Opinion Magazine
Number of visits: 10,221,692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનું પરચુરણ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 January 2026

રવીન્દ્ર પારેખ

અત્યારે શિક્ષણમાં અનેક પ્રશ્નો છે અને અનેક પ્રશ્નો વચ્ચે શિક્ષણ પણ છે, એટલે પ્રશ્નો અને ઉકેલની થોડી પંચાત કરવાનો હેતુ છે.

77મી 26 જાન્યુઆરી તાજી જ ગઈ છે, ત્યારે અનેક શાળાઓના ઉજવણીના અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રગટ થયા ને થાય છે. એમાં એક અહેવાલ એવો આવ્યો કે કતારગામની ગુરુકુળ વિદ્યાપીઠની સ્કૂલે પ્રજાસત્તાક દિન તો ઉજવ્યો, પણ 27મી જાન્યુઆરીએ સંચાલકોએ વોટ્સએપમાં એવો મેસેજ મૂક્યો કે જે વિદ્યાર્થીઓએ 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી નથી આપી, તેમણે 27મીએ સ્કૂલે ન આવવું. ગેરહાજર વિદ્યાર્થીઓને શિક્ષાત્મક પગલાં તરીકે સ્કૂલે ન આવવાનો આદેશ અપાયો. એ ખરું કે સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને 26મીએ હાજર રહેવાની તાકીદ કરી હતી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર ન રહ્યા, એટલે 27મીએ હાજર ન રહેવાની સજા કરવામાં આવી, તે એટલે કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે. સજામાં કોઈ સ્કૂલ રજા આપે તો એથી દેશપ્રેમ કઈ રીતે જાગે એ સમજાતું નથી. કોઈ સ્કૂલ શિક્ષા તરીકે વિદ્યાર્થીઓને સ્કૂલે જ ન આવવાની સજા કરે એ વિચિત્ર છે. સજા જ કરવી હતી તો બીજી ઘણી હતી, પણ સ્કૂલ પોતે સામે ચાલીને વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ના પાડે ને તે પણ સજા તરીકે, એ કેવળ ને કેવળ અક્ષમ્ય છે.

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ બલિહારી જ છે. અનેક કાર્યક્રમો સરકાર અને સમિતિ કરતી રહે છે, પણ હાલત બાર સાંધતા તેર તૂટે એવી જ હોય છે. શિક્ષણ સંદર્ભે ગુજરાત સરકાર જેટલી, ગરીબ સરકાર બીજી નથી. એવું નથી કે પૈસા નથી. છે, પણ શિક્ષણ માટે ખર્ચવાની દાનત નથી. 30 જાન્યુઆરીથી એટલે કે આજથી ખેલ મહાકુંભ શરૂ થાય છે, પણ આ લખાય છે, ત્યાં સુધીમાં 1.80 લાખ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાયા નથી. ખેલ મહાકુંભ એકાએક પ્રગટ થયો નથી. તેનું આયોજન અગાઉથી થયું છે, પણ તારીખ નજીક હોવા છતાં યુનિફોર્મનો ઓર્ડર છેક છેલ્લી ઘડીએ એ રીતે અપાયો કે 15 દિવસ પછી, કદાચ ખેલ મહાકુંભ પતે ત્યારે મળી રહે. સમિતિના મહારથીઓ એવો બચાવ પણ કરે છે કે 1.65 લાખ વિદ્યાર્થીઓ જૂનો યુનિફોર્મ પહેરી લેશે, પણ આ વર્ષે નવા 15,000 વિદ્યાર્થીઓ ઉમેરાયા છે ને એમની પાસે નવો કે જૂનો યુનિફોર્મ જ નથી, એમનુ શું? એટલું સારું છે કે શરમ જ નથી બચી, બાકી કોઠીમાં મોં સંતાડતાં પર ન આવે.

સ્કૂલોનું તો સમજ્યા, કોલેજ-યુનિવર્સિટીમાં પણ ઓછા પ્રશ્નો નથી. અત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ચર્ચામાં છે. તે એટલે કે UGCએ 13 જાન્યુઆરીથી સમાનતાને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં UGC EQUITY REGULATIONS 2026ને નામે નિયમોમાં બદલાવ થયો છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત સમાનતા લાગુ કરવા UGCએ નવા નિયમોમાં અનુસૂચિત જાતિ/જનજાતિ ઉપરાંત OBC વિદ્યાર્થીઓ પણ દાખલ કર્યા છે. આમ તો આ બધું શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ રોકવા અને સમાનતા લાગુ કરવા થાય છે. જાતિગત ટિપ્પણીઓ ટાળવા ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઈન સહિતની સંસ્થાઓમાં નજર રાખતી વ્યવસ્થાઓ લાગુ કરાઈ હોવાનો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો દાવો છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાનો આ નિયમ કડક રીતે લાગુ થશે ને જે શૈક્ષણિક સંસ્થા એમાં ઢીલાશ દાખવશે તેની ગ્રાન્ટ કાપવાથી લઈને માન્યતા રદ્દ કરવા સુધીનાં પગલાં ભરાશે. UGCનું માનવું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ સાથે થતાં ભેદભાવમાં ખાસો વધારો થયો છે. એટલે આ નિયમો યોગ્ય હોય તો પણ તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

વિરોધ એટલે થઇ રહ્યો છે કે અનુસૂચિતજાતિ અને જનજાતિમાં OBCનો સમાવેશ પણ થયો છે. એટલે થયું છે એવું કે સામાન્ય અથવા બિનઅનામત વર્ગ જ બહાર રહી ગયો છે. હવે UGCના નવા નિયમોને લીધે સામાન્ય વર્ગ આપોઆપ જ આરોપોનો ભોગ બનશે. તે ડિફોલ્ટ ગુનેગાર થઈ જશે. આ વેપલામાં સામાન્ય વર્ગને તો કોઈ રાહત નથી, પણ અનામત વર્ગ ખોટી ફરિયાદ કરી દે, તો તેની સામે પગલાં ભરવાની કે સજા કરવાની જોગવાઈ પણ નથી. વળી સવર્ણોનું કહેવું છે કે ભેદભાવની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા અપાઈ નથી, એટલે કોઈ પણ ફરિયાદને ભેદભાવ ગણી લેવાય એમ બને. એમ થશે તો સવર્ણોને અન્યાય થશે. દરેક શિક્ષણ સંસ્થાએ સમાન તકો ન મળતી હોય એવા કિસ્સામાં ફરિયાદો નોંધવા હેલ્પલાઇન ડેસ્ક સક્રિય કરવું પડશે, પણ એમાં ખોટી ફરિયાદો રોકવા પર કોઈ કાબૂ નહીં રહે. એને લીધે કોઈ નિર્દોષ વિદ્યાર્થી ફસાય ને તેની કારકિર્દી રોળાય એમ બને. એક વાત સ્પષ્ટ છે કે UGCએ અનુસૂચિત જાતિ, જનજાતિ અને OBCને એક સંરક્ષણાત્મક છત નીચે લાવીને અને સવર્ણોને ધરાર અલગ રાખીને ભેદભાવ રાખ્યો છે. ટૂંકમાં, સવર્ણ વિદ્યાર્થીઓને આ નિયમો ઘાતક લાગ્યા છે ને તેને પરત ખેંચવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આ ઊહાપોહને કારણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ધરપત આપી છે કે નવા નિયમો અંગેની ગેરસમજ દૂર કરાશે અને કોઈની સાથે ભેદભાવ નહીં રખાય એવી તકેદારી રખાશે. આ ખાતરી છતાં 15 ફેબ્રુઆરીથી લાગુ થનારા UGC નિયમોનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ચાલુ છે. ચિંતા એ છે કે UGCના નવા નિયમો વર્ગવિગ્રહ કરાવે તો નવાઈ નહીં. તે એટલે કે આમાં એકનો ગાલ પંપાળવા, બીજાને તમાચો મારવા જેવું છે.

રાજકોટમાં સવર્ણ સમાજના આગેવાનો, UGC નિયમોનો વિરોધ કરવા સમન્વય સમિતિ બનાવવાના છે. થરાદમાં રેલી નીકળશે. યુપીમાં સવર્ણ યુવકોએ મુંડન કરાવ્યું છે. દિલ્હી, સુરત, વારાણસી, જેવાં શહેરોમાં પણ વિરોધનો પવન ફૂંકાયો છે. એટલું ઓછું હોય તેમ બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ નવા નિયમોના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. એ સાચું છે કે 2020થી 2025 દરમિયાન અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને થતાં અન્યાયમાં 100 ટકાનો વધારો થયો છે. આ જાતિગત ભેદભાવોને રોકવા UGCએ નિયમો બનાવ્યાં છે, પણ ફરિયાદનો અધિકાર પછાત વર્ગનાને જ શું કામ? એ અધિકાર તો બધા વિદ્યાર્થીઓનો હોય ને !

UGCનો આ સુધારો સરકારના ગળામાં હાડકું થઈને ફસાય એમ બને. જો એ નિયમો ચાલુ રખાય તો સવર્ણ વિદ્યાર્થીઓ જંપવા નહીં દે ને રદ્દ કરે તો અનામતવાળા ઠરવા નહીં દે. આનો લાભ વિપક્ષો ન લે એટલા ભોળા નથી. તેઓ ધારે તો સવર્ણોની નારાજગીને પોતાના લાભમાં એ રીતે વાળી શકે કે ભા.જ.પ.ની હોવા છતાં, સરકાર સવર્ણોની સાથે નથી અને અનામતવાળા તો પોતાની સાથે છે જ ! જો કે, આજના છેલ્લા સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક લગાવતા CJI સૂર્યકાન્તે કહ્યું કે નવા નિયમોમાં દુરુપયોગનો ખતરો છે, એટલે 2012નાં નિયમો જ લાગુ થશે. સુપ્રીમે UGC નિયમો પર સ્ટે આપ્યો છે.

સ્કૂલો, UGCનું તો સમજ્યા, નોકરીમાં પણ શૈક્ષણિક છમકલાં કઈ હદે સક્રિય છે એનો એક દાખલો જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી GPCB – ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની પરીક્ષામાં પેપરસેટર દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરાવવાને બદલે પ્રશ્નો સીધા AIથી કોપી-પેસ્ટ કરીને મૂકી દેવાયા, એટલે  ઉમેદવારોને અન્યાય થયાની ફરિયાદ ઊઠી છે. ઉમેદવારોની માંગ એવી છે કે લેવાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવે અને એક્સપર્ટ પાસેથી નવું પેપર સેટ કરાવીને ફરી પરીક્ષા લેવાય. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ન ઉકાળે તે તો સમજાય, પણ ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવામાં વેઠ ઉતારે તે શરમજનક છે. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની પરીક્ષા હોય ને AIના પ્રશ્નો ફોન્ટ પણ બદલ્યા વગર પ્રશ્નપત્રમાં બેઠા જ મૂકી દેવાય એમાં આળસ કરતાં અંચાઈ વધારે છે. પરીક્ષા પછી જાહેર થયેલી ઉમેદવારોની રિસ્પોન્સ શીટમાં જવાબો બદલાઈ ગયાના પુરાવાઓ પણ મળ્યા છે. ઉમેદવારે જે વિકલ્પ પર ટિક કરેલી તેને બદલે સિસ્ટમમાં અલગ જ જવાબ સેવ થયો છે. આ બધી મોંકાણ એજન્સીઓ પાસેથી કામ લેવાને લીધે થાય છે. માસ્તરો, અધ્યાપકો, આચાર્યો એટલા ફાજલ પાડી દેવાયા છે કે પ્રશ્નપત્ર સેટ કરાવવાનું જીવ પર આવે છે. હાડકાં હરામનાં આટલાં ક્યારે ય ન હતાં. હવે તપાસ સમિતિ નીમાશે, એજન્સી બ્લેકલિસ્ટ કરવાના દાંડિયા રાસ રમાશે ને નવી પરીક્ષા વખતે વળી કોઈ ગરબડ થશે ને વળી તપાસ સમિતિ, વળી નવું બ્લેકલિસ્ટ એન્ડ ઓલ ધેટ ! ચામડાં આટલાં નફફટ કઈ રીતે થઈ જતાં હશે તે નથી સમજાતું.

સ્કૂલો હોય કે યુ.જી.સી., મંડળ હોય કે એજન્સી ચારે બાજુ રીઢાપણાનું સામ્રાજ્ય છે ને બધાં જ તેનો લેવાય એટલો લાભ લે છે. શિક્ષણનું આવું બીજું પરચુરણ પણ હશે જ. ટ્રેજેડી એ છે કે પરચુરણમાં દેખાતા સિક્કાઓ પણ ખોટા છે ને બજારમાં ચલણી છે….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જાન્યુઆરી 2026

Loading

ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|29 January 2026

સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે, એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે.

“મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે” 

સિદ્ધહસ્ત સર્જક અને સાહિત્યકાર પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી વર્ષ ૧૯૬૯માં બનેલ ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ (શ્વેત-શ્યામ) એ જમાનાની નીવડેલ સામાજિક ફિલ્મ કહી શકાય. ફિલ્મી પરિભાષામાં કહીએ તો ‘કંકુ’ એ ગુજરાતી ફિલ્મોની સૌ પહેલી આર્ટ ફિલ્મ પણ કહી શકાય, જેમાં મનોરંજન કરતાં સામાજિક નિસબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ખાસ કરીને ગ્રામીણ પરિવેશની વાસ્તવદર્શી ઘટનાક્રમોનું ગુંફન રહેતું. અમેરિકામાં ફિલ્મ દિગ્દર્શનનું ભણીને આવેલા કાંતિલાલ રાઠોડ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘કંકુ’ના મુખ્ય કલાકારો કિશોર જરીવાલા (ખુમોની મુખ્ય ભૂમિકામાં), પલ્લવી મહેતા (કંકુની મુખ્ય ભૂમિકામાં) અને કિશોર ભટ્ટ (મલક ચંદની ભૂમિકામાં) હતાં. આ ઉપરાંત કૃષ્ણકાંત ભૂખણવાલા અને અરવિંદ જોષીએ પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ૧૭મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમમાં કંકુ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિચર ફિલ્મનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની નાયિકા પલ્લવી મહેતાને ૬ઠ્ઠા શિકાગો આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રીનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક કાંતિલાલ રાઠોડને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની પટકથા માટે સર્જક પન્નાલાલ પટેલને શ્રેષ્ઠ પટકથાનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. પતિના મૃત્યુ પછી સમાજ નિર્મિત વિટંબણાઓ, પારિવારિક દબાણ, પુરુષોની ભૂખાળવી નજર સામે જાતની સુરક્ષા અને સામાજિક રૂઢિચુસ્તતાઓનાં સામા વ્હેણ સામે જીવન જીવવાના વિધવા કંકુના એકલપંડીય સાહસ અને હિંમતનું યથાર્થ નિરૂપણ કંકુ ફિલ્મમાં થયું છે. ફિલ્મ વિશે એક લીટીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્વેત-શ્યામ રંગોમાં પણ ફિલ્મ કંકુ વાસ્તવિક જીવનના વિવિધ રંગોનું દર્શન કરાવવામાં સફળ રહી છે. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે ૧૯૩૬માં પન્નાલાલ પટેલ રચિત વાર્તા ‘કંકુ’ પરથી ૧૯૬૯માં ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ બની હતી અને ‘કંકુ’ ફિલ્મની અપ્રતિમ સફળતાથી પ્રેરાઈને બાદમાં પન્નાલાલ પટેલે ‘કંકુ’ નવલકથા લખી હતી.

એ વખતની મુખ્યધારા અને અત્યંત રૂઢિચુસ્ત સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો જરા હટકે એવી આ ફિલ્મ ખરા અર્થમાં નવા વિચારનો એક એવો સામાજિક તણખો હતો જેણે સામાજિક રૂઢિચુસ્તતાના અભેદ્ય તાણાવાણાને ભેદવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર ગુજરાતના ગામઠી પરિવેશમાં ચિત્રાંકિત આ આખી ફિલ્મ એક ગ્રામીણ સ્ત્રી કંકુની આસપાસ વણાયેલ છે. ખુમા સાથે લગ્ન કરી ઘરસંસાર માંડતી કંકુ લગ્નજીવનની શરૂઆતના દિવસો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાથી વીતાવી રહી હતી. ખુમાના તૂટ્યા-ફૂટ્યા ઘરને સમારવા-શણગારવાના અને ખેતીનાં કામમાં ખુમાના પગલે પગલું દાબતી કંકુ અદમ્ય ઉત્સાહ સાથે ગૃહસંસારના પ્રારંભના દિવસો વીતાવી રહી હતી. નવોઢા કંકુના ગૃહપ્રવેશથી ખુમાની જિંદગીના રંગો ફુલગુલાબી બન્યા હતા. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. બિમારી સબબ પતિ ખુમો નાની વયે અવસાન પામે છે અને કંકુનો ચૂડી-ચાંદલો નંદવાય છે. ખુમાનું મૃત્યુ થયું ત્યારે કંકુના પેટમાં ગર્ભ પાંગરી રહ્યો હતો. પતિના વિયોગ અને વિરહે કંકુની જિંદગીના સોનેરી રંગો હરી લીધા. ઘર અને ખેતીના સઘળાં કામ એકલા હાથે સંભાળતી વિધવા કંકુ પૂરા મહિને દીકરાને જન્મ આપે છે. હીરિયાના આગમન પછી કંકુના જીવનમાં એક નવો સંચાર પેદા થાય છે. હીરિયાના પાલન-પોષણ અને ઘરના બીજા કામોમાં કંકુનો સમય પસાર થવા લાગે છે. 

યુવા વયે વિધવા થનાર કંકુ સમક્ષ ખાધેપીધે સુખી-સંપન્ન પુરુષો તરફથી લગ્ન પ્રસ્તાવ આવવા લાગે છે, પણ આર્થિક સંકડામણ અને અર્ધદગ્ધ મનોરથો છતાં હીરિયાનું પાલન-પોષણ અને ખેતીનાં કામને પ્રાધાન્ય આપી કંકુ એ લગ્ન પ્રસ્તાવો ઠુકરાવી દે છે. હીરિયાના ઉછેરમાં મન પરોવી કંકુ સંસારસુખ માંડવાનું ટાળે છે. આર્થિક સંકડામણને લીધે કંકુને બાજુના ગામના શાહુકાર શેઠ મલકચંદ પાસેથી કરજ લેવાની ફરજ પડે છે. નાની વયે વિધુર થયેલ મલકચંદ એક ઠરેલ અને સાલસ વેપારી છે. નાણાભીડને કારણે કંકુને અવારનવાર મલકચંદની દુકાનેથી શાખે રૂપિયા અને માલસામાન લેવા જવું પડે છે. મલકચંદની હાટડીએ કંકુની વારંવારની આવન-જાવનથી બે વિયોગી જીવના હૈયા લગોલગ આવે છે. મલકચંદના રૂદિયે કંકુ પ્રત્યે સ્નેહની સરવાણી ફૂટે છે તો સામે કંકુની સુષુપ્ત મહેચ્છાઓ પણ મલકચંદ સામે મહોરવા લાગે છે, પણ દીકરા અને ઘરની જવાબદારીને કારણે કંકુ પોતાની સુષુપ્ત કામનાઓને સંયમમાં રાખે છે.

વખત જતા હીરિયો ઉંમર લાયક થાય છે. હીરિયાના લગન લેવાય છે. લગ્ન માટે રૂપિયાની જરૂર પડતા કંકુ રૂપિયા લેવા મલકચંદ પાસે જાય છે. મલકચંદની અંધારી હાટડીમાં રૂપિયાની લેતીદેતી વખતે મલકચંદ અને કંકુ સહજ રીતે નજીક આવે છે અને એક નબળી ક્ષણે કંકુ અને મલકચંદ પોતાનો સંયમ ખોઈ એકબીજા સાથે અંતરંગ થઈ જાય છે. મલકચંદ સાથેના ક્ષણિક સહવાસને પગલે કંકુની દેહાકૃતિમાં ફેરફાર થવા લાગે છે. નાના ગામમાં અચાનક કોઈના ઘરનું નળિયું ખસે એની વાત પણ વાયુવેગે ફેલાઈ જાય છે ત્યારે આ તો કંકુ અને મલકચંદના સંબંધની વાત! ગામમાં મોઢા એટલી વાતો થવા લાગી. ગામના મુખી અને બીજા આગેવાનો પણ કંકુની આ સ્થિતિ વિશે ચર્ચા કરી કંકુને કેવી રીતે આમાંથી બહાર લાવવી એ વિશે મુખીને સલાહ આપવા લાગ્યા. આમાંના ઘણા પુરુષોએ તો લાજ-શરમ નેવે મૂકી કંકુ સાથે ફરી લગ્ન કરવા સુધીની પણ વાત કરી નાખી! જો કે એ બધી વાતો પર ધ્યાન આપ્યા વિના કંકુ હીરિયાના લગ્નની તૈયારી આદરે છે. ગામમાં કંકુ વિશે થતી જાતજાતની વાતોથી હીરિયાને પણ પોતાની મા પ્રત્યે અણગમો ઉપજે છે, પણ પછીથી ઘરની નાજુક આર્થિક સ્થિતિ સામે એકલે હાથે બાથ ભીડી વિકટ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરતી વિધવા મા પ્રત્યે તેને માન થવા લાગે છે. 

આખરે રંગેચંગે હીરિયાના લગ્ન થઈ જાય છે. હીરિયાના લગ્ન પછી કંકુ દીકરાને જન્મ આપે છે. સુયાણીએ બાળકનું મોં જોઈને જ કહી દીધું કે દીકરાનો બાપ કોણ છે! દીકરાના જન્મ પછી કંકુ પુન:વિવાહ કરી લે છે અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જાય છે.

આજથી લગભગ ૫૫ વર્ષ પહેલાના સમયની સાંપ્રત પરિસ્થિતિ જોતા એ સમયે પ્રવર્તમાન સામાજિક રૂઢિઓ સામે એક અલગ વિચાર કહી શકાય એવી આ ફિલ્મની કથાવસ્તુ એ ફિલ્મનું સૌથી ઉજ્જવળ પાસુ છે. નાની વયે વિધવા થતી સ્ત્રીના જીવનની વિતકકથાને ઉજાગર કરતી આ ફિલ્મ આંતરરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામી હતી. કદાચ એ સમયે આ ફિલ્મની કથાવસ્તુની કક્ષાને સમજવા જેટલી સામાજિક સમજણ પ્રવર્તતી નહિ હોય એટલે આંતરરાષ્ટ્રિય કક્ષાએ આ ફિલ્મની નોંધ લેવાઈ હતી. 

ફિલ્મના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશો: 

સ્ત્રી વિશે એમ કહી શકાય કે સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે. નાયિકાપ્રધાન કંકુ ફિલ્મ માટે એમ કહી શકાય કે ફિલ્મની નાયિકા ફિલ્મમાં સંવાદો વડે જેટલું વ્યક્ત કરે છે એનાથી અનેકગણી અભિવ્યક્તિ એના મૌન અને હાવભાવમાં થાય છે. કદાચ આ બાબત ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે. 

સામાન્ય રીતે વિધવા સ્ત્રીનું જીવન એટલું સરળ અને સહજ નથી હોતું જેટલું સહજ અને સરળ અન્ય સ્ત્રીઓ માટે હોય છે. કેટલીક સામાજિક પરંપરાઓ, પ્રથાઓ, અને વર્તન તરાહ વિધવાના જીવનને અતિશય વિકટ અને વસમું બનાવી દેતી હોય છે. એ સંદર્ભે જોઈએ તો કંકુ ફિલ્મમાં વિધવા કંકુના પાત્રમાં લાચારી અને વિવશતા નહિ પણ સ્ત્રીની મક્કમતા અને દૃઢતા દર્શાવવામાં આવ્યા છે. ઘણી બધી સામાજિક બાબતોમાં કંકુએ સમાજના વર્તન અને પ્રતિભાવો સામે આંખ આડા કાન કરી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે કદાચ આ ફિલ્મનું સૌથી સબળ અને મજબૂત પાસું કહી શકાય. આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે અને તે એ કે સ્ત્રી જો મનથી મક્કમ અને અડગ હોય તો સમાજ, સમાજના લોકો કે સામાજિક રૂઢિઓ અને પરંપરાઓ એનું કંઈ બગાડી શકતા નથી. જીવનમાં આવતી પરિસ્થિતિનો વિધવા કંકુ જે બહાદુરી અને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી તેમાંથી બહાર આવે છે તે સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. 

આ ફિલ્મનું અન્ય એક જમાપાસુ છે તે એ કે અમુક-તમુક બાબતોમાં વિધવા કંકુની પીઠ પાછળ કાનાફૂસી થવા છતાં કંકુને અન્ય સ્ત્રીઓ અને સમાજ તરફથી જરૂરી સહયોગ પ્રાપ્ત થયો છે, જે આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આજનો વિકસિત સમાજ ભૌતિક અને સાધનિક દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે પણ કમનસીબે વૈચારિક ઉદારતાની દૃષ્ટિએ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ સ્ત્રી અને એમાં ય ખાસ કરીને વિધવા સ્ત્રી પ્રત્યે અત્યંત સોફિસ્ટિકેટેડ રીતે એક ખાસ પ્રકારનો ભેદભાવ અને વૈચારિક સંકિર્ણતા દાખવવામાં આવે છે. એક વિધવા સ્ત્રીની પોતાની પણ કોઈ ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અરમાનો હોય છે એટલી સાદી સમજનો અભાવ એ વિકસિત સમાજની વૈચારિક સંકીર્ણતા કહી શકાય. 

મલકચંદ સાથેના એક દૃશ્યમાં મલકચંદ કંકુને જ્યારે પૂછે છે કે કંકુ તે બીજા લગ્ન કેમ ના કર્યા ત્યારે કંકુ જવાબ આપે છે, “મારા સ્વાર્થ ખાતર મારે હીરિયાને શા માટે ઓશિયાળો બનાવવો, અને આમ પણ મારે બીજા કોઈની તાબેદારી વેઠવી નહોતી.” કંકુના આ જવાબમાં સ્ત્રીની ઉદારતા અને સાથે સાથે મક્કમતાના પણ દર્શન થાય છે, જે પુરુષની સામાન્ય વિચારધારા અને માન્યતાથી તદ્દન અલગ છે. 

ફિલ્મનું સૌથી ઉત્તમ પાસું છે શ્વેત-શ્યામ રંગો તેમ જ છાયા-પ્રકાશની ઓથે કંડારાયેલ જીવનની કેટલીક ઘટનામાળ જેમાં શબ્દો કે સંવાદોને કોઈ સ્થાન નથી. કંકુના પાત્રમાં એ વખતની જાજરમાન કહી શકાય એવી અભિનેત્રી પલ્લવી મહેતાનો અભિયન સહજ છતાં લાજવાબ છે. તેમના અભિનયમાં સંવાદો ઓછા અને મનોભાવો વધુ વ્યકત થાય છે. ફિલ્મનો હાર્દ કહી શકાય એવા કંકુ અને મલકચંદ વચ્ચે અંતરંગ પળોના દૃશ્યને સર્જકે છાયા-પ્રકાશની મદદથી જે રીતે ફિલ્માવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. કંકુ અને મલકચંદના હોઠ, આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા તેમના આંતરિક આવેગોને જે રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે એ ફિલ્મનું વધુ એક જમાપાસુ કહી શકાય.

વેણીભાઈ પુરોહિત રચિત ગીતોને દિલીપ ધોળકિયાના સંગીતથી મઢવામાં આવ્યા છે. હળવા લહેકામાં ઈસ્માઇલ વાલેરાના સ્વરમાં ગવાયેલ “લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ ઓ ગોરી તારુ રાતું ઝોબનિયું રુમઝુમ…”  બે જુવાન હૈયાઓના આંતરિક ઉમળકાને વ્યક્ત કરતું સુંદર ગીત છે. ગીત સાંભળતી વખતે મન પ્રફુલ્લિત થઈ જાય એવું સુંદર આ ગીત છે. તેમ જ હંસા દવેના સ્વરમાં ગવાયેલ અન્ય એક ગીત “મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે…” ફિલ્મની નાયિકા કંકુના વ્યથિત મનોભાવોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આમ, ફિલ્મના તો ચારે ય ગીતો બહુ સરસ છે, પણ આ બે ગીતો વારે વારે સાંભળવા ગમે એવા છે. 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 January 2026

દાવાનળ? 

યુ.જી.સી. રેગ્યુલેશન અને પ્રજાનો વિરોધ

2012થી જે રેગ્યુલેશન હતા જ એને ચુસ્તદુરુસ્ત કરવાના સુપ્રીમ આદેશના અમલ સામેનો વિરોધ ખુદ સત્તાપક્ષના સમર્થકોમાંથી જ ઊઠે એનો અર્થ એ કે તેઓ નાગરિક  તો શું હિન્દુ પણ થયા નથી 

પ્રકાશ ન. શાહ

ભલા, એવું તે શું નવું ને વળી આકરું છે એમાં કે યુ.જી.સી. રેગ્યુલેશન્સ 2026 સામે કેમ જાણે જંગલના દવ પેઠે ફાટી નીકલે એવો ઊહાપોહ ઊઠી રહ્યો છે – અને તે પણ કમાલ તો જુઓ – સામાન્યપણે જે તબકા મોદી અગર ખાસ તો યોગી ભા.જ.પ.ના ચહેતા અને પહેલા ખોળાના ગણાય છે એમાંથી ? હિંદી અખબારો ને ચેનલોના રિપોર્ટિંગમાં તો બિલકુલ કાસ્ટિસ્ટ જમાબંધી જેવી ભાષા વપરાઈ રહી છે કે અમે સવર્ણો, આ યુ.જી.સી. રેગ્યુલેશન્સ નહીં સ્વીકારી શકીએ. 

હાલના મુખ્ય સત્તાપક્ષ અને વ્યાપક સમર્થક વર્ગ વચ્ચેના આંતરવિરોધ તરીકે પણ આ વાત જોવા તપાસવા જેવી તો છે જ. એ વિશે જરી રહીને થોડી વિગતે વાત કરીએ પણ પહેલાં તો રેગ્યુલેશન્સ 2026 સમજી લઈએ. શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ ન થાય અને સમાવેશી તેમ સમાનતાલક્ષી વ્યવહાર સચવાય એની આ વાત છે. તે તત્ત્વતઃ નવી નથી. 2012થી આ રેગ્યુલેશન પ્રચલનમાં છે. માત્ર, સર્વોચ્ચ અદાલતે એની સામે આવેલ કેસના ચુકાદામાં શિક્ષણસંસ્થાઓમાં એના અણઅમલ અંગે ચિંતાવશ ચુસ્તદુરુસ્ત ગાઇડલાઇન્સની જરૂરત વિશે આદેશ આપ્યાથી ઘટતા સુધારાવધારા સાથે રેગ્યુલેશન્સ 2026નો નિર્ણય યુ,જી,સી,એ કર્યો છે એટલું જ. હા, એક ઉમેરો – અલબત્ત, સંવાદી ઉમેરો. એમાં કર્યો છે તે માત્ર એટલો અને એટલો જ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ, એસ.સી. એસ.ટી., સાથે ઓ.બી.સી.નોયે સમાવેશ કર્યો છે. 

જેમ વિદ્યાર્થીઓમાં ઘૃણિતને હિંસ્ર ભેદભાવ (સંભારો રોહિત વેમુલા ને પાયલ તણી પ્રકરણ) પ્રવર્તે છે તેમ શૈક્ષણિક નિમણૂકોમાંયે ખુદ યુનિવર્સિટી સત્તાતંત્ર મૂર્તિમંત્ર ભેદભાવમાં રાચે છે. નમૂના દાખલ કેવળ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી જ સંબંધિત જુમલો જોઈએ તો 423 જેટલી માન્ય ઓ.બી.સી. બેઠકોમાંથી કેવળ 84 જ ભરાઈ છે, એસ.ટી.-એસ.સી. જુમલોયે એવો જ કંગાળ છે. લોકસભાના ટેબલ પર મુકાયેલ હેવાલ મુજબ તાજેતરનાં વર્ષોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી 13,500 જેટલા એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. છાત્રો ખડી પડ્યા હતા. એમનું આમ ડ્રૉપ આઉટ થવું બીજા છાત્રો (‘સવર્ણ’) થકી નીચાજોણા કે અલગ પડાયાથી અગર છેક બાદબાકી વશ છોડી ગયા હતા. 

શું 2012 કે શું 2026, આશય તો છાત્રો વચ્ચેના સામાજિક ભેદભાવને રોકવાનો ને સમાવેશી વલણ તેમ જ સમતા પ્રવર્તાવવાનો છે. બીજું, સવર્ણ સવર્ણ હિંસ્ર હોઈ શકતા હાઇપકારા વચ્ચે સમજવાની વાત એ છે કે સમજવાનો વિગતમુદ્દો એ પણ છે કે લિંગભેદ અને દિવ્યાંગતાને ધોરણે પણ આ રેગ્યુલેશન્સમાં નિર્દેશ છે. એક રીતે 2012ના મનમોહન યુગ કરતાં 2026ના મોદી યુગમાં ફરક એ છે કે ત્યારે બાદબાકી (ડિસ્ક્રિમિનેશન) અને હેરેસમેન્ટ (પજવણી)ને વ્યવસ્થિત વ્યાખ્યાબદ્ધ કરાયાં હતાં તે પડતું મૂકાયું છે, અને બંને વાનાં ઘટતી ‘સમજ’ મુજબ અર્થઘટનને આધીન છે. 

ગુજરાતમાં 1985માં માધવસિંહ સોલંકીના શાસનકાળમાં ટર્મ બેસતે જ જે ઉદ્રેક ને ઉત્પાત આપણે જોયો, અનામત મુદ્દે, એનો વડો લાભાર્થી આજે ગુજરાતમાં સત્તારૂઢ છે. એ જ વર્ગ, પટેલ પરિબળનોયે ઠીક લાભાર્થી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પર રૂપાલાનું પટેલ હોવું દાવ પર લાગ્યું હતું અને ભા.જ.પ.ની હિંદુત્વ રાજનીતિની મર્યાદા પટેલ વિ. ક્ષત્રિય ઊહાપોહમાં ઉઘાડી પડી ગઈ હતી. અરુણ શૌરી ભા.જ.પ.માં ઊંચી પાયરીએ હોય અને ગુજરાતમાં ભા.જ.પ.ના જ ફકીરભાઈ વાઘેલા શૌરીના આંબેડકર વિષયક પુસ્તકની હોળી કરતા હોય, એ વિરોધ ભા.જ.પ. નાગરિક તો શું હિંદુ પણ પેદા નથી કરી શક્યો એમ સૂચવે છે જે હાલ ભા.જ.પ.ના જ સમર્થકોમાંથી આ રેગ્યુલેશનના વિરોધમાંથી સમજાય છે. 

જો કે એક પ્રત્યાઘાત એવો પણ ઊઠ્યો છે કે સુપ્રીમ કોર્ટે ફરજ પાડ્યાથી જે કરવું પડ્યું છે એને વિશે આ કદાચ ખુદ શાસનપ્રેરિત ઊહાપોહ જ છે. એ જે હોય તે હિંદુત્વ રાજનીતિએ પોતાની સવર્ણવાદી છાપમાંથી બહાર આવવું રહેશે. અને એકંદર રાજકીય ને સામાજિક અગ્રવર્ગે પણ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28જાન્યુઆરી 2026

Loading

...102030...146147148149...160170180...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved