અત્યારની કેન્દ્ર સરકાર જે કોઈ નિર્ણયો લે છે એ બધા જ દેશહિતમાં મહાન અને ઐતિહાસિક નિર્ણયો જ હોય છે. કોઈ નાના અને રાબેતાના નિર્ણયો હોતા જ નથી. જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પી.ડી.પી.), નેશનલ કોન્ફરન્સ (એન.સી.) અને કૉન્ગ્રેસે સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લીધો કે તરત જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલે વિધાનસભા વિખેરી નાખવાનો નિર્ણય લીધો. એ દેશહિતમાં લેવામાં આવેલો ઐતિહાસિક અને મહાન નિર્ણય લીધો હતો. રાજ્યપાલે પોતે અને બી.જે.પી.ના પ્રવક્તાએ વિધાનસભાને વિખેરી નાખવાના નિર્ણયને આ રીતે ઓળખાવ્યો છે. દેશહિતમાં લેવાયેલા મહાન ઐતિહાસિક નિર્ણયને જોઇને વિરોધ પક્ષો મૂછમાં હસતા હશે. એ કઈ રીતે એની વાત આગળ આવશે.
૨૦૧૪ના જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી પી.ડી.પી. અને બી.જે.પી.એ મળીને સરકાર રચી હતી. એ નિર્ણય અલબત્ત ઐતિહાસિક હતો અને દેશહિતમાં પણ હતો. હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કરનારા ઉદારમતવાદીઓએ પણ બી.જે.પી.-પી.ડી.પી. ગઠબંધનનું સ્વાગત કર્યું હતું. સ્વાગત કરવાનું કારણ એ હતું કે ચૂંટણીમાં જમ્મુ પ્રદેશ આખેઆખો બી.જે.પી.ના ફાળે ગયો હતો અને કાશ્મીરની ખીણ તેમ જ લડાખના મતદાતાઓએ પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસને સાથ આપ્યો હતો. જમ્મુ છોડીને બાકીના કાશ્મીરમાં બી.જે.પી.ને એક પણ બેઠક મળી નહોતી અને જમ્મુમાં પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. આ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરનું ઊભું કોમી વિભાજન થાય એ દેશના તેમ જ જમ્મુ અને કાશ્મીરના હિતમાં નહોતું. બીજું બે પ્રતિસ્પર્ધી પક્ષો પી.ડી.પી. અને એન.સી. સાથે આવે નહીં એટલે બી.જે.પી.ના સહયોગ વિના જમ્મુ અને કાશીરમાં સરકાર રચાય એમ નહોતી.
લાંબી વાટાઘાટોના અંતે પી.ડી.પી.એ બી.જે.પી.નો ટેકો લેવાનો નિર્ણય લીધો હતો અને એ રીતે બે ધ્રુવો વચ્ચે જોડાણ થયું હતું. એ નિર્ણયને સર્વત્ર આવકારવામાં આવ્યો હતો એનું કારણ આ હતું. દેશમાં કોમી ધ્રુવો હોવા જ ન જોઈએ અને જે હોય એ ઓગળવા જોઈએ. જો કે સંઘ કાશીએ પહોંચશે કે કેમ એની શંકા તો હતી જ. ૨૦૧૬માં પી.ડી.પી.ના નેતા અને મુખ્ય પ્રધાન મુફ્તી મહમ્મદ સૈયદનું અવસાન થયું અને એ જ વરસના જુલાઈ મહિનામાં બુરહાન વાણીના મોતની ઘટના બની. એ પછીથી કેન્દ્ર સરકારના હાથમાંથી કાશ્મીર સરકવા લાગ્યું. પહેલા કાશ્મીરની અશાંતિનો બાકીના ભારતમાં ચૂંટણી લડવા ઉપયોગ કરવામાં આવ્યો. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી કામ જ ન કરી શકે એવી સ્થિતિ પેદા કરવામાં આવી. બાકીના ભારતમાં જમ્મુ અને કાશ્મીરના નામે દેશપ્રેમનો દેકારો બોલાવ્યા પછી પણ વિધાનસભાઓની તેમ જ પેટા – ચૂંટણીઓમાં કોઈ ફાયદો નજરે નહોતો પડતો ત્યારે બી.જે.પી.એ પી.ડી.પી.ને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો.
ટેકો તો પાછો ખેંચી લીધો પણ વિધાનસભા જીવતી રાખી હતી. પી.ડી.પી. અને એન.સી.એ સ્પષ્ટતા પણ કરી હતી અને રાજ્યપાલ સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી કે પી.ડી.પી.-એન.સી. મળીને સરકાર રચવા માંગતા નથી અને એ સિવાય સરકાર રચાય એવી કોઈ શક્યતા નથી, એટલે વિધાનસભા વિખેરી નાખીને નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં પી.ડી.પી. ૨૮ બેઠકો ધરાવે છે, એન.સી. ૧૫ બેઠકો ધરાવે છે, બી.જે.પી. ૨૫ બેઠકો ધરાવે છે અને કૉન્ગ્રેસ ૧૨ બેઠકો ધરાવે છે. આ સ્થિતિમાં કાં તો પી.ડી.પી.-બી.જે.પી. સરકાર રચી શકે અને કાં પી.ડી.પી.-એન.સી. સરકાર રચી શકે. ત્રીજી કોઈ શક્યતા જ નથી, સિવાય કે પી.ડી.પી.,એન.સી. અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડવામાં આવે.
તો ફરી એકવાર દેશહિતમાં મહાન ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે ગઠબંધન તોડી નાખવામાં આવે, પણ વિધાનસભા ભંગ કરવામાં ન આવે. દેશહિતમાં પીપલ્સ કોન્ફરસના સજ્જાદ લોનને પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફોડીને ત્રીજો મોરચો રચવાનું કામ સોંપવામાં આવ્યું. સજ્જાદ લોન સોંપવામાં આવેલું કામ વફાદારીપૂર્વક કરતા હતા. પી.ડી.પી.ના પાંચ વિધાનસભ્યો ફોડ્યા હતા. બીજા બે પક્ષોના વિધાનસભ્યોને પણ ફોડવાની તૈયારી ચાલતી હતી ત્યાં પી.ડી.પી., એન.સી. અને કૉન્ગ્રેસે ખરા અર્થમાં ઐતિહાસિક નિર્ણય લઈ લીધો. ત્રણેય પક્ષોએ મળીને સરકાર રચવાનો મહાન અને ઐતિહાસિક નિર્ણય લેતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સતપાલ મલિકે વિધાનસભા વિખેરી નાખી. ઓફ કોર્સ, દેશહિતમાં. તેઓ દેશભક્તો છે એટલે જે પાપ કરે છે એ બધા દેશહિતમાં જ કરે છે, પછી જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાને વિખેરી નાખવાનો નિર્ણય હોય કે રફાલનો વિમાનસોદો હોય. પાપ તો બીજા કરે, દેશપ્રેમી ઓછા કરે.
આ નિર્ણય સાંપ્રત રાજકારણમાં ઐતિહાસિક છે. કેન્દ્ર સરકારે અને બી.જે.પી.એ નાગાઈ કરીને પરિસ્થિતિ એવી પેદા કરી છે કે આપણે કલ્પના પણ નહોતા કરતા એવાં ગઠબંધનો શક્ય બનવા લાગ્યાં છે. તેલંગણા અને આંધ્રપ્રદેશમાં કૉન્ગ્રેસ અને તેલગુ દેશમ પાર્ટી વચ્ચે ગઠબંધન રચાય એની કલ્પના પાંચ વરસ પહેલાં કરી હતી? ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ વચ્ચે ગઠબંધન રચાય એવું પાંચ વરસ પહેલાં લાગતું હતું? આવું જ જમ્મુ અને કાશ્મીરમાં પી.ડી.પી. અને એન.સી. વચ્ચે હતું. હવે પછી પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કૉન્ગ્રેસ, ડાબેરી પક્ષો અને કૉન્ગ્રેસ વચ્ચે ગઠબંધન રચાય તો નવાઈ નહીં.
શા માટે જે તે રાજ્યોમાં બે રાજકીય ધ્રુવો સાથે આવી રહ્યા છે? પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા. ગોવામાં, કર્નાટકમાં, ઉત્તરાખંડમાં, અરુણાચલ પ્રદેશમાં અને જમ્મુ અને કાશ્મીરમાં જે બન્યું એ જોઇને વિરોધ પક્ષોને સમજાઈ ગયું છે કે કોઈ પણ પ્રકારની સભ્યતાની મર્યાદામાં નહીં માનનારા બી.જે.પી.ની દાદાગીરીયુક્ત નાગાઈના રાજકારણનો મુકાબલો ભેગા મળીને કરવો પડશે. આગળ આગળ જોયું જશે, પણ અત્યારે આને કાઢો એવી ગણતરી ભારતના રાજકારણના સ્વીકૃત બનવા લાગી છે. અસ્તિત્વ પહેલું, લાભા-લાભ પછી. બી.જે.પી. વધારે પડતી નાગાઈ કરીને અને દેશહિતના નામે દરેક લોકતાંત્રિક સંસ્થાનો દુરુપયોગ કરીને પોતે જ પોતાની સામેના રાષ્ટ્રીય મોરચા માટેની અનુકૂળતા પેદા કરી રહી છે.
રાજ્યપાલ સાહેબે કહ્યું છે કે વિરોધી વિચારધારાઓ વચ્ચેનું ગઠબંધન અપવિત્ર કહેવાય અને એવી સરકાર સ્થિર શાસન ન આપી શકે. અરે ભાઈ ૨૦૧૫માં પી.ડી.પી. અને બી.જે.પી. વચ્ચે ગઠબંધન થયું હતું એ વિરોધી વિચારધારા વચ્ચેનું ગઠબંધન હતું અને તેણે સ્થિર શાસન આપ્યું હતું. અસ્થિરતા તો દેશભક્ત બી.જે.પી.એ દેશહિતમાં પેદા કરી હતી. જો એક રાજ્યમાં એક વાર વિરોધી વિચારધારાઓ વચ્ચે ગઠબંધન શક્ય બને તો બીજીવાર કેમ ન બને? બીજું, પી.ડી.પી., એન.સી., કૉન્ગ્રેસની વિચારધારા એટલી બધી વિરોધી નથી જેટલી પી.ડી.પી.-બી.જે.પી. વચ્ચે હતી. ત્રીજું, વિચારધારાઓની સમાનતા-અસમાનતા અને પવિત્રતા કે અપવિત્રતા નક્કી કરવાનો અધિકાર બંધારણે કઈ જોગવાઈ હેઠળ રાજ્યપાલને આપ્યો છે? ચોથી વાત, જમ્મુ અને કાશ્મીરની ૮૭ સભ્યોની વિધાનસભામાં દાવેદાર ત્રણ પક્ષો પંચાવન સભ્યો ધરાવે છે. પી.ડી.પી.-બી.જે.પી. ધરાવતાં હતાં એના કરતાં પણ બે વધુ. બહુમતી માટે ૪૪ બેઠકોની જરૂર છે.
જમ્મુ અને કાશ્મીરના ત્રણેય પક્ષો તો સરવાળે લાભમાં રહ્યા છે. તેઓ તો માગણી કરતા જ હતા કે વિધાનસભાને વિખેરીને નવી ચૂંટણી યોજવામાં આવે. હવે ડરીને એ જ કરવું પડ્યું જેની તેઓ માગણી કરતા હતા. ત્રણેય પક્ષો મૂછમાં હસે છે એમ જે આગળ કહ્યું એનો અર્થ હવે સમજાઈ ગયો હશે. બહુ ડાહ્યો બહુ ખરડાય એ ન્યાયે બહુ ડાહ્યા દેશભક્તો પોતાની સામેના રાજકીય મોરચા માટે સબળ કારણ પૂરું પાડી રહ્યા છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 23 નવેમ્બર 2018