
courtesy : "The Indian Express", 28 May 2015
![]()

courtesy : "The Indian Express", 28 May 2015
![]()
કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિતદિન બારમી મેએ બહાર પડેલાં, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો / બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માર્ક્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વૈશ્વિકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.
છત્તીસગઢના બિલાસપુરના રેલવે કર્મચારીના પુત્ર મુકુલ કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજિમાંથી ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવીને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(પી.આર.એલ.)માં 1978માં સંશોધક તરીકે જોડાયા. અહીં કર્મચારીઓ પરના અન્યાય સામે પોતાની નોકરીને ભોગે પણ કામદાર સંગઠન બનાવવાથી તેમણે લડાઈની શરૂઆત કરી હતી. અમદાવાદની અનેક સંશોધન સંસ્થાઓમાં સંગઠનો બનાવવામાં તેમણે પહેલ કરી હતી. ટ્રેડ યુનિયનિસ્ટ તરીકેના આ પહેલા તબક્કા બાદ તેમણે 1989માં વકીલાત માટેની સનદ મેળવીને કામદારોના અધિકારો માટે મોટી કંપનીઓ સામે સફળ અદાલતી લડત આપી હતી. સાથે તેમણે જન સંઘર્ષ મંચ જૂથ તેમ જ ન્યૂ સોશ્યાલિસ્ટ મૂવ્હમેન્ટ પક્ષ પણ સ્થાપ્યા. ગુજરાતમાં ગોધરાકાંડને પગલે થયેલાં કોમી તોફાનોથી તેમની જિંદગીનો ત્રીજો તબક્કો શરૂ થયો. તેમાં તેમણે નાણાવટી – શાહ કમિશનની સુનાવણીઓમાં ઊલટતપાસ થકી કોમવાદી હિંસાચારમાં સરકારની સાઝેદારીને ખુલ્લી પાડી. આતંકવાદનો હાઉ ઊભો કરવા માટે શાસકોએ કરાવેલ નકલી એન્કાઉન્ટર્સનો તેમણે પર્દાફાશ કર્યો. તેને પરિણામે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમીત શાહ તેમ જ સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ.
મુકુલભાઈના ઉપર્યુક્ત જીવનકાર્યની અભ્યાસપૂર્ણ છણાવટ ઉપરાંત આ દસ્તાવેજી મહત્ત્વ ધરાવતાં પુસ્તકમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી પણ મળે છે. જેમ કે પી.આર.એલ.માંથી મુકુલની હકાલપટ્ટી સામે સુપ્રીમ કોર્ટમાં લડનારા ગિરીશ પટેલની આંખોમાં હાર પછી આંસુ આવી ગયા હતા. ત્યારે મુકુલે તેમને દિલાસો આપતાં કહ્યું હતું : ‘એક વાત તો સ્પષ્ટ થઈ કે વિજ્ઞાનના ક્ષેત્રે મારું કોઈ સ્થાન નથી કારણ કે વિજ્ઞાન અને કામદાર સંગઠન વચ્ચે કોઈ સંબંધ નથી !’ પી.આર.એલ.એ એવી પણ ગોઠવણ કરી હતી કે મુકુલને ભવિષ્યમાં ક્યાં ય નોકરી ન મળે. જામનગરમાં રિફાઈનરીની સ્થાપના વખતે તેમણે રિલાયન્સ સામે પરવાળાં બચાવવા માટે કેસ કર્યો હતો અને ‘પોટા’ના કેટલા ય આરોપીઓને તેમણે બચાવ્યા હતા એ માહિતી તેમના પત્ની નિર્ઝરી સિન્હાના લેખમાં મળે છે. તેમાં અને હર્ષ મંદેરના લેખમાંથી એ પણ જાણવા મળે છે કે મુકુલ અને તેમના સાથીઓએ ગોધરાકાંડ કોમવાદી કાવતરું નહીં પણ એક ભીષણ અકસ્માત હોવાનું સાબિત કરવા માટે બહુ સંશોધન કર્યું હતું. મંદેર એ પણ જણાવે છે કે મુકુલ કામદારો અને ઝૂંપડાંવાસીઓના કેસો માટે ફી ન લેતા. તે પત્રકાર રના અયૂબને ટાંકીને નોંધે છે કે સરકારના જૂઠાણાંનો રોજબરોજ પર્દાફાશ કરતી ‘ટ્રુથ ઑફ ગુજરાત’ વેબસાઇટ મુકુલ તેમના પુત્ર મિહીરની મદદથી કિમુથેરાપીની પીડા વચ્ચે પણ ચલાવતા.
મિઝોરામના બનાવટી એન્કાઉન્ટર્સ અંગેની ઊલટતપાસમાં સિન્હાએ ત્યાંના સુરક્ષાકર્મીઓને કેવી રીતે ખુલ્લા પાડ્યા તેની રસપ્રદ માહિતી મનીષા સેઠી લખે છે. મિહીર દેસાઈનો લેખ જણાવે છે કે મુકુલે પોતાના વૈજ્ઞાનિક સંશોધનને આધારે ગુજરાતના ભૂકંપનું એપિસેન્ટર સરકાર કહે છે તેનાથી જુદું હતું એ બતાવી આપ્યું હતું. કોમી રમખાણો પછી ન્યાય માટેની લડતનાં વર્ષોમાં મુકુલને મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો અને નિર્ઝરીબહેનને કૅન્સર ડિટેક્ટ થયું હતું. મુકુલ ફેફસાંના કૅન્સરથી ગયાં વર્ષે ત્રેસઠની ઉંમરે અવસાન પામ્યા. તેના બે દિવસ પહેલાં તેમણે અમીત શાહને સી.બી.આઈ.એ આપેલી ક્લીન ચીટ સામે શું કરી શકાય તે અંગે પોતાની સાથે ચર્ચા કરી હતી તે પણ મિહિરને સાંભરે છે. અજીત સાહીનો લેખમાં તેમના ટ્રેડ યુનિયન લૉયર તરીકેના કામ અને તેમાં ય કલ્યાણજી આણંદજીની પેઢીના કર્મચારીઓની લડતની પ્રેરક વાત છે.
પ્રવીણ મિશ્રા લખે છે : ‘મુકુલના જીવનનાં અનેક રંગ હતા – કર્મશીલ, વિજ્ઞાની, વકીલ, રસોઇયા, કવિ, ગાયક, પ્રેમી, પિતા, બિરાદર અને દરેક સાથીની ચિંતા કરનાર તેમ જ તેમને વિશેની ગેરસમજની કોઈ ચિંતા ન કરનાર, એવા બહુ મોટા માણસ હતા.’ અઠંગ આશાવાદી મુકુલ સિન્હાના લોકશાહી અને બંધારણની અંદરના વિશ્વાસને વ્યક્ત કરતાં વક્તવ્યો પણ પુસ્તકના તસ્વીરકાર પ્રવીણ નોંધે છે. ઉપેન્દ્ર બક્ષી મુકુલ સિન્હાને નાગરિકની ફરજો અને તેના પાલન અંગેના ‘બંધારણના અનુચ્છેદ 4અ- નો જીવતોજાગતો દાખલો’ ગણાવે છે. મુકુલના કામમાં વિજ્ઞાન, કાનૂન અને માનવધિકાર ત્રણેયનો સુમેળ સધાયો હતો એમ પણ બક્ષી માને છે.
‘ફ્રેન્ડસ ઑફ મુકુલ સિન્હા’ નામના જૂથે બહાર પાડેલા સવાસો પાનાંના આ પુસ્તકનું સંપાદન બેંગલોરની નૅશનલ લૉ સ્કૂલના પ્રોફેસર સૌમ્યા ઉમા અને આલ્ટરનેટિવ લૉ ફોરમના વકીલ અરવિંદ નરેને બહુ અભ્યાસ અને માવજતથી કર્યું છે. પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે, ‘માનવસંહાર સાથે સંકળાયેલ સો કરતાં વધુ માણસો પર મુકુલ સિન્હા અને તેમના પ્રતિબદ્ધ સાથીઓની બહાદુરીભરી કોશિશોથી કાનૂની કાર્યવાહી થાય એ અ-પૂર્વ બનાવ હતો. આજે એ બનાવ ભૂલાઈ જવાનો જ નહીં, પણ ઉલટાઈ જવાનો જોખમ ઊભો થયો છે.
નાગરિક સમાજના કર્મશીલો પરનું દમન વધ્યું છે. આવી નિર્ણાયક ક્ષણે આપણે મુકુલ સિન્હાની ગેરહાજરી વિશેષ અનુભવીએ છીએ.
24 મે 2015
e.mail : sanjaysbhave@yahoo.com
![]()
હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો અને સિનિયર કર્મચારીઓની ચિંતા માંસાહારની છે. ગરીબ હીરાઘસુઓ માંસાહારી મુસ્લિમ હીરાઘસુઓની બાજુમાં બેસીને જમે એનો વાંધો નહીં, પણ સાહેબોને એ કેમ ચાલે? એટલે તો મુંબઈમાં ચોક્કસ વિસ્તારોમાં મુસ્લિમોને ફ્લૅટ વેચતા નથી
હરિ કૃષ્ણ એક્સર્પોટ નામની મુંબઈની હીરાના નિકાસનો ધંધો કરતી કંપનીએ મુસ્લિમ યુવકને તે મુસ્લિમ છે એ માટે નોકરીએ રાખવાની ના પાડી દીધી. મુખ્ય પ્રધાને પણ એ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન કહે છે કે ધર્મના આધારે ભેદભાવ કરવો એ ખોટું છે અને એ ચલાવી ન લેવાય. હજી થોડા દિવસ પહેલાં મુખ્ય પ્રધાનને પોતાને ધર્મના કારણે કરાતો લૈંગિક ભેદભાવ જોવા મળ્યો હતો. કોઈ એક કાર્યક્રમમાં તેમણે દાદરના સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી સભાગૃહમાં જવાનું બન્યું હતું જ્યાં સ્વામિનારાયણના સાધુ આવવાના હતા અને તેઓ સ્ત્રીઓનું મોઢું ન ભાળે એ માટે હૉલમાં પહેલી હરોળમાં બેઠેલી મહિલા પત્રકારોને ઉઠાડી મૂકવામાં આવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સ્ત્રીઓનું મોઢું નહીં જોવું એવો આદેશ સહજાનંદ સરસ્વતીએ શિક્ષાપત્રીમાં આપ્યો છે.
ધાર્મિક કે સાંપ્રદાયિક રીતરિવાજો અને આદેશોની યોગ્યતા-અયોગ્યતાની ચર્ચા આપણે ન કરીએ, પરંતુ સાદો નૈતિકતાનો સવાલ એ છે કે ધર્મ પોતે પાળવાનો હોય કે બીજા પાસે પળાવવાનો હોય? તમારા માટે સ્ત્રીનું મોઢું જોવું વર્જ્ય હોય તો તમારે સ્ત્રીનું મોઢું જોવાનો પ્રસંગ આવે એવા સ્થળે ન જવું જોઈએ, પરંતુ સ્ત્રીને વગર ગુને આવતી કેમ રોકી શકાય? તમારા શીલના રક્ષણની જવાબદારી તમારી છે, સ્ત્રી તમારા શીલનું રક્ષણ કરે એ તો બેહૂદી ધાર્મિકતા થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને તમે મુંબઈના માર્ગો પર મોટરમાં જતા જોયા હશે અને ક્યારેક તો સડક પર ચાલતા પણ જોવા મળે છે. તમે ક્યારે ય તેમને આંખે પાટા બાંધેલા જોયા? માફ કરજો, ધર્મ માનવામાં આવે છે એટલી મહાન સંસ્થા નથી. ધાર્મિકતા જેટલી બેહૂદી ચીજ આ જગતમાં બીજી એકે ય નથી. માણસ-માણસ વચ્ચે દીવાલો રચવાનું કામ ધર્મોએ કર્યું છે. વિશ્વના ઇતિહાસમાં રાજકીય લડાઈઓમાં જેટલી જાનહાનિ થઈ છે એનાથી ઘણી વધુ જાનહાનિ ધાર્મિક લડાઈઓમાં થઈ છે.
આમાં પાછું ઓછું હતું એમ ભારતમાં જ્ઞાતિઓ માણસને માણસથી દૂર લઈ જવાનું કામ કરે છે. આપણે કેટલા સુધરેલા છીએ અને કેટલા અખિલ (અખંડ, વિભાજન વિનાના) ભારતીય છીએ એની કસોટી કરવી હોય તો છાપામાં આવતી લગ્નની (મૅટ્રિમોનિયલ) જાહેરખબરો જોઈ જવી. વર-કન્યાને બને એટલા નાના સૂંડલામાંથી ગોતવામાં આવે છે, જેથી આપણા બીજા કરતાં અલગ સંસ્કાર જળવાઈ રહે. અમે બીજા કરતાં જુદા અને અમે બીજા કરતાં ઊંચા, આ બે બીમારી ભારતીય બીમારી છે. ભારતીયોને, ખાસ કરીને હિન્દુઓને સૂંડલા અને નિસરણી વિના ચાલતું નથી. તેઓ વિદેશમાં સ્થાયી થવા જાય છે, તો ત્યાં પણ પોતાનો ઓળખનો નાનકડો સૂંડલો અને નિસરણી સાથે લેતા જાય છે. ભારતીય સ્વભાવત: ભારતીય થઈ શકતો નથી. માત્ર થોડા સમય માટે આપણી અંદર ભારતીયતા ત્યારે જ જન્મે છે જ્યારે સામે પાકિસ્તાન હોય કે ક્રિકેટની મૅચ હોય. હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો આમાં અપવાદ નથી. કંપનીને માણસોની જરૂર છે એની જાણ થતાં MBA થયેલા એક મુસ્લિમ યુવકે ઈ-મેઇલ દ્વારા અરજી મોકલી હતી. તેને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે વી રિગ્રેટ ટુ ઇન્ફૉર્મ યુ ધૅટ વી હાયર ઓન્લી નૉન-મુસ્લિમ કૅન્ડિડેટ્સ. એ યુવકે કંપની તરફથી મોકલવામાં આવેલો સત્તાવાર પત્ર સોશ્યલ મીડિયા પર પ્રસારિત કર્યો હતો અને ગણતરીના કલાકોમાં આવો ભેદભાવ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો હતો. કંપનીના માલિકોને ઘટનાની ગંભીરતા સમજાતાં ખુલાસો કર્યો હતો એ કંપનીની આવી કોઈ પૉલિસી નહોતી. કંપનીમાં જે નવાં બહેન જોડાયાં છે તે કંપનીની પૉલિસી જાણતાં નથી એટલે તેમણે પોતાની મેળે આવો જવાબ મોકલી આપ્યો હતો.
આવું બને ખરું? કંપનીમાં નવી-નવી જોડાયેલી ટ્રેઇની યુવતી માલિકોને પૂછ્યા વિના, તેમની જાણ વિના કે કંપનીની પૉલિસી જાણ્યા વિના આવો જવાબ બારોબાર આપે ખરી? તે યુવતીએ ભૂલ એટલી જ કરી કે નહીં કહેવાની વાત લખીને કહી દીધી. તે બહેનને શિક્ષા કરવામાં આવી છે એમ કંપનીના માલિકો કહે છે. શિક્ષા કરવામાં આવી હશે, પણ એ એટલા માટે નહીં કે તેમણે ખોટી પૉલિસી લાગુ કરી હતી, પરંતુ કંપનીની ખોટી પૉલિસી જાહેર કરી દીધી હતી. આવો ભેદભાવ અનૈતિક તો છે જ, પરંતુ ગંભીર ગુનો પણ છે. સજાથી બચવા માટેનાં આ બહાનાં છે. કંપનીના માલિકો કહે છે કે તેમની કંપનીમાં ૭૧ મુસલમાનો નોકરી કરે છે; પણ એ બધા હીરાઘસુ છે, સિનિયર લેવલે એક પણ નથી. હીરાઘસુઓ મળતા નથી એટલે એ કોઈ પણ નાતના, જાતના કે ધર્મના હોય તો ચલાવી લેવું પડે છે. ગુજરાતની હજી એક વિશેષ બીમારી શાકાહારી પક્ષપાતની છે. ટૂંકા સૂંડલા અને નિસરણીમાં ગુજરાતીઓ માટે આ એક વધારાનું પરિબળ છે. શાકાહારીઓ શ્રેષ્ઠ અને માંસાહારીઓ માટેનો અણગમો એ સવર્ણ ગુજરાતીઓનું જન્મજાત લક્ષણ છે. મુંબઈની રેસ્ટોરાંમાં પ્યૉર વેજિટેરિયન એવું છોગું ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવે છે.
વિદેશપ્રવાસ વખતે માથાદીઠ દસ કિલો સૂકો નાસ્તો સાથે લઈ જનારો ગુજરાતી માંસાહારીને કઈ નજરે જોતો હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. વિદેશમાં શાકાહારી ભોજન તો મળી જાય છે, પરંતુ પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં મળતી નથી. હરિ કૃષ્ણ એક્સર્પોટના માલિકો અને સિનિયર કર્મચારીઓની પણ મુખ્ય ચિંતા માંસાહારની છે. ગરીબ હીરાઘસુઓ માંસાહારી મુસ્લિમ હીરાઘસુઓની બાજુમાં બેસીને જમે એનો વાંધો નહીં, પણ સાહેબોને એ કેમ ચાલે? એટલે તો મુંબઈમાં ચોક્કસ વિસ્તારોમાં બિલ્ડરો મુસલમાનોને ફ્લૅટ વેચતા નથી કે હાઉસિંગ સોસાયટી ફ્લૅટ વેચવા દેતી નથી. આવો ભેદભાવ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. ફરક એટલો છે કે પેલી યુવતીને બિચારીને બહાનું કાઢતાં આવડ્યું નહીં. એ અર્થમાં તે ફ્રેશર ખરી.
૨૦૦૨માં ગુજરાતીઓનો જે બીભત્સ હિંસક ચહેરો જોવા મળ્યો એમાં આ શાકાહારી શ્રેષ્ઠતા અને માંસાહારીઓ માટેના અણગમાએ મોટો ભાગ ભજવ્યો હતો. ભારતમાં ગુજરાતીઓ સૌથી વધુ કોમવાદી છે એનું કારણ માંસાહારી પક્ષપાત છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 મે 2015
http://www.gujaratimidday.com/features/columns/we-different-than-the-other-and-the-second-is-higher-than-the-typical-indian-conditions
![]()

