Opinion Magazine
Number of visits: 10,225,407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત શિવકુમાર શર્મા અને ‘ઝનક ઝનક પાયલ બાજે’

રમણીક સોમેશ્વર|Opinion - Opinion|15 June 2022

‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.

વર્ષ ૧૯૫૫. ડૉ. કર્ણ સિંહ એ દિવસોમાં શિવકુમારના પિતાજી પાસે સંગીત-ગાન શીખે. એમના કહેવાથી ૧૭ વર્ષના શિવકુમારને મુંબઈમાં હરિદાસ સંગીત સંમેલનમાં વાદન માટે નિમંત્રણ મળ્યું. એ સંમેલનમાં બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ અમીરખાન, પં. ઓમકારનાથ ઠાકુર, પં. પન્નાલાલ ઘોષ, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, પં. રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાન – જેવા અનેક દિગ્ગજ સંગીતકારો ભાગ લેનારા હતા. આવા મહાનુભાવો સાથે ભાગ લેતાં આ તરુણે કેવો આહ્‌લાદ અનુભવ્યો હશે!

શિવકુમાર ત્યારે તબલાવાદન માટે જાણીતા, તેથી તેમને તબલાવાદન માટે કહેવાયું પણ આ યુવાને તો તબલા અને સંતૂર – બંને વગાડવાનો આગ્રહ રાખ્યો. ઘણીબધી રકઝક પછી આ છોકરાની જિદ સામે નમતું જોખી આયોજકોએ કહ્યું, ‘તારી પાસે રોકડી ૩૦ મિનિટ છે. એમાં તારે કરવું હોય તે કર.’

મંચનો સુંદર મખમલી પરદો ઊંચકાયો. શિવકુમાર સંતૂર અને તબલા સાથે પૂરા આત્મવિશ્વાસપૂર્વક મંચ પર આવી ગયા. સંતૂર પડખે મૂક્યું. તબલા પર થાપ દીધી અને એમને મળેલ પૂરા અર્ધા કલાક સુધી તબલાવાદન કર્યું. તાળીઓનો ગડગડાટ અને વાહ વાહ એમને પ્રોત્સાહિત કરતા રહ્યા. અને પછી હાથમાં લીધું સંતૂર. સમ મેળવ્યો અને સંગીતરસિયા શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા કાવશજી જહાંગીર હોલમાં પૂરો એક કલાક રાગ ચમન વગાડ્યો. દ્દઢ મનોભાવ સાથે. બધું ઈશ્વરને સોંપી દઈને અને જમ્મુનો આ યુવક શ્રોતાઓ પર છવાઈ ગયો. ‘દુબારા, દુબારા’ના નાદ ઊઠ્યા – યાદ રહે, જમ્મુ બહાર અને વિશેષ રૂપે મુંબઈ નગરીમાં આ યુવકે પહેલી વખત પગ મૂક્યો હતો.

અહીંથી આરંભાય છે પેલા ચલચિત્રની વાત. વાહવાહોની ગુંજ અને શ્રોતાઓ તેમ જ સંગીતકારોનો પ્રેમ લઈ આ યુવક મોડી રાતે ઉતારે પહોંચ્યો. સવારે હજુ જાગ્યો જ છે ત્યાં એક સુરુચિ સંપન્ન સન્નારી એમની રાહ જોતાં બેઠાં હતાં. એ હતા મધુરા શાન્તારામ. વિખ્યાત ફિલ્મ નિર્દેશક વી. શાન્તારામનાં પુત્રી. તેઓ એમના પિતાનો સંદેશ લાવ્યાં હતાં કે “શું શિવકુમાર એમની આગામી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ માં સંતૂર વગાડવાનું પસંદ કરશે?” વિચાર કરો, કેવી ઉત્તેજના અનુભવી હશે આ યુવાને! પણ પંદર દિવસ પછી જ હતી એની કૉલેજની ફાઇનલ પરીક્ષા. એ છોડીને  તો એ ન આવી શકે. એણે પ્રસ્તાવ પાછો વાળ્યો, પણ સાથે સાથે એમ પણ કહ્યું કે ‘પરીક્ષા પછી પણ તમારો પ્રસ્તાવ ખુલ્લો હોય તો, આ રહ્યું મારું સરનામું’, એમ કહી સરનામું આપ્યું.

સંગીત સમારોહની મધુર યાદો સાથે શિવકુમાર જમ્મુ પહોંચ્યા અને બરાબર પરીક્ષાના આગલે દિવસે જ મુંબઈના રાજકમલ સ્ટુડિયોમાંથી એક તાર આવી પહોંચ્યો. ‘ઝનક ઝનક પાયલ બાજે’ના પાર્શ્વ સંગીત માટે આવી જાવ.”… ફરી મુંબઈ.

ત્યાં સ્ટુડિયોમાં વી. શાન્તારામ સાથે હતા સંગીત-નિર્દેશક વસંત દેસાઈ. અન્ય કેટલા ય લોકોની જેમ સન્તૂર સાંભળવાની વાત તો દૂર રહી, એમણે સંતૂર જોયું પણ ન હતું. એમણે શિવકુમારને સંતૂરના થોડા પીસ સંભળાવવાનું કહ્યું. લગભગ એક આખો કલાક શિવકુમારે સન્તૂર વગાડ્યું. વસન્ત દેસાઈ બોલી ઊઠ્યા, “હું તારે માટે સંગીત-નિર્દેશન નહીં કરું. તું પોતે જ ફિલ્મ જોઈને ક્યા દૃશ્ય માટે શું વગાડવું એનો નિર્ણય તારી જાતે જ લે. મને વિશ્વાસ છે કે તું જે કંઈ વગાડીશ એ ઉત્તમ જ વગાડીશ”. અને પછી એક અઠવાડિયું આખું સ્ટુડિયોમાં રહી શિવકુમારે સંગીત આપ્યું. રોમાંચસભર સુંદર દૃશ્યો માટે એવું જ મધુર સંગીત.

વસંત દેસાઈએ જ્યારે શાન્તારામને એવું જણાવ્યું કે શિવકુમારે પોતાના સંગીતનું નિયોજન પોતે જ કર્યું છે ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. એમણે ધ્યાનપૂર્વક એ સંગીત સાંભળ્યું. ખુશ થયા અને થોડાં નાનાં – મોટાં સૂચનો સાથે એ સંગીત તરત રેકૉર્ડ કરાવી લીધું.

પછી શાન્તારામે એમની આગામી ફિલ્મ માટે સંગીત-નિર્દેશનનો પ્રસ્તાવ પણ એમની પાસે મૂક્યો અને એમાં અભિનય કરવાની વાત પણ કરી. પણ આ યુવાન સામે લક્ષ્ય હતું સંગીત. બી.એ.ની પરીક્ષા પાસ કરી સંગીત-સાધનામાં લાગી જવાની એમની નેમને ગ્લેમરની દુનિયાના એ પ્રસ્તાવો લલચાવી ન શક્યા.

 આ થોડી વાત ‘ઝનક ઝનક પાયલ બાજે’ના સંગીત-નિર્દેશન અને જોડાયેલી રસપ્રદ સ્મરણ-ગાથાની.

(સંદર્ભ : “सन्तूर मेरा जीवन संगीत’’ – पं. शिवकुमार शर्मा − प्रकाशक भाग्य ज्ञानपीठ, ई.स. ૨૦૧૨)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 15  

Loading

રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 June 2022

૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.

કવિ ઝવેરચંદ મેઘાણી જેના ઘટમાં ઘોડા થનગનતા હોય, જેનો આતમ પાંખ વીંઝતો હોય અને જેની આંખ અણદીઠેલી ભોમ પર મંડાયેલી હોય તેને યુવાન ગણે છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની યુવાનની પરિભાષા ઉંમર કે વય સાથે સંકળાયેલી છે. ૧૫થી ૨૪ વરસની વયની વ્યક્તિને તે યુવાન ગણે છે. ભારત સરકારની યુવા નીતિમાં આ વય બદલાતી રહી છે. ૨૦૦૩માં ૧૩થી ૩૫ વરસ અને ૨૦૧૪માં ૧૫થી ૨૯ વરસની વય યુવાન માટે ઠરાવી હતી. ૨૦૨૧ની યુવા નીતિના મુસદ્દામાં ૧૫થી ૨૯ અને ૧૩થી ૩૫ એમ બંને વયનો ઉલ્લેખ છે.

જેમ સરકારી યુવા નીતિમાં યુવાનની ઉંમર બદલાતી રહે છે, તેમ તેના ઉદ્દેશો પણ બદલાતા રહે છે. યુવાનોને આર્થિક રીતે ઉત્પાદક અને સામાજિક રીતે ઉપયોગી બનાવવા માટે તેમના વ્યક્તિત્વ અને કાર્યાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના અવસર પેદા કરવાનો ઉદ્દેશ ૧૯૮૮ની પ્રથમ યુવા નીતિનો હતો. તે કેટલો ફળીભૂત થયો છે તેની ચર્ચા વિના તે પછીની યુવા નીતિના ઉદ્દેશો ઘડાતા રહ્યા છે. ૨૦૧૪ની નીતિનો ઉદ્દેશ યુવાઓની ક્ષમતાનો વિકાસ સાધી તેમના થકી ભારતને અન્ય રાષ્ટ્રોમાં મોભાનું સ્થાન અપાવવાનો હતો.

૨૦૧૪ની નીતિની પાંચ વરસે સમીક્ષા કરવાની હતી. પણ હવે આઠેક વરસે નવી નીતિ આવી રહ્યાના પડઘમ સંભળાય છે. ભારતને આગળ વધારવા માટે યુવાનોની ક્ષમતાઓને મોકળું મેદાન પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવતી ૨૦૨૧ની યુવા નીતિમાં આગામી દસ વરસ માટે યુવા વિકાસનો દૃષ્ટિકોણ અને સંકલ્પ વ્યક્ત થયા છે. ૨૦૧૪ની યુવા નીતિના પ્રાથમિકતાના ક્ષેત્રો અગિયાર હતા પણ હાલની નીતિમાં પાંચ જ પ્રાથમિકતાના ક્ષેત્રો છે. શિક્ષણ, યુવા નેતૃત્વ અને વિકાસ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા, તંદુરસ્તી અને રમતગમત તથા સામાજિક ન્યાયની પાંચ પ્રાથમિકતા સાથે ૨૦૩૦ના વરસને લક્ષ્યાંક સિદ્ધિનું વરસ નવી યુવા નીતિમાં ઘોષિત કરવામાં આવ્યું છે.

ડેમોગ્રાફિક ડિવિડન્ડ  કહેતા યુવા ધનથી ભારતવર્ષ છલકાઈ રહ્યું છે. દેશની કુલ વસ્તીમાં ૧૫થી ૨૯ વરસના લોકોનું પ્રમાણ ૨૭.૫ ટકા અને ૧૩થી ૩૫ વરસનું ૪૧.૩ ટકા છે. દેશમાં ૧૫થી ૨૪ વરસના યુવાનો ૨૩.૨૧ કરોડ છે. ઉત્તર પ્રદેશમાં ૬.૩૭ કરોડ અને ગુજરાતમાં ૧.૭૮ કરોડ લોકો ૧૪થી ૨૩ વરસની વયના છે. દેશમાં ૧૫થી ૨૯ વરસના લોકોનો સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા અને દેશની સામાન્ય રાષ્ટ્રીય આવકમાં યોગદાન ૩૪ ટકા છે.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં યુવા વસ્તી વધારે છે. કેરળ અને તમિલનાડુમાં યુવાનો કરતાં વૃદ્ધોની વધુ વસ્તી હોવી એ હકીકતનો નિર્દેશ કરે છે કે ઉત્તરના પછાત રાજ્યોમાં યુવા અને દક્ષિણના વિકસિત રાજ્યોમાં વૃદ્ધ વસ્તી વધુ છે.

લગભગ દરેક યુવા નીતિમાં શિક્ષણ અને રોજગારનો પ્રાથમિકતાના ક્ષેત્રમાં સમાવેશ થયો છે. છતાં આ બંનેની બાબતમાં દેશનો યુવા સૌથી વધુ અજંપ છે. શિક્ષણના ખાનગીકરણનો વ્યાપ વધ્યા પછી ઉચ્ચ શિક્ષણ વધુ દોહ્યલું બન્યું છે. એવું જ રોજગાર અંગે કહી શકાય. કૌશલ વિકાસ અને વ્યવસાયલક્ષી શિક્ષણના થીગડાથી ન તો શિક્ષણનો સવાલ ઉકલે છે કે ન તો રોજગારનો. આ વરસના બજેટમાં કોરોના મહામારીના અનુભવને આધારે ડિજિટલ શિક્ષણ પર ભાર મુકાયો છે. પરંતુ ભૂતકાળના અનુભવો પરથી સફળતાની શક્યતાઓ વર્તાતી નથી. યુવા વિકાસની પ્રત્યક્ષ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર યુવા દીઠ વાર્ષિક રૂ.૧,૧૧૦ ખર્ચતી હોય તો તેનાથી યુવાનોનું દળદર કઈ રીતે ફીટે ? દેશમાં ૩૦ ટકા યુવા શ્રમિકો રોજગારવિહોણા બન્યા હોય અને ૩ કરોડ યુવાનો બેકાર હોય ત્યારે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની વાત પણ ઠાલી લાગે છે.

યુવા નેતૃત્વ પણ શબ્દફેરે તમામ યુવા નીતિમાં જોવા મળે છે. વહીવટના તમામ ક્ષેત્રોમાં યુવા નાગરિકોની ભાગીદારી, સહાયક વહીવટી તંત્ર ઊભું કરવું અને શહેરી વહીવટમાં યુવા ભાગીદારીને પ્રોત્સાહન જેવી બાબતોના અમલ અંગે ભાગ્યે જ નક્કર વિચારણા થતી હોય છે. રાજકીય પક્ષોની યુવા પાંખો નેતાઓની સભાઓની ભીડ એકઠી કરવાનું સાધન માત્ર છે. દેશમાં યુવા વસ્તી વધે પણ અઠાર વરસના મતાધિકાર પછી સંસદ અને ધારાસભાઓમાં વૃદ્ધો વધે તે ભારતીય લોકતંત્રની બલિહારી છે. ભારતની પહેલી લોકસભામાં ૬૬થી ૭૫ વરસના સભ્યો માત્ર ૧૧ (૨.૩૮ ટકા) જ હતા.પરંતુ વર્તમાન લોકસભામાં ૬૦ વરસથી વધુ ઉંમરના ૧૭૭ સાંસદો છે. પહેલી લોકસભામાં ૨૫થી ૩૫ વરસના યુવા સાંસદો ૮૨ (૧૭.૭૫ ટકા) હતા. જે સોળમી લોકસભામાં ઘટીને ૧૯ (૩.૬ ટકા) છે. પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ ટકા હતી. પરંતુ સોળમીમાં ૫૬ વરસ હતી. વડીલોના ગૃહ રાજ્યસભાના સૌથી યુવા સભ્યની ઉમર ૩૩ વરસ છે જે યુ.નો.એ યુવાનની ઠરાવેલી ઉંમર કરતાં નવ વરસ વધુ છે ! આ વરસે જ યોજાયેલી યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની સરેરાશ ઉંમર ૫૨.૭ વરસ છે. આ વાસ્તવિકતા યુવા નીતિમાં દર્શાવેલ યુવા નેતૃત્વની પ્રાયોરિટીની પોલ ખોલી નાંખે છે.

યુવા નીતિમાં તમામ યુવાનોને એક જ સરખા ગણવાનું વલણ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી, ગરીબ અને તવંગર, અભણ અને ભણેલા, યુવક અને યુવતી જેવા ભેદ ધ્યાનમાં રખાતા નથી. યુવા નીતિમાં ક્યારેક જ લૈંગિક ન્યાય, બાળવિવાહ, સ્ત્રીઓ પ્રત્યે દુર્વ્યવહારનો ઉલ્લેખ છે. જે  અર્ધી આબાદીની ધરાર ઉપેક્ષા છે.

રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૩૦ના લક્ષ્યાંક સાથેની નવી યુવા નીતિ ચર્ચામાં છે, ત્યારે રાજ્યકક્ષાએ ગુજરાતની સ્થાપનાના શતાબ્દી વરસ ૨૦૬૦ની યુવા નીતિની તૈયારીઓ ચાલી રહી છે. વિકાસનું ગુજરાત મોડેલ યુથ પોલિસી અંગે પણ ઘણું ઘણું આગળનું વિચારે છે, નહીં ? ૨૦૦૨ના બી.જે.પી.ના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ યુવા ઉત્કર્ષ યોજનાનું વચન અપાયું હતું. હવે રાજ્યમાં મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે ! આ પ્રગતિ કંઈ સાધારણ છે ?

યુવાન એટલે રમતગમત એ બાબત સરકારોના મનમાં એવી ઠસી ગઈ છે કે કેન્દ્ર અને રાજ્યોમાં યુવા બાબતના મંત્રાલય અને વિભાગ સાથે જ રમતગમત પણ હોય જ છે. યુવાન એટલે માત્ર રમતગમત જ નહીં શિક્ષણ અને રોજગાર પણ એ સ્વીકારીને યુવા બાબતો સાથે શિક્ષણ કે  રોજગારનો વિભાગ કે મંત્રાલય પણ જોડાય એટલું પણ યુવા નીતિમાં હોય તો ભયો ભયો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મહાન ચિંતક બર્ટ્રાન્ડ રસેલની 150મી જયંતી …

કિરણ કાપુરે|Opinion - Opinion|14 June 2022

બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની દોઢસોમી જયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872 વર્ષના 18, મેના રોજ બ્રિટનના મોનમોથશાયરમાં જન્મ્યા. વીસમી સદીના અગ્રગણ્ય તર્કશાસ્ત્રી તરીકે તેમની ઓળખ અપાય છે. આ ઉપરાંત, તેઓ ગણિત, સમાજશાસ્ત્ર, ધર્મ અને નીતિ જેવા વિષયોને પણ પોતાનાં લખાણોમાં આવર્યાં. દરેક વિષયને તેમણે પોતાની આગવી દૃષ્ટિથી ખેડ્યો અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમના આ અભ્યાસથી જ તેઓએ અદ્વિતીય સાહિત્ય રચ્યું અને 1950ના વર્ષમાં તેમને નોબલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. બર્ટ્રાન્ડ રસેલની આટલી સિદ્ધિથી જ તેઓ મહાન બની ચૂક્યા હતા. પણ આ ઉપરાંત તેઓ વિચાર-વાણી સ્વાતંત્ર્યના હિમાયતી રહ્યા અને તે અંગે જ્યાં બોલવાનું આવ્યું ત્યાં ખૂલીને બોલ્યા. સામ્રાજ્યવાદનો તેઓ સતત વિરોધ કરતા રહ્યા અને ભારતને આઝાદી મળે તે માટે પણ તેમના પ્રયાસો હતા. આ પ્રયાસરૂપે સ્થપાયેલી સંસ્થા ‘ધ ઇન્ડિયા લિગ’ના તેઓ અધ્યક્ષ હતા. વીસમી સદીના મધ્યમાં જ્યારે પરમાણુ શસ્ત્રોની ધમકીઓ છૂટથી અપાતી હતી તે દરમિયાન તેમણે પરમાણુ શસ્ત્રોનો વિરોધ જોરશોરથી ઉપાડ્યો. અમેરિકા અને બ્રિટનના સામ્રાજ્યવાદનાં વલણના તેઓ પ્રખર વિરોધ કરતા રહ્યા. એડોલ્ફ હિટલર, સ્ટાલિનના શાસનનો પણ તેઓ વિરોધમાં સતત લખતાં-બોલતાં રહ્યા. આમ આજીવન તેમનો અભ્યાસ અને યુદ્ધ પ્રત્યેનો વિરોધ ચાલતો રહ્યો. જગતવ્યાપી શાંતિ સ્થાપવા તેઓ સતત ચિંતનશીલ રહ્યા અને આ અર્થે જ તેમણે ‘વિશ્વ સરકાર’નો ખ્યાલ રજૂ કર્યો. માનવજાતિના ઉદ્ધાર માટે બર્ટ્રાન્ડ રસેલનું કાર્ય ક્યારે ય ભૂંસાય એવું નથી. તેમના વિશે ગુજરાતી ભાષામાં પણ ખૂબ લખાયું છે. અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતાએ તેમના વિશે વિસ્તૃત લેખ કર્યો છે. ભોગીલાલ ગાંધીએ રસેલના ભારતવિરોધી વલણ વિશે અભ્યાસલેખ કર્યો છે. ફાધર વોલેસ રસેલના ગણિતના અભ્યાસ વિશે લખ્યું છે. આમ, અનેક ગુજરાતી લેખકોએ તેમના જીવનનાં જુદાં જુદાં પાસાં વિશે રજૂઆત કરી છે.

ગગનવિહારી મહેતા રસેલના શતાબ્દી ટાણે 1972ના ‘સંસ્કૃતિ’ના અંકમાં લખે છે : “અંગ્રેજી ઉમરાવ કુટુંબમાં એ જન્મ્યા હતા; ‘લોર્ડ’ કહેવડાવતા નહોતા છતાં હતા ખરા; આ યુગના સમર્થ ફિલસૂફ, ગણિતશાસ્ત્રી તેમ જ ઉત્કૃષ્ટ વિચારક હતા; અનેક સંચલનોના પ્રવર્તક હતા; આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં પ્રેરણા આપતા જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમની બુદ્ધિ તીવ્ર હતી; માનવજાતિ માટેની એમની લાગણી ઉત્કટ હતી; ભવિષ્યની ચિંતા ઉગ્ર હતી; સામાજિક અન્યાય એ સહન ન કરી શકતા; માનવીની માનવી પ્રત્યેની ક્રૂરતા સામે પડકાર કરતા. ઘણાખરાં જ્યાં ભીતિથી મૌન ધારણ કરે ત્યાં એ બોલતાં અચકાતાં નહીં. ‘વિવાદને કારણે મારું આયુષ્ય લંબાય છે’ એમ એમણે એક વાર કહ્યું હતું. એમને જીવવાને થોડાં જ વર્ષ હતાં ત્યારે પણ આ પૃથ્વી અણુયુદ્ધને પરિણામે વિનાશ પામશે અને પ્રતિસ્પર્ધી ‘વાદો’ વચ્ચેના કલહમાં માનવજાતિનો સંહાર થશે એની એમને વિમાસણ હતી. મનુષ્યની પ્રગતિનો ઉપહાસ કરતાં એક વાર એમણે કહ્યું હતું કે નિરુપદ્રવી કીડા અને પતંગિયામાંથી ઉત્ક્રાંતિને પરિણામે નીરો, ઝંગીસખાન, હિટલર સુધી ઊંચે આપણે પહોંચી ગયા છીએ. … એમને કોઈએ પત્ર લખીને પૂછ્યું કે ‘આપની ઉચ્ચત્તમ સિદ્ધિ શી લેખો છો?’ એના ઉત્તરમાં એમણે લખેલું કે અણુયુદ્ધો ન થાય તો મારું સૌથી મહત્ત્વનું કાર્ય લેખી શકાશે, અણુયુદ્ધ થશે તો ગણિતનું મારું સંશોધન કોઈને માટે લાભદાયક નહીં નીવડે.”

પોતાનો જ અભ્યાસ પરમાણુ યુદ્ધના પરિણામે નિરર્થક નીવડશે તેવું તે લખી-બોલી શકતા. ધર્મ બાબતે પણ નિરર્થકતા કેવી રીતે માનવસમાજને જકડી લે છે તે વિશે પણ રસેલના વિચારોને ગગનવિહારી મહેતાએ લખ્યા છે. જેમાં તેઓ લખે છે : “ધાર્મિક વાતાવરણમાં ઊછર્યાં છતાં 18 વર્ષની વયે એમણે નિર્ણય કર્યો કે ઈશ્વર નથી. કોઈકે પછીથી એમને જ્યારે પૂછ્યું કે સરજનહાર મૃત્યુ પછી મળશો તો શું કહેશો? ત્યારે રસેલે ઉત્તર આપ્યો કે હું કહીશ : ‘હે ઈશ્વર. તારા અસ્તિત્વનું પ્રમાણ આટલું અપૂરતું કેમ રાખ્યું?’ ધર્મોથી માનવજાતિને એકંદરે લાભ કરતાં ગેરલાભ વધારે થયો છે એનો એમનો દૃઢ અભિપ્રાય હતો. આ ધર્મોમાં વિસંવાદ હોય છે એટલે એમાંનો એક જ સાચો હોઈ શકે એ સ્પષ્ટ છે, પણ કયો એ કોણ કહી શકે? આ ધર્મોને લીધે ઢોંગ, ધતિંગ, અંધશ્રદ્ધા, ક્રૂરતા ઉદ્ભવ્યાં છે અને વધ્યા છે. ધર્મને નામે બુદ્ધિનો અનાદર થયો છે અને અસંખ્ય જુલમો થયા છે. ધર્મના મૂળમાં ભય છે – મૃત્યુનો અને અજ્ઞાતનો ભય. આ વિરાટ નિષ્ઠુર બ્રહ્માંડમાં એકાંતનો ડર.” ધર્મ વિશે રસેલના વિચારો આજના સમયમાં તો કોણ નકારી શકે. દરેક ધર્મની મર્યાદા આજે જ્યાં-ત્યાં દેખા દે છે અને આપણા દેશમાં ધર્મને લઈને થતી હિંસાની હવે કોઈ નવાઈ રહી નથી.

એવું નથી કે તેમણે ધર્મને ખારીજ જ કરી દીધો છે. રસેલ એક ઠેકાણે લખે છે : “ધર્મ અને કલા બ્રહ્માંડમાં માનવતા આણવા, સરજવા મથે છે – પહેલપ્રથમ મનુષ્યતા માનવતા લાવીને. જેટલે અંશે ધર્મ જીવનમાં તપસ્યા લાવી શકે એટલે અંશે ધર્મને હું મૂલ્યવાન લેખું. ધર્મમાં આવી તપસ્યાનું તત્ત્વ ન હોય તો એ કેવળ બાલિશ રમકડું છે જે સાચા દેવોના સ્પર્શથી હણાઈ જાય. છતાં પણ સત્ય કરતાં ધર્મમાં તપસ્યાનું તત્ત્વ ઓછું છે.”

રસેલના ધર્મ અંગેના વિચારો વર્તમાન ભારતના પરિપ્રેક્ષ્યમાં જાણવા જોઈએ તેમ તેમના આપણા દેશની આઝાદીના લડત વખતે તેમના પ્રયાસો પર નજર કરવી જોઈએ. 1939માં જ્યારે તેઓ અમેરિકા જઈને વસ્યા ત્યારે તેમણે હિંદના સ્વરાજ અને સવિનય કાનૂનભંગ વિશે અમેરિકન લેખક પર્લ બક સાથે પત્રવ્યવહાર કર્યો હતો. તેમાં તેઓ લખે છે : “હિંદના નેતાઓ સાથે વાટાઘાટ કરવા વાસ્તે બ્રિટિશ સરકારને સમજાવવી જોઈએ. પરંતુ જ્યાં સુધી વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડા પ્રધાન છે ત્યાં સુધી આ કરવું કઠણ છે. ભારતના નેતાઓએ પણ સવિનયકાનૂન ભંગની ચળવળ બંધ કરીને વાટાઘાટ કરવી જોઈએ. નેહરુ આ બાબતમાં કદાચ મદદરૂપ થઈ શકે. એ તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય કે હિંદુસ્તાન પરરાજ્યની ધૂંસરીમાંથી તદ્દન વિમુક્ત થવું જોઈએ.”

આપણા દેશના સંબંધે બર્ટ્રાન્ડ રસેલના વિચારો અહીં જેમ ઉપયોગી થયા કે થાય એમ લાગે છે તેમ ભારત-ચીન યુદ્ધ વખતે તેમના વિચારો ભારતના વિરોધી રહ્યા હતા. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું તે વખતે રસેલના જે વિચારો રહ્યા તે અંગે 1963માં ‘વિશ્વમાનવ’ સામયિકમાં લેખક ભોગીલાલ ગાંધીએ લેખ લખ્યો હતો. તેનું મથાળું હતું : ‘બર્ટ્રાન્ડ રસેલ : અતિતટસ્થતા અને અતિશાંતિનું ભારણ?’ આ મથાળું યોગ્ય લાગે તે રીતે તર્ક-તથ્યોથી ભોગીલાલ ગાંધીએ રસેલના વિચારોની મર્યાદા દર્શાવી આપી છે. ભોગીલાલ ગાંધી લખે છે : “ચીને ભારતની હજારો ચોરસ માઈલ સરહદો દબાવ્યા પછી, નેફા-લદાખ ઉપર ગયા ઑક્ટોબરમાં હલ્લો કર્યો. ત્યારે, બીજા સૌ શાંતિવાદીઓ અને લોકશાહી સ્વાધીનતામાં શ્રદ્ધા ધરાવનારાઓની જેમ, રસેલ પણ આઘાત પામ્યા, તેમણે પોતે જ જણાવ્યું : તકરારી વિસ્તારમાં લડાઈ શરૂ થઈ ત્યારે, પ્રથમ તો, મને એવું લાગ્યું – પશ્ચિમના સૌને લાગ્યું હતું તેવું જ – કે ચીન સંપૂર્ણ રીતે વાંકમાં છે અને તેમણે જ આક્રમણ કર્યું છે. પરંતુ જોતજોતમાં, રસેલના આ અનુમાનમાં ફેરફાર થવા લાગ્યો અને ચીને એકપક્ષી શસ્ત્રવિરામ જાહેર કરી પાછા ફરવા માંડ્યું ત્યારે, જેઓ એ ઘટનાથી ડઘાઈ કે અંજાઈ ગયા હતા તેમાં રસેલ મુખ્ય હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ચીન પરમ શાંતિવાદી છે – એણે જગતને આખરી સર્વનાશમાંથી બચાવી લીધું છે.”

“રસેલ જેવા બુદ્ધિમાન પુરુષે, આવું તારતમ્ય તારવતાં પૂર્વે, શાથી એવો વિચાર નહીં કર્યો હોય કે ચીનનું ભારત ઉપરનું એકપક્ષી આક્રમણ પોતે જ એક ભયંકર યુદ્ધનું આહ્વાન હતું? તે જ રીતે, ક્યૂબામાં મિસાઈલ શસ્ત્રોનો ગુપ્ત રીતે પુરવઠો મોકલવાના રશિયાના પગલામાં જ વિશ્વશાંતિમાં સુરંગ મૂકનારું કાવતરું હતું? પહેલાં વિશ્વયુદ્ધની આગ સંકોરનારાઓએ જ પાછળથી ભયંકર પરિણામોની ભીતિથી પીછેહઠનું પગલું ભર્યું હોય તો તેથી એ આક્રમક મટી જતા નથી અને શાંતિવાદી ઠરતા નથી. એટલી સાદી વાત મહાચિંતક રસેલને શાથી ન સમજાઈ?”

રસેલનું વ્યક્તિત્વ આવું જ હતું જ્યાં તેમની તીવ્ર બુદ્ધિશક્તિ સાથે તેઓ અભ્યાસથી માનવજાતને અદ્વિતીય દેન આપી અને સાથે વિવાદોમાં પણ રહ્યા. રસેલના વ્યક્તિત્વના વિવિધ રંગો તેમના દોઢસોમી જન્મશતાબ્દીએ જાણવા જેવાં છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6261,6271,6281,629...1,6401,6501,660...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved