Courtesy : "The Hindu", 05 June 2013
Courtesy : "The Hindu", 05 June 2013
Courtesy : "The Hindu", 24 January 2012
અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.
ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.
વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા — જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !
જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” — એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !
ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !
આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” — એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !
ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :
એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે, “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત — કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું. તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે — “રાઇટર” છે — “કવિ” છે — “વાર્તાકાર” છે — એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !
તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.
જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે … કશાં સુખદ સમાધાનો જડશે નહીં …
(૨૭ મે ૨૦૧૩)
e.mail : suman.g.shah@gmail.com