= = = = એ સાહિત્યકૃતિ જ મહાન છે જે આપણી ખરી જીવનપીડાનું આપણને મૉંમાથું બતાડે ને આપણને હમ્મેશને માટે જગાડી મૂકે = = = =
= = = = વૅલ-પ્લાન્ડ ડીઝાઇન એમ છે કે મૃત્યુ મળે તો જ રાહ જોવાનું પતવાનું છે. જીવવું એટલે સતત રાહ જોતા રહેવું ને છેલ્લે મૃત્યુને વરવું. કોરોનાને લીધે હર પળે સંખ્યાબંધ મનુષ્યો મરે છે, પણ એ બધાં કંઈ મૃત્યુની રાહ ન્હૉતાં જોતાં. એમને એમ જ ઉઠાવી લેવાયાં ! એ કારણે કોરોનાને હું વિકરાળમાં વિકરાળ આફત ગણું છું = = = =
સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, ઇન્ડિયન યુરોપીયન અમેરિકન કે જાપાની, પૃથ્વી પરનો હરેક મનુષ્યજીવ, આજે જેની રાહ જોઈ રહ્યો છે, એ છે, રસી. અંગ્રેજીમાં એને વૅક્સીન કહે છે. રશિયાના પુતિન કહે છે, એમને ત્યાં શોધાઈ ગઈ છે. અમેરિકાના ટ્રમ્પ કહે છે, ઑક્ટોબરમાં અમેરિકન વૅક્સીન મળી જશે. રાજકારણી કોઈપણ મનુષ્યમાં મને આમે ય શ્રદ્ધા નથી ને રસી જેવી અતિ મહત્ત્વની ચીજ માટે આ મહા ખેલાડી રાજકારણીઓમાં તો કેવી રીતે હોય? એમનો ભરોંસો શો?
રસી એક આશા છે અથવા આશાનું નામ રસી છે. એ ક્યારે આવશે તેની ચૉક્કસ ખબર નથી. ચૉક્કસ ખબર એ છે કે એ આવશે.
સૅમ્યુઅલ બૅકેટના ‘વેઇટિન્ગ ફૉર ગોદો’ નાટકમાં પણ એમ જ છે. નાટકમાં ગોદો એક આશા છે. એની રાહ જોવાય છે. એ આવશે તેની એસ્ટ્રેગૉન અને વ્લાડિમિર બન્ને મિત્રોને ચૉક્કસ જાણ છે. પણ એ ય એટલું જ ચૉક્કસ છે કે ક્યારે આવશે તેની એમને જાણ નથી. મૅસેન્જર છોકરો આવીને રોજ એમ કહે છે કે જેની તમે રાહ જુઓ છો એ આજે નહીં પણ કાલે આવશે.
આ મૅસેન્જર ગોદોનો માણસ છે કે ગોદો અને બે મિત્રો વચ્ચેની કશી ખૂટતી કડી છે તેની મને સ્પષ્ટતા નથી મળી. પણ જમાને જમાને આપણને દિલાસો દેનારા સંદેશવાહકો તો મળ્યા જ કર્યા છે. તેઓની આપણી વચ્ચેની હાજરીને કારણે જીવવાને વિશેની આપણી હામ ટકી રહે છે ને આશા જીવી જાય છે. ગોદોની રાહ જોનારા એ બન્ને મિત્રો પછી તો છોકરાની રાહ જોતા થઈ ગયા. એનો અર્થ એટલો જ કે રાહ જોવાનું ખતમ નથી થયું. રાહ જોવાનું કદી મટી નથી જતું એ સત્યને બૅકેટે નાટકમાં રણઝણતું કરી મેલ્યું છે.
બૅકેટને પૂછવામાં આવેલું : ગોદો કોણ છે? : તો એમણે કહેલું : મને ખબર હોત તો હું નાટક લખત શું કામ ! : એમણે ઉમેરેલું : આયૅમ નૉટ ઇન્ટરેસ્ટેડ ઇન ગોદો, આયૅમ ઇન્ટરેસ્ટેડ ઇન વેઇટિન્ગ !
રસીની જ શું કામ, આપણે દિવસ દરમ્યાન જાતજાતની ને ભાતભાતની રાહો જ જોતા હોઈએ છીએ. આ લેખ પૂરો કરવાની જાણ્યેઅજાણ્યે હું રાહ જોતો હોઉં છું. લેખના વાચકો રાહ જુએ છે કે લેખનો છેડો ક્યારે આવશે. દરેક વર્તમાન ક્ષણ, હવે પછી શું? – વ્હૉટ નૅક્સ્ટ?-ની મનોસ્થિતિમાં જકડાયેલી હોય છે. વૅલ-પ્લાન્ડ ડીઝાઇન એમ છે કે મૃત્યુ મળે તો જ રાહ જોવાનું પતવાનું છે. જીવવું એટલે સતત રાહ જોતા રહેવું ને છેલ્લે મૃત્યુને વરવું. કોરોનાને લીધે હર પળે સંખ્યાબંધ મનુષ્યો મરે છે, પણ એ બધાં કંઈ મૃત્યુની રાહ ન્હૉતાં જોતાં. એમને એમ જ ઉઠાવી લેવાયાં ! એ કારણે કોરોનાને હું વિકરાળમાં વિકરાળ આફત ગણું છું.
આ ગોદો માટે એમ કહેવાયું છે કે ગોદો એટલે ગૉડ. ગૉડ જો હોય તો ક્યારે આવશે, નથી કહી શકાતું, આપણા ગૉડે ખાતરી આપી છે કે પોતે યુગે યુગે સંભવે છે. પણ યુગની એમની વ્યાખ્યા શી છે, નથી ખબર.

પોત્ઝો. લકી, એસ્ટ્રેગૉન, વ્લાડિમિર.
એમ પણ કહેવાયું છે કે ગોદો એટલે ડેથ. ચૉક્કસ વાત એ છે કે ડેથ તો આવવાનું જ છે, પણ ચૉક્કસ વાત એ પણ છે કે ક્યારે, તે નથી કહી શકાતું. આ એટલું બધું સાચું છે કે માણસ જાતે ઇચ્છે, નક્કી કરે કે આજે કે હમણાં, તો પણ મરી નથી શકતો. નાટકમાં એક પ્રસંગ છે : એસ્ટ્રગૉન વ્લાડિમિર આગળ પ્રસ્તાવ મૂકે છે – ચાલ આપણે ફાંસીએ લટકીને મરી જઇએ. પણ એમની પાસે ફાંસીનું દોરડું તો હતું નહીં. એસ્ટ્રગૉન પોતાના હૂંથણાનું નાડું છોડી નાખે છે, બન્ને જણા નાડાનો સામસામો છેડો પકડીને ખૅંચે છે, પણ નાડું તૂટી જાય છે. ફાંસીએ ચડીને આપઘાત કરવાનો એ પ્રયાસ આમ નિષ્ફળ નીવડે છે. વ્લાડિમિર કહે છે : આવતી કાલે લટકીશું જો ગોદો ના આવે તો. એસ્ટ્રેગૉન કહે છે : અને જો આવે તો? : વ્લાડિમિર કહે છે : તો તો આપણે બચી જઈશું. બન્ને મિત્રોને એક જ સાર પકડાય છે કે પરિસ્થિતિમાંથી ઊગરી જવાનો એક જ રસ્તો છે – કાં તો ડેથની અથવા તો ગૉડ સમી કોઈપણ હસ્તીની રાહ જોવી.
વ્લાડિમિર અને એસ્ટ્રેગૉનને આ સમજાયું હશે કદાચ ને તેથી તેઓ ગોદોની રોજ રાહ જુએ છે. નાટકમાં બે દિવસ કહ્યા છે પણ પ્રેક્ષક કલ્પી શકે છે કે તેઓ તો ત્રીજે, ચૉથે કે પાંચમે દિવસે પણ રાહ જોવાના છે. કેમ કે, આજે નહીં પણ કાલે આવશે એમ કહીને મૅસેન્જર છોકરો ચાલી જાય એટલે એ બન્ને જણા બોલતા હોય છે ખરા – ચાલો જઈએ, પણ જતા નથી. પરદો પડે એ પહેલાં એમની એ અવઢવ જોઈ શકાય એવો એ બન્નેએ અભિનય કરવાનો હોય છે અને દિગ્દર્શકે એવી બધી જોગવાઈ કરવાની હોય છે.
નાટકમાં બીજી જોડી પોત્ઝો અને લકીની છે. પોત્ઝો શેઠ છે, સત્તાશાળી. એવાઓના હોય જ એમ લકી એનો વેઠિયો છે. અને, લકી શબ્દો સાથે વ્યભિચાર કરનારા કૃતક બૌદ્ધિકોનું પ્રતીક છે. એનું કશા જ અર્થ વગરનું ભાષણ એક બકવાસ છે. કશા જ વિરામ કે પૂર્ણવિરામ વિના પાંચ-થી પણ વધારે મિનિટ લગી અસ્ખલિત ચાલતા એ ભાષણની શરૂઆત આવી છે : સ્વીકાર્યું કે એક અંગત ઈશ્વરનું અસ્તિત્વ પન્ચર ઍન્ડ વૉટમનની જાહેર કૃતિઓમાં ઉચ્ચરિત છે એમ એ મુજબ છે એમ છે ઈશ્વર ક્વાક્વાક્વાક્વા છે સફેદ દાઢીવાળો છે ક્વાક્વાક્વાક્વા સમયાતીત છે વિસ્તૃતિહીન છે કે જે દૈવી જાડ્ય ઍપથિયા દૈવ્ ઍથમ્બિયા દૈવ્ … વગેરે.
લકીના આ બકવાસની અસર મળે એ ખાતર ત્યારે મેં આ ‘ક્વાક્વાક્વાક્વા’ શબ્દનો અનુવાદ નહીં કરેલો. પણ કહું : અંગ્રેજીમાં quaquaversal શબ્દ છે. એનો અર્થ છે એક જ કેન્દ્રમાંથી દરેક દિશામાં ફેલાયેલું હોય તેવું. લકીએ આ વિશેષણ ઈશ્વર માટે પ્રયોજ્યું છે. ઈશ્વર એમ જ છે, એક જ કેન્દ્રમાંથી દસે દિશાએ પ્રસરી ગયેલો, સાર્વભૌમ, સર્વવ્યાપી.
આપણી પરમ્પરામાં દેવોના મુખારવિન્દની ચોપાસ જે તેજોવલય હોય છે એ આવું જ હોય છે – સર્વ દિશાઓમાં ફેલાયેલું. આ શબ્દનો ફ્રૅન્ચમાં અર્થ છે, which’s. મૂળ શબ્દ છે, quoi. ગુજરાતીમાં કહેવાય, કયો? આપણે કયોકયોકયોકયો બોલીએ તો ઈશ્વરને જ લાગુ પડે … કેમ કે એનો અતપતો નથી મળતો. એ સાર્વભૌમ છે છતાં અગમ્ય છે. એ સર્વવ્યાપી છે છતાં અનન્ત છે … આ ‘છે’ અને ‘છતાં’-ની વચ્ચે રહીને મનુષ્યજીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – ઘૂઘવતી હોય છે …
આ કોરોના પાન્ડેમિક અને કોવિડ-૧૯ નામનું આપણી સામે જે ઘૃણાસ્પદ નાટક ભજવાઈ રહ્યું છે તેનો ઇલાજ જો રસી છે, તો કોઈકે એને શીર્ષક આપવું જોઈશે, ‘વેઇટિન્ગ ફૉર વૅક્સીન’.
મેં આ નાટકનો ‘ગોદોની રાહમાં’ એમ અનુવાદ કર્યો છે (પહેલી આવૃત્તિ : ૧૯૯૦ : પુનર્મુદ્રણ : ૨૦૦૪ : પુનર્મુદ્રણ : ૨૦૦૮ બીજી આવૃત્તિ : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ). એ પછી, પહેલી વાર, મેં નસીરુદ્દીન શાહ અને બૅન્જામિન ગિલાનીની મુખ્ય ભૂમિકામાં એનું મંચન જોયું છે. પછી તો, એના જુદા જુદા ફિલ્મ-અવતારો પણ જોયા છે.
નસીરુદ્દીને એક સ્થાને હમણાં જ કહ્યું કે ત્યારે તો હું અને બેન (બેન્જામિન) કશું ખાસ સમજતા ન્હૉતા પણ ઉમ્મર વધવાની સાથે ઘણી ઘણી સમજ પડવા લાગી છે …
વિદેશમાં એવી જાહેરાત આવતી હોય છે : આ ૫૦ પુસ્તકો તમે મૃત્યુ પામો એ પહેલાં વાંચી લો : આ નાટક માટે હું કોઈપણ સાહિત્યકારને, સાહિત્યરસિયાને કે પ્રજાજનને વિનન્તી કરું કે આ નાટક જરૂર વાંચો અને જરૂર જુઓ.
એ સાહિત્યકૃતિ જ મહાન છે જે આપણી ખરી જીવનપીડાનું આપણને મૉંમાથું બતાડે ને હમ્મેશને માટે આપણને જગાડી મૂકે …
= = =
(September 13, 2020 : Ahmedabad)
![]()


ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પગ મુક્યો એ જ દિવસે પ્રમુખ કૃગરે જાહેરાત કરી દીધી હતી કે શ્વેત ખ્રિસ્તી પ્રજા ઈશ્વરની માનીતી પ્રજા છે એટલે બીજા લોકોએ અધિકારો તો ઠીક, આત્મસન્માનની પણ અપેક્ષા રાખવી નહીં. ગાંધીજીને હવે આના અનુભવ થવાના હતા. પહેલો અનુભવ તો બીજા જ દિવસે ૨૬મી મે ૧૮૯૩ના રોજ ડરબનની આદાલતમાં થયો. ગાંધીજી ભારતીય પાઘડી પહેરીને અદાલતમાં ગયા ત્યારે જજે ઈશારો કરીને પાઘડી ઉતારવા કહ્યું. ગાંધીજીએ પાઘડી નહીં ઉતારી અને અદાલતના ખંડની બહાર નીકળી ગયા. બીજા દિવસે ત્યાંના અખબાર ‘ધ નાતાલ ઍડ્વર્ટાઈઝર’માં એ ઘટનાના સમાચાર ‘એન અનવેલકમ વિઝિટર’ એવા મથાળા હેઠળ આપવામાં આવ્યા હતા. હજુ તો કૃગરે ચેતવણી આપી એને ત્રણ દિવસ પણ નહોતા થયા ત્યાં અખબારે ગાંધીજીને ‘એન અનવેલકમ વિઝિટર’ જાહેર કરી દીધા.
ગાંધીજી તેમની આત્મકથામાં લખે છે : મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું એ તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા મહારોગનું એ લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’
આપણી આસાપાસ અત્યારે ઘણો ઘોંઘાટ છે. લૉકડાઉન ખૂલ્યાનો, કેસિઝ વધ્યાનો, મર્ડર કે આત્મહત્યાનો કોયડો ઉકેલવાનો, કંગના રણૌત અને રિયા ચક્રવર્તી સાથે અને સામે જે થઇ રહ્યું છે તેનો પણ! આ બધું ચાલી રહ્યું છે ત્યાં સાથે સાથે ધસમસમતો નીચે જઇ રહેલો આપણા દેશનો જી.ડી.પી. પણ ક્યારેક ચર્ચાઇ જાય છે તો ક્યારેક ખેડૂતો અને મજૂરોની વ્યથા પણ વાતોનો ભાગ બની જાય છે. પણ આ ઘોંઘાટ, બૂમરાણ અને ધીમા સાદની સમાંતર એવી ઘણી ઘટનાઓ છે જેની પર કાં તો આપણું ધ્યાન જતું નથી અને જાય છે તો તરત આપણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપવા માંડીએ છીએ જેમાં ગેજેટ ગૉસિપ કરવાનો વધારે સ્કોપ હોય, જેમ કે ખૂનની થિયરીઓ બનાવવી, રાજકારણનું મોહરું કોણ છે એ બધું ચર્ચવું, શોધવું વગેરે.