એક બાજુ લોકશાહી દેશોની અણધારી પછડાટ અને બીજી બાજુ ગેરલોકતાંત્રિક ચીનના અણધાર્યા વિકાસને કારણે લોકશાહી દેશોમાં પ્રજા હતાશા અનુભવી રહી છે. તેમને ચીનાઓ જેવા ભલે આપખુદ પણ ઝડપી નિર્ણયો લેનારા અને તાત્કાલિક સંકટમાંથી બહાર કાઢનારા નેતા જોઈએ છે. જો આવો કોઈ નેતા મળતો હોય તો પ્રજા અત્યારે લોકશાહી મૂલ્યો માટેનો આગ્રહ છોડવા પણ તૈયાર છે. પ્રજાને આજે એવો ડ્રાઇવર જોઈએ છે જે પૂરપાટ ગાડી ચલાવે અને ચીનને આંબી જાય, પછી ભલેને થોડાંક લોકશાહી મૂલ્યોને દફનાવી દેવાં પડે
માર્ગરેટ થૅચર, રોનાલ્ડ રેગન, વ્લાદિમિર પુતિન અને નરેન્દ્ર મોદીઓનો ઉદય અચાનક નથી થતો; પરંતુ પરિસ્થિતિજન્ય ઉદય હોય છે. જગતમાં આશા-નિરાશાનાં મોજાંઓ આવતાં રહે છે અને જ્યારે નિરાશાનું મોજું સમાજને ઘેરી વળે ત્યારે જમણેરી અને આપખુદશાહી મિજાજ ધરાવનારા નેતાઓનો તારણહાર તરીકે ઉદય થતો હોય છે. નિર્ણાયકતા કરતાં નિર્દયતા તેમની ખરી તાકાત હોય છે, પણ નિરાશાની સ્થિતિમાં લોકોને તેમની નિર્દયતામાં નિર્ણાયકતા નજરે પડતી હોય છે. તેમનું બીજું લક્ષણ એ છે કે તેમને દેશની સમૃદ્ધ માનવીય પરંપરામાં અને મૂલ્યવ્યવસ્થામાં શ્રદ્ધા હોતી નથી અને એની સમજ પણ હોતી નથી. તેમનું ત્રીજું લક્ષણ એ હોય છે કે તેઓ પોતાની આપખુદશાહીને છુપાવવા માટે તેમ જ એને યોગ્ય ઠેરવવા માટે રાષ્ટ્રહિતના નામે આક્રમક રાષ્ટ્રવાદનો ઉપયોગ કરતા હોય છે. તેમનું ચોથું લક્ષણ એ હોય છે કે તેઓ મોટા ભાગે રાજકીય રીતે અભણ હોય છે. તેમને નથી પરંપરાની સમજ હોતી, નથી ઇતિહાસનું જ્ઞાન હોતું, નથી વિચારધારાઓની જાણકારી હોતી, નથી દ્વંદ્વોની સમજ હોતી, નથી ભવિષ્યની ચિંતા હોતી કે નથી વિવેકની મર્યાદા હોતી. તેઓ આત્મકેન્દ્રી હોય છે અને ખુદના સિવાયનાં બીજાં બધાં કેન્દ્ર ગૌણ હોય છે. ઉપર જે નામ ગણાવ્યાં એ બધા જ નેતાઓમાં આ લક્ષણો એકસરખાં જોવા મળશે.
આ યુગ નિરાશાનો યુગ છે જેમાં લોકતંત્ર, પરંપરા અને મૂલ્યવ્યવસ્થા પર જગત આખામાં સર્વત્ર કુઠારાઘાત થઈ રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ક્રિમિયાને ગળી ગયા છે અને યુક્રેનની પ્રજાને યુરોપની નજીક જવા દેતા નથી. આરબ રાષ્ટ્રોની પ્રજાનું લોકતંત્ર માટેનું સપનું રોળાઈ ગયું છે અને આરબ સ્પ્રિંગ નિષ્ફળ નીવડી છે. ઇસ્લામિસ્ટો અને પશ્ચિમના મૂડીવાદીઓની ધરી આરબ દેશોમાં લોકશાહીનો ઉદય થાય એમ ઇચ્છતી નથી. જગતમાં લોકશાહીના જતન માટે કામ કરતી સંસ્થા ફ્રીડમ હાઉસનો અભ્યાસ કહે છે કે અત્યારે જગતની બે અબજ કરતાં વધુ પ્રજા તાનાશાહીનો શિકાર છે અને એનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે ૨૧મી સદીમાં લોકતંત્રની દિશામાં આગળ વધવાની જગ્યાએ પીછેહઠ થઈ રહી છે. ૧૯૮૦થી ૨૦૦૦ની સાલ સુધીના બે દશકમાં લોકતંત્રને જેટલા ઝટકા ખમવા પડ્યા છે એના કરતાં ૨૧મી સદીમાં લોકતંત્ર પર વધુ આઘાત થયા છે. ફ્રીડમ હાઉસના અભ્યાસ મુજબ ૨૦૧૩નું વર્ષ ઉપરાઉપરી આઠમું વર્ષ છે જેમાં લોકશાહીની પીછેહઠ થઈ છે અને લોકતાંત્રિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે.
એક સમયે લોકતંત્રનો મહિમા કરાતો હતો. લોકતંત્રમાં વિકાસ અને સમૃદ્ધિની ચાવી છે એમ માનવામાં આવતું હતું. જગતના લોકતાંત્રિક દેશો ગેરલોકતાંત્રિક દેશો કરતાં વધુ સમૃદ્ધ ગણાતા હતા. ખુલ્લો સમાજ (ઓપન સોસાયટી) વધારે પારદર્શી હોય છે એટલે સત્તાધીશો જવાબદારીપૂર્વક વર્તે છે અને પરિણામે ભ્રષ્ટાચારનું પ્રમાણ ગેરલોકતાંત્રિક દેશો કરતાં ઓછું હોય છે એમ માનવામાં આવતું હતું. લોકશાહીનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે એમાં પ્રજાની વૈચારિક ભાગીદારી હોય છે એટલે આગળ વધવા માટેનો સુંદર વિચાર કોઈ પણ મુખેથી વ્યક્ત થાય છે જે પાછળથી સહિયારો બની જાય છે. એક માણસ પોતાના વિઝન મુજબ પ્રગતિનાં સોપાન બતાવે એના કરતાં સહિયારી જદ્દોજહદ વધારે ટકાઉ અને વધારે પ્રજાલક્ષી પ્રગતિ તરફ દોરી શકે છે.
લોકતંત્રના આ બધા ગુણો આજે પણ કાયમ છે તો પછી એનું આકર્ષણ કેમ ઘટી રહ્યું છે? શા માટે લોકતંત્રની પ્રાસંગિકતા ઘટી રહી છે અને તાનાશાહો માટે આકર્ષણ વધી રહ્યું છે? શા માટે લોકતંત્રનો સૂર્ય ઝાંખો પડી રહ્યો છે અને તાનાશાહોનો અને તાનાશાહીનો સૂર્ય ઝળકી રહ્યો છે? એવું શું બની રહ્યું છે કે જે પ્રજા સ્વાતંત્ર્ય માટે ઝઘડતી હતી એ પ્રજા હવે સ્વતંત્રતા સાથે સમાધાન કરવા તૈયાર થઈ ગઈ છે? ખુલ્લા સમાજ માટેની ૨૦૦ કરતાં વધુ વર્ષોની જદ્દોજહદ પર પાણી ફરતું હોય એમ કેમ લાગી રહ્યું છે? એવી કઈ નિરાશા છે જે આજના યુગને ઘેરી વળી છે?
લંડનના “ધી ઇકૉનૉમિસ્ટ”એ થોડા સમય પહેલાં ‘વૉટ્સ ગૉન રૉન્ગ વિથ ડેમોક્રસી’ નામની એક કવરસ્ટોરી કરી હતી એમાં આનો ખુલાસો આપ્યો છે. “ધી ઇકૉનૉમિસ્ટ”ના કહેવા મુજબ જાગતિક નિરાશાનાં બે કારણો છે : એક, ગેરલોકતાંત્રિક ચીનનો ઉદય અને બીજું, પશ્ચિમના લોકતાંત્રિક દેશોની આર્થિક પીછેહઠ. એક સમયે લોકતંત્રને વિકાસનું સાધન માનવામાં આવતું હતું, પરંતુ હવે લોકતંત્રને વિકાસમાં બાધારૂપ માનવામાં આવે છે. ૨૦૦૭-’૦૮ની યુરોપ અને અમેરિકાની મંદી, ખનિજ તેલના વધતા ભાવ અને એને પરિણામે વધેલા ફુગાવાને કારણે લોકોના મનમાં નિરાશા વ્યાપી છે. આ સંકટનો સામનો કઈ રીતે કરવો એ ભારતના અને પશ્ચિમના લોકતાંત્રિક દેશોના નેતાઓને સૂઝતું નથી. લોકોને રાહત આપવા ભારતમાં અને પશ્ચિમના દેશોના શાસકો સબસિડી અને એન્ટાઇટલમેન્ટ્સ આપે છે જેને કારણે આર્થિક સંકટ વધુ ઘેરું બની રહ્યું છે.
બીજી બાજુ ચીનના ઝડપથી થઈ રહેલા વિકાસનું શ્રેય લોકતંત્રના અભાવને આપવામાં આવે છે. અમેરિકનોના જીવનધોરણ(સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ)માં દર ત્રણ દાયકે બેવડો વિકાસ થતો હતો એની સામે ચીનાઓના જીવનધોરણમાં છેલ્લા ત્રણ દાયકાથી દર દાયકે બેવડો વધારો થઈ રહ્યો છે. ચીને અમેરિકા અને યુરોપના દેશોની બરાબરી કરી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે. કેટલાક લોકશાહી દેશોનો વિકાસદર નેગેટિવ છે, કેટલાકનો સ્થિર છે અને ભારતના વિકાસદરમાં ૨૦૦૭ની તુલનામાં સાડાત્રણ ટકાનો ઘટાડો થયો છે. એની સામે ચીન માત્ર બે ટકાના ઘટાડા છતાં ૧૦ ટકાના વિકાસદર સાથે બીજા દેશો કરતાં ક્યાં ય આગળ છે.
એક બાજુ લોકશાહી દેશોની અણધારી પછડાટ અને બીજી બાજુ ગેરલોકતાંત્રિક ચીનના અણધાર્યા વિકાસને કારણે લોકશાહી દેશોમાં પ્રજા હતાશા અનુભવી રહી છે. તેમને ચીનાઓ જેવા ભલે આપખુદ પણ ઝડપી નિર્ણયો લેનારા અને તાત્કાલિક સંકટમાંથી બહાર કાઢનારા નેતા જોઈએ છે. જો આવો કોઈ નેતા મળતો હોય તો પ્રજા અત્યારે લોકશાહી મૂલ્યો માટેનો આગ્રહ છોડવા પણ તૈયાર છે. બંધારણ મુજબ ચોક્કસ મુદ્દતે ચૂંટણી થાય તો બસ છે કે જેથી જરૂર પડ્યે શાસકને બદલી શકાય. બાકી એનાથી વધારે લોકશાહીની જરૂર નથી. આદિવાસીઓના અધિકારો, સમલિંગીઓના અધિકારો, સ્ત્રીઓના અધિકારો, કુદરતી સંસાધનો પર સ્થાનિક પ્રજાના અધિકારો, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય વગેરેની ચિંતા કરવાની જરૂર નથી. પ્રજાને આજે એવો ડ્રાઇવર જોઈએ છે જે પૂરપાટ ગાડી ચલાવે અને ચીનને આંબી જાય, પછી ભલે થોડાંક લોકશાહી મૂલ્યોને દફનાવી દેવાં પડે. લેસ ડેમોક્રસી વિલ ડૂ જેવી માનસિકતા આજે જોવા મળે છે.
પ્રજાના મનમાં જ્યારે હતાશાનું મોજું ફરી વળે છે ત્યારે એનું સમર્થન કરનારું તર્કશાસ્ત્ર પણ વિકસે છે. એક જમાનામાં લોકશાહીની તરફેણ કરતું તર્કશાસ્ત્ર ફૅશનમાં હતું તો આજે ઍન્ટિ-ડેમોક્રસી તો નહીં પણ લેસ ડેમોક્રસીની તરફેણ કરતું તર્કશાસ્ત્ર ફૅશનમાં છે. શું કરવી છે પૂર્ણ વિકસિત લોકશાહીને જો એમાં સમયસર નિર્ણયો ન લેવાતા હોય, અમલદારશાહીનું રાજ હોય, ભ્રષ્ટાચાર વ્યાપક હોય અને લોકશાહીના નામે નબળા અને નાદાર નેતાઓ ખિસ્સાં ભરતા હોય? લૉબિસ્ટો સડેલી વ્યવસ્થાનો લાભ લે છે. અમેરિકામાં હજારોની સંખ્યામાં લૉબિસ્ટો લૉબિંગ કરે છે. એમ કહેવાય છે કે અમેરિકામાં પ્રત્યેક કૉન્ગ્રેસમૅન દીઠ ૨૦ લૉબિસ્ટો સક્રિય છે. આનો અર્થ એ થયો કે લોકશાહી દેશોના વહીવટી તંત્રને સ્થાપિત હિતોએ કબજે કરી લીધું છે. બીજું, લોકતાંત્રિક દેશો પણ ક્યાં ઈમાનદારીપૂર્વક લોકતંત્રને વરેલા છે? અમેરિકાએ પાકિસ્તાન સહિત મુસ્લિમ દેશોમાં ક્યારે ય લોકતંત્રને પાંગરવા દીધું નથી. અમેરિકાએ ઇરાક પર કરેલો હુમલો આનું ઉદાહરણ છે. યુરોપમાં યુરોપ સંઘનો અને યુરોનો વિરોધ કરનારા દેશોના શાસકોને અસ્થિર કરવામાં આવ્યા છે અને હજી પણ કરવામાં આવે છે. લોકતંત્ર સાથે ચેડાં કરીને ઓછો આર્થિક લાભ લેવો એના કરતાં ઓછા લોકતંત્ર સાથે ઝડપી અને વધુ આર્થિક લાભ શા માટે ન લેવો?
આ તર્કશાસ્ત્રમાં અને નરેન્દ્ર મોદીના કહેવાતા ગુજરાત મૉડલની વકીલાત કરનારા તર્કશાસ્ત્રમાં કોઈ સમાનતા નજરે પડે છે? સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે જગદીશ ભગવતી, અરવિંદ પનગરિયા, સુરજિત ભલ્લા અને લાભાર્થી ઉદ્યોગપતિઓ વગેરે વિકાસના નામે લેસ ડેમોક્રસીની હિમાયત કરી રહ્યા છે. આ તર્કશાસ્ત્ર ભયંકર છે. આ તર્કશાસ્ત્રનો પ્રભાવ એટલો વ્યાપક છે કે ૨૦૧૩ના પેવ સર્વે મુજબ ૩૧ ટકા અમેરિકનો અમેરિકન લોકશાહીથી હતાશ છે તો સામે ૮૫ ટકા ચીનાઓ તાનાશાહીથી ખુશ છે. આને કારણે અમેરિકા અને યુરોપના દેશોમાં મતદાનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ દેશોમાં મતદાનના પ્રમાણમાં સરેરાશ ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આને કારણે લોકો હવે રાજકીય પક્ષોમાં જોડાવાનું પસંદ કરતા નથી.
ઝડપી અને વધુ વિકાસ માટે ઓછી લોકશાહીનું તર્કશાસ્ત્ર ભયંકર છે. “ધી ઇકૉનૉમિસ્ટ” કહે છે એમ લોકતંત્ર પર ભીંસ બહારથી આવી રહી છે એનાથી વધુ હતાશાગ્રસ્ત લોકોમાંથી અંદરથી આવી રહી છે. અન્ય લોકશાહી દેશોની જેમ જ ભારતની પ્રજા હતાશાગ્રસ્ત છે. બીજા લોકશાહી દેશોની પ્રજાની તુલનામાં ભારતની પ્રજાને હતાશ થવા માટે વધુ કારણ છે. ભારત હજી પણ વિકાસશીલ દેશ છે અને વિકાસની સીડી પર અડધે પહોંચીને અટકી ગયો છે. આગળ કેમ વધવું એનો કોઈ માર્ગ જડતો નથી એટલે ડૉ. મનમોહન સિંહની સરકારે અસમંજસ અવસ્થામાં પાંચ વર્ષ વેડફ્યાં હતાં. છેલ્લાં પાંચ વર્ષ એ શાસનના શૂન્યાવકાશનાં વર્ષો હતાં. બીજું, ચીન માત્ર હરીફ નથી, પાડોશી પણ છે એટલે ભારતની પ્રજા ચીનથી ભયભીત છે. દાયકા પહેલાં જે આશા હતી એ નિરાશામાં પલટાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીનો ઉદય આ નિરાશામાંથી થયો છે.
પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદી પાસે આનો શું વિકલ્પ છે? તેમનું કહેવાતું ગુજરાત મૉડલ કઈ દિશાનું અને કેવું છે? એના લાભાર્થી કોણ છે? કોણ ગુજરાત મૉડલને અને એના નામે નરેન્દ્ર મોદીને પ્રમોટ કરી રહ્યા છે? સરેરાશ ગુજરાતી સામાજિક વિકાસમાં ક્યાં છે? ગુજરાતમાં લોકશાહીની શી સ્થિતિ છે? ગુજરાત ફુલ ડેમોક્રસી ધરાવતું રાજ્ય છે કે લેસ ડેમોક્રસી ધરાવતું રાજ્ય છે? હતાશાગ્રસ્ત અન્ય લોકશાહી દેશોમાં કોણ હતાશાનો લાભ ઉઠાવી રહ્યા છે? હતાશાનો લાભ ઉઠાવવામાં કોઈ વૈશ્વિક પૅટર્ન છે ખરી? અને સૌથી મહત્ત્વની વાત, ચીનના ઝડપી વિકાસનો લાભ કોને મળી રહ્યો છે અને એની કિંમત કોણ ચૂકવી રહ્યું છે?
જો આઝાદી વહાલી હોય અને મૂલ્યોની ખેવના હોય તો હજી થોડું સહચિંતન હવે પછી ક્યારેક.
સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ કટાર, “મિડ-ડે ગુજરાતી”, 19 અૅપ્રિલ 2014
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-20042014-19