પંજાબમાં સિખ કોમી રાજકારણ
આ પહેલાં પણ નિરંકારીઓ પરના હુમલા સાથે પંજાબમાં સિખ કોમવાદી રાજકારણની શરૂઆત થઈ હતી
ગઈ કાલના લેખમાં લાંબી પૃષ્ઠભૂમિ એટલા માટે આપી કે ભારતમાં એકલો હિન્દુ રાષ્ટ્રવાદ નથી; સિખ રાષ્ટ્રવાદ, તામિલ રાષ્ટ્રવાદ, બંગાળી રાષ્ટ્રવાદ જેવા અનેક રાષ્ટ્રવાદો, પેટા-રાષ્ટ્રવાદો અને પેટા પેટા – રાષ્ટ્રવાદો અસ્તિત્વ ધરાવે છે. આ દેશમાં કોઈ રાષ્ટ્રવાદનું આધિપત્ય શક્ય નથી અને જો કોઈ એક રાષ્ટ્રવાદનું આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરો તો પાકિસ્તાન જેવા હાલ થાય. ઈસ્લામે પાકિસ્તાનની સ્થાપના કરી અને ભાષાએ વિભાજન કર્યું.
પંજાબમાં સિખ રાષ્ટ્રવાદ પ્રબળ છે. અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે સિખ ધર્મસંસ્થાઓનું, ધર્મસ્થાનોનું અને કુલ મળીને સિખ ધર્મ તેમ જ સિખ સમુદાયનું નિયમન કરવાનો અધિકાર સિખોને મળવો જોઈએ, એ માટે આંદોલન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આનાકાની પછી ભારતમાં એક તિરાડ વધુ એમ વિચારીને અંગ્રેજોએ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(એસ.જી.પી.સી.)ને ગુરુદ્વારાઓના પ્રબંધનના અધિકારો આપ્યા હતા. વાત ગુરુદ્વારાઓના નિયમન પર અટકી નહોતી. તેમણે સિખોની ધાર્મિક-સામાજિક એમ દરેક બાબતને નિયમન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શિરોમણિ અકાલી દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. શિરોમણિ અકાલી દળ એસ.જી.પી.સી.નો સિખોનું ધર્મનું રાજકારણ કરનાર રાજકીય પક્ષ છે. જેમ બી.જે.પી. હિન્દુઓનું ધર્મનું રાજકારણ કરે છે અથવા મુસ્લિમ લીગ મુસ્લમોનું ધર્મનું રાજકારણ કરે છે એમ.
આઝાદી પછી તેમણે સિખોના અલગ રાજ્યની માગણી કરી હતી. તેમણે ગુરુમુખી ભાષાને સિખ સૂબાની સત્તાવાર ભાષા જાહેર કરવી જોઈએ તેવી માગણી કરી. બૃહદ્દ પંજાબમાંથી હિમાચલ અને હરિયાણાને અલગ કરીને પંજાબી બોલનારા પંજાબની રચના કરવામાં આવી તેનાથી તેમને સંતોષ નહોતો. બીજું સિખોમાં જોવા મળતાં પેટા-સંપ્રદાયો અને ડેરાઓ સામે તેમને વાંધો છે. કેથલિક ચર્ચની જેમ ઉપરથી નીચે સુધી પિરામિડ જેવું તેમને સ્ટ્રક્ચર જોઈએ છે કે જેથી તેનું કેન્દ્રીય નિયમન કરી શકાય, જ્યારે ખાલસા ધર્મનો વિકાસ તો મધ્યકાલીન અંધારયુગમાં એક આધ્યાત્મિક અંદોલન તરીકે થયો હતો. સિખો પર કબીરનું કેટલું ઋણ છે! એ આંદોલન હતું, આંદોલનમાંથી પંથ બન્યો, પંથમાંથી સંપ્રદાય બન્યો અને સંપ્રદાયમાંથી ગુરુ ગોવિંદસિંહે સંગઠિત ધર્મનું સ્વરૂપ આપીને ખાલસા ધર્મ બનાવ્યો. સમસ્યા એ છે કે અત્યારનો સિખ ધર્મ મૂળમાં એક આંદોલન હોવાનાં કારણે અને એ પછી પંથ હોવાનાં કારણે એમાં અનેક ગાદીઓના(ડેરા)ના ટાપુઓ રચાયા છે. આ ડેરાઓ અને પેટા સંપ્રદાયોની ગાદીઓ ધરાવનારા ધર્મગુરુઓ એટલા શક્તિશાળી છે કે તેઓ એસ.જી.પી.સી. અને અકાલી દળને હંફાવે છે. ડેરા સચ્ચા સૌદાના ગુરુમિત રામ રહીમના કારનામાં તાજાં છે.
આમ એક બાજુ સિખોને મુઠ્ઠીમાં રાખનારું ધર્મનું રાજકારણ છે. બીજી બાજુ પેટા સંપ્રદાયો અને ડેરાઓના કારણે સિખો વિભાજિત છે અને ત્રીજી બાજુ સત્તાનું સંસદીય રાજકારણ છે. આ સ્થિતિમાં અકાલી દળ જ્યારે પણ રાજકીય રીતે નબળો પડે છે ત્યારે તેના ધર્મના રાજકારણને આક્રમક બનાવે છે જે રીતે બી.જે.પી.એ ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં આકરા પરાજય પછી હિન્દુ કોમવાદનો માર્ગ અપનાવ્યો હતો. સંકડાશમાં આવ્યા નહીં કે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિન્દુ ધર્મની મહાનતા યાદ આવવા માંડે છે, એમ પંજાબમાં અકાલી દળ રાજકીય રીતે સંકડાશામાં આવે એટલે રાજ કરેગા ખાલસાની યાદ આવવા લાગે છે. ધર્મઘેલછા અને સાંસ્કૃિતક અસ્મિતા એક એવું તત્ત્વ છે જે દરેક યુગમાં ભક્તો પેદા કરી આપે છે અને એમાં આ તો વિકૃત સ્વરૂપમાં અસ્મિતાઓના જાગરણનો યુગ છે.
અકાલી દળ અત્યારે રાજકીય રીતે સંકડામણમાં છે. બાદલ પરિવાર ભ્રષ્ટાચારના પર્યાય તરીકે ઓળખાય છે. આ સ્થિતિમાં ધર્મનું આક્રમક રાજકારણ કરવા અકાલી દળ પ્રેરાય એ સ્વાભાવિક છે. બીજો કોઈ વિકલ્પ જ નથી. પ્રજાની અંદર વિભાજન પેદા કરનારાં વિકૃત અને હિંસક રાજકારણને પુરસ્કારનારા મીડિયા અને લોકો મળી રહે છે. રાજકીય પક્ષ અને મીડિયાની ધરી રચાય ત્યારે ભક્તો આપોઆપ પેદા થવા લાગે છે. એ પછી બોલને ગોલ સુધી પહોંચાડવાનું કામ ભક્તો કરે છે. ૧૯૭૮ પછી પંજાબમાં આવું જ બન્યું હતું. શરૂઆતમાં તો સિખ વિદ્વાનો અને વિચારકો માનતા થયા હતા કે સિખો સાથે અન્યાય થઈ રહ્યો છે. પેદા કરવામાં આવેલા અસંતોષે જ્યારે ત્રાસવાદનું સ્વરૂપ પકડ્યું ત્યારે કેટલાક લોકોની આંખ ઊઘડી હતી અને ભક્તોની તો એ પછી પણ નહોતી ઊઘડી.
પંજાબમાં આતંકવાદની શરૂઆત બે ઘટનાથી થઈ હતી. પંજાબના પ્રતિષ્ઠિત અખબાર ‘પંજાબ કેસરી’ના માલિક અને તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેઓ સહિયારી પંજાબિયતની વકીલાત કરતા હતા. રાજ કરેગા ખાલસાનું ભાવનાત્મક રાજકારણ કરનારાઓની આડે આ પંજાબિયત આવતી હતી. બીજી હત્યા નિરંકારી સંતની કરવામાં આવી હતી જેનો અનુયાયી વર્ગ મોટો હતો અને તેમાં વધારો થતો હતો. ભેદભાવ વિના સેવા માટે નિરંકારીઓ જાણીતા છે. એ પછીના યાતનામય ૧૫ વરસ ભૂલી શકાય એમ નથી.
ત્યારે પંજાબમાં કૉન્ગ્રેસે જૈર્નેલસિંહ ભીંડરાંવાલાને પેદા કર્યો હતો. ઈરાદો અકાલીઓ કરતાં પણ વધુ આક્રમક સિખ ધાર્મિક રાજકારણને પ્રોત્સાહન આપીને અકાલીઓને હજુ વધુ હાંસિયામાં ધકેલવાનો હતો. એમાં સફળતા તો મળી હતી, પરંતુ બોટલમાંથી બહાર કાઢવામાં આવેલો જિન પાછો બોટલમાં બંધ કરી શકાયો નહોતો. ઘણાં વરસો પછી પંજાબમાં નિરંકારીઓ પર હુમલો થયો છે, પરંતુ એની ઉપેક્ષા કરવા જેવું નથી. પાકિસ્તાન અને આઇ.એસ.આ.ઇ પર આંગળી ચીંધવાનો કોઈ અર્થ નથી. પંજાબના આંતરિક સિખ રાજકારણ પર બારીક નજર રાખવાની જરૂર છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 નવેમ્બર 2018