Opinion Magazine
Number of visits: 9843136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક

વલ્લભભાઈ પટેલ [પ્રેષક / અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|2 November 2025

[સરદાર વલ્લભભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના સૌથી મહત્ત્વપૂર્ણ નેતાઓમાંના એક હતા, જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અને પછી એક એકીકૃત તથા સ્વતંત્ર ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ તેમની કેબિનેટમાં દેશના પ્રથમ ગૃહ મંત્રી અને નાયબ વડા પ્રધાન હતા. બંને શબ્દો—નેહરુ અને પટેલ—ઘણી વખત અનેક મુદ્દાઓ પર અસહમત થઈ જતા હતા. આ મતભેદ વ્યક્તિગત અને જાહેર બંને રીતે વ્યક્ત થતો હતો. તેમ છતાં બંને વ્યક્તિઓ એકબીજાનો ખૂબ આદર કરતા હતા અને ભારતના સામાજિક તથા રાજકીય જીવનમાં એકબીજા દ્વારા કરવામાં આવેલા યોગદાનને ખુલ્લેઆમ વખાણતા-સ્વીકારતા હતા. આ લેખ આ જ બિંદુને દર્શાવે છે.]

સરદાર પટેલ અને પંડિત નેહરુ

જવાહરલાલ અને હું સાથે સાથે કાઁગ્રેસના સભ્ય, આઝાદીના સિપાહી, કાઁગ્રેસની કાર્યકારિણી અને અન્ય વ્યૂહરચનાઓના સહકાર્યકર, મહાત્માજીના—જેઓ આપણા દુર્ભાગ્યથી આપણને મોટી જટિલ સમસ્યાઓ સાથે ઝઝૂમવા માટે છોડી ગયા છે—અનુયાયીઓ, અને આ વિશાળ દેશની શાસન વ્યવસ્થામાં અધિક ભારના વાહક રહ્યા છીએ. આટલા વિવિધ પ્રકારના કર્મક્ષેત્રોમાં સાથે રહીને અને એકબીજાને જાણીને અમારામાં પરસ્પર સ્નેહ હોવો સ્વાભાવિક હતો. સમયની ગતિ સાથે તે સ્નેહ વધતો ગયો છે અને આજે લોકો કલ્પના પણ નથી કરી શકતા કે જ્યારે આપણે અલગ થઈએ છીએ અને પોતાની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ કાઢવા માટે એકબીજા સાથે મળીને વિચાર નથી કરી શકતા, તો આ અંતર અમને ઘણું ખટકે છે. પરિચયની આ ઘનિષ્ઠતા, આત્મીયતા અને ભાઈસમાન સ્નેહને કારણે મારા માટે તેની સમીક્ષા સામાન્ય લોકો માટે રજૂ કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ દેશના આદર્શ, જનતાના નેતા, રાષ્ટ્રના વડા પ્રધાન અને સૌના લાડકા જવાહરલાલને, જેમના મહાન કાર્યોનો ભવ્ય ઇતિહાસ સૌની સામે ખુલ્લી પોથી જેવો છે, મારા અનુમોદનની કોઈ જરૂર નથી.

દૃઢ અને નિષ્કપટ યોદ્ધા તરીકે તેમણે વિદેશી શાસન સામે અવિરત યુદ્ધ કર્યું. યુનાઇટેડ પ્રોવિન્સના ખેડૂત આંદોલનના આયોજક તરીકે પ્રથમ ‘દીક્ષા’ મેળવીને તેઓ અહિંસક યુદ્ધની કળા અને વિજ્ઞાનમાં સંપૂર્ણ નિપુણ બની ગયા. તેમની લાગણીઓની તીવ્રતા અને અન્યાય અથવા ઉત્પીડન સામેના તેમના વિરોધે ટૂંક સમયમાં જ તેમને ગરીબી પર જેહાદ જાહેર કરવા મજબૂર કરી દીધા. દીન પ્રત્યેની સહજ સહાનુભૂતિ સાથે તેમણે નિર્ધન ખેડૂતોની સ્થિતિ સુધારવાના આંદોલનની આગમાં પોતાને ઝોંકી દીધા. ક્રમશઃ ઊંચે થી ઊંચા શિખરો પર પહોંચાડી દીધા છે. પત્નીની બીમારીને કારણે કરવામાં આવેલી વિદેશયાત્રાએ ભારતીય રાષ્ટ્રવાદ સંબંધિત તેમની લાગણીઓને એક આકાશી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી દીધી. આ તેમના જીવન અને ચરિત્રના તે આંતરરાષ્ટ્રીય વલણની શરૂઆત હતી જે આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ સમસ્યાઓ પ્રત્યેના તેમના વલણમાં સ્પષ્ટપણે દેખાય છે. તે સમયથી જવાહરલાલે ક્યારે ય પાછળ વળીને નથી જોયું; ભારતમાં પણ અને બહાર પણ તેમનું મહત્ત્વ વધતું જ ગયું છે. તેમની વૈચારિક નિષ્ઠા, ઉદાર વૃત્તિ, તીક્ષ્ણ દૃષ્ટિ અને લાગણીઓની સત્યતા પ્રત્યે દેશ અને વિદેશની લાખો જનતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આથી તે યોગ્ય જ હતું કે સ્વતંત્રતાના પ્રભાત પહેલાંના ઘોર અંધકારમાં તેઓ આપણા માર્ગદર્શક જ્યોતિ બન્યા, અને સ્વાધીનતા મળતાં જ જ્યારે ભારતની આગળ સંકટ પર સંકટ આવી રહ્યા હોય ત્યારે આપણા વિશ્વાસનું કેન્દ્ર બન્યા અને આપણી જનતાનું નેતૃત્વ કર્યું. અમારા નવા જીવનના છેલ્લા બે કઠિન વર્ષોમાં તેમણે દેશ માટે જે અથાક પરિશ્રમ કર્યો છે, તેને મારા કરતાં વધુ સારી રીતે કોઈ નથી જાણતું. આ અવધિમાં તેમને પોતાના ઉચ્ચ પદની ચિંતાઓ અને પોતાની ગંભીર જવાબદારીઓના ભારને કારણે ઝડપથી વૃદ્ધ થતા જોયા છે. શરણાર્થીઓની સેવામાં તેમણે કોઈ કસર નથી છોડી, અને તેમાંથી કોઈ શાયદ જ તેમની પાસેથી નિરાશ પાછા ફર્યા હોય. કોમનવેલ્થની પરામર્શોમાં તેમણે નોંધપાત્ર ભાગ લીધો છે, અને વિશ્વના મંચ પર પણ તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ આ બધું છતાં તેમના ચહેરા પર યુવાનીની જૂની ચમક કાયમ છે, અને તે સંતુલન, મર્યાદા-જ્ઞાન અને ધૈર્ય, મિલનસારી, જે આંતરિક સંયમ અને બૌદ્ધિક અનુશાસનનો પરિચય આપે છે, હજુ પણ જેમના તેમ છે. નિ:શંક તેમનો ક્રોધ ક્યારેક ફાટી નીકળે છે, પરંતુ તેમની અધીરાઈ, કારણ કે ન્યાય અને કાર્ય-તત્પરતા માટે હોય છે અને અન્યાયને સહન નથી કરતું, તેથી આ વિસ્ફોટો પ્રેરણાદાયી જ હોય છે અને બાબતોને ઝડપ અને પરિશ્રમ સાથે ઉકેલવામાં મદદ કરે છે. આ માની લો સુરક્ષિત શક્તિ જ છે, જેની મદદથી આળસ, દીર્ઘસૂત્રતા અને લગન અથવા તત્પરતાની ઊણપ પર વિજય મેળવાય છે.

ઉંમરમાં મોટા હોવાને કારણે મને અનેક વખત તેમને શાસન-વ્યવસ્થા અથવા સંગઠનના ક્ષેત્રમાં અમારી સામે આવતી સમસ્યાઓ પર સલાહ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. મેં હંમેશાં તેમને સલાહ લેવા તૈયાર અને માનવા તૈયાર જ જોયા છે. કેટલાક સ્વાર્થી લોકોએ અમારા વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક નિર્દોષ વ્યક્તિઓ તેના પર વિશ્વાસ પણ કરી લે છે, પરંતુ વાસ્તવમાં અમે આજીવન સહકારીઓ અને ભાઈઓની જેમ સાથે કામ કર્યું છે, અને એકબીજાના મતામતનો હંમેશાં આદર કર્યો છે જેમ કે ઊંડો વિશ્વાસ હોય ત્યારે જ કરી શકાય. તેમના મનોભાવ યુવાનોના ઉત્સાહથી લઈને પ્રૌઢ ગંભીરતા સુધી સતત બદલાતા રહે છે, અને તેમાં તે માનસિક લચક છે જે બીજાને સહન પણ કરી લે છે અને નિરુત્તર પણ કરી દે છે. રમતા બાળકોમાં અને વિચારમાં ડૂબેલા વૃદ્ધોમાં જવાહરલાલ સમાન ભાવથી ભાગ લઈ લે છે. આ લચક અને બહુમુખીતા જ તેમના અજસ્ર યૌવનનું, તેમની અદ્ભુત ચપળતા અને તાજગીનું રહસ્ય છે.

તેમના મહાન અને ઉજ્જવળ વ્યક્તિત્વ સાથે આ થોડા શબ્દોમાં ન્યાય નથી કરી શકાતો. તેમના ચરિત્ર અને કાર્યોનો બહુમુખી વિસ્તાર વર્ણનથી પર છે. તેમના વિચારોમાં ક્યારેક તે ઊંડાઈ હોય છે જેનું તળ ન મળે, પરંતુ તેમની નીચે હંમેશાં એક નિર્મળ પારદર્શી ખરાપણું, અને યૌવનની તેજસ્વિતા રહે છે, અને આ ગુણોને કારણે સર્વસામાન્ય—જાતિ ધર્મ દેશની સીમાઓ પાર કરીને—તેમની સાથે સ્નેહ કરે છે.

સ્વાધીન ભારતની આ અમૂલ્ય નિધિનું આપણે આજે, તેમની હીરક જયંતીના અવસરે, અભિનંદન કરીએ છીએ. દેશની સેવામાં, અને આદર્શોની સાધનામાં તેઓ સતત નવા વિજય પ્રાપ્ત કરતા રહે.

– વલ્લભભાઈ પટેલ
૧૪ ઓક્ટોબર, ૧૯૪૯
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 November 2025

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. 

પીયૂષ પાંડે

શિવાજી પાર્કમાં જે દિવસે પીયૂષ પાંડેને આખરી વિદાય આપવામાં આવી, તે દિવસે ખાસ્સો વરસાદ પડ્યો. જાણે આકાશને પણ ધરતી પર પડેલી ખોટની પીડા હતી. ત્યાં ભેગા થયેલા લોકો “મિલે સુર મેરા તુમ્હારા” ગાઈ રહ્યા હતા. આ ગીત બનાવવામાં તેમણે ત્રણ દાયકા પહેલાં મદદ કરી હતી. ત્યાં હાજર તમામ એ માણસ વગરની દુનિયાનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેણે બ્રાન્ડ ઇન્ડિયા શું છે તે શીખવ્યું.

પીયૂષ પાંડે એટલા માટે લિજેન્ડ નહોતા કારણ કે તેઓએ કાનમાં એવોર્ડ જીત્યા હતા કે ઓગિલ્વીમાં તેમના કેમ્પેઇન્સને મળેલી ટ્રોફીઓથી કેબિનેટ ભર્યા હતા. તેઓ લિજેન્ડ હતા કારણ કે તેમણે ભારત પોતાની સાથે અને પોતાને વિશે કેવી રીતે વાત કરે છે તે ભાષાનું વ્યાકરણ આપ્યું. તેમને લીધે “ચિપકાનેવાલા પદાર્થ’ પણ ભાવનાત્મક અભિવ્યક્તિ બની. તેમણે ચોકલેટને આઝાદીનો પર્યાય બનાવી. તેમણે મોબાઈલ ફોન સેવાને સાથીદારીની લાગણી આપી. એ માત્ર એડમેન નહોતા, આપણી લાગણીને વાચા આપનારા અનુવાદકે એક્ઝિટ લીધી એમ કહેવું યોગ્ય ઠરે.

1987નું વર્ષ હતું, અને અમારે ઘરે ત્યારે જ ટી.વી. આવ્યું હતું. મારા મોટા ભાઈએ કોણ જાણે કેમ પણ નોટબુકમાં જાહેરાતોની યાદી બનાવવાની શરૂ કરી. અહીં ઉત્પાદનો અગત્યના નહોતા પણ તેનાં લખાણ, જિંગલ્સ અગત્યનાં હતાં. એવી વાર્તાઓ જે ગણતરીની ક્ષણો માટે તમને અટકાવે અને ધ્યાન આપવા મજબૂર કરે. મોટાભાઈ કરે એ નાની બહેન પણ કરે, મેં પણ કર્યું.

પરંતુ લાલિતાજી અને લિરિલ લખતાં પછી ફેવિકોલ અને કેડબરીઝની આ જાહેરાતો કોઈ લિસ્ટ નહોતી. એ બાળપણના ટૂકડા હતા. ભારતમાં ઉછરવાની ભાષાનું આર્કાઇવ બની રહ્યું હતું. 30 સેકન્ડનો કમર્શિયલ બ્રેક તમને એવા કેચફ્રેઝ આપી શકે જેનો તમે વર્ષો સુધી ઉપયોગ કરો.

તે સમયે મને પીયૂષ પાંડેનું નામ ખબર નહોતું. મને ખબર નહોતી કે “ક્રિએટિવ ડિરેક્ટર” શું હોય છે કે આ વસ્તુઓ વાસ્તવમાં કોઈ લખે છે. મને ફક્ત એટલી ખબર હતી કે કેટલીક જાહેરાતો તમને હસાવે છે, કંઇ યાદ અપાવે છે, ઇચ્છા જગાડે છે. મારે કેડબરી હાથમાં લઈને ક્રિકેટના મેદાનમાં દોડતી છોકરી બનવું હતું. એ ખાસ સ્વપ્ન—પીયૂષની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનથી જન્મેલું—ક્યારે ય સાકાર થયું નહીં. પરંતુ એ ઇચ્છા, એ તેમની ભેટ હતી. 

પીયૂષ પાંડેએ ક્યારે ય જાહેરાતના વિશ્વમાં ડંકો વગાડવાનું નહોતું વિચાર્યું. જયપુરમાં 1955માં જન્મેલા, પીયૂષ પાંડે અંગ્રેજી સાહિત્યના સ્નાતક અને જુસ્સાદાર ક્રિકેટર હતા જેઓ 1982માં ઓગિલ્વી એન્ડ મેથર ઇન્ડિયામાં ગયા—ક્રિએટિવ વિભાગમાં નહીં, પણ ક્લાયન્ટ સર્વિસિંગમાં. તેમની પાસે જાહેરાત બનાવવાની કોઈ ઔપચારિક તાલીમ નહોતી, કોઈ ધાંસુ પોર્ટફોલિયો નહોતો, ભારતની કોમર્શિયલ ભાષાને ફરીથી લખવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી.

તેમની પાસે હતી અણદેખાયેલા પર નજર કરવાની આવડત, જે નથી કહેવાતું તે સાંભળવાના કાન. એક એવી દૃઢ માન્યતા કે જાહેરાતો અંગ્રેજી ચોપડાંમાંથી અનુવાદિત કરવાની જરૂર નથી. એંશી-નેવુંના દાયકામાં ભારત આઝાદ હતો પણ જાહેરાતની દુનિયા પર પશ્ચિમી પકડ હતી. એડ વિશ્વમાં વિઝ્યુઅલ લેંગ્વેજ, ભાષાના તાલ બધાને મામલે પશ્ચિમની નકલ થતી. ભારતીય જાહેરાતો મેડિસન એવન્યૂ માટે બનાવેલી હિન્દીમાં ખરાબ રીતે ડબ કરાયેલી લાગતી. 

પીયૂષ પાંડેએ એ ઉધાર લીધેલી કુશળતા તરફ જોયું અને કહ્યું: યે સબ બકવાસ હૈ.

તેઓ ઇચ્છતા હતા કે ભારતીય જાહેરાત ભારત જેવી લાગે. પાંચ સિતારા હોટેલો અને અંગ્રેજી માધ્યમ શાળાઓનું ભારત નહીં, પણ રેલવે પ્લેટફોર્મ અને લગ્ન સમારોહો અને ગલ્લી ક્રિકેટ અને મસાલા સંઘરવા માટે જૂના ટીનના ડબ્બા સાચવતી મમ્મીઓનું ભારત જાહેરાતમાં દેખાય. તેઓ ફળ વેચનારની વિદ્વત્તા, રિક્ષાચાલકની ફિલસૂફી, દાદીમાનું શાણપણ આ જાહેરાતોમાં સાંભળવા માંગતા હતા. તે કહેતા કે, “જાહેરાત ફેન્સી અંગ્રેજી કે વિદેશી એવોર્ડ વિશે નથી, તે લોકોને સમજવા વિશે છે.”

આ વાત માત્ર ફિલસૂફી નહોતી. તે સ્વતંત્રતાની ઘોષણા હતી.

ફેવિકોલની ઈંડા વાળી જાહેરાતમાં ઇંડાના તૂટેલા કોચલાને જોડી રાખવામાં સંદેશ એ ગતો કે આપણે સરળતા અને આશ્ચર્યથી નાજુક ચીજોને સાથે, જોડેલી રાખવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. બસના છાપરે મોટી સંખ્યામાં જોડાયેલા લોકોનું દૃશ્ય પ્રોડક્ટ ફિચરને રમૂજમાં ફેરવી નાખતું. કેડબરીની “કુછ ખાસ હૈ” કેમ્પેઈનએ જિંદગીને ઉજવવાની વાત હતી. ક્રિકેટના મેદાનમાં દોડતી એ છોકરી, એના ચહેરા પરનો આનંદ, આ જાહેરાત ચોકલેટ નહોતી વેચતી પણ નાની જીતને ઉજવવાની અને ખુશી માટે નિયમો તોડવાની લાગણી પણ વેચતી હતી. એશિયન પેઇન્ટ્સની “હર ઘર કુછ કેહતા હૈ” જાહેરાતને પગલે આપણે આપણી દીવાલનો વાર્તા કહેતા પાત્રો તરીકે જોતા શીખ્યા. હચની જાહેરાતમાં પગ નસલનો શ્વાન જે એ છોકરાની પાછળ દરેક જગ્યાએ જાય છે, અદૃશ્ય મોબાઈલ નેટવર્કને સાથીદારી જેવું, વિશ્વાસુ નિષ્ઠા જેવું લાગણીશીલ બનાવી નાખે છે. તે એટલું આઈકોનિક બન્યું કે સમગ્ર પેઢીએ મોબાઈલ કનેક્ટિવિટીને એ નાના શ્વાન સાથે જોડી દીધી. આ માત્ર જાહેરાતો નહોતી. આ સાંસ્કૃતિક કલાકૃતિઓ હતી જે માત્ર બ્રાન્ડની નહીં પણ પ્રેક્ષકોની પણ હતી.

પીયૂષ પાંડે “મેડ મેન”ના આર્કીટાઈપથી અલગ હતા. જ્યારે તેમણે વૈશ્વિક પ્રભાવ, તેમની પર્સનાલિટી પણ ભારતીય જ રહ્યા—મૂછો વાળા, હંમેશાં સ્મિત કરતા, સુલભ અને વિનોદી એવા કે તેની અસર તરત બીજાઓ પર પડે. તેઓ વસ્તુઓને સરળ રાખવામાં માનતા, હંમેશાં તેમની ટીમને “ફ્રન્ટ ફૂટ પર રમો” એમ કહેતા અને દરેક જીત ઉજવતા શીખવતા. 

પીયૂષ પાંડે અને લેખિકા, ચિરંતના ભટ્ટ

2011માં, જ્યારે તેઓ “નૉલેજ સિરીઝ”ના ભાગ રૂપે વક્તૃત્વ આપવા અમદાવાદ ‘દિવ્ય ભાસ્કર’માં આવ્યા હતા, ત્યારે હું તેમને મળી. મારી પાસે તે દિવસે બે જવાબદારીઓ હતી—તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો, અને તેમના સાંજના વક્તૃત્વને કવર કરવાનો. ઇન્ટરવ્યૂ સરસ રીતે થયો. તે ઉષ્માભર્યા અને અહમશૂન્ય હતા. તે સાંજે, જ્યારે તેઓ સ્ટેજ પર ગયા, મને વાર્તાઓની અપેક્ષા હતી. પ્રસિદ્ધ કેમ્પેઈન પાછળની મેકિંગ વાર્તાઓ. તેમણે 14 મિનિટ વાત કરી. પછી વાત કરવાનું બંધ કર્યું અને પોતાના કામને બોલવા દીધું. એક પછી એક, તેમની જાહેરાતો સ્ક્રીન પર ચાલી—દાયકાઓનું કામ જેણે ભારત પોતાની જાતને કેવી રીતે જોતું હતું તેને આકાર આપ્યો હતો.

હું ક્યારે ય નહીં ભૂલું: હેન્ડલબાર મૂછો વાળો આ માણસ પોતાની જ રચનાઓ જોતા બેઠેલો, તે હસ્યા તો ખરા જ, પણ રડી પણ પડ્યા. તે પોતાના કામને પણ પહેલીવાર જોતા હોય એવા આશ્ચર્યથી આખા ઑડિયન્સ સાથે જોડાયા. જો કે મને બીજી ચિંતા હતી કે તેમની સ્પીચ ટૂંકી હતી તો હું અડધું પાનું કેવી રીતે ભરીશ? પરંતુ જ્યારે હું લખવા બેઠી, શબ્દો પોતાની મેળે લખાયા, એવા માણસથી પ્રેરિત જેણે આખા દેશને શીખવ્યું કે ભાવના તર્ક કરતાં વધુ સારી રીતે વેચાય છે.

પીયૂષ પાંડેની કેમ્પેઈન અવિસ્મરણીય હતી કારણ કે તે પોતાના પ્રેક્ષકોની અવગણના ન કરતા. તે ભાવનાઓની સસ્તી ચાલાકી કરવામાં નહીં પણ અવલોકન, આંતરદૃષ્ટિ, અને પ્રામાણિકતામાં માનતા હતા.

તે ક્લાયન્ટ બ્રીફને ઊંડાણથી સમજતા, બજારોમાં ફરતા, શેરી બજારના લયને સાંભળતા, અને સમાજના ભાવનાત્મક અંડરકરન્ટને પકડતા. તેમના કામે ભારતીય ઘરોમાં પડઘો પાડ્યો. તેઓ માનતા હતા કે જો કોઈ કેમ્પેઈન કાળજી અને માનવતાની ભાવનાથી આકારવામાં ન આવે તો તે નહીં ટકે. તેમની પ્રતિભા વિશિષ્ટમાં સાર્વત્રિક, સાધારણમાં ઊંડું શોધવામાં હતી.

પીયૂષ પાંડે યુગ પહેલાં, ભારતીય જાહેરાત પોતે જે નહોતી તે બનવાના પ્રયત્નમાં હતી. તેમના થકી તે આખરે જે છે તે બની. તેમણે માત્ર હિન્દી કે પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાતો બનાવી એમ નહોતું, ઘણા લોકો એ જ કરતા હતા. તેમણે એવી જાહેરાત બનાવી જે સાંસ્કૃતિક રીતે ભારતીય હતી. આપણા દેશની માટીની મહેક, ભાવનાત્મકતા, અરાજકતા અને ઉષ્માને વણી લેતી જાહેરાતો એટલે પીયૂષ પાંડેનું કામ. સપાટી પર પશ્ચિમી લાગતા વ્યવસાયમાં ગર્વપૂર્વક દેશીપણું ભળ્યું. પશ્ચિમી એસ્થેટિક્સને બદલે આપણી બોલચાલની ભાષા, માટીની મહેકતી રમૂજ, અને ભારતની ગલીઓ અને તમારા-મારા જેવા દેખાતા ચહેરાઓને તેમણે ઓળખ આપી. તેમણે સાબિત કર્યું કે ભારતીય વાર્તાઓ ભારતની પોતાની ભાષાઓ, રંગો અને રૂઢિપ્રયોગો કહી ઉત્પાદનો વેચી શકાય, બ્રાન્ડ બનાવી શકાય, અને એવાં ભાવનાત્મક જોડાણો બને જે દાયકાઓ સુધી ટકે.

પીયૂષ પાંડેએ માત્ર જાહેરાતો જ ન બદલી; તેમણે ભારતમાં જાહેરાતનો અર્થ બદલ્યો. બ્રાન્ડ્સને ઘરોમાં સ્લોટ કરવાથી લઈને ઉત્પાદનોને પ્રેમ, વિશ્વાસ અને નોસ્ટાલ્જિયાના પ્રતીકો બનાવવા સુધી, તેમણે કંપનીઓ અને સમુદાયો વચ્ચે પુલ બાંધ્યા. આજની ભારતીય જાહેરાત તેમણે શરૂ કરેલી સર્જનાત્મક ક્રાંતિ સાથે જોડાયેલી છે.

તેમણે અસંખ્ય કોપીરાઈટર્સ, વ્યૂહરચનાકારો અને માર્કેટર્સને માર્ગદર્શન આપ્યું, બધી પૃષ્ઠભૂમિઓના સર્જનાત્મક પ્રોફેશનલ્સ માટે દરવાજા ખોલ્યા. કોઈ ફોર્મ્યુલા સાથે નહીં, પણ એ બોધપાઠ સાથે કે “સર્જનાત્મકતા એટલે જીવવું, શ્વાસ લેવો અને તમારી આસપાસની દુનિયાને પ્રેમ કરવો છે.”

જ્યારે પીયૂષ પાંડે અવસાન પામ્યા, ત્યારે દેશે માત્ર જાહેરાત ઉદ્યોગના જ નહીં, પણ ભારતીય ઓળખાણને થયેલા નુકસાનનો શોક પાળ્યો. એ આપણાને મળેલા બેસ્ટ કેપ્શન્સના કેપ્ટન રહ્યા છે. ઓગિલ્વી ઇન્ડિયાએ તેમની વિદાયના ફૂલ પેજ ટ્રિબ્યુટને “અમારા જીવનની સૌથી મુશ્કેલ જાહેરાત” ગણાવી. પીયૂષ પાંડેનો વારસો ટ્રોફીઓ કે હેડલાઈન્સમાં નહીં, પણ તેમની સાથે હસેલા, રડેલા અને સપનાં જોયેલાં ભારતમાં લખાયેલો છે.  

બાય ધી વેઃ 

આપણે તાજેતરમાં જ એવા જણ ગુમાવ્યા, જે આગવી રીતે ખાસ હતા: પીયૂષ પાંડે, સતીશ શાહ અને અસરાની. ત્રણ એવી પ્રતિભાઓ હતી જેમણે મધ્યમવર્ગીય ભારત માટે અરીસો પકડી રાખ્યો. એક આખી પેઢી આ ચહેરાઓનાં કામની સાથે ઉછરી છે. સતીશ શાહ એક પેઢી માટે ડિ’ મેલો હતા તો એક પેઢી માટે ઇન્દ્રવદન સારાભાઈ, અસરાની તો અંગ્રેજો કે ઝમાને કે જેલર થે. લોક ચાહના માટે સ્ટાર હોવું જરૂરી નથી. આ ત્રણેય ખોટ અંગત લાગી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કેપ્શન્સ પતી ગયા છે પણ કેપ્ટને આપણને ભાષા શીખવી છે. આ સાથે સતીશ શાહ અને અસરાનીને પણ સલામ અને વંદન. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02  નવેમ્બર 2025

Loading

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2025

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને ગાળો દેવાથી નથી આવતી. એ રળવાનો એક માત્ર માર્ગ છે પુરુષાર્થ. પુરુષાર્થીમાં આ ચાર ગુણ જોવા મળશે; ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. જેમ કે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી માટે અણગમો હોય (અને અસહિષ્ણુતાના સ્તરે હોવો જ જોઈએ), પણ એ મેં મેં ભી અણ્ણાની ટોપી પહેરીને રામલીલા મેદાનમાં ઉતરી પડવાથી ન આવે, તેને માટે ધીરે ધીરે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ધીરોદત્ત માણસોની અસહિષ્ણુતા સહિષ્ણુતાપૂર્વકની હોય છે. એ પછી જે સ્થાન મળે છે એ અનોખું હોય છે, એ ખુમારી અનોખી હોય છે અને તે વિલક્ષણ સ્વરૂપે ચહેરા પર પ્રગટતી હોય છે. 

આનું મૂર્તિમંત ઉદાહરણ ચાર દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું. મારી વાચકોને સલાહ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની નેતા શી ઝિંગપીંગ વચ્ચે ટ્રેડ વોરના મામલે જે વાટાઘાટ થઈ અને સમજૂતી થઈ તેની વીડિયો કલીપ અવશ્ય જુવે. ફાચરમાંથી પૂંછડી નીકળી હોય અને વાંદરાને જે રાહતનો અનુભવ થાય એવી રાહત અને રાજીપો ટ્રમ્પના ચહેરા પર જોવા મળે છે અને સામે શી ઝિંગપીંગના ચહેરાના ભાવ જુઓ. કોઈ ઉત્સાહનો અતિરેક નહીં. ઠીક છે, નાદાન છે, પણ કામનો છે. તિરસ્કારયુક્ત આદર! અમે કોઈની લાત પણ સહન નહીં કરીએ અને અમે કોઈને અપમાનિત પણ નહીં કરીએ. અમે કોઈને જલીલ પણ નહીં કરીએ અને અમે કોઈની જીહજૂરી પણ નહીં કરીએ. 

આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી. એની શરૂઆત ૧૯૭૯ પછીથી થઈ હતી જ્યારે ચીનનું સુકાન દેંગ ઝિયાઓપીંગના હાથમાં આવ્યું. એ માણસ સામ્યવાદી હતો અને માઓ ઝેદોંગનો ચુસ્ત અનુયાયી હતો. ૧૯૮૦ સુધીમાં તેને સમજાઈ ગયું હતું કે સામ્યવાદી વિચારધારા અને વહીવટ ઝડપી આર્થિક વિકાસ માટે અનુકૂળ નથી. ખુલ્લું અર્થતંત્ર ધરાવનારા દેશો આમાં સરસાઈ ધરાવે છે. બીજી બાજુ લોકશાહી ધરાવનારા દેશો લોકશાહીને કારણે ઝડપી નિર્ણયો લઈ શકતા નથી કે કૃતનિશ્ચયી પગલાં લઈ શકતા નથી. તેમણે વિરોધના કારણે કે ચૂંટણી જીતવા પ્રજાને રાજી રાખવા પીછેહઠ પણ કરવી પડે છે. તેમણે ચીનમાં એવો ઢાંચો વિકસાવ્યો જેમાં આર્થિક બાબતે ખુલ્લાપણું અને રાજકીય બાબતે બંધિયારપણું હતું અને આજે પણ છે. ત્યારે આ લખનારને અને બીજા અનેક લોકોને એમ લાગતું હતું કે આ મૂળભૂત વિરોધાભાસ લાંબો સમય નહીં ચાલે. એક દિવસ ચીન એના વિરોધાભાસનો ભોગ બની જશે. પણ એવું બન્યું નહીં. ચીને ધીરે ધીરે દરેક મોરચે પાંખ વિસ્તારવાનું શરૂ કર્યું જેને કારણે સામ્યવાદી નેતૃત્વ સામે આંતરિક વિદ્રોહ મુશ્કેલ થઈ ગયો. જ્યાં સુધી સફળતા મળતી હોય અને શાસકો વિશ્વમાં દેશની જગ્યા અને પ્રભાવ વિસ્તારી આપતા હોય ત્યાં સુધી વિરોધ મેનેજ કરી શકાય છે અને ચીનમાં ઉત્તરોત્તર સામ્યવાદી શાસકોએ એ માર્ગ અપનાવ્યો હતો.

પણ એ બન્યું કેવી રીતે? ઉપર કહ્યા એ ચાર ગુણો દ્વારા. ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. એક જ ઉદાહરણ આપું. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગે કહ્યું હતું કે રેર મિનરલ્સની બાબતમાં ચીન એ સ્થાન મેળવશે જે આરબ દેશો ખનીજ તેલની બાબતમાં ધરાવે છે. એટલે કે ઈજારાશાહી. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવા એ તેલ કાઢવા કરતાં પણ અઘરું કામ છે. આજે ઉપયોગમાં લઈ શકાય એવા રેર મિનરલ્સની બાબતમાં ચીન ૯૦ ટકા કરતાં પણ વધુ માર્કેટ શેર ધરાવે છે અને એવી ઈજારાશાહી આરબ દેશો પણ બળતણની બાતમાં નથી ધરાવતા. દક્ષિણ કોરિયામાં ચીન સાથે સમજૂતી કર્યા પછી ટ્રમ્પબાબાના ચહેરા પર જે રાજીપો અને રાહત નજરે પડી રહી છે એ આ રેર મિનરલ્સ અને બીજાં એવાં કારણોને કારણે. ચીને રેર મિનરલ્સની નિકાસ ઘટાડીને લગભગ બંધ કરી દીધી હતી. છેક ૧૯૮૦માં દેંગ ઝિયાઓપીંગને સમજાઈ ગયું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ માટે અને તેના પર આધારિત અર્થતંત્ર માટે રેર મિનરલ્સ અનિવાર્ય બનવાનાં છે.  

ટ્રમ્પબાબાએ ઝૂકવું પડ્યું એનું બીજું કારણ છે ચીન અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના ધંધામાં ચીનની સરસાઈ. ચીને ગયા નાણાંકીય વર્ષમાં ૪૦૧.૪ અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી અને સામે અમેરિકા પાસેથી ૧૩૧ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી. આયાત-નિકાસ વચ્ચે ખાધ હતી ૨૭૦.૪ બાજ ડોલરની. ચીને આ સરસાઈ રાતોરાત નથી મેળવી. ૧૯૮૦માં દેંગ શિયાઓપીંગ શાસક તરીકે આવ્યા ત્યારે ચીન અમેરિકા સામે આયાત-નિકાસમાં માત્ર ૬.૨ અબજ ડોલરની સરસાઈ ધરાવતું હતું. ૧૯૯૦માં એ વધીને ૫૬.૯ અબજ ડોલર થઈ, ૨૦૧૦માં તો પ્રચંડ માત્રામાં વધીને ૩૪૭.૦૨ ડોલર થઈ અને અત્યારે ૨૭૦ અબજ ડોલર. આ રાતોરાત નથી બન્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે નિકાસ દ્વારા કોઈ દેશ આયાત કરનાર દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બની જાય. ચીન સામે ભારત પણ આવી જ મજબૂરી ધરાવે છે. ભારત ચીનથી ૧૦૧.૭૫ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે અને સામે માત્ર ૧૬.૬૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. એટલે તો ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી બોયકોટ ચીનનો નશો ચડે એ પહેલાં જ ઉતરી ગયો હતો. ભારત ચીનનો ચ બોલી શકતું નથી. ચીનથી કરવામાં આવતી આયાત ભારતના અર્થતંત્ર માટે અનિવાર્ય બની ગઈ છે. ક્યાં ૧૦૧ અબજ અને ક્યાં ૧૬ અબજ! અમેરિકા સાથેના ધંધામાં ક્યાં ૪૦૧ અબજ (ચીનની નિકાસ) અને ક્યાં ૧૩૧ અબજ (અમેરિકાની નિકાસ)! ચીનની એકલા અમેરિકામાં નિકાસ ૪૦૧ અબજ ડોલરની છે અને ભારતની આખા વિશ્વમાં કુલ નિકાસ ૪૩૭.૧૧ અબજ ડોલર. ચીન ૧૨૦ દેશો સાથે ધંધો કરે છે જેમાંથી ૧૦૦ જેટલા દેશોમાં તેની નિકાસ આયાત કરતાં વધુ છે. ચીન સ્વયં એક વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે. 

ટ્રમ્પબાબાએ પોતાની પૂંછડી ફાચરમાં ફસાવી ત્યારે તેમને આ બધી ચીજની જાણ નહોતી? કદાચ હોય તો પણ તેમને કશો ફરક નહોતો પડતો કારણ કે આવા નેતાઓ હેડલાઈન્સમાં જીવતા હોય છે. અરુણ શૌરી કહે છે એમ રોજેરોજ કમાનાર અને ખાનારની જેમ રોજેરોજ હેડલાઈન મેનેજ કરતા હોય છે. સુરખીઓ મેં રેહના હૈ. કાંઈ પણ બોલો, કાંઈ પણ ફેંકો અને કાંઈ પણ કરો, ઘેલાઓને રાજી કરો અને વાહવાહી મેળવો. તમારું અર્થતંત્ર ૪૦૦ અબજ ડોલરની આયાત દ્વારા ચીન પર નિર્ભર હોય અને રેર મિનરલ્સ માટે લગભગ ૯૦ ટકા નિર્ભર હોય ત્યારે કયા મોઢે સાહસ કરો? ૪૦૦ અબજ રૂપિયાની ચીજો અમેરિકામાં ઉત્પાદિત કરવી હોય અને આત્મનિર્ભર બનવું હોય તો ઓછામાં ઓછો એક દાયકો લાગે. ચીનની અનિવાર્યતા ઘટાડવી હોય તો એ બિલકુલ શક્ય છે, પણ એને માટે ચીન જેવી જ લાંબાગાળાની યોજના બનાવવી જોઈએ, ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. જે માર્ગે ચીન અનિવાર્ય બન્યું એ માર્ગે જ ચીનની અનિવાર્યતાનો અંત લાવી શકાય. અહીં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શું ટ્રમ્પ ચીન જેવી સમજૂતી ભારત સાથે કરશે? શક્યતા પૂરી છે, પણ યાદ રહે, અમેરિકાના વિશ્વવ્યાપારમાં ભારતનું સ્થાન ૧૧માં ક્રમે છે. અમેરિકા સાથેના ધંધામાં ચીનની ૨૭૦ અબજ ડોલરની સરસાઈ સામે ભારત માત્ર ૪૧ અબજની સરસાઈ ધરાવે છે. 

પણ આ કરે કોણ? અતીતમાં રાચનારાઓ, ઇતિહાસના હિસાબકિતાબ કરનારાઓ, પ્રજાને આપસમાં લડાવનારાઓ, વર્તમાનમાં હું કેવો લાગું છું એની ચિંતા કરનારાઓ અને રોજેરોજ ચીવીસ કલાક વાહવાહીની ચિંતા કરનારાઓ આ ન કરી શકે. ટ્રમ્પબાબાઓની જમાત જ્યાં ત્યાં ફસાય છે એનું આ કારણ છે. તેઓ પોતાને માટે હેડલાઈન મેનેજ કરે છે, દેશ નહીં અને એમ કરવામાં ઓપરેશન સિંદુર જેવા, ઈરાન જેવા, રશિયા જેવા ફિયાસ્કા થાય છે. 

આનો અર્થ એ નથી કે ચીન કોઈ મહાન દેશ છે. રેર મિનરલ્સ જમીનમાંથી કાઢવામાં અને તેને શુદ્ધ કરવામાં ચીને સરસાઈ મેળવી છે એનું કારણ છે મજૂરો સાથે કરવામાં આવતો અત્યાચાર. કમકમાં આવે એ રીતે ભયંકર માત્રામાં શારીરિક અને માનસિક પ્રતારણા કરવામાં આવે છે. પ્રજાને અધિકારો આપવામાં આવ્યા નથી અને માનવીય ગરિમાનો આદર કરવામાં આવતો નથી. ચીન સભ્ય સમાજનું મોડલ ન હોઈ શકે. આ દૃષ્ટિએ વિશ્વસમાજ ભારત તરફ જોતો હતો. વિશાળ માર્કેટ, ઝાઝા હાથ, સૌહાર્દપૂર્ણ સહઅસ્તિત્વ, સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, નાગરિક અધિકાર અને માનવીય ગૌરવ, કાયદાનું રાજ, લોકતંત્ર અને તેની સાથે વિકાસ. દુનિયા ઇચ્છતી હતી અને માનતી હતી કે ભારત મોડેલ બને. પણ ભારતના આજના શાસકોને ચીનની ચિંતા નથી, ઔરંગઝેબની છે. ભવિષ્યની ચિંતા નથી, ઇતિહાસની છે. જે તે શહેર જે તે ધંધાનું હબ બને તેમાં રસ નથી, તેનાં નામ બદલવામાં રસ છે. 

ભારત એક તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2025

Loading

...102030...144145146147...150160170...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved