(પ્રથમ દર્શક વ્યાખ્યાન)
મનુભાઈ પંચોળી ‘દર્શક’ આજીવન પોતાના આચારવિચાર થકી ‘થિંક ગ્લોબલ, ઍક્ટ લોકલ’ના વિચારને વળગી રહ્યા હતા. તેમનું કાર્યક્ષેત્ર લોકભારતી, સણોસરા અને તેની સાથી સંસ્થાઓ રહી, પરંતુ તેમનું વિચારક્ષેત્ર સમગ્ર વિશ્વ રહ્યું. સાહિત્યકાર હોય કે સર્જક, તેને તો વિશ્વથી ઓછું ફલક ક્યાંથી માફક આવે! મનુભાઈ તો સર્જક ઉપરાંત ખરા અર્થમાં ‘દર્શક’ પણ હતા, એ ઉપરાંત વિશ્વઇતિહાસના અભ્યાસુ તથા મર્મી હતા, અને એટલે જ તેમના વિચારો કાયમ વૈશ્વિક સ્તરના જ રહેલા.
આજે મનુભાઈ આપણી વચ્ચે નથી, છતાં પણ તેઓ આપણને વૈશ્વિક સ્તરે વિચારવા હંમેશાં પ્રેરણા આપતા રહે છે. ‘દર્શક’ની આ પ્રેરણાને સ્વતંત્ર વિચારવિમર્શને ધોરણે વધુ ને વધુ લોકો સુધી વિસ્તારવાના જ એક પ્રયાસ રૂપે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ‘ઓપિનિયન’ પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રસારિત થતા સામયિક ‘ઓપિનિયન’ની પહેલથી, (ખાસ તો સદ્ગત હીરજીભાઈ શાહ અને વિપુલ કલ્યાણીની હોંશથી), ‘દર્શક’ના વિદેશવાસી ચાહકોએ એકત્ર કરેલ નિધિમાંથી આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થઈ શક્યો. આ વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડ ખાતે થયા. દર્શક વ્યાખ્યાનમાળા વ્યવસ્થાપક સમિતિએ પ્રથમ વ્યાખ્યાન માટે રાજકીય ચિંતન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રતિષ્ઠિત વિદ્વાન અને ઇંગ્લેન્ડના હાઉસ ઑફ લૉડ્ર્ઝના સભ્ય એવા પ્રોફેસર ભીખુ પારેખ પર પસંદગી ઉતારી હતી. પ્રો. ભીખુ પારેખે પોતાના તાજા પ્રકાશિત પુસ્તક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના આધારે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
દર્શક વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ સમયસર ૪-૦૦ વાગ્યે શરૂ થઈ ગયો હતો. જે દિવસે કાર્યક્રમ હતો, એ સવારે જ અમેરિકાના લોકસંગીતકાર અને ગીતકાર બોબ ડિલનને સાહિત્યનું નોબેલ પારિતોષિક અપાયાના સમાચાર આવ્યા હતા, એટલે વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકોએ કાર્યક્રમનો પ્રારંભ દર્શકના સ્પિરિટને શોભે તેમ ડિલનના ગાયેલા ‘વી શેલ ઓવરકમ …’ ગીતથી જ કરવાનો ઉત્સાહ દાખવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના સંચાલક અને વ્યાખ્યાનમાળાની વ્યવસ્થાપક સમિતિના વરિષ્ઠ સભ્ય એવા પ્રકાશ ન. શાહે બોબ ડિલન અંગે સલમાન રશ્દીએ વાપરેલા ‘બાર્ડિક ટ્રેડિશન’ એ શબ્દોનો હવાલો આપીને ડિલનને માટે ગુજરાતીમાં નર્મદને યાદ કરીને ‘કડખેદ’ શબ્દ વાપર્યો હતો અને ડિલનને નોબેલ મળ્યાના સમાચારને વધાવ્યા હતા. પ્રકાશભાઈએ કાર્યક્રમના નિર્ધારિત અધ્યક્ષ હસમુખભાઈ શાહ શારીરિક તકલીફને કારણે હાજર રહી શક્યા નથી, એની વાત કરીને હસમુખભાઈના અધ્યક્ષીય પ્રવચનના ટાંચણના આધારે તેમની ભાવનાને વાચા આપી હતી. હસમુખભાઈએ ભીખુભાઈ જેવી મેધાવી વ્યક્તિ સંબોધવાની છે, એ બાબતનો રાજીપો વ્યક્ત કર્યો હતો. હસમુખભાઈએ મનુભાઈની લેખક, સાહિત્યકાર, ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભાની વાત કરીને તેમણે સમગ્ર જીવનનાં પાસાંઓને આવરી લેતું શિક્ષણ આપવાનું કામ કર્યું, તેને વિશેષ સંભાર્યું હતું તેમ જ ઇતિહાસને સમજવા માટેના તેમના ખંત અને પ્રતિબદ્ધતાને યાદ કર્યા હતા. કૃષિ માટેની તેમની ખાંખતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રકાશભાઈએ દેશ-વિદેશથી આવેલા અન્ય મહાનુભાવોના સંદેશાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ વ્યાખ્યાનમાળામાં પાયાના પથ્થરથી માંડીને મોભ સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરનારા વિપુલ કલ્યાણીને પ્રકાશભાઈએ (ભલે તેઓ ઇંગ્લંડની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ હોય, પણ) ‘સ્વભાવના કાર્યકર’ ગણાવીને પ્રારંભિક વક્તવ્ય માટે આમંત્રિત કરેલા. વિપુલભાઈએ આ સમગ્ર વ્યાખ્યાનમાળાનો ઉપક્રમ કઈ રીતે સાકાર થયો, તેની સંક્ષિપ્તમાં વિગતો આપી હતી. વિપુલભાઈએ સમગ્ર કાર્યક્રમ માટે સહયોગ આપનારા સાથીઓમાં પ્રકાશભાઈ શાહ, નયનાબહેન શાહ, કેતનભાઈ રૂપેરા અને રાજેન્દ્રભાઈ ખીમાણી (વિદ્યાપીઠના કુલસચિવ) વગેરેનો નામજોગ ઉલ્લેખ કરીને આભાર માન્યો હતો. આ વ્યાખ્યાનમાળા કઈ રીતે શરૂ થઈ, તેની વાત કરતાં વિપુલભાઈએ ૨૦૦૨ની સાલમાં ૪૦મા નાનાભાઈ સ્મૃિતવ્યાખ્યાન વખતે વક્તા રઘુવીરભાઈ ચૌધરી અને અનિલભાઈ ભટ્ટ વચ્ચે મનુભાઈના નામે કાયમી વ્યાખ્યાનમાળા શરૂ કરવા અંગે થયેલી ચર્ચા સંભારી હતી. મનુભાઈના વ્યક્તિત્વ અને સાહિત્યના વિદેશવાસી ચાહકોને ‘ઓપિનિયન’ના માધ્યમથી બીજી ફેબ્રુઆરી, ૨૦૦૪થી આ વ્યાખ્યાનમાળા માટે દાન આપવાની ટહેલ નાખવામાં આવેલી, જેને બહુ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૦૪થી દાનનો પ્રવાહ શરૂ થયેલો. વિપુલભાઈએ સદ્ગત હીરજી ધરમજી શાહનો વિશેષ ઉલ્લેખ કરીને તેમણે આપેલા મોટા સહયોગને સંભાર્યો હતો અને સાથે સાથે હીરજીભાઈના ગયા પછી તેમનાં પત્ની મણિબહેનની પ્રતિબદ્ધતાને પણ બિરદાવી હતી. વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાન માટે ભીખુભાઈ સાંપડ્યા, એને સૌભાગ્ય ગણાવ્યું હતું. વિપુલભાઈએ પોતાના વક્તવ્યમાં એક વાત બહુ માર્કાની કરેલી કે આઝાદીનાં ૭૦ વર્ષ પછી આપણે એક વસ્તુ જાણે કોરાણે મૂકી દીધી છે, એ છે વિચારવાનું. વ્યક્તિ નહિ, વિચારની શક્તિ અગત્યની છે. અમદાવાદથી શરૂ થયેલો આ વિચારનો યજ્ઞ સતત ફેલાતો રહેશે એવી આશા છે. વક્તવ્યના અંતે વિપુલભાઈએ આહ્વાન કરેલું કે આપણે એક એવો કેડો ઊભો કરીએ, આશાનો એક પહાડ ઊભો કરીએ, જેથી આપણી આવનારી પેઢી મજબૂત બને.
વક્તા અને શ્રોતા : સભાખંડની શોભા
વિપુલભાઈના વક્તવ્ય પછી મુખ્ય વક્તા ભીખુભાઈ પારેખ અને હસમુખ શાહની ગેરહાજરીમાં અધ્યક્ષપદ સ્વીકારનારા ડૉ. ઘનશ્યામ શાહનું વ્યવસ્થા સમિતિના સભ્યો ડૉ. પ્રફુલ્લ દવે અને સંજય શ્રીપાદ ભાવે દ્વારા પુસ્તકોથી સ્વાગત કરાયું હતું. દર્શકે લોકભારતીના વિદ્યાર્થીઓને આપેલાં રાજનીતિશાસ્ત્રનાં વ્યાખ્યાનોનું સંપાદન કરીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક તૈયાર કરાયું છે. મનુભાઈના પરિવારજનોમાંથી આ વ્યાખ્યાનોના રજૂઆતકાર રામચંદ્રભાઈ પંચોળી અને રવિભાઈ પંચોળી આ પુસ્તકની નકલ મંચ પર લઈ આવ્યા હતા અને ભીખુભાઈના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન પછી પ્રકાશભાઈએ ટૂંકમાં ભીખુભાઈનો પરિચય આપીને તેમને વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું.
ભીખુભાઈએ વિપુલભાઈના આગ્રહને માન આપીને ગુજરાતીમાં જ ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ પર વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનના પ્રારંભે ભીખુભાઈએ મનુભાઈના નામ સાથે સંકળાયેલી વ્યાખ્યાનમાળામાં બોલવાનું થયું, એનો આનંદ પ્રગટ કર્યો હતો. મનુભાઈના વિચારો અને વિવિધ ક્ષેત્રોનાં કાર્યોને સંભારીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક અંગે કહ્યું હતું કે આ પુસ્તક જો અંગ્રેજીમાં અનુવાદ પામે તો મનુભાઈની પ્રતિભાનો ખ્યાલ આખી દુનિયાને આવી શકે. વધતા જતા અંધારામાંથી રસ્તો કાઢવામાં મનુભાઈ દીવાદાંડી રૂપ બની રહેશે. આટલી માંડણી પછી ભીખુભાઈએ જે વક્તવ્ય આપેલું તેના મુદ્દાઓ મુખતેસર જોઈએ :
વાદ-વિવાદની, ચર્ચા કરવાની પ્રણાલિકા ખરેખર તો મતભેદ-મનભેદમાંથી ઊભી થયેલી છે. ચર્ચા એક સ્પેક્ટ્રમ છે, જેમાં ઘણું બધું આવરી લેવાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં સદીઓ પહેલાં થયેલી ચર્ચાઓ સચવાયેલી છે. વ્યાકરણ, અલંકાર, કાયદાઓ અંગે ચર્ચાઓ થયેલી જોવા મળે છે. કર્મ, પુરુષાર્થ, આત્મા વગેરે મુદ્દાઓ પર ચર્ચા વાંચવા મળે છે. સૌથી વધારે ચર્ચાઓ તત્ત્વજ્ઞાન પર થયેલી.
'દર્શક'પ્રિય શ્રોતાગણ
રામાયણમાં વચનમાં બંધાયેલા દશરથના કહેવાથી રામે વનવાસ જવાનું થાય છે. ભરત તેમની સાથે થાય છે, પણ રામ તેમને રોકે છે. તેમની વચ્ચે ચર્ચા થાય છે. ભરત માનતા નથી ત્યારે તે કહે છે કે દશરથ પિતા છે, પણ હું રાજા છું. હું કહું છું કે તમે અહીં (મારી ગેરહાજરીમાં) રાજ કરો. ગીતા એ ચર્ચા નથી, કારણ કે અર્જુન એકાદ સવાલ પૂછે છે અને પછી શ્રીકૃષ્ણ દોઢ કલાક ચાલે એટલો મોટો જવાબ આપે છે! આમ, પ્રોપર ડિબેટ કહી શકાય નહીં. ચર્ચા ત્યારે જ આકાર લે જ્યારે ‘ક્રિટિકલ એન્ગેજમેન્ટ વિથ અધર’ શક્ય બને.
ભારતમાં ઈ.સ. પૂર્વ પાંચમી સદીથી ડિબેટની પરંપરા ચાલતી આવી છે. બ્રાહ્મણો અને બ્રાહ્મણો વચ્ચે, બ્રાહ્મણો અને બૌદ્ધ વચ્ચે, બ્રાહ્મણો અને જૈન વચ્ચે બહુ ચર્ચાઓ થઈ છે. હવે મુદ્દો એ છે કે સત્ય શોધવા માટે ચર્ચા કરવી શા માટે જરૂરી છે? એક, દરેકનું દર્શન મર્યાદિત હોય છે ત્યારે અંદરોઅંદર ચર્ચા કરીને તમારી દૃષ્ટિને – વિઝનને વિશાળ કરી શકાય છે. બીજું, દરેકનું પોતપોતાનું સત્ય હોય છે, આ રિલેક્ટિવ ટ્રુથ અંગે ચર્ચા કરીને અલ્ટિમેટ સત્ય સુધી પહોંચી શકાય છે. ત્રીજું કે કોઈ પરફેક્ટ હોતું નથી ત્યારે સાથે મળીને ચર્ચા કરવાથી પરફેક્શનની નજીક પહોંચી શકાય છે.
ચર્ચાનું એક ભયસ્થાન એ છે કે વ્યક્તિ પોતાના વિચારોને જાત સાથે જોડી દેતો હોય છે, એટલે પોતાના વિચારની ટીકા ખમી શકતો નથી. વિચારની ટીકા એ ખરેખર વ્યક્તિની ટીકા નથી હોતી. એટલે હંમેશાં ખુલ્લા હૃદયે ચર્ચા થવી જરૂરી છે.
બે વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈ મુદ્દે સત્ય સુધી પહોંચવા ખુલ્લા દિલે ચર્ચા થાય તેને વાદ કહેવાય, પરંતુ ચર્ચાના બીજા બે પણ પ્રકાર છે, જે વાદથી ભિન્ન છેઃ જલ્પ અને વિતંડ. જલ્પમાં અન્યના વિચારોનું ખંડન કરવાનો અને ખુદને જ સાચા પુરવાર કરવાનો પ્રયાસ કરાતો હોય છે, જ્યારે વિતંડમાં તો સામેવાળાને તોડી પાડવાના, ખોટા પાડવાના ઉદ્દેશથી જ દલીલો કરવામાં આવતી હોય છે.
એક સમયે કુસ્તીના દંગલની જેમ વાદવિવાદના જંગ જામતા. વાદમાંથી જીતનાર વાદિન કહેવાતા, જે એક પછી એક વિદ્વાનને હરાવીને આખી સ્પર્ધા જીતી જાય તેને વાદિવેતાલનું શીર્ષક મળતું.
વાદવિવાદમાં હંમેશાં એવું બન્યું છે કે જેને ચાલી આવતી પરંપરામાં કંઈક સુધારો કરવો છે, તેણે ટીકા સહન કરવી પડે છે. સમાજમાં કંઈક સુધારો કરવા માગનારે પહેલાં તો પોતાની વાત વાદમાં પુરવાર કરવી પડે અને પછી વિચારને આગળ વધારી શકે. બુદ્ધને વાદ માટે પડકાર મળતા રહેતા અને બુદ્ધ વાદ કરવા માટે તૈયાર થતા નથી, એવા આક્ષેપ પણ થતા. જો કે, બુદ્ધે વાદ કરવાના પડકારને સ્વીકાર્યો હતો અને બહુ લાંબી ચર્ચા ચાલેલી. તેમની સામે ચર્ચા કરનાર શંકર સતત તેમના વિચારોનો વિરોધ કરતાં રહ્યા અને ધીમે ધીમે તેઓ અંદરથી બુદ્ધના વિચારોને પામતા-સ્વીકારતા ગયા હતા.
આપણે ત્યાં વાદવિવાદ બહુ ઉગ્ર બનતાં ઘણી વાર વાત મારામારી પર આવતી, વાદમાં હારવાજીતવા માટે લાંચ-રુશવતો પણ લેવાતી અને હિંસા પણ થતી. એટલે અશોકે શિલાલેખમાં વિરોધી વિચાર મામલે સહિષ્ણુ થવાની વાત લખેલી છે.
યુરોપમાં ઈ.સ. પૂર્વે આઠમી સદીથી વાદની પરંપરા શરૂ થયેલી. જો કે, આપણી અને ત્યાંની પરંપરામાં ખાસ્સો ફરક છે. ભારતમાં વાદવિવાદની પરંપરામાં મોગલોના આગમન પછી પહેલા જેવી ડિબેટ શક્ય બનતી નથી. ૧૪મી સદીમાં ભારતમાં ભક્તિ ચળવળ ચાલી અને નવા સ્વરૂપે ડિબેટ ઊભી થયેલી. જો કે, ભારતમાં અંગ્રેજોના આગમન પછી ૧૮મી અને ૧૯મી સદીમાં ફરી વાદની પરંપરા શરૂ થાય છે. હિંદુ વિદ્વાનો અને ખ્રિસ્તી મિશનરી વચ્ચે બહુ ખુલ્લી ચર્ચાઓ ચાલે છે. ઈશ્વર વિશેના ખ્યાલોથી લઈને પરંપરાઓ – રિવાજો અંગે ચર્ચા થાય છે. ધાર્મિકની સાથે સાથે સામાજિક, સમાજ સુધારને લગતી ચર્ચાઓ પણ આકાર લે છે. રામમોહન રૉય, વિદ્યાસાગર, નર્મદ, દયાનંદ વગેરે સુધારાવાદી ચર્ચાઓને આગળ વધારે છે. બ્રિટિશ શાસન પછી રાજકીય પ્રશ્નો ઊભા થાય છે અને એ અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલે છે.
ચર્ચા મામલે ગાંધીજીનું મોટું યોગદાન છે. ગાંધીજીએ સાત મોટી ચર્ચાઓ કરેલી, જેમાં ગાંધી અને સાવરકર વચ્ચેની ચર્ચા, રૂઢિચુસ્ત બ્રાહ્મણો સાથેની ચર્ચાઓ, બ્રિટિશ અને ભારતીય નેતાઓ સાથેની ચર્ચાઓ, ડાબેરીઓ સાથેની ચર્ચા, ભાગલા સંદર્ભે ઝીણા સાથે ચર્ચા, ટાગોર સાથે રાષ્ટ્રવાદ અને સ્વદેશી – અસહકાર આંદોલન અંગે ચર્ચા અને છેલ્લે દલિતોના મુદ્દે ડૉ. આંબેડકર સાથે ચર્ચા.
એક મોટી અને મહત્ત્વપૂર્ણ ચર્ચા બંધારણ સભામાં ઊભી થયેલી, જેના ફળસ્વરૂપે દેશનું બંધારણ રચાયું. આંબેડકરના ૭૦થી ૮૦ ટકા વિચારો તો બંધારણમાં સમાવી શકાયા જ નથી, કારણ કે સર્વસંમતિના આધારે બંધારણની રચના થયેલી. અને સર્વસંમતિથી તેની રચના થઈ હોવાથી જ તે આજ સુધી ટકી રહ્યું છે. જો કે, બંધારણમાં જે વિચારધારા-આદર્શો-મૂલ્યોની વાત થઈ છે, તેનો હ્રાસ થતો જાય છે. નેહરુએ બંધારણનાં મૂલ્યોને લોકોના હૃદયમાં ઉતારવાના પ્રયાસો કરેલા, પણ પછી કોઈએ એ કામ આગળ ન વધાર્યું.
આજે બંધારણ અંગે ચર્ચાનો અવકાશ ઊભો થાય છે ત્યારે આપણે મૂંઝારો અનુભવીએ છીએ. આપણને ડર લાગે છે કે બંધારણ બદલવા જઈશું અને દેશ તૂટી જશે તો? જ્યારે જ્યારે મોટી ડિબેટ ઊભી થઈ ત્યારે તેને દબાવી દેવાના અને હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસો થયા છે.
ગાંધીજીના રાષ્ટ્રવાદ, અસહકાર, સ્વદેશી જેવા વિચારોથી નારાજ રવીન્દ્રનાથે ‘ધ કલ્ટ ઑફ ચરખા’ શીર્ષકથી એક લેખ લખેલો. આજે રવીન્દ્રનાથ હોત તો હિંદુત્વ અંગે મોદી સાથે જરૂર સવાલજવાબ કરત અને કહેત કે તમારું આ હિંદુત્વ મને કંઈ બેસતું નથી.
મોટી ચર્ચા ઊભી થવા માટેની પૂર્વશરતો કઈ કઈ હોઈ શકે, એની ચર્ચા કરીએ તો પહેલું તો એ કે મુદ્દો મોટો હોવો જોઈએ. વ્યાપક જનસમુદાયને સ્પર્શતો હોવો જોઈએ. બીજું, ચર્ચા માટે જબ્બર જુસ્સો (સ્ટ્રોંગ પેશન) હોવો જરૂરી છે. ત્રીજું, મુક્ત અભિવ્યક્તિ હોવી જોઈએ. વ્યક્તિ પોતાનો અભિપ્રાય વિના સંકોચે આપી શકે, એવો માહોલ હોવો જોઈએ. અને ચોથું, આપણા સૌમાં વિશ્વાસ હોવો જોઈએ કે ચર્ચા કરવાથી, મતભેદ ખુલ્લા પડવાથી કંઈ દેશ તૂટી જવાનો નથી, સત્યાનાશ વળી જવાનું નથી.
ગંભીર ચર્ચા આજનાં ટીવી-અખબારોમાં શક્ય બને નહીં. હા, સામયિકોમાં શક્ય બને ખરી, પણ એના માટે ગાંધી, ટાગોર કે એમ.એન. રૉય જેવા વાઇબ્રન્ટ બૌદ્ધિકો જોઈએ.
ભારતમાં વાદવિવાદની પરંપરા બહુ જૂની છે, પણ એ ચર્ચાઓ મોટા ભાગે પ્રતિષ્ઠિત લોકો, ઉચ્ચ વર્ણ કે વર્ગના લોકો વચ્ચે જ થઈ છે. જ્યારે યુરોપમાં સોક્રેટિસ તો સામાન્ય લોકો સાથે પણ વિચારવિમર્શ કરતા હતા. આપણી વાદવિવાદની પરંપરામાં સામાન્ય નાગરિક નદારદ છે. આપણી ચર્ચાઓની બીજી મર્યાદા એ છે કે ફિલોસોફિકલ, સ્પિરિચ્યુઅલ ચર્ચાઓ વધુ થઈ છે, પરંતુ સામાજિક કે રાજકીય ચર્ચાઓ થતી નથી. જાતિ વ્યવસ્થા અંગે આપણે ત્યાં જોઈએ એવી ચર્ચા થઈ જ નથી. આપણે ત્યાં સામાજિક-રાજકીય મુદ્દાઓ અંગે ચર્ચા ન થઈ અને તેને કારણે જ વૈચારિક રેડિકલિઝમ ન આવ્યું. ચર્ચામાં સામાન્ય લોકોને સામેલ કરીને તેને વધારે ને વધારે લોકતાંત્રિક બનાવવી રહી.
ડૉ. ઘનશ્યામભાઈ શાહે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ભીખુભાઈને દાયકાઓથી સાંભળતો આવ્યો છું ને તેમની પાસે ભણ્યો પણ છું. ઘનશ્યામભાઈએ ગુજરાતમાં જાણ્યે-અજાણ્યે વિચાર કરવાનું, ચર્ચા કરવાનું માંડી વળાયું છે, એ મામલે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. અમદાવાદ જેવા શહેરમાં પણ ચર્ચા કરવાનો અવકાશ નથી મળતો, તેનું દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભલે અસહમત થઈએ છતાં ચર્ચા કરીએ, એ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ૧૯૮૯થી ગુજરાત સામે અનેક સવાલો આવ્યા, તેને આપણે અવગણતા આવ્યા છીએ, જે સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક છે. કોઈને ચુપ કરાવી દેવાથી વિચારને કે વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી. આપણે ક્યાં આવીને ઊભા છીએ, એની આપણે ચિંતા કરતા નથી. સમાજ તરીકે આપણે સવાલોનો સામનો ટાળીએ છીએ. આજે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજાની સત્તા રાજા પૂરતી મર્યાદિત નથી, એ લોકો પાસે પણ છે ત્યારે લોકોએ જાગૃત થઈને ચર્ચા કરવી પડે. આપણે ત્યાં રાજ્યસત્તા છે, એ સિવાય પણ સત્તાનાં જુદાં જુદાં કેન્દ્રો છે, પરંતુ સરકાર ઉપરાંતનાં સત્તાનાં કેન્દ્રો સાથે ચર્ચા કરવાનો કેટલો અવકાશ છે, એ વિચારવા જેવું છે.
સમાજ અંગેની ચર્ચાઓ આપણે ત્યાં વિકસી શકી નથી. આવી ચર્ચાઓને ધુત્કારવામાં આવી છે, અવગણવામાં આવી છે. બંધારણ સભામાં ડૉ. આંબેડકરે એક પાયાનો પ્રશ્ન ઉઠાવેલો કે સમાજવાદી સમાજને રચ્યા વિના સમતા કઈ રીતે આવશે.
ચર્ચા સારી બાબત છે, પરંતુ તેના નિચોડમાંથી, વિકસેલી નવી સમજમાંથી વ્યક્તિનું અને એ રીતે સમાજનું ઘડતર થાય તો જ આ પ્રક્રિયા સાર્થક ગણાય.
તાર્કિક ચર્ચાની અસર સમગ્ર સમાજ પર થવી જોઈએ. આજે તો યુનિવર્સિટીમાં ચર્ચાનું સ્તર અને અવકાશ બન્ને ઘટતાં જાય છે. ક્રિટિકલ થિંકિંગ આજના સમય માટે અનિવાર્ય છે.
લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ આભારદર્શન કર્યું હતું. અરુણભાઈએ વ્યાખ્યાન અંગે આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરીને સૌથી પહેલા તો વ્યાખ્યાન સાંભળવા માટે મોટી સંખ્યામાં પધારેલા શ્રોતાઓનો આભાર માન્યો હતો. ત્યાર બાદ મુખ્ય વક્તા, સભાના અધ્યક્ષ, સંચાલક તથા ગૂજરાત વિદ્યાપીઠ પરિવારનો પણ આભાર માન્યો હતો.
અરુણભાઈએ લોકભારતી, સણોસરાને બદલે અન્ય સ્થળ પર વ્યાખાનમાળા સફળતાપૂર્વક યોજાઈ તે જોઈને, આગામી વ્યાખ્યાનો પણ રાજ્યનાં ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે મુખ્ય શહેરોમાં યોજવાનો ઉત્સાહ બતાવ્યો હતો. આ ઉપક્રમમાં સ્થાનિક સંસ્થાઓ પણ સહભાગી બનશે, એવી વ્યવસ્થાપક સમિતિ વતી અભિલાષા વ્યક્ત કરી હતી.
મંચસ્થ મહાનુભાવો
મંચસ્થ મહાનુભાવો — ડાબેથી જમણે : રામચંદ્ર પંચોળી, પ્રકાશ ન. શાહ, અરુણકુમાર દવે, ભીખુ પારેખ, ઘનશ્યામ શાહ, વિપુલ કલ્યાણી, રવીન્દ્ર પંચોળી
વ્યાખ્યાનના અંતે સૌએ ગોટા અને દૂધપૌંઆનો આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે મનુભાઈના નવપ્રકાશિત પુસ્તક ‘સોક્રેટિસથી માર્ક્સ’ની ખરીદી પર વિશેષ વળતરની જાહેરાત કરાયેલી અને વેચાણ માટે રાખવામાં આવેલી તમામ નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી.
Audio : Download