ચુનીકાકા કે નારાયણભાઈથી અલગ તરાહમાં પણ ગાંધીવિચારનો વારસો જાળવવા-જીવવાની જુસ્તજૂમાં મ.જો.(અવસાન : ૬-૮-૨૦૧૫)નું કાર્ય વિદ્યાપીઠની શૈક્ષણિક પૃષ્ઠભૂ પર એક સીમાચિહ્ન દાખલા લેખે નોંધી શકાય. શાળાજીવનમાં સ્વામી રામતીર્થ જેવા સંત અધ્યાપકના જીવનચરિત્રના વાચનથી શરૂ થયેલી સફર કૉલેજના પગથિયે રવિશંકર મહારાજનો ભેટો કરાવે ને એ મુલાકાત એક જ રાતમાં યુનિવર્સિટી શિક્ષણ અને તેની સ્કોલરશીપ છોડી યુવાન મ.જો.ને વિદ્યાપીઠ શિક્ષણ મેળવવાના નિર્ણય તરફ દોરી જાય એ તેમના સ્તરે તો તેમનું મહાભિનિષ્ક્રમણ જ ગણવું રહ્યું. અને એ જ યુવાને ગૂજરાત વિદ્યાપીઠમાં પારંગતપણું મેળવવા તૈયાર કરેલા નિબંધને પંડિત સુખલાલજી જેવા આર્ષદૃષ્ટા પીએચ.ડી. સમકક્ષ ગણાવે તે વિદ્યાપીઠને સારુ, ખુદ મ.જો.ને સારુ કે બંનેને સારુ એકસમાન શિરપાવ જ ગણી લ્યો જાણે. વિપરિત પરિસ્થિતિમાં પણ ધૈર્ય જાળવી રાખીને માતૃસંસ્થા પ્રત્યેની અડગ નિષ્ઠા, કર્તવ્ય અને કર્તૃત્વભાવ જાળવતા મ.જો. આલેખિત ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ સાધિકાર અને એથી અધિકૃત બની રહે છે. તો નઈ તાલીમ શિક્ષણ વિશે ગાંધીજીનું શિક્ષણદર્શન (અંગ્રેજીમાં Gandhi on Education અને હિન્દીમાં गांधीजी का शिक्षा दर्शन) ના બરનું સંપાદન આજની તારીખે ય દેશભરમાં અગ્ર સ્થાને બિરાજે.
મ.જો.એ આત્મકથાના બહાને, પોતાને સાંપડેલા સંતોની છાયામાં ગુજારેલાં વર્ષોનાં સંસ્મરણો કહેતા પુસ્તકની બીજી આવૃત્તિમાંથી ટૂંકાવેલી પ્રસ્તાવના અને નારાયણભાઈની ‘સત્સંગની લહાણી’ ‘નિરીક્ષક’ના વાચકો જોગ …
સંત સેવતાં સુકૃત લાધે / બિપિન પટેલ
મ.જો. પટેલે એમના આત્મવૃત્તાંત ‘સંતોની છાયામાં’ પુસ્તકની પ્રસ્તાવના લખવા કહ્યું, ત્યારે મારો પહેલો પ્રતિભાવ એ હતો કે, મ.જો. ગાંધી વિચારના જાણીતા અભ્યાસી અને હું ગાંધીથી આકર્ષાયેલો ખરો પરંતુ એવો ઊંડો અભ્યાસી નહીં. તો પછી કયા અધિકારથી આ પુસ્તકની પ્રસ્તાવના લખું! સ્વજનના નાતે? એમને અત્યંત નજીકથી ગાંધીવિચારને અમલમાં મૂકતા, એ પ્રમાણે જીવવા મથતા જોયા છે, તેથી મને વિચાર આવ્યો કે, એમની ઉંમરને કારણે કદાચ આ છેલ્લા પુસ્તક વિશે ટિપ્પણી કરવાને બદલે મારા મન, હૃદયમાં પડેલી એમની છબી જોઉં અને વાચકને બતાવું, એમની સાથે થયેલી વાતો ફરી વાગોળું એ ઉચિત ગણાય.
મારી પત્ની સુધા, એની બહેનો અને અમે પાંચે ય જમાઈઓ મ.જો. પટેલને ‘ભાઈ’નું સંબોધન કરીએ છીએ, તેથી મારા આ લખાણમાં પણ ‘ભાઈ’ તરીકે જ એમનો ઉલ્લેખ કર્યો છે, તો આ છે ભાઈની છબી.
૧૯૭૬નું વર્ષ, સચિવાલયમાં નોકરી મળ્યાને એક વર્ષ પૂરું થયું અને પ્રોફેસર થવાનાં સપનાં, અરે શિક્ષક થવાની ઇચ્છાને દાબીને સચિવાલયમાં જોડાઈ ગયો હતો. મનમાં ઊંડે-ઊંડે કૉન્ફિડન્સ હતો કે એક્સ્ટર્નલ પરીક્ષા આપીને પણ એમ.એ.માં સફળ થઈશ. પણ સંજોગોએ સચિવાલયમાં ફંગોળ્યો.
નોકરી મળ્યાને એક વર્ષ થયું હતું, … મારો આગ્રહ કમસે કમ ગ્રૅજ્યુએટ થયેલી છોકરીઓનો … મારા મનમાં હતું કે એકૅડૅમિક ફિલ્ડના સાથે ગોઠવાય તો સારું …
બરાબર હોળીના એકાદ અઠવાડિયા પહેલાં હેંડૂઆ ગામના હિન્દી શિક્ષક, મારા મિત્ર ઈશ્વરભાઈ પટેલ મારા દેવેન્દ્ર સોસાયટીના ઘેર મળવા આવ્યા. એમણે બા અને મારી સાથે વાત કરીઃ પિંઢારપુરા ગામના અને હાલ વિદ્યાપીઠમાં અધ્યાપક મારા વંદનીય ગુરુ મગનભાઈ જો. પટેલ, ગુજરાત એમને મ.જો. તરીકે ઓળખે છે. એમની દીકરી સુધા વિશે વાત કરવી હતી. બાએ ‘માસ્તરને?’ એવો ઉદ્ગાર કાઢ્યો. મેં બાને કહ્યું, પ્રોફેસર છે. બા કરતાં મારો ઉત્સાહ વધારે. તેથી મેં બાના જવાબની રાહ જોયા સિવાય ‘જરૂર મળીએ’ એવો ફેંસલો સંભળાવી દીધો. ઈશ્વરભાઈએ ધૂળેટીનો દિવસ નક્કી કર્યો.
સુધાના પિતરાઈ ભાઈ રામુભાઈને ઘેર મળવાનું નક્કી કર્યું હતું. હું વજુભાઈ અને મોટાભાઈ રામુભાઈના યુનિવર્સિટી ક્વાર્ટર પર પહોંચ્યા. એક પલંગના ખૂણે મોરારજી દેસાઈની જેમ ટટ્ટાર બેઠેલા મ.જો. પટેલ એટલે કે ભાઈને જોયા. ધોળો દૂધ જેવો ખાદીનો ઝભ્ભો અને ધોતી. જમણા હાથે ઝભ્ભાની બાંય પર ઘડિયાળ બાંધેલું. ચહેરા પર ગાંભીર્ય અને ચિંતા. ગાંભીર્ય વિદ્વત્તાનું પણ ચિંતા પાંચ દીકરીઓના બાપને હોય તેવી. ભાઈનું કુટુંબ ચોર્યાસીના ગોળનું, તેથી એમના વિસ્તારમાં બાળપણમાં જ છોકરીઓની સગાઈ કરી દેવાય. ભાઈ ગાંધીવિચારકની સાથે સુધારાવાદી પણ ખરા. ઈશ્વર-ધર્મમાં અપાર શ્રદ્ધા પણ વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો સામે કવિ નર્મદ જેવું વલણ. તેથી તો રામુભાઈ, ત્રિભોવનભાઈનાં બાળલગ્નમાં ધરાર ગેરહાજર રહેલા. પોતે જાણીતા શિક્ષણવિદ તેથી બધી દીકરીઓને સર્વોચ્ચ શિક્ષણ આપવાને પ્રાથમિકતા આપી અને લગ્નની યોગ્ય વયે જ લગ્ન વિશે વિચાર કર્યો. સુધા બી.એસસી. માઇક્રો ને એની ઉંમર ત્રેવીસ વર્ષ. ગોળમાં તો એની ઉંમરનો છોકરો શોધવાનું અઘરું અને ભાઈને ગોળબહાર યોગ્ય છોકરો હોય તો વાંધો નહીં. તેથી અમારું ગામ દેત્રોજ એમના ગોળબહારનું તેમ છતાં અમારી મુલાકાત ગોઠવાઈ.
… ભાઈએ મારા એમ.એ.ના અભ્યાસક્રમનાં પુસ્તકો, મારી નોકરી સહિત અસંખ્ય પ્રશ્નો મને પૂછ્યા, પરંતુ અમારા ઘર-કુટુંબ વિશે મને કે મોટાભાઈને ખાસ કશું ન પૂછ્યું. કારણ એમને મન તો મારો અભ્યાસ ને નોકરી જ મુખ્ય.
સુધાને મળ્યો ને એના વાચન, દર્શકની ‘દીપનિર્વાણ’, વિક્ટર હ્યુગોની ‘લા મિઝરેબલ’ અને શ્યામ બેનેગલની ફિલ્મ ગમવાની એની વાતથી પ્રભાવિત થયો. પણ વિશેષ પ્રભાવ તો ભાઈના ધીમા અવાજમાં શુદ્ધ અને ઉગ્રતાનો અંશ ન હોય એવી નિર્દંશ, નિર્મળ ગુજરાતી ભાષા અને એ પ્રોફેસર હતા તેનો પડ્યો.
ભાઈએ મોટાભાઈની મિલમાં નોકરી અને અમારું નાનકડું ઘર જોયા કે ગણતરીમાં લીધા સિવાય મારાં અને સુધાનાં લગ્ન માટે તરત હા પાડી.
* * *
સગાઈ પછી હું ભાઈના વિદ્યાપીઠ નિવાસે સુધાને મળવા અવારનવાર જતો. ઘરમાં બે આરામ ખુરશી, બંને દીવાલે પલંગ-ખુરશીની ગાદી, પલંગની ચાદર અને બારીઓના પડદા એમ કપડાંને નામે બધું ખાદીનું. એમનાં કપડાં પણ એમણે કાંતેલા સૂતરની આંટીઓના બદલામાં મેળવેલા કાપડનાં. આમ સાદગી, ખાદી અને શાંતિનું સામંજસ્ય એમના ઘરમાં જોયું એ મારે માટે નવો અનુભવ. વાતો પણ વેપારધંધાને બદલે ગાંધી, ધર્મ અને અધ્યાત્મની. એમને ત્યાં આવનારા પણ આદર્શઘેલા. ત્યાં જ પરિચય થયો શિવાભાઈ ગો. પટેલ, ઘેલુભાઈ નાયક, બબલભાઈ, રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજીનો. …
ભાઈ મહારાજની ઘણી વાતો કરતા. મેં એમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. નક્કી કરેલા દિવસે હું વિદ્યાપીઠ પહોંચ્યો. અમે જેવા બહાર નીકળ્યા કે બાનું ‘સાંભળો છો?’ સાંભળીને પાછળ જોયું. બાએ ભાઈને કહ્યું, ‘રોજની જેમ દોડ-દોડ ન કરતા. જમઈની હંગાથે હેંડજો પાછા.’ ભાઈએ ‘હં’ કહ્યું ને અમે નીકળ્યા. તે સમયથી મેં નોંધ્યું છે, ભાઈના પગની અને વિચારની ગતિ ક્યારે ય નથી અટકી. એમની તેજ ચાલ કંઈક ગાંધી પ્રભાવથી – એ સદાય ગાંધીમય રહ્યા છે – અને કંઈક ગ્રામીણ ઘડતર, કારણ ગામડાના લોકોની રગેરગમાં શ્રમ ટપકતો હોય છે. તેથી જ એમણે ત્રીસથી વધારે પુસ્તકો લખ્યાં છે.
સંતકોટિના વિદ્વાન પંડિતજીએ ભાઈના એમ.એ.ના નિબંધને પીએચ.ડી. કક્ષાનો ગણ્યો હતો, એનો ઉલ્લેખ ભાઈએ આ જીવનકથામાં કર્યો છે. પરંતુ ગાંધીએ સ્થાપેલી વિદ્યાપીઠે આંતરિક રાજકારણ, કોઈકના અહંકાર કે ભાઈ માટેની ઈર્ષાને કારણે કે પછી કોઈ અકળ કારણસર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત ન કરી, તેની ભાઈએ ન તો કદી ફરિયાદ કરી છે કે ન તો નારાજગી દર્શાવી છે આ જીવનકથામાં. એનું કારણ મને લાગે છે કે એ હશે કે ભાઈ સુખલાલજીની વિદ્વત્તાથી અંજાયા હતા પણ સંતપણું રવિશંકર મહારાજનું ગ્રહણ કરેલું. …
* * *
… ૧૯૭૭નું વર્ષ ભારતના રાજકારણ અને સમાજકારણ માટે પથદર્શક પુરવાર થયું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીના એકહથ્થુ શાસનના પ્રભાવ તળે કૉંગ્રેસ પક્ષે ૧૯૭૫માં કટોકટી લાદી હતી. આખા દેશના બુદ્ધિજીવીઓ અને પૂજાસમૂહ અને સવિશેષ ગુજરાતી પ્રજા કટોકટી સામે આંદોલને ચડેલી. છેવટે કૉંગ્રેસે ચૂંટણી જાહેર કરી ને કારમો પરાજય વેઠ્યો. નવી રચાયેલી જનતાપાર્ટીના પ્રમુખ નેતા મોરારજી દેસાઈએ પહેલી મે, ૧૯૭૭ના રોજ વડાપ્રધાનપદના શપથ લીધા. ત્યાર પછીના બે દિવસ પછી એટલે ત્રીજી મેના દિવસે એમની ગુજરાત મુલાકાત નક્કી થયેલી.
એમની વડાપ્રધાન તરીકે ગુજરાતની પ્રથમ મુલાકાતનો દિવસ એ અમારો લગ્નદિવસ. ભાઈને મોરારજીભાઈ સાથે કંઈક પરિચય, તેથી વિદ્યાપીઠ પરિવારના કુટુંબીજન તરીકે અમને આશીર્વાદ આપવા મોરારજીભાઈને નિમંત્રણ આપ્યું. એમના અંગત સચિવ સાથે કન્ફર્મ પણ કર્યું હતું. અમે ચારે ય વરઘોડિયા અને કુટુંબનાં બધાં ઉત્સાહિત. લગ્નના થોડા દિવસ પહેલાં લગ્ન આયોજનની એક બેઠક વખતે હું વિદ્યાપીઠ જઈ ચડ્યો. ભાઈના સાથી અધ્યાપકો ચર્ચા કરતા હતા. પ્રો. અરવિંદભાઈ ભટ્ટે મને કહ્યું, ‘જમાઈબાબુ, મોરારજીભાઈના આશીર્વાદ લેવા હોય તો ખાદીનો ડ્રેસ સિવડાવી લેજો, નહીં તો મોરારજીભાઈ આશીર્વાદ નહીં આપે.’ મારા મનમાં સૂઝેલો જવાબ,‘તો કંઈ વાંધો નહીં’, એ ભાઈ માટેના આદરભાવને કારણે ન આપ્યો. મને મૂંઝાયેલો જોઈને ભાઈએ કહ્યું, ‘તમને ગમે તો સિવડાવજો.’ મને તત્કાલ તો રાહત થઈ, પણ ઘેર જઈને વિચાર આવ્યો કે જે માણસ ગાંધીભક્ત છે, ખાદીવસ્ત્ર નહીં વિચારથી આગળ વધીને ખાદી પૂર્ણતઃ અપનાવી છે, જેમને મોરારજીભાઈના સત્યાગ્રહી અને સત્યાગ્રહી સ્વભાવની અને વિદ્યાપીઠમાં એમના સર્વોચ્ચ સ્થાનની ખબર છે, તેમણે એમનો વિચાર મારા પર લાદવાને બદલે મારું સ્વાતંત્ર્ય કેમ બરકરાર રાખ્યું હશે? એમને એવો ડર નહીં હોય કે મોરારજીભાઈને ખબર પડે ને એ ઠપકો આપે તો? મને લાગે છે ગાંધીના રંગે સંપૂર્ણ રંગાયેલા ભાઈ ગાંધીથી આગળ હતા, એમ કહીશ તો એમને નહીં ગમે. પણ એ નોંધવું જોઈએ કે ભાઈ ગાંધીથી જુદા હતા. ગાંધીમાં હંમેશાં નહીં પણ ક્યારેક એમના વિચારો સ્વીકારવા માટેનો આગ્રહ આપણને જોવા મળે છે. ભાઈએ એમનાં કુટુંબીજનોમાં, દીકરીઓ, જમાઈઓ, ભત્રીજાઓ પર ક્યારે ય એમના વિચારો લાદ્યા નથી. તેથી તો સુખદેવ-આનંદી સિવાયનાં કોઈએ સંપૂર્ણપણે ખાદી અપનાવી નથી, તે બાબતે ભાઈએ ક્યારે ય નારાજી નથી બતાવી. આમ, ઔદાર્ય એ ભાઈનો વિશેષ ગુણ રહ્યો છે. હા, એ વાત ખરી કે બધી બહેનોએ ભાઈ માટેના અપાર પ્રેમને કારણે લગ્નવિધિ સમયે પાનેતર ખાદીનું પહેર્યું હતું. તે રીતે લગ્નના દિવસે સુધા અને ભારતીએ પણ ખાદીનાં પાનેતર પહેરેલાં અને મેં અને ભરતે મિલનાં વસ્ત્રો અને વધારામાં ટાઈ પણ ખરી!
અમારાં લગ્નમાં ભાઈએ એક નવતર નજરાણું જાનૈયાઓને આપ્યું હતું તેનો ઉલ્લેખ કર્યા સિવાય ભાઈ વિશેની વાત અધૂરી રહે. ભારતીય સાહિત્યમાં લગ્નને, લગ્નજીવનને ઉત્તમોત્તમ બનાવવા માટેના પાર વગરના સંદર્ભો પડ્યા છે. ભાઈએ એ ખજાનામાંથી ભારે મહેનત કરીને રત્નો શોધી એનું સંપાદન કર્યું ‘ધન્યો ગૃહસ્થાશ્રમ’ નામે. ફાધર વાલેસે લખેલ ‘લગ્નસાગર’ પછીનું આ મહત્ત્વનું પુસ્તક. પુસ્તકની પ્રસ્તાવનામાં રવિશંકર મહારાજે અમને ચારેયને આશીર્વાદ આપતો અવિસ્મરણીય પત્ર લખ્યો છે. આ પુસ્તક સર્વ જાનૈયાઓને ભેટ આપ્યું, ત્યારે ‘શીખ’નાં કવર મેળવવા ટેવાયેલાં સહુએ ગણગણાટ કર્યો. પણ ભાઈએ પાડેલા જુદા-જુદા જ ચીલાને અંતે સહુએ વખાણ્યો. અમારા લગ્નજીવનમાં ટકી રહેલી મધુરતામાં ‘ધન્યો ગૃહસ્થાશ્રમ’ પુસ્તકે ઊંજણ પૂર્યું છે.
* * *
ભારતના પ્રત્યેક રાજપુરુષને રાજકીય સિદ્ધિ મેળવ્યા પછી વિચારક કે સાહિત્યકાર તરીકેની છાપ પ્રજામાં ઊભી કરવામાં રસ હોય છે. અટલબિહારી વાજપેયી કે વી.પી. સિંહ જેવા કેટલાક રાજપુરુષો આરંભથી જ કવિ હતા, તેથી એમની એ છાપ ઊભી થઈ તે યોગ્ય જ હતું. પરંતુ હમણાં કેટલાક રાજકારણીઓ હોદ્દાને કારણે કવિ કે ચિત્રકાર તરીકે પ્રોજેક્ટ થયા છે, એની સહુને ખબર છે.
મોરારજીભાઈ ભારતીય સંસ્કૃિત અને ધર્મના ઊંડા અભ્યાસી. એમણે આત્મકથા લખી છે, તેથી લખવાની ફાવટ પણ ખરી. પરંતુ વડાપ્રધાન થયા પછી એમને જગતના ધર્મો, સંપ્રદાયો અને સંતો વિશે પ્રવચનો આપવાનો વિચાર આવ્યો. પોતાની રીતે એ પ્રવચન આપી શક્યા હોત, પરંતુ વિદ્યાપીઠના કુલનાયકશ્રીએ ભાઈને પ્રવચનો તૈયાર કરવા જણાવ્યું. ભાઈ ઉજાગરા વેઠી દર વર્ષે મોરારજીભાઈનાં વ્યાખ્યાનો તૈયાર કરતા. મોરારજીભાઈનાં એ પ્રવચનો બહુ વખણાયાં અને વર્તમાનપત્રોમાં પ્રગટ પણ થયાં. પણ ભાઈએ ખાનગીમાં કે જાહેરમાં ક્યારે ય આ બાબતે બડાઈ નથી હાંકી. આ ઘટના વિશે અમારાં કેટલાંક કુટુંબીજનો અને એમના મિત્ર અધ્યાપકો સિવાય કોઈ ન જાણે. આમ, ભાઈ પણ રવિશંકર મહારાજની જેમ મૂકસેવક. પદ, પ્રતિષ્ઠા કે નામની ખેવના સિવાય એમણે આખું જીવન કામ કર્યા કર્યું છે.
ભાઈ ગાંધીવિચારના અભ્યાસી, વિચારક, ભક્ત, જે હશે તે પણ કાળક્રમે ગુજરાતમાં અને ગુજરાતબહાર ગાંધીવિચારના વિદ્વાન તરીકે જાણીતા થયા. તેથી જ તો દિલ્હીની N.C.T.E.. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન સંસ્થાના ચૅરમેન શ્રી જે.એસ. રાજપૂતે ભાઈને ગાંધીજીના શિક્ષણનાં તમામ પાસાંને આવરી લેતું એક પુસ્તક ‘ગાંધીજીનું શિક્ષણ દર્શન’ અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં સંપાદિત કરી આપવા વિનંતી કરી. આનો ઉલ્લેખ ભાઈએ આ પુસ્તકના ‘મારું સાહિત્ય સર્જન’ પ્રકરણમાં કર્યો છે.
* * *
કેન્દ્રમાં ભા.જ.પ. સરકાર હતી, તે વખતની વાત છે. સંસદમાં શાળા-કૉલેજોમાં લશ્કરી તાલીમ આપવાનો એક પ્રસ્તાવ આવ્યો. વિપક્ષે આ બાબતમાં ગાંધીજી શું માનતા હતા તેની પૃચ્છા કરી. એ વખતના કેળવણી પ્રધાન શ્રી મુરલી મનોહર જોષીએ N.C.T.E.ના ચૅરમેન શ્રી રાજપૂતને બે દિવસમાં એ અંગેની માહિતી પૂરી પાડવા નોટિસ મોકલી. શ્રી રાજપૂતે એમના માણસોને દિલ્હીની ગાંધીવાદી સંસ્થાઓ-ગાંધી પીસ ફાઉન્ડેશન, ગાંધીસ્મારક નિધિ વગેરેમાં તપાસ કરાવી, પણ કોઈ એ માહિતી શોધી આપી શક્યું નહીં. એ વખતે જાણીતા કેળવણીકાર શ્રી રવીન્દ્ર દવે શ્રી રાજપૂત પાસે હતા. શ્રી રવીન્દ્ર દવેએ શ્રી રાજપૂતને કહ્યું : તમે બધા પ્રયત્નો છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં મગનભાઈ પટેલનો ફોનનંબર મેળવી એમની સાથે વાત કરો. એ અવશ્ય આ માહિતી શોધી આપશે. શ્રી રાજપૂતે વિદ્યાપીઠમાંથી ભાઈનો ફોનનંબર મેળવી ભાઈ સાથે વાત કરી અને શાળા-કૉલેજોમાં લશ્કરી તાલીમ બાબતમાં ગાંધીજી શું માનતા તે તાકીદે શોધી આપવા વિનંતી કરી. ભાઈએ પણ પ્રથમ તો ગાંધીજીના અક્ષરદેહના સો ગ્રંથોમાં એ માહિતી ક્યાં હશે તે શોધવું મશ્કેલ છે એમ કહ્યું, છતાં ચારેક વાગ્યે ફોન કરવા જણાવ્યું. આ વાતચીત થયા પછી અડધા કલાકમાં ભાઈએ એ માહિતી શોધી કાઢી. બરાબર ચાર વાગ્યે શ્રી રાજપૂતના સેક્રેટરી શ્રી ભટ્ટનો ફોન આવ્યો. ભાઈએ એ માહિતી કયા નંબરના ગ્રંથમાં કયા પાન પર છે તે લખાવ્યું. સમયસર માહિતી પૂરી પાડવા માટે શ્રી રાજપૂતે ભાઈનો આભાર માન્યો.
* * *
પ્રસિદ્ધ કવિ, વિવેચક ઉમાશંકર જોષી વર્ગને સ્વર્ગ કહેતા તે ઉક્તિ ભાઈને બરાબર બંધ બેસે. ભાઈ વિદ્યાર્થીઓને એમનાં સંતાનો જેટલું ચાહે. રેગ્યુલર વિદ્યાર્થીઓના મનહૃદયમાં ભાઈનું સ્થાન ઊંચું. વૅકેશનમાં ગાંધીદર્શનનો સર્ટિફિકેટ કોર્સ કરતા મોટી ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે, ત્યારે એમનામાં એવા ઓતપ્રોત થઈ જતા કે વૅકેશનમાં પણ બા અને દીકરીઓ માટે સમય ફાળવી શકતા નહીં. એમણે વહેંચેલા જ્ઞાનથી સમૃદ્ધ બે-ત્રણ પેઢીઓ ગુજરાતની કોઈ પણ આશ્રમશાળા અને વિદ્યાપીઠમાં આજે પણ મળી આવે. એમના અનેક વિદ્યાર્થીઓ આજે પણ ભાઈને મળવા આવે ત્યારે આર્દ્ર થઈ જાય છે. એમનો ગાંધી-અભ્યાસ સતત ગતિશીલ રહ્યો છે, કારણ હિંદી અને અંગ્રેજીમાં પ્રગટ થતાં ઘણાં પુસ્તકો વાંચવાનો એમનો સિલસિલો ચાલુ રહ્યો છે. હું ક્યારેક કોઈ વિવાદાસ્પદ પુસ્તક તરફ ધ્યાન દોરું તો એ હંમેશની જેમ કહે : ગાંધી મહાપુરુષ હતા. મહાપુરુષને ખંડિત રીતે ન મૂલવાય. સમગ્ર રીતે મૂલવાય. બીજી વાત, ગાંધીનો કોઈ પણ વિચાર એમનાં અન્ય લખાણોના સંદર્ભ સાથે વાંચીએ તો જ એમની વિચારણાના અર્ક સુધી પહોંચી શકાય. હું એમને એમની આ સમજ શબ્દબદ્ધ કરવા વીનવતો, પણ ભાઈ વિવાદથી દૂર રહેતા. એ કહેતા કે વિવાદ કરવાથી ગાંધી વિશેની સમજમાં વૃદ્ધિ નહીં થાય, કોઈને ક્લેશ થશે. એના કરતાં ગાંધીને વિશેષ સમજવામાં સમય પસાર ન કરું ?
* * *
ભાઈનું ચરિત્ર મેનાબાના ઉલ્લેખ વગર અધૂરું રહે. સ્વભાવ અને જીવન પ્રત્યે તદ્દન જુદો અભિગમ છતાં બંને અભિન્ન, એકબીજાંનાં પૂરક અને આજ સુધી બંનેનો એકબીજાં માટેનો અનર્ગળ વહેતો રહેલો પ્રેમ અમે સહુએ જોયો છે. … ભાઈ સાથેના મારા અન્ય અનુભવો, ભાઈ પાસે સાંભળેલી એમની વિદ્વત્તાની વાતો, એમના મિત્રોને મોઢે સાંભળેલી એમની સજ્જનતા, શાલીનતાની વાતો, એમના ત્યાગ અને સહનશીલતાની વાતો, બધી બહેનો અને સાઢુઓએ ઝીલેલી ભાઈની છબી જો પ્રતિબિંબિત કરું તો પૂર્ણ જીવનચરિત્ર લખી શકાય. ક્યારેક લખવાનો ઇરાદો પણ છે. પણ આટલી વાતોથી ભાઈનું રેખાચિત્ર દોરાયું હોય, વાચકો ભાઈના વ્યક્તિત્વનો આછોતરો અણસાર પામી શકે તોપણ મારા માટે ઘણું છે. …
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 10-12
••••••••••••••••••••••••••••••
સત્સંગની લહાણી / નારાયણ દેસાઈ
આટલા ટૂંકા ચએક વર્ષથી પણ ઓછા ગાળામાં શ્રી મ.જો. પટેલની ‘સંતોની છાયામાં’ની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે એ આનંદની વાત છે. એમ તો આ નાનકડું પુસ્તક લેખકની આત્મકથાના સ્વરૂપે લખાયું છે. પહેલી આવૃત્તિના પ્રાસ્તાવિકમાં લેખકના જમાઈ આશંકા પ્રગટ કરે છે કે કદાચ આ લેખકનું છેલ્લું પુસ્તક હોય; ખુદાના ખાસ્તા, પરંતુ આ પુસ્તક સામાન્ય પરંપરાગત અર્થમાં આત્મકથા નથી. આ પુસ્તક ખરું કહો તો સત્સંગની લહાણી છે. એનો વિષય કાળની સીમાને ઓળંગી જાય છે. તેથી એને પહેલું કે છેલ્લું કહેવાની જરૂર નથી. સત્સંગ ભલે કોઈ એક કાળ કે દેશનો હોય, સંતોની સંગતિને દેશકાળમાં મર્યાદા સીમિત કરતી નથી.
આ પુસ્તક એક મૂક સેવકે, એમના જ શબ્દોમાં, ‘પૂર્વજન્મના કોઈ સંસ્કારને કારણે કેટલાક સંતોના નિકટ સંસર્ગમાં આવવાનું મળ્યું તેની કથા છે.’ સંત ચરણરજ સેવતાં સેવકની સરળ અને અનલંકૃત શૈલીમાં વર્ણવેલી કથા. લેખકે એવો કોઈ પણ પ્રકારનો દાવો નથી કર્યો છતાં સત્સંગની લહાણી કરતાં કરતાં જ માત્ર સંતોની કાયિક, વાચિક કે માનસિક સેવા કરવાથી સેવકના પિંડનું પણ સંતોના પારસ-સ્પર્શે કેટલું સહજ રીતે ઘડતર કરી દીધું છે તેની આ કથા છે. ગામની વિધવા લુહાર ખેમીમાને સત્સાહિત્ય વાંચી સંભળાવતો કિશોર, લેખક વિઠ્ઠલદાસ કોઠારીના વિલનો સુચારુ રીતે વહીવટ કરનાર અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વતી ટાઢે ઠરતા શરણાર્થીઓ સારુ તંબુઓની તત્કાળ વ્યવસ્થા કરનાર વિશ્વાસપાત્ર સાથી બને છે, એ મ.જો.ની અંતરકથા છે. એમની દેખીતી કથા તો રવિશંકર મહારાજ, જેમની સેવામાં લેખક ગાંધીની સેવાનો અનુભવ કરે છે, તેમની કરુણા વહાવતી ગંગા અને તેમાં મળતી કે તેમની જોડે ચાલતી અનેક સંતોની પાવનકારી સત્સંગધારામાં સ્નાન કરાવી વાચકને પાવન કરતી કથા છે …
જ્યારે પ્રસાર માધ્યમો જૂજ હતાં ત્યારે મુખ્યત્વે સંતોએ પોતાના આચરણને જ પ્રસારનું મુખ્ય માધ્યમ બનાવ્યું. તેમનું તેવું જ બીજું પ્રબળ સાધન પદયાત્રાઓનું. આ યાત્રાઓએ દેશની એકાત્મકતાની સાધનામાં જબરદસ્ત ફાળો આપ્યો. આ સંતોએ પોતાના સમાજના વિભાજક તત્ત્વોએ મટાડવાનો આજીવન પ્રયાસ કર્યો.
મુખ્યત્વે રવિશંકર મહારાજના ચરણ તેમણે ચમ.જો.એ સેવ્યાં છે અને તેમાંથી અન્ય સંતોનો ભેટો તેમને અનાયાસ થયો છે. ગાંધીને તેમણે જોયા નથી. પણ ગાંધીને તેમણે અનુભવ્યા છે. કોઈ દાવો એમણે કર્યો નથી. દાવો કરવો એ એમના સ્વભાવમાં જ નથી. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું છે કે, ‘આ પુસ્તક લખવામાં મને એક પ્રકારની શાતાનો અનુભવ થયો છે.’ મારા પોતાના લગભગ આ જ પ્રકારના અનુભવને આધારે કહી શકું છું કે આ શાતા સત્સંગતિની શાતા છે. આ ગ્રંથના વાચકો પણ ‘સંતોની છાયામાં’ વાંચતાં સંત જ્ઞાનેશ્વર સાથે ગાઈ શકશે કેઃ
સંત સંગી બ્રહ્માનંદુઝાલા રે !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 11