મુઠ્ઠી ઊંચેરા એક અાદર્શ, મહેન્દ્ર મેઘાણીએ, અબીહાલ, ફેર સંભારી અાપેલું, ઉમાશંકર જોશીનું એક અવતરણ, અામ, બોલે છે : –
‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’
°
અા યાત્રાને અઢાર વર્ષ થયા. અને સહસા, દલપતરામ સાંભરે છે. એ કહે જ છે ને : ‘અન્યનું તો એક વાંકું અાપનાં અઢાર છે.’ ! … અા અઢાર શબ્દ મહત્ત્વનો છે. ભગવદ્ગોમંડલ અનુસાર, સંસ્કૃત સાહિત્યમાં 18ની સંખ્યા બહુ ઠેકાણે છે. મહાભારતનાં 18 પર્વ; મહાભારતમાં 18 અક્ષૌહિણી સૈન્ય; 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું; ગીતાના 18 અધ્યાય; 18 પુરાણ; 18 સ્મૃિત … અારંભથી કેટલાક ‘અઢાર બાબુઅો’ પોતાના ‘અઢાર વાંકા …’ છતા કરતા રહ્યા; પણ તેમને ચાતરતાં રહી, પોતાને કેડે હીંડતા રહેવાને કારણે, માંહ્યલો સતત મગન રહ્યો. ટૂંકમાં, અા જાતરા સુખરૂપ રહી.
વારુ, પહેલાં પંદર વરસ મુદ્રણ અવસ્થામાં ગયા, તે પછીના ત્રણ વરસ ડિજિટલ અવતારે વિસ્તાર પથરાયો, અને હવે, વેબપેઇજ ક્ષેત્રે પ્રવેશી જઈએ છીએ. અા એક નવો ઉઘાડ હશે. વિશાળ પટ અને અનેકાનેક અજબગજબના પડકારો. તેનું સ્વાગત જ હોય. દરમિયાન, નિજી પરિવારવૃંદ સમેત, અારંભથી કેટકેટલાં સાથીસહોદરો, લેખકગણ, અને તેમાં ય ગુજરાતીલેક્સિકૉનના સરસેનાપતિથી માંડીને તેની સેનાએ મનસા-વાચા-કર્મણા હૂંફ અાપ્યા કરી છે. અને તેને કારણે અત્યાર સુધીનો અા પ્રવાસ સુખાન્ત જ અનુભવે છે. ધન્યતા અનુભવાય છે.
અા પ્રવાસ બીજી ઘણી રીતે મીઠો લાગ્યો છે : જૂઅો ને, કેટકેટલાં પુસ્તકો અા સામયિક વાટે પ્રગટ થયાં. દેશપરદેશના કેટકેટલાં કલમીઅોએ પોતાની ધાર સજીને કલમ મજબૂત કરી જાણી છે. તેમાંના અાજે મજબૂતપણે પોતાની ગતે માનભેર હીંડ્યા જ કરે છે. અાનંદની જ અવધિ.
ભલે, કનૈયાલાલ મુનશીએ કહ્યું હોય, ‘પણ ગુજરાતને સીમાડા નથી. … ‘ હકીકતે, સાંપ્રત ગુજરાતે પોતાના સીમાડા જડબેસલાક જ કર્યા છે. તેની સંસ્થાઅોએ, તેના વિદ્યાધામોએ, તેના અાગેવાનોએ એકાંતિક વલણ જ અાગળ કર્યું છે. અા નિષિદ્ધભાવને સતત પડકારવાનું કામ “અોપિનિયન” કરતું અાવ્યું છે. મુનશી કેવી ગરવાઈથી, 1937માં, કરાચી સાહિત્ય પરિષદમાં, અાપણને કહેતા હતા : ‘ગુજરાત અાજે જીવંત વ્યક્તિ છે કારણ કે અાપણા અાચાર ને વિચારો ‘ગુજરાતીતા’ની ભાવનાથી પ્રેરાયા અાવે છે. જ્યાં જ્યાં ગુજરાતીઅો વસે છે ત્યાં ત્યાં ભાવનાના નિર્ણયાત્મક પ્રાબાલ્યથી પ્રેરાઈ તેઅો બુદ્ધિપૂર્વક ભેગા મળે છે અને અામ ભવિષ્યનું સંકલ્પજન્ય ગુજરાત જન્મે છે.’ અા મુનશી સવાશતાબ્દીનું વરસ છે. અાપણે તો, ભઈલા, પોપટવાણીમાં પારવધા છીએ. તેમાં રાતદી રત રહી, ક્રિયાકાંડરૂપે અા મુનશી દીધું, લખ્યું બધું જપમાળે રટણ કરવાના જ છીએ; પણ, હકીકતમાં, છેવટે, સઘળું ખંખેરી કાઢી, ફરી પાછા, ખુદને જ કેન્દ્રમાં માણેકથંભની જેમ અારોપી, પોતાના ખેલમાં ગરકાવ થઈ જવાના !
જગતના વિવિધ ડાયસ્પોરાઅોમાં, ગુજરાતીઅોનો ય એક મોટોમસ્સ ડાયસ્પોરા છે. અા જમાતને ય પોતાના અનુભવો છે, પોતાનો ઇતિહાસ છે, પોતાની નબળાઈ-સબળાઈ પણ છે. તેના વિધવિધ પાસાઅોની સબળ વાત “અોપિનિયને” તેનાં પાનાંઅોમાં સતત કીધી છે. હજુ કહેતું રહેશે. ભીખુ પારેખ, ચંદ્રકાન્ત બક્ષી પછી, અા ક્ષેત્રે, “અોપિનિયન”નાં કામો ગૂંજે છે. અા તેની મહદ્દ દેણગી બની છે. ઇતિહાસ તેની ગવાહી પૂરશે.
26 માર્ચ 2013 "અોપિનિયન" અંકના 32-33 પાન પર, અબીહાલ, ફેઇસબુકના પાના પર ‘ડાયસ્પોરા’ અંગે જે ચર્ચા ચાલી તે શબ્દસહ લીધી છે. તેમાં જોડણી, વાક્યરચના કે વ્યાકરણ બાબત મીનમેખ કોઈ ફેરફાર કર્યો જ નથી. વાંચજો. વિચારજો. વાગોળજો. અાપણા એક અગ્ર કવિ, અનિલ જોશીએ, ચર્ચામાં સામેલ બની, કહ્યું છે : ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે. ગુજરાતીના અધ્યાપકોની નવરાશની પ્રોડકટ છે. આપણે સહુ પૃથ્વીના ગ્રહ ઉપર માઈગ્રેટ થયેલા વસાહતીઓ જ છીએ. અમેરિકા હોય કે પછી યુરોપનો કોઈ પણ દેશ હોય એમાં રહેતો કવિસર્જક વિદેશી હોતો નથી, જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે. સંતરાને સફરજન ન હોવા બદલ ઠપકો અપાય નહિ.’
અનિલ સાહેબને પૂછવા મન છે : તમે કયા અાધારે કહો છો કે ‘ડાયસ્પોરા સાહિત્ય એ તૂત છે’ ? કઈ શાસ્ત્રીય રીતરસમ, ભલા, તમે અાધારે લીધી છે ? કહેશો ? ‘તૂત’ માટે સાર્થ ગૂજરાતી જોડણીકોશ ‘બનાવટી વાત; જૂઠાણું; ગપ. (૨) તરકટ; પ્રપંચ; જાળ (૩) ચેષ્ટા; નખરાં’ અર્થ અાપે છે. એમને કયો અર્થ અભિપ્રેત હશે ? કોણ કહેશે ? એમણે અને એમના સરીખાએ કયું ‘ડાયસ્પોરિક‘ સાહિત્ય વાંચ્યું ? તેનો કેવો અભ્યાસ કર્યો ? ક્યાં છે તારણ ? કે પછી દેખીતા કોઈ કારણે, સાહેબ, તમે પૂર્વગ્રંથિને ઊલેચવાનો અાદર કર્યો છે ? ગુજરાતીઅો વિવેકબૃહસ્પતિ હોવાનું કહેવાય છે. તેથી, મશાલ લઈ ઘૂમતાફરતા અનિલ જોશી જેવા સાહિત્યકાર પાસે અાવી અપેક્ષા ન જ હોય. ‘જેને ઘરઝુરાપો લાગતો હોય તો ભલે લાગે’ જેવી વાત પણ તેમનાં લખાણમાં લગીર શોભતી નથી.
ભરત ત્રિવેદી, સંજુ વાળા, ચિંતન શેલત જેવાઅોએ જે દલીલ માંડી છે તેમાં ક્યાંક ઇશારો સૌરાષ્ટૃ યુનિવર્સીટીના ગુજરાતી વિભાગ સામે અને ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યને નામ પાટલો નાંખતા બળવંત જાની સામે હોય તો ય નવાઈ નહીં. એમણે કરેલાં અા સંપાદનો શાસ્ત્રીય ઢબે તપાસીએ તો દીવા સમ દેખાશે કે મહદ્દ કામ ડાયસ્પોરિક નથી જ નથી. પરંતુ એ માણસે કંઈક તો કર્યું છે ! … કાશ ! અા ચર્ચામાં સામેલ લોકોએ ઋતુલ જોશી અને પંચમ શુક્લે અાપી વિગતો ધ્યાને જોઈવાંચી હોત, તો … વૃદ્ધિ થવા પામી હોત !
દલિત સાહિત્યને, નારીવાદી સાહિત્યને, અનામત સાહિત્યને, અાદિવાસી સાહિત્યને, ડાયસ્પોરિક સાહિત્યને મુખ્ય પ્રવાહમાં એકરૂપ બની વહેવું જ છે. પરંતુ તે માટેનો માર્ગ ‘અૅસિમિલેશન’નો નહીં હોય; વિવિધતા સાથે એકતાનો હોય. અા અંકમાં દીપક મહેતાના અભ્યાસ અાધારિત લેખો સામેલ છે. સાહિત્યના ધૂરિણોએ ત્યારે ય વહેરોવંચો રાખ્યો જ હતો ને. તો અાજે ય તે ઘરેડમાં ધપતા રહેતા અા મામકા: પોતાની નાતમાં અન્યને સામેલ કરે, તે કામ કેવી રીતે બનશે ? હજુ ઘમંડ રાસડા લે છે.
મુનશી સવાશતાબ્દી અવસરે, મુનશીના લખાણો પકડીને એમણે સ્થાપી સંસ્થામાં અા વિશે વિષદ વાદ-સંવાદ અાદરી શકાય. એમણે શરૂ કરેલા “સમર્પણ”માં, ભૂલ્યો, અાજના “નવનીત – સમર્પણ”માં ય, અા બાબત ઘટતું પ્રગટ કરી શકાય. અનિલ જોશી અને મંડળીએ અાવું અાવું કામ કરવું રહ્યું.
અાપણા એક શિરમોર નર્યા કવિ રાજેન્દ્ર શાહની એક કવિતા છે : ‘શોધ’.
કવિની પેઠે અાપણી ય શોધ જારી છે :
હું જેની કરું શોધ આ લોકમેળે,
ન ક્યાંયે હજી એની ઝાંખી જણાતી.
જરા કૈંક આભાસ હો બોલચાલે,
નજર આ નિકટ દૂર રહેતી તણાતી.
અહીં હોય ના એવું યે શક્ય છે ના,
ઉરે તોય શંકા-કુશંકા વણાતી.
સમી સાંજની આ પ્રલંબાય છાયા,
લહું મેદનીને બધેથી છણાતી.
પગે ભાર, બેસું જઈ એક ધારે,
કરે અંધકારે ગ્રહી એ અણાતી.
દરમિયાન, અાપણા એક વિચારશીલ સંપાદક અને કવિ, યોગેશ વૈદ્યે, 1 માર્ચ 2013ના “નિસ્યંદન”માં લખ્યું છે, તેમાં, વાચક દોસ્ત, તમને દરેકને ભાગિયા કરવા મનસૂબો રાખ્યો છે. લો, વાંચો, વાગોળો :
‘હમણાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવ્યો અને ગયો. આ નિમિત્તે કેટલાક વિચારો આવ્યા, પ્રશ્નો ઉદ્દભવ્યા આપણી માતૃભાષા વિશે, આપણા સાહિત્ય વિષે – તે અહીં ઉતારું છું.
‘કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા જાણ્યું કે બંગાળમાં આજે પણ રવીન્દ્રકવિતાની કોઈ સભા ભરાય છે ત્યારે કવિવર ત્યાં સાક્ષાત્ હાજર છે તેવી ભાવના સાથે મંચ પર એક સ્થાન ખાલી રાખવામાં આવે છે. એટલું જ નહીં કવિવર માટે વાણીકુમાર રચિત ત્રણ ગાન – રવીન્દ્રવંદના, રવીન્દ્રસ્તુિત અને રવીન્દ્રપ્રશસ્તિ ગાવાનો પણ ત્યાં રિવાજ છે. આપણે ત્યાં કોઈ કવિને આ સન્માન ક્યારે મળશે ? જાહેર સ્થળો, સંસ્થાઓમાં કવિઓના ફોટા નજરે ચડે છે ક્યાં ય ?
‘આપણે સહુ જાણીએ છીએ કે માત્ર કવિતા જ તેની લયાત્મકતા અને વ્યંજનાત્મક લાઘવને લઈને કોઈપણ ભાષાના વહન–વિસ્તરણ માટેનું એક પ્રબળ માધ્યમ બની રહેવાની શક્યતા ધરાવે છે. તે હાલરડું હોય કે પછી ખંડકાવ્ય હોય. તો, પ્રશ્ન થાય કે આપણી ગુજરાતી કવિતાનો વાચકવર્ગ કેવડોક છે ? જવાબ કડવો છે … કુલ ગુજરાતીભાષીઓનો માત્ર 3.5 % થી લઈને 5% સુધીનો વર્ગ જ તેની માતૃભાષાની કવિતા વાંચે છે ! અને તે પણ સત્તર વાડાઓમાંથી ટિપાઈને, વટલીને આવતી કવિતા ! આ અતિ પાતળા વાચકવર્ગમાં જ ઢબઢબીને રહી ગઈ છે આપણી સાહિત્યિક દુનિયા. સહુને પોતપોતાના પના પ્રમાણે વર્તુળો છે, પ્રકાશકો છે, વિવેચકો છે, વાહ વાહ છે, ભયોભયો છે ! આ ખોખલો વૈભવ આપણને કેમ કરીને પાલવે છે ? આપણા વાચકની ટકાવારી વધારવા આપણે કશું કરીએ છીએ ખરા ? ઊગી રહેલ વાચકપેઢીની રુચિ ઘડવા માટે પણ કંઈક વિચારવું ન જોઈએ ?
‘બદલી રહેલાં પ્રકાશન માધ્યમો પણ આપણાં ઘર સુધી આવી પહોંચ્યાં છે. આ નવાં માધ્યમોની સારી-માઠી અસરો વિષે પણ આ તકે સતર્ક થઈ જવું રહ્યું. આંખો બંધ કરી દેવાથી આવનાર આંધી ટળી જવાની નથી.
‘જ્યાં સુધી આપણાં ઘરોમાં આ ભાષા બોલાય છે, આ ભાષામાં સપનાં આવે છે, આ ભાષામાં હાલરડાં ગવાય છે, લગ્નગીતો, ભજનો, ગરબા ગવાય છે, આ ભાષા જીવતી તો રહેશે; પણ તેને ખરા અર્થમાં જીવંત, પરિવર્તનશીલ અને કાળજયી બનાવી રાખવા એક યોજનાબદ્ધ, વૈજ્ઞાનિક, વ્યાપક અને સર્વસ્વીકૃત અભિગમ સાથે કામ કરવાની જરૂરત છે જ છે.
‘અહીં પ્રશ્ન આવડતનો કે સાધનસંપન્નતાનો નથી; પ્રશ્ન સાચુકલા ભાષાપ્રેમનો અને તેની ખેવનાનો છે. અને આપણાં સાહિત્યિક પારિતોષિકોની સૂચિમાં ખેવના માટે કોઈ વિભાગ હોવાનું અમારી જાણમાં નથી.’
અાપણે, અાંતરમુખ બની ક્યારે ખુદને સવાલશું ? ક્યારે કરવટ બદલીશું ?
પાનબીડું :
ગઝલ • અનિલ ચાવડા
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
કવિની વેબસાઈટ : http://www.anilchavda.com/
("અોપિનિયન", 26 માર્ચ 2013)