હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે અને જે બીજું તે રાજકીય વિચારધારા છે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઠાકુર સહિતના સાત ન્યાયમૂર્તિઓની બેન્ચ સમક્ષ ભારત સરકાર, ખાસ કરીને ભા.જ.પ. શાસિત રાજય સરકારો મારફત જે રજૂઆત થઈ રહી છે તે ધ્યાનથી તપાસવા લાયક છે. ભા.જ.પ. શાસિત ત્રણ રાજ્યો (ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન) વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે ધર્મ તો સમાજનું અંગ છે અને તમે ચૂંટણી ઢંઢેરામાં એની જિકર બાબતે પરબારી બંધીનું કે આ ચર્ચા નહીં ને પેલી ચર્ચા સહી એવું કોઈ વલણ લઈ શકો નહીં. લોકપ્રતિનિધિત્વ ધારાની 123મી કલમ હેઠળ ભ્રષ્ટ નીતિરીતિને ધોરણે ધર્મ વગેરેના ઉપયોગ (દુરુપયોગ) અંગેનો આ મામલો છે, અને એમાં દરમ્યાન થતાં એડિશનલ સોલિસિટર જનરલે આમ કહ્યું છે. દેખીતી રીતે જ, ધર્મના મામલાને ચગાવીને ધર્મકોમી અપીલ મારફતે મત મેળવવાનું બન્યા પછી કેટલાક કિસ્સામાં આવી ભ્રષ્ટ નીતિરીતિ સબબ ચૂંટણી રદ થયાનું પણ આપણે ત્યાં બનેલું છે તેથી ભા.જ.પ.નું વલણ પાણી પહેલાં પાળ બાંધવાનું જણાય છે.
જો કે, ભા.જ.પ. સરકારે જે આખો એક અભિગમનો ગોફ આ તબક્કે ઉપસાવવા ધાર્યો છે એ છે તો સોજ્જો: આપણે એક બહુધર્મી મુલક છીએ. આ દેશનું વૈશિષ્ટ્ય એની વિવિધતાઓમાં છે. આ વૈવિધ્ય ધર્મોનું છે, નાતજાતનું છે, નાનાવિધ સમુદાયોનું છે, ભાષાઓનું છે – શેનું છે, શેનું નથી! આ સંજોગોમાં સમાજના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મનું હોવું સ્વાભાવિક હોવાનું, એટલે સિવાય કે કોઈ ચોક્કસ બંધારણીય જોગવાઈને અન્વયે સીમિતરૂપે જે પણ બંધી હોય, ધર્મને તમે ઢંઢેરામાં ડોકાતો રોકી ન શકો.
સરકારની આ આખી માંડણી સામે સર્વોચ્ચ અદાલતમાં એક તબક્કે વિદ્વાન ન્યાયમૂર્તિઓ તરફથી એવી પૃચ્છા પણ થઈ હતી કે તમે રાજકીય ભાષણોમાં (અને ઢંઢેરાઓમાં) ધર્મના ઉપયોગ મુદ્દે આટલા બધા સભાન/સાવધ/સતર્ક કેમ છો. એડિશનલ સોલિસિટર જનરલે વળતું કહ્યું હતું કે જો કોઈ એન.જી.ઓ. અને કર્મશીલોને આ ચર્ચામાં દરમ્યાન થવા દેવાતાં હોય તો સરકાર તરીકે અમારો પણ આમાં હક અને ભૂમિકા બને જ છે.
બીજી બાજુ, સર્વોચ્ચ અદાલતે આ દિવસોમાં એકથી વધુ વાર એમ કહ્યું છે કે હિંદુ એ ધર્મ કરતાં તો એક જીવનરીતિ (વે ઑફ લાઇફ) છે એવા બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદાને પોતે આ તબક્કે નવેસર તપાસવા માગતી નથી. તે ચુકાદો, હાલ તો, છે તે છે. સાથોસાથ, સર્વોચ્ચ અદાલતે ધર્મકોમી વલણો સબબ ચૂંટણી રદ કર્યાના દાખલા પણ છે તે છે. આ જ દિવસોમાં, અદાલતની આ જ બેન્ચે, સેક્યુલર રાજ્યમાં ધર્મના સ્થાનની ચોક્કસ મર્યાદાઓ હોવાની એવું પણ કહ્યું છે.
સરકારની એકંદર રજૂઆત અને સર્વોચ્ચ અદાલતની એકંદર વાત જોતાં શું શું સમજાય છે? એક તો, સરકારનો હાલનો વલણવ્યૂહ દેશના વૈવિધ્યમૂલક વૈશિષ્ટ્યનો છે. અલબત્ત, પોતાની – ખાસ તો, પક્ષપરીવારની – ‘હિંદુ’ ઓળખ માટેનો આગ્રહ બરકરાર છે. સર્વોચ્ચ અદાલત વર્મા ચુકાદાને ઉખેળવાની જરૂર જોતી નથી, પણ રાજ્ય સેકયુલર હોવાલાગવા બાબતે તે ચોક્કસ છે. (અહીં અયોધ્યા ઘટના પછીનો સર્વોચ્ચ અદાલતનો એ યાદગાર ચુકાદો અવશ્ય સાંભરે જેમાં એણે ભા.જ.પ.શાસિત રાજય સરકારોની બરતરફી એ મુદ્દે વૈધ લેખી હતી કે અયોધ્યા આંદોલનમાં આ રાજ્યોની સંડોવણી દેશના બંધારણની એક મૂળભૂત ઓળખરૂપ સેક્યુલર માળખાને હાણ પહોંચાડનારી હતી.) ગમે તેમ પણ, સરવાળે ઊઠતી છાપ એ છે કે ભા.જ.પ. સરકાર અને સર્વોચ્ચ અદાલત બેઉ પોતપોતાને છેડેથી અને પોતપોતાની સમજ તેમ જ પોતપોતાનાં કારણોસર તંગ દોર પર ચાલી રહ્યાં છે.સરકાર અને સત્તાપક્ષ તેમ જ સર્વોચ્ચ અદાલતની આ તરાહ અને તાસીર જોતાં નાગરિક વર્તુળોની જાગૃતિ કદાચ સર્વાધિક મહત્ત્વની બની રહે છે. વિવેક અને જાગૃતિના કયા કયા મુદ્દાઓ આ ક્ષણે સામે આવે છે એનો વિચાર કરીએ તો પહેલો જ જે મુદ્દો સામે આવે છે તે અલબત્ત એ છે કે બે’ક દાયકા પરના જસ્ટિસ વર્માના ચુકાદા વિશે જાહેર ઊહાપોહ અને જનમતઘડતર લાંબા ગાળા સુધી જરૂરી છે અને રહેશે.
એનું કારણ એ નથી કે હિંદુ ધર્મની જે વિશેષતા (સેમેટિક ધર્મોને મુકાબલે) ગણાવાય છે તે નથી, અથવા તો હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઑફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવી સર્વપલ્લી રાધાકૃષ્ણને એની સમાવેશી તાસીરનો જે મહિમા કર્યો છે તે નથી. આ વિશેષતા અને મહિમા પોતાને ઠેકાણે ઠીક જ છે, જેમ અદ્વૈત તત્ત્વજ્ઞાનની ઊંચાઈ અને નાતજાતગત ઊંચનીચ બેઉ વાસ્તવિક છે તેમ! જે મુશ્કેલી છે તે આપણે ત્યાં પોતપોતાના ધર્મસંપ્રદાયવિશેષનો મહિમા અને સવિશેષ પુરસ્કાર કરવાને ધોરણે મુસ્લિમ લીગ, અકાલી દળ અને ખુદ ભા.જ.પ.ની જે ભૂમિકા છે તેને કારણે છે.
સેક્યુલર સ્ટેટની આપણી સમજમાં ધર્મસંસ્થાનો નિરાદર નથી, સામાજિક સ્તરે સર્વધર્મસમભાવ આપણને ઇષ્ટ છે, આ બધું સાચું પણ સર્વાગ્ર તો બંધારણ જ છે, અને એની મર્યાદા અને મોકળાશમાં નાગરિક ભૂમિકાને પ્રાથમિકતા છે. તીન તલાકની ચર્ચામાં ધર્મ સ્વાતંત્ર્ય અને ધાર્મિક ઓળખના મુદ્દાને આગળ કરી સુધારણાની બંધારણીય કોશિશનો વિરોધ આ વાનું નહીં સમજાયાથી (કે નહીં પચ્યાથી) થાય છે. એક જમાનાના આનંદપુરસાહેબ પ્રસ્તાવમાં અકાલી દળે જે હદે આખી વાતને ખેંચી હતી એમાં પણ બંધારણીય મોકળાશ અને મર્યાદાની બહાર ધર્મસ્વાતંત્ર્યને નામે સેક્યુલર સ્ટેટમાં શું કરી શકાય અને શું ન કરી શકાય, એ અંગેની સમજનો અભાવ હતો.
જો કે શિરમોર દાખલો (અને સમસ્યા) તો આ સંદર્ભમાં ભા.જ.પ. પોતે છે. બહુધર્મી દેશમાં વૈવિધ્યનો સ્વીકારપુરસ્કાર બાવાહિંદી ન્યાયે (અથવા દિલોજાનથી) કર્યા પછી અને છતાં તે રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની આખી ચર્ચાને એક ચોક્કસ વિચાર સાથે સાંકળે છે, અને સમીકૃત કરે છે – આ વિચાર તે હિંદુત્વ છે. જે સૌની પિતૃભૂમિ અને ધર્મભૂમિ અહીં છે તે જ હિંદુ છે, રાષ્ટ્રીય છે. મુસ્લિમ સભ્યો(અને નેતાઓ)ના રસમી સ્વીકાર છતાં મૂળ નિષ્ઠા અને, સવિશેષ તો, માનસિકતા આ અને આ જ છે. યથાપ્રસંગ એ ‘રામજાદે વિ. હરામજાદે’ જેવી ભાષા ગૂંથણીમાં પ્રગટ થયા વિના રહેતાં પણ નથી.
એટલે સઘળી સુફિયાણી ને સોફિસ્ટ્રી છતાં નાગરિક સામે ભા.જ.પ. સંબંધે એક સો ટચનો સવાલ સામે આવીને ઊભો રહે છે. અને તે એ કે તમારી દેશની વ્યાખ્યા શું છે. જો હિંદુત્વ હોય તો, એ તો, પાકિસ્તાનનું હતું એવું જ લૉજિક થયું. વાત માત્ર આટલી જ નથી. સામાન્ય નાગરિકે વ્યામોહ અને અસમંજસથી ઊઠીને બીજો પણ એક વિવેક કરવો રહે. અને તે એ કે હિંદુ ધર્મ અને હિંદુત્વ બે એક નથી. એક અલબત્ત ધર્મ છે, અને જે બીજું તે રાજકીય વિચારધારા છે. જસ્ટિસ વર્માને માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે 2002ની ગુજરાતની મુલાકાતમાં ‘હિંદુત્વ ઇન ઍક્શન’નો સાક્ષાત્કાર થયા પછી ‘વે ઑફ લાઇફ’ અર્થઘટન વિશે પુનર્વિચાર કરવાપણું લાગ્યું હોય તો નવાઈ નહીં. ગમે તેમ પણ, ‘ધર્મ’ અને ‘ત્વ’ એક નથી એટલી સામાન્ય સમજ માટે સર્વોચ્ચ અદાલત પર બોજ નાખવો જરૂરી નથી, એટલું સમજીએ તો બસ.
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘મહત્ત્વનો ફરક’, “દિવ્ય ભાસ્કર”, 29 અૉક્ટોબર 2016