પ્રમુખીય
મધુસૂદન કાપડિયા ગયાનું સાંભળ્યું ત્યારે પહેલો પ્રતિભાવ સ્વાભાવિક જ ડાયસ્પોરા લેખનને અંગે વિવેચનાને ક્ષેત્રે અપૂરણીય ક્ષતિનો હતો …
મેં વિવેચના કહ્યું પણ એ કદાચ અધૂરું ને અપૂરતું છે. અમેરિકી ડાયસ્પોરા લેખન સાથેનો એમનો સમ્બન્ધ બાગબાની તરેહનો હતો. જેમ ખાતરપાણીની માવજતને તેમ છટણી જેવી કવાયતને પણ એમાં પૂરો અવકાશ રહેતો. મણિભાઈ જોષીની પહેલથી અને અલબત્ત રામભાઈ ગઢવીના અનવરત મનોયોગથી અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડેમી બની આવી – બનતાં બને તેવી બની આવી. બીજાં પણ નામો ઓછાંવત્તાં લઈ શકાય. પણ નાનેમોટે હોદ્દે રહીને અગર અન્યથા જે કામ મધુસૂદન કાપડિયાએ કર્યું એ ચાલુ અર્થમાં નકરી સંસ્થાકારીની વંડી ઠેકી જનારું હતું. લેખકમિત્રોની કઠોર ટીકા ને ઉમળકાભેર પ્રશંસા, જ્યાં જરૂરી લાગે ત્યાં, એમાં કોઈ સંકોચ નહીં. ‘ગુર્જરી’ના મધુસૂદન કાપડિયા ગૌરવ અંકમાં અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોનાં લખાણોમાંથી પસાર થતાં એમના વ્યક્તિત્વનો આ વિશેષ પમાયા વિના રહેશે નહીં.
૨૦૧૧માં એમનું ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ એ પુસ્તક આવ્યું એની પ્રસ્તાવનાનો એક અંશ સાભિપ્રાય ઉતારું છું. મેં એમની વિવેચનાના ઉલ્લેખ સાથે ‘બાગબાની’ જેવો પ્રયોગ કેમ જોડ્યો તે પણ એથી સમજાઈ રહેશે :
ડાયસ્પોરા
અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય ખરું? – આ પ્રશ્નની ઊંડી તાત્ત્વિક પર્યેષણા થવી જોઈએ. ડાયસ્પોરાનો માત્ર આટલો જ મર્યાદિત અર્થ કરીએ કે વિદેશમાં વસતાં દેશીઓએ લખેલું સાહિત્ય, તો તો પ્રશ્ન સરળ બની જાય છે. નાનાલાલે વર્ષો પૂર્વે કહેલું કે
મહાસાગરનાં પૃથ્વી વિશાળ
સરોવર કીધાં ગુર્જરબાળ
સાહસિક વસાહતી (immigrant) ગુજરાતીઓએ પૃથ્વીના મહાસાગરોને જાણે સરોવર જેવડા બનાવી દીધા છે પણ હવે તો ડાયસ્પોરા શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. ડાયસ્પોરા એટલે ‘યહૂદીઓની પરાણે હકાલપટ્ટી’ એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહીં, અન્ય પ્રજાઓનાં પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતિ કે એવાં કોઈ પણ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી.
ભારતીયો/ગુજરાતીઓએ તો સ્વેચ્છાએ દેશવટો’ લીધો છે. મોટા ભાગનાં ગુજરાતીઓ તો અંગત ઉત્કર્ષ માટે આવ્યાં છે. વર્ષો વીતતાં જાય છે તેમ વતનથી મૂળિયાં ઊખડતાં જાય છે. આ સ્થિતિમાં ઘરઝુરાપાની થોડીક સારી કૃતિઓ અવશ્ય મળી છે. પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન-જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટેલ્જિયા ? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટેલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં ? સમન્વય ક્યાં ? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં ? અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે. એમાં અમેરિકાની સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી. અમેરિકન પ્રજાનાં સાહસ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, વ્યાપક અને મોકળાશભર્યાં જીવન-અભિગમ અને રસવૃત્તિ, જીવનનાં અનેક ક્ષેત્રોમાં, સવિશેષે વિજ્ઞાન અને ટેક્નૉલોજીમાં પદાર્પણ અને સિદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ અને ભોગવિલાસ, આર્થિક ક્ષેત્રે ઉત્થાન અને પતન, રાજકીય ક્ષેત્રે લોકશાહીની સફળતા અને મર્યાદા, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નીવડેલા અમેરિકન સંગીતના અનેક પ્રકારો, વસાહતીઓ માટેનું અજોડ ઔદાર્ય – આ સઘળાંનું સ્વાનુભૂત નિરૂપણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની રચનાઓમાં થવું હજુ બાકી છે. અરે, ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઈ છે ?
સામાન્યતઃ બે પેઢી વચ્ચે સોરાબ-રૂસ્તમી હોય જ છે. અહીં અમેરિકામાં વસતાં ભારતીયોની બે પેઢી વચ્ચે માઈલોનું અંતર છે. યુવાપેઢી વૈશ્વિક ભૂગોળખગોળમાં રમે છે, જ્યારે એમનાં માતાપિતાની પેઢીનું ચિત્ત હજી ભારતમાં જ છે. આ બે પેઢી વચ્ચે પ્રત્યાયન(communication)નો બહુધા અભાવ છે. એ બંને જુદી જ ભાષા બોલે છે, એકબીજાને સમજી જ શકતી નથી. બે પેઢી વચ્ચેના આ સંઘર્ષને, આ સોરાબ– રૂસ્તમીને હજુ આ સાહિત્યમાં વાચા ક્યાં સાંપડી છે ? ડાયસ્પોરા વિશે અનેક વાદ, વિવાદ, સંવિવાદ થયા છે પરંતુ એની બે ગંભી૨ મર્યાદાઓ છે. એ પૈકી એક : એમાં માત્ર તત્ત્વનું ટૂંપણું જ થયું છે, સર્જનાત્મક કૃતિઓની વાત થઈ જ નથી અને બીજી : તત્ત્વનું ટૂંપણું પણ કાલગ્રસ્ત છે અને હવે અપ્રસ્તુત છે. જેટ વિમાન, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ઇન્ટરનેટના યુગનું આજના ડાયસ્પોરાનું જુદું જ સ્વરૂપ છે.
વતનથી દૂર રહેવું અને વતનમાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના અને સમાંતરે ‘જ્યાં હોઈએ ત્યાં’ ઝળહળવાની તીવ્રતા આ સઘળી વાતનો સહિયારો અનુભવ એટલે ડાયસ્પોરા. સ્વદેશ અને પરદેશ, વતન અને યજમાન દેશ, બંને બાજુએથી વિખૂટાપણાનો અનુભવ. (Diaspora in Modern Societies, Myths of Homeland and Return. William Safran, Diaspora 1, 1991, PP. 83-99)
વતન કયું છે અને નિર્વાસન કયું છે – ડાયસ્પોરાના અર્થપરિવર્તનમાં નિર્ણયાત્મક રીતે રાજકારણનું સ્થાન અર્થકારણે લીધું છે. (Ban Wang, Reimagining Political Community; Diaspora, Nation-state and the Struggle for Recognition. Modern Drama: World Drama from 1850 to the Present, 2005, P 252.)
એચ-વન વીસા પર આવનારા ભારતીયો અને બેંગલોર, હૈદરાબાદ, પૂણે વગેરે સ્થળે સ્થિર થતા અમેરિકનોને ડાયસ્પોરાની કઈ વ્યાખ્યામાં સમાવશું ? આજની દુનિયામાં વેગીલું વૈશ્વીકરણ ડાયસ્પોરાને નવો જ અર્થ આપે છે. Toloyan કહે છે તેમ આ માત્ર આંતરરાષ્ટ્રીય (international) નહિ પણ વિશ્વાંતરની (Transnational) પળ છે. (Toloyan, Kachig, Diaspora Studies Panel. International Colloquium on Area Studies, Diaspora Studies and Critical Pedagogies, Toronto, March 31 – April 2, 2006.)
ડાયસ્પોરાની આજની ચર્ચાવિચારણાની બીજી ગંભીર મર્યાદા, આ વિષયની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓના ઉલ્લેખ સુધ્ધાંના અભાવની છે. સલમાન રશ્દી, વિદ્યા નાયપૉલ, ગેબ્રીયલ ગાર્સિયા માર્કવેઝ અને મીલાન કુંદેરા જેવા આ વિષયના સમર્થ સર્જકોનો આ વિચારણામાં ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી.
H A Jinના નવલિકાસંગ્રહ ‘A Good Fall’માં ડાયસ્પોરાની કેટલીક અદ્ભુત નવલિકાઓ છે જેમાં નિર્વાસિતો માત્ર ચીન વિશેનાં તેમનાં સ્વપ્નાઓ અને સ્મૃતિઓમાંથી જ દેશવટો નથી ભોગવતાં પણ તેમના સ્વત્વમાંથી પણ દેશવટો ભોગવે છે. H A Jinના ઉલ્લેખની અપેક્ષા ન રાખીએ પણ ઝુમ્પા લાહિરીની પણ નોંધ સુધ્ધાં નહિ ! ઝુમ્પા લાહિરીની ત્રણ કૃતિઓ પ્રગટ થઈ છે, જેમાં ‘Interpreter of Melody’ને પુલિત્ઝર પ્રાઈઝ આપવામાં આવ્યું છે. ‘Namesake’ તેમની નવલકથા છે અને ‘Unaccomstomed Earth’ તેમનો નવલિકાસંગ્રહ છે. મારા મતે, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ‘Interpreter of Melody’ કરતાં પણ વધારે ઉત્તમ કક્ષાની નવલિકાઓ આ સંગ્રહમાં છે. ઝુમ્યા લાહિરીની આ ત્રણેય સર્જનાત્મક કૃતિઓમાં ડાયસ્પોરાનાં નવાં જ રૂપ અને સ્વરૂપ નીખરી આવે છે.
સજ્જતાનો અભાવ
અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની સૌથી ગંભીર મર્યાદા સાહિત્યિક સજ્જતાનો અભાવ છે. બેચાર અપવાદ બાદ કરતાં આ સાહિત્યકારોનું વાચન એટલું દરિદ્ર છે કે આપણે હેબત ખાઈ જઈએ. સંસ્કૃત અને અંગ્રેજી તથા અંગ્રેજી દ્વારા વિશ્વસાહિત્યની વાત તો દૂર રહી, ગુજરાતી પણ પૂરું ન વાંચ્યું હોય – એ સ્થિતિ અકલ્પ્ય અને આશ્ચર્યજનક બલકે આઘાતજનક છે. સંસ્કૃતનું જ્ઞાન હવે લુપ્ત થવા બેઠું છે છતાં નગીનદાસ પારેખનાં ઉત્તમ અનુવાદો અને ટીકાટિપ્પણો દ્વારા મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’, આનંદવર્ધનકૃત ‘ધ્વન્યાલોક’ અને કુન્તકકૃત ‘વક્રોક્તિજીવિત’નો જરૂર અભ્યાસ થઈ શકે. મમ્મટ પરંપરાગત પણ સંપૂર્ણ છે, આનંદવર્ધન પરંપરાગત છતાં મૌલિક છે અને કુન્તક અધુનાતન આધુનિક છે. એક વાર વાંચી તો જુઓ.
એ સાચું કે પ્રતિભા વિના કાવ્યસાહિત્ય પ્રગટે જ નહિ – यां विना काव्यं न प्रसरेत् અને જો પ્રતિભાહીન કૃતિ પ્રસરે તો उपहसनीयं स्यात्. વાલેરીએ આ જ કહ્યું છે : une linge donnee – એક પંક્તિ ઈશ્વરદત્ત હોય છે પણ આ પ્રતિભા ઉપરાંત મમ્મટ લોકશાસ્ત્ર, કાવ્ય વગેરેનો અભ્યાસ જરૂરી માને છે. રાજશેખર તો અભ્યાસમાં મચી પડવાની વાત કરે છે. अमन्दश्चाभियोगोडस्या:। સર્જકોએ માતૃભાષાનું સાહિત્ય સાદ્યંત વાંચ્યું હોવું જોઈએ, જે સ્વરૂપમાં તેઓ કામ કરતા હોય તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રાદેશિક ભાષાઓ હિન્દી, મરાઠી, બંગાળી વગેરેનાં સાહિત્યનો પણ પરિચય રાખવો જોઈએ. અંગ્રેજી દ્વારા વૈશ્વિક સાહિત્યનો સંપર્ક સરળ છે પણ આ માટેની ધીરજ અને નિષ્ઠા ક્યાં ? સારા વાચક બન્યા વિના સારા સર્જક થવાનું દુષ્કર, કહો ને, લગભગ અશક્ય. ચપટી વગાડતાંમાં લેખક થવાનો, પુસ્તક છપાવવાનો જેટલો ઉમંગ અને ઉત્સાહ છે તેનો અલ્પાંશ પણ સારા-સમૃદ્ધ વાચક થવાનો નથી. આ સાહિત્યકારોમાંથી ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પ્રત્યક્ષ’ કે ‘સમીપે’ જેવાં સામયિકો વિશે કોણ જાણે છે અને કેટલા એ મંગાવે છે અને કોઈ વાંચે છે ખરા ? આપણા પન્નાલાલને પણ ના વાંચ્યા હોય એવા ‘સમર્થ’ નવલિકાકારો પણ અહીં છે ! અહીં બે અવતરણો પ્રસ્તુત છે.
‘For the sake of a single poem, you must see-many cities, many people and things, you must understand animals, must feel how birds fly, and know the gesture which small flowers make when they open in the morning.”
– Rainer Maria Rilke
“સાહિત્યિક, સાંસ્કૃતિક વારસાથી સજ્જ થવા ઉપરાંત પણ સર્જકે ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, દર્શન, વિજ્ઞાન આદિ પોતાના વિષયવસ્તુને ઉપકારક જ્ઞાન-માહિતીથી સજ્જ થવું ઘટે. સજ્જતાના અભાવમાં ઘણી વાર સર્જક વિશ્વસનીયતા ગુમાવી બેસતો હોય છે. સર્જકે વ્યુત્પન્ન હોવું ઘટે. આપણા આલંકારિકોએ પણ એ ચીજ ૫૨ યોગ્ય રીતે જ ભાર મૂક્યો છે.”
– ભોળાભાઈ પટેલ, પરબ’, જૂન’ ૧૯૯૦
પ્રતિભાબીજની માવજત
વર્ષો પૂર્વે બળવંતરાય ઠાકોરે આ વિશે નિબંધ લખેલો જે કંઈ મારી પાસે આગવો ન જ હોય. સાહિત્યકારોના માર્ગમાં રહેલાં અને ઠાકોરે ઉલ્લેખેલાં-નિર્દેશેલાં વિઘ્નોમાં અમેરિકાવાસી સર્જકો માટે એક વધુ ગંભીર વિઘ્નનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ. અને તે છે, સમયનો સદંતર અભાવ. દા. ત. નટવર ગાંધી, ડૉ. અશરફ ડબાવાલા અને રાહુલ શુક્લ એમના વ્યવસાયમાં એટલા ઊંડા ખૂંપેલા છે કે સર્જનાત્મક પ્રવૃત્તિ માટે એમને આટલો, આંગળીના વેઢા જેટલો સમય પણ મળી રહે છે તેનું આશ્ચર્ય થાય. અહીં એ પણ સ્વીકારીએ કે સમયની આ મારામારી સર્જનાત્મકતા અને સાહિત્યિક સજ્જતાનો ભોગ લીધા વિના ન જ રહે.
મૈત્રીવિવેચન
અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના લેખનસંદર્ભે જો કોઈએ સૌથી વધારે દાટ વાળ્યો હોય તો તે છે ડાયસ્પોરા સાહિત્યના વિવેચકો. ચન્દ્રકાન્ત ટોપીવાળા કે દીપક મહેતા જેવા બેચાર અપવાદો બાદ કરતાં બાકી સૌએ, મને કહેવા દો કે સુપ્રતિષ્ઠિત વિવેચકોએ પણ ડાયસ્પોરા સાહિત્યકારોનું અને સાહિત્યકૃતિઓનું ગુણસંકીર્તન જ કર્યું છે. નથી થઈ આ કૃતિઓની આલોચના કે નથી થયું તટસ્થ અને નિર્મમ અવલોકન. થઈ છે માત્ર એકલી પ્રશસ્તિ ! કા૨ણ કે એ સઘળું કૃતિલક્ષી નહિ પરંતુ નર્યું કર્તાલક્ષી વિવેચન છે. કેટલીક કૃતિઓ વિવેચકના અથાગ પ્રયત્ન છતાં પ્રશંસાને અવકાશ ન આપે ત્યારે સુષ્ઠુ-સુષ્ઠુ, ગોળગોળ, સંદિગ્ધ, મહેતા મારે ય નહિ અને ભણાવે પણ નહિ – તેવું મૈત્રીવિવેચન થાય છે. કેટલાકોએ તો ડાયસ્પોરા સાહિત્યકારોને ચણાના ઝાડ પર ચડાવી મારવાનો જાણે ઠેકો જ લીધો છે. મારાં આ સઘળાં વિધાનોનાં દૃષ્ટાંતો મને જ નહીં, તમને પણ હાથવગાં જ છે. અમારાં ખ્યાતનામ સર્જકોનાં પુસ્તકોનાં આરંભનાં પાનાઓમાંથી જરા પસાર થશો તો તમે પણ મોંમાં આંગળાં નાખી જશો ! બચુભાઈ રાવત અને રાજેન્દ્ર શાહ નવોદિતો અને ઉદીયમાન સર્જકો માટે નિયમિત વર્કશૉપ ચલાવતા હતા. જયંત કોઠારી, જશવંત શેખડીવાળા અને ૨મણ સોની જેવા ‘વાંકદેખા’ સ્પષ્ટવક્તા વિવેચકો પાસેથી પણ સમુચિત ટીકાટિપ્પણ મળી રહે છે પણ અમારા દુર્ભાગ્યે અમેરિકામાં એમના જેવા કોઈ વિવેચક સાહિત્યકાર નથી.
1965માં ગ્રંથમાં એમણે રતિલાલ જાની કૃત ‘કાવ્યલોચન’ની, જેનું કર્તૃત્વ પોતાનું હોય તો નગીનદાસ પારેખ જેવા વિદ્વાન પણ રાજી થાય એ બરની સમીક્ષા કરી હતી. ૧૯૬૭માં કાન્ત શતાબ્દીના અવસરે મુંબઈમાં ‘વત્સલનાં નયનો’ પરનું એમનું વક્તવ્ય સર્વાધિક પ્રભાવક રહ્યું હતું. આ બધું સાંભરે ત્યારે તળભૂમિ અને વરભૂમિ બેઉમાં અકુતોભય વિહરી શકતી એક અનન્ય પ્રતિભાનો પરિચય થાય જ. માત્ર, એમનો લાંબો અમેરિકાવાસ જે એક વિશેષ મોરચે ફળ્યો તેની જ વાત અહીં સહેજ વિગતે કરી એક સાર્થક જીવનને અંજલિ આપી વિરમું છું.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું મુખપત્ર “પરબ”; નવેમ્બર 2013; પૃ. 06-11