‘આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે ? એમને શું એક બનાવે છે ? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું ? એ વધે છે કે ઘટે છે ? વધે છે તો કેટલી ને કેવીક વધે છે ?
‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’
સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.
આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’
તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.
હવે બીજી પાસ, બરાક ઓબામા લિખિત ‘ડૃીમ્સ ફ્રૉમ માઇ ફાધર – ઍ સ્ટોરી ઑવ્ રેઇસ એન્ડ ઇન્હેરિટન્સ’[બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું]માંથી પસાર થતા થતા ઓળખ [identity], વર્ગ [class], વર્ણ [race] સરખા પેચીદા કોયડાઓ સતત અથડાયા કર્યા. અને પરિણામે ન અહીંના, ન તહીંના તેમ ત્રિશંકુ શી હાલતમાં લપેટાયા હોઈએ તેમ લાગ્યા કરે છે.
બરાક ઓબામા વકીલાતનું ભણી રહ્યા હતા. હાર્વર્ડ લૉ સ્કૂલનો અભ્યાસ ચાલતો હતો. તેવાકમાં ‘હાર્વર્ડ લૉ રિવ્યૂ’ના પ્રમુખપદે એમની વરણી થાય છે. અને ચોમેર જે કંઈ સમાચારો પ્રસિદ્ધ થયા તેને આધારે એક પ્રકાશન જૂથે બરાકભાઈને અમેરિકી વર્ણભેદ સંબંધક પુસ્તક કરવાનો પ્રસ્તાવ મુક્યો. ડિગ્રી મળ્યા કેડે એક વરસનો સમયગાળો લઈને પુસ્તક કરવાનું એ કબૂલે છે. પરંતુ તે ત્યારે એમ કરી ન શક્યા. ઓબામા શિકાગોમાં પગ ખોડી રહ્યા હતા. મિશેલ જોડે ઘરસંસાર માંડે છે અને નાનુંમોટું કામ કરે છે. પણ પેલો કીડો સળવળ્યા કરે છે. પુસ્તક ન થયાનો વસવસો ભીસતો ય રહ્યો છે. અને તે પોતાની માતા, સ્ટેન્લી એન ડનહામ પાસે ઇન્ડોનેશિયા જઈ પુસ્તકના લેખનમાં પરોવાય છે. માતા માનવશાસ્ત્ર વિજ્ઞાની છે. એ લેખકને સલાહસૂચન આપે છે અને છેવટે આ પુસ્તક આપણને મળે છે.
પુસ્તકને નવ પ્રકરણો છે. છેલ્લે ઇતિલેખ છે. પરંતુ તે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : ઓરિજિન, શિકાગો અને કિન્યા. હોનોલુલુ તેમ જ શિકાગોમાં પસાર કરેલા આરંભિક દિવસોની વાત આરંભથી અહીં વણી લેવામાં આવી છે. બરાક ઓબામા સ્મરણકથાની આ ચોપડીમાં પોતાના પિતા, જેમનું નામ પણ બરાક ઓબામા છે, તેમનાં મૂળને સમજવા, પામવા મથ્યા છે. અને તેને સારુ એ ખુદ કિન્યાની મુલાકાતે નીકળે છે અને પોતાના બાપીકા વિસ્તારની યાત્રાએ જાય છે. વિક્ટોરિયા સરોવરના કંઠાર વિસ્તારમાં જન્મેલા વરિષ્ટ ઓબામા લૂઓ જાતિપરંપરાનું ફરજંદ. તેથી તે વિસ્તારમાં જઈ એ ગ્રામપ્રદેશમાં રોકાણ કરે છે. તેના પિતાના સગાંશાહીને મળેહળે છે. ભાંડુંઓને હળેમળે છે તેમ પોતાનાં દાદીમા, હબીબા અકુમુ સાથે ય તાલમેલ કરે છે. દાદીમા સહિત સૌનો પારાવાર સ્નેહ મેળવે છે.
પણ આ વાત અહીં અટકતી નથી, બરાક ઓબામા પોતાની ઓળખ જાણવા સમજવામાં ખોવાયેલા રહે છે. કિશોર બરાક ઓબામા હવાઈ ટાપુના હોનોલુલુ નગરની પુનાહૂ એકેડેમીમાં ભણતા હતા, તે વેળા તે કીથ કાકુગાવા નામે તેમનાથી મોટા સહવિદ્યાર્થીના સંપર્કમાં આવે છે અને તે બરાકને આફ્રિકન-અમેરિકન જમાતમાં લઈ જાય છે. અને પછી, એમની ખોજનો, આંતરખોજનો આરંભ થાય છે. બરાક ખુદ લખે છે કે આ ખોજને કારણે એક પ્રકારે ઊંડી વેદનામાં તે જઈ પડે છે.
એમના સમકાલીન અને જગતને સાંપડેલાં એક મોટાં ગજાંના અમેરિકી સાહિત્યકાર તેમ જ નોબેલ પારિતોષિક વિજેતા ટૉની મોરિસન લખે છે તેમ, બરાક ઓબામાને થયેલા અનેક અભૂતપૂર્વ અનુભવોની જાળમાંથી કુનેહપૂર્વક પોતાનો માર્ગ ગોઠવી લેનાર આ લેખકે જે રીતે સંવાદો મુક્યા છે, પ્રસંગો કંડાર્યા છે, લખાણને વહેતું રાખ્યું છે તેથી તે કોઈ સાધારણ પ્રકારની રાજકીય સ્મરણકથા રહેતી જ નથી. તે અનુપમ સ્મરણકથા બને છે. ટૉની મોરિસનના મતાનુસાર, બહુ સરળતાએ જોઈએ તો આ ચોપડીની બરોબરી કરાય તેવી બીજી ચોપડી આપણને જડશે ય નહીં.
પુનાહૂ એકેડેમીથી શરૂ થયેલી આ ખોજ એમને હાર્વર્ડમાં, ન્યૂ યૉર્કમાં, શિકાગોમાં અનેક પ્રકારના કાચાપાકા અડાબીડમાં ધકેલે છે. એ વાંચે છે ખૂબ. મબલખ વિચારે છે. તેથી આ ખોજ તેમને મજબૂત બનાવે છે અને તેનો તાગ મેળવવા તે બાપીકા મુલકની જાતરાએ ય જાય છે. બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું સમજે છે, પહેચાને છે. અને તેના પરિપાક રૂપે આપણને આ મજેદાર પુસ્તક મળે છે.
આવી આવી ખોજ આપણી પણ છે. દેશપરદેશ ગયા, વસ્યા, એક સ્થાનેથી ઉખડ્યા, કોઈ વાર મૂળ સોતાં ય ઉખડ્યા, ક્યાંક રોાપાયા, ક્યાંક કરમાયાં, ક્યાંક ઉછર્યા, ક્યાંક વળી મૂળ ઊંડાં ઊતારીને વિસ્તર્યાં પણ ખરાં; અને તેમ છતાં, આપણા વારસાને પામવાના ઓરતા તો સતત રહ્યા કર્યા છે. ઓળખ નામે જાળામાં ગુંચવાઈએ છીએ, જરૂર. બીજી પાસ, ક.મા. મુનશીને ‘યોગસૂત્ર’ વાટે મળી જે અસ્મિતા સમજાઈ છે તેને આનન્દશંકરભાઈએ પડકારી તો છે જ. તો બીજી કોરે ઓબામાએ આજના સંદર્ભે, અમેરિકા તથા આફ્રિકા નામે બે ખંડમાંના જાત અનુભવોમાંથી પસાર થઈ, વળી, તેને નાણી જોઈ છે અને એકવીસમી સદીના નવા આયામોમાં મૂકી આપી છે. આ સૌની સરાણે આપણે હવે આપણી ઓળખ પીછાણવી રહી.
આપણી ઓળખ ? તેને ભાષાની બાજુ છે, તેને ધર્મની બાજુ છે, તેને સંસ્કૃતિની બાજુ છે, તેને વારસાની બાજુ છે, તેને સમાજકારણ—અર્થકારણ—રાજકારણની ય બાજુ છે, તેને સાહિત્ય, સંગીતની તેમ જ કળાની બાજુઓ તો છે જ છે, પણ તેને ખાણીપીણીનાં વિવિધ વાનગીઓ ઉપરાંત અનેક વ્યંજનોની, તેને ભૂગોળની, અરે ઇતિહાસની ય બાજુ છે. મારા સરીખાને વળી ખુદ ત્રણ ખંડોનો અનુભવ છે અને તે ત્રણ પેરે ફંટાય તેવા ત્રિભેટે આવીને ઊભો છે. આથી આજને તબક્કે આપણે કયા ઓજાર કામે લગાડવા જોઈશે ? વિચારું છું તો સમજાય છે કે મુનશી દીધાં સાધન ટૂંકાં પડે અને તેની આનન્દશંકરભાઈના પડકારે સતત સરાણ કાઢવી રહે. વળી, બરાક ઓબામાને જે લાધ્યાં તે રાચરચીલાં ક્યાંક કામ લાગે તેમ છે. કેમ કે ઓબામા નામે લેખક વિચારક આ એકવીસમી સદીની વાત માંડે છે. એટલું જ નહીં, અમેરિકાના જાહેરજીવનમાં એક પછી એક સોપાન સર કરતાં કરતાં તે રાષ્ટૃપતિ પદ પણ સોહાવે છે. ત્યારે અને તે પછી, નિવૃત્તિમાં યે તે સતત વિધેયક રહ્યા છે અને અમેરિકા-કેન્દ્રી રહ્યા છતાં જાગિતક સ્તરે, માનવીય વિચારધારામાં લપેટાયેલા જોવા મળે છે.
વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છેઃ 'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’
ડાહ્યાભાઈ મિસ્ત્રીએ “ઓપિનિયન”ના જૂન 1995 અંકમાં પ્રગટ અગ્રલેખનો ઉલ્લેખ કરેલો છે. તેમાં ઇતિહાસના આપણા ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આઠનવ દાયકાઓ પહેલાં કહેલા શબ્દો ટાંકવામાં આવેલા. બ.ક.ઠા. લખતા હતા :
'આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’
ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’
સમકાલીન ઘટનાઓ પર નજર કરું છું અને મને સમજાય છે. એક સમે મારી જન્મભૂમિએ જુલિયસ ન્યરેરે સરીખા મુઠ્ઠી ઊંચેરા આગેવાન જોયા છે. આજના આગેવાનો સાથે સરખામણી કરીએ તો નેતાગીરીનો આલેખ નીચે ધસમસતો લાગે. આવું મારી વારસાની ભૂમિનું છે. એક સમે જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ સરીખા સરીખા આગેવાનો ધણીધૂરી પદે હતા. આજે ? આગેવાનીનો આલેખ સપાટીએ સડક સપાટ થઈ પલોંઠ લગાવી બેઠેલો જોવા પામીએ. આવું મારા વતનભોમકાની વાત. એક દા વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમન્ટ એટલી સરીખા સરીખા આગેવાનોએ અમારા મુલકનું ઘડતર કરેલું. જ્યારે આજે ? રૂદિયો બેસી પડે તેવી હાલત છે. અમેરિકે ય એક દા જ્હૉન કેનેડી શા આગેવાન હતા; આજે ? વાત ન જ કરીએ; ક્યાંક રહીસહી આબરૂ ય લજાઈ મરે ! તેના લીરા ય શોધ્યા નહીં જડે !!
આપણા એક અડીખમ પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતાએ, છેક 1908માં, કહ્યું હતું, તે આ સંદર્ભે યાદ કરવાનું આથી મન કરું છું :
‘સર્વત્ર સ્ફૂરણ પેઠું છે − જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે પડે છે. પણ ગુજરાતમાં નેતા નથી. બંગાળા, મહારાષ્ટૃ, પંજાબ, વગેરે પ્રાંતોમાં છે તેવા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકધા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ − હિન્દુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ − એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીમાં જેવા પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડેખંડના પરદેશ નિવાસમાં બતાવી શક્તિમાન કરે, એવા નેતાની આપણે ત્યાં ખોટ છે.'
આમ ચોમેર વ્યાકુળ કરી મેલે તેવી ભુલભુલામણી શો પટ પડ્યો છે, અને તેમાંથી પોતીકો કેડો શોધવાનો છે. હાંફ ચડે, હામ ખોઈએ તેમ પણ બને; પરંતુ કોઈક પ્રકારના જોમજોસ્સા સાથે પંડે વિધેયક રહ્યે રહ્યે હીંડ્યા કરવા સિવાય કોઈ ચારો ય નથી. કેમ કે, આપણામાંના અનેકોની પેઠે મારું ય વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય. પરિણામે એક તરફ ઉમાશંકર જોશી લાલબત્તી ધરી ધરી સતત કહ્યા રાખે જ છે ને : ‘એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી’. અને બીજી તરફ, અસમિયા કવિ ગાયક ભૂપેન હઝારિકા પોકારી પોકારીને મને ઢંઢોળતો રાખી સંભારી આપે છે : આમી એક જાજાબૉર … પ્રિથિબિ અમાકે અપોન કોરેછે … ભૂલેછી નિજેરી ઘૉર … આમી એક જાજાબૉર … …
વારુ, … આવી આવી રઝળપાટની વાત ક્યારેક, હવે પછી −
પાનબીડું :
એ તે કેવો ગુજરાતી
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી
હિન્દભૂમિના નામે જેની ઊછળે ના છાતી
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂલ
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દ્રઢમૂલ
સેવા સુવાસ જેની ખ્યાતિ
તે જ બસ નખશીખ ગુજરાતી
ના ના તે નહિ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
ભારતભક્તિ દેશવિદેશ
ન જેની ઊભરાતી
એ તે કેવો ગુજરાતી
સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝિલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર
કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી
તે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી
હિન્દભૂમિના નામે જેની ઊછળે ના છાતી
ભારતભક્તિ દેશવિદેશ
ન જેની ઊભરાતી
એ તે કેવો ગુજરાતી
— ઉમાશંકર જોશી
[1944 શબ્દો]
હેરૉ, 08-13 જૂન 2020
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક", પુસ્તક : 85 – અંક : 3; જુલાઈ – સપ્ટેમ્બર, 2020; પૃ. 50-55