આજ બપોરે હું મલહારવશ હતો. એના સિવાય જાણે કાંઈ હતું જ નહીં. ન દિમાગમાં, નહીં દિલમાં. વલ્લભ ભવાનની વિશાળ દુકાનમાં કોણ જાણે કઈ ઘડીએ ધ્રુવપદ શૈલીમાં મલહારનો આલાપ ગણગણાવાનો શરૂ થયો એ ખબર નથી. પણ પછી તો રાગ જ નક્કી કરતો હતો કે એના વિરાટ સ્વરૂપમાંથી કઈ કઈ છટાઓ એક પછી એક પ્રકટ કરવી. સ્ટોરના કેશિયર સાથે કામની પણ વાત કરવાનું મન ન થાય. પણ સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓએ છેવટે એના પ્રવાહને અવરોધ્યો જ. જયારે રાગ પોતાના સ્વરૂપને ધીમે ધીમે પ્રગટ કરતો જતો હોય, ત્યારે કોઈની સાથે વાત કરવી જ પડે એ પણ દુર્ભાગ્ય જ ને !
વૈશાખ જેઠના વાયરાઓ એ ઉડાડેલી ધૂળથી ખરડાયાં પાન પહેલી વર્ષામાં ધોવાય, બધી ધૂળ પાણી ભેગી વહી જાય અને લીલુડાં પાનની સાચી લીલાશ પ્રકટ થાય. એટલે આ મલને – મેલને હરી લેનાર વરસાદને કહેવાય મલહાર, એ નામે એક અદ્દભુત રાગનું નામકરણ પણ થયું, જે મલ્હાર કહેવાયો. એ મલ્હાર વર્ષાકાલનો રાગ કહેવાય છે. એ રાગ સાથે એક મહા મેધાવી ગાયકનું નામ સદા માટે જોડાયું એ રામતનુ પાન્ડેય એટલે મહાન તાનસેન. જેના માટે ઈર્ષાળુ અકબરે રાજા રામચંદ્રરાયને એવી ધમકી આપી હતી કે રેવાના દરબારી ગાયક તાનસેનને પોતાના હવાલે નહીં કરે તો આખું રેવા નગર સળગાવી દેશે. એવો ગાયક, કે જેના માટે રેવા નરેશ અકબરની સેના સાથે લડવા તૈયાર થઈ ગયા હતા, અને તાનસેને એવું ન કરવા મનાવ્યા ત્યારે પ્રિય મિત્ર અને પ્રિય ગાયક તાનસેનની પાલખી રાજાએ પોતે ઉપાડી હતી અને અકબરના હવાલે વળાવવા ગયા હતા.
અતિશયોક્તિમાં જ વાતો કરવાની મધ્યયુગીન ભારતની ટેવ મુજબ રાગ સાથે ઘણી વાયકાઓ પણ જોડાઈ. એમાંની એક એ, કે તાનસેન મલહાર ગાઈ વરસાદ લાવી શકતા. દીપક રાગ એમણે અકબરના આગ્રહથી ગાયો અને પરિણામે એમના અંતરમાં દીપકદાહ ઉપડ્યો, જે એક જ રીતે શાંત થાય તેમ હતો, કે જો કોઈ મલહાર ગાઈ વરસાદ લાવે, અને તાનસેન એમાં નહાય. પછીની ઘટનાઓ આપણે જાણીએ છીએ કે વડનગરની બે નાગર દીકરીઓ તાના અને રીરીએ એવો મલહાર ગાયો અને મેધાવી ગાયકનો દીપકદાહ શાંત થયો. પણ અનુભવથી કહું છું કે વાદળને વરસાવે કે નહીં, એ ખબર નથી પણ આ રાગ આંખોને અને અંતરને તો અનરાધાર વરસાવે જ છે.
સંગીતરસિક તરીકે મને ઘણીવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્યારા સલિલભાઈ દલાલે જ એક વાર બીજા કોઈ સંદર્ભમાં આ પ્રશ્ન રમતો મુક્યો હતો કે રાગોનો દિવસના સમય અને ઋતુઓ સાથે સંબંધ કેવી રીતે નક્કી થાય, જ્યાં મધ્યરાત્રિના કલાક પહેલાં જ સૂર્યાસ્ત થવાનો હોય તો સંધ્યાના રાગ ગાવા માટે શું એટલી રાહ જોવી ?
મેં પ્રાકૃતિક પરિબળો રાગોને વશ થઈ શકે એ માન્યતા માટે વાયકા શબ્દ વાપર્યો છે એટલે મિત્રોને અંદાજ તો આવી જ ગયો હશે કે એ વિષે હું શું માનતો હોઈશ, પણ મારો એક બીજો પણ સ્વભાવ છે, કે ધુમાડો દેખાય તો જરાક તો આગ ક્યારેક તો લાગી જ હશે, એ પણ શોધવાનો. રાગોના ચોવીસ કલાક દરમ્યાન ગાવાના સમય નક્કી કરવા પાછળનો તર્ક તો જરાક વિચારીને સમજી શકાય છે. પણ ઋતુઓ સાથે સંબંધ શું હશે ! કેમ સારંગ અને ભીમપલાશ ઉનાળામાં ખીલે છે એવા બીજી ઋતુઓમાં નથી ખીલતા ! કે પછી એ પણ આપણી પોતાની આપણું મન મનાવવાની માનસિક ભ્રમણા જ છે ! કેમ દેશ અને તિલકકામોદ વરસાદ થઈ ગયા પછી જેવા ગાવા ગમે તેવા બીજા કોઈ સમયે નહીં ! વસંત, બહાર અને પરજને વસંત ઋતુ સાથે શું સંબંધ ! એવું તો નહીં હોય ને, કે મને કહેવામાં આવ્યું હતું કે આ રાગ જે તે ઋતુનો છે, અને મેં તર્ક વિતર્ક કે કુતર્ક વિના મક્કમતાપૂર્વક માની લીધું !
મારે કોઈ જવાબ નથી આપવા, પણ વિચાર સામગ્રી બને એવો એક પ્રસંગ કહેવો છે.
વર્ષ ૧૯૯૯ના ગાંધીનગરનો વૈશાખ હતો. ગરમીની વાતો તો આપણે બધાએ સાંભળી છે જ. રાત્રે છત પર સુવાનું મન થાય, પણ રોજ સમાચારો એવા સાંભળવા મળે કે ઘરમાં જ ન છૂટકે સુવું પડે. એ દિવસોમાં ઘરે ઓડિયો સિસ્ટમ ન હતી. વ્હાલા મિત્ર ગૌરાંગ આચાર્યએ મને ગમે તેવી અમુક ઓડિયો ટેપ મારા કાજે વસાવી હતી, એમાંની એક હતી મલહાર ચંદ્રિકા, જેમાં એક બાજુ હતો પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ વગાડેલો મલહાર અને બીજી બાજુ હતો અમજદઅલી ખાન સાહેબે વગાડ્યો ચંદ્રકૌંસ. એ દિવસે હું અને મા મામાના ઘરે હતાં. મામા મામી બહાર ગયાં હતાં. મામા પાસે નાનું એવું કેસેટ પ્લેયર હતું, જેમાં કોઈ વાર અનુકૂળતા મળે ત્યારે ગૌરાંગની કેસેટો મૂકી સાંભળતો.
આખો દિવસ ખૂબ ગરમી રહી હતી. રાતના અગિયાર થયા હશે, કે થવા આવ્યા હશે. કામ પરવારી મા દીકરો, અને નાનીમા એક જ ઓરડામાં સૂતાં હતાં. એવા ટાણે સાવ નિરવ શાંતિ થઈ ગઈ હતી. મેં મામાના કેસેટ પ્લેયરમાં મલહાર ચંદ્રિકા મૂકી હતી. પંડિત ચૌરસિયાએ વગાડેલો અદ્દભુત મલહાર શરૂ થયો. એ સંભાળતાં સંભાળતાં જ સુઈ જવું એવો ઈરાદો હતો. મા કે નાનીમા કોઈ જરા ય સંગીત શીખ્યા નથી કે નથી રાગોનું કોઈ કહેતાં કોઈ જ જ્ઞાન. એક પણ રાગ બેમાંથી કોઈ ઓળખી શકતાં નથી. છતાં સંગીતની મજાક પણ કોઈ દિવસ કરી નથી. કાંઈક વાગતું હોય તો સાંભળવું ગમે ખરું. એમ કહે. મને કમસેકમ રાગના નામની ખબર હતી, મા અને નાનીમાને તો એ પણ ખબર નહીં.
તાનપુરાના રણકાર અને વાંસળીના સૂર સિવાય બીજો કોઈ અવાજ ન હતો. સ્વરો બંધાવા માંડ્યા હતા, આલાપ ઘેરાવા માંડ્યો. પણ ત્યારે માએ સહજ જ જે કહ્યું એણે મને વિચારતો કરી દીધો. માનવામાં ન આવે એવું કહ્યું. માને સંગીતમાં સમજણ ભલે ન હતી પડતી, પણ એ રાત્રે પંડિત હરિપ્રસાદને એક સાચી શ્રોત્રી મળી હતી. લગભગ પંદર મિનિટના વાદન પછી લગભગ ઊંઘમાં આવી ગયેલાં માએ અચાનક મને કહ્યું ……
દીકરા, બહાર જઈ જોઈ આવ તો, કપડાં હજી સુકાય છે, ને વાતાવરણ વરસાદી થઈ ગયું લાગે છે, તો અંદર લઈ લે ને બેટા !
(10 જૂન 2013)
https://www.facebook.com/notes/prahlad-joshi/મલહાર-આંખો-અને-અંતરને-અનરાધાર-વરસાવતો-રાગ/594036360629572