Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રજાનો છેલ્લો દિવસ

પાર્થ નાણાવટી|Opinion - Short Stories|20 March 2013

‘મનુ, ચલ અંદર; ચલ, તૈયાર થઈ જા.’
‘જો, હમણાં ડેડી આવશે. પછી સાંજે આપણે આપણા ઘરે જઈશું.’ ઋતા એક શ્વાસે … ઘરની પાછળના બગીચામાં રમી રહેલા મનને બૂમો પાડતી હતી …ચાર વર્ષનો મન રજાના છેલ્લા દિવસને જીવ ભરીને માણી લેવાના મૂડમાં હતો.

દર ઉનાળે, વેકેશનમાં ઋતા ને મન ઋતાના પિતાના ઘરે આવતાં. ઋતાની મમ્મા તો હતી નહીં, અને દેસાઈ સાહેબ એકલા. હા, રસોઈ કરનાર મહારાજ, કામવાળો, ડ્રાઈવર, − એમનો ખાસ ઓલ ઇન વન સહાયક સંતોષ. આખી ફોજ રહેતી એમની આસપાસ, નિવૃત્ત વી.સી. હતા. એગ્રો ઇકોનોમીના વિશ્વ સ્તરે જાણીતા નિષ્ણાત … દેસાઈ સાહેબ. .. નિવૃત્તિ બાદ વતનમાં, વલસાડથી થોડે દૂર સુંદર ફાર્મ હાઉસ બનાવીને સ્વ-નિર્ભર જીવન જીવવાનું એમનું ને મમ્માનું સપનું હતું. પણ મમ્માને બ્રેસ્ટ કેન્સર ભરખી ગયું.

ઋતા ને એની અમેરિકામાં રહેતી બહેન ઈશા, એમ દેસાઈ સાહેબને બે દીકરીઓ. ઈશા આઈ.આઈ.ટી.ની બી.ટેક બાદ, અમેરિકા ભણવા ગયેલી ને ત્યાં જ સ્થાયી થઈ હતી. એનો પતિ આનંદ બેંગ્લોરનો હતો એ યુનિ.માં પ્રોફેસર હતો. ઋતા અલ્લડ મિજાજની ને ગંભીર, ઈશાથી બિલકુલ અલગ, ટોમ બોય જેવી. ધરાર જીદ કરીને મુંબઈ જઇને એ ફેશન ટેકનોલોજી ભણી, નાટકોનાં ગ્રુપમાં જોડાઈ. કઇંક વર્ષો એકલી રહી. એક મહિલા મેગેઝિનમાં સબ એડિટરની નોકરી કરી, ને છેવટે એના જેવા જ બિન્દાસ સ્વભાવના લયને પરણી.

લયના પિતા આર્મીમાં હતા .. કર્નલ મઝમુદાર. ને એની માતા બહુ જાણીતી હિન્દુસ્તાની શૈલીની ક્લાસિકલ ગાયિકા. પણ લયભાઈમાં ન પિતાની લશ્કરી શિસ્ત હતી, ન માતાનો સંયમ. એ તો રેબેલ હતા, સિસ્ટમ ને સમાજ સામે બિન્દાસ બંડ પોકારવાનું. એણે એન.ડી.એ. જેવી એકેડેમી અને કેરિયર એક વર્ષ બાદ છોડી દીધા હતા.

બેએક વર્ષની આખા ભારતની મોટરસાયકલ પરની  રખડપટ્ટી બાદ, એણે પોતાનું પેશન શોધ્યું .. ફોટોગ્રાફી. .. કાશ્મીરથી કેરાલા, અને કચ્છથી કારાકોરમ. હિન્દુસ્તાનનો એક પણ રાષ્ટ્રીય માર્ગ એણે બાકી નહીં રાખ્યો હોય. પિતા સદ્ધર હતા, એટલે બે વર્ષ તો કઈ ન બોલ્યા. ને લય પણ આટલી રખડપટ્ટી બાદ થોડો સમજદાર થયો. એના ફોટોઝના કલેક્શનને જોઈને એને પણ એક ફિલ્મી મેગેઝિનમાં નોકરી મળી ગઈ. એક પાર્ટીમાં તે ઋતાને મળ્યો …બે તોફાની માણસો, ને મુંબઈના ઉનાળાની એક સાંજ. થોડી મસલત બાદ બન્ને સીધા પાર્ટીમાંથી જ ગોવા જવા નીકળી ગયા. ને ત્રણ દિવસ બાદ ગોવાની કોર્ટમાં લગ્ન કરીને વલસાડ, ને ત્યાંથી લયના ઘરે પૂણે વડીલોને પગે લાગી આવ્યાં. લય એ વખતે એના ફિલ્મોમાં કામ કરતા દોસ્તારો સાથે ફ્લેટ શેર કરતો હતો, એટલે એ ઋતાને ત્યાં મુવ થયો. … જવાબદારીઓ માથે પડતાં, બન્ને ઘણી મહેનત કરવા લાગ્યાં, ને લગ્નના બે વર્ષ પછી, અંધેરીમાં ફ્લેટ લીધો ને ઋતાને એના એકાદ વર્ષ બાદ, મન જન્મ્યો … એણે જોબ બંધ કરી. લય પણ હવે ફ્રી-લાન્સિંગ કરતો હતો. વળી, એના હિમાલયના ફોટાઓનું એક પુસ્તક પણ બહાર પડ્યું હતું. એ જયારે સમય મળે, ત્યારે પોતાની જૂની મોટરસાયકલ લઈને  નીકળી પડતો, કેમેરો લટકાવીને. … એને આ સમય આપવા માટે ઋતા પોતે દેસાઈ સાહેબને ત્યાં મહિનો માસ આવી જતી. .. આજે એ રજાઓનો છેલ્લો દિવસ હતો.

દેસાઈ સાહેબ એમના સ્ટડીમાં હતા, કોઈકની પી.એચડી.ની થિસીસ તપાસતા હતા. અઠ્યોતેર વર્ષે પણ એ જ જુસ્સો ને એ જ આકરો સ્વભાવ. મન અને મગજથી સ્વસ્થ. અને તંદુરસ્ત કહી શકાય એવા દેસાઈ સાહેબનો કૃષિ યુનિવર્સિટીમાં હજી પણ એવો જ દબદબો હતો ને છાશવારે એમના પ્રવચનો હોય જ. જો કે રાજકારણીઓ સાથે ન ફાવવાના કારણે એ મોટે ભાગે યુનિ.માં એકેડેમિક રસ જ લેતા. ગયા વર્ષે જ્યારે ઈશા આવી હતી, ત્યારે ધરાર એમના યુ. એસ.ના વિઝા લેવરાવ્યા હતા, પણ મમ્માનાં ગયાં પછી, દેસાઈ સાહેબ બહુ હરવા ફરવાનું પસંદ ન કરતા. મમ્માના મોટા પોર્ટરેટને તાંકીને, એની સામેના સોફામાં, આખી સાંજ બેસી રહેતા …

જીવન વિશેના એમના ખ્યાલો બહુ ચુસ્ત ને સિદ્ધાંતવાળા હતા. અમેરિકાની કોર્નેલનું પોસ્ટ ડોક્ટરેટને આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ, જો ન હોત, તો આ સડેલી સિસ્ટમ એમના જેવા ગાંધીવાદીને ક્યારની ય ચાવી ગઈ હોત. યુવાનીમાં અમેરિકા ભણવા જવાનું થયેલું તે પહેલાં સાબરમતી આશ્રમમાં રહી આવેલા. ને એ દિવસોનો આખી ય જિંદગી એમના પર તેનો પ્રભાવ રહ્યો. ગ્રામ્ય ભારત એ જ સાચું ભારત છે, અને એટલે જ અમેરિકામાં મળતી પ્રોફેસરશિપને બીજ બનાવતી મસમોટી કમ્પનીની ઓફરો ઠુકરાવી, ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયેલા …

લય અને દેસાઈ સાહેબ વિચારોમાં એક બીજાથી પ્રકાશ વર્ષો દૂર હતા. લય રેબેલ હતો, એને સિસ્ટમ સાથે વાંધો હતો. કોંગ્રેસીઓને એ નફરત કરતો. સામ્યવાદની સરહદ પર એના વિચારો રહેતા. એને શિસ્ત ને નિયમો ગમતા નહીં. ૮૦ની જનરેશન હતી. એ વખતોવખત સિગરેટ પીતો, દારૂ ને ચીકન. પણ દેસાઈ સાહેબ માટે આ બધું વર્જ્ય હતું. જો લય એમનો કોઈ વિદ્યાર્થી હોત તો ક્યારનો ય યુની.માંથી તે રુખસત પામ્યો હોત. પણ જમાઈ હતો, ઋતાને બન્નેના સ્વભાવ વિષે ખબર હોવાથી, એ લયને દેસાઈ સાહેબના ફાર્મ પર રોકવાનો બહુ આગ્રહ કરતી નહીં. ને લય પણ એ વાતથી ખુશ હતો.

દર વખતની જેમ, આજે પણ, એ ઋતા અને મનને લેવા આવવાનો હતો. બપોરનું ભોજન ને થોડા આરામ બાદ, સાંજે ત્રણે જણા મુંબઈ તરફ રવાના. ને દેસાઈ સાહેબનો પોર્ટરેઈટ સામેના સોફામાં બેસવાનો નિત્યક્રમ શરૂ .. જિંદગી ચાલતી રહેતી, સમાંતર ચાલતા, પણ કદી ન મળતા રેલના પાટાની જેમ !

ઋતા જો કે આજની આ બે દિગ્ગજોની મુલાકત વિશે થોડી નર્વસ હતી. વાત એમ હતી કે મનની પ્રિ-સ્કૂલમાં, નવા સત્રની શરૂઆતમાં, વેલકમ પાર્ટી થતી. આ વખતે થીમ ડ્રેસિંગ … કે વેશભૂષા જેવું કંઈક હતું. બધા છોકરાઓએ કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ કે કેરેક્ટરના જેવો ડ્રેસ પહેરીને આવવાનું હતું.

ભોળિયો મન, નાના પાસે આ વાત બોલી ગયો. ને દેસાઈ સાહેબને ભારેખમ એકેડેમિક માહોલમાંથી હળવા થવાનું બહાનું મળી ગયું. એ અને મન ઇન્ટરનેટ પર બેસીને કોનું પરિધાન પહેરવું એની રિસર્ચ કરે. મનને બિચારાને ભારતની સ્વત્રંતતા ચળવળ વિશે કોઈ જ માહિતી નહીં. એટલે એ આ બધાં નામો ને કિસ્સાઓ સાંભળીને કૌતક પણ પામે ને મૂંઝાય પણ ખરો …

રાતના ઋતા અને મન, થોડીવાર, પાછળ નાખેલા પલંગમાં સૂએ, જેથી મનથી આકાશ ને તારા જોવાય. એ પાછો નાનાએ કહેલી ભારતની આઝાદીની લડતની વાર્તાઓ એક્શન સાથે ઋતાને કહે, ને પછી આખા દિવસની ધમાચકડી કરીને થાક્યો હોય ને ધબ દઈને સૂઈ જાય … ઋતા થોડી વાર આઈ-પોડ સાંભળે, લયનો ફોન આવ્યો હોય, તો વાતો કરે ને પછી મનને લઈને પોતાના રૂમમાં …. અનેક મિટિંગો બાદ, થોડા અણગમા સાથે, દેસાઈ સાહેબે એમનો ફેંસલો સુણાવ્યો … સુભાષ ચન્દ્ર બોઝ … જો કે હું તેમની લશ્કરી કાર્યવાહી સાથે તદ્દન અસમંત છું, પણ એમનો યુનિફોર્મ નાટ્યાત્મક છે … તો આપણો મન એની સ્વાગત સભામાં આ પહેરશે …

ઋતા થોડી સમસમી ગઈ … કારણ, ગઈ કાલે રાતે જ્યારે લયનો ફોન આવ્યો, ત્યારે જાણ્યું કે એણે લય માટે સ્પાઈડર મેનનું કોસ્ચ્યુમ, એના ફિલ્મના કોસ્ચ્યુમવાળા દોસ્ત પાસે બનાવરાવી લીધેલું. એ રજાના છેલ્લા દિવસે, સાથે  લઈને આવવાનો હતો … જેથી એ મનના થોડા ફોટા પાડી શકે … ઋતા જાણતી કે દેસાઈ સાહેબને આવા તરંગી ને ઈમ્પ્રેક્ટીક્લ કાલ્પનિક પાત્રો સામે ભારે અણગમો રહેતો. વિજ્ઞાનના નિયમો જેવું ખરું કે નહીં ?  ઋતાને થયું, ફરી એકવાર સસરા-જમાઈ વચ્ચે ઠંડું યુદ્ધ છેડાશે. ને પોતે એલ.ઓ.સી.ની જેમ બન્ને તરફથી મારો સહેશે … એને માટે બન્ને સરખા હતા. એક તરફ બાપ ને બીજી તરફ એના છોકરાનો બાપ …. બોઝ કે સ્પાઈડર મેનના ઓઠા હેઠળ શરૂ થયેલી ચર્ચા … અંગત સ્તર પર જતી રહે, ને જેની પાસેથી જિંદગી મળી છે, ને જેની સાથે જિંદગી કાઢવાની છે, એ બન્નેને તે આવા સંજોગોમાં સહી ન શકતી …

દેસાઈ સાહેબ મન અને સંતોષને લઈને વલસાડ ગયા. કંઈક કાપડની દુકાનો ફર્યા. છેવટે ગયા દરજી પાસે. સુભાષચન્દ્ર બોઝના ફોટાનું ઇન્ટરનેટ પરથી પ્રિન્ટ કરેલું આબ્લમ બતાવ્યું … દરજી પણ સાહેબને ઓળખે. એને પણ આ પેન્ટ બુશર્ટ ને સફારી લેંઘામાંથી કંઈક નવું કરવાનું મળ્યું. એ ય હોશે હોંશે કામે લાગી ગયો. અઠવાડિયા પછી એનો ફોન આવ્યો કે કપડાં તૈયાર છે. આવી જાઓ … દેસાઈ સાહેબ સવારની વોક પરથી પાછા આવ્યા હતા. તે આ સમાચાર સાંભળી નાસ્તો કર્યા વિના, ઉતાવળે ગાડી કાઢવી, વલસાડ પહોચી ગયા .. બપોરના પાછા આવ્યા, ત્યારે એટલા રાજીના રેડ હતા કે બે ઘડી ઋતાની આંખમાં આંસુ આવી ગયા. મમ્માનાં ગયાં પછી દેસાઈ સાહેબ ક્યારે ય આટલા સારા મુડમાં ન હતા. એમનો પ્લાન હતો કે જમાઈબાબુ આવે એ વખતે, મનને આ કોસ્ચુમમાં ગેટ પાસે ઊભો રાખી, મસમોટી સરપ્રાઈઝ આપવી …. ઋતા સૂડી વચ્ચે સોપારી જેવી હાલતમાં હતી. તે જાણતી કે લય ક્યારે ય આવા સુભાષબાબુનાં કપડાં સાથે સમંત નહીં થાય.

ખેર, આજે એ રજાનો છેલ્લો દિવસ આવી પહોચ્યો હતો. ઋતા સવારના વહેલી ઊઠી, સાડા પાંચે … એણે આખી રાત વિચારમાં કાઢી હતી. મા હતી અને દીકરી પણ, પત્ની પણ …. મન ઘસઘસાટ ઊંઘતો હતો. એ ફ્રેશ થઈ પોતાની નાનકડી વોક પર નીકળી. પાછી આવીને પત્ર લખવા બેઠી. દેસાઈ સાહેબની સામે જ્યારે રૂબરૂ રજૂઆત કરવી શક્ય ન હોય, ત્યારે એ એમને કાગળ લખતી. ને દેસાઈ સાહેબ એને વાંચીને સામો જવાબ આપતા. સંસદીય કહી શકાય એવી આ પ્રથાને કારણે, આ પરિવારમાં ભાગ્યે જ કોઈ મોટા ઝગડા થતા. પોતાને મુંબઈ ભણવા જવું હતું ત્યારે પણ એણે કાગળ લખેલો. લય સાથેના લગ્ન વખતે પણ ગોવાથી તાર કર્યો હતો.

‘પ્રિય પાપા …

મનના કોસ્ચ્યુમ વિશેના આપના ઉત્સાહને હું બહુ સારી રીતે સમજી શકું છું … પણ અત્યંત આદરપૂર્વક હું એટલું કહેવા માંગું છું કે સમય થોડો બદલાયો છે. બાળકો અને આઝાદી ચળવળ વચ્ચેનાં વર્ષોનો ફાસલો તમે માનો છો એ કરતાં બહુ મોટો છે … સુભાષચન્દ્ર બોઝ, એ નામ પણ કદાચ એની ઉંમરના કોઈ બાળકે સાંભળ્યું નહીં હોય …. પણ – છતાં પણ, જો આપ કહેશો તો મન એ જ કોસ્ચ્યુમ પહેરશે …. હું લયને સમજાવી લઈશ. પણ એક નમ્ર વિનંતી, આ બાબત પર આપ એની સાથે ચર્ચા ન કરતા … કંઈ અજુગતું ને દુ:ખ પહોચે એવું લખાયું હોય તો ક્ષમા.’

– ઋતા

એણે કાગળ પૂરો કર્યો. પરબીડિયામાં નાખ્યો .. ને દેસાઈ સાહેબના સ્ટડી તરફ ચાલી … ત્યાં જ સંતોષ ધસમસતો આવ્યો …. સાહેબ .. સાહેબને …. એના શબ્દો કપાતા હતા … ફોન ફોન કરો, ડોક્ટરને …
ઋતા ગભરાઈ ગઈ … થોડીવાર થઈ, પણ એ સમજી ગઈ કે પાપાને એટેક આવ્યો છે …. પછીનો અડધો કલાક ક્ષણોમાં પસાર થઈ ગયો … ડોક્ટર ને એમ્બ્યુલન્સ, વલસાડ સુધીની સફર, દેસાઈ સાહેબના પલ્સ ધીમા થઈ રહ્યા હતા … સીધા જ એમને આઇ.સી.યુ.માં લઈ જવાયા … કાર્ડિયોગ્રામ ને બીજા બધા બ્લડ ટેસ્ટ … આઈ.વી.ની બોટલો …. બાય પાસ કરવી પડશે …મુંબઈથી હાર્ટ સર્જનને બોલાવાયા … એમના, જૂના

યુની.ના મિત્રો આવી ગયા .. લય પણ મારતી ગાડીએ નીકળી ગયો ….

મનને ઘેર આવતા બહેને સાચવી લીધો હતો. ઋતાની વાત થઈ ઈશા સાથે તે આવતી કાલે નીકળી જશે પણ આનંદ નહીં આવી શકે એની મીડ સેમેસ્ટર એક્ઝામ ચાલે છે ….

રૂમમાં આવ્યા પછી, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી … હવે માબાપમાંથી એક તો હતા એની પાસે પાપા …. એની નજર પેલા કાગળ પર પડી … એને બરોબર યાદ હતું કે એણે કાગળ પરબીડિયામાં મુક્યો છે, તો બહાર કઈ રીતે આવ્યો !!

એણે કાગળને હાથમાં લઈને ખોલ્યો … ને દેસાઈ સાહેબના મરોડદર અક્ષરો જાણે કાગળમાંથી બહાર કૂદી પડ્યા ….

‘દીકરા (ઋતા અને ઈશાને દેસાઈ સાહેબ દીકરા જ કહેતા)

મન સાથે ઘણી વાતો થાય છે … એના કુમળા મનમાં ઘણા પ્રશ્નો હોય છે …. એક વખત જ્યારે હું એની પર ગાંધી અને નેહરુને ન ઓળખી શકવા બદલ ગુસ્સે થઈ ગયો હતો, ત્યારે એણે મને રડતાં રડતાં દલીલભર્યા સ્વરમાં કહ્યું હતું કે ‘તમને સુપર મેન, ને બેટ મેન નો ડિફરન્સ ખબર છે ?’ એ નિર્દોષ બાળક મને એક વાક્યમાં ઘણું કહી ગયો … કદાચ, સમય બહુ પૂરપાટ આગળ વધી રહ્યો છે … અને હા, એણે એના પાપા સાથે થયેલી વાત પણ મને કરી …. સ્પાઈડર મેન વાળી … ને મને પણ લાગે છે કે એણે સ્પાઈડર મેનનું જ કોસ્ચ્યુમ પહેરવું જોઈએ …. સુભાષબાબુ આમ પણ મને થોડા એક્સટ્રીમ લાગતા. એની વે, એ ડ્રેસ હું અહીં રાખીશ, મારા માટે. એક યાદ રહેશે ને એ બહાને એક સારા દરજીની ઓળખાણ તો થઈ …’

– પાપા

ઋતાને ફરી એક વાર, એના પાપા હરાવી ગયા હતા … ને જીતાડી પણ ગયા હતા … એ કાગળના શબ્દોમાં એવી તો ખોવાની હતી કે મોબાઈલની રીંગ સંભળાઈ જ નહીં …

હોસ્પિટલથી ફોન હતો, સંતોષનો : ‘સાહેબને સારું છે, હજી કોમામાં છે, પણ જીવ બચી ગયો છે.’

એ પછીના મહિના માસ બાદ, દેસાઈ સાહેબ ઘરે આવ્યા …. વ્હીલ ચેરમાં … હજી રિકવરી ચાલુ હતી … ને ઈ.મેલમાં એમણે મનના ફોટા જોયા …. મનો મન હસ્યા. અને પછી, વ્હીલચેરને મમ્માના પોર્ટરેઈટ પાસે લઈ જવા સંતોષને સૂચના આપી …

(લખ્યા તારીખ : ૧૪ જૂન ૨૦૧૨)

e.mail : parthbn@gmail.com

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Loading

20 March 2013 પાર્થ નાણાવટી
← કોમાગાટા મારુ −
… એક પડાવ જ ને ? →

Search by

Opinion

  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297
  • ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 
  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved