Opinion Magazine
Number of visits: 10,223,628
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃત્રિમ બુદ્ધિનું નિયમન અને ન્યાય

જગત જતનકર|Opinion - Opinion|3 October 2023

અણુવિજ્ઞાન હોય કે ટેલિકોમ; જનીન રૂપાંતરિત પાકો (GMOs) હોય કે જંતુનાશકો, શાળા સંચાલન હોય કે ખોરાકની ગુણવત્તા; ટેકનોલોજી હોય કે વ્યવસ્થા – પ્રજાજીવન પર સીધી અસર પાડનાર ચીજો નિયમન (Regulations) માંગે છે. નિયમનનો મુખ્ય હેતુ જોખમો ઘટાડવા અને ફાયદો વધારવાનો હોય છે. મોટેભાગે નિયમન સરકાર કે શાસનકર્તા કરતા હોય છે. જો પ્રજા કે ટેક્નોલોજી વિકસાવનાર-વાપરનાર કે વ્યવસ્થાના ઉપભોક્તા આપમેળે સમજે અને વર્તે તો સ્વયં શિસ્તને કારણે ઓછા નિયમનથી પણ ચાલી જાય. નિયમનનો બીજો હેતુ એ પણ છે કે તેને લીધે સરકાર દેશમાં શું ચાલી રહ્યું છે તે વિશે નિગરાની રાખી શકે છે.

વિશ્વભરમાં કમભાગ્યે મહદ્અંશે એવું બનતું આવ્યું છે કે, ટેકનોલોજીનાં સંશોધન, વિકાસ અને ઉપયોગ આગળ નીકળી જાય છે અને નિયમન પાછળ પાછળ લંઘાતું લંઘાતું આવે છે. જેમ કે, ભારતમાં જનીન રૂપાંતરિત પાકોની ગેરકાયદે ખેતી શરૂ થઈ, જે આજે પણ ચાલે છે અને નિયમનનો અમલ કાચો પડ્યો. અણુશક્તિના નિયમન અગાઉ તો અણુબોંબ ઝીંકાઈ ગયા હતા, તેવું જ જંતુનાશકોનું છે!

વિશ્વભરમાં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું AI-જન્ય ટેકનોલોજીનું નિયમન શક્ય છે? આ સવાલ વાજબી હોવાનાં કેટલાંક કારણો છે.

૧. અસ્પષ્ટતાઓ : AI-ની વ્યાખ્યા હજી ચર્ચાઈ રહી છે. કોને AI કહેવું તેની હજી સ્પષ્ટ સમજ વિકસી નથી. કેલ્ક્યુલેટરના ઉપયોગથી માંડી સોફ્ટવેરના આપમેળે લખાતા પ્રોગ્રામ સમેતનું બધું કૃત્રિમ બુદ્ધિથી થવા માંડ્યું હોઈ કયાં ભેદરેખા દોરવી તેનો ખ્યાલ હજી સ્પષ્ટ થયો નથી. આ ટેક્નોલોજી સાથે બીજા અનેક શબ્દ અને વિભાવનાઓ સંકળાયેલી છે તેની સમજ અને વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. કાયદાના સંચાલન માટે આવા ગૂંચવાડા ઘણી છટકબારી ઊભી કરીને અરાજકતા પેદા કરી શકે છે. વળી, શેનું નિયમન કરવું તે વિશે પણ સ્પષ્ટતા બાકી છે કારણ કે ટેકનોલોજી હજી બાલ્યાવસ્થા કે કિશોરાવસ્થામાં છે. તેના સમાજજીવન, સત્તાકારણ, વ્યક્તિગત જીવન, પર્યાવરણ, સ્વાસ્થ્ય પરની અસરોનો પૂરો અંદાજ ન હોઈ નિયમના સ્તર, પ્રકાર અને વિભાગો સ્પષ્ટ થતા નથી. ત્રીજા વિશ્વના દેશોને તો હજી ઝાઝી ગતાગમ પણ પડતી નથી કે આ આવી શું રહ્યું છે!

૨. છૂપું કામ કરવાની સહેલ : આ ટેક્નોલોજીનો ઉપયોગ અને વિકાસ કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રોકાણ વિના પણ થઈ શકે છે. ઈન્ટરનેટ કનેક્ષન, એક-બે સારાં કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગની આવડતવાળા ઘેરબેઠાં અલગ અલગ AI-જન્ય સાધનો (tools) રચી શકે છે એટલે કોણ, ક્યાં, શું કરી રહ્યું છે તે જાણવું સહેલું નથી.

૩. અણધારી અને ખૂબ વધુ ઝડપ : આ ટેક્નોલોજી ધાર્યા કરતાં અનેકગણી વધુ ઝડપે વિકસી રહી છે. વિજ્ઞાનીઓ સુધ્ધાં અચંબામાં પડી ગયા છે. જે ટેકનોલોજી આવતાં હજી દસ-પંદર વરસ તો લાગશે તેમ મનાતું હતું. તે હવે ઘેર ઘેર વપરાવા લાગી છે. નિયમો-ધારાધોરણો બનાવવા વગેરે એક લાંબી પ્રક્રિયા માંગે છે. તેની કાચબાચાલ સામે ટેક્નોલોજી તો દિવસ-રાત ખૂબ વધુ ઝડપે વિકસી રહી છે.

૪. દેશની સીમાઓથી ઉપરવટ વપરાશ : નિયમનો મહદ્અંશે જે તે દેશની ભૌગોલિક સરહદો વચ્ચે લાગુ પડે છે. આ ટેક્નોલોજી આવી સરહદોને ઓળંગીને કામ કરે છે. એટલે ’Law of the Land’ કયો – તેના ગૂંચવાડા ભારે છટકબારીઓ ઊભી કરશે.

૫. શાસકોની મનમાની : વળી, જે દેશોમાં નિયમનતંત્ર અને ન્યાયતંત્ર પોતાની આગવી સ્વાયત્તત્તા ગુમાવી શેહ-શરમ, ડર, લાલચના માર્યા શાસકોની પાંખમાં ભરાય છે ત્યાં નિયમનની અપેક્ષા રાખવી મોટો ભ્રમ છે. ત્યાં નિયમનના નામે શાસકની મનમાની ચાલે છે. જ્યારે શાસક અને કોર્પોરેટ ક્ષેત્ર હાથ મિલાવી લે છે ત્યારે આ બાબત ભારે જોખમી સાબિત થઈ શકે છે.

૬. નિયમન કરનારાની ક્ષમતા અને દાનત : ભારતના નેશનલ ક્રાઈમ બ્યૂરોના અહેવાલ મુજબ ૨૦૨૧માં ૫૨,૯૭૪ સાઈબર ક્રાઈમ નોંધાયા. એક જ દાયકામાં લગભગ ૧૫ ગણો વધારો થયો. ખાસ કરીને બેંકના ખાતામાંથી નાણાંની ઉઠાંતરીની ઘટનાઓ રોજિંદી બનવા માંડી છે, ગઠિયાઓને અનેકવિધ ટેકનિક મળી રહે છે. પણ આપણાં તંત્રોની ટેકનિકલ ક્ષમતા, અન્ય કામના બોજા, કાર્યક્ષમતા, દાનતનો અભાવ જેવી મર્યાદાઓને કારણે ભાગ્યે જ ગુનેગાર પકડાય છે, તેને ભાગ્યે જ સજા થાય છે અને ભોગ બનનારને ન્યાય મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. એવું કહેવાય છે કે, આ ગુનેગારો સ્થાનિક પોલીસ અને રાજકારણીઓ સાથે હાથ મિલાવીને નિયમનને નેવે ચડાવી દે છે. AI-જન્ય ટેક્નોલોજી આવા ગુનામાં વધારો નહીં કરે?

૭. અનેકવિધ હિતોની ખેંચાખેંચ : કોઈપણ ટેક્નોલોજીના સંશોધન, વિકાસ અને ધંધામાં પડેલ કંપનીઓને ઝાઝું નિયમન ગમતું નથી. તેઓ માને છે કે નિયમનને કારણે સંશોધન અને વિકાસમાં અડચણ ઊભી થાય છે અને પરિણામે વિકાસની ઝડપ અને નફાનું પ્રમાણ ઘટાડે છે. આવાં સ્થાપિત હિતો યેનકેન પ્રકારની દલીલો દ્વારા નિયમનને ટાળે છે અથવા પાંગળું બનાવી દે છે. લોકશાહીમાં અનેક પ્રકારનાં દબાણજૂથો સક્રિય હોય ત્યારે સંનિષ્ઠ અને પ્રામાણિક શાસકને પણ નિયમન વિષયક નિર્ણયો લેવા કપરા થાય છે.

૮. અનેકવિધ ક્ષેત્રો અને વિજ્ઞાન શાખાઓ સાથે સંબંધ : AI-જન્ય ટેક્નોલોજી નેનો ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી જેવી અન્ય ટેક્નોલોજી સાથે પણ કામ કરવા માંડી છે. તેનાથી વધુ ક્લિષ્ટ પરિસ્થિતિ સર્જાય છે, અને આ બધી ટેક્નોલોજીજન્ય સહિયારી પ્રોડક્ટનું નિયમન વધુ ગૂંચવાડાભર્યું બની શકે છે. વળી, AI-જન્ય ટેક્નોલોજી સાહિત્ય, કળા, વેપાર, લશ્કર, સરકારી તંત્ર, શિક્ષણ, વિજ્ઞાન, ખેતી-ખોરાક, ગ્રાહક સુરક્ષા, આયાત-નિકાસ, માનવ અધિકાર, સામાજિક ન્યાય, બૌદ્ધિક સંપદા, કોપી રાઈટ જેવાં તમામ ક્ષેત્રોમાં આવી રહી હોવાથી આજે જે તે વિભાગના કાયદા-કાનૂન પણ લાગુ પડશે અને કયા વિભાગનો કાયદો સર્વોપરી તેના વિશે વિવાદ સંભવી શકે છે, સાથોસાથ આ બધા વિભાગના કાયદામાં ફેરફારો કરવા પડશે.

AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે સલામતી, સુરક્ષા, ભરોસાપાત્રતા, પારદર્શિતા, ટેક્નોલોજીના જોખમની વ્યાખ્યા અને વર્ગીકરણ, જવાબદારી, ન્યાય મેળવવા અને દંડ કરવાની વ્યવસ્થા, ટેક્નોલોજીને પાછી ખેંચવા/ખેંચાવવાના અધિકાર જેવા મુદ્દા સમાવવા પડશે. ટેક્નોલોજીની પ્રકૃતિ અને નિયમન અંગેની અસ્પષ્ટતાને લીધે ૨૦૨૨માં એકલા યુ.એસ.એ.માં ૧૧૦ કોર્ટકેસ થઈ ચૂક્યા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં ૨૦૧૬ પછી ધરખમ વધારો થયો છે.

આવાં કારણોસર નિયમન વ્યવસ્થા ઝાઝી કારગર નીવડે તેવું જણાતું નથી. કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો નહીં જ! તેમ છતાં AI ટેક્નોલોજી સાથે પનારો પડી જ રહ્યો છે ત્યારે નિયમન કર્યા વિના ચાલવાનું ય નથી. હાલમાં નિયમન વિષયક સ્થિતિ નીચે પ્રમાણે છે :

૧) AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે હાલમાં UN કક્ષાથી કોઈ વૈશ્વિક વ્યવસ્થા ઊભી થઈ નથી. અલબત્ત તે માટેની પ્રક્રિયા શરૂ થઈ છે પણ તેને આખરી સ્વરૂપ અપાયું નથી.

૨) મોટા ભાગના દેશોમાં ડેટા માઈનિંગ અને પ્રોટેક્શન અંગેનાં નિયમનો છે પણ AI અંગેનું નિયમન ક્યાં ય નથી.

૩) ઈટાલી, રશિયા, ક્યુબા, સીરિયા, ચીન, ઈરાન અને આફ્રિકાના દેશોએ Chat GPT પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.

૪) હાલમાં નિયમનના ઘડતર અંગે બ્રાઝિલ, ચીન, જાપાન, કેનેડા, યુ.એસ.એ., યુરોપિયન યુનિયન, યુ.કે. પહેલ કરી ચૂક્યા છે, વિકિપીડિયાના જણાવ્યા મુજબ ૧૨૭ દેશોમાં થયેલ એક મોજણી મુજબ કૃત્રિમ બુદ્ધિ સંબંધી કાયદા પસાર કરનાર દેશોની સંખ્યા ૨૦૧૬માં એક હતી તે વધીને ૨૦૨૨માં ૩૭ થઈ છે. યુરોપિયન યુનિયન આ અંગેના નિયમનમાં સૌથી મોખરે અને વિગતપૂર્ણ કામ કરી રહેલું જણાય છે. આશા છે કે ૨૦૨૩ના અંત સુધીમાં ત્યાં કાયદો અમલમાં આવી જશે. યુ.કે. અને યુ.એસ.એ. AI-જન્ય ટેક્નોલોજીના નિયમનમાં થોડું ઢીલું રાખવા માંગે છે. આમે ય આ બે દેશોની તાસીર વિશેષ કરીને કોર્પોરેટ તરફી રહી છે. તેમને એમ લાગે છે કે બાલ્યાવસ્થાએ ભારે નિયમનો લાદવાથી ટેક્નોલોજીનો વિકાસ અટકી જશે જેની માઠી અસર વેપાર પર પડે!

૫) ભારતની લોકસભામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન મંત્રાલયે જણાવી દીધું છે કે, “કૃત્રિમ બુદ્ધિના વિકાસનું નિયમન કરવા કે કાયદો લાવવાનું વિચારણામાં નથી” અલબત્ત જે તે વિભાગવાર માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડવાનું વિચારાઈ રહ્યું છે. પણ માર્ગદર્શિકા કાયદેસર રીતે બંધનકર્તા હોતી નથી.

ન્યાય મેળવવાની ચાર પૂર્વશરતો છે. એક, સરકારી અને રાજકીય અસરોથી મુક્ત, તટસ્થ, પ્રામાણિક અને હિંમતવાન ન્યાયતંત્ર. બીજું, ગુનો સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય અને દંડની સ્પષ્ટ જોગવાઈ હોય તેવા કાયદાવાળું નિયમનતંત્ર. ત્રીજું, સામાન્ય માણસને પોષાય તેવી અને ઝડપી વ્યવસ્થા. ચોથું, વિશ્વસનીય પુરાવા; જ્યારે માત્ર ખોટા સમાચાર અને દસ્તાવેજો જ નહીં, સાવ કૃત્રિમ ફોટા, ઓડિયો અને વીડિયો બનવા લાગે ત્યારે પુરાવાની વિશ્વસનીયતાનું શું ? AIના નિયમન બાબતે હાલમાં જે સ્થિતિ છે અને ભારતના ન્યાયતંત્રની ઝડપ, પ્રામાણિક્તા અને સ્વતંત્રતા જે રીતે જોખમાતાં જણાય છે તે જોતાં AI સંબંધી જો કોઈ શોષણ અને અન્યાય થશે તેની સામે ન્યાય મેળવવો સહેલો બને તો નવાઈ લાગશે. આપણી સામે હાલમાં એવા ઘણા અદાલતી કેસોનાં ઉદાહરણ છે જેમાં આંખે ઊડીને વળગે તેવો અન્યાય હોય તો ય સામાન્ય માણસ ન્યાયથી વંચિત રહે છે. તેનું તાજું ઉદાહરણ બટેટાના ખેડૂતો પર પેપ્સીએ કરેલ કેસનું છે. જેમાં અદાલતમાં ‘જાહેર હિતના ભંગ’ની ચર્ચા ચાલે છે. પણ ‘જાહેર હિત’ની કોઈ સમજ કે વ્યાખ્યા પ્રવર્તમાન જ નથી !!

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 20 – 21

Loading

આજનો બાળઉછેર વિશિષ્ટ તાલીમ માગે છે !

હરેશ ધોળકિયા|Opinion - Opinion|3 October 2023

“આજનાં બાળકોનો ઉછેર કેમ કરવો ?” – આ આજના વાલીઓની બહુ મોટી સમસ્યા છે. વાલીઓ સાથે બેસવાનું થાય છે, તો તેમનો મહત્ત્વનો પ્રશ્ન આ જ હોય છે. વાલીઓના ચહેરા પર મૂંઝવણ દેખાતી હોય છે.

આમ તો યુગોથી બાળકો ઊછરતાં આવે છે. વાલીઓ સહજતાથી ઉછેરતાં પણ હોય છે. પણ વર્તમાન સમય વિચિત્ર છે. આગળના સમય કરતાં તેના વિશિષ્ટ પ્રશ્નો છે. અત્યારે જે બાળકો જન્મી ચૂક્યાં છે અને જન્મી રહ્યાં છે અથવા જન્મવાનાં છે, તેઓ એક તદ્દન અલગ, કલ્પનાતીત સંકુલ જગતમાં આવે છે. અત્યારે જગતનાં બે મુખ્ય લક્ષણો છે. એક, સમગ્ર જગત સંપૂર્ણ રીતે ટેકનોલોજીગ્રસ્ત થઈ ગયું છે. ટેકનોલોજીએ સમગ્ર માનવજાત પર ઓક્ટોપસ જેમ ભરડો લીધો છે. કોઈ ઇચ્છે તો તેનાથી બચી શકે તેમ નથી. અને બીજું, આજે જે આકર્ષણો છે તે આજ સુધીના બધા જ યુગો કરતાં વધારે છે. અને તેનું જે આક્રમણ છે તે પણ ભયંકર છે. તેનાથી પણ બચી શકાય તેમ નથી.

બાળપણથી જ બાળકો ટેકનોલોજીનાં ગુલામ થતાં જાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, અનેક જાતનાં વિવિધ એપ્સ – આ બધું તેમને બાળપણથી જ મળવા લાગે છે. અને હવે ઓનલાઈન શિક્ષણ થઈ જવાથી આજ સુધી ગ્રામ્ય સ્તરે ટેકનોલોજી ન હતી, તે પણ હવે તેમના હાથમાં આવી ગઈ છે. અને બીજું, તેના માધ્યમથી આકર્ષણોનું નેટ અને મીડિયા દ્વારા જે ભયંકર આક્રમણ થઈ રહ્યું છે તેનાથી બાળકોને કેમ બચાવવાં એ સમસ્યા બની ગઈ છે. બલકે, લગભગ અશક્ય છે !

ટેકનોલોજી બાળકોને નાનપણથી જ પુખ્ત જગતનો પરિચય કરાવી દે છે. નેટ જ્ઞાનદાયક છે, ઉત્તમ જ્ઞાન આપે છે, પણ સમાંતરે બિનજરૂરી જ્ઞાન પણ આપે છે. તેમાં ભયંકર છે “પોર્નોગ્રાફી” જ્ઞાન ! જાતીયતા જે આજ સુધી અંગત ઘટના હતી, તે હવે નેટ પર આવી ગઈ છે. બધું જ ખુલ્લું બતાવવામાં આવે છે. બાળકો નાનપણથી જ બધું આરામથી જુએ છે. અને બાળકો તો જિજ્ઞાસુ અને પ્રયોગવીર હોય છે. તે ‘તેના’ પ્રયોગો કરે છે. ચૌદ પંદર વર્ષની ઉંમરથી આજે બાળકો જાતીયતા બાબતે ‘સક્રિય’ થઈ ગયાં છે. એક અભ્યાસ કહે છે કે દસમા અને અગિયારમા ધોરણનાં દસ છોકરા-છોકરીઓમાંથી આશરે ચારથી પાંચ સક્રિય રીતે જાતીય વ્યવહાર કરે છે. અને જે જોડાવા ન ઇચ્છે તેને તેના મિત્રો નપુંસક કે મણિબહેન કહી મશ્કરી કરે છે. પરિણામે તેમને વશ થવું પડે છે. ન થાય તો ભયંકર તાણનો ભોગ બનવું પડે છે. તરુણોમાં ‘વર્જીનિટી’ – બ્રહ્મચર્ય એક હાસ્યાસ્પદ શબ્દ બની ગયો છે.

હવે ક્લ્પના કરીએ કે તરુણાવસ્થાથી – જ્યારે એકાગ્ર થઈ અભ્યાસ કરવાનો હોય – જો બાળકો આ રીતે સક્રિય થઈ જાય, તો તેમની એકાગ્રતા ટકશે ખરી ? તે ચંચળ જ થઈ જવાનાં. અને થઈ જ ગયાં છે. તેમની એકાગ્રતાની માત્રા લગભગ શૂન્ય નજીક આવતી જાય છે એમ અભ્યાસો કહે છે. ખાસ કરીને છોકરાઓમાં ભણવાનું ઓછું થતું જાય છે તે તેનો પુરાવો છે. તેઓ મોબાઈલનો મોટા ભાગે ઉપયોગ આવી સાઈટો જોવામાં જ કરે છે. છોકરીઓમાં પણ ધીમે ધીમે આ પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને મધ્યમ અને પૈસાદાર લોકોમાં. પરિણામે જે ઉંમરે તેઓ થનગનાટ કરતાં હોય, ત્યારે ઢીલાં દેખાય છે. શીખવાની કે કંઈ નવું કરવાની ગતિ પણ ધીમી પડેલી દેખાય છે.

બીજી જે ભયંકર ઘટના બની રહી છે તે છે ‘ડ્રગ્ઝ’નો વધતો ઉપયોગ. કૉલેજોમાં, હોસ્ટેલોમાં, શેરીઓના ખૂણે અનેક યુવાનો ડ્રગ્ઝના બંધાણી જોવા મળે છે. રોજ જે અધધધ ડ્રગ્ઝનો જથ્થો પકડાય છે તે જ તેની વપરાશની સાબિતી છે. આટલા વિરાટ જથ્થાનો ઉપયોગ  થતો હશે, તેને ખરીદનાર હશે તો જ આવતો હશે ને ! “ઊડતા પંજાબ” ફિલ્મ તેનો જ પુરાવો છે. આજના યુવાનો દેખાદેખીમાં કે દબાણમાં આવીને ડ્રગ્ઝના શિકાર બની રહ્યા છે. અને તેનું પરિણામ તો પોર્નોગ્રાફી કરતાં પણ વધારે ભયંકર છે. તેનાથી તો વળી બુદ્ધિશક્તિ અને શારીરિક શક્તિ – બંને ખલાસ થઈ જાય છે. એક બાજુ યુવાનો માટે બહાર જઈ ઉચ્ચ અભ્યાસ કરવાની તકો વધતી જાય છે અને સમાંતરે ત્યાં જઈ તેઓ ડ્રગ્ઝમાં ફસાઈ જાય છે. આજના વાલીઓ માટે આ સમસ્યા વધારે ભયંકર બની છે. એક વાલી – જે પોલીસ છે અને ડ્રગ્ઝ પકડે છે – તેણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના પુત્રને બહાર તો મોકલ્યો છે, પણ તે ડ્રગ્ઝમાં ફસાયો છે કે નહીં તેની ખબર નથી અને તેઓ તેની ચિંતા કરે છે.

વહેલી જાતીય સક્રિયતા અને ડ્રગ્ઝનું બંધાણ એ આજના વાલીઓ માટે ભયાનક કહી શકાય તેવી સમસ્યા છે. તેનાથી તેમનાં સંતાનોને કેમ બચાવવાં તે તેઓ સમજી શકતાં નથી. એટલે આજે જ્યારે બાળ- ઉછેરનો મુદ્દો ચર્ચાય ત્યારે આ બે મુદ્દાની ચર્ચા અતિ મહત્ત્વની બની જાય છે.

શું કરી શકાય ?

આજનાં માતાપિતા માટે બાળકને ટેકનોલોજીથી દૂર રાખવાં એ અશક્ય છે, કારણ કે તેઓ પોતે જ તેનાં ગુલામ છે. બાળકો “જુએ છે” કે વડીલો પણ આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. બાળકો તો માત્ર નકલ કરે છે. આ ગુલામીના કારણે માતાપિતા બાળકને પૂરો સમય પણ આપી શકતાં નથી. તેમની સાથે વાતો નથી કરી શકતાં કે નથી સાથે હરી ફરી શકતાં. એટલે બાળક એકલું પડે છે અને તે પણ મોબાઈલના શરણે જાય છે.

બીજું, ઘણાં માતા પિતા અને વડીલો પણ આ પોર્નોગ્રાફીનાં શિકાર છે. તો પછી તેઓ બાળકને કેમ કહી શકવાનાં ? બાળક તો માત્ર નકલ જ કરે છે ! તે વડીલોનાં વર્તનને બરાબર જુએ છે. અને તેઓ આજે વધારે સ્વતંત્ર છે. એટલે વડીલ કદાચ ઉપદેશ આપવા જાય તો સામે સંભળાવી દે છે. અથવા તેમનાથી દૂર રહે છે. અનેક વાલીઓ પણ વ્યસની છે. તેઓ કહી શકવાની હિંમત કરી શકશે ? બાળકો શીખવા તૈયાર છે, જો વડીલો પોતે સ્વસ્થ હોય તો !

અત્યારના ઉછેરમાં માતા-પિતાએ બાળકને મહત્તમ સમય આપવાની તાતી જરૂર છે. બાળપણથી જ તેમને વિચારતાં, સાચાં ખોટાંનો વિવેક કેળવતાં, જગતને તટસ્થ રીતે જોતાં – આ બધાની વ્યવસ્થિત તાલીમ આપવાની છે. લાલચોથી કેમ બચવું, લોકોથી બિનજરૂરી પ્રભાવિત કેમ ન થવું આ બધાની પણ તાલીમ આપવાની છે. અયોગ્ય બાબતોને ઓળખતાં અને તેને દૃઢતાથી “ના પાડતાં” શીખવવાનું છે. સ્વસ્થ બુદ્ધિ અને દૃઢ મન – આ બે તાલીમ અનિવાર્ય છે. અને સૌથી મોટી વાત કે વડીલોથી “કોઈ પણ વાત ન છુપાવવી” એ શીખવવાનું છે. અને એ ત્યારે જ શક્ય બનશે જો માતા પિતાનો બાળક સાથે નિખાલસ સંબંધ હશે. જો તેઓ તેનાં ‘સાચાં’ મિત્ર હશે તો. અત્યારે તેનો અભાવ છે એટલે બાળકો પોતાના જેવડાં જ બાળકો સાથે ચર્ચાઓ કરે છે. પણ તેમના મિત્રો પણ ક્ફ્યુઝ્ડ છે. તેથી બંને વધુ મૂંઝાય છે. પણ જો માતાપિતા કે વડીલ કે શિક્ષક પર બાળકને સો ટકા વિશ્વાસ હશે તો તે કશું તેનાથી નહીં છુપાવે. કદાચ જાતીય સંબંધની બાબત પણ નિ:સંકોચ ચર્ચશે. આ બધું શક્ય છે, જો માતા પિતા પોતે જાગૃત હશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતાં હશે, પણ ગુલામ નહીં હોય અને બાળકોને તટસ્થ રીતે સાચી માહિતી આપતાં હશે.

બાળકને લાડ કરી બગાડવાનું તો જરા પણ નથી. સો ટકા પ્રેમ આપવાનો છે. શિસ્ત અને જવાબદારીનું શિક્ષણ આપવાનું છે. અગત્યની વાત એ છે કે નાનપણથી જ વિવેકયુક્ત, શાસ્ત્રીય રીતે વિચારતાં શીખવવાનું છે. ‘વિચારતાં શીખવવું’ જ મહત્ત્વની બાબત છે ઉછેરમાં. આજે વાલીઓ બાળકને સંસ્કૃતિના નામે વ્યર્થ પરંપરાઓ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધાર્મિકતા વગેરે જેવી સંકુચિત બાબતો શીખવવામાં જેટલો ઉત્સાહ બતાવે છે, તેટલો ઉત્સાહ વિશાળ અને વિવેકી વિચાર કરતાં શીખવવામાં નથી કરતાં.

એકવીસમી સદી વૈશ્વિક – ગ્લોબલ – છે. બાળકને વૈશ્વિક બનાવવાનું છે. તે માત્ર વિજ્ઞાન શીખે તે મહત્ત્વનું નથી. જાતે વૈજ્ઞાનિક ચિંતન કરતાં શીખે તે પણ મહત્ત્વનું છે. અને તે તો જ શીખશે, જો માતા પિતા, શિક્ષકો અને વડીલો પણ વૈશ્વિક ચિત્ત ધરાવતાં હશે.

ન્યુમિન્ટ રોડ, ભુજ-કચ્છ
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 19-20

Loading

કહાની આર્જેન્ટીનાની : જમીન પર કબજો કોનો ?

વિજય પ્રશાદ (અનુવાદ :  જગદીશ પટેલ)|Opinion - Opinion|3 October 2023

ત્રીસ વર્ષ પહેલાં, ભારતમાં મારા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના વિભાગમાં આર્જેન્ટિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં આર્જેન્ટિના માટે બીફના ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે, જ્યારે જર્મનીએ તેનાં સંસાધનોને ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે વાપરવાં જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. આ ઉદાહરણનો ઉપયોગ એડમ સ્મિથના ‘સંપૂર્ણ લાભ’ના સિદ્ધાંતને સમજાવવા માટે કરવામાં આવ્યો હતો – દેશોએ તેમની અર્થવ્યવસ્થામાં વૈવિધ્યીકરણ કરવાને બદલે તેઓ ‘શ્રેષ્ઠ’ શું કરે છે તેમ જ કરી શકે તેમ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્જેન્ટિના જેવા વિકાસશીલ દેશોએ ફક્ત કાચો માલ ઉત્પન્ન કરવો જોઈએ, જ્યારે જર્મની જેવા શ્રીમંત દેશોએ તકનીકી વિકાસમાં આગળ વધવું જોઈએ તેવી સલાહ મને કંઈક અસભ્ય લાગી હતી.

આર્જેન્ટિના તે સમયે અને હજી પણ ગાયનાં માંસ(બિફ)નું મુખ્ય ઉત્પાદક અને નિકાસકર્તા છે. મારા સાથીદારો અને મારી પહોંચ હજુ આર્જેન્ટિનાનાં મેદાનોના – પમ્પાસના ગૌચરો – વિશેની જોસ હર્નાન્ડીઝના મહાકાવ્ય ‘માર્ટિન ફિએરો’ સુધી ન હતી, પરંતુ જોર્જ લુઈસ બોર્જેસની ટૂંકી વાર્તાઓને કારણે અમે ક્રૂર કોમ્પેડ્રિટો (‘ગલીના ગુંડા’) અને કુચિલેરોસ (‘ચપ્પા ઉડાવનારા) વિશે જાણતા હતા. અહીં આર્જેન્ટિનાની સપાટ ભૂમિ પર તેમના ઘોડાઓ પર બેસીને એકલા ફરતા માલધારી જેમને ‘કાઉબોય’ કહેવાય છે – તે પણ આમાં ભળેલા હતા. તેઓ તેમનાં ઢોરને બજાર માટે એકઠાં કરતા હતા. હવે ચિત્ર બદલાઈ ગયું છે. આ ઘોડેસવારો હવે આર્જેન્ટિનાના ગ્રામીણ સમાજમાં જોવા મળતા નથી. આજે તો, ત્યાંના ગ્રામ્ય વિસ્તારમાં નાના ખેડૂત અને ખેતમજૂરો જોવા મળે છે, જેઓ મોટા ખેડૂતો કે કૃષિ સંબંધિત વેપારીઓ માટે કામ કરે છે અને દેશને કમાણી કરી આપવાની બાબતમાં તેઓ આગેવાની લઈ રહ્યા છે.

આર્જેન્ટિનાના રાષ્ટ્રીય કૃષિ ગણતરીના અહેવાલ મુજબ દેશમાં જમીનો પર એક નાના વર્ગના કબજાને કારણે ખેતીના જમીનધારકોની સંખ્યામાં ૧૯૮૮ અને ૨૦૧૮ વચ્ચે લગભગ ૪૧%નો ઘટાડો નોંધાયો હતો.

૨૦૨૧માં, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WHO)એ નોંધ્યું હતું કે આર્જેન્ટિના કૃષિ ઉત્પાદનોનું મુખ્ય નિકાસકર્તા છે, જે તે સમયે દેશની નિકાસમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવતો હતો. (એપ્રિલ ૨૦૨૩ સુધીમાં, દેશની નિકાસનો કૃષિ ઉત્પાદનોનો ફાળો ૫૬.૪% હતો) આર્જેન્ટિનાનાં મુખ્ય ઉત્પાદનો અનાજ (ઘઉં, મકાઈ), સોયા અને બીફ છે. દેશના કૃષિ વ્યાપારે વૈશ્વિક સોયાબીન બજારમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો અને ખેડૂતોને નિકાસ માટે પ્રોત્સાહિત કરવા ‘સોયા ડોલર’ નામની યોજના પણ અમલમાં મૂકી, જેથી દેશ તેના મોટા વિદેશી વિનિમય સંકટમાંથી મુક્ત થવા કમાઈ શકે.

આર્જેન્ટિનાને દેશમાં આવેલા સતત ત્રણ વર્ષના દુષ્કાળ (જળવાયુ પરિવર્તનની આપત્તિના કારણે) અને અન્ય ચાર અગ્રણી ઉત્પાદકો – બ્રાઝિલ, યુનાઈટેડ સ્ટેટ્સ, ચીન અને ભારતમાં સોયાબીનના વધતા વાવેતરને કારણે આર્જેન્ટિના ઉપર ઘણું દબાણ આવ્યું. સોયાબીનના ઉત્પાદનને કારણે આર્જેન્ટિનાના ગ્રામ્ય વિસ્તારમાં મોટું પરિવર્તન આવ્યું છે. દેશની અડધાથી વધુ ખેતીલાયક જમીનો પર તેનું વાવેતર કરી/કરાવીને અર્થશાસ્ત્રી કલાઉડિયો સ્કેલેટાએ જેને ‘અદૃશ્ય જાયન્ટ્સ’ (કારગિલ, આર્ચર ડેનિયલ્સ મિડલેન્ડ આર્જેન્ટિના, બંજ આર્જેન્ટિના ડ્રેક્સ અને નોબલ આર્જેન્ટિનાના જેવાં કોર્પોરેશનો) કહ્યાં છે તેના હાથમાં ઉત્પાદન કેન્દ્રિત થયું છે. હવે પંપામાં (મેદાનમાં) પશુઓ દોડાદોડી કરતાં જોવા મળતાં નથી. તેને બદલે ત્યાં હવે સોયાબીનનાં ફૂલો પવનની લહેરમાં ઝૂમતાં દેખાય છે.

અમારું નવીનતમ ડોઝિયર ‘કોની જમીન અને જમીન શાને માટે ? આર્જેન્ટિનાની જમીન પર કબજા અંગે અધૂરી ચર્ચા(જૂન ૨૦૨૩)’એ આર્જેન્ટિનાના ગ્રામ્યવિસ્તારમાં ઊભા થયેલા ચોંકાવનારા વિરોધાભાસો, જેના કારણે લોકોની હેરાનગતિ વધી ગઈ છે – તેના તરફ આંગળી ચીંધે છે. સૌથી સ્પષ્ટ દેખાઈ આવતી વિસગંતતા એ છે કે આર્જેન્ટિનામાં તેના ૪.૬ કરોડ લોકોને અનાજ પૂરું પાડવા માટે પૂરતી ખેતીલાયક જમીન હોવા છતાં દેશમાં ભૂખમરો વધી રહ્યો છે. લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો મોટા ભાગનો ખોરાક મોટાં કૃષિ વ્યવસાય જૂથો દ્વારા નહીં, પરંતુ પારિવારિક ખેતરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, અને તેમ છતાં આ પારિવારિક ખેતરો અદૃશ્ય થઈ રહ્યાં છે કારણ કે પરિવારોને આર્થિક રીતે પોતાને ટકાવી રાખવાનું અઘરું પડી ગયું છે.

એટલું જ નહીં, લોકો ગ્રામીણ વિસ્તારોથી શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વધતી જતી ભૂમિહીનતા અને ભૂખમરાને કારણે એવી સામાજિક વાસ્તવિકતા ઊભી થઈ છે જેમાંથી રાજકીય વિરોધનાં નવાં સ્વરૂપો દેખાઈ રહ્યાં છે : વર્ડુરાઝો (વેજીટેબલ પ્રોટેસ્ટ) અને પનાઝો (બ્રેડ પ્રોટેસ્ટ), જેવાં વિરોધ પ્રદર્શનો જોવા મળે છે, જેની આગેવાની ઘણી વાર ગ્રામીણ સામાજિક સંસ્થાઓ લેતી હોય છે. તેઓ એવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે કે જે લોકો ખેતી કરે છે તેઓ પોતે જ પોતાનું અનાજ ખાઈ શકતા નથી.

થોડાં વર્ષો પહેલાં, મેં લા પ્લાટાની બહાર સીમાંત ખેડૂતો સાથે થોડો સમય વીતાવ્યો હતો. ‘ફેડરેશન રૂરલ’ના વાઈલ્ડો ઈઝાગુઈરે મને કહ્યું કે તેમના જેવા ખેડૂતો માટે સૌથી મોટો બોજ જમીનના ભાડાનો છે. જમીનનું ભાડું ખેડૂતો માટે ભારે મોટો બોજ છે. જમીનની કિંમત અતિ ઊંચી છે અને જમીન પર તેમનો કબજો કેટલો સમય રહેશે તે અનિશ્ચિત છે. તે કારણે ખેડૂતો શ્રમ અને ખેતીને વધુ ઉત્પાદક બનાવવા માટે ખેતરમાં મૂડીરોકાણ કરતાં અથવા સાધનો (જેમ કે ટ્રેક્ટર) ખરીદતાં ખચકાય છે. આ ખેડૂતો ન તો ખેતરોની માલિકી ધરાવે છે અને ન તો બજાર પર તેમનું કોઈ નિયંત્રણ છે. દલાલો તેમની પેદાશ સૌથી નીચી કિંમતે ખરીદે છે અને પછી તેને પ્રોસેસ કરવા મોકલે છે અથવા સુપરમાર્કેટમાં સીધાં વેચાણ માટે લઈ જાય છે. આમ, પૈસાની કમાણી ખેતીમાંથી નહીં પરંતુ અન્ય જગ્યાએથી જ થાય છે.

વિલ્ડો અને મેબલ જેવા લોકોના સંઘર્ષને કારણે આર્જેન્ટિનાની સરકારને ૨૦૧૪માં કૌટુંબિક કૃષિનો ઐતિહાસિક પુન:પ્રાપ્તિ કાયદો અને ૨૦૦૬નો મૂળ નિવાસીઓના પ્રદેશો કટોકટી માટેનો કાયદો (તે પછી ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૧૭માં આ કાયદાની મુદત વધારવામાં આવી) બનાવવો પડ્યો. કૌટુંબિક કૃષિનો ઐતિહાસિક પુન:પ્રાપ્તિ કાયદો ‘આર્જેન્ટિનામાં ગ્રામીણ જીવનમાં નવું જોમ પૂરવા’ અને ‘જમીન એક સહિયારી સામાજિક મિલકત હોવાથી પારિવારિક ખેતી, ખેડૂત દ્વારા થતી ખેતી અને સ્વદેશી ખેતી માટે જમીન મેળવી આપવાની ખાતરી’ આપે છે.

આ શબ્દો છે તો બહુ શક્તિશાળી પરંતુ, એગ્રી બીઝનેસ એટલો તો શક્તિશાળી છે કે, આ શબ્દો ઘણી વાર માત્ર કાગળ પર રહી જાય છે. પરિણામોમાં પરિવર્તિત થતા નથી. કાયદો પોતે વર્ગ સંઘર્ષનો અંત આણતો નથી. દાખલા તરીકે બ્રાઝિલમાં, મૂવમેન્ટ ઓફ રૂરલ લેન્ડલેસ વર્કર્સ (એમ.એસ.ટી.)એ ૧૯૮૮ના બ્રાઝિલના બંધારણનો ઉપયોગ તેના જમીનના કબજા માટે કાનૂની સમર્થન મેળવવા કર્યો હતો. તેમ છતાં, બ્રાઝિલના કૃષિ વેપારીઓ અને તેમના રાજકીય ગઠિયાઓ સંસદીય તપાસ પંચને નામે એમ.એસ.ટી.ના જમીન કબજાને ગુનાહિત ઠરાવવાનો પ્રયાસ કરેલો, જેને એમ.એસ.ટી.નાં નેતા જોઆઓ પાઉલો રોડ્રિગ્સ કૃષિ સુધારણા, ખાદ્ય સાર્વભૌમત્વ અને સામાજિક સમાનતા વિશે જાહેર સંવાદ કરવાની તક હોવાનું માને છે.

૨૦૨૦માં, ઇન્ટરનેશનલ લેન્ડ કોએલીશન અને ઓક્સફામે ‘અસમાન ધરાતલ’ નામનો એક મહત્ત્વપૂર્ણ અહેવાલ બહાર પાડ્યો. અસમાન સમાજના હાર્દમાં જીવનની અસમાનતાની વાત કરતાં આ અહેવાલ નોંધે છે કે વિશ્વમાં ૬૦.૮ કરોડ ખેતરો છે, તેમાંનાં મોટાં ભાગનાં પારિવારિક ખેતરો છે (૨.૫ અબજ લોકો સીમાંત ખેતી સાથે સંકળાયેલા છે.) જો કે, સૌથી મોટાં ૧% ખેતરો, વૈશ્વિક ખેતીની જમીનના ૭૦% કરતાં વધુ જમીન પર નિયંત્રણ કરે છે. જ્યારે ૮૦% ખેડૂતો નાના ખાતાધારકો છે, જેઓ બે હેક્ટરથી ઓછી જમીનનું સંચાલન કરે છે. અહેવાલ વધુમાં દર્શાવે છે કે ૧૯૮૦થી જમીનની સાંદ્રતામાં નાટયાત્મક વધારો થયો છે. દરમિયાન, લુઈસ બાઉલુઝ, યાના ગોવિંદ અને ફિલિપ નોવોકમેયના અભ્યાસ મુજબ લેટિન અમેરિકામાં ટોચના ૧૦% જમીન માલિકોએ ખેતીની ૭૫% જમીન પર કબજો કર્યો છે, જ્યારે તળિયાના ૫૦% લોકો ૨% કરતાં ઓછીના માલિક છે.

અહેવાલ સ્પષ્ટ કરે છે તેમ, આર્જેન્ટિનામાં અસમાનતા અત્યંત તીવ્ર છે. ૮૦% કૌટુંબિક ખેતી કરતા લોકો (જેને નાના ખાતાધારકો તરીકે ઓળખવામાં આવે છે) સીમાંકિત કૃષિ જમીનના લગભગ ૧૧% પર કબજો ધરાવે છે, જ્યારે મોટા જમીનમાલિકો જેમની ટકાવારી માત્ર ૦.૩% છે તે લગભગ બમણી જમીન પર કબજો ધરાવે છે (મેડેલીન ફેરબેર્ન તેના પુસ્તક ‘ફિલ્ડ્સ ઓફ ગોલ્ડ : ફાઇનાન્સિંગ ધ ગ્લોબલ લેન્ડ રશ, ૨૦૨૦’માં દલીલ કરે છે તેમ). શક્તિશાળી બહુરાષ્ટ્રીય કૃષિ કંપનીઓને કારણે તેમ જ ખાનગી ઇક્વિટી ફર્મ્સ અને એસેટ મેનેજરો દ્વારા ખેતીની જમીનના (નાણાંકીય) સંપત્તિ તરીકેના વધતા ઉપયોગને કારણે જમીનના કેન્દ્રીકરણ તરફનું વલણ ઝડપી બન્યું છે. આફિકા ખંડ પર, ‘પ્રકૃતિ સંરક્ષણ’ના નામે અને ખાણ ઉદ્યોગના વિકાસને કારણે ખેડૂતોને જમીન પરથી દૂર ધકેલવામાં આવી રહ્યા છે.

પાછલી સદીમાં, મૂડીવાદ દ્વારા કરાયેલા ગ્રામ્ય વિસ્તારોના વિનાશના ઉપાય તરીકે ખેડૂતોની ચળવળોએ ‘કૃષિ સુધારણા’ની માંગ આગળ ધપાવી છે. અમારા અહેવાલની પ્રસ્તાવનમાં, “ફેડરેશન રૂરલ” મેન્યુઅલ બર્ટોલ્ડી લખે છે, ‘આપણે કૃષિ સુધારણા, ખાદ્ય સાર્વભૌમત્વ, એગ્રોઈકોલોજી અને સમાજવાદ વિશે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ડર્યા વિના વાત કરવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે સમાજવાદ દ્વારા જ આ વિચારોને બળ મળે છે.’

બ્રાઝિલના કવિ જોઆઓ કેબ્રાલ ડી મેલો નેટોના કથન મુજબ ખેડૂતોનો એક માત્ર જમીનના ટુકડા પર અધિકાર છે, અને તે છે તેમની કબરો. આ વિશે ખૂબ લાગણી સાથે તેમણે ૧૯૫૫માં લખ્યું. ‘મોર્ટે એ વિદા સેવેરિના’ (સેવેરિનોનું જીવન અને મૃત્યુ) કાવ્ય રચ્યું. જેમાં લખ્યું છે :

– તમે જે કબરમાં છો તે

હાથથી માપવામાં આવે છે,

બધી જમીનોમાંથી તમને મળેલ શ્રેષ્ઠ સોદો

આ જમીનમાં છે.

– તમે તેમાં સારી રીતે બંધ બેસો છો,

બહુ લાંબો નહીં કે બહુ ઊંડો નહીં,

તમારી જાગીરદારીનો ભાગ જે તમે રાખશો.

– કબર બહુ મોટી નથી,

તે ખૂબ પહોળી પણ નથી,

આ જમીન જ તમને જોઈતી હતી ને,

તેને વિભાજિત થતી જોવા માટે.

– આ એક બહુ મોટી કબર છે

એટલા સુકલકડી શરીર માટે,

પરંતુ તમે ક્યારે ય હતા તેના કરતાં,

વધુ આરામમાં રહેશો.

– તમે એક પાતળી લાશ છો,

આટલી મોટી કબર માટે,

પરંતુ કમ સે કમ ત્યાં નીચે તો તમારી પાસે

પુષ્કળ જગ્યા હશે ….

વિશ્વ ભરના ખેડૂતો જાણે છે કે તેમના સંઘર્ષો તેમના અસ્તિત્વ માટે છે. આ જ લાગણીએ ભારતીય ખેડૂતોને કૃષિ ઉત્પાદનો માટે કૃષિબજારના ખાનગીકરણ સામે તેમના હાલ ચાલુ સંઘર્ષ દરમિયાન સંગઠિત રાખ્યા હતા. તેઓ જીવવા માટે જમીન ઇચ્છે છે, માત્ર તેમની કબરો માટે નહીં.

(ટ્રાય કોન્ટીનેન્ટલ : ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશ્યલ રિસર્ચની ૨૩મી પત્રિકાનો અનુવાદ)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 17-18

Loading

...102030...1,1031,1041,1051,106...1,1101,1201,130...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved