દેશો વચ્ચેના સંઘર્ષ જલદી ખતમ થતા નથી. એ એવા જખ્મ હોય છે, જે સતત વહેતા રહે છે. રાજકીય, આર્થિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જેવાં અનેક જટિલ પરિબળોને કારણે દેશો વચ્ચે સંઘર્ષોનું સમાધાન થતું નથી અને તે પેઢી દર પેઢી પીડા, તણાવ અને અસ્થિરતાનું કારણ બને છે.
જીવંત ઘાની જેમ, દેશો વચ્ચેના સંઘર્ષો સતત વેદના આપતા હોય છે. તેના પરિણામે જાનહાનિ થાય છે, માળખાગત સુવિધાઓનો નાશ થાય છે, લોકોનું વિસ્થાપન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. સંઘર્ષોનાં પરિણામો એમાં સીધા સંકળાયેલા બંને દેશો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ અસર કરે છે.
જે રીતે ઘાને મટાડવા માટે ધ્યાન અને સંભાળની જરૂર હોય છે, તેવી જ રીતે સંઘર્ષોને ઉકેલવા માટે સક્રિય પ્રયાસોની જરૂર પડે છે. જો સંબોધવામાં ન આવે તો, સંઘર્ષો સમય જતાં વકરી જાય છે અને વધુ ખરાબ થઈ શકે છે, જેમ કે સારવાર ન કરાયેલ ઘા ચેપગ્રસ્ત થઈ શકે છે. આ વધુ ગૂંચવણો, હિંસામાં વધારો કરે છે અને અન્ય રાષ્ટ્રોની સંડોવણી તરફ દોરી શકે છે, જે સંઘર્ષને ઉકેલવા માટે વધુ મુશ્કેલ બનાવે છે.
જીવંત ઘાની જેમ, સંઘર્ષો સંવેદનશીલ હોય છે અને સરળતાથી વધી શકે છે. નાની ક્રિયાઓ અથવા ઘટનાઓ પણ તણાવને ફરીથી પેદા કરી શકે છે અને સંઘર્ષને વધારી શકે છે. જે રીતે ઘાને સ્પર્શ કરવાથી પીડા અને બળતરા થઈ શકે છે, તેવી જ રીતે અમુક ક્રિયાઓ અથવા નિવેદનો મજબૂત ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે અને દેશો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે છે.
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ આવો જ એક જીવતો ઘા છે, જેને સમયસર રૂઝાવામાં ન આવ્યો એટલે હવે તે વકરી ગયો છે.
બંને વચ્ચેની મૂળભૂત સમસ્યા જમીન પર પ્રાદેશિક વિવાદ અને આ પ્રદેશમાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વના વિરોધાભાસી દાવાઓ છે. બંને પક્ષોમાં રાજ્યના દરજ્જાને લઈને વિરોધાભાસી માન્યતાઓ તેમ જ આકાંક્ષાઓ છે, ઉપરાંત સુરક્ષા અને આત્મનિર્ણયની જુદી જુદી ધારણાઓ ધરાવે છે. વધુમાં, જેરૂસલેમના દરજ્જા, શરણાર્થીઓના અધિકારો અને વેસ્ટ બેંકમાં વસાહતોની સ્થાપના જેવા મુદ્દાઓએ સંઘર્ષને વધુ જટિલ બનાવ્યો અને તેના ઉકેલમાં અવરોધ ઊભો કર્યો છે.
આ વિવાદ એક સદી જૂનો છે. તેના કેન્દ્રમાં જેરુસલેમ છે. પેલેસ્ટાઇનીઓ ઇચ્છે છે કે પૂર્વ જેરૂસલેમ, જેમાં મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટેનાં પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે, તે તેમના રાજ્યની રાજધાની બને. ઇઝરાયેલનું કહેવું છે કે જેરૂસલેમ તેની અવિભાજ્ય અને શાશ્વત્ રાજધાની રહેવી જોઈએ. જેરુસલેમના પૂર્વીય ભાગ પર ઇઝરાયેલનો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી.
જેમ શરીરના ઘાની બેદરકારી કરવામાં આવે અને તે ઉત્તરોત્તર બીજી બીમારીઓને જન્મ આપે, એવી જ રીતે આ કિસ્સામાં પણ શરૂઆતમાં જમીનના ટુકડાની માલિકીના વિવાદમાં કાળક્રમે બીજી અનેક સમસ્યાઓ અને ફરિયાદોને જન્મ આપ્યો છે અને હવે તે પૂરા વિશ્વને વિભાજીત કરી નાખે તેવી સ્થિતિએ પહોંચી ગયો છે.
જેમ કે વર્તમાનમાં હમાસ નામનું આતંકવાદી જૂથ ત્યાં સક્રિય છે, તે હવનમાં હાડકાં સમાન છે. તેનાં કૃત્યોના કારણે પેલેસ્ટાઇનના લોકોને પણ સહન કરવું પડી રહ્યું છે. કોઈ વિવાદ વકરી જાય ત્યારે આવાં ઘણાં નવાં તત્ત્વો તેમનો ખેલ રમવા આવી આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ જોર્ડન, ઈજીપ્ત, લેબેનોન, સીરિયાનાં હિતોને પણ પ્રભાવિત કરી રહ્યો છે અને 18 દેશોના બનેલા સમગ્ર મધ્ય-પૂર્વને અસ્થિર કરી રહ્યો છે.
હમાસનો આતંકવાદ એ નવો અને મૂળ વિવાદથી અલગ સમસ્યા છે અને મૂળ સામાજિક-રાજકીય સમાધાન પર હાવી થઇ ગયો છે. તાજેતરના ઘાતકી હુમલા પછી, હમાસે સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની માંગણીને હાનિ પહોંચાડી છે એટલું જ નહીં, તે જબરદસ્તી લીડર બની બેઠું છે અને કાયમ માટે એક મોટા સંઘર્ષનો જન્મ આપી ચુક્યું છે.
તાજેતરની ઘટનાના સંદર્ભમાં, પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ ભારતને તેની ભૂમિકા નિભાવવાની અપીલ કરી છે. તેમણે એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”પેલેસ્ટાઇનના મુદ્દે ભારતનો સહયોગ મહાત્મા ગાંધીના સમયથી ચાલતો આવે છે. ભારત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું મિત્ર છે અને તે તણાવ ઓછો કરવા તેમ જ પેલેસ્ટાઇન મુદ્દે સમાધાનમાં યોગદાન આપવા સક્ષમ છે.”
રાજદૂતે તેમના નિવેદનમાં મહત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો તે નોંધપાત્ર છે. ગાંધીજી આજે હોત તો તેમણે નિશ્ચિતપણે હમાસના આતંકની ટીકા કરી હોત, પરંતુ જ્યાં સુધી સંઘર્ષના રાજકીય-સામાજિક પાસાંની વાત છે ત્યાં સુધી તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતા.
આઝાદી પછી ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન પર ભારતનું વલણ પેલેસ્ટાઇન લોકો પ્રતિ સહાનુભૂતિ અને સમર્થનનું રહ્યું હતું. તેનું કારણ એ હતું કે આઝાદી પહેલાંના ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણી સમાનતાઓ હતી. બંને ઉપનિવેશવાદની પરાધીનતાનો શિકાર હતાં અને બંનેને વિભાજનની પીડા સહન કરવી પડી હતી.
તે વખતે ગાંધી સહિત ઉપનિવેશવાદ વિરોધી ભારતીય નેતાઓએ યહૂદીઓની માતૃભૂમિ માટે પેલેસ્ટાઇન પર જબરદસ્તી કબજો કરવાની ટીકા કરી હતી અને એમાંથી જ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદના શાંતિપૂર્ણ સમાધાનની સ્વતંત્ર ભારતની એક નીતિ તૈયાર થઇ હતી.
મહાત્મા ગાંધીએ લખ્યું હતું, “યહૂદીઓને આરબોને પર થોપવાવાનું ખોટું અને અમાનવીય છે. પેલેસ્ટાઇનમાં આજે જે ચાલી રહ્યું છે, તેને કોઇપણ નૈતિક આચાર સંહિતા દ્વારા ઉચિત ઠેરવી ન શકાય.” એ જ રીતે, ભારતના પહેલા વડા પ્રધાન પંડિત નહેરુએ કહ્યું હતું, “પેલેસ્ટાઇન મૂળભૂત રીતે એક આરબ દેશ છે અને તે એમ જ રહેવો જોઈએ. પોતાની માતૃભૂમિ માટે યહૂદીઓને અધિકાર છે પણ તે આરબ લોકોની માતૃભૂમિની કિંમત પર નહીં.”
ગાંધીજીએ તેમના “હરિજન” સામયિકમાં છેક 1938માં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદને લઈને તેમનો મત વ્યક્ત કર્યો હતો. “પેલેસ્ટાઇનના યહૂદીઓ” નામનો એ લેખ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. એ લેખમાં તેમણે તેમના જે વિચાર મુક્યા હતા, તેનો ઘણા લોકો આકરો વિરોધ કરે છે અને ઘણા લોકો તેને અહિંસા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે જુએ છે.
તેમણે શરૂઆતમાં જ લખ્યું હતું, “પેલેસ્ટાઇનમાં અરબ-યહૂદી પ્રશ્ન અને જર્મનીમાં યહૂદીઓના દમન વિશે મારા મંતવ્યો જાહેર કરવાનું કહેતા ઘણા પત્રો મને મળ્યા છે. આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન પર હું વિના ખચકાટે મારા મંતવ્યો રજૂ કરવાનું સાહસ કરું છું.”
પછી તેમણે લખ્યું હતું, “મારી સહાનુભૂતિ યહૂદીઓ સાથે છે. હું તેમને દક્ષિણ આફ્રિકાથી સારી રીતે જાણું છું. તેમાંના કેટલાક આજીવન સાથી બની ગયા. આ મિત્રો દ્વારા મને તેમની ઉપરના અત્યાચાર વિશે ઘણું જાણવા મળ્યું. તેઓ ખ્રિસ્તી ધર્મમાં તેઓ અસ્પૃશ્ય રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા તેમની સાથે કરવામાં આવતી વર્તણૂક અને હિંદુઓ દ્વારા અસ્પૃશ્યો સાથે કરવામાં આવતી વર્તણૂક વચ્ચે સમાનતા છે … પણ મારી સહાનુભૂતિ મને ન્યાય પ્રત્યે આંધળી નથી કરતી. યહૂદીઓ માટે રાષ્ટ્રની માંગણી મને આકર્ષિત કરતી નથી. પૃથ્વી પરના બાકી લોકોની જેમ, જે દેશમાં તે જન્મ્યા હોય અને જીવનનિર્વાહ કરતા હોય એ જ તેમનું વતન કેમ ન હોય? પેલેસ્ટાઇન એ જ રીતે આરબોનું છે, જે રીતે ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અથવા ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે. યહૂદીઓને આરબો પર લાદવા એ ખોટું અને અમાનવીય છે.”
ગાંધીજી મુખ્ય બે માન્યતાઓના કારણે પેલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રના વિરોધી હતા: એક, પેલેસ્ટાઇન પહેલાંથી આરબ પેલેસ્ટાઇનિયન લોકોનું વતન હતું, અને બે, બ્રિટને હિંસક રીતે યહૂદીઓની વસાહત ઊભી કરી હતી.
તેઓ માનતા હતા કે, “પેલેસ્ટાઇનના યહૂદીઓ ભૂલ કરી રહ્યા છે. તેમણે પેલેસ્ટાઇનમાં રહેવું હોય તો પણ, બ્રિટિશ બંધૂકોના પડછાયામાં ત્યાં જવું ના જોઈએ. બંધૂકની અણીએ કે બોમ્બથી ધાર્મિક ક્રિયા ન થાય. તેમણે આરબોનાં દિલ જીતીને ત્યાં વસવું જોઈએ. જે ઈશ્વર આરબોના દિલમાં છે, તે જ ઈશ્વર યહૂદીઓના દિલમાં છે. તેઓ બ્રિટિશરોની બંધૂકોને ત્યજી દે તો આરબોને મનાવાના હજારો રસ્તાઓ છે. હું આરબોના અત્યાચારને ઉચિત નથી ઠેરવતો. તેમના દેશમાં થયેલી ઘુસણખોરીનો તેમણે અહિંસાથી વિરોધ કર્યો હોત તો સારું થાત.”
જર્મનીમાં નાઝીઓના હાથે યહૂદીઓનો સામૂહિક નરસંહાર શરૂ થયો તે પહેલાં, 1938માં, ગાંધીજીએ આ લેખ લખ્યો હતો અને તેમાં તેમણે દલીલ કરી હતી કે યહૂદી લોકોને વિશ્વના નાગરિક ગણવા જોઈએ – જેમ કે ફ્રાન્સમાં જન્મેલા યહૂદી સાથે ફ્રેન્ચ જેવો, જર્મનીમાં જન્મેલા યહૂદી સાથે જર્મન જેવા વ્યવહાર થવો જોઈએ. ગાંધીજીએ જર્મન યહૂદીઓને જર્મન સતામણીનો સામનો કરવા માટે અહિંસક નાગરિક ચળવળનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
જો કે, યહૂદીઓના નરસંહાર અને બીજા વિશ્વયુદ્ધ પછી સ્થિતિ બદલાઈ ગઈ અને યહૂદીઓના અલગ રાષ્ટ્રની માંગમાં બ્રિટન કટ્ટર બની ગયું. 45 વર્ષ સુધી ભારતે ઇઝરાયેલને માન્યતા જ આપી નહોતી. આજે એ સ્થિતિ પણ બદલાઈ ગઈ છે. આજે ભારત ઇઝરાયેલની પડખે અડીખમ ઊભું છે. ગાંધીજી આજે હોત તો શું કરત?
લાસ્ટ લાઈન:
“હું ન તો ઇઝરાયેલ રાજ્યને માન્યતા આપું છું, ન તો પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપું છું. પેલેસ્ટાઇનિયનો બેવકૂફ છે, ઇઝરાયેલીઓ બેવકૂફ છે.”
— કર્નલ (સ્વર્ગસ્થ) મુઅમ્મર ગદ્દાફી, લીબિયન નેતા
———————–
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 15 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર