Opinion Magazine
Number of visits: 10,221,649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 April 2026

રવીન્દ્ર પારેખ

બે દિવસ પર જ વડા પ્રધાને કહ્યું કે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં ભારે વધારા છતાં, તેમની સરકારે દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવા દીધા નથી. એ ખરું કે નાના મોટા સુપર પાવર દેશોમાં પણ ડિઝલ અને પેટ્રોલના ભાવમાં 10 ટકા-25 ટકાનો વધારો થયો છે, પણ ભારતની સફળ વિદેશ નીતિ અને સરકારી પ્રયત્નોને લીધે વૈશ્વિક ભાવ વધારાની અસર ભારતની જનતાને બહુ થઈ નથી. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને પણ ભારતે ઇંધણના ભાવ પર નિયંત્રણ મેળવ્યું છે, પણ એપ્રિલ શરૂ થતાં જ સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. નાયરા કંપની દ્વારા પેટ્રોલ ડિઝલમાં વધારા બાદ હવે શેલ ઇન્ડિયાએ પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા છે. ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો હોવાથી, ખાનગી કંપનીઓએ નુકસાની સરભર કરવા ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. બેંગલુરૂમાં પેટ્રોલના ભાવમાં લિટરે 7.41નો અને ડિઝલમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ સામાન્ય ડિઝલની કિંમત શેલ ઇન્ડિયામાં 123.52 અને પ્રીમિયમ વેરિઅંટની કિંમત 133.52 પ્રતિ લિટર થઈ છે. બેંગલુરુમાં સામાન્ય પેટ્રોલ 119.85 અને પાવર પટ્રોલ 129.85ના ભાવે વેચાઈ રહ્યું છે. VAT અને પરિવહન ખર્ચને કારણે અન્ય શહેર કે રાજ્યમાં ભાવમાં થોડો ફેર પડ્યો હશે, પણ કુલ મળીને આખા દેશમાં શેલના આઉટલેટ્સ પર ગ્રાહકોના ગજવાં હલકાં થઈ રહ્યાં છે. એ ખરું કે સરકારી કંપનીઓ (IOCL, BPCL,HPCL) એ ક્રૂડની કિંમતો વધી રહી હોવા છતાં સરકારના હસ્તક્ષેપને લીધે ભાવ નિયંત્રણમાં રાખ્યા છે.

ઇંધણની જે તંગી ઊભી થયેલી દેખાય છે, તેમાં લોકોનો ફાળો પણ ઓછો નથી. સરકારે વારંવાર લોકોને કહ્યું કે દેશમાં પૂરતાં પ્રમાણમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ છે, તેમ છતાં જેમની પાસે મહિનો ચાલે એટલો એલ.પી.જી. હોવા છતાં ઊંચા ભાવ આપીને બે કે તેથી વધુ બાટલા ખરીદી લેવાયા છે. વાહનોમાં પણ જરૂર હોય તેથી વધુ પેટ્રોલ ભરાવાઈ રહ્યું છે. આવું એટલે પણ છે કે લોકોને સરકારની વાતોમાં વિશ્વાસ નથી. તે જે બતાવે છે, તેથી ચિત્ર ઊલટું જ બને છે. આમ બનવાનું કારણ કોરોના વખતે લોકોએ આમ જ સરકાર પરનો ભરોસો ખોઈ દીધેલો તે છે. એ વખતે ઓક્સિજનની તંગી નથી, એવું ચલાવેલું ને જ્યારે જરૂર પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. આ વખતે પણ એવું જ થયું. ગેસની ચિંતા કરવાની જરૂર નથી એમ કહેવાયું, પણ ગેસની તંગી હળવી થઈ નથી. રાંધણ ગેસની એટલી અછત નથી, પણ કમર્શિયલ ગેસની તંગી તો છે જ. આ ગેસના અભાવમાં ઘણી ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં કારોબાર થોડા દિવસ થોભાવવાની વાત એનાં ઉદાહરણો છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોની પણ છે. સરકારે કમ સે કમ એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે લાઈનો લાગતી બંધ થાય, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ થાય ને લોકો નોકરી ધંધાના સ્થળે પહોંચી શકે એટલું ઇંધણ મળી રહે તે અપેક્ષિત છે.

નવાં નાણાંકીય વર્ષમાં અત્યારે શી હાલત છે તે જોવા જેવી છે. પશ્ચિમ એશિયાની યુદ્ધની સ્થિતિ અને ભારતમાં મોંઘવારીને જોતાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ક્રૂડનો ભાવ 100 ડોલરની ઉપર જતાં તેની સીધી અસર ભારતમાં વર્તાઈ રહી છે. શેલ ઇન્ડિયા કંપનીએ પોતાનાં પમ્પો પર પેટ્રોલ, ડીઝલના ભાવમાં લિટરે ખાસા ભાવ વધાર્યા છે. એ પહેલાં નાયરાએ ભાવ વધારી દીધા છે. હાલમાં એલ.પી.જી. સિલિન્ડરની તંગી વચ્ચે લાઈનો લાગે છે. એવામાં સરકારી ક્મ્પનીઓએ બુધવારે કમર્શિયલ એલ.પી.જી.નો ભાવ વધારી દીધો છે. પાંચ કિલોના મિનિ સિલિન્ડરનો ભાવ 51 અને 19 કિલોના સિલિન્ડરનો ભાવ 195થી 218 રૂપિયા સુધી વધી ગયો છે. આ વધારાની સાથે જ 19 કિલોનાં સિલિન્ડરનો ભાવ 2,000ને પાર પહોંચી ગયો છે. દિલ્હીનો ભાવ 2,078 અને મુંબઈનો ભાવ 2,031 થઈ ગયો છે. આ ભાવ વધારાને પગલે પરિવહન સંબંધિત બીજી ચીજ વસ્તુઓના પણ ભાવ વધ્યા છે ને હજી વધે એવી પૂરી શક્યતાઓ છે.

ઇંધણના ભાવ વધ્યા તે સાથે વિમાની ઇંધણ પણ બહુ મોંઘું થયું છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ભાવ પ્રતિ કિલો લિટરે 8,289.04 વધતાં 8.56 ટકાનો વધારો થયો છે, એટલે કે ભાવ 96,638.14થી વધીને 1,10,703.08 થયો. બીજા શબ્દોમાં ATFનો ભાવ લાખ રૂપિયાને વટાવી ગયો છે. એટલે એરલાઈન્સ કંપનીઓ વિમાનનાં ભાડામાં વધારો કરે તેવાં પૂરતાં કારણો છે. ઇન્ડિગોનાં વિમાન ભાડાં તો સ્થાનિક 930 અને આંતરરાષ્ટ્રીય 10,000 સુધી વધી ગયા છે.  ટૂંકમાં, નવાં નાણાંકીય વર્ષની શરૂઆત મોંઘવારીના ભાવથી થઈ છે. એડહોક, ચાર્ટર, નોન શિડ્યુલ ફલાઈટનું ATF 100 ટકા વધીને 2 લાખ થયું છે. અગાઉ એ ભાવ 1,10,703 હતો તે બમણો થઈને 2,07,341 થયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી મોંઘી થઈ ગઈ છે.

એ છે કે જે પરિવહન ડિઝલ, પેટ્રોલ પર નિર્ભર છે તેની સાથે જોડાયેલી તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી જ રહ્યા છે ને જેમ જેમ ઇંધણ મોંઘુ થશે, તેમ તેમ તેને સંલગ્ન ચીજ વસ્તુઓના ભાવ વધશે જ એમાં શંકા નથી. એક તરફ જીવન રક્ષક દવાઓના ભાવ સરકાર ઘટાડતી જાય છે, પણ હવે દવાઓ પણ મોંઘી થઈ રહી છે. લિવર, કિડની, બી,પી,, સુગર, તાવ…ને લગતી 900થી વધુ દવાઓ મોંઘી થઈ છે. જરૂરી દવાઓનો ભાવ 1 એપ્રિલથી વધી ગયો છે. જી.એસ.ટી. કપાયા પછી 10 ટકા વધુ કિંમતે દવાઓ ખરીદવી પડે એવી સ્થિતિ છે. આમ તો 60 ટકા ફાર્મા ક્મ્પનીઓએ તો જાન્યુઆરીમાં જ નવાં ઉત્પાદન પર ભાવ વધારી દીધેલાં, તેમાં ઇંધણનું બહાનું મળતાં વળી એક વાર ભાવ વધારવાની તક મળી ગઈ છે. આમ તો જાન્યુઆરી, 2026થી આવનારી દવાઓના ભાવ નવી એમ.આર.પી. મુજબ બદલાઈને આવશે એટલે 80 રૂપિયાની દવા પણ 90-95માં મળશે. દવાના ભાવ આમ પણ વધતા જ રહે છે, તેમાં ઇંધણે નવું બહાનું આપ્યું છે.

એટલું સ્પષ્ટ છે કે યુદ્ધની સ્થિતિએ અન્ય દેશોને અસરો પહોંચાડી જ છે, પણ ભારતને કદાચ વધુ અસરો થઈ છે. સરકાર તેનાથી બનતાં બધાં જ પગલાં લઈ રહી છે, પણ તે ટૂંકા પડે એમ છે. તાજેતરમાં જ વડા પ્રધાનની અધ્યક્ષતામાં યુદ્ધનાં સંકટ વચ્ચે યોજેલી એક બેઠકમાં લેવાયેલાં પગલાંની સમીક્ષા થઈ. બેઠકમાં વડા પ્રધાને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ સ્થિર કરવા માટેનાં પગલાંની સમીક્ષા કરી હતી ને સંગ્રહખોરી અને કાળાબજાર અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાને એ પણ સુનિશ્ચિત કર્યું કે આવશ્યક સેવાઓની ઉપલબ્ધિ કેવીક છે, સાથે સાથે યુદ્ધનાં આ વૈશ્વિક કટોકટીના કાળની અસરોથી સામાન્ય નાગરિક પ્રભાવિત ન થાય ને એ માટે જે પગલાંઓ લેવાં જરૂરી હોય તે લેવાય. વડા પ્રધાનનું કહેવું છે કે એક મહિનાથી ખાદ્યપદાર્થના ભાવો સ્થિર રહ્યા છે. ભાવ પર નજર રાખવા કન્ટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એ સાથે જ રાજ્યો સાથે કેન્દ્ર પણ સતત સંપર્કમાં છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, એટલું જ નહીં, રાજદ્વારી પ્રયત્નો પણ ચાલુ જ છે.

આમ વૈશ્વિક કસોટીને પહોંચી વળવા સરકાર થાય તે પ્રયત્નો કરે જ છે, પણ શરૂઆતના તબક્કામાં સરકાર પણ પ્રજાની જેમ જ રઘવાઈ થઇ જાય છે ને પ્રજા જેમ ગેસ સિલિન્ડર માટે લાઈનો લગાવે છે, મોંઘા ભાવે સિલિન્ડર ખરીદી સંગ્રહખોરીમાં પડે છે, એમ જ સરકાર પણ વાસ્તવિક પરિસ્થિતિની જાણ કરવાને બદલે સબસલામતની ઘંટી વગાડવા લાગે છે ને કશાની અછત નથી એવી આલબેલ પોકારતી રહે છે, પછી લોકોને સાચી પરિસ્થિતિની જાણ થાય છે, તો સરકાર પરથી તેમનો ભરોસો તૂટવા લાગે છે. પછી સરકાર ગમે તેટલા થીંગડાં મારે તે ખાતર પર દિવેલ જેવાં જ છે. સરકારે એ સમજી લેવાનું રહે કે પ્રજા અસ્વસ્થ થાય તો ચાલે, પણ સરકારને અસ્વસ્થ થવાની છૂટ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઍપ્રિલ 2026

Loading

સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 April 2026

ચંદુ મહેરિયા

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ વરસના બજેટ સત્રના પ્રશ્નકાળમાં સભ્યોને બિનજરૂરી લાંબાલચ્ચક જવાબો આપતા મંત્રીઓને “ભાષણ ના આપો”  તેમ કહીને ટપાર્યા હતા. સંક્ષિપ્ત સવાલ અને તેનો મુદ્દાસર સંક્ષિપ્ત જવાબની જરૂરિયાત પણ તેમણે ચીંધી હતી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર ૨૦૨૬ના પ્રશ્નકાળમાં ધારાસભ્યો વાંચીને પૂરક પ્રશ્નો પૂછતા હતા અને મંત્રીઓ પણ વાંચીને જવાબો આપતા હતા તે બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસદ અને ધારાગૃહોમાં પ્રશ્નોત્તરીનો સમય સૌથી વધુ જીવંત અને સભ્યોની સૌથી વધુ હાજરી ધરાવતો હોય છે. તેમાં જનપ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો કોઈના લખી આપેલા પ્રશ્નો વાંચે અને મંત્રીશ્રીઓ પણ અગાઉથી નક્કી હોય તેમ વાંચીને જવાબો આપે તેનાથી તેમની મૌલિકતા કે પ્રશ્ન સાથેનો નાતો તો પરખાય છે, ગૃહની કાર્યવાહી કંટાળાજનક બની જાય છે. 

સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સત્રો ચાલુ હોય ત્યારે તેની બેઠકોનો આરંભ એક કલાકના પ્રશ્નકાળ(QUESTION HOUR)થી થાય છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તરીનો સમય સવારના ૧૧ થી ૧૨ વાગ્યાનો હોય છે. અપવાદરૂપે નવેમ્બર ૨૦૧૪થી રાજ્યસભા પ્રશ્નકાળથી શરૂ થતી નથી. સંસદીય પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ એવો ધારાગૃહોનો પ્રશ્નકાળ ધાંધલ-ધમાલ કે પ્રશ્નોત્તરી સ્થગિત કરી અન્ય અગત્યના પ્રશ્નની ચર્ચા હાથ ધરવાની માંગણીમાં વેડફાઈ જતો હતો. તેના નિવારણ અર્થે રાજ્યસભાના તત્કાલીન અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં તેનો સમય બદલીને ૧૨ થી ૧-નો કર્યો છે.

પ્રશ્નકાળ સરકારને લોકો પ્રતિ જવાબદાર બનાવવાનું મહત્ત્વનું સંસદીય ઉપકરણ છે. વહીવટી તંત્ર અને જનતા વચ્ચેનો સેતુ છે. સાંસદો અને ધારાસભ્યોને મળેલો મૂળભૂત અધિકાર છે. જેમાં તે સરકારને નિ:સંકોચ સવાલો કરી શકે છે અને મંત્રીઓ પણ તેના જવાબો આપવા અનિવાર્યપણે બાધ્ય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રશ્નો પૂછી શકે છે અને સરકારનું દાયિત્વ છે કે તે પ્રશ્નોના જવાબો આપે. પ્રશ્નો દ્વારા સાંસદો અને ધારાસભ્યો સરકારને વહીવટી કાર્યો, સરકારની નીતિઓ, લોકહિત સાથે જોડાયેલા મુદ્દાઓ, તેમના મતવિસ્તારની સમસ્યાઓ અને બીજી અનેક માહિતી અને જાણકારી મેળવે છે. 

મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે. જ્યારે સંસદ અને ધારાગૃહોનું સત્ર મળે ત્યારે પૂછાતા પ્રશ્નો તારાંકિત પ્રશ્નો કહેવાય છે. તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબો આપવામાં આવે છે. ઉપરાંત તેની વિશેષતા એ છે કે તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. મૂળ પ્રશ્નકર્તા સભ્ય અને ગૃહના બીજા સભ્યો પણ પૂરક પ્રશ્નો પૂછી શકે છે. તેના પર વિષદ ચર્ચા થઈ શકે છે. સંવાદ, વાદવિવાદ પણ થાય છે. સભ્યો અને મંત્રીઓ બંનેની કસોટી  થતી હોય છે. સભ્યો જો કોઈના ઉછીના શબ્દો કે કોઈએ લખી આપેલા પ્રશ્નો પૂછતા હોય તો તેમને પૂરક પ્રશ્નોમાં તકલીફ પડે છે. એ જ રીતે મંત્રીઓ પોતાના વિભાગની કામગીરીથી કે તેને આનુષંગિક મુદ્દાઓથી કેટલા વાકેફ અને સચેત છે તેનું માપ તેમના જવાબો પરથી નીકળી જાય છે. ઘણીવાર મંત્રી જવાબ ન આપી શકે ત્યારે સિનિયર મંત્રી કે વડા પ્રધાન / મુખ્ય મંત્રી દરમિયાનગીરી કરી શકે છે.

અતારાંકિત પ્રશ્નો ગૃહ ચાલુ હોય કે બંધ હોય એવા કોઈપણ સમયે પૂછી શકાય છે. તેનો લેખિત જવાબ મળે છે. સદનના પટલ પર પણ તે સવાલ-જવાબ મૂકવામાં આવે છે પરંતુ અતાંરાકિત પ્રશ્નોની મર્યાદા એ છે કે તેના પર ચર્ચા થઈ શકતી નથી કે પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. તારાંકિત પ્રશ્ન જ્યારે ગૃહમાં ચર્ચાય અને કોઈ એક પ્રશ્ન પર ગૃહના ઘણા સભ્યો સવાલ પૂછવાની રુચિ દર્શાવે તો અધ્યક્ષ તેના પર અડધો કલાકની જુદી ચર્ચાની મંજૂરી આપી શકે છે. સભ્યો કોઈ જનહિતના મુદ્દે સરકારને ટૂંકી મુદ્દતની નોટિસથી પ્રશ્ન પૂછી શકે છે અને તેના પર ચર્ચા થાય છે.

સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નોમાંથી સ્વીકૃત પ્રશ્નોની સૂચિ તૈયાર કરવાનું કામ સંસદ કે ધારાગૃહોના અધ્યક્ષોના કાર્યાલયો કરે છે. સ્વીકૃત પ્રશ્નોની ગૃહમાં પ્રાયોરિટી પણ તેઓ જ નક્કી કરે છે. સંસદમાં રોજના આશરે ૨૦૦ અને ધારાગૃહોમાં ૧૫૦ પ્રશ્નોના જવાબો મળે છે પરંતુ પ્રાથમિકતાના ધોરણે પસંદ થયેલા દસ કે વીસ જ પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે. પ્રશ્નકાળમાં ઉઠાવાતા પ્રશ્નો મારફતે સરકારી કામકાજની તપાસ, નાણાંકીય અનિયમિતતા ઉજાગર કરવી, જનહિતના પ્રશ્નો ઉઠાવવા અને સરકારના કામકાજની સફળતા કે સિદ્ધિઓ દર્શાવવાનો ઉદ્દેશ છે. 

ભારતના બંધારણમાં પ્રશ્નકાળનો કોઈ સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણના આર્ટિકલ ૧૧૩ હેઠળ સંસદની પ્રક્રિયા અને સંચાલન સંબંધી નિયમો હેઠળ તે આવે છે. પ્રશ્નકાળનું મૂળ બ્રિટિશ સંસદીય પ્રણાલીમાં રહેલું છે. સંસદીય લોકશાહીને વરેલા મોટા ભાગના દેશોમાં પ્રશ્નકાળનું અસ્તિત્વ જોવા મળે છે. ઈ.સ. ૧૭૨૧માં બ્રિટિશ સંસદના હાઊસ ઓફ લોર્ડસમાં પ્રશ્નકાળનો પહેલવહેલો આરંભ જોવા મળ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં સૌથી પહેલો પ્રશ્ન ૧૮૩૫માં પૂછાયો હતો. ૧૯૬૧માં બ્રિટિનમાં PMQ કે પાઈમ મિનિસ્ટર ક્વેસ્ચન શરૂ થયા હતા. જેમાં સભ્યોના સવાલોના જવાબો બિટિશ વડા પ્રધાને આપવાના હોય છે. 

ભારતીય લોકતંત્રના ચાર પાયા પૈકી કાર્યપાલિકાને સવાલો કરવાની શરૂઆત ૧૮૯૨ના ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં જોવા મળે છે. ૧૮૯૩માં ભારતની પાર્લામેન્ટમાં પૂછાયેલો સૌથી પહેલો સવાલ અંગ્રેજ સરકારી અધિકારીઓ ગામડાની મુલાકાતો લે છે કે પ્રવાસો કરે છે ત્યારે નાના દુકાનદારો પર તેમના પ્રવાસનો બોજો પડે છે તે અંગે હતો. ૧૯૦૯માં એકટમાં સુધારો કરીને પૂરક પ્રશ્નોની જોગવાઈ થઈ હતી. આઝાદીપછી લોકસભા અને રાજ્યસભામાં ૧૯૫૨થી પ્રશ્નકાળનો આરંભ થયો હતો. ૧૯૯૧થી સંસદની કાર્યવાહીનું ટી.વી. પર જીવંત પ્રસારણ થતાં લોકોને તેમના જનપ્રતિનિધિઓની કામગીરીનો સીધો પરિચય મળતો થયો. જો કે ગુજરાત સહિતની ઘણાં રાજ્યોની વિધાનસભા કામગીરીનું જીવંત પ્રસારણ થતું નથી. 

ધીરે ધીરે વિકસેલો પ્રશ્નકાળ આજે તેના પતન તરફ જઈ રહ્યો હોય તેવું લાગે છે. હવે સરકારો પોતાની વાહવાહી થાય તેવા પ્રશ્નો જાતે જ તૈયાર કરીને પૂછાવતી હોય છે. ગુજરાતમાં પણ પ્રશ્નોત્તરીના પ્રશ્નો શાસક જ નહીં વિપક્ષના નેતાઓના કાર્યાલયો તૈયાર કરતાં હોવાનું કહેવાય છે. એટલે તેની પ્રસ્તુતતા ઘટતી રહી છે. સરકારની કસોટી થાય તેવા પ્રશ્નો ન પૂછવામાં આવે તેની કાળજી લેવાય છે. ૧૯૫૭ના વરસમાં લોકસભામાં ફિરોઝ ગાંધીના એક સવાલ પરથી મુંદ્રા કૌભાંડ છતું થયું હતું અને તે સમયના નાણાં મંત્રી ટી.ટી. ક્રિષ્ણમાચારીને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. હવે તો રાહુલ ગાંધી અને રંજન ગોગોઈએ અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં એકેય પ્રશ્ન પૂછ્યો નથી તે સમાચાર બને છે. વિપક્ષના નેતા અને રાજ્યસભાના નિયુક્ત સભ્યને મંત્રીઓને કોઈ સવાલ કરવાનું મન ન થાય તેના પરથી પ્રશ્નકાળનું ભાવિ અને પ્રાસંગિકતા જણાઈ આવે છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 April 2026

ભાજપે 2014-24માં માત્ર 4 હજાર ઘુસપેઠિયાને હાંકી કાઢ્યા છે

એળે નહીં તો બેળે, પણ કોમી ધ્રુવીકરણનું રાજકારણ આપણા જાહેર જીવનનો કેડો મેલતું નથી એ દુર્દૈવ વાસ્તવ ક્યારે સમજાશે, ન જાને. કોમી રાજકારણ વાટે શત્રુખોજના વ્યૂહથી ઊંચે ઊઠવું જરૂરી છે.

પ્રકાશ ન. શાહ

જેમ જેમ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભા.જ.પ. અને તેમાં ય એના સ્ટાર પ્રચારક જેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેટલાક ખાસ મુદ્દા ઉછાળી લોકમતને પોતાની તરફે વાળવા પ્રયાસ કરતા માલૂમ પડે છે. એમનો એક (કેટલીક વાર તો જાણે કે એકનો એક) પ્રિય મુદ્દો ઇન્ફિલટ્રેટર્સ ઉર્ફે ઘુસપેઠિયાનો છે. 

આ મુદ્દો એમને દૂઝણી ગાય જેવો વહાલો જણાતો હોય તો એનું રહસ્ય ખાસ તો એ હકીકતમાં પડેલું છે કે હિંદુ વિ. મુસ્લિમ એવી ધ્રુવીકરણની રાજનીતિ એમને માફક આવી ગયેલી છે. આસામ અને પશ્ચિમ બંગાળ જેવા કિસ્સામાં બાંગલાદેશી ઘુસપેઠિયાનો મુદ્દો ઉછાળવામાં સહેજે મળી રહેતી સગવડ આ કોમી ધ્રુવીકરણની રાજનીતિની દૃષ્ટિએ એ છે કે તમે ‘મુસ્લિમ’ને ટીકાનિશાન બનાવવા માટે ‘બાંગલાદેશી’ એ પ્રયોગ દેખીતો તટસ્થ છે, અને સીમાપારથી આપણે ત્યાં આવનાર અંગે સજગ હોવું ને રહેવું એ કોઈ પણ શાસનની સીધી જવાબદારી પણ છે. 

ભા.જ.પ.નો એ સતત ટીકામુદ્દો રહ્યો છે કે આવી ઘુસપેઠ બાબત કાઁગ્રેસનો રવૈયો શિથિલ છે, જ્યારે અમે એ બાબતે સક્રિય ને સન્નધ્ધ છીએ. 

આ પ્રકારની ઘૂસણખોરી આગળ ચાલતાં ચૂંટણીપરિણામ પર પણ અવળી અસર પાડી શકે એ ભા.જ.પ.નું નિત્યગાણું છે. અને ખરું જોતાં કાઁગ્રેસ કે કોઈ પણ પક્ષ તત્ત્વતઃ એની સાથે અસંમત પણ ન જ થઈ શકે. 

સ્વતંત્ર ભારતમાં 2014થી શાસન સંવત બદલાઈ એવી ભૂમિકામાં કેટલોએક પ્રજાવર્ગ રાચે છે ત્યારે એ જોવું તપાસવું રસપ્રદ થઈ પડશે કે 2014 પૂર્વે અને ત્યાર પછી જે તે શાસનની આ મોરચે (ઘુસપેઠિયાની હકાલપટ્ટીને મોરચે) કેવીક કામગીરી રહી છે. 

કેન્દ્ર સરકાર  અને એના સંબંધિત અંગ તરફથી મળેલા સત્તાવાર આંકડા પરથી મળતું ચિત્ર ભા.જ.પ. તરફે જે ગર્જનતર્જનની રાજનીતિ જોવા મળે છે તેની સામે વિરોધી ચિત્રરૂપ જણાય છે. મનમોહનસિંહને મૌનમોહનસિંહ તરીકે ખાસા વગોવાયા પણ એમના શાસનમાં ઘુસપેઠિયાને તારવીને કાઢવાની કામગીરી કોઈ પ્રકારનો વાજોગાજો નહીં એમ ચાલી અને 2005થી 2013નાં વરસો દરમિયાન 88 હજારથી વધુ ઘૂસણખોરોને ઓળખી કાઢી રવાના કરવામાં આવ્યા હતા. સામે પક્ષે, 2014થી 2024ના મોદીકાળમાં ઘણી શક્તિ ‘ઘુસપેઠિયા’ પરિબળની તેમ એમને ‘સાચવતા’ વિપક્ષની ટીકામાં વપરાઈ હશે એટલે 10 વરસમાં આખા 3,500થી 4,000 લોકોને ઓળખીને હાંકી કઢાયા છે. તો, મુદ્દો ઘૂસણખોરોના વાસ્તવિક પ્રમાણનો છે કે પછી એક પક્ષ તરીકે પોતાની ખાસ ઓળખ બનાવવા માટે તેમ જ કોમી રાજકારણ વાસ્તે ખાણદાણ તરીકે તેના ઉપયોગનો છે, એમ જો કોઈ ભા.જ.પ.ને પૂછે તો એ પ્રશ્ન ખોટો નહીં ગણાય. ઊલટ પક્ષે, અઠ્ઠાસી હજાર સામે આખા ચાર હજારના આંકડા પરથી એવીયે દલીલ લડાવી શકાય કે મનમોહન તંત્રે મોટી સંખ્યામાં ઘૂસણખોરોની હકાલપટ્ટી કરી તેથી હવે ઓછા જ હાથમાં આવે ને. જો સરકાર તરફે કોઈ આવી દલીલ લડાવે તો પ્રજાપક્ષે સામો પ્રશ્ન પણ પૂછી શકાય કે તમે આ સંજોગોમાં આટલો ગોકીરો શા માટે મચાવો છો. 

સરહદી સીમાલ્લંઘન ખાળવાની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સ કહેતાં બી.એસ.એફ.ની છે, જે સ્વાભાવિક જ કેન્દ્ર સરકાર હસ્તક છે. અમને વાયરિંગ વાસ્તે તેમ જ બી.એસ.એફ.ને તૈનાત કરવા માટે પશ્ચિમ બંગાળની સરકાર જરૂરી જમીન આપતી નથી એવી કેન્દ્રની ફરિયાદ છે. (હવે જો કે, કલકત્તા હાઇકોર્ટે રાજ્ય સરકારને જરૂરી આદેશ આપ્યો છે. ) પણ મુદ્દો એ છે કે કેન્દ્ર સરકાર પોતે પણ આ હેતુસર જમીન એકવાયર કરવા સક્ષમ હતી અને છે. એણે જવાબદારીનો ગાળિયો આ સંદર્ભમાં રાજ્ય સરકાર પર નાખવાનું અનિવાર્ય તો નહોતું ને નથી. ગમે તેમ પણ, કોમી રાજકારણ વાટે શત્રુખોજના વ્યૂહથી ઊંચે ઊઠવું જરૂરી છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 ઍપ્રિલ 2026

Loading

...102030...106107108109...120130140...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved