ચેટીંગ ઉપર ચૈતાલી લખતી હતી, ‘પ્રમોદા બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. હું ભારત જાઉં છું. .. ‘
સહિયર નીકીતા જોઈ શકતી હતી કે આટલો સંદેશો લખતાં પણ ચૈતુનાં આંસુ છલકતાં હતાં ..
નીકીએ પૂછ્યું, ‘ચૈતાલી .. કહે તો ખરી, શું થયું?’
‘ગઈ કાલે વિવેકને ફોન કર્યો હતો અને પ્રમોદાની ખબર પૂછતાં તો તે રડી પડ્યો. રડતાં રડતાં તે બોલ્યો. ‘બહેન, એના રિપોર્ટ હજી હમણાં આવ્યા છે. તે બ્લડ કેન્સરનાં અંતિમ તબક્કામાં છે. તેની પાસે ભાગ્યે જ ૧૫ દિવસ હશે.’
‘પછી?’ નીકીતાએ પૂછ્યું.
‘તને તો ખબર છે ને કે પ્રમોદા કેટલી સંવેદનશીલ છે ? વિવેક કહે, ચૈતુબહેન તમે આવો પછી જ તેને સમાચાર આપીશું.’
‘મારો ય જીવ બળી ગયો.’
‘હા .. જેમને જાણ થતી જાય છે, તે સૌ દિલાસોજી સંદેશ પાઠવે છે, અને તેમ કરીને મને હૈયાધારણ બંધાવે છે. કહે છે કેન્સર એટલે કેન્સલ જ …’
‘હા પણ ત્યાં તું રડતી જઈશ એટલે તેને ખબર તો પડી જ જશે ને?’
‘ના હમણાં તો એવું નક્કી કર્યુ છે કે વિવેક્ને ત્યાં અત્યારે મારા સિવાય બધાં ભાઈબહેન પ્રમોદા સાથે છે. તેનું બ્લડ દર ચોથે દિવસે બદલાય છે અને તેને એટલી જ ખબર છે કે વિવેક તેના વજન ઘટવાની બિમારીનો ઇલાજ કરાવે છે.’
‘પણ તેને અંધારામાં રાખીને વિવેક શું કરવા માંગે છે?’
‘એ જ જે મોટોભાઈ નાની બહેનને થોડા દિવસ આનંદમાં રાખી શકે.’
ચેટ ચાલતી હતી, પણ નીકીતાને આ વાત જચતી નહોતી. તેથી તેણે કહ્યું, ‘પ્રમોદાના વિવેક્ભાઈ ઉપરના વિશ્વાસનો દુરુપયોગ થાય છે. વિવેક્ભાઈએ તેની સાથે તેના રોગની જે પરિસ્થિતિ હોય તે કહી દેવી જોઇએ..
‘નીકી, એટલે તો હું તાબડતોબ જાઉં છું. પ્રમોદાને આ સમાચાર આપવા સહજ નથી, અને બધાં ભાઈબહેનોની હાજરીમાં કહીશું.’
‘મને પ્રવીણમાસાની વાત યાદ આવે છે … જેમાં એમના કુટુંબીજનોએ તેમની સાથે રાજી રહેવાની રમત આદરી હતી. જો કે તેમને તો જાણ થયેલી હતી કે તે હવે બે મહિનાના મહેમાન હતા. પણ તેમના તબીબ ઇચ્છતા હતા કે તેમનો અંતિમ સમય શ્રેષ્ઠ જાય.’
‘પછી ?’
‘તેઓ માનતા કે દર્દીને રોગની ગંભીરતા સમજાયા પછી, આજુબાજુનાં સગાંવહાલાંઓ તેને તે દિવસ એક યા બીજી રીતે યાદ કરાવી, સમયથી વહેલાં મારી નખતા હોય છે.’
‘એ કેવી રીતે ?’
‘તેમને મળવા આવનારા માણસો રોકકળ કરી, તેમને ભૂલવા જ ન દે કે તેમનું મૃત્યુ નજીક છે. તારી જગ્યાએ હું હોંઉ તો તેની પાસે રોકકળને ફરક્વા જ ન દઉં.’
‘હં .. શક્ય છે ..’
‘કેન્સર એટલે કેન્સલવાળી વાત, આજના જમાનામાં ખોટી છે. કેટલા ય ઉપાયો છે, કેટલી યે રસીઓ નીકળે છે, જે જીવન વધારે છે. અથવા મૃત્યુને પાછું ઠેલે છે.’
‘પણ એમ કહી, ઠાલું આશ્વાસન જ આપવાનું ને ?’
‘ના. એમ કહી, તેમના આયુષ્યની દોરને યોગ્ય સમય આપીએ છીએ …’
‘પ્રવીણમાસાની વાત કર ને ? એ રમતને અંતે શું થયુ ?’
‘ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે, તેઓ બે મહિનાને બદલે અઢી વર્ષ જીવ્યા … ડોક્ટર જે કંઈ કહે છે, તે તેમના પાછલા અનુભવો પરથી કહે છે .. પણ તે અનુભવ દરેક વ્યક્તિ દીઠ અલગ હોય છે. અને તે શક્યતઃ એક અંદાજો હોય છે. જાણે અજાણ્યે વિવેક્ભાઈ તે અનુભવો કહે છે. પ્રયત્ન થાય તો પ્રવીણમાસાની જેમ તેનું આયુષ્ય વધી પણ શકે. અને તે સમય દરમ્યાન, તેની માવજતના અતિ આધુનિક ઉપચારો પણ શક્ય બને.’
ચૈતુ ચેટીંગ તો કરી રહી હતી, પણ તેનું મન નીકીની દરેક વાત માનવા ચાહતું હતું. પણ વિવેક બોલ્યો એટલે તે બ્રહ્મ વાક્યવાળી જડ માન્યતા તેને ઉદ્વેગ પ્રેરતી હતી. નીકીની વાતોએ તેનામા દ્વિધા જન્માવી.
‘ભલે, તારી વાતો માટે આભાર ..’ કહી ચેટ પૂરી કરી.
ડલાસથી ઓહાયો ડોક્ટર દીકરા પ્રતીકને ફોન જોડીને ચૈતુએ પૂછ્યું, ‘પ્રતીક, પ્રમોદામાસીની જિંદગી િવેવેકમામા કહે છે તેવા તેનાં ચિન્હો પ્રમાણેથી વધારે હોઈ શકે ?’
પ્રતીક કહે, ‘મમ્મી ! અમે તે વિષયમાં ભણ્યા એટલે અંદાજ આવી શકે .. પણ અમે ભગવાન નથી, કે નથી જ્યોતિષ કે તારીખ અને ચોઘડિયું જોઇને ભાખી શકીએ !’
‘હા, હું એ જ વિચારતી હતી કે મૃત્યુ વિશે આવું સચોટ ભાખી કેવી રીતે શકાય ?’
‘મમ્મી, મને ખબર છે કે તમે જરૂર કંઈક હકારાત્મક વિચારતા હશો .. જે વિચારો છો તેને અમલમાં મુકતા અચકાશો નહીં .. ઘણી વખત દવા કરતાં દુઆ વધુ અસર કરે છે ..’
‘ના હું તો તેની જિજીવિષાને બળ દેવાની છું. … અને મને ખબર છે અણી ચુક્યો સો વરસ જીવે.’
‘હા મોમ, તમે સાચા છો. પેશંટનો હકારાત્મક અભિગમ ડોક્ટરને વધુ સફળ અને અસરકર્તા બનાવતા હોય છે.’
પ્રમોદાને મૃત્યુ નજીક હોવાની જાણ કરવાનો મતલબ છે કેન્સરગ્રસ્તને નિરાશાનાં જંગલમાં ધકેલવાની. ચૈતાલીને પોલી આનાની વાર્તા યાદ આવી .. હા. દરેક નકારાત્મક ઘટનામાંથી હકારાત્મક બાજુઓને શોધી, દુનિયાને ખુશ કરતી પોલી આના પોતાની નકારાત્મક ઘડી આવી, ત્યારે નિરાશ થઈ. પણ સૌ મિત્રોએ એને કહ્યું કે રાજી થવાની રમત તેઓ શીખ્યા, તેથી તેઓ આજે રાજી છે … આ રમત પ્રમોદાને કેવી રીતે શીખવીશ ?
ચૈતાલીની આંખો પ્રમોદા સાથે વિતાવેલા દિવસોને યાદ કરી કરી આંસુઓ સાથે ખરતી હતી.
અને અંતે તે કસોટીનો દિવસ આવી ગયો .. જ્યારે ૨૪ કલાકનાં ઉડ્ડાન પછી ચૈતાલી પ્રમોદાની સામે હતી …
ખૂબ પ્રસન્નતા સાથે પ્રમોદાને ચૈતાલી ભેટી … પ્રમોદા તો ખુશ ખુશાલ. ‘બેના ! તું આવી ગઈ ?’
… સૌથી નાની બહેન શ્રુતિ અને વિવેક સાથે એરપોર્ટથી ઘરે આવતાં અપાઈ ગયેલા સંદેશા મુજબ, શક્ય સૌ રાજી હોવાની રમતો રમતા હતા. પણ સૌની આંખોમાં શક્ય આવનારાં દુઃખની કલ્પના કાળા ડીબાંગ વાદળોની જેમ ઝળુંબતી રહેતી.
પ્રમોદાનું નાનું પપી, જીમી પ્રમોદા પાસે આવીને, હંમેશાં આકાશમાં જોઈને ઝીણું ઝીણું રડતું .. તે જ સૌથી પહેલાં ફરિયાદ ચૈતુબહેનને કરી, ‘જો ને આ જીમી મારી પાસે આવતાં જ રડે છે, કોણ જાણે કેમ હું મરી જવાની ના હોઉં ..’
ચૈતાલીએ હિંમત કરીને કહ્યું, ‘જિંદગી કેટલી જીવ્યાં તેના કરતાં જરૂરી છે જિંદગી કેવી જીવ્યાં.’
અપલક રીતે તેની સામે જોતી, પ્રમોદાને ચૈતાલી આવો જવાબ આપશે તેની કલ્પના નહોતી .. ‘બોલ પ્રમોદા ! તું અત્યાર સુધી જીવી તે કેવું જીવી ?’
‘તને તો બધી જ ખબર છે, ચૈતુ, કે હું તો હંમેશાં સ્ટ્રગલર રહી છું,’
‘અને તે બધી સ્ટ્રગલોને અંતે વીનર પણ રહી છું ને ?’
‘હા. એમ તો કહેવાય જ ને .. ‘
‘તો પછી જલસા કર ને ! .. આ શું પમી, રડે છે ને .. મોતની વાતો કરે છે ?’
‘હા બેના, તું અમેરિકાથી આવી એટલે મારે હવે જલસા જ ને …’
‘તું એકલી નહીં, આપણે સૌએ જલસા જ કરવા છે.’
‘વા…ઉ ! ચૈતુબે’ન તું આવે છે ને આ આખા ઘરનું વાતાવરણ ખીલી જાય છે.’
‘તને ખબર છે, પપ્પા કહેતા, જીવવું તો પવનના ઝોકા જેવું અને મરવું તો પાકી ખજૂરની પેશી જેવું … ઝાડને ખબર પણ ના પડે અને સૂકાયેલું દીટું પવન સાથે ક્યારે ખજૂરીનો સાથ છોડી દે .. ખજૂરીને ખબર પણ ના પડે.’
વાહ વાહ કરતી, પ્રમોદા ઝુમી રહી …
થોડાક સમયનાં મૌન પછી પ્રમોદા બોલી, ‘મને બધી જ ખબર છે .. ગુગલ ઉપર મારા રોગનાં લક્ષણોથી ખબર પડી હતી કે હું પ્લાસ્ટીક એનીમિયાનાં અંતિમ તબક્કામાં છું. અને તમે સૌ મને અંતિમ વિદાય દેવા આવ્યાં છો. મને તમારા સૌના પ્રયત્નો સમજાય છે. અને તમે સૌ મારા શુભેચ્છકો છો … નવ કરશો કોઈ શોક .. જેવું કેવી રીતે કહેવું, તે સમજાતું નહોતું તે ચૈતુબે’ને સમજાવી દીધું. અને તેથી હું પાકી ગયેલા ખજૂરની પેશીની જેમ પ્રભાવશાળી પ્રસ્થાન (ગ્રેસફુલ એક્સિટ) કરીશ ..’
બધી ઉદાસ આંખો સામે કડક નજરે જોતાં ચૈતાલી બોલી .. ‘જ્યાં સુધી મોત આવતું નથી, તે પહેલાં મોતને સ્વીકારી લેવું તે યોગ્ય નથી. કંઈ કેટલી ય કેન્સર કહાણી જોઈ છે, જેમાં દર્દીનાં મક્કમ મનોબળે ચમત્કારો કર્યા છે. આપણે આપણાં બાળપણના સુખી દિવસો યાદ કરીએ અને જીવન હોવાનો ઉત્સવ મનાવીએ …
કહેવાની જરૂર ખરી કે વિવેકના આશ્ચર્ય વચ્ચે, પ્રમોદાએ અત્યંત શાંતિમાં, છ મહિને દેહ છોડ્યો.ત્યારે કેસેટ ઉપર શ્લોક સંભળાતો હતો.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माअमृतात॥
13727 Eldridge Springs Way, Houston TX 77083 U.S.A.