Opinion Magazine
Number of visits: 9951201
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર

સોનલ પરીખ|Opinion - Opinion|20 November 2025

ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે તુઝ્કો લિખી રોજ પાતી
કૈસે બતાઉં કિસ કિસ તરહ સે હર પલ મુઝે તૂ સતાતી
તેરે હી સપને લે કર કે સોયા તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ઉલઝા રહા યું જૈસે કિ માલા મેં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
ઈતના મદિર, ઇતના મધુર તેરા મેરા પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

સાંસોં કી સરગમ ધડકન કી બીના સપનોં કી ગીતાંજલિ તૂ
મન કી ગલી મેં મહકે જો હરદમ ઐસી જૂહી કી કલી તૂ
છોટા સફર હો, લંબા સફર હો, સૂની ડગર હો યા મેલા
યાદ તૂ આયે મન હો જાયે ભીડ કે બીચ અકેલા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

પૂરબ હો પશ્ચિમ, ઉત્તર હો દક્ષિણ તૂ હર જગહ મુસ્કુરાયે
જિતના ભી જાઉં મૈં દૂર તુઝસે ઉતની હી તૂ યાદ આયે
આંધી ને રોકા, પાની ને ટોકા દુનિયા ને હસ કર પુકારા
તસવીર તેરી લેકિન લિયે મૈં કર આયા સબસે કિનારા લેકર
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

રિહર્સલ ચાલતું હતું. એસ.ડી. બર્મન કિશોરકુમારને ‘બડી સૂની સૂની હૈ’ ગાતા સાંભળી રહ્યા હતા. આંખો ભીની હતી, હોઠ ખામોશ હતા. થોડી વારે કિશોરકુમાર વિદાય થયા. બર્મનદા ઊઠવા ગયા પણ પડી ગયા. ડૉક્ટરે આવીને કહ્યું, ‘હૉસ્પિટલ લઈ જવા પડશે.’ બર્મનદાએ ના પાડી, ‘કાલે રેકૉર્ડિંગ છે, એ પછી જ હૉસ્પિટલ જઈશ.’

ખબર પડી એટલે કિશોરકુમાર આવ્યા. બર્મનદાને હૉસ્પિટલમાં મોકલવા બહાનું કાઢ્યું. ‘દાદા, મારું ગળું ખરાબ છે. તમે હૉસ્પિટલ જાઓ. તમે સાજા થશો ત્યાં સુધીમાં મારું ગળું પણ બરાબર થઈ જશે, પછી રૅકૉર્ડિંગ કરીશું.’

‘દેખો, કિશોર. ગલા ઠીક હોને પર ફૌરન રેકૉર્ડિંગ હોના ચાહિયે. મૈં આ નહીં પાયા તો ભી. ઔર ઐસે ગાના જૈસે મૈં તુમ્હારે સામને હી ખડા હૂં. વાદા કરો.’ આટલું કહી, બર્મનદા હૉસ્પિટલ ગયા. રેકૉર્ડિંગ એમના વિના જ થયું, પણ કિશોરકુમારે સતત એમની હાજરી અનુભવી. ટેપ સંભળાવવામાં આવી ત્યારે બર્મનદાના ફિક્કા મોં પર સંતોષની સુરખી છવાઈ. એમણે પુત્રને કહ્યું, ‘મૈં ન કહતા થા, કિશોર હી યહ ગા સકતા હૈ. બિલકુલ વૈસા, જૈસા મૈં ચાહતા થા.’ અમીન સાયાનીને ઈન્ટરવ્યૂ આપતી વખતે કિશોરકુમારે પોતે આ વાત કહી હતી.

રેકૉર્ડિંગ સાંભળ્યા પછી તરત બર્મનદા કોમામાં સરી પડ્યા હતા. 31 ઑક્ટોબરે 69 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. કિશોરકુમાર-એસ.ડી. બર્મનના આ અનોખા અનુબંધને યાદ કરતાં આજે માણીએ ‘પ્રેમ પૂજારી’નું સદાબહાર, ઑલ ટાઈમ ફૅવરિટ રોમેન્ટિક ગીત ‘ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે …’ આ ગીતમાં અનુબંધ-ત્રિકોણનો ત્રીજો ખૂણો પણ છે, દેવ આનંદ. દેવ આનંદનો વૉઈસ મહંમદ રફી ગણાતા હતા ત્યારે એમને માટે કિશોરકુમારનો કંઠ પસંદ કરનાર અને એક એકથી ચડિયાતાં ગીતો આપનાર એસ.ડી. બર્મન જ હતા.

આજે અડધી સદી વીતી ગઈ છતાં શરદ પૂનમની રાત્રે ‘યે રાત યે ચાંદની ફિર કહાં’ અને ‘ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન’ અચૂક યાદ આવે જ છે. જેમ દુ:ખી હોઈએ ત્યારે ‘દિન ઢલ જાયે’, ક્લબ સૉંગ સાથે થિરકવાનું મન થાય ત્યારે ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે’, ક્લાસિકલ સંગીત માણવાની ઇચ્છા થાય ત્યારે ‘પૂછોના કૈસે મૈંને રૈન બિતાઈ’ અને ફિલોસોફીના મૂડમાં ‘ઓ રે માઝી …’ યાદ આવે છે તેમ જ.

1906માં જન્મેલા બર્મનદા ત્રિપુરાના રાજવંશના હતા. 1937થી બંગાળી ફિલ્મોમાં અને 1947થી હિંદી ફિલ્મોમાં (પહેલું ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા’) ચાર દાયકાથી વધારે સમયમાં એમની કારકિર્દી વિસ્તરી હતી. 100થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું, અર્ધશાસ્ત્રીય અને બાઉલ શૈલીમાં પોતે પણ ગાયું. એમનાં પત્ની મીરાં દાસગુપ્તા સંગીતકાર અને લેખિકા હતાં.

બર્મનદા એકમાત્ર એવા સંગીતનિર્દેશક છે જેમણે કિશોરકુમાર અને મહમ્મદ રફી પાસે લગભગ સરખા પ્રમાણમાં ગીતો ગવડાવ્યાં છે. કિશોરકુમારની કારકિર્દીને વેગ આપવામાં બર્મનદાનો મોટો ફાળો હતો. કિશોરકુમારને તેઓ પોતાનો દીકરો જ ગણતા અને પુત્ર પંચમ જેટલો જ પ્રેમ કરતા. અનેક વાર નવી ધૂન સૂઝી હોય ત્યારે ભાંગતી રાત્રે કિશોરકુમારને ફોન કરી જગાડતા અને ધૂન સંભળાવતા, ‘કેવી બની છે?’ ‘અદ્દભુત. હવે સૂઈ જાઉં, દાદા?’ ‘ના. પહેલા મારી સાથે ગા જોઉં.’ બંગાળી બાઉલ સંગીતથી લઈ શાસ્ત્રીય સંગીતની બારીકીઓ સુધી વિસ્તરતી બર્મનદાની સંગીતશૈલીને વર્ણવવી સહેલી નથી. એવરગ્રીન દેવ આનંદ હોય કે શાલીન વિજય આનંદ, વિરક્ત બિમલ રૉય હોય કે અજંપ ગુરુ દત્ત, બર્મનદા બધા સાથે જામે. પોતાનું અને એમનું નવું શિખર સર કરી બતાવે.

પણ જિદ્દી, વધુ પડતા ચોક્કસ પણ ખરા. બિમલ રૉય અને સાહિર લુધિયાનવી સાથેના તેમના મતભેદો છાપે ચડ્યા હતા, પણ ગુરુ દત્ત અને દેવ આનંદ સાથેનું જોડાણ દીર્ઘ નીવડ્યું હતું. પાનના અઠંગ પ્રેમી. સચિન તેંડુલકરના પિતા એસ.ડી.ના એવા પ્રેમી હતા કે એમના નામ પરથી દીકરાનું નામ સચિન પાડ્યું!

‘પ્રેમ પૂજારી’ 1970ની ફિલ્મ હતી. તેનું લેખન, નિર્માણ, દિગ્દર્શન અને અભિનય દેવ આનંદનાં હતાં. દિગ્દર્શક તરીકેની દેવ આનંદની આ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદ સ્ટાઈલની નવીનતા અને તાજગી સાથે દિગ્દર્શક તરીકે કથળી જતી માવજત અને છૂટી જતી પકડ પણ એમની પછીની અનેક ફિલ્મોની જેમ આમાં દેખાય છે.

કહાણી સૈનિક પિતા (નાસીર હુસેન) અને શાંતિપ્રિય પુત્ર(દેવ આનંદ)ની છે. પિતાના કહેવાથી એ લશ્કરમાં ભરતી થાય છે, કૉર્ટ માર્શલ થઈ ગુમ થઈ જાય છે, જાસૂસી કરે છે ને અંતે યુદ્ધમાં પરાક્રમ પણ કરે છે. આ બધા સાથે પ્રેમિકા(વહીદા રહેમાન)ને દિલોજાનથી ચાહે છે.

દેવ આનંદના રોમાન્સમાં રમતિયાળપણું અને સચ્ચાઈનો જે સંગમ હતો તે ‘ફૂલોં કે રંગ સે’માં બરાબર ઊભર્યો છે અને એમાં બર્મનદા જેટલો જ હાથ તેના શાયર ગોપાલદાસ ‘નીરજ’ના શબ્દોનો પણ છે. ગીતનું ફિલ્માંકન જ્યાં થયું છે તે સ્વીત્ઝરલૅન્ડ જેટલું જ સ્વચ્છ-સુંદર આ કવિએ કરેલું પ્રેમની મસ્તી અને ઊંડાણનું સંયોજન છે. એને માણવા ખાતર પણ આ ગીત જરૂર જોવું જોઈએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑક્ટોબર 2025

Loading

કરસનદાસ મુલજીએ જોયેલું તે કેવું હતું ૧૮૬૩નું ઇંગ્લન્ડ?  

દીપક મહેતા|Opinion - Literature|20 November 2025

ગ્રંથયાત્રા – 19

ડિમાઈ કદનાં લગભગ ૪૬૦ પાનાં. તેમાં દોઢ સો જેટલાં ચિત્રો, ઘણાં તો બહુરંગી. ૧૮૬૬માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ. બીજે જ વર્ષે, ૧૮૬૭માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ. એ વખતે ‘ગુજરાતી ભાષા બચાવો’નું આંદોલન ચાલતું નહોતું, છતાં અંગ્રેજી અખબારો અને મેગેઝીનોમાં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો પણ પ્રગટ થતાં. ૧૮૬૬ના જુલાઈની ૧૬મી તારીખે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં અને ચોથી ઓગસ્ટના ‘બોમ્બે સેટરડે રિવ્યુ’ના અંકમાં એ પુસ્તકનું અવલોકન પ્રગટ થયેલું. ‘બોમ્બે સેટર ડે રિવ્યુ’એ લખેલું કે છાપકામની દૃષ્ટિએ આના કરતાં વધુ સુંદર હોય તેવું બીજું કોઈ પુસ્તક મુંબઈના કોઈ પણ છાપખાનામાં આજ સુધીમાં છપાયું નથી. આ પુસ્તકનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયેલો, ૧૮૬૬માં જ.

એ પુસ્તકનું નામ ‘ઇંગ્લન્ડમાં પ્રવાસ’. એના લખનાર હતા કરસનદાસ મુલજી (પુસ્તકના ટાઈટલ પેજ પર આ રીતે નામ છાપ્યું છે). ૧૮૩૨ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં જન્મ. ફક્ત ૩૯ વર્ષની ઉંમરે ૧૮૭૧ના ઓગસ્ટની ૨૮મી તારીખે લીમડી ગામમાં અવસાન. કરસનદાસ એટલે ૧૯મી સદીના આપણા અગ્રગણ્ય સમાજ સુધારક, ત્રણ ત્રણ સામયિકોના તંત્રી. મહારાજ લાયબલ કેસને કારણે તેમનું નામ દેશમાં અને દેશની બહાર પણ ગાજેલું. બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, પણ તેમની લેખક તરીકેની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે આ પુસ્તકને પ્રતાપે. તેમણે ઇંગ્લન્ડનો પ્રવાસ બે વખત કરેલો. પહેલો ૧૮૬૩માં. આ પુસ્તકમાં તેમણે એ પ્રવાસની વાત કરી છે. એ વખતે દરિયો ઓળંગવો એટલે મહાપાતક. પાછા આવ્યા પછી ન્યાત બહાર મુકાયેલા. મહીપતરામ નીલકંઠને પણ તેમણે કરેલા ઇંગ્લન્ડના પ્રવાસને કારણે ન્યાત બહાર મૂકેલા. પણ તેમણે નાકલીટી તાણી, દંડ ભરી, પ્રાયશ્ચિત્ત કરેલું અને ન્યાતમાં પાછા દાખલ થયેલા. જ્યારે કરસનદાસ મરતાં સુધી અડીખમ રહેલા. પોતાને માથે આફત આવશે એની કરસનદાસને પહેલેથી ખબર હતી. એટલે આ પુસ્તકને અંતે તેઓ લખે છે : “વિલાયત જનારા પહેલા થોડા એક ગૃહસ્થો ઉપર દુઃખ પડ્યાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના.  ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુઃખ પડ્યું તે જોઇને જેમ હું અટક્યો નહિ, તેમ મને જોઇને બીજાઓ અટકશે નહિ તેમ હું માનું છું.”

કરસનદાસનું પુસ્તક જોતાં જણાય છે કે તેમણે અત્યંત વ્યવસ્થિત રીતે, આયોજનપૂર્વક આખું પુસ્તક લખ્યું છે. પુસ્તક બાર પ્રકરણમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક પ્રકરણમાં બાર-બાર ‘બાબત’ વિષે લખ્યું છે. પહેલા પ્રકરણમાં વિલાયતની સમગ્ર છાપ, તેની મુસાફરીથી થતા લાભ, પ્રાચીન સમયના હિંદુઓમાં વિદેશ પ્રવાસનો ચાલ, અને પછીથી એ ચાલ બંધ પડવાનાં કારણો, વગેરેની લેખકે ચર્ચા કરી છે. 

૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે સવારે કરસનદાસે મુંબઈનું બારું છોડ્યું ત્યારે તેમની આગબોટ પર ત્રણ દક્ષિણી (મહારાષ્ટ્રી) હિંદુ અને તેમના ત્રણ નોકરો, ચાર પારસીઓ અને તેમના ત્રણ પારસી નોકરો, પોતે અને પોતાનો નોકર, એમ કુલ ૧૫ હિંદીઓ હતા એમ તેમણે નોંધ્યું છે. (મુસાફરી દરમ્યાન રસોઈ કરવા માટે સાથે નોકર લઇ જવાનો એ વખતે ચાલ હતો, જેથી ‘ધરમ’ સચવાય!) આગબોટનું નામ હતું જેદ્દો. બીજા પ્રકરણમાં લેખકે દરિયાઈ મુસાફરીની અને રસ્તામાં આવેલાં એડન, કેરો, માલટા, માર્સેલ્સ, પારિસ વગેરે વિષે ટૂંકમાં લખ્યું છે. નવમી એપ્રિલે સાંજે પાંચ વાગે કરસનદાસે લંડનની ભૂમિ પર પહેલી વાર પગ મૂક્યો. ડોવરથી લંડન-બ્રિજ રેલવે સ્ટેશન સુધીની મુસાફરી તેમણે ‘આગની ગાડી’માં કરેલી. એ સ્ટેશન પર ઉતરતાં વેંત કરસનદાસની નજરે સૌથી પહેલું શું પડે છે? બહુ જ મોટા અક્ષરે લખેલું પાટિયું : ‘બીવેર ઓફ પિકપોકેટસ.’ ચોર-લૂંટારા તો ફક્ત હિન્દુસ્તાનમાં જ હોય એવું નથી, અહીં પણ છે – કરસનદાસ વિચારે છે. જો કે પોતે ઇન્ગ્લન્ડમાં છ મહિના રહ્યા તે દરમ્યાન પોતાને ચોરી-ચપાટીનો એક પણ અનુભવ થયો નહિ એમ તેઓ ઉમેરે છે. 

કેવું હતું એ વખતનું લંડન? ઘરો ઉપર ધૂમાડિયાં(ચીમની)નાં લાલ ભૂંગળાં છાપરાંની બહાર ડોકાતાં ચોતરફ દેખાય છે. તેમાંથી નીકળતો ધૂમાડો આખા શહેરમાં પ્રસરે છે. આથી ઘણાંખરાં ઘરોનો રંગ બહારથી કાળો પડી ગયો છે. શહેરમાં એટલો ધૂમાડો હોય છે કે આખો દિવસ બહાર ફરીને સાંજે ઘરે પાછા આવીએ ત્યારે હાથ-પગ-મોં કાળાં થઇ ગયાં હોય! તો ત્રીજા પ્રકરણમાં લેખકે શહેરનાં વસ્તી, વિસ્તાર, રસ્તા, ચોક, ગાડી અને ઘોડા, દુકાનો અને બજાર, અખબારો અને જાહેર ખબરો, બગીચા, પૂતળાં, ફુવારા, નદી, પૂલો, અને રાતે આખા શહેરને ઝગમગાવતા ગેસના દીવા – આ બધાં વિષે લખ્યું છે. તો પછીના એક પ્રકરણમાં બ્રિટિશ મ્યુઝિયમ, પોલિટેકનિક ઇન્સટિટ્યૂટ , ઝુઓલોજિકલ ગાર્ડન, ‘લંડન ટાઈમ્સ’નાં ઓફીસ અને છાપખાનું, થેમ્સ ટનલ અને ટાવર ઓફ લંડન, વેસ્ટ મિન્સ્ટર એબી, હાઉસ ઓફ પાર્લામેન્ટ, વગેરે વિષે પણ વિગતે લખ્યું છે. છઠ્ઠા પ્રકરણમાં લંડનની નાટકશાળાઓ, માદામ તુસેનું વેક્સ મ્યુઝિયમ, નેશનલ ગેલેરી, વગેરે વિષે વાત કર્યા પછી સાતમાં પ્રકરણમાં લંડનના લોકો, તેમની સામાજિક-આર્થિક સ્થિતિ, તેમના રીત રિવાજો, અને જીવનશૈલીની ચર્ચા કરી છે. એટીકેટ, ગુણો, વગેરેની વાત કર્યા પછી ઇન્ગ્લન્ડની મોટાઈનાં બાર કારણો તેમણે આપ્યાં છે: વિદ્યા, હુન્નર, કોલસો, લોઢું, કારખાનાં, રેલવે, એક ભાષા, વેપાર, દયાળુ સરકાર. લંડન ઉપરાંત માન્ચેસ્ટર, લિવરપૂલ, એડીનબરા, ગ્લાસગો, વગેરેની મુલાકાત પણ લેખકે લીધેલી તેની વાતો પણ અહીં સમાવી છે. 

ચિત્રો એ આ પુસ્તકનું એક આગવું અંગ છે. પહેલી આવૃત્તિ મુંબઈમાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાયેલી અને તેમાં પણ ઘણાં ચિત્રો મૂક્યાં હતાં. પણ ૧૮૬૭ની બીજી આવૃત્તિમાં તેમણે ઘણાં ચિત્રો ઉમેર્યાં હતાં, લખાણમાં સુધારા-વધારા કર્યા હતા. આ આવૃત્તિ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છાપી હતી. એ જમાનામાં તેની કિંમત બાર રૂપિયા હતી! તેની ૭૦૦ જેટલી નકલો તે વખતની મુંબઈ સરકારે આગોતરી ખરીદી હતી. પુસ્તકમાં જેટલાં ચિત્રો મૂક્યાં છે તેની અત્યંત વ્યવસ્થિત સૂચિ પુસ્તકને આરંભે ‘ચિત્રની ટીપ’એવા મથાળા હેઠળ મૂકી છે. તેમાં ખાસ વાત એ છે કે આ સૂચિ ચિત્રો છાપવાની પદ્ધતિ પ્રમાણે વહેંચીને આપી છે. ‘સ્ટીલ પ્લેટ તથા લીથોગ્રાફ’ મથાળા હેઠળ નોંધાયેલાં ૩૬ ચિત્રો બહુરંગી છે અને તે ઇન્ગ્લન્ડમાં છપાવેલાં છે. આપણને થાય કે તેમણે તૈયાર ચિત્રો – સ્ટોક ઈલસ્ટ્રેશન્સ – ખરીદીને પુસ્તકમાં આમેજ કરી દીધાં હશે. (એ વખતે એમ કરવું અસામાન્ય નહોતું.) પણ આ બધાં જ ચિત્રો તેમણે ખાસ પોતાના પુસ્તક માટે જ છપાવ્યાં હતાં. લંડનના ‘મેક-ડોનાલ્ડ એન્ડ મેકગ્રેગોન લીમીટેડ’માં આ ચિત્રો છપાયાં છે અને દરેક ચિત્ર નીચે સાવ ઝીણા અક્ષરે છાપ્યું છે : ‘સ્પેશિયલી પ્રીપેર્ડ ફોર કરસનદાસીઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ગ્લન્ડ.’ આ ઉપરાંત ઈલેક્ટ્રોપ્લેટ પદ્ધતિથી ૧૯ ચિત્રો છાપ્યાં છે. ત્રીજો પ્રકાર છે વૂડ કટ અને નાની ઇલેક્ટ્રો પ્લેટનો. આવાં બધાં જ ચિત્રો લખાણની સાથે, વચમાં, કે એક બાજુએ છાપ્યાં છે. તે મુંબઈના પ્રેસમાં જ છપાયાં હોય. થોડાં વર્ષો પહેલાં ગુજરાત સાહિત્ય અકાદેમીએ કરસનદાસનું આ પુસ્તક ફરી છાપ્યું, પણ તેમાંનાં ઘણાંખરાં ચિત્રો કાઢી નાખ્યાં. એ જમાનામાં એક વ્યક્તિ જે કરી શકી તે આજે સગવડો, સાધનો, પ્રિન્ટ ટેકનોલોજી વગેરે ઘણાં વધ્યાં હોવા છતાં એક સરકારી સંસ્થા ન કરી શકી. આજે તો આપણી ભાષામાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની નવાઈ રહી નથી, પણ આ પુસ્તકની તોલે આવે એવાં બહુ ઓછાં પુસ્તક આપણી પાસે છે.  

XXX XXX XXX

19 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ

સંગીતા પટેલ|Opinion - Opinion|19 November 2025

વાલજીભાઈ પટેલ

કહેવત તો છે કે ડાહી માનો ડાહ્યો દીકરો. પણ કોઇક ઘટના સાવ જુદી હોય છે. અહીં તો ગાંડી માએ ડહાપણની દાઢ રોપેલી. અને તે દાઢે કાયમ ડહાપણ જ સુઝાડ્યું. તેર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને માનું ગાંડપણ ચરમસીમાએ પહોંચેલું. મા અને એક બહેનની જવાબદારી તેર વર્ષનાં તરુણ પર આવી પડી. શાળા અભ્યાસ છોડી બૂટપોલિશ કરી. દવાખાનામાં કમ્પાઉન્ડરની નોકરી કરી. ઘેર ઘેર છાપાં નાખવાનું કામ કર્યું. મા, બહેન અને પોતાના જીવન નિર્વાહનો બોજો નાની ઉંમરે જ ઉપાડી લીધો. આ તરુણ તે મારા પિતા વાલજીભાઈ પટેલ.

નાનપણમાં પરિવારની જવાબદારી જેટલી સંવેદનાથી નિભાવી એટલી જ સંવેદનાથી પોતાના સમાજને ય એવો તો હૈયે રાખ્યો કે એ સમાજદાઝ હજી અકબંધ રહી છે. યુવાવયે ગામ પ્રવૃત્તિઓમાં સક્રિય પપ્પાએ ખૂબ નાની વયે તેમના ગામ દરિયાપુરમાં ડો. બાબાસાહેબ આંબેડકરને સાંભળેલા. અને એમની સામાજિક નિસબત ગાંઠે બાંધી લીધી. ડો. આંબેડકરનું શક્ય એટલું કવન આત્મસાત કરી પોતાના વ્યવહારમાં ય મુક્યું. શાળા અભ્યાસ છોડ્યા પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી. સ્નાતક થયા પછી એલ.એલ.બી. શરૂ કર્યું. એલ.એલ.બી. અભ્યાસ તો પૂર્ણ ન કર્યો પણ કાનૂનને સ્વધર્મ ગણ્યો.

ડો. આંબેડકર ચીંધ્યા કાનૂની માર્ગે દલિત ઉત્થાન જોયું. આ વિશ્વાસનાં પારખાં ય કરતાં રહ્યા. ગરૂડ સામયિકમાં લખતા રહ્યા. તે પછી દલિત પેન્થર્સમા સક્રિય થયા. અમારું ઘર ઘર કરતાં પેન્થર્સ કચેરી વધારે હતું. દરિયાપુર ગામ શહેરની મધ્યે હતું અને એટલે ભૌગોલિક રીતે સૌને અનુકૂળ તો હતું જ અને અમારા પરિવારની સામાજિક નિસબતે ય કાંઈ ઓછી ન હતી. ગુજરાતના રણમલપુર જેવાં ગામડાંમાં સ્ત્રી અત્યાચારનો બનાવ હોય કે દલિત આંદોલનની પ્રયોગશાળા સમા જેતલપુરની વાત હોય. તમામના એજન્ડા અહીં જ ઘડાયા.

દલિત આંદોલનના સીમાચિહ્ન રૂપ જેતલપુર ગામમાં 1974થી દલિત પેન્થર સક્રિય હતું. વાલજીભાઈ પટેલ તેમના પુસ્તક ‘જલતું જેતલપુર’માં લખે છે, “સ્વમાનભેર જીવવા માટે અસ્પૃશ્ય દલિતમાંથી ધર્માંતર કરી ખ્રિસ્તી થયેલા યાકૂબભાઈ દલિતોને ઉશ્કેરે છે એમ કહીને રૂઢિચુસ્તોએ ઘરમાં પેસી સશસ્ત્ર હુમલો કર્યો અને તેમના પત્ની રેહાનાબેન અને પુત્ર સહિત યાકૂબભાઈને જખમી કર્યા.” ત્યારથી દલિત પેન્થર જેતલપુર ગામમાં સક્રિય થયેલું. જેતલપુરના દલિતો તે વખતથી કાનૂની લડાઈના પાઠ ભણી ચૂકેલા. ત્યાંના દલિત યુવકોએ દલિત પેન્થર જેતલપુર શાખા શરૂ કરેલી. સરકાર સમક્ષ રજૂઆત પછી 22/10/1974ના રોજ તેમની મંડળીને એક વર્ષ માટે દસ એકર બાવીસ ગૂંઠા જમીન અપાવવા દલિત પેન્થર સફળ થયેલું.

સામૂહિક ખેતીનો સફળ પ્રયોગ એટલે જેતલપુર ગામના જમીન વિહોણા ખેતમજૂરોની મંડળી. આ એક પહેલો પ્રયોગ હતો પણ પ્રયોગ સફળ કરતાં કંઈક કેટલાં ય પાણી વહી ગયેલાં. વર્ષોથી જમીનદાર બની બેઠેલા ઉજળિયાતોએ કેટલાં ય રોડાં નાખેલા. સભા, સરઘસો અને કાનૂની રાહે જેતલપુરમા ન્યાયની મિસાલ ઊભી કરેલી. આ પ્રયોગશાળાથી પપ્પાનો વિશ્વાસ દૃઢ થયો. એ પછી તો સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાને એમની કર્મભૂમિ બનાવી. અમરેલી જિલ્લાના કોટડી ગામના દલિતોને નવ વર્ષની લાંબી કાનૂની લડત પછી બે એકર ગામતળ જમીન અપાવી. જાતિવાદી વહીવટી તંત્ર અને સમૃદ્ધ ખેડૂતોની સાંઠગાંઠ ઉકેલવા જે કંઈ કર્યું તે તવારીખ તો કેટલાં ય પાનાં ભરાય એટલી છે.

1999માં અમદાવાદના દાણીલીમડાના એકતા નગર નામની વસાહતને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી નાખવાનું નક્કી કર્યુ. 36 વર્ષથી બિનસાંપ્રદાયિકતાના ગઢ સમા એકતા નગર માટે કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસના સેક્રેટરી તરીકે પપ્પાએ કાનૂની રીતે ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી. હરુભાઈ મહેતા અને જીતેન્દ્ર મલકાણ જેવા સીનિયર એડવોકેટ વહારે આવ્યા અને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કારણદર્શક નોટિસ પાઠવી અને એકતા નગર રેગ્યુલરાઇઝ કરવાનો આદેશ આપ્યો.

મેડિકલમાં અભ્યાસ માટે ઓપન કેટેગરીમાં લાયક હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાવવાના તેમના પ્રયત્નો ય કારગત નિવડ્યા.

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા નામની વસાહતમાં વસતા મંજુલાબહેન કડિયાકામ વખતે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં. આ આઘાત સહન ન થતાં તેમના પતિ પણ તે પછીના એક મહિનામાં ગુજરી ગયા. તેમના બે અનાથ બાળકો એકલા થઈ જતાં અસામાજિક તત્ત્વોએ તેમનું ઘર છીનવી લેવા જમીન આસમાન એક કર્યા. કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ વતી પપ્પાએ હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા અને આ અનાથ બાળકોનું તેમની જમીન પર પુનઃસ્થાપન કરવાનો અને તેમના નામે રૂપિયા પાંચ હજારની થાપણ મુકવાનો આદેશ કર્યો.

અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં મોતિયાના છ દર્દીઓની સર્જરી નિષ્ફળ જતાં તેમને આંખ ગુમાવવાની નોબત આવેલી. આ લડતમાં પણ પપ્પા સફળ થયેલા અને એ છ દર્દીઓને અદાલતી રાહે વળતર અપાવેલુ.

આવી તો કંઈ કેટલી ય સાર્થક જનહિત અરજીઓ કરી. ખાસ કહેવા જેવી વાત તો એ છે કે આ કાનૂની લડતો માટે પપ્પાએ ઓ.એન.જી.સી.ની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. મમ્મીએ નોકરી ન છોડવા સમજાવેલા, પણ માનેલા નહિ. મોટી નાણાંકીય ખોટ વહોરીને જાતને કાનૂની લડાઈમાં સમર્પિત કરેલી. સામાન્ય માણસ કોર્ટ કચેરીથી દૂર રહેવાની આશા રાખે. પણ સમાજ ખાતર ‘આ બેલ મુજે માર’ની ઉક્તિ ખરી કરતા, મારા પપ્પા નોકરી છોડીને એવા તો કાનૂની લડાઈ માટે કટિબદ્ધ થઈ ગયા કે એ જ એમનુ જીવન છે એવું માની લીધેલું.

ઓ.એન.જી.સી.ની નોકરીમાં અગિયાર વર્ષ અપડાઉન કરેલું. રોજ પાંચ કલાક ટ્રેન મુસાફરી કરવાની થતી. તેમ છતાં ‘દલિત મિત્ર’ સામયિક લાંબો સમય ચાલુ રાખ્યું. રાતના બે વાગ્યા સુધી કામ કરીને સવારે આઠ વાગ્યાની ટ્રેન પકડતા. સાજે ઘરે આવે ત્યારે કહેતા ટ્રેનની ભીડમાં એક પગે ઊભા રહીને આવ્યો. અને આ સાંભળી અમે બેઉ બહેનો તેમના પગે માલિશ કરવા બેસી જતી. નોકરી છોડ્યા પછી ગામડાઓ ખૂંદવા નીકળતા તો મમ્મી હંમેશાં ટોણો મારતી, હવે તમારા પગ નથી દુખતા. પણ સાંભળ્યું ન સાભળ્યું કરી દેતા. તેમની સૌથી મોટી વિશેષતા તો એ કે હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે. નાનામાં નાની વિગત ધ્યાન બહાર ન રહી જાય એ એમનો જીવનમંત્ર. કેસનો તલસ્પર્શી અભ્યાસ કરવાના તેમના વલણથી જ તે એક લીગલ માઇન્ડ બન્યા.

લેખક તરીકે તેમનુ યોગદાન ખાસું. ‘ગરૂડ’, ‘પેન્થર’, ‘દલિતમિત્ર’ સામયિકોમાં તેમનાં લખાણ તેમની લેખન ક્ષમતાના પુરાવા છે. નેવુંના દાયકામાં બાબરી ધ્વંસ નહોતો થયો તે પહેલાંની વાત છે. અમદાવાદનુ ભગવાકરણ કરવા રથયાત્રાનું માધ્યમ હિન્દુવાદીઓ માટે હાથવગું હતું. ભગવાન જગન્નાથજીના રથ વધુમાં વધુ હિન્દુ વિસ્તાર આવરી લે તે સુઝાવ તોફાનીઓને માન્ય ન હતો. રથયાત્રા જેવી મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય કે તરત ઉશ્કેરણીજનક નારા શરૂ થઈ જતાં. તેના પગલે તોફાન શરૂ થતાં. પોલીસ અત્યાચાર પણ મુસ્લિમ લોકો પર થતાં. મુસ્લિમ ઘરોમાં છેક બાથરૂમમાં ગોળીબારના નિશાન હતા. તે સમયના ‘દલિત મિત્ર’ના અંકમાં ‘રથયાત્રા કે શરમ યાત્રા’ શીર્ષક હેઠળ તેમનો લેખ બિનસાંપ્રદાયિક વિચારધારાનો સાક્ષી છે. 1981ના અનામત વિરોધી આંદોલન વખતે સરકારી વલણ આવું જ હતું. દલિતો પોલીસ ગોળીબારનો ભોગ બનેલા. ‘ખાંભીઓ ડૂસકાં ભરે છે’ શીર્ષક હેઠળ લેખમાં તેમની દલિત સંવેદના વ્યક્ત થઈ છે.

ડો. આંબેડકર લિખિત ‘રીડલ્સ ઓફ રામ એન્ડ ક્રિષ્ના’નો પપ્પાએ ‘રામ અને કૃષ્ણનું ગૂઢ રહસ્ય’ નામે અનુવાદ કરેલો. આ પુસ્તિકા બાબરી ધ્વંસ પહેલાંની. પુસ્તિકાનું પ્રાપ્તિ સ્થાન પહેલું અમારું નિવાસસ્થાન અને બીજુ કલીમ બુક ડિપો. પુસ્તિકા ઘણી વંચાઇ. તે વખતે અમારા ઘરે સવારથી ધમકીભર્યા ફોન આવતા અને ઘર આખું ડિસ્ટર્બ થઈ જતું. અમારા ઘર પછી તરત મુસ્લિમ વસતી શરૂ થતી. 2002ના રમખાણોમાં કેટલાક અસામાજિક તત્ત્વો અમારા ગામના ચોકમાં આવી ઊભા. પપ્પા ગામના થોડાક લોકો સાથે પહોંચી ગયા. અને કહ્યું, લડવું હોય તો પહેલા અમારી સાથે લડો પછી આગળ જાવ. પરિણામે મોટી હોનારત થતી અટકેલી.

ધરાતલ પર કામ કરવાની ભૂમિકા જ જુદી હોય છે. આ ભગવાકરણને રોકવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે. ફિલ્મ દિગ્દર્શક આનંદ પટવર્ધન ‘રામ કે નામ’ ફિલ્મ બનાવી રહેલા. ભગવાકરણના અપપ્રયાસોનું દસ્તાવેજીકરણ કરવાનું બીડું તેમણે ઝડપેલું. અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાનું શુટિંગ કરવાનો મનસૂબો કરેલો. પપ્પા તેમના દિવસભર માર્ગદર્શક રહ્યા. છદ્મ નામે અમદાવાદના જમાલપુર ખાતેના જગન્નાથજીના મંદિરના મહંતનો ઇન્ટરવ્યુ પણ પપ્પાએ લીધો. સંજોગોવસાત તેમની ડાયરી ત્યાં જ રહી ગઈ અને ત્યાંથી પાછી ન મેળવી શક્યા. દિવસભરની નાનામાં નાની વિગત ડાયરીમાં લખવાનું ભૂલતા નહિ. સામાન્ય માણસ અતૂટ નિસબત અને ખંતથી એક સંસ્થા બની શકે તે મિસાલ પપ્પાએ કાયમ કરી.

 19/11/2025થી નેવું વર્ષની દિશામાં જતા પપ્પાને આજના જન્મ દિવસે ઘણી શુભેચ્છાઓ.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

...102030...148149150151...160170180...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved