યાકૂબ મેમણને ફાંસીની સજા મળી હતી, ફાંસી થઈ ગઈ! એક જિંદગી પણ ખતમ થઈ અને એક કહાણી પણ.
મારા જેવા અનેક લોકો જે માને છે કે ફાંસીની સજા ન હોવી જોઈએ, મારી જેમ જ અફસોસ કરતા હશે. મને અફસોસ એ વાતનો નથી કે યાકૂબ મેમણને ફાંસી થઈ, મને એ વાતનો અફસોસ છે કે એક માનવીય જીવન વ્યર્થ ચાલ્યું ગયું અને આપણે એક રાષ્ટ્ર અને સમાજ તરીકે જોતાં રહ્યાં. આ એક બહુ જ અફસોસજનક અને શરમજનક અહેસાસ છે કે સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર સમાજ, આપણી આખી રાજકીય વ્યવસ્થા અને આપણું આખું ન્યાયતંત્ર એકસાથે મળીને એક માણસને એકદમ એકલો-અટૂલો પાડીને નિરુપાય કરી દે અને પછી એ અવશ [લાચાર] વ્યક્તિને પકડીને ફાંસીના માંચડે લટકાવી દે! એક જીવતા માણસને લાશમાં ફેરવીને કોઈ દેશ કે કોઈ સમાજ ન બહાદુર બને છે અને ન સુરક્ષિત!
આવી દરેક વાત અંગે અગણિત લોકો મળશે, જે ઊછળી-ઊછળીને પૂછશે કે શું તે ગુનેગાર નહોતો? શું તેણે જેટલા નિર્દોષ લોકોનું લોહી વહેવડાવ્યું, એને ભૂલી જઈએ? ના, આપણે ક્યારે ય ન ભૂલીએ, ન ભુલાવીએ, પરંતુ એટલું જરૂર યાદ રાખીએ કે એક સવાલ ફાંસી આપવા કે ન આપવા કરતાં મોટો છે, અને તે એ કે અપરાધ અને અપરાધીઓ અંગે આપણો દૃષ્ટિકોણ કેવો છે અને કેવો હોવો જોઈએ? યાકૂબને ફાંસી આપી દેવાયા પછી જ હું આ લખી રહ્યો છું, જેથી આપણે તણાવ કે ઉન્માદને અવગણીને ઠંડાં દિલો-દિમાગથી આ સવાલ અંગે વિચારીએ. દેશમાં એક કાયદો છે, બંધારણ છે અને ન્યાય પ્રક્રિયા છે. આપણે સૌ તેનાથી બંધાયેલા છીએ અને આપણામાંથી કોઈ પણ તેનાથી ઉપર નથી. અદાલતના ચુકાદાઓથી આપણે અસહમત થઈ શકીએ, પરંતુ તેની અવમાનના કરી શકતા નથી, કારણ કે લોકશાહીનો એ તો પાયો છે કે આપણે અંગત મત ધરાવી શકીએ, પરંતુ સામૂહિક નિર્ણયથી આગળ વધીએ છીએ. એટલે યાકૂબ મેમણની લાંબી ન્યાયિક પ્રક્રિયા પછી, આખરી દિવસની આખરી રાત સુધી વિચાર કર્યા પછી પણ જો સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય, તો તે ન્યાયસંગત જ હશે, એવું આપણે માનવું જોઈએ, આપણી અંગત અસહમતી પછી પણ!
હવે કસાબ પણ નથી, અફઝલ ગુરુ પણ નથી, યાકૂબ મેમણ પણ નથી, પરંતુ આપણે તો છીએ, આપણાં સંતાનો તો છે. આ સમાજ તો છે, જેમાં આપણે અને આપણા પછીની પેઢીએ રહેવાનું છે અને જીવન વિતાવવાનું છે. શું એવો સમાજ માણસોને રહેવાલાયક હશે, જેમાંથી મારો-મારો, ફાંસી આપો, ખૂન કા બદલા ખૂન, એક માથું કાપશો તો દસ કાપીશું, જેવા દેકારા-પડકારા ચાલતા હોય? શું આપણે ઇચ્છીશું કે આપણાં બાળકોનું મન બદલા લેવાની ચાલો-કુચાલોની વચ્ચે પરિપક્વ બને? શું આપણે ઇચ્છીએ છીએ કે આપણા સમાજમાં સતત કસાબ પેદા થાય, અફઝલ ગુરુ કે ટાઇટર મેમણ પેદા થાય, જેથી જેવા સાથે તેવાનો અભિગમ અપનાવી શકાય? સમાજની સામૂહિક વિચારધારા વિકૃત કરી દેવામાં આવે, તેનું પાશવીકરણ કરી દેવામાં આવે, ત્યારે જ આવા લોકો પેદા થતા હોય છે. દુનિયાનો દરેક સમાજ ઇચ્છે છે કે લોકો શાંતિપૂર્વક રહે, પ્રામાણિકતાથી આજીવિકા રળે અને સન્માનભેર જીવન જીવે! દરેક સમાજ આવું ઇચ્છે છે ખરો પણ આ દિશામાં કોશિશ ભાગ્યે જ કોઈ કરે છે. એટલે જ જરૂરી છે કે સમાજના શાણા લોકોનું નેતૃત્વ વારંવાર અને દર વખતે આપણી દિમાગની સરહદોને વધારવાની કોશિશ કરે. અમારું કહેવાનું એમ નથી કે યાકૂબને ફાંસી ભૂલ હતી, પરંતુ અમે ભાવપૂર્વક અને ઊંચા અવાજે કહેવા માગીએ છીએ કે કોઈની ફાંસીને ઉત્સવ કે વિજયનું પ્રતીક બનાવવી, એ માનવતાની દૃષ્ટિએ અપરાધ છે. શું આપણે આવનારી પેઢીઓનું માનસ એવું બનાવવા માગીએ છીએ, જેને લોહીની વાસમાંથી ખુશબૂ આવતી હોય? આવો સમાજ માનવીઓનો તો ન હોઈ શકે! સમાજનું આવું પાશવીકરણ કરતાં જશું, તો પછી આખરમાં એવી જ યાદવાસ્થળી સર્જાશે, જેને કાબૂમાં લેવાનું ભગવાન શ્રીકૃષ્ણના હાથની વાત પણ નહોતી રહી અને છેવટે કોઈ સામાન્ય ધનુર્ધરના બાણથી પોતાનો અંત કબૂલ કરવાનો એકમાત્ર રસ્તો જ બચતો હોય છે.
એક વ્યક્તિ કે પછી એક સમુદાયનું ઉન્માદમાં આવવું, બહેકી જવું, ભટકી જવું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આવું બની શકે છે, પરંતુ આપણે તેનો જવાબ એક સમાજ કે એક વ્યવસ્થાને ઉન્માદગ્રસ્ત બનાવીને આપવા માગીએ, તો એક વિવેકહીનતાની ચરમસીમા ગણાશે. આ ચરમસીમા આપણે જોઈ ચૂક્યા છીએ – દેશના ભાગલા પડ્યા તે વખતનાં રમખાણોમાં અને ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણોમાં, હિરોશિમામાં જોયું, વિયેતનામમાં જોયું, પોલૅન્ડ અને ચૅકોસ્લોવાકિયામાં પણ આ જ જોયું છે. સમાજોના વિખરાવ, સભ્યતાઓના વિનાશ અને લોકોને ઘેટાં-બકરાંની જેમ કતલ થતાં જોયાં છે. એટલે કોઈ પણ સ્વસ્થ સમાજનું, જવાબદાર પ્રશાસનનું એ દાયિત્વ પણ છે અને એનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ છે કે તે સામૂહિક ઉન્માદનું શમન કરે. ઉન્માદ ફાટી નીકળે, ત્યારે તે કોઈ ગાંધીને ગોળી મારશે કે કોઈ દિલ્હીને સળગાવી દેશે, તમે કશું ધારી ન શકો કે તે શું કરશે, શું નહીં કરે. એટલે ડગલે ને પગલે, દરેક શ્વાસે-શ્વાસે ઉન્માદ પર કાબૂ મેળવવાનું શીખવું અને શિખવાડવું પડશે. આ દૃષ્ટિએ જેણે એવું કહ્યું કે યાકૂબ મુસ્લિમ હોવાથી તેને ફાંસી અપાઈ છે, તેમનો ગુનો ઘણો મોટો છે. જેમણે ફાંસી-ફાંસીના પોકારો કર્યા, તેમનો ગુનો ઘણો મોટો છે. એક માણસને મારી નાખીને કોઈ પાકિસ્તાન કે કોઈ આઈ.એસ.આઈ.ને જવાબ દેવાની વાહિયાત વાત કરનારા અવિવેકી જ છે અને તેમનો ગુનો ઘણો મોટો છે.
આપણે ત્યાં જ્યાં સુધી ફાંસીની સજા માન્ય છે, ત્યાં સુધી અદાલતો જે કોઈને પણ કાયદાની કસોટીએ કસીને આ સજાને લાયક ગણશે, તેને ફાંસી અપાતી રહેશે. આમાં અદાલતોથી નારાજગીનું કોઈ કારણ નથી, પરંતુ અદાલતો જે બંધારણના આધારે ચાલે છે, એ બંધારણે જ પોતાની સજા વિરુદ્ધ લડવાની અનેક તકો પૂરી પાડી છે. આ દેશના દરેક નાગરિકને એટલે કે દેશમાં ગુનો કરતી પકડાઈ ગયેલી કોઈ પણ વ્યક્તિને એ તમામ તકનો લાભ લેવાનો પૂર્ણ અધિકાર છે, અને આપણી ન્યાયપાલિકાની બંધારણ મુજબ જવાબદારી છે કે તે દરેક અપરાધીને એ તમામ અધિકારોનો ઉપયોગ કરવાની તક આપે. એટલે જે લોકો એવી કાગારોળ કરે છે કે કસાબ પર કેસ ચલાવવાની ક્યાં જરૂર હતી કે પછી જે લોકો એવી વાતો ચલાવતા હતા કે યાકૂબ ફાંસીથી બચવા માટે ચાલો ચાલી રહ્યો છે, એ આપણા દેશ-સમાજની કુસેવા કરનારા છે. ફાંસીથી બચવા-બચાવવાની દરેક બંધારણમાન્ય કોશિશનું સન્માન જ થવું જોઈએ, એટલું જ નહીં તેનું સમર્થન પણ થવું જોઈએ, જેથી આપણે બધા અનુભવી શકીએ કે આપણો ભારતીય સમાજ અને તેની બંધારણમાન્ય વ્યવસ્થાઓ દરેક જિંદગીનું સન્માન કરે છે. એટલે જે ૧૦૦થી વધારે લોકોએ છેવટ સુધી યાકૂબની અરજી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી, એ તમામ લોકો આપણા સમાજના સ્વસ્થ વિવેકના પ્રહરી છે. તેમણે એવું નહોતું કહ્યું કે યાકૂબ નિર્દોષ છે (જો કે, આવું કહેવાનો દરેક ભારતીયનો અધિકાર અક્ષુણ્ણ છે જ!), બલકે એવું કહેલું કે આ કેસમાં આવી રહેલાં નવાં તથ્યોના ઉજાસમાં ફરી-ફરી તમે પુનર્વિચાર કરો, જેથી જે જિંદગી આપણે આપી શકતા નથી, તેને લેતાં પહેલાં દરેક તથ્યની તપાસ થઈ શકે. આમ, પોતાના બચાવની દરેક કોશિશ કરી રહેલો યાકૂબ આપણા વ્યંગ્યનો નહિ, આપણી સહાનુભૂતિને પાત્ર હતો, કારણ કે તે એ બંધારણમાન્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યો હતો, જેનો ઉપયોગ આપણામાંની દરેક વ્યક્તિ એવી હાલતમાં કરવા માગે. યાકૂબનો એ વકીલ બહુ ખોટા સમયે બહુ ખોટી વાત કહી રહ્યો હતો, જેણે મોડી રાતે આખરી સુનાવણી વિફળ રહ્યા પછી પત્રકારોને કહ્યું કે સર્વોચ્ચ અદાલતે આ માંગને ખોટા દૃષ્ટિકોણથી ફગાવી દીધી. આપણે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી અસહમત તો થઈ શકીએ છીએ અને તેને યોગ્ય તકે, યોગ્ય જગ્યાએ વ્યક્ત પણ કરી શકીએ છીએ, પરંતુ આટલા સંવેદનશીલ માહોલમાં, વકીલાત જેવા વ્યવસાય સાથે જોડાયેલો કોઈ જવાબદાર વકીલ સર્વોચ્ચ અદાલતના આખરી ચુકાદા પર આવી ટિપ્પણી કરે, તો એ ઉન્માદ ભડકાવવાનું કારણ બની શકે છે.
યાકૂબ મેમણને તેની ગતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. એક સમાજ તરીકે આપણે આપણો લય શોધવાનો છે.
અનુવાદક : દિવ્યેશ વ્યાસ
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 13-14