Opinion Magazine
Number of visits: 10,223,444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રહેં ના રહેં હમ, મહેકા કરેંગે : સુચિત્રા સેનના પ્રેમના બગીચાની ‘મમતા’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 November 2023

રાજ ગોસ્વામી

હિન્દી સિનેમા જગતમાં એક ફિલ્મ સર્જકની જોઈએ એટલી કદર નથી થઇ. તેમનું નામ આસિત સેન છે (એક બીજા બંગાળી બાબુ આસીત સેન હિન્દી સિનેમામાં કોમેડિયન તરીકે લોકપ્રિય થયા હતા). કદાચ એનું કારણ એ હશે કે હિન્દીમાં આવીને છવાઈ ગયેલા અન્ય નિર્દેશકોની જેમ આસિત સેને બહુ ફિલ્મો બનાવી નથી. 79 વર્ષ જીવેલા આસિત સેને કુલ મળીને માત્ર 17 જ ફિલ્મો બનાવી હતી. તેમાં 5 બંગાળીમાં અને 12 હિન્દીમાં. હિન્દીમાં તેમની 4 ફિલ્મો જ યાદગાર સાબિત થઇ હતી; મમતા (1966), ખામોશી (1969), અનોખી રાત (1968) અને સફર (1970).

સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેની ઝળહળતી કારકિર્દીમાં, અમુક લો-બજેટની, પણ સંવેદનશીલ ફિલ્મો આપી હતી તેમાં ખામોશી અને સફર મોખરે છે. એમ તો આસિત સેને બે મોટી ફિલ્મો બનાવવાનું પણ સાહસ કર્યું હતું, પણ બંનેનો ધબડકો થયો હતો; 1976માં, તેમણે દિલીપ કુમારની ત્રેવડી ભૂમિકામાં ‘બૈરાગ’ બનાવી હતી અને 1982માં રાજ કપૂર અને તેમના ભાઈ શશી કપૂરને લઈને ‘વકીલ બાબુ’ બનાવી હતી. હીરો તરીકે દિલીપ કુમાર અને રાજ કપૂરનો સૂરજ ત્યારે આથમી ગયો હતો એટલે બંને ફિલ્મોને ચાહકોનો પ્રેમ ન મળ્યો.

ઢાકામાં જન્મેલા આસિત સેનને, તેમના સિનેમેટોગ્રાફર કાકા રામાનંદ સેનગુપ્તાની દેખાદેખી ફોટોગ્રાફીમાં રસ પડ્યો હતો. બંગાળી ફિલ્મોમાં સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર આસિત સેને સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે પહેલીવાર મહાત્મા ગાંધીની નોઆખલી અને પટનાની યાત્રાની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

આપણે અગાઉ, લોહીના કેન્સરથી પીડાતા દર્દી (રાજેશ ખન્ના) અને તેની સારવાર કરતી ડોકટર(વહીદા રહેમાન)ની અધૂરી પ્રેમ કહાની પરની ફિલ્મ ‘સફર’ની વાત કરી ગયા હતા. આજે આપણે આસિત સેનની પહેલી હિન્દી ફિલ્મ ‘મમતા’ની વાત કરીએ. એ પછી ‘ખામોશી’ અને ‘અનોખી રાત’ની વાત પણ માંડીશું.

‘મમતા’ આસિત સેનની સફળ બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ (ઉત્તર એટલે ‘પછી’ અને ફાલ્ગુની એટલે ‘વસંત ઋતુ’)ની હિન્દી રીમેક હતી. 1963માં બનેલી સ્ત્રી-કેન્દ્રિત આ ફિલ્મમાં બંગાળી સુપરસ્ટાર સુચિત્રા સેનનો ડબલ રોલ હતો. બંગાળીમાં આ ફિલ્મને લોકોએ સારો આવકાર આપ્યો હતો અને તેને શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી આસિત સિને તેની હિન્દી રીમેક બનાવી હતી. તેમાં પણ સુચિત્રા સેન હતી અને હીરો તરીકે ધર્મેન્દ્ર અને અશોક કુમાર હતા.

‘મમતા’ માતૃત્વની કહાની હતી અને સુચિત્રા સેને તે ભૂમિકા બખૂબી નિભાવી હતી. ફિલ્મમાં, અમીર પરિવારનો મોનીષ (અશોક કુમાર) વકીલાતનું ભણવા પરદેશ જાય છે એટલે તેની ગરીબ પ્રેમિકા દેવયાની(સુચિત્રા)ને તેના પિતાની સારવાર માટે થઈને ગામના ઉતાર સમા રાખાલ સાથે પરણાવી દેવામાં આવે છે. તેનાથી તેને એક દીકરી સુપર્ણા (સુચિત્રા) થાય છે.

શરાબી અને ઐયાશ પતિથી બચવા માટે દેવયાની ઘર છોડીને જતી રહે છે અને ગુજરાન ચલાવવા માટે પન્નાબાઈ નામની તવાયફ બની જાય છે. રાખાલ ત્યાં પણ આવીને તેને પરેશાન કરે છે એટલે તે દીકરીને એક ઈસાઈ મિશનમાં મૂકી દે છે જેથી તેની પર દેવીયાનીના જીવનની છાયા ન પડે.

એ પછી મોનીષ ભણીને પાછો આવે છે અને દેવીયાનીને શોધે છે પણ પન્નાબાઈ બની ગયેલી દેવીયાની તેને તેની સાથે શું બન્યું હતું તે જણાવીને તેના જીવનથી દૂર રહેવા વિનંતી કરે છે. જો કે તે મોનીષને સુપર્ણાનું ધ્યાન રાખવા કહે છે. પન્નાબાઈ તેના નાચ-ગાનમાં વ્યસ્ત થઇ જાય છે અને મોનીષ સુપર્ણાનો કાકો બની જાય છે. સુપર્ણા પણ મોટી થઈને વકીલનું ભણે છે.

સમય વીતે છે અને એક ઇન્દ્રનીલ (ધર્મેન્દ્ર) નામનો એક યુવાન વકીલ નોકરી માટે સુપર્ણાના ભલામણ પત્ર સાથે મોનીષની ઓફીસમાં આવે છે. પન્નાબાઈની હવે ઉંમર થઇ ગઈ છે. મોનીષ સુપર્ણાનો પત્ર તેને બતાવે છે. બંનેને લાગે છે કે સુપર્ણા અને ઇન્દ્રનીલ પ્રેમમાં છે. બંને ખુશ થાય છે. મોનીષ હવે દેવીયાનીને આગ્રહ કરે છે કે તે સુપર્ણાને તેની અસલી ઓળખાણ આપી દે, પણ દેવીયાની ના પાડે છે કારણ કે રાખાલ હજુ પણ તેને ત્રાસ આપે છે અને તેને ય ખબર પડે છે કે સુપર્ણા તેની જ દીકરી છે એટલે તે દેવીયાનીને બ્લેકમેલ કરે છે.

વર્ષોથી ત્રાસેલી દેવીયાની તેની દીકરીને આ ગંદકીથી બચાવવા માટે જોશમાં આવીને એક દિવસ રાખાલનું ખૂન કરી નાખે છે. દેવીયાની પર હત્યાનો ગુનો નોંધાય છે અને તેની પર કેસ ચાલે છે. કોર્ટમાં સરકાર તરફથી સુવર્ણા વકીલ છે અને દેવીયાનીના બચાવમાં મોનીષ વકીલ છે. સરકારી વકીલ સુપર્ણા દેવીયાની પર ખૂનનો આરોપ સિદ્ધ કરવા મહેનત કરે છે અને મોનીષ તેને બચાવવા પ્રયાસ કરે છે અને એમ જ એક દિવસ તે સુપર્ણાએ અસલી હકીકતની જાણ કરે છે.

વર્ષો પછી, ‘દીવાર’ ફિલ્મના વિજયે (અમિતાભ બચ્ચને) જેમ ભગવાન શિવના મંદિરમાં જઈને મરણ પથારીએ પડેલી તેની માતાનું જીવન માગ્યું હતું, તેવી રીતે ‘મમતા’ ફિલ્મમાં સુપર્ણાએ અદાલત સમક્ષ મા-દીકરીની અસલ ઓળખાણ આપીને કાલાવાલા કરે છે કે ‘મુજે મેરી મા દે દો.’ કોર્ટરૂમનું એ દૃશ્ય યાદગાર છે. સુપર્ણા જજ સમક્ષ તેની માતાનું જીવન માંગે છે અને દીકરીને તેની અસલિયત ખબર પડી ગઈ છે તેના આઘાતમાં દેવીયાની કઠેડામાં ફસડાઈ પડે છે અને અંતે દીકરીના જ ખોળામાં દમ તોડી દે છે.

દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતી માતા દેવીયાની / પન્નાબાઈ અને એક આદર્શવાદી વકીલ સુપર્ણાની ભુમિકામાં સુચિત્રા સેને ‘મમતા’ને એકલા હાથે ખભા પર ઊંચકી લીધી હતી. સેનની આ એકમાત્ર બંગાળીમાંથી રીમેક હતી એટલે ભૂમિકા અને વાર્તામાં તેનો આત્મવિશ્વાસ પડદા પર દેખાય છે.

ફિલ્મનું બીજું જમા પાસું તેનું સંગીત છે. રાકેશ રોશન – રાજેશ રોશનના સંગીતકાર પિતા રોશન લાલ નાગરાથે ગીતકાર મજરૂહ સુલતાનપૂરીનાં ગીતો પર યાદગાર સંગીત આપ્યું હતું. તેનું એક ગીત આજે પણ યાદગાર છે. રોશને 1954માં બી.આર. ચોપરાની ફિલ્મ ‘ચાંદની ચોક’માં ‘તેરા દિલ કહાં હૈ’ ગીત માટે એક મધુર ધૂન બનાવી હતી. એ જ ધૂનમાં થોડા ફેરફાર કરીને તેમણે ‘મમતા’માં એક કર્ણપ્રિય ગીત રચ્યું હતું; રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગ-એ-વફા મેં.’

ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર તે લતા મંગેશકરના અવાજમાં છે અને સુચિત્રા સેન અશોક કુમાર માટે ગાય છે અને બીજી વાર મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના અવાજમાં સુચિત્રા અને ધર્મેન્દ્ર પર શૂટ થયું હતું. મોનીષ અને દેવીયાનીના અધૂરા પ્રેમની યાદ અપાવવા માટે આ જ ગીતની ધૂન બેકગ્રાઉન્ડમાં પણ વાગતી રહે છે. અત્યંત સંવેદન વાર્તા, તમામ કલાકારોના ઉત્કૃષ્ઠ અભિનય, રોશનનું મધુર સંગીત અને આસિત સેનનું સક્ષમ નિર્દેશન ‘મમતા’ને એક સીમાચિન્હ રૂપ ફિલ્મ બનાવી ગયું હતું.

આસિત સેનની જેમ, સુચિત્રા સેને પણ બહુ હિન્દી ફિલ્મો કરી નહોતી (કદાચ હિન્દી ભાષા તેમને અનુકૂળ નહોતી). તેમની ડેબ્યુ ફિલ્મ બિમલ રોયની ‘દેવદાસ’ હતી (જેમાં તેમણે પારોની ભુમિકા કરી હતી), પણ તે દિલીપ કુમારની ફિલ્મ હતી. એ સિવાય ગુલઝારની ‘આંધી’ ફિલ્મમાં સેનને ઇન્દિરા ગાંધીની સશક્ત ભૂમિકા મળી હતી. એ બે વચ્ચે ‘મમતા’ જ એવી ફિલ્મ હતી, જેમાં એક અદાકારા તરીકેની તેમની પૂરી આવડતનો ભરપૂર ઉપયોગ થયો હતો.

1981માં આવેલી, રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘દર્દ’ની પ્રેરણા ‘મમતા’ હતી. એમાં રાજેશ ખન્ના પર એક તવાયફની હત્યાનો આરોપ છે અને તેની વકીલ હેમા માલિની (જે તેની ભૂતપૂર્વ પ્રેમીકા છે) તેને આજીવન સજા અપાવે છે. આ ફિલ્મમાં ખય્યામનું સંગીત બહુ લોકપ્રિય થયું હતું. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ઝેરી સાપોને પાતાળમાંથી ગોતીને ઝબ્બે કરો !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 November 2023

[ભાગ-7]

રમેશ સવાણી

‘ખેડે તેની જમીન’ની નીતિ લોકશાહી ઢબે અમલમાં લાવવાનું મુશ્કેલ કામ સૌરાષ્ટ્ર સરકારે કર્યું હતું. કેટલાંક રજવાડાઓને સૌરાષ્ટ્ર સરકારની આ પ્રગતિશીલ નીતિ ગમી નહીં, એટલે સરકારની સામે છૂપું બંડ પોકારવા ષડયંત્ર રચ્યું. ‘વાઘણિયા સ્ટેટ’ના રાજવી અમરા વાળાના ઓડર્લી / ડ્રાઈવર ભૂપતસિંહ મેરુજી રાજપૂતને હથિયાર-કાર્ટિઝ-આશરો પૂરો પાડી નિર્દોષ લોકોની હત્યાઓ કરાવી ખેડૂતોને ભયભીત કરવાનું રાજવીઓએ ષડયંત્ર રચ્યું હતું. ભૂપતનું મૂળ ગામ બરવાળા (બાવીશી) હતું. તેની અટક બૂબ હતી. રજવાડાના કેટલાંક ટેકેદારો ટીકા કરતા કે સૌરાષ્ટ્ર સરકાર કરતાં તો રજવાડાનું શાસન સારું હતું ! તેમની દલીલ હતી કે ‘ખેડે તેનું ખેતર તો કામ કરે તેનું કારખાનું અને રહે તેનું રહેઠાણ એવો કાયદો સૌરાષ્ટ્ર કેમ કરતી નથી?’ પરંતુ સામંતવાદીઓની આ દલીલ લોકશાહી સરકારની ઠેકડી ઉડાડવા માટે જ હતી ! તેઓ પોતાના રજવાડી શાસન વેળાએ આ કામ કરી શક્યા ન હતા. ભૂપતે હત્યા કરવાની પરંપરા 24 જુલાઈ 1949થી શરૂ કરી 87 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી, અનેકના નાક કાપ્યા, અનેકને રિબાવી રિબાવીને માર્યા અને સૌરાષ્ટ્ર રાજ્યના પોલીસ વડા કાનેટકર તથા ગૃહ મંત્રી રસિકલાલ પરીખની ભીંસ વધતા ભૂપત પકડાશે તો વટાણા વેરાઈ જશે એવો ડર આશરો આપનાર રાજવીઓને લાગ્યો ત્યારે તેમણે ભૂપતને કહ્યું કે ‘ફાંસીથી બચવા પાકિસ્તાન નાસી જા !’ ભૂપત પકડાય તો ફાંસી નક્કી હતી, તેથી 3 મે 1952ના રોજ ભૂપત તેના ત્રણ સાથીઓ સાથે પાકિસ્તાન નાસી છૂટ્યો.

છગનભાઈ પટેલ

ધારાસભ્ય છગનભાઈ પટેલ ચાર ચોપડી ભણેલા હતા, પરંતુ તેમણે વિધાનસભામાં જે પ્રવચનો / રજૂઆતો કરેલ તે ચોટદાર અને તાર્કિક હતાં. ઓછું ભણેલ માણસ જ્યારે દિલની વાત કરવા બેસે ત્યારે ભાષા પણ એમને મદદમાં આવતી હોય છે ! 21 માર્ચ 1951ના રોજ તેમણે ધારાસભામાં કહ્યું હતું : “આજે બે વર્ષથી બહારવટિયા ભૂપતની પ્રવૃત્તિ ચાલે છે. ખેડૂતોના ખૂન દિલ કંપાવી દે તેવા છે. તાલુકદારીનો પ્રશ્ન શુદ્ધ હ્રદયથી કોઈ પણ જાતનો રાજકીય રંગ આપ્યા વિના પોતાની તમામ શક્તિ સૌરાષ્ટ્રના 1,100 ગામડાંના કલ્યાણની દૃષ્ટિએ ખર્ચીને આ વાતનો અંત લાવવાના પ્રયત્નો કરવા તમામ પક્ષોને વિનંતિ કરું છું. આ પ્રશ્નને નકરો ખેડૂતોના હિતની દૃષ્ટિએ કે નકરો તાલુકદારોના હિતની દૃષ્ટિએ નહીં પણ આખા સૌરાષ્ટ્રની હિતદૃષ્ટિએ વિચારીને તેનો ઉકેલ લાવવો જોઈએ. એવી વાત કરવામાં આવે છે કે કાઁગ્રેસ તાલુકદારોની દુ:શ્મન છે. આ માત્ર ગપગોળો છે. સરકાર તાલુકદારોનો નહીં, તાલુકદારી પ્રથાનો નાશ કરવા ઈચ્છે છે. તાલુકદારી પ્રશ્ન જો ન પતે તો હું સૌરાષ્ટ્રની પ્રજા તેમ જ તાલુકદારોનું હિત બે રીતે નથી જોતો. એક તો એ કે આ પ્રથા ચાલુ રાખવી એ સૌરાષ્ટ્ર માથે એક મોટું જોખમ તેમ જ કલંક છે. તેમ અત્યારની દુનિયાનો પવન અને સામાજિક બળના વાતાવરણ ઉપરથી કોઈ પણ સમજદાર નાગરિકને દેખાશે. એટલું જ તાલુકદારો માટે પણ જોખમ છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય તો આ જ સૌરાષ્ટ્રની પ્રજા પણ શાંત બેસી શકે તેમ નથી. બીજી રીતે જોઈએ તો આપણને થશે કે જ્યારે રાજવી સંસ્થાઓ હતી અને નાનાં નાનાં રાજ્યો હતા ત્યારે તે અનુકૂળતા માટે સમાજે જ ગોઠવેલું, સમાજહિતની દૃષ્ટિએ તે બંધારણ હતું. સૌ તેને માન આપતા. તે દિવસે એ જરૂરી હતું. આજે સમય બદલાઈ ગયો છે. તે દિવસે રાજાઓ પ્રજાનું રક્ષણ કરતા હતા. આજે રાજાઓનું રક્ષણ પ્રજાના હાથમાં છે. આજે દિશા તદ્દન પલટાઈ ગઈ છે તે કેમ ભૂલી જવાય છે? એવું કહેવાય છે કે આ બધું કાઁગ્રેસે કર્યું છે, ગામડાંમાં છોરું માવતર જેવો ખેડૂત અને ગરાસદારોનો સંબંધ કાઁગ્રેસે બગાડ્યો છે. આ હોલમાં મહારાણી વિક્ટોરિયાનું બાવલું હતું તેને કાઁગ્રેસે દૂર કર્યું. આજે એની જરૂર ન હતી એટલે એને દૂર કર્યું છે, તેમ સૌનું દિલ કહે છે, જેથી સંજોગોએ તેને દૂર કર્યું. છોરું માવતરના સંબંધ અંગે દાખલો આપું. એક દિવસ ભાવનગર રાજ્યે એક કરજ કમિટી નીમી હતી. જ્યારે તે કમિટી કામે લાગી ત્યારે વેપારીઓ વાતો કરતા હતા કે હવે ખેડૂતોનો વ્યવહાર તૂટી જવાનો છે ! એક માણસ પાસેથી એક ખેડૂતે 40 રૂપિયા લીધા. ત્યાર પછી લગભગ 340 રૂપિયા બાકી રહ્યા. એક માણસે 16 મણ જુવાર લીધી તે પેટે ઘણું આપેલ છતાં તેને ખાતે બાકી 1,800 રૂપિયાનું કરજ કમિટીની તપાસ વખતે નીકળ્યું. છતાં ખેડૂત વેપારીનો ઉપકાર માનતો. શું આ પ્રથા બરોબર છે? 16 મણ જુવાર ખાતે આપે તે પેટે ઘણું વળતર લીધું છતાં 1,800 રૂપિયાનું કરજ બાકી ! છતાં પણ કહેવાય કે સારા પ્રતાપ શેઠના ! છોરું માવતરના સંબંધ માટે મારે કહેવું જોઈએ કે આજે પ્રજાનો શું ખ્યાલ છે? દુનિયાનો પવન ક્યાં જઈ રહ્યો છે? તેને વિચાર કરો. આજ દિવસ સુધી બન્યું ત્યાં સુધી ખેડૂતોએ સહન કર્યું અને સ્વીકાર્યું. તમે પ્રજાનું રક્ષણ કરતા હતા આજે તમારા ગરાસનું રક્ષણ પ્રજાકીય સરકાર કરી રહી છે. માટે આજે માવતર અને છોરું કોણ તેનો ખ્યાલ કરો …”

18 માર્ચ 1952ના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું : “પોલીસ ખાતાની નબળાઈનાં કારણે સૌરાષ્ટ્રમાં અનિષ્ટ તત્ત્વો ઊભાં થયા છે. કેટલાં ય સમાજ વિરોધી તત્ત્વો અને માથાભારે માણસો ગામડાંની શાંત અને ધંધાર્થી પ્રજાને પજવી રહ્યા છે. તેની પોલીસ ખાતા તરફથી અટકાયત થતી નથી, એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયાનો ત્રાસ ખૂબ ખૂબ છે. એક જ બારવટિયો ત્રણ ત્રણ વરસથી પ્રજાની માલમિલકત લૂંટી રહ્યો છે અને ખૂન કરી રહ્યો છે. તેને કબજે નહીં કરવામાં પોલીસ ખાતાએ નબળાઈ દેખાડી છે. તે બહારવટિયો બીકણ અને નમાલો માણસ છે અને તે ભાગતો ફરે છે, તેને પકડતાં મુશ્કેલી પડે પણ એને સંઘરનારા મળે છે. ગામડાંની અંદર બહારવટિયો રખડે છે તેને સંતાવાનું કારણ એ છે કે તેને આશરો દેનારા મળે છે. પણ એ આશરો દેનારાને પકડીને બહાર કેમ લાવવામાં નથી આવતા? સૌરાષ્ટ્રના 1,700 ગામડાઓ તાલુકાદારી પ્રથા નીચે કચડાયેલાં હતા અને 600 ગામડાં ભાગબટાઈ નીચે રહેંસાતા હતાં. 600 ગામડાની પ્રજાને વહેલી મુક્તિ આવી શકે તેમ હતી, પણ 1,700 ગામડાંની પ્રજાને બેઠી કરવી એ કામ જેવું તેવું ન હતું. એ કામ ઘણું મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રની અંદર મોટી ઉંમરના વડવાઓ આપણી વચ્ચે છે, તેમને પૂછો તો ખ્યાલ આવશે કે આ 1,700 ગામડાંના ગરાસદારો, તાલુકદારો, કે જીવાઈદારો હતા તેમાંથી કોઈની એક વીઘો પણ જમીન કોઈ દબાવે તો તેના પરિણામે કેટલી ખૂનરેજી થઈ છે? સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે જે પાળિયા મૂકેલ છે તે શું હોંસના મૂકેલ છે? આ બધા ગામડાંના પાળિયાઓ ગામને બચાવવા માટે, મરદાનગીથી ખપી ગયેલા માણસોના છે. લોકશાહી આવી રહી હોય તેને દૂર ઠેલવામાં, તેની સામે કંઈ કરવામાં બાકી નહીં રાખનારા લોકશાહી સામે ઝઝૂમનારા માણસો આપણે ત્યાં હતા. આપણે ભૂલવું ન જોઈએ કે એ માણસો લોકશાહીની પાછળ પડ્યા હતા, ત્યારે આ 1,700 ગામડાંની પ્રજા ગરાસધારી, તાલુદારી પદ્ધતિમાંથી મુક્ત થાય અને જે પલટાથી ગરાસદારો અને તાલુકદારોને મોટી અસર થતી હોય, ત્યારે સમય પ્રમાણે આ પલટો જરૂરનો છે એટલી બુદ્ધિ કે ડહાપણની આશા એમાંના બધા પાસે આપણે રાખી નહોતી. આપણને જરા શક ઉપરથી કંઈ કહેવામાં આવે તો આપણે ઉકળી ઊઠતા હોઈએ ત્યારે આ માણસોનું લેવાઈ જતું હતું તેને શું શું થયું હશે? પણ જે લોકશાહીમાં અનફિટ હતું અને લેવાઈ જવાને યોગ્ય હતું તેથી જ લેવાયું હતું. ગરાસદારી સમાજમાંથી ઘણા માણસો ભાન ભૂલેલા નીકળે, ધમંડી નીકળે, ઘણા માણસો દુનિયા શક્તિહીન છે એમ માની તેને બળ બતાવવા, તેની પાસે પોતાનું બળ અજમાવવા પણ નીકળે. જે કોઈ આ રાજ્યમાં અરાજકતા ઊભી કરે તેને દૂર કરવાની જવાબદારી ગૃહખાતા ઉપર આવે. 1,700 ગામોની તાલુકદારીની પ્રથા નાબૂદ કરવા માટે 50-100 માણસોના ખૂનો થયા તેમના જીવ કિંમતી હતા. તેથી મને દુઃખ થાય છે. મને તેમના પ્રત્યે લાગણી છે. આજે આપણે મોટા ફેરફાર કર્યા છે. આપણે તાલુકદારી, બારખલી પ્રથા નાબૂદ કરી છે. શોષણખોરી નાબૂદ કરી છે. આપણે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું છે. તે રાજ્યના પાયામાં તેમણે પોતાના જાન આપ્યાં છે. સૌરાષ્ટ્ર તેમને કોઈ દિવસ નહીં ભૂલે. આવો મોટો પ્રયોગ થઈ રહ્યો હોય, આવા ક્રાંતિકારી પગલાં લેવાઈ રહ્યાં હોય તેવે વખતે એ સ્વાભાવિક છે કે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાય. ચીનનો દાખલો આપનારને હું કહું છું કે ચીનની રીતે આપણે તંત્ર ચલાવવું છે? ત્યાં કોરડો અને પિસ્તોલ છે. ત્યાં વિનંતિ નથી. વાતો કરવી ઘણી સહેલી છે, પણ કામ કરવું ઘણું કઠણ છે.”

“અરાજક તત્ત્વો માંહેના માણસો પકડવાના બાકી છે, શા માટે? આ બાબતે વિચાર કરું છું ત્યારે બીજી તરફ મારી નજર જાય છે. ચૂંટણીની અંદર, જાહેર સભાઓની અંદર, ચોખ્ખે ચોખ્ખો ભૂપતનો પ્રચાર કરવામાં આવતો હતો. જે લોકોના ખૂન થયા છે, ત્યાં ખૂન પાછળ ભાવના કેવી હતી? ખારચિયામાં 11 લોકોના હત્યાકાંડે તો ભલભલાનાં દિલ ધ્રુજાવી નાખ્યાં. ખારચિયાનો બનાવ બન્યો ત્યારે આનંદ માનનારા માણસોને તે સાથે સંબંધ ન હતો એમ કોણ કહી શકે તેમ છે? જે માણસોએ દિલની ક્રૂરતા ભરેલા આવા પક્ષો સાથે હાથ મિલાવ્યા છે, તે તો ઉઘાડું પ્રૂફ છે. એ પક્ષોના ઉતારા પણ ક્યાં ક્યાં હતા, તે ઉઘાડી વાત છે. એ લોકો એક બાજુથી આવા તત્ત્વો સાથે ભળીને, બીજી કોરથી ગૃહખાતાને વગોવતા હતા. તેઓની સામે સખત હાથે કામ લ્યો. ઝેરી સાપો હજી બહાર છે. જો એ ઝેરી સાપોને એમને એમ મૂકી દેવામાં આવશે તો બે ત્રણ વર્ષે ઝેર કાઢવા માટે બહાર પડશે. લોકશાહીના આવા દુ:શ્મનો જ્યાં જ્યાં હોય ત્યાં તેમની સામે સખત હાથે કામ લઇ, સતત જાગૃતિ રાખીને, કોઈ વ્યક્તિના મોભાની પણ દરકાર કર્યા સિવાય, જે માણસોનો આમાં હાથ હોય તેને વહેલી તકે ઝબ્બે કરો. તેવા માણસોને – ઝેરી સાપોને ગૃહખાતાએ કુશળતાપૂર્વક, હિંમતપૂર્વક ગોતીને, જ્યાં હોય ત્યાંથી, પાતાળમાંથી હોય તો પાતાળમાંથી પણ ગોતીને ઝબ્બે કરવા જોઈએ !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 November 2023

ચંદુ મહેરિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતીએ ભારતની વિકાસ યાત્રામાં યુવાનોની મુખ્ય ભૂમિકા નક્કી કરતા ‘મેરા યુવા ભારત’ (MY Bharat) પ્લેટફોર્મનો આરંભ કર્યો છે. તકનીક આધારિત આ પ્લેટફોર્મ  યુવાનોના વિકાસ અને યુવા નેતૃત્વમાં વિકાસ માટે આરંભાયું છે. યુવા વસ્તીમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનો દેશ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં પચાસ ટકાથી વધુ વસ્તી પચીસ વરસની ઉંમરની છે. જ્યારે પાંચઠ ટકા વસ્તી પાંત્રીસ વરસથી નીચેની છે.

ઝવેરચંદ મેઘાણી અણદીઠી ભોમ પર આંખ માંડનારને યુવા ગણે છે. પરંતુ જો યુવાનીનો સંબંધ માનવીની ઉંમર સાથે ગણીએ તો ૨૦૧૪ની રાષ્ટ્રીય યુવા નીતિએ  ૧૫થી ૨૯ વરસની વ્યક્તિને યુવાન ગણી છે. યુનેસ્કો, યુનિસેફ, હુ અને આઈ.એલ.ઓ. ૧૫થી ૨૪ વરસની વય યુવાનીની ગણે છે. યુ.એન.ઓ. યુથ ફંડ ૧૫થી ૩૨ અને  ધ આફ્રિકન યુથ ચાર્ટર ૧૫થી ૩૫ વરસની વયને યુવા વય ગણે છે.

રાજનીતિ અને યુવાનોને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. યુવાનોએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ કે નહીં ?  તે અંગેની ચર્ચા વરસોથી થયા કરે છે. ખરેખર તો યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે. યુવાનોનું રાજનીતિમાં હોવું દેશ અને યુવાનો બેઉના લાભમાં છે. તેનાથી યુવાવર્ગની ચિંતાઓ, પડકારો અને આકાંક્ષાઓને વિધાનગૃહોમાં વાચા મળશે. નીતિ નિર્માણમાં યુવા અભિવ્યક્તિ આવશ્યક જ નહીં અનિવાર્ય છે. જો કે આપણા દેશમાં દિન પ્રતિ દિન રાજનીતિમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે.

ભારતની પહેલી લોકસભામાં સાંસદોની સરેરાશ વય ૪૭ વરસ હતી. વર્તમાનમાં તે વધીને ૫૯ વરસ થઈ છે. વડીલોનું ગૃહ રાજ્યસભાના સભ્યોની સરેરાશ વય ૬૩ વરસ છે. ૧૯૯૯માં લોકસભાના સભ્યોની સરેરાશ ઉમર ૫૨ વરસ, ૨૦૦૯માં ૫૪, ૨૦૧૪માં ૫૭ અને ૨૦૧૯માં ૫૯ વરસની હતી. જરા વિચિત્ર લાગે પણ યુવા દેશની સંસદ બુઢિયાઓની બનેલી છે. ઈટલીમાં ૫૯ ટકા, ડેન્માર્કમાં ૪૯ ટકા અને ફ્રાન્સમાં ૩૭ ટકા સાંસદો યુવા છે જ્યારે ભારતમાં માત્ર ૨૦ ટકા સાંસદો જ  ૨૫થી ૪૫ વરસના છે. પાર્લામેન્ટમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટવું અને સાંસદોની સરેરાશ વય વધવી તે સ્વસ્થ લોકતંત્રની નિશાની નથી.

૧૯૮૯માં રાજીવ ગાંધીના પ્રધાન મંત્રી કાળમાં મતદાન માટેની લઘુતમ વય ૨૧થી ઘટાડીને ૧૮ વરસ કરવામાં આવી હતી. તેનાથી યુવા મતદારોમાં કદાચ વધારો થયો છે પરંતુ રાજનીતિમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયાનું બન્યું નથી. આપણી સંસદીય ચૂંટણીમાં મતદારની લઘુતમ વય ૧૮ વરસ ઠરાવી છે પણ ઉમેદવારની તો ૨૫ વરસની યથાવત છે. તાજેતરમાં સુશીલ કુમાર મોદીના અધ્યક્ષપદ હેઠળની સંસદની કાર્મિક, લોકફરિયાદ, કાયદો અને ન્યાયની સ્થાયી સમિતિએ ઉમેદવારની વય ઘટાડીને ૧૮ વરસની કરવા સૂચન કર્યું છે. તેને કારણે ઉંમર મર્યાદા ઘટવાથી યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ વધશે તેવી ચર્ચા ઊભી થઈ છે.

૨૦૧૪ અને ૨૦૧૯ની છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં યુવાનોની ઉમેદવારી અને વિજ્યની વિગતો આ ચર્ચા માટે ખપ લાગે તેવી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનુક્રમે ૯,૫૦૦ અને ૧૦,૦૦૦ ઉમેદવારો હતા. પરંતુ ૨૫ થી ૩૦ વરસના યુવા ઉમેદવારો તો માંડ ૫ ટકા જ હતા. આ ઉંમરના ૧૧ ઉમેદવારો ૨૦૧૪માં અને ૮ ઉમેદવારો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતી શક્યા હતા. અર્થાત યુવાનોનું ચૂંટણીમાં ઉમેદવારીનું પ્રમાણ તો ઓછું છે જ. જીતનું પ્રમાણ તો સાવ જ  અલ્પ છે.

રાજનીતિના આંગણામાં યુવાનોનું અલ્પ પ્રમાણ કેમ છે? શું યુવાનો રાજનીતિથી વેગળા રહે છે કે તેમને વેગળા રાખવામાં આવે છે ? સંસદીય ચૂંટણીમાં યુવાનોનું પ્રમાણ અલ્પ છે કે એકંદર રાજનીતિમાં જ યુવાનો ઓછા છે? આ સવાલોના જવાબો રાજકીય પક્ષો જ આપી શકે તેમ છે. બધા જ રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખો છે અને યુવા મોરચા છે. એટલે યુવાનોને અળગા તો રખાતા નથી કે તેઓ પણ અળગા રહેતા નથી. પરંતુ ચૂંટણીકારણના અન્ય કામોમાં યુવાનોનો જેટલો ઉપયોગ થાય છે તેટલી ચૂંટણીની ટિકિટો તેમને અપાતી નથી. જે અલ્પ યુવાનો લોકસભામાં ચૂંટાયા છે તે પણ રાજકીય પરિવારનાં સંતાનો છે. એટલે સામાન્ય યુવા કાર્યકરનું ટિકિટ મેળવવાનું જ અઘરું છે.

રાજકીય પક્ષો યુવાનોનો ઉપયોગ સોશ્યલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ સેના તરીકે, ધાર્મિક ઉન્માદ જગવવાથી લઈને સ્થાનિક હિંસા ફેલાવવા, મોટા નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા, ચાપલૂસીની હદની સેવા કરવા માટે કરે છે. યુવાનોનું વલણ પણ તળિયેથી કામ કરી લોકોની ચાહના ઊભી કરવાને બદલે કોઈ ચકચારી મુદ્દો ઉપાડીને રાતોરાત લોકપ્રિય થઈ ચૂંટણીની વૈતરણી તરી જવાનું હોય છે. કેટલાક લાયક યુવાનો, ચૂંટણીમાં ખર્ચાતા મબલખ નાણાંની જરૂરિયાતનો વિચાર અને અગાઉથી રાજનીતિમાં જામી પડેલાઓની ઉપેક્ષાને લીધે, રાજનીતિથી છેટા રહે છે.

યુવાનોની રાજનીતિમાં સહભાગિતા માત્ર ચૂંટણી લડવાથી જ સિદ્ધ થતી  નથી. મતદાર તરીકેનું કર્તવ્ય નિભાવવાથી તે શરૂ થાય છે. કદાચ મતદાનનો રોમાંચ માણવા પહેલવારકું તો તે મતદાન કરે છે, પણ વ્યાપક છાપ તો યુવા મતદારો મતદાનની ઉપેક્ષા કરતા હોવાની છે. ૧૮થી ૨૫ વરસના યુવાનો મતદાન અંગે ઉદાસીન જોવા મળે છે. તેનું કારણ રાજકારણ અંગેનો તેમનો મોહભંગ અને બેરોજગારી હોઈ શકે છે પરંતુ તેનો પડઘો તેમણે મતદાન થકી પાડવો જોઈએ.

ભારત સરકાર અને ગુજરાતસહિતની ઘણી રાજ્ય સરકારો યુથ પાર્લામેન્ટના આયોજન દ્વારા યુવાનોને રાજકારણના પાઠ ભણાવે છે. બિહારમાં પ્રશાંત કિશોર યૂથ ઈન પોલિટિક્સ ઝૂંબેશ મારફતે યુવાનોને રાજનીતિમાં જોડવા પ્રયાસરત છે. યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને જાગ્રત ભાગીદાર બનાવવા ભારતના ચૂંટણી પંચે કોમિક્સ બુક પ્રગટ કરીને યુવાનોની રાજનીતિ બાબતે ગંભીરતા અને તેની ખુદની ગંભીરતા પ્રગટ કરી છે. લોકપ્રિય કોમિક્સ બુક ચાચા ચૌધરી પરથી ઈલેકશન કમિશને ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ કોમિક્સ બુક હમણાં જ લોકાર્પિત કરી છે. ભારતનો યુવા મતદાર કોમિક્સ બુક વાંચીને ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષિત બનશે તેવો પંચનો આશાવાદ નિરાશ કરે તેવો છે. માત્ર માધ્યમો અને રાજકીય પક્ષો જ નહીં ચૂંટણી પંચ પણ ચૂંટણીને દંગલ ગણે છે તે બાબત પણ શોચનીય છે.

ભગત સિંહ

ભારતના સ્વતંત્રતા આંદોલન અને તે પછીની રાજનીતિમાં યુવાનોની ભૂમિકાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જુલાઈ ૧૯૨૮માં ભગતસિંઘનો “યુવાનો અને રાજનીતિ” વિશે ‘કિરતી’માં પ્રગટ લેખ આજે પણ પ્રસ્તુત છે. ભગતસિંઘે કહ્યું હતું કે, “જે યુવાનોને આવતીકાલે દેશનું નેતૃત્વ કરવાનું છે તેમને અક્કલના અંધ બનાવાઈ રહ્યા છે”. એટલે ભગતસિંઘ યુવાનોને સંબોધી કહે છે કે “તમે ભણો, જરૂર ભણો. પણ સાથે રાજનીતિનું જ્ઞાન પણ મેળવો. જ્યારે જરૂર પડે ત્યારે રાજનીતિમાં કૂદી પડો.” ભગતસિંઘનો રાજનીતિનો અર્થ સત્તાની રાજનીતિ હરગીજ નથી. પણ લોકોની રાજનીતિ છે. અને લોકોની રાજનીતિથી અળગો રહે તે વળી યુવાન શેનો ? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0221,0231,0241,025...1,0301,0401,050...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved