2018 મહાત્મા ગાંધીનું જ નહીં, એમની અર્ધાંગિની કસ્તૂરબાનંુ પણ સાર્ધ શતાબ્દી વર્ષ છે. કસ્તૂર કાપડિયાનો — બાનો જન્મ પણ 1869 માં, મોહનદાસ ગાંધીના જન્મ પહેલાં છ મહિને થયો હતો; એટલે બાનું સાર્ધ શતાબ્દી વર્ષ તો એપ્રિલ 2018થી શરૂ થઈ ગયંુ છે. આ વર્ષને ‘ગાંધી દોઢસો’ કહીએ છીએ, તેમાં ભાવાર્થની રીતે બા અને બાપુ બંને આવી જાય છે ખરાં, પણ ‘ગાંધી દોઢસો’ કહેનારાં કેટલાંની સ્મૃિતમાં બાપુ સાથે બા પણ આવતાં હશે તે કહેવંુ મુશ્કેલ છે.
કેવું હતું બા-બાપુનું સહજીવન? બાસઠ વર્ષના સહજીવનમાં ખટરાગ તો થયા જ હોય. પણ એકંદરે જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે જેટલાં બા બાપુને સમર્પિ ત હતાં, તેટલા જ બાપુ પણ બાને સમર્પિત હતા. તેમણે કહ્યું પણ છે, ‘બા ખરા અર્થમાં મારું શુભતર અર્ધાંગ (બેટર હાફ) હતી.’ થોડી ઝાંખી કરીએ …
1876માં બા અને બાપુ બંને સાત વર્ષનાં હતાં, ત્યારે એમની સગાઈ થઈ. સગાઈ પછી છ વર્ષે લગ્ન થયાં એ એક સૂચક ઘટના છે. એ જમાનામાં આઠેક વર્ષે તો છોકરીનાં લગ્ન થઈ જ જાય. પણ દીકરી જરા સમજણી થાય તે પછી જ પરણાવવી એવો પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાનો નિર્ધાર હતો. આ નિર્ધાર પરથી તેમને ત્યારના કાઠિયાવાડના પ્રમાણમાં સુધારક વિચારના કલ્પી શકાય.
કસ્તૂરબા માબાપની ત્રણ દીકરીઓમાંથી બચેલી એકની એક દીકરી, બે ભાઈઓની એક માત્ર બહેન — એટલે તેમનો ઉછરે પ્રેમ, લાડ, કાળજી અને સુરક્ષાના વાતાવરણમાં થયો. એથી તેમનું વ્યક્તિત્વ ખીલ્યું. તેર વર્ષની ઉંમરે મોહનદાસ સાથે લગ્ન થયાં ત્યારે કન્યા કસ્તૂર સુંદર, નિર્ભય, સ્પષ્ટ વક્તા અને બુદ્ધિ માન હતી. મોહન પણ હિ ંમતવાન, પ્રામાણિક અને ન્યાયપરાયણ દીવાન કરમચંદનું લોહી હતો. અગ્નિની સાક્ષીએ તેર વર્ષનાં કસ્તૂર અને મોહન પતિ પત્ની બન્યાં.
સત્યના પ્રયોગોમાં મહાત્મા ગાંધીએ તેમના નવા સંસાર વિશે આપેલી રસપ્રદ વિગતો પરથી કહી શકાય કે મોહનને તરુણ પત્ની પ્રત્યે ખૂબ આકર્ષણ અને પ્રેમ હતાં; માલિકીભાવ પણ ઓછો નહીં. જ્યારે કસ્તૂર પતિપરાયણ અને આજ્ઞાંકિત હોવા સાથે ગૌરવશાળી અને સ્વતંત્ર મિજાજની પણ ખરી. પતિની પણ જોહુકમી સાંખે નહીં. પોતાને અયોગ્ય લાગે તે કરે નહીં. દૃઢ મનોબળ, સમજદારી અને વ્યવહારકુશળતા એ તેમનાં ગુણો. પતિના વ્યક્તિત્વ અને ત્યાગનું મહત્ત્વ કસ્તૂરબા બરાબર સમજે છતાં પતિની ધૂનની સામે પણ થાય અને કેટલીક વખત પતિનું જિદ્દી વલણ છોડાવી દેવામાં સફળ પણ થાય. સત્યાગ્રહનું રહસ્ય પોતે કસ્તૂરબા પાસેથી શીખ્યા હતા તેમ ગાંધીજી કહે છે.
બાસઠ વર્ષના દાંપત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો ને સમગ્ર વિશ્વની વંચિત અને શોષિત પ્રજાને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક આદર્શો અને સિદ્ધાંતો માટે ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજુ ં માગી લે તેવંુ કામ છે.
1908ની વાત. એ દિવસોમાં કસ્તૂરબાને માસિકની સમસ્યા હતી. છેલ્લા બે પુત્રોના જન્મ પછી એ વધારે ઉગ્ર બનતી ગઈ. એક તરફ દર મહિ ને વધુ પડતું લોહી જવાથી નબળું પડતું શરીર, બીજી બાજુ લડતમાં જોડાયેલા પતિ પુત્રની સલામતીની સતત ચિંતા. પણ ફરિયાદ કરવાનો સ્વભાવ નહીં ને સહનશક્તિ સારી એટલે દિવસભરનાં કામ શાંતિથી પતાવ્યા કરે. બાપુ ત્યારે સત્યાગ્રહ પર એકાગ્ર હતા. કસ્તૂરબાની ઘસાતી કાયાની નોંધ તો લે, પણ એ બાબતમાં ખાસ કંઈ કરી શકે તે સ્થિતિમાં નહીં. એક વાર તેમણે કહ્યું પણ હતું, ‘સત્યાગ્રહીએ દોરડા પર ચાલનારા કરતાં પણ વધારે એકાગ્રતા કેળવવી જોઈએ.’
જો કે એ સત્યાગ્રહનું કોઈ ખાસ ફળ ન આવ્યું. પરવાના બાળવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું ખરું, પણ તેનાથી પરિસ્થિતિ બદલાઈ નહીં. ઑક્ટોબરની શરૂઆતમાં ફિનિક્સમાં બે વ્યસ્ત સપ્તાહ વીતાવ્યા પછી બાપુ જોહાનિસબર્ગ ગયા. લડતનું પરિણામ કંઈ આવ્યું નહીં તેથી તેમણે નિશ્ચય કર્યો હતો કે નવા ઇમિગ્રેશન કાયદાની વિરુદ્ધ સત્યાગ્રહ કરવો ને જરૂર પડ ે તો જેલમાં જવંુ. સાથીઓને સંદેશ આપ્યો, ‘અંત સુધી દૃઢ રહેવું. સહન કરવું એ જ સૌથી મોટું શસ્ત્ર છે. વિજય નિશ્ચિત છે. ’
10 ઑક્ટોબર, 1908ના દિવસે સરકારે તેમને પકડ્યા અને વૉક્સરસ્ટ જેલમાં પૂર્યા. નિયમ પ્રમાણે તેમણે એક આદર્શ કેદીની જેમ જેલના નિયમોનંુ પાલન કરવા માંડ્યું . થોડા દિવસો ગયા અને ફિનિક્સથી આલ્બર્ટ વૅસ્ટનો પત્ર આવ્યો. કસ્તૂરબાને ખૂબ લોહી પડતું હતું. આલ્બર્ટ વૅસ્ટને લાગતું હતું કે કસ્તૂરબાને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તે માટે બાપુની પરવાનગી તેમણે માગી હતી અને બાપુએ દંડ ભરી જેલ છોડી ફિનિક્સ આવી જવું તેવી તાકીદ કરી હતી.
ત્યારનો બાપુનો કસ્તૂરબા પરનો પત્ર તેમની કઠોર અને કોમળ બંને બાજુઓને એકસાથે વ્યક્ત કરે છે. એક તરફ તેમનો પત્ની પ્રત્યેનો પ્રેમ છે, બીજી તરફ મુશ્કેલ નિર્ણયો લેતી વખતે પોતાની પ્રિય વ્યક્તિઓને સહન કરવંુ પડશે તેથી થતી પીડા છે :
વહાલી કસ્તૂર,
શ્રીમાન વૅસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખૂબ ચિંતા રહે છે. છતાં હંુ તારી સારવાર કરવા આવી શકું એ સ્થિતિમાં નથી. સત્યાગ્રહની લડત માટે જીવનનું બધું દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તું સમજશે તેવી મને આશા છે. જો હંુ દંડ ભરીને તારી પાસે આવંુ તો તે મેં કાયદો તોડ્યો છે તેની કબૂલાત જેવું થાય. તેવંુ ન કરી શકાય તે તંુ જાણે છે. તેનાથી તો લડતની વિશુદ્ધિ જોખમાય. પણ તું જો હિંમત રાખે ને બરાબર ખાય તો તને સારું લાગશે. તેમ છતાં તને કંઈક થઈ પણ જાય, તો હંુ ધારું છું કે તંુ મારા કરતાં વહેલી જ જાય તે વધુ સારું છે. તને ખબર છે કે તંુ મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તંુ જીવતી નહીં હોય ત્યારે પણ તેવો જ રહેવાનો છે. મારા માટે તંુ હંમેશાં જીવંત જ રહેવાની છે. તારો આત્મા અવિનાશી છે.
તેમ છતાં મારા તરફથી હંુ તને એટલી ખાતરી આપંુ છું કે હંુ કદી બીજાં લગ્ન નહીં કરું. મેં તને પહેલાં પણ આ કહ્યું છે. મૃત્યુ આવે તો પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તારા આત્માને મુક્તિના માર્ગે જવા દેજે. સત્યાગ્રહ માટે તેનાથી વધારે ભવ્ય બલિદાન બીજું કયંુ હોઈ શકે?મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સામે નથી. મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખંુ છું કે તંુ આ બધંુ સમજશે અને ગુસ્સો નહીં કરે. વધુ શું લખું?
તારો, મોહનદાસ.
આ પછી કસ્તૂરબાની સ્થિતિ કંઈક સુધરી, પણ સુધારો લાંબો ટક્યો નહીં. જેલમાંથી છૂટી બાપુ તરત જ ફિનિક્સ આવ્યા ત્યારે કસ્તૂરબા ખૂબ અશક્ત અને થાકેલાં જણાતાં હતાં. જાણે પ્રાણહીન ખોળિયું. બાપુને આઘાત લાગ્યો. તેમણે બાને ખૂબ સમજાવ્યાં અને મેડિકલ તપાસ માટે તૈયાર કર્યાં. જાન્યુઆરીની શરૂઆતમાં બાપુ બાને ડરબન લઈ ગયા અને ત્યાં પારસી ડૉક્ટર નાનજીની સારવાર નીચે મૂક્યાં. તેમણે બાને માંસનો સેરવો આપવાની જરૂર જોઈ, બાએ તેનો સાફ ઇનકાર કર્યો, ડૉક્ટરના વિરોધ છતાં બાપુ બાને ગોદમાં સુવાડી રિક્ષામાં સ્ટેશન સુધી લઈ ગયા, બાને ઊંચકીને લાંબુ પ્લૅટફૉર્મ ઓળંગી ટ્રેનમાં સુવાડ્યાં અને ફિનિક્સ લઈ ગયા. માટીના ઉપચાર અને બાપુની પરિચર્યાથી બાની તબિયત સુધરવા માંડી. એક દિવસ એક સ્વામીજી ફિનિક્સ આવી ચડ્યા. કસ્તૂરબા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને તેમણે બાપુ, મણિલાલ અને રામદાસની હાજરીમાં દલીલો કરવા માંડી અને ધર્મશાસ્ત્રનાં પ્રમાણો ટાંકીને આપત્તિના સમયે માંસ ખાવામાં વાંધો નહીં, તેવું જોરશોરથી જાહેર કર્યું. બાપુ પણ પાછા પડે તેવા નહોતા. તેમણે શાકાહારના સમર્થનમાં દલીલો કરવા માંડી. ચર્ચા એવી જામી કે તેનો કોઈ અંત દેખાતો ન હતો.
છેવટે બા ઊઠ્યાં, ‘સ્વામીજી, તમે જે કહો તે ખરું. પણ મારે માંસ ખાઈને સાજા થવું નથી. તમારે મારા પતિ અને પુત્રો સાથે જે દલીલો કરવી હોય તે કરો, પણ મારું માથું ન દુખાડો તો તમારો પાડ.’
બા-બાપુના સહજીવનની આ એક નાની શી ઝલક પુલકિત કરે તેવી નથી?
Email : sonalparikh1000@gmail.com
સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; અૉક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 368 – 370