તમે કોને તહસનહસ કરવા માંગો છો?,
અડધી આલમને?
એ સર્જકને જેના ગર્ભકમળમાં તમે પાંગર્યાં અને ખીલ્યાં !
તમારી અન્નપૂર્ણા,
તમારી ધાત્રી,
તમારી પૂષા,
તમારી શક્તિ,
તમારી દુહિતા,
તમે આમને અદ્રશ્ય કરવા માંગતા હતા? !
અને એમની અસ્મિતાને પડકારવા માંગતા હતા?
જો તમે એમ જ કરતા રહેશો, તો
એ
ધરતીમાં સમાશે નહીં!
ધરતી જ ફાટી પડશે,
ત્યારે
એ
અગનપંખીની જેમ અંગારે પ્રગટશે !
ને
બમણા વેગે સુનામીની જેમ ત્રાટકશે
ને
એલાન કરશે કે
જાઓ,
હું મારી સર્જકતાનો ત્યાગ કરું છું!
ત્યારે,
શું તમે જ તહસનહસ નહીં થઈ જાઓ?
(અહીં સર્જકતાનો અર્થ દરેક સંદર્ભે અભિપ્રેત છે.)
વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 06
![]()


સામાન્ય રીતે આપણી સંસદના સત્રમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની આમ આદમીને બહુ પડી નથી હોતી, સિવાય કે ગૃહમાં સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી કે જોરદાર અફડાતફડી મચી ગઈ હોય અને ટીવી-ચૅનલો પર લગાતાર એ દૃશ્યો ટેલિકાસ્ટ થતાં હોય. પરંતુ તાજેતરમાં લોકસભામાં વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો એ સેશન દેશભરમાં મશહૂર બની ગયું છે. એનું કારણ ન તો સંસદમાં વિપક્ષ અને શાસકના સભ્યો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓ છે કે ન તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું આક્રમક વક્તવ્ય છે. એનું કારણ છે રાહુલ ગાંધીએ અચાનક જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને આપેલું આલિંગન! સંસદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર વિપક્ષી નેતાએ શાસક પક્ષના વડાને આવી જપ્પી આપી છે અને એ જે રીતે તદ્દન અચાનક અપાઈ એનાથી મોદીજી ચોંકી ગયા હતા.
કેરળમાં એસ. હરીશ નામના સાહિત્યકાર છે. તેઓ કેરળના લોકપ્રિય સાપ્તાહિક ‘માતૃભૂમિ'માં ‘મિશા’ નામની ધારાવાહિક નવલકથા લખતા હતા. નવલકથામાં બે પુરુષો વચ્ચે રોજ મન્દિર જનારી એક યુવતી વિશે કાનાફૂસી કરતા સંવાદો આવે છે. બસ, કેટલાક લોકો માટે દિલ દુભાવા માટે આટલું પૂરતું હતું. એક તો સ્ત્રી અને એ પણ મન્દિર જેવા પવિત્ર સ્થળે જતી હોય ત્યારે લેખક આવી વાતો લખે? મલિયાળી ભાષા જાણનારાઓ કહે છે કે નવલકથામાં જે સંવાદો આવે છે અભદ્ર નથી. અશ્લીલ તો જરા ય નથી. યુવાસહજ શૃંગારિક સંવાદો છે. પણ દિલના દલાલો રસ્તા પર ઊતરી આવ્યા. એસ. હરીશને એટલા હેરાન કરવામાં આવ્યા કે તેમણે નવલકથા આટોપી લેવાની જાહેરાત કરી. હવે પછી તેઓ આ નવલકથાને ગ્રંથસ્થ નહીં કરે એવું પણ તેમણે ડરીને કહ્યું છે.