
સંજય ભાવે
વર્ષોથી બાંગ્લાદેશીઓ છે, વર્ષોથી ગેરકાયદે રહે છે, બનાવટી દસ્તાવેજોનો આધાર બતાવે છે, ગુનાઈત પ્રવૃત્તિઓમાં છે – સરકાર ખોટી ન હોય, એ તો સત્યને વરેલી છે.
પણ આજના ‘દિવ્ય ભાસ્કર’માં એક ‘મોટો સવાલ’ નાના ચોકઠામાં છે : ૨૨ વર્ષમાં ૧૨ મ્યુનિસિપલ કમિશનર, ૭ કલેક્ટર, ૧૫ એસ.પી. આવ્યા. છતાં લલ્લા બિહારનું સામ્રાજ્ય કેમ ટસથી મસ ન થયું ?
આ સવાલ કાઉન્સિલરો, ધારાસભ્યો, સંસદ સભ્યો સામે પણ ખરો.
ઉપરોક્ત તમામ પ્રકારના માણસો ચંડોળા તળાવ પરનાં દબાણો અંગે સીધા જવાબદાર ન ગણાય ?
ઉપરોક્ત તમામને તેમના હોદ્દા રુએ સત્તા, નિમણૂક રુએ ભરપૂર પગાર-ભથ્થાં અને સગવડો મળે છે. તેમ છતાં આ બધાએ વર્ષો લગી ચંડોળા ફૂલવા – ફાલવા દીધું એમ ગણી શકાય ?
આ બધાં પ્રામાણિક અને દેશભક્ત હશે, પણ તેમની કાર્યક્ષમતા અને ઇચ્છાશક્તિ સામે ગંભીર સવાલો છે. તેમની કાર્યક્ષમતા અને ઈચ્છાશક્તિના અભાવે (આમ તો કામચોરીને કારણે) રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની સામે ગંભીર સવાલ ઊભા થયા છે એવું માની શકાય ?
આ બધાંને કારણે શહેરમાં આતંકવાદી તત્ત્વો પ્રવેશીને પગદંડો જમાવી શક્યા છે, એવો દાવો થઈ શકે ?
એટલે આ હોદ્દેદારો તેમ જ લોકપ્રતિનિધિઓની સામે ફરજમાં જઘન્ય બેદરકારી દ્વારા રાષ્ટ્રને હાનિ પહોંચાડવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે ખરી ?
અત્યારે સમાજના એક હિસ્સાને ગેરકાયદે વસેલા લોકો માટે જેટલો ગુસ્સો અને તિરસ્કાર ઉપજે છે, તેટલો તેમના વસવાટનાં મૂળ કારણ સમા પોલીસ, વહીવટી અને ચૂંટાયેલા તંત્ર સામે પણ આવવો ન જોઈએ ?
આ રાજ્યમાં પચીસેક વર્ષથી રાષ્ટ્રપ્રેમને વરેલી, આતંકવાદને ખતમ કરી નાખવા માટેની અસાધારણ સજાગતા-સજ્જતાથી અહર્નિશ થનગની રહેલા હિંદુત્વવાદી પક્ષની સરકાર છે એ ભૂલી શકાય ખરું ?
સહેજ યાદ આવ્યું : અમેરિકાએ એમને ત્યાં ગેરકાયદે વસવાટ કરનારા એકંદરે સંપન્ન ભારતીયો અને ગૂર્જરવાસીઓને કાઢ્યા.
લોકોને હાંકી કાઢવાની એમની રીત સારી હતી કે આપણી ? કે બન્ને પોતપોતાની રીતે બરાબર છે ? એ ભારતીયોને, એ ગુજરાતીઓને અને ચંડોળાવાસીઓને લઘુતમ માણસાઈ ભર્યા વર્તન અને લાગણીને યોગ્ય ગણીએ તો એ રાષ્ટ્રદ્રોહ ગણાય ?
એ પણ નોંધીએ કે નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન – પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે (PUCL) ચંડોળમાં સરકારની કારવાઈની પદ્ધતિ સહિત ઘણાં પાસાંને વખોડતું નિવેદન આપ્યું છે.
૩૦ એપ્રિલ ૨૦૨૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર