Opinion Magazine
Number of visits: 10,223,578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોચ્ચ અદાલતનો આદેશ છે કે ઇલેકશન કમિશન પાસે વિગતો જોઈએ જ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 November 2023

ઇલેક્ટોરલ બોન્ડનો મામલો

નાગરિકની ‘પ્રાઇવસી‘ના નામે આખી ચર્ચા નાગરિકથી ‘પ્રાઇવસી‘ના દિશામાં ખેંચી જવાઈ છે અને સોબતી મૂડીવાદની કાયદેસર પ્રતિષ્ઠાનો એક વ્યૂહ કારગત બનાવાઈ રહ્યો છે.

પ્રકાશ ન. શાહ

સર્વોચ્ચ અદાલતની દેવડીએ ચૂંટણી બૉન્ડની ન્યાયિકતા (ખરું જોતાં જો કે, નૈતિકતા) ચર્ચાઈ રહી છે તેવે ચોમેરચોફેર નજર નાખતાં જે દેખાય છે તે કદાચ ન જોવું હોય તો જ ન દેખાય એટલું ચોખ્ખું એટલે કે ઉઘાડું છે.

લાટસાહેબના વકીલબાબુએ માંડેલી કાનૂની તર્કાતર્કી લગભગ ટેઇક ઓફ વગરના ચકરાવે ચકરાવા લઈ રહી છે કે બોન્ડમાં પૈસા કોણે આપ્યા, કેટલા આપ્યા એ બધું જાહેર ન કરાય, કેમ કે નામદાર સરકારશ્રી લોકશાહી રાહે નાગરિકમાત્રની ‘પ્રાઇવસી’ને પડખે પ્રતિબદ્ધ છે.

મારી ને તમારી ‘પ્રાઇવસી’ પરત્વે સત્તાવાર પ્રતિબદ્ધતાના તો કિસ્સેકિસ્સા હવાઓમાં છે. તમે જુઓ આ જ કલાકોમાં દેશભરમાં એ એપલ એલર્ટની ચકચાર છે કે વિપક્ષનાં મોટાં માથાં ને કેટલાંક પત્રકાર વગેરેનાં આઈ-ફોનમાં રાજ્યપ્રાયોજિત કબજાખોરો પેંધી ચૂક્યા છે. ઊહાપોહ પછી એપલ આ ચેતવણીને મોળી પાડે તો પણ હવાની રુખ તો સાફ, બેહદ સાફ છે.

“પેગેસસ’ એ સ્પાયવેર(શું કહીશું – જાસૂસી જીત?)નો કોયડો સત્તાવાર વણઉકેલ્યો છતાં સામાન્ય સમજમાં ઉકેલ્યા જેવો છે. કારણ, ઇઝરાયેલે વિધિવત સ્પષ્ટતા કરેલી છે કે, આ જાસૂસી ‘જીન’ કેવળ અને કેવળ સરકારને જ વેચવાનો ધારો છે. મતલબ, ભારતમાં ‘પેગેસસ’ થકી જે પણ કરતૂત ને કરતબ જોવાં મળે છે તે વિશે સરકાર નામકર જઈ શકે નહીં.

શુક્રવારે એમ.ઈ.આર.(મ્યુચ્યુઅલ ઇવેલ્યુએશન રિવ્યૂ)નો એક ઉપક્રમ છે તે પૂર્વે એક પ્રજાકીય તપાસ હેવાલ બહાર આવ્યો છે તે પણ આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે. એ હેવાલનો સાર આપું તે પહેલા એમ.ઈ.આર. સંદર્ભ થોડી સમજૂત આપી દઉં. કેટલાંક વરસ પહેલા ભારત સહિતના જી-7 દેશોએ મળીને ફિનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ(એફ.એ.ટી.એફ.)નો અભિગમ વિકસાવ્યો છે. દેશ દેશમાં અંધાધૂધ અરાજકતા ફેલાવતી બાબતો પરત્વે, ખાસ તો મની લોન્ડરિંગ અને આતંકવાદ સારુ નાણાં અંગે, તકેદારી માટેની આ જોગવાઈ છે. પણ એને અન્વયે વસ્તુતઃ શું ચાલે છે? હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ પ્રજાકીય હેવાલ કહે છે કે, સરકાર વિપક્ષને અને નાગરિક સમાજ કર્મશીલોને ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) અને એન.આઈ.એ. (નેશનલ ઇન્વેસ્ટિગેરિંગ એજન્સી) મારફતે ખરીખોટી ભીંસમાં લે છે.

ગમે તેમ પણ, સરકાર તરફથી સોલિસિટર જનરલ અને એટર્ની જનરલે ‘પ્રાઇવસી’ સહિતના જે બધા દલીલમુદ્દા આગળ કર્યા બદલે ઉછાળ્યા છે એનાથી એટલું સમજાય છે કે ચૂંટણી બોન્ડ પ્રકારની જોગવાઈઓથી સરકારને મળતો એકતરફી લાભ તે છોડવા માગતી નથી.

સર્વોચ્ચ અદાલતની આ સંદર્ભમાં જે છાપ છે તે એ કે આવી બધી બાબતોમાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકતા ન હોઈએ ત્યારે પણ એક વસ્તુ તો સાફ સમજાઈ રહે છે કે કેન્દ્ર સરકારનું મનોવલણ જે તે તપાસ બાબતે સહકારભર્યું નથી તે નથી.

ચૂંટણી બોન્ડના પ્રશ્ને ન્યાયિક ચુકાદો હજુ સમય લેશે. પણ એક વાત ચોક્કસ છે કે સરકારી રવૈયો કશીક આઘાપાછીનો છે. મુદ્દે, આપણે સારુ બેનામી બની રહેતા આ બોન્ડના ખરીદારોને લાભાર્થીઓ કેવળ પારદર્શકતાનો અભાવના જ નહીં પણ કાળાં નાણાં, વિદેશી નાણાં પ્રવાહ વગેરેના વાહકો બને છે અને જેને સોબતી મૂડીવાદ (ક્રોની કેપિટલિઝમ) કહેવામાં આવે છે તેના સંવાહક ને સંવર્ધક – સંગોપક બની રહે છે. રાહુલ ગાંધીએ આપણી પરંપરામાંથી એક મજેથી વાર્તા સંભારી છે કે રાજાનો જીવ પિંજરના પોપટમાં રહેલો છે. પોપટ ગયો તો રાજા પણ ગયો. એટલે સરકાર તો ‘પ્રાઇવસી’નું ગોપુચ્છ છોડશે જ નહીં.

ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો અગાઉ 2019માં ઊડ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને નાણાં આપનાર સહિતની વિગતો દર્જ રાખવા કહ્યું હતું. પંચે ત્યારે તે પાળ્યું હશે પણ પછી આ જાણે કોઈ ટૂંકી મુદfdત પૂરતો આદેશ હોય એમ માંડી વાળ્યું હતું. પંચની આ ‘સમજ’માં સરકારનો ફાળો હશે ? ન જાને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023

Loading

હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2023

રમેશ ઓઝા

સોમવારે રાત્રે એપલ આઈ.ફોન વાપરનારા પચીસેક જેટલા વિરોધ પક્ષના નેતાઓને અને પત્રકારોને એપલ તરફથી સાવધાનીનો મેસેજ આવ્યો કે તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો એને કારણે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમને ટાર્ગેટ કરી રહ્યા છે. એક એક શબ્દ ધ્યાનમાં લો. સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ. એવા લોકો જે સરકાર માટે અને સરકારની સંમતિ સાથે ખાસ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? એપલે કહ્યું છે કે તમે જે કાંઈ છો અને જે કાંઈ પ્રવૃત્તિ કરો છો તેને ધ્યાનમાં લઈને તમને ટાર્ગેટ કરવામાં આવતા હોય એવી સંભાવના છે, માટે સાવધાન રહો.

કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? રાહુલ ગાંધીને, તેમના નજીકના સહાયકોને, રણનીતિ ઘડનારા કાઁગ્રેસના નેતાઓને, મહુઆ મોઇત્રાને, સિતારામ યેચુરીને, અખિલેશ યાદવને, ‘ધ વાયર’ નામના ડિજીટલ પોર્ટલના સ્થાપક અને સંપાદક સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારોને. જો સાવધાનીનો મેસેજ આઈ.ફોન વાપરનારા કેટલાક સામાન્ય લોકોને ગયો હોત તો સમજી શકાત કે આ એપલનો ફોલ્સ એલાર્મ છે અથવા સાવધાનીનો રૂટીન મેસેજ છે. અહી તો એવા લોકોને જ માત્ર મેસેજ ગયો છે જેનાથી શાસકોને ભય છે, પાછા નિશાન બનાવનારા સ્ટેટ સ્પોન્સર્ડ છે અને નિશાન બનાવવાનું કારણ “તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો” એ છે. શું સૂચવે છે આ? જેનામાં સામાન્ય બુદ્ધિ હશે તેને આ સમજાતા વાર નહીં લાગે. જો ૨૦૨૧માં પેગાસસની ઘટના ન બની હોત તો એક વાર ભારતના શાસકોને શંકાનો લાભ પણ આપત, પણ પેગાસસ પછી શંકાનો લાભ આપવો મુશ્કેલ છે. એમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીનો પડકાર નજીક છે.

અહીં પેગાસસની યાદ તાજી કરી લઈએ. પેગાસસ એક જાસૂસી કરનારું સ્પાઈવેર છે જેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિઓ પર જાસૂસી કરી શકાય છે. પેગાસસ ઈઝરાયેલી એક કંપની બનાવે છે અને તેને ઇઝરાયેલની સરકારનો આદેશ છે કે તે પેગાસસ સ્પાઈવેર દુનિયાની જે તે સરકાર સિવાય કોઈને એટલે કે કોઈ પણ ખાનગી વ્યક્તિને કે એજન્સીને કે કોર્પોરેટ કંપનીને વેચી ન શકે. જો આ દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની જાસૂસી કરવા માંડે તો દુનિયામાં જીવવું મુશ્કેલ બની જાય. દુનિયા દોજખ બની જાય. સરકારોની વાત જૂદી છે. સરકારોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચાંપતી નજર રાખવી પડે એટલે માત્ર સરકારોને સ્પાઈવેર વેચી શકાય. આ સિવાય “જવાબદાર” સરકારો મનફાવે એમ ગમે તેની જાસૂસી નથી કરતી. કોઈને ટાર્ગેટ બનાવીને નજર રાખવા માટે દરેક દેશની સરકારી સંહિતા હોય છે અને “જવાબદાર શાસકોએ” એ સંહિતાનું પાલન કરવું પડે છે.

પણ ૨૦૨૧ની સાલમાં ઘટસ્ફોટ થયો કે ભારતમાં રાહુલ ગાંધી પર, તેમના નજીકના સાથોદારો પર, કેટલાક વિરોધ પક્ષના નેતાઓ પર, રવીશ કુમાર, પરંજોય ગુહા ઠાકુરતા અને સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારો પર, અદાલતોના જજો પર અને શાસક પક્ષના પસંદગીના નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમના પર પેગાસસ સ્પાઈવેર દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે સર્વોચ્ચ અદાલતના બીકાઉ મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ પર યૌનશોષણનો આરોપ કરનારી યુવતી પર પણ નજર રાખવામાં આવતી હતી. રાષ્ટ્રીય સુરક્ષામાં એ યુવતી કઈ રીતે જોખમરૂપ હતી એ કોઈ સમજી શક્યું નથી. આ બાજુ પેગાસસ બનાવનારી કંપનીએ જાહેરાત કરી કે તેણે દુનિયાની સરકારો સિવાય કોઈ પણ ખનાગી વ્યક્તિને કે એજન્સીઓને પેગાસસ સ્પાઈવેર વેચ્યાં નથી. હજુ એક આશ્ચર્યની વાત. જે અશ્વિની વૈષ્ણવ અત્યારે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતના પ્રધાન છે અને આજે એપલ એલર્ટનો બચાવ કરી રહ્યા છે એ જ અશ્વિની વૈષ્ણવ પર પણ પેગાસસ દ્વારા નજર રાખવામાં આવતી હતી. હા, તેઓ સ્વયં પેગાસસના ટાર્ગેટ હતા.

ટૂંકમાં પેગાસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે સરકારને અને માત્ર સરકારને જ સ્પાઈવેર વેચ્યાં છે તો એનો અર્થ એ થયો કે ભારતનાં વર્તમાન શાસકો પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરતી હતી. અને એ જોતાં આઈ.ફોનનો ઉપયોગ કરનારા રાજકીય નેતાઓને અને પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવી પૂરી શક્યતા છે. લોકો લગભગ એ જ છે જે પેગાસસનાં ટાર્ગેટ હતા. પણ સવાલ એ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ કોણ છે? એટેકર્સ સ્ટેટ સ્પોન્સર્ડ છે. કોણ છે? વિચારો કોણ હશે એ? આ સરકાર જાય તો સૌથી વધુ નુકસાન કોને થવાનું છે?

આ ઘટનાનો બચાવ થઈ શકે એમ નથી. આ લોકશાહી પરનો કુઠારાઘાત છે. ગમે તે થાય અમે હવે સત્તા છોડવા માગતા નથી કે બીજાને સત્તા સુધી પહોંચવા દેવા માગતા નથી. શામ, દામ, દંડ, ભેદ, એમ દરેક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ આ દેશમાં એક પક્ષનું રાજ સ્થાપિત કરવા માગે છે. ઈલેક્ટોરલ બોન્ડથી આની શરૂઆત થઈ હતી. આને કારણે કોર્પોરેટ કંપનીઓનું ૮૦ ટકા નાણું બી.જે.પી.ને જાય છે. સત્તા અને પૈસાના જોરે વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં આવે છે, તેની સરકારોને તોડવામાં આવે છે, ડરાવવામાં આવે છે, ઇ.ડી.નો દુરુપયોગ કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે, મીડિયાને ધરવીને ગોદમાં બેસાડવામાં આવી રહ્યા છે અને ચૂંટણીપંચ જેવી લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવામાં આવી રહી છે. અને હવે જાસૂસી કરવામાં આવી રહી છે. અંગત જીવનનાં નાગરિકના મૂળભૂત અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. એમાં કોઈ શંકા નથી કે હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે.

કોની પાસે ધા નાખવી! સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ અને પેગાસસ જેવી મહત્ત્વની બાબતને પ્રાથમિકતાથી હાથ ધરતી નથી. અર્ણવ ગોસ્વામીને જામીન પર છોડવા માટે સમય છે, પણ લોકશાહીનો પ્રાણ બચાવવા માટે સમય નથી! સર્વોચ્ચ અદાલતે દેશની લોકશાહીનું જતન કરનારી પ્રજાને સૌથી વધુ નિરાશ કરી છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2023

Loading

નવ ગઝલ

પ્રીતમ લખલાણી|Poetry|1 November 2023

1.   

ક્યાં છે કંઈ પણ કામ કવિશ્રી લખો કવિતા 

ખાલી છે બસ જામ, કવિશ્રી લખો કવિતા

કોઈ ડાળ પર એક પાન પણ નથી લીલેરું

છે તીડોનું ગામ કવિશ્રી લખો કવિતા

કોતરવું હો કૈંક ઊછળતા મોજા પર તો 

ખડક સમું છે નામ, કવિશ્રી લખો કવિતા

નામ, દામ,ને ગામ બધુયે ગયું નરકમાં 

શબ્દો ચારે ધામ, કવિશ્રી લખો કવિતા

ગઝલ પ્રીતમની સાંભળવાને વનવાસેથી 

પાછા ફરશે રામ, કવિશ્રી લખો કવિતા

•

2. 

સાવ રમકડાં જેવો કૃત્રિમ માણસ છે, ભાઈ સાચવજે!

ધોળે દિવસે બળબળ બળતું ફાનસ છે, ભાઈ સાચવજે! 

છમ્મલીલાં વૃક્ષોને પણ ક્ષણ-ક્ષણ છાની છાની વ્હેરે 

સમય નામની તેજ ધારની કાનસ છે, ભાઈ સાચવજે!

શ્વાસ છૂટતાં વ્હેંત જ પડશે પડદો આખા તખ્તા પર 

જીવન નામે પળ બે પળનું ફારસ  છે, ભાઈ સાચવજે!

શ્રદ્ધા ને વિશ્વાસથી જેની પૂજા કરે છે ઝૂકી ઝૂકી  

મૂર્તિ તે ભગવાન નહીં મૃત આરસ છે, ભાઈ સાચવજે!

અડતાંની સાથે જ થશે ચોપાસ બધું યે ઝળુંઝળું 

‘પ્રીતમ’ સાચો શબદ તો એવો પારસ છે, ભાઈ સાચવજે!

••

3.    

ભીતરની બારી તું ખોલ મારા સાયબા  

મનડાની વાત ફરી બોલ, મારા સાયબા

ઝીણું ઝરમરતું આ વરસે છે આભલું,

અમથી તું છત્રી ના ખોલ, મારા સાયબા

ગમતાનો ચોમેરે ઊડતો ગુલાલ કરી, 

સંગે વગાડ આજે ઢોલ, મારા સાયબા

ખુદને ખુદાથી હો મબલખ કંઈ વાત તો

એકાંતી હિલ્લોળે ડોલ, મારા સાયબા 

પ્રીતમ ગુંજે છે લીલી ડાળીએ ટહુકાઓ,

ખુશ્બોથી એને ના તોલ, મારા સાયબા       

•••

4.

ગામ, પાદર, સીમ છોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

મંજરીથી નાતો તોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ? 

હું સમંદર પારથી ટહુકામાં આવી ડૂબવા 

તટ ઉપર છોડીને હોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

ઓઢણી, ચોળી, કમરબંધ, ઝાંઝરી ને વેણીના 

ભોળી આંખે સ્વપ્ન ખોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

આભને ધરતીની વચ્ચે રેશમી ટહુકા સમો 

ગુંજતો સંબંધ જોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

લાગણીને કાઠે ‘પ્રીતમ’ જોયો તો પાણી પીતાં 

પણ બધા પરપોટા ફોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

••••

5.

આંખમાં આભ તો સાવ નાનું પડ્યું,

એક પંખી છે આવીને મનમાં વસ્યું!

કૈંક મરજીવા ગઝલોના દરિયે ડૂબ્યા 

આજ લગ છે હજી કોને મોતી જડ્યું? 

આભ ફેલાતું હો હર કદમ પર ભલે

વીંઝતું પાંખ પંખી કદી કયાં નડ્યું?

છે હવાના હિલોળે ચડ્યું છાપરું 

રાતભર આ ફળી નીંદરે કયાં ચડ્યું?

બે પતંગોને યુ્દ્ધે ચડી જોઇને 

આભ જોતું રહે ના કદી છે રડ્યું

•••••

6.

ગામ પાદર છૂટિયાને યુગ થયો,

આપણાાં દિલ તૂટિયાને યુગ થયો

સાવ કોરી બાળપણની પાટીમાં,

એકડા બે ઘૂંટિયાને યુગ થયો

રોજ આંબલ ડાળ બોલાવે મને,

કાતરા બે ચૂંટિયાને યુગ થયો

હેતભીની સીમની વડવાઈએ,

એમ ભેગા ઝૂલિયાને યુગ થયો

રાહ જોતી મીટ માાંડીને હવે,

શેઢે ઝાંઝર વાગિયાને યુગ થયો

સાંજ ટાણે રોજ ફળિયે હીંચતા,

લાગણીમાં ખૂલિયાને યુગ થયો

દીકરી મૂકી ગયો પરદેશ હું,

કંકુથાપા નિરખિયાને યુગ થયો

સાદ પાડે સીમ શેઢો થા પરત,

મોલ લીલા વાઢિયાને યુગ થયો

ગામ જઈને પાળિયાને શું કહું

ઘૂળમાં પગ મૂકિયાને યુગ થયો

વાટ જોતી નેજવેથી મા હજી,

પાણી અંજળ ખૂટિયાને યુગ થયો

••••••

7.   

બારી તું ખોલે અને ટહુકે ગઝલ 

મૌન રહી બોલે અને ટહુકે ગઝલ

કેમ છો પૂછે પવનને ડાળીઓ 

સૌ ચઢે ઝોલે અને ટહુકે ગઝલ 

સહેજ અમથું આભ ગોરંભાયને

મોરલો બોલે અને ટહુકે ગઝલ 

કાઢે હડીયું ધોરિયા ઘેલા બની 

લ્હેરાતા મોલે અને ટહુકે ગઝલ 

રાસ  પ્રીતમ ચાંદની સાથે રમે

ઢબૂકતા ઢોલે અને ટહુકે ગઝલ

•••••••

8.   

આભ પરથી સોનવરણી તાજગી ખરતી રહી 

ગાય ઝાંકળ ભીનાં લીલાં ઘાસને ચરતી રહી

કો  ‘અચાનક આવજો’ કીધા વિના ચાલ્યું ગયું 

આંખમાં તસવીર આખી જિંદગી ફરતી રહી!

આંખમાં લઈ એક સુક્કીભઠ્ઠ નદી કેરી મમત 

રેત પનિહારી નિરંતર બેડલે ભરતી રહી !

ખુદ ગઝલ આખી ય શેકાઈ વિરહની આગમાં – 

કોઈ ઇંધણ જેમ મૂંગાં હીબકાં ભરતી રહી !

સૂર છૂટી ગ્યા તૂટ્યો જ્યાં તાર તો પણ હે પ્રીતમ 

આગળી તો એની મેળે સાજ પર સરતી રહી !

••••••••

9.

કયાં હવે છે દોસ્ત! સપનાનું નગર?

ચોર નજરે ઊભું ગપ્પાનું નગર!                 

યાદ આવે સાતમી તાલી મને,

ચૂપ બેઠું કેમ થપ્પાનું નગર?

કેમ કરતાં સાચવીશું આપણે,

ભાગ્યમાં જો હોય પત્તાનું નગર!

જો જરા ખોદો વિચારોને, પછી,

આંખ સામે હો હડપ્પાનું નગર.

વૃક્ષ પાછળ એકલું ઊભી મને,

દૂરથી જોયા કરે છાનું નગર!

•••••••••

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0551,0561,0571,058...1,0701,0801,090...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved