હતો. હવે સમયના પ્રવાહની સાથે વિકાસના આયામો, લોકોની જરૂરિયાતો, સમસ્યાઓની જટિલતા વગેરે પણ બદલાતા જાય છે એવે વખતે સમસ્યા ઉકેલ અંગે વ્યાપક દૃષ્ટિકોણની સાથે ઘણા બધા વિષયો અને લોકોના જીવન સાથે સંકળાયેલ બીજી ઘણી બધી બાબતો વિશે પ્રાથમિક જાણકારીની જરૂર પડે છે. શિક્ષિત શાસક પાસે આ બધા ગુણોની અપેક્ષા રહેતી હોય છે. અલબત્ત ભણેલા લોકોમાં આ બધા ગુણો હોય છે એવું જરૂરી નથી, તો પણ ભણેલી વ્યક્તિ પોતાની શૈક્ષણિક લાયકાતની મદદથી ઘણા ગુણો અને કૌશલ્યો સરળતાથી કેળવી શકે છે. આમ, તો શિક્ષણ પ્રાપ્ત કરવાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં અલ્પશિક્ષિત શાસકની નબળાઈ એ છે કે તેને નવું કંઈ શીખવા કરતાં પોતાના અધકચરા શિક્ષણને જોરે જોહુકમી ચલાવી મનઘડંત, તરંગી, તુઘલકી ફરમાનો છોડવામાં વધુ રસ હોય છે. કોઈ નવી વસ્તુ શીખવી તેને પાકા ઘડે કાંઠા ચઢાવવા જેવું લાગે છે. કદાચ એ તેમની અલ્પશિક્ષિત અવસ્થાનું જ પરિણામ છે કે તેમને દેશ અને લોકોના વિકાસમાં નહિ પણ ખુદના ‘વિકાસ’માં વધુ રસ હોય છે!

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

વિલસી શકી હોત એવી એક ગાયકી જે મોચવાઇ ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 December 2025

જન્મ: 25-12-1924 • મૃત્યુ: 16-8-2018

શું અટલ બિહારી વાજપેયીનું ઉદાત્ત નેતૃત્વ અને કવિહૃદય તેમની વિચારધારાની મર્યાદાઓ વચ્ચે ખરેખર એક એવું ગીત બનીને રહી ગયું જે પૂર્ણ રીતે વિલસી ન શક્યું? 

અટલ શતવર્ષી સમારોહ (ડિસેમ્બર ’23 – ડિસેમ્બર ’25) જોતજોતાંમાં વિદાય પણ થઈ ગયો! પક્ષપરિવારની બહાર વ્યાપક ચાહના અને સ્વીકૃતિની દૃષ્ટિએ એમની કારકિર્દી અક્ષરશ: પ્રતિમાન રૂપ હતી. એમના કરતાં વધુ બેઠકો અને લાંબાં સત્તાવર્ષો છતાં મોદી કરતાં એમને માટેની પ્રીતિ અને ચાહના આગળ ને આગળ વરતાય છે.

પ્રકાશ ન. શાહ

તમે નિ:શંક કહી શકો કે વક્તૃત્વના ધણી વાજપેયી પક્ષપરિવારની સંગઠનાત્મક તાકાત વિના દિલ્હીમાં ગાદીનશીન થઈ શક્યા હોત એવું કલ્પી શકાતું નથી, તો સાથેલગું જેની અપીલ પક્ષ અને પરિવારને વટી ગઈ હોય એવી બીજી શખ્સિયત પણ કલ્પી શકાતી નથી.

ઇતિહાસમાં લાંબે નહીં જતાં એક સંવાદ સંભારી આગળ વધુ. યાદ નથી, સુકેતુ કે ધનપાલે મને કહ્યું કે 1967ની લોકસભાની ચૂંટણી પૂર્વે જુનિયર ચેમ્બરે વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અત્યંત સફળ વ્યાખ્યાનશ્રેણી યોજી ત્યારે દીનદયાલે કહ્યું હતું કે ‘માસ કન્ઝપ્શન’નો મામલો છે એટલે મને નહીં પણ અટલને ઊંચકી જાઓ. (જો કે પછી મધોક પ્રગટ્યા હતા અને ઝળકી ઊઠ્યા હતા.) સંઘનું શીર્ષ નેતૃત્વ મધોક કરતાં વધુ વાજપેયીને ઇચ્છતું હશે તે પછીના ઘટનાક્રમથી સમજાઈ રહે છે. જો વિચારધારાકીય કસોટી જ હોય તો તો વાજપેયીને મુકાબલે મધોક દોઢ હિંદુ રાષ્ટ્રવાદી હતા – પણ ચોક્કસ તરેહની નમનીયતા અને લોકસ્વીકૃતિ, એમાં વાજપેયીની જોડ એમને જણાઈ નહીં હોય.

એ 1957માં બલરામપુર-ગોંડાથી ચુંટાઈ સંસદમાં પહોંચ્યા અને ગૃહમાં પહેલી તક સાથે જ એવા તો ઝળક્યા કે નેહરુ મુખે કથિત રૂપે એમને ‘ભાવિ વડા પ્રધાન’ કહેવાયા. વસ્તુત: આવો કોઈ ઉદ્દગાર ક્યાં ય નોંધાયેલો નથી તેવું સ્પષ્ટ વિધાન અભિષેક બેનરજીએ વાજપેયીની અધિકૃત જીવનીમાં ખાસી ખણખોદ બાદ નોંધ્યું છે. છતાં, આ લોકોક્તિમાં વાજપેયીની પ્રતિભાનો સ્વીકાર નથી એવું તો કહી શકાતું નથી.

વાજપેયી માટે નહીં પણ વાજપેયી મુખે મુકાયેલી એક બીજી ઉક્તિ પણ જાણીતી છે : બાંગલા ઘટના પછી એમણે ઇંદિરા ગાંધીને ‘દુર્ગા’ કહ્યાં હતાં. આ ઉક્તિ પણ ખુદ વાજપેયીએ ‘આપ કી અદાલત’માં રજત શર્માને ઓન રેકોર્ડ કહ્યા પ્રમાણે કાલ્પનિક છે. છતાં, અન્યની શક્તિ પ્રતિભાનો સમાદર કરવાની વાજપેયીની સહજ પ્રતિભા જોતાં અને એ ક્ષણનું ઇંદિરાઈ નેતૃત્વ જોતાં ‘દુર્ગા’ પ્રયોગ કેવો સહજ લાગે છે!

ભેગંભેગા એક ત્રીજી જ ઉક્તિ સંભારી લઉં. અયોધ્યા આંદોલનને પરવાન ચડી હશે એ દિવસોમાં એમને અન્યત્ર જોઈને કુલદીપ નાયરે પૂછેલું – તમે ત્યાં નથી ગયા? વાજપેયીએ લાગલું જ કહેલું – રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં! એ અલબત્ત જાણીતી વાત છે, અને અડવાણીએ આત્મકથામાં નોંધ્યું પણ છે કે અમે ભાગ્યે જ અસમ્મત થતા હોઈશું, પણ રથયાત્રાના મારા વિચાર સાથે વાજપેયી સમ્મત નહોતા.

એક રીતે, આ વિધાન સાથે શતાબ્દીપુરુષ વાજપેયીના નેતૃત્વ વિશે વિમર્શની શરૂઆત થઈ શકે. કારણ, એક બાજુ જો આ અસમ્મતિ છે તો બીજી બાજુ અડવાણીનું એ અદ્દભુત અવલોકન છે કે લોકો એમને ઉદાર માને છે, અને મને હાર્ડ લાઈનાર માને છે, પણ અમે સામાન્યપણે એક જ વૈચારિક ફ્રિકવન્સી પર હોઈએ છીએ. માત્ર, લોકોની આ લાગણી બેઉ છેડેથી એકત્ર થઈ પક્ષને સારુ સમર્થનકારી શક્તિ બની રહે છે.

આ ધોરણે વિચારીએ તો વાજપેયીને ‘આધા કાઁગ્રેસી’ માનતી ઋતંભરાની સમજ એક છેડેથી કંઈક અધકચરી ને પૂર્વગ્રહદૂષિત પણ લાગે અને નેહરુનીતિ માટેના પ્રેમ ને પક્ષપાતને પરિણામે પંડિત અટલ બિહારી નેહરુ કહેવાતા (વળી વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત) અટલબિહારીનો પાટલો ઊંચે આસને પણ પડી શકે. 1977માં મોરારજી પ્રધાન મંડળમાં વિદેશ મંત્રીનો અખત્યાર સંભાળ્યા પછી અદકપાંસળા ઉત્સાહી સ્ટાફે ખસેડેલ નેહરુ છબીને સાઉથ બ્લોકમાં પુન:પ્રતિષ્ઠ કરાવનાર અટલબિહારીએ નેહરુના નિધન વખતે લોકસભામાં આપેલી અંજલિ અપ્રતિમ છે – એક ગીત થા, જો અધૂરા રહ ગયા!

અટલબિહારીનું જાહેર જીવન પણ ચોક્કસ જ એક ગીત હતું જે અધૂરું રહી ગયું જો કે, ખરું જોતાં આ એક ગીત હતું જે વંકાઈ ગયું, અને રમતું ગમતું પણ કંઈક રોળાઈ ગયું.

છતી મુદ્દાપકડે તકચૂક એ એમની કમનસીબી રહી. પક્ષને જયપ્રકાશના આંદોલનમાં સહભાગી કર્યો તે મોટી ઘટના હતી. અમે જ્યારે (રાષ્ટ્રભક્તિના ગર્જનતર્જનથી ઉફરાટે) આમ જનતાના આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે રાજકીય કાર્યકર્તા તરીકેના અમારા ચારિત્ર્યમાં પણ બદલાવ આવે છે, એવી એમની આશ્વસ્તકારી પ્રતીતિ કોઈક તબક્કે હવાઈ ગઈ. જનસંઘના જનતાવતાર પછી પક્ષભંગાણ વખતે એમણે સંઘશ્રેષ્ઠીઓને પાયાનો પ્રશ્ન કીધો, નક્કી કરો, તમે આર્યસમાજની જેમ સુધાર સંસ્થા છો કે રાજકીય પક્ષ છો.

ભારતીય જનતા પક્ષની રચના વખતે પાયાના સિદ્ધાંત તરીકે સકારાત્મક બિનસાંપ્રદાયિકતા અને ગાંધીવાદી સમાજનો સ્વીકાર કરાવી શક્યા. વડા પ્રધાન તરીકે 1999માં લાહોર બસયાત્રા સાથે મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતનું નૈતિક સાહસ દાખવ્યું. 2002માં રાજધર્મના પાલનની તાકીદ કરી પણ રાજીનામું ન લઈ શક્યા. 

અહીં આપેલ દરેક દાખલે નવી ભોં ભાંગવાની શક્યતા ખૂલી ખૂલીને ઠીંગરાઈ ગઈ. તાળી અલબત્ત બે હાથે વાગે. પણ પોતે કરેલી પહેલને તહેદિલ આવકારતો પક્ષપરિવાર? એ કાં તો ગાયબ કે પછી પેટમાં રહીને …

‘રાઈટ મેન ઈન રોંગ પાર્ટી’ એ કદાચ એમની ઇતિહાસનિયતિ રહી. પહેલો સાચો અવાજ નીકળે એની ફરતે ભળતાસળતા અવાજોને અવકાશ આપે: એક કવિહૃદય હતું જે રોળાઈ ગયું, એક ગીત હતું જે મોચવાઈ ગયું. એમની સંભાવનાઓ ને એમની મર્યાદાઓ, કાશ, વૈકલ્પિક વિમર્શ સારુ દીવાદાંડી બની રહે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર  2025

Loading

આભાર

શિવમંગલ સિંહ ‘સુમન’ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|31 December 2025

મારી તમારી લાગણી વ્યક્ત કરતું આ કાવ્ય વર્ષાંતે બંધબેસતું હોવાથી, અનુવાદ કરી, અહીં સાદર પેશ કરું છું.

જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

અજાણતા જીવન થાય અસ્થિર,
ને માર્ગ પર મેળ ક્યાંક બેસી જાય,
સીમિત ડગલાં, વેગળું ગંતવ્ય,
અંતર કાપવું નથી સહેલું જરાય.
ડાબે જમણે સુખ-દુ:ખ ચાલે,
સામે ચાલે માર્ગનું વરદાન,
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

શ્વાસ પર આધારિત આ કાયા,
ચાલતા જ્યારે થઈ જાય ચૂર,
સ્નેહ-શબ્દ બે મળતા જ,
મેળવે નવી સ્ફૂર્તિ,
થઈ જાય થાક દૂર.
માર્ગના પરિચિત પડ્યા વિખુટા
પણ ચાલતી રહી યાદો સાથે —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

મારો સાથ આપી શક્યા નહીં જે,
તેથી સૂનો થોડો પડ્યો રાહ?
ચાલું નહીં હું પણ અગર તો શું,
વટેમાર્ગુ મરે પણ વાટ અમર રહે.
આ રાહ પર એ જ ચાલે છે,
જેમને ચાલવાનો મળ્યો છે સ્વાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

કેમ કરી ચાલી શક્તો અગર
મળ્યું ન હોત બેચેન અંતર?
કેમ કરી ચાલી શક્તો અગર મળ્યા હોત
પરમ તૃપ્તિ, અમરત્વપૂર્ણ પ્રહર!
આભારી છું હું એ બધાંનો,
જે આપી ગયા વ્યથાનો પ્રસાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

૩૧ ડિસેમ્બર, ૨૦૨૫
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...167168169170...180190200...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved