આખરે નાનકાને આજીવન કારાવાસની સજા થઈ. બળાત્કારી પુત્રનો બિલકુલ બચાવ ન કરનાર વિધવા લખમીકાકીના જાહેર સન્માન કાજે પંચોએ ગામસભા બોલાવી.
લખમીકાકીએ બોલવાનું શરૂ કર્યું. 'આપણા ગામમાં 24 વરસ પહેલાં જયારે ડાકુઓ ઉતરી આવ્યા હતા, ત્યારે ગામને લૂટીને ભાગતી વખતે રસ્તામાં, માથે ચારના ભારા સાથે આવતી એક જુવાન પટલાણીને બાજુના જ ખેતરમાં ખેંચીને તેમણે એક કલાક સુધી ….' કહી લખમીકાકી જરીક અટક્યાં. પછી આગળ ચલાવ્યું.
'એના પરિણામે મેં બળાત્કારી નાનકાને જન્મ આપ્યો, પરંતુ … પતિના સૂચન અનુસાર આ વાત મેં છુપાવી હતી. ….. કમનસીબે બાપ જેવો જ બેટો નીકળ્યો. … નાનકાને જન્મ આપવાનો મેં ગુનો કર્યો છે, એની અને એના કરેલા આતંકની સજા મને આપો …..' કહી લખમીકાકીએ પંચ સામે જોયું.
બધા જ સ્તબ્ધ હતા. લખમીકાકીની પ્રામાણિક અને પ્રેરણાદાયી કબૂલાતે વિસ્ફોટ સર્જ્યો હતો. છતાં એ વિસ્ફોટે એમને બહુમાનના વધુ હકદાર જ બનાવી દીધા. એમણે ગ્રામ્ય વિચારધારામાં સ્ત્રીજાગૃતિનું જાણે રણશિંગું ફુંકયું હતું.
……. અને પછી તો તાળીઓના ગડગડાટે સભા પણ ગાજી ઊઠી …
e.mail : gunvantvaidya@hotmail.com