પુસ્તક પરિચય
‘રેતશિલ્પના રૂપસાધક : નથુ ગરચર’ પુસ્તકમાં પોરબંદરના અલગારી કલાકારના બસો સાઠ શિલ્પોના શ્વેત-શ્યામ ફોટોગ્રાફ્સ છે, જે તેમની અસાધારણ પ્રતિભાની ઝલક માત્ર આપે છે.
સુદામાનગરીના સાગરતીરે પળેપળ સરી જતી રેતીમાંથી 67 વર્ષના નથુભાઈએ, વીતેલા તપ દરમિયાન પોતાની પ્રતિભાથી સર્જેલી પંદરસો જેટલી કલાકૃતિઓ દરિયાદેવને અર્પી છે.
જેનો કણ કણ છૂટો જ રહેતો હોય તેવી કલાસામગ્રી એટલે કે રેતીના કણોને એકત્ર રાખનાર કોઈ દ્રવ્ય, કે આકૃતિને આધાર આપવા માટેના કોઈ પણ ટેકા વિના, રેતશિલ્પનો સર્જક ઊભી મૂર્તીઓ બનાવે – કમાન સુદ્ધાં બનાવે – એ અચંબો આપનારું કૌશલ્ય છે.
પુસ્તકનું સંપાદન સન્નિષ્ઠ કલાસંવર્ધક રમણીક ઝાપડિયાએ કર્યું છે. તેમની દૃષ્ટિ હેઠળ ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલાં આ પુસ્તકનું પ્રકાશન या देवी सर्वभूतेषु कलारूपेण संस्थिता મુદ્રાલેખ ધરાવનારા કલાતીર્થ ટ્રસ્ટે કર્યું છે.
ભારતીય કલાને છેવાડાના કલાકારોથી લઈને કલામરમીઓ સુધી સહુને પહોંચાડવાના ધ્યેયથી આ સંસ્થાએ દૃશ્ય કલાઓ અને તેના સર્જકો પર, આપણે જોયાં જ કરીએ એવાં પુસ્તકોનું નિર્માણ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક તેની કલાગંગોત્રી શ્રેણીમાંનું દસમું પ્રકાશન છે.
મુખ્યત્વે સ્વચ્છ અને સ્પષ્ટ શ્વેત-શ્યામ છબિઓ જ ધરાવતાં આ પુસ્તકનાં લાવણ્યમય કલા આવરણ સંદિપ કાપડિયા અને લે-આઉટ ટાઇપ સેટિંગ સમીર કંસારાએ કરેલાં છે. તેનાં 267 પાનામાં નથુભાઈએ સર્જેલી ચરાચર સૃષ્ટિના વૈવિધ્ય અને વૈપુલ્યની ઝાંખી મળે છે.
માનવ, પ્રાણી, પ્રકૃતિ, દેવ અને ભાવસૃષ્ટિની ત્વરિત સૌંદર્યાનુભૂતિ કરાવનારાં, ઝીણું કામ અને finishing બતાવતાં વાસ્તવવાદી રેતશિલ્પો અહીં છે. લગભગ દરેક ચિત્રમાં બારીકીભરી કોતરણી છે અને ચહેરા પર, વિશેષત: આંખોમાં ભાવની અભિવ્યક્તિ છે.
નારીના સો જેટલાં શિલ્પોમાં નથુભાઈએ કલ્પી શકાય તેટલાં રૂપ અને ભાવ, મુદ્રા અને સ્થિતિ, આભરણ અને આભૂષણ, સમુદાય અને વર્ગ, ભૂમિકાઓ અને મનોસ્થિતિઓ નિરૂપી છે. અષ્ટનાયિકાઓની તો યાદ આવે, પણ માતા અને સખીઓ પણ એકાધિક છે.
બાળા, મુગ્ધા, યૌવના, પ્રૌઢા, એકાકિની અહીં મળે. હાથી, ઘોડા, શ્વાન, અરે ! મગર સાથેની સ્ત્રી પણ છે. દેવી, વીરાંગના અને વૃક્ષવનિતા છે. સાથે સમુદ્રના પાણીમાં સેલારા મારતી યૌવના અને torn folded jeans અને cropped top પહેરેલી teenager પણ છે.
સાહિત્ય અને કલાના ઉત્તમ પુસ્તકોથી રુચિઘડતર પામેલા નથુભાઈએ કરેલું પુસ્તક વાંચતી પ્રૌઢાનું શિલ્પ તેમની પ્રબુદ્ધતા બતાવે છે.
પ્રગતિશીલ વિચારોનો નિર્દેશ એકતામાં વિવિધતા, સર્વધર્મ સમભાવ, સ્ત્રીશિક્ષણ, જળસંવર્ધન કે વિકલાંગોની ક્ષમતા બતાવતાં, લોકજાગૃતિની ઝુંબેશો માટે દોરેલાં શિલ્પોમાં તેમ જ ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતીમાઓમાં મળે છે. ચાલતા ગાંધી અને તેમનો પડચાયો સુદ્ધા એક શિલ્પમાં નજરે પડે છે.
પરસ્પર સંવાદિતાથી ફાલેલું જીવનવૃક્ષ કે સાહચર્યથી સધાતાં ઊર્ધ્વારોહણની પ્રતિમાઓ વિચારને દૃશ્યરૂપ આપે છે.
વ્યક્તિશિલ્પોમાં અબ્દુલ કલામ, બુદ્ધ, રાણા પ્રતાપ, લતા મંગેશકર અને વિવેકાનંદ છે. ડાંગધારી સોરઠવાસી, પશુધન સાથેનો માલધારી, ચલમ ફૂકતો બાવો, નિશાન તાકતો સૈનિક જેવા શિલ્પો સમુદાયના વરણ-વેશનાં નિર્દેશ સાથે આવે છે.
લોકદેવતા વાછરાદાદા અને રામદેવ પીર તેમ જ અનેક પ્રમુખ દેવોનાં દર્શન ચાળીસેક કૃતિઓમાં થાય છે, જેમાં આરામમાં આડા પડેલા ગણેશ કે ડાબા પડખે થયેલા હનુમાનજી જેવાં અરુઢ શિલ્પો પણ છે.
પારધીની શિવલિંગ આરાધના, સુદામાનું મથુરામાં સ્વાગત કે કાલિયામર્દન જેવા પ્રસંગ-શિલ્પોમાં સંખ્યાબંધ પાત્રો છે.
વીસેક પ્રાણી-શિલ્પોમાં નિજમગ્ન સિંહ, લાળી નાખતું શિયાળ, બેઠેલો ઘોડો, લડતા આખલા કે હાથી-મગર લડાઈ ખાસ ધ્યાન ખેંચે છે. સાગર કિનારા પરનાં પ્રેમી યુગલનું અને તે પછી પ્રસન્ન દામ્પત્યનાં શિલ્પો કરવાનું નથુભાઈ ચૂકતા નથી.
પુસ્તકમાંની દરેક તસવીરની નીચે કલાવિવેચક નિસર્ગ આહીરે સંદર્ભપૂર્ણ, શબ્દસમૃદ્ધ આસ્વાદ-નોંધ લખી છે. ગુજરાતીના સાહિત્યના અધ્યાપક નિસર્ગની પ્રસ્તાવના રેતશિલ્પના ઓછા જાણીતા ક્ષેત્રમાં વાચકને પ્રવેશ કરાવે છે, તેની ખૂબીઓ અને મર્યાદાઓ બતાવે છે, નથુભાઈની રેતકલાની મહત્તા ઉપસાવે છે, અને ‘મુખ્યત: તો ચિત્રકાર’ નથુભાઈનો પરિચય કરાવે છે.

નથુભાઈ ગલચર
પુસ્તકમાં નથુભાઈનો સ્વપરિચય ‘મારી કલાયાત્રા’ શીર્ષક હેઠળ છે. મજૂરી અને ગોપાલન કરનારા પરિવારના અભાવો વચ્ચેય શાળા તેમ જ બી.કૉમ.ના અભ્યાસ દરમિયાન સાહિત્ય અને કલાનાં પુસ્તકોનાં વાચને તેમની નિસર્ગદત્ત પ્રતિભાને સંકોરી.
સરકારમાં અને પછી બૅન્કમાં નોકરીની સાથે નાનાવિધ માધ્યમોમાં સાડા છ હજાર કરતાં વધુ ચિત્રો કર્યાં. અનેક ચિત્રપ્રદર્શનો કર્યાં. તેમાં રેખાંકનો, જળરંગચિત્રો, પેસ્ટલ-પેન્સિલ કલર, પીંછી-પેન, મિક્સ મીડિયા, ઑઇલ એક્રેલિક ચિત્રો અને ભીંતચિત્રો અને સિમેન્ટ મ્યુરલ્સનો સમાવેશ થાય છે.
ચૌદેક વર્ષની ઉંમરથી શરૂ કરેલાં રેતશિલ્પ સમયાંતરે ચાલતાં રહ્યાં અને 2010થી પૂરો સમય ચાલ્યાં. કૉલેજમાં 1975ના અરસામાં ઓડિશાના કિનારે બનાવાતાં રેતશિલ્પોની ન્યૂઝ રીલ જોઈ હતી. તે જ રાજ્યના ચન્દ્રભાગા બીચ પર નથુભાઈએ પર 2011થી દર વર્ષે આંતરારાષ્ટ્રીય રેતશિલ્પ મહોત્સવમાં શિલ્પો બનાવ્યાં, જે પુસ્તકનાં પહેલા બાર ફોટોગ્રાફસમાં જોવા મળે છે.
તે પછીના પાંત્રીસ શિલ્પો મુખ્યત્વે રાજયની લલિતકલા ને અન્ય સંસ્થાઓના ઉપક્રમો હેઠળ તૈયાર થયા છે. બાકીના 213 સ્વાનંદે કરેલાં છે.
આ વર્ષે રવીન્દ્રનાથ ટાગોરની જયંતીએ પાંચમી મેએ બહાર પડેલાં પુસ્તકનું તિરુપતિ બાલાજીનું છેલ્લું શિલ્પ 19 એપ્રિલે કરેલું છે.
રેતશિલ્પની અનિવાર્ય નિયતિ હોય છે કે તે સર્જાયા પછી થોડાક જ સમયમાં સમુદ્રના મોજામાં વિલીન થઈ જાય છે. કેટલાંક વર્ષોથી નથુભાઈ લગભગ દરરોજ સવારે દરિયે જાય, કલ્પના-કસબ-મહેનતથી મોટે ભાગે ઊભું શિલ્પ સર્જે, જે અસ્તિત્વમાં આવ્યા બાદ થોડાક સમયમાં તો સમુદ્રના મોજામાં લીન થઈ જાય!
કલાકાર હંમેશાં એવું ઝંખતા હોય કે તેમની કલાકૃતિ દુનિયામાં લાંબો સમય ટકે, અમર બને. દુનિયાભરના રેત શિલ્પ કલાકારની જેમ આપણા નથુભાઈની વશેકાઈ છે કે તેમનું સર્જન અલ્પકાળમાં વિસર્જન પામવાનું હોવા છતાં તે દરરોજ નવા ઉમંગ સાથે નિજાનંદે, નિરપેક્ષ ભાવે નિત્યનૂતન નિર્મિતી કરતા રહ્યા છે.
સ્વકથનને અંતે તેઓ લખે છે :
‘રેતશિલ્પ એક મજાની કળા છે, જે મારા જીવન સાથે વણાઈ ચૂકી છે. સવાર પડતાંની સાથે નિત્યક્રમ પ્રમાણે બે-ત્રણ કલાક દરિયાના સાન્નિધ્યે રેતશિલ્પોનું સર્જન કરું છું.
‘દરિયાઈ જીવો આ સર્જનને માણે છે અને અને દરિયાનાં અનેક તત્ત્વો તેને લાઇક આપી ચાલ્યાં જાય છે.
‘હું તૃપ્ત થાઉં છું શિલ્પ જોઈને અને એને દરિયાદેવ પોતાનામાં સમાવી લે પછી હું સંપૂર્ણ સંતોષ સાથે ઘરે પાછો ફરું છું. જે લોકોને રેતશિલ્પની આ કલા શીખવાની ઇચ્છા હોય તેમને શીખવું છું. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કલાનાં શરણે મા ભગવતી વાગીશ્વરીની સાધના કરું છું.
‘નિવૃત્ત જીવનને કલાક્ષેત્રે પ્રવૃત્ત રાખીને ઇશ્વરે આપેલા અમૂલ્ય દિવસો વીતાવું છું.બસ એક જ અભિલાષા કે ‘તેરા તુજ કો અર્પણ’ – વેદવાણીને સ્મરીને તેમને મારું કરેલું કાર્ય અર્પણ કરું છું.’
[આભાર : અશ્વિન ચૌહાન, અજય રાવલ]
—-————————–
કલાતીર્થ ટ્રસ્ટ, ‘રંગ’, 18, ગજાનન સોસાયટી વિભાગ 3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સૂરત 395 004. મો. 9825664161 પુસ્તકનું મૂલ્ય : ‘અમૂલ્ય’ kalatirth2021@gmail.com ramnikgkp@gmail.com
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર