ચિત્તભૂષણ દાસગુપ્તાએ ગત ૭મી ફેબ્રુઆરીએ પોતાના આયુષ્યના ૧૦૧મા વર્ષે દેહ છોડ્યો. માંજિહેડા(પુરુલિયા, બંગાળ)માં તેમણે વાવેલા બીજ સમી રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા સંસ્થાના વિશાળ વૃક્ષ તળે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેઓ ગાંધીવિચારને સમર્પિત જીવન જીવ્યા અને અંતિમ સંસ્કાર બાદ કોઈ પણ ક્રિયાકર્મ ન કરાયાં. તેઓ પોતાની પાછળ માત્ર પોતાનો હર્યોભર્યો પરિવાર જ નહીં, બલકે નઈ તાલીમના એક વિશાળ પરિવારને છોડી ગયા છે. આની એક ઝલક તેમના શતાબ્દી-વર્ષમાં તેમની પૂર્ણ સક્રિય અવસ્થામાં પણ જોવા મળી હતી. એ દરમિયાન તેમણે પોતાના અતિશય સ્પષ્ટ અને સટીક વક્તવ્ય થકી સંસ્થાના હીરક-મહોત્સવનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પોતાના સન્માનનો જવાબ પણ આપ્યો હતો. મહોત્સવની વચ્ચે તેઓ કાંતણ અને લોકકળામાં પણ સામેલ થયેલા. આટલું સ્વસ્થ અને સક્રિય સોમું વર્ષ બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે. પોતાનાં બન્ને દીકરા અને બેઉ દીકરીઓને તેમણે નઈ તાલીમ થકી જ ભણાવ્યાં અને તેઓ આજે ય આ વિચારને સમર્પિત છે. આવું બહુ ઓછું જોવા મળે છે.
ચિત્તભૂષણજી, જેમને અમે બધા બાબા કહેતા, તેઓ બંગાળના ક્રાંતિકારી પરિવારના ઋષિજી દાસગુપ્તાના દીકરા હતા. ઋષિજીએ રાજેન્દ્રપ્રસાદ સાથે કામ કરેલું. યુવાવસ્થામાં વર્ષ ૧૯૩૭માં બાબા જ્યારે સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધી પાસે આવ્યા હતા, એ જ વખતે નઈ તાલીમનાં મા-બાબા અર્થાત્ આશાદેવી આર્યનાયકમ્ અને ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્ બાપુના કહેણ પર શાંતિનિકેતનથી વર્ધા આવ્યાં હતાં. એ જ વર્ષે વર્ધામાં ઐતિહાસિક શિક્ષણ-પરિષદ યોજાઈ હતી, જેની ગોદમાંથી હિન્દુસ્તાની તાલીમસંઘનો જન્મ થયો. ડૉ. ઝાકિર હુસેન તેના પહેલા પ્રમુખ બનેલા તો આર્યનાયકમ્જી મંત્રી અને આશાદેવી સહમંત્રી બનેલાં. વર્ષ ૧૯૩૮માં તેનું પહેલું સંમેલન થયું.
આ દરમિયાન ચિત્તભૂષણજીએ આશાદેવીને કહ્યું કે તેઓ બંગાળના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં સંથાલ આદિવાસીઓ માટે નઈ તાલીમ શિક્ષણનું કામ કરવા જવા માગે છે. આશાદેવી તેમને બાપુ પાસે લઈ ગયાં અને કહ્યું કે આ યુવાન બંગાળમાં નઈ તાલીમનું કામ કરવા માગે છે. તમારા આશીર્વાદ ઇચ્છે છે. બાપુએ આશીર્વાદ તો આપ્યા પણ ટકોર કરી કે, આશા તમે બહુ જલદી ભરોસો મૂકી દો છો. જો કે, બાપુના આશીર્વાદ લઈને બાબા આ સંથાલીઓમાં આવ્યા અને પછી આજીવન અહીંના જ થઈ ગયા. તેમણે બાપુની શંકાને ખોટી પાડીને આશાદેવીના વિશ્વાસને સાર્થક કર્યો.
ઈ.સ. ૧૯૩૯માં તેમણે માંજિહેડા રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા – સંસ્થાનો પાયો નાખ્યો. સંજોગ એવા સર્જાયા કે એ જ વખતે વર્ધાના મહિલા આશ્રમમાં ખાનદેન(ઉત્તર મહારાષ્ટ્ર)ના એવા જ ઋષિતુલ્ય ગાંધીજન ધનાજી નાના ચૌધરીની દીકરી માલતીનું પણ ત્યાં આગમન થયું. તેમનું ખીરોદા ગામ આજે જલગાંવ જિલ્લામાં છે. ધનાજી નાના પણ સરકારી નોકરી છોડીને ગાંધીજીની સાથે દેશસેવામાં જોડાયા હતા. તેમણે પોતાના પિતાજીને કહેલું કે તેઓ પોતાની નાની દીકરી માલતીનાં લગ્ન પરંપરાગત રીતે નહીં કરે. તેમણે પોતાની દીકરી માલતીને ચિત્તભૂષણજી સાથે પરણાવી, એ પણ અત્યંત સાદગી સાથે ખાદીનાં વસ્ત્રોમાં, વગર કોઈ પરંપરાગત વિધિ કર્યે.
માલતીદેવી પણ પિયરથી અતિ દૂર, નવી ભાષા, નવી સંસ્કૃિત, પિતાના ઘરની અને સાસરીની તમામ સુવિધાઓ છોડીને આદિવાસીઓ વચ્ચે પહોંચી ગયાં. આમ પણ આદિવાસીઓની સંસ્કૃૃિતને ટકાવીને તેમને શિક્ષિત કરવાનું માત્ર નઈ તાલીમ થકી જ શક્ય હતું. માંજિહેડા માટે ત્યારે આઠ કલાક બળદગાડીની સવારી, રસ્તામાં નદી-નાળાં પગપાળા પસાર કરવાનાં, માથા પર સામાન ઉઠાવીને માઇલો સુધી પગપાળા ચાલવાની સાથે મોસમ અને જંગલની ભયંકરતા. આજે તો આ માત્ર પુસ્તકમાંના વર્ણન જેવું લાગી શકે છે.
છેલ્લાં ૭૫ વર્ષોમાં તેમણે પોતે ખેતી કરીને વિદ્યાલય ચલાવ્યું. આદિવાસી સંથાલી બાળકો સાથે જ પોતાનાં બાળકોને ભણાવ્યાં. એ લોકોમાંના એક બનીને જીવ્યાં. પ્રેમ અને વિરોધની તમામ ઘટનાઓનો સામનો કર્યો અને છતાં પણ વગર ક્રોધ કર્યે કે પોલીસની મદદ લીધે તેમણે એ લોકો સાથે જ જીવન વિતાવ્યું. આ સમગ્ર તપસ્યા માલદી- દેવી અને ચિત્તભૂષણજીએ ૨૬ વર્ષની વયે શરૂ કરેલી અને ૧૦૧મા વર્ષ સુધી સતત કરેલી. માલતીદેવીનું નિધન હજુ બે વર્ષ પહેલાં જ થયું. તેમણે પણ પોતાના અંતિમ સંસ્કાર ક્યાં કરવા એની જગ્યા તથા પોતાના મૃત્યુ વખતે ભોજનનું મેનુ નક્કી કર્યા પછી બે દિવસ બાદ દેહ છોડેલો. બાબાએ પણ આખરી શ્વાસ સુધી કાંતણ છોડ્યું નહોતું. માંજિહેડા આશ્રમની સુંદરતા તો આજે પણ તમને સેવાગ્રામની યાદ અપાવશે. સાદગીનું સૌંદર્ય જોવું હોય, તો ત્યાં જઈ આવવું.
આ વર્ષોમાં આ બન્નેએ કોઈ પણ પદ, સંસ્થા, સંપત્તિનો મોહ ન રાખ્યો. મિત્રો સાથે વિવાદ થયો તો પુરુલિયા સ્ટેશનના ગ્રામશિલ્પી વિભાગને તત્કાળ છોડી દીધો. અખિલ ભારતીય નઈ તાલીમ હોય કે સર્વ સેવા સંઘ, તેમણે એકેયમાં સભ્યપદનો મોહ નહોતો રાખ્યો. અલબત્ત, તેમને આ બન્નેમાં કારોબારી સભ્ય બનાવાયાં હતાં. આશ્રમ, વિદ્યાલય, બાળકો અને નઈ તાલીમ આ ધ્યેયને તેમણે પોતાની નજર સામેથી ક્યારે ય દૂર થવા દીધા નહીં.
આજે પણ આ આશ્રમ અને વિદ્યાલય તથા શિક્ષણ તાલીમ મહાવિદ્યાલયમાં તમામ પ્રવૃત્તિઓ નઈ તાલીમને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, જેની દેખરેખ તેમના પુત્ર માણિક, પુત્રવધૂ મધુમિતા અને મોટો દીકરો પ્રદીપ રાખે છે. તેમની દીકરીઓએ પણ સરકારી શિક્ષણમાં નઈ તાલીમનાં કામ કર્યાં. ખેતી, બાગાયત, કાંતણ, વણાટ, રંગકામ, કઢાઈ, ગ્રામોદ્યોગ … આ તમામ બાબતો અહીંના શિક્ષણનાં માધ્યમો છે. અહીં શરીરશ્રમ ફરજિયાત છે. આ વિસ્તાર આજે પણ અંતરિયાળ જંગલમાં સ્થિત છે, એટલે કુદરતી સૌંદર્ય અને શાંતિ તો સ્વાભાવિક છે. એટલો જ ફરક પડ્યો છે કે હવે ગામ સુધી પુલ-માર્ગ બની ગયા છે. આજે બાબાના પ્રતાપે જ બંગાળના એકથી એક નામીગિરામી કલાકારો, સાહિત્યકારો, શિક્ષણવિદોને અહીં દરેક ચર્ચા-સંગોષ્ઠિ, પરિસંવાદ, સાંસ્કૃિતક કાર્યક્રમોમાં વિનમ્ર બનીને નિરપેક્ષ-ભાવે આ સંથાલી ગાંધીના દરબારમાં હાજરી નોંધાવતાં જોવા મળે છે.
(ડૉ. સુગન બરંઠ કુદરતી ઉપચારના નિષ્ણાત અને સર્વ સેવા સંઘના પૂર્વ પ્રમુખ છે.)
[સપ્રેસમાંથી અનુવાદ : દિવ્યેશ વ્યાસ]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 08