સી. પી. ટેન્ક નામમાંના ‘સી.પી.’ તે કોણ?
પિરોજાબાઈ અને રુસ્તમજી પરણ્યા કઈ રીતે?
દરિયા પાસે આવેલો ભીખા બહેરામનો કૂવો
એનું સત્તાવાર નામ ભલે ગમે તે હોય, લોકો તો આજે પણ એ વિસ્તારને સી.પી. ટેન્ક તરીકે જ ઓળખે છે. ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામનિશાન રહ્યું નથી, છતાં. પણ એ વિસ્તારના રહેવાસીઓમાંથી પણ બહુ ઓછાને ખબર હશે કે ‘સી.પી.’ એટલે કોણ? ’સી’ કાવસજી અને ‘પી’ એટલે પટેલ. આખું નામ કાવસજી પટેલ ટેન્ક. જો કે આજે હવે ત્યાં ટેન્ક કહેતાં તળાવનું નામોનિશાન ત્યાં રહ્યું નથી. આ કાવસજીનું ખાનદાન તે મુંબઈમાં વસવાટ કરનારું પહેલવહેલું પારસી ખાનદાન. સુરતના મોગલાઈ રાજ્યના તાબા હેઠલનું એક નાનકડું ગામ. નામ સુમારી. પારસીઓની ઠીક ઠીક વસતી. તેમાંના એક દોરાબજી નાનાભાઈ. એવણે માદરે વતન શા સબબે છોડવાનું નક્કી કરેલું એ અંગે તો કશું જાણવા મળતું નથી. પણ પોતાના કુટુંબકબીલાને લઈને ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવી વસ્યા. ત્યારે અંગ્રેજોએ તો મુંબઈની ધરતી પર પગ પણ મૂક્યો નહોતો. રાજ હતું પોર્ટુગીઝ સરકારનું. એ વખતે મુંબઈ સાત ટાપુનું શહેર પણ બન્યું નહોતું. સાતે સાત ટાપુ એકબીજાથી અલગ હતા. મુંબઈ એટલે એક જ ટાપુ. અને પોર્ટુગીઝ સરકારને મુંબઈના અને તેના લોકોના વિકાસમાં મુદ્દલ રસ નહિ. એમને રસ હતો જાતજાતના વેરા નાખીને પોતાની તિજોરી ભરવામાં. અને સરકારી નોકરોને સરકારની તિજોરી ભરવા કરતાં પોતાના ઘરની તિજોરી ભરવામાં વધુ રસ. એટલે અહીંના લોકોની ભાષા, તેમના રીતરિવાજ, ગમાઅણગમા વિષે ભાગ્યે જ કશું જાણતા. દોરાબજી ગુજરાતી ઉપરાંત થોડુંઘણું મરાઠી અને પોર્ટુગીઝ પણ જાણતા. પોર્ટુગીઝ કઈ રીતે શીખ્યા હશે તે તો ખોદાયજી જાણે. એટલે પોર્ટુગીઝ સરકારને આ માણસ કામનો જણાયો. એટલે રાખી લીધા દોરાબજીને સરકારી નોકરીમાં. પછી કાળચક્ર ફર્યું. પોર્ટુગીઝ શાસન ગયું અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ આવ્યું. પોર્ટુગીઝ અમલદારો દોરાબજીના કામથી એટલા તો ખુશ, કે મુંબઈ છોડતી વખતે તેમણે દોરાબજીને નોકરીમાં રાખી લેવા અંગ્રેજ અમલદારોને સિફારિશ કરી. અને એટલે દોરાબજી બન્યા અંગ્રેજ સરકારના ચાકર.
એ વખતે તો અંગ્રેજ સરકારને પણ ફક્ત કરવેરા ઉઘરાવવામાં રસ. પણ એ વખતના મુંબઈમાં નહોતા કોઈ ધંધાધાપા, નહોતા કોઈ વેપારવણજ. હતા તો ફક્ત મચ્છીમારી કરતા કોળીઓ. આવામાં સરકારની આવક તો કેમની વધે? પણ કોળીઓ તો છે ને! નાખો એમના પર ટેક્સ! ૧૬૬૮માં અંગ્રેજ સરકારે બધા માછીમારો પર નાખ્યો ‘બોડી ટેક્સ.’ એ વખતે તો રૂપિયા-આના-પાઈનું ચલણ પણ નહોતું. પણ આજની ગણતરીએ દરેક માછીમારે દર વરસે છ રૂપિયા તેત્રીસ પૈસાનો ટેક્સ ભરવાનો. અને આ ટેક્સ ઉઘરાવવાનું કામ સરકારે સોંપ્યું દોરાબજીને. બસ, એવણ વિષે આટલી જ બાબત જાણવા મળે છે. તેઓ ક્યારે ગુજરિયા તે બી જાણવા મળતું નથી.
દોરાબજીને બે બેટા. મોટા માકુજી તો ઈ.સ. ૧૭૪૦માં વગર વારસે આ ફાની દુનિયામાંથી કૂચકદમ કરી ગિયા. પણ નાલ્લા બેટા રુસ્તમજીએ બાપનું નામ રોશન કર્યું. ઈ.સ. ૧૬૬૭માં જન્મ. દોરાબજીની કામગીરીથી ખુશ થયેલી અંગ્રેજ સરકારે તેમના બેટા રૂસ્તમજીને પણ નોકરીમાં રાખી લીધા. કામ તો એ જ – કોળીઓ પાસેથી ટેક્સની વસૂલી કરવાનું. પણ ચાણક બુદ્ધિના રૂસ્તમજીએ જોયું કે મુંબઈના ટાપુનું બહારના આક્રમણથી રક્ષણ કરવા માટે અંગ્રેજ સરકારે ઝાઝી સગવડ ઊભી જ નહોતી કરી. રુસ્તમજીને ખબર કે કોળીઓ હોય ગરમ દિમાગના. વખત આવ્યે લડી જાણે. એટલે તેમણે કોળીઓને તેમના ફાજલ વખતમાં ‘લશ્કરી તાલીમ’ આપવાનું શરૂ કર્યું. હા, અંગ્રેજ સૈનિકોની બનેલી નાનકડી ફોજ હતી ખરી, મુંબઈનું રક્ષણ કરવા માટે. પણ બન્યું એવું કે થોડા વખત પછી મુંબઈમાં મરકીનો રોગ ફેલાયો જેમાં મોટા ભાગના અંગ્રેજ સૈનિકો મરી ગયા. આ તકનો લાભ લઈને ઈ.સ. ૧૬૯૨માં જંજીરાના સીદીઓએ મુંબઈ પર ચડાઈ કરી. એ વખતે ગવર્નર તો સુરતમાં રહેતો. બીજો કોઈ મોટો અંગ્રેજ ઉપરી પણ હાજર નહિ. એટલે રૂસ્તમજીએ આગેવાની લઈને કોળી સેનાની મદદથી સીદીઓને હરાવીને તગેડી મૂક્યા. અને પછી તરત આ ખબર કાસદ દ્વારા મોકલ્યા સુરતની અંગ્રેજ સરકારની કોઠીએ. તેમની મુખ્ય માંગણી હતી મુંબઈનો કારભાર સંભાળવા માટે કોઈ અંગ્રેજ અમલદારની નિમણૂક કરવાની.
સુરતથી હાકેમ આવ્યો પણ ખરો. રુસ્તમજીની બહાદુરીની તારીફ કીધી. એક અંગ્રેજ અમલદારની નિમણૂક કરી. અને રૂસ્તમજીની બહાદૂરી અને વફાદારીની કદર રૂપે તેમની નિમણૂંક મુંબઈના ‘પટેલ’ તરીકે કરી, અને એ પણ વંશપરંપરાગત! અને ત્યારથી રૂસ્તમજી અને તેના વંશવારસો ‘પટેલ’ તરીકે ઓળખાવા લાગ્યા. એટલું જ નહિ, માછીમારો પાસેથી રૂસ્તમજી જે ‘બોડી ટેક્સ’ ઉઘરાવે તેનો અમુક ભાગ તેમને મળે એવી જોગવાઈ પણ કરી. અને હા, કોળીઓમાં અંદરોઅંદર જે કાંઈ નાના-મોટા ટંટાફિસાદ થાય તેનો ઇન્સાફ કરવાનું કામ પણ એવણને જ સોંપ્યું. હવે, તે વખતે મુંબઈ આવવાજવા માટે જમીન રસ્તા તો હતા જ નહિ. બધી આવનજાવન દરિયાઈ માર્ગે નાનાંમોટાં વહાણો દ્વારા. એટલે કંપની સરકાર કાયમ માટે જરૂર પ્રમાણે વહાણો ભાડે રાખે. આ રીતે વહાણો ભાડે રાખવાનું કામ પણ રૂસ્તમજીને સોંપાયું. અને તે પણ વંશપરંપરાગત ધોરણે! આ વહાણોને જે જરૂરી માલસામાન જોઈએ તે પૂરો પાડવાનો ‘કન્ટરાક’ પણ રુસ્તમજી પાસે! વળી બીજી બી એક તજવીજ કીધી. મુંબઈના બારામાં માછીમારોની જે બી હોડી કે વહાણ નાંગરે તેની પાસેથી વહાણ દીઠ એક માછલી ઉઘરાવવાનો હક્ક રુસ્તમજીને આપ્યો! અને આ બધા ઉપરાંત દર મહિને આજના ૬૯ રૂપિયા જેટલો માતબર પગાર પણ બાંધી આપ્યો!
મચ્છીમારી પછી મુંબઈના રહેવાસીઓનો બીજો મુખ્ય ધંધો હતો ખેતીનો! હવે તો ખેતવાડી, ફણસ વાડી, કાંદા વાડી, ફોફળ વાડી, તાડ વાડી, મુગભાટ લેન જેવાં લોકજીભે ટકી રહેલાં નામોમાં જ એ ખેતરો જોવા મળે. એ વખતે મુખ્ય પાક ડાંગરનો. અને ખેતરમાંના પાકની લણણી કરતાં પહેલાં ખેડૂતો સરકારી વેરો ભરી, રૂસ્તમજી પાસેથી લિખિત પરવાનો લઈ, પછી જ લણણી કરી શકતા.
રૂસ્તમજી પટેલ એક પછી એક ત્રણ વાર અદરાયા. તેમાં ત્રીજી વખત અદરાયા તેની હકીકત તો બડી ગમ્મત ભરેલી છે. એવણનું નામ પિરોજાબાઈ. જનમ ઈરાનમાં. એ વખતે દેખાવડી છોકરીઓને ઉપાડી જતા એટલે તેમનાથી બચાવવા મા-બાપે એક જર્મન મુસાફરને સોંપી અને કહ્યું કે આ છોકરીને હિન્દુસ્તાન લઈ જજો અને બને તો કોઈ સારા જરથોસ્તી વેરે અદરાવજો. પિરોજાબાઈ હિન્દુસ્તાન આવ્યાં ત્યારે એમની ઉંમર ૧૩-૧૪ વરસની. મુંબઈ આવીને પેલા મુસાફરે ભીખા બહેરામને એ છોકરી સોંપીને કહ્યું કે કોઈ સારો પારસી છોકરો જોઈ એની વેરે આ છોકરીને પરણાવજો.
આ ભીખા બહેરામ તે આજના ચર્ચ ગેટ સ્ટેશનથી થોડે દૂર આવેલો પ્રખ્યાત કૂવો બંધાવનાર શેઠ. તેમની અટક તો હતી ‘પાંડે’ પણ વધુ જાણીતા ભીખા બહેરામ તરીકે. એવણનો જનમ ક્યારે થયેલો તે તો જાણવા મળતું નથી. પણ બેહસ્તનશીન થયા તે ઈ.સ. ૧૭૮૩ના ઓગસ્ટની ૨૩મી તારીખે. છેક ૧૭૨૫માં તેમણે ‘અંગ્રેજ બજાર’(આજનું હોર્નિમેન સર્કલ)માં દુકાન ખોલી હતી. તેમાં ગ્રેટ બ્રિટનથી આયાત કરેલો સામાન વેચતા. મોટા ભાગના ઘરાક અંગ્રેજ, જે ભીખાશેઠને એક પ્રામાણિક દુકાનદાર તરીકે ઓળખતા. તેમણે કૂવો બંધાવ્યો ત્યારે નહોતું ચર્ચગેટ સ્ટેશન, નહોતી ચર્ચ ગેટ સ્ટ્રીટ. કિલ્લાની બહારની જગ્યા ‘પવન ચક્કીના મેદાન તરીકે ઓળખાતી કારણ ચર્ચ ગેટની બહાર મોટી પવન ચક્કી હતી. તેનાથી થોડે દૂર ભીખાશેઠે બંધાવ્યો કૂવો. અને એ કૂવાથી થોડે દૂર હતો દરિયા કિનારો.
ભીખાજીના વડવા ખરશેદજી પહોંચાજી પાંડે ઈ.સ. ૧૬૬૫માં ભરૂચ છોડી મુંબઈ આવેલા. એ વખતે ગુજરાતમાં મરાઠા અને મુસલમાનો વચ્ચે લડાઈ ચાલતી હતી. કોણ જાણે કેમ પણ ખરશેદજી જાસૂસ હોવાનો વહેમ પડ્યો એટલે તેમને કર્યા કેદ. વલસાડ પાસેના પારનેરાના કિલ્લામાં બનાવ્યા બંદીવાન. પણ પછી ત્યાંથી છૂટીને આવ્યા મુંબઈ. એ વખતે તો હજી મુંબઈનો કિલ્લો બંધાતો હતો. એટલે અહીં આવીને મજૂરો અને બાંધકામ માટેનો સામાન પૂરો પાડવાનો કોન્ટ્રેક્ટ લીધો.
એ વખતે કેટલાક પારસી જુવાનો કોટ વિસ્તારમાં આવેલા તળાવની પાળે ભેગા બેસી ગપ્પાં મારતા. (ત્યારે મુંબઈમાં ઘણી જગ્યાએ આવાં નાનાં-મોટાં તળાવ હતાં.) ભીખા બહેરામ પિરોજાબાઈને એક સાંજે ત્યાં લઈ ગયા. અને પેલા છોકરાઓની ઓળખાણ કરાવીને કહ્યું કે આમાંથી કોઈ પણ એકને પસંદ કરી લે. પણ તેમાંના કોઈની સામે પણ જોયા વગર છોકરીએ તો અજાણ્યા રૂસ્તમજી પાસે જઈને એમનો હાથ પકડી લીધો! આ જોઈને ભીખા બહેરામ શેઠ તો ડઘાઈ જ ગયા. પણ કોઈ કશું બોલે એ પહેલાં હાથ છોડાવીને રૂસ્તમજી તો ત્યાંથી ચાલતા જ થયા! બીજે દિવસે પિરોજાબાઈને લઈને ભીખાશેઠ એ જ જગ્યાએ ગયા. પણ તે દિવસે તો રુસ્તમશેઠ બીકના માર્યા ત્યાં આવેલા જ નહિ! એટલે ભીખાશેઠે કહ્યું : ‘હવે તો તમુ બીજા કોઈ માટીડાને પસંદ કરી લો.’ ફરી એ જ જવાબ : ‘અદરાઉં તો રૂસ્તમજી શેઠ સાથે. બીજા કોઈ સાથે નહિ.’ છેવટે પીરોજાને સાથે લઈને ભીખાશેઠ અને બીજા બે-ચાર મોવડીઓ રુસ્તમજીને ઘરે ગયા. અને તેમને પિરોજાબાઈ સાથે લગ્ન કરવા મનાવ્યા. આગલી બે ધણિયાણીથી સંતાન થયું નહોતું એ ખોટ પણ પછી પિરોજાબાઈએ પૂરી કરી, ચાર ચાર દીકરા આપીને. એ ચાર તે કાવસજી, દોરાબજી, કેખુશરો, અને તેહમૂલજી. ઘણી જાહોજલાલી ભોગવીને 96 વરની પાકટ વયે રુસ્તમજીશેઠ પરવરદિગારની ખિદમતમાં પહોંચી ગયા.
ત્યારે ‘પટેલ’નો હોદ્દો તેમના ૧૯ વરસની વયના કાવસજીને મળ્યો. એમનો મુખ્ય વ્યવસાય નાના મોટા વાહન સરકારને પૂરા પાડવાનો. ઈ.સ. ૧૭૭૪મા મરાઠા સરદાર રઘુનાથ દાદાસાહેબ પાસેથી ઠાણે અને વસઈની હકૂમત અંગ્રેજ સરકારે લઇ લીધી ત્યારે એ બંને જગ્યાનો વહીવટ સરકારે કાવસજી શેઠને સોંપ્યો. કારણ હવે માછીમારો પરનો ‘બોડી ટેક્સ’ અહીં પણ લાગુ કરવાનો હતો. કહેવાય છે કે થાણેનો તાલુકો અંગ્રેજ હકૂમત નીચે આવ્યો ત્યાર ત્યાં પારસીઓની વસ્તિ મુદ્દલ હતી જ નહીં. પણ ત્યાં જરૂરી સગવડો ઊભી કરીને એવાને ઘણા પારસીઓને વસાવ્યા. અને હા, પેલું સી.પી. ટેંક નામનું તળાવ ઈ.સ. ૧૭૮૦ના અરસામાં બંધાવ્યું તે પણ આ કાવાસજી પટેલ શેઠે જ. ૧૮૩૪ સુધી તો એ તળાવ અંગેનો નાનોમોટો બધો ખર્ચ આ પટેલ કુટુંબ જ કરતુ હતું. પણ પછી સરકારે આ તળાવ પોતાને હસ્તક લઇ લીધું અને ત્યારથી એની પાછળનો બધો ખરચ પણ સરકાર કરવા લાગી. સખાવતનાં બીજા કામ બી કર્યા પછી ૫૪ વરસની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા.
કહે છે કે કાવસજી એકદમ ફૂટડા, દેખાવડા હતા, અને એટલે માતાએ તેમણે પહેલેથી જ ઈરાની પોશાક જ પહેરાવ્યો હતો. કાવસજીએ પણ આખી જિંદગી એ જ પોશાક અપનાવ્યો હતો. પટેલ ખાનદાનનાં કાવસજી પછેના નબીરાઓ વિશેની વાતો હવે પછી.
જો કે બે-ત્રણ પેઢી પછી રૂસ્તમજી પટેલના પોતારાઓ આમાંની કોઈ જવાબદારી સંભાળી શક્યા નહિ. એટલે તેમની પાસે રહી ફક્ત ‘પટેલ’ની અટક.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2022