દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.
દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !
એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.
નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.
“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’
દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’
દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.
અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.
વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં.
પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’
આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.
“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.
ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.
દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.
ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.
“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.
વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.
સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.
આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.
આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’
આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:
‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’
પાનબીડું :
બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.
ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.
— રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
હૅરો, 29 મે / 08 જૂન 2020
e.mail : vipoolkalyani.opinion@btinternet.com