Opinion Magazine
Number of visits: 9896102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અટેન્શન ઇકોનોમીઃ આપણે ટેક જાયન્ટ્સનાં ગ્રાહક નથી રહ્યા, પ્રોડક્ટ બની ગયા છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 June 2026

જે ટેક્નોલૉજી આપણા સમયની બચત કરવા માટે આવી હતી, તે જ આજે આપણા સમય માટે, આપણી સાથે જ, સૌથી આક્રમક રીતે સ્પર્ધા કરી રહી છે. જે સાધનો આપણને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવ્યા હતા, તેમણે જ હવે આપણું ધ્યાન ખેંચવા માટે અસંખ્ય દાવેદારો ઊભા કરી દીધા છે

ચિરંતના ભટ્ટ

આપણને સારી પેઠે ખબર છે કે સ્ક્રીન ટાઇમના મામલે આપણે સાવ બેદરકાર બની ગયા છીએ. ફોન હોય, ટેલિવિઝન હોય કે ટેબ્લેટ, દિવસનો મોટા ભાગનો સમય હવે સ્ક્રીન સામે જ પસાર થાય છે. ડેટા રિપોર્ટલ (DataReportal, 2025) અને ઈન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (Internet and Mobile Association of India – IAMAI, 2024) જેવા અહેવાલો સૂચવે છે કે ભારતીયો દરરોજ સરેરાશ છથી સાત કલાક સ્ક્રીન પર વિતાવે છે. છતાં મોટા ભાગના લોકોને પૂછો કે તેમની પાસે સૌથી વધુ અછત શેની છે, તો જવાબ લગભગ એક જ મળે છે, સમય.

આ વિરોધાભાસ જ આપણા વર્તમાન સમયની સૌથી મોટી કથા છે. સમસ્યા ટેક્નોલૉજી નથી, સમસ્યા એ છે કે ટેક્નોલૉજી આપણું ધ્યાન ખેંચી રાખે છે, તેણે કબજે કરી લીધું છે એમ કહેવામાં ય અતિશયોક્તિ નથી. આપણે પહેલાં વાત કરી છે તેમ માનવજાતના ઇતિહાસમાં દરેક યુગની એક આગવી સંપત્તિ રહી છે. જમીનને કારણે સામ્રાજ્યો ઊભાં થયાં તો કોલસાએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. વીસમી સદીમાં તેલને પગલે ભૌગોલિક રાજકારણ ખેલાયું અને આજે પણ તે યુદ્ધ, ગઠબંધનો અને અર્થતંત્રો પર અસર કરે છે. 

પણ આજના સમયામાં સૌથી વધુ કિંમતી કહી શકાય તેવો અને જે સત્તાઓ, ટેક જાયન્ટ્સ વગેરે માટે હરીફાઈનો વિષય બન્યો છે તે છે માણસનું ધ્યાન; તે ન તો કોઈ કારખાનામાં બને છે ન તો તેને કોઈ કોઠારમાં સંગ્રહી શકાય છે. ક્રુડ ઓઈલ કે મૂડીની માફક અટેન્શન કે ધ્યાન એકઠું કરી શકાય તેમ નથી. પૃથ્વી પર દરેક માણસને સમયનો સરખો હિસ્સો જ મળે છે. આ સમય વપરાઇ જાય, ધ્યાન કોઈ બાબત પરથી હટી જાય પછી તે કાયમ માટે જતી રહેતી ચીજો છે. કદાચ આ જ તેની સૌથી મોટી કિંમત છે જે આપણે બેધ્યાન રહીએ ચૂકવીએ છીએ. 

પચાસેક વર્ષ કરતાં પણ પહેલાના સમયમાં અર્થશાસ્ત્રી અને નોબેલ વિજેતા હર્બર્ટ એ. સાયમને એક અગત્યનુ અવલોકન કર્યું હતું, “માહિતીની સમૃદ્ધિ અંતે તો ધ્યાનની ગરીબી સર્જે છે.” તે સમયે આ વાત પુસ્તકિયું જ્ઞાન લાગી હતી આજે આ વિધાન ડિજિટલ અર્થતંત્રનો વ્યવસાયિક નકશો લાગે છે. 

જરા દુનિયાની સૌથી શક્તિશાળી ટેક્નોલૉજી કંપનીઓ તરફ નજર કરીએ. ગૂગલ માત્ર જવાબો આપતી કંપની નથી. તે માનવ જિજ્ઞાસાની દરેક ક્ષણને પકડી લે છે. મેટા માત્ર લોકોને એકબીજા સાથે જોડતી કંપની નથી. તે આપણાં વર્તન, સંબંધો અને પસંદગીઓનો સતત અભ્યાસ કરે છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પણ માત્ર મનોરંજન પૂરું પાડતાં નથી; દર્શકોને શક્ય તેટલા લાંબા સમય સુધી પોતાની સાથે જોડી રાખવા માટે જ તેમની રચના કરવામાં આવી છે. તેમની પ્રોડક્ટ માત્ર કોઈ એપ્લિકેશન નથી, તેમની ખરી પ્રોડક્ટ છે અટેન્શન, ધ્યાન અને એ પણ આપણું ધ્યાન.

સોશ્યલ મીડિયાએ જાહેરાતોના બિઝનેસને અકલ્પનીય રીતે માપી શકાય એવો બનાવી દીધો છે. દરેક ક્લિક, દરેક થોભો, દરેક શેર અને દરેક પ્રતિક્રિયા ડેટામાં ફેરવાઈ જાય છે. અલ્ગોરિધમ્સ એ શીખે છે કે વપરાશકર્તાઓને કઈ બાબતો સૌથી વધુ જકડી રાખે છે અને ત્યાર બાદ તેમની સ્ક્રીન પર શું દેખાડવું તે સતત વધુ ચોક્કસ બનાવતાં રહે છે. આપણામાંથી મોટા ભાગના લોકોએ અનુભવ્યું હશે કે કોઈ વસ્તુ વિશે વિચારવાનું કે શોધવાનું શરૂ કરીએ અને થોડા સમય પછી એ સંબંધિત જાહેરાતો, વીડિયો કે સૂચનો સતત દેખાવા લાગે. આ કોઈ સંયોગ નથી. આ પાછળ ડેટા, આયોજન અને વ્યૂહરચના કામ કરતી હોય છે. ઘરમાં રહેનારા તમારી વાત નહીં સાંભળે પણ તમારો ફોન, તેનો ડેટા, સોશ્યલ મીડિયા તમારી વાત વધારે ધ્યાનથી સાંભળે છે અને તમને જે જોઈએ છે એ જ પીરસે છે. જાહેરાતની આ શૈલીને પહેલાંની પેઢી નહોતી જાણતી. આ માણસના વર્તનને પ્રભાવિત કરનારી એક સુનિયોજિત પ્રક્રિયા છે. વિશ્વની સૌથી અદ્યતન ટેક્નોલૉજી કંપનીઓ હવે ગ્રાહકો મળે તેની સ્પર્ધામાં નથી. તેમનો બિઝનેસ છે માનવ ચેતનાની મિનિટો, સેકન્ડો અને ક્ષણો માટે સ્પર્ધા કરવી. તેમનો મુખ્ય હેતુ છે યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારવું, એટલે કે પોતાના પ્લેટફોર્મ પર યુઝર વધારેમાં વધારે સમય રહે, ત્યાં સંવાદ સાધે અને તેની સાથે જોડાયેલો રહે. કમનસીબે એન્ગેજમેન્ટ ઘણી વખત વિચારપૂર્વકના વિશ્લેષણ કરતાં ગુસ્સા, ભય અને જૂથવાદ દ્વારા વધુ ઝડપથી પેદા થાય છે. અલ્ગોરિધમે માનવ જૂથવાદ શોધ્યો છે એમ નથી, આપણે બધાં જ વાડાબંધી માનસિકતાના શિકાર છીએ અને અલ્ગોરિધમને એ ખબર પડી ગઈ છે કે જૂથવાદ કે વાડાબંધી નફાનો ધંધો છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આ આખી પ્રક્રિયાને વધુ ઘેરી બનાવવાની ક્ષમતા ધરાવે છે. 

હજી થોડા સમય પહેલાં અટેન્શન કે ધ્યાન માટેની સ્પર્ધા વિતરણ એટલે કે ડિસ્ટ્રીબ્યુશનની હરીફાઈ હતી, સૌથી અસરકારક મેસેજિંગ સાથે સૌથી વધુ લોકો સુધી કોણ પહોંચી શકે તેની આ રેસ હતી. AIએ આ સમીકરણો બદલી નાખ્યાં છે. હવે રમત માત્ર લોકો સુધી પહોંચવાની નથી રહી. હવે વાત એવી સામગ્રી કે કન્ટેન્ટ બનાવવાની છે જે તમારી પસંદગીઓ, તમારી લાગણીઓ અને તમારા મનમાં પહેલેથી બેઠેલા પૂર્વગ્રહોને ધ્યાનમાં રાખીને ખાસ તમારા માટે તૈયાર કરવામાં આવે. અલ્ગોરિધમ્સ પહેલેથી જ વ્યક્તિગત સમાચાર ફીડ્સ, ભલામણો અને ડિજિટલ અનુભવો તૈયાર કરી રહ્યા છે (Platform Transparency Reports, 2024–2025). જેમ જેમ આ પ્રણાલીઓ વધુ અદ્યતન બનશે, તેમ તેમ સાચી માહિતી અને માત્ર યુઝર્સને જકડી રાખવા માટે બનાવાયેલી માહિતી વચ્ચેનો ભેદ પારખવો વધુ મુશ્કેલ બનતો જશે. આ માત્ર ટેક્નોલૉજી સંબંધિત પડકાર નથી. આ આખા સમાજ સામે ઊભો થયેલો પડકાર છે.

રાજકારણ કદાચ સૌથી સ્પષ્ટ રીતે બતાવે છે કે અટેન્શન ઈકોનોમી માણસોના વર્તનને કેવી રીતે બદલી નાખે છે. પરંપરાગત મીડિયાના સમયમાં રાજકીય સંદેશાઓને સંપાદકીય ચકાસણી અને સમયની અમુક મર્યાદાઓમાંથી પસાર થવું પડતું હતું. સોશ્યલ મીડિયાએ આમાંથી મોટા ભાગની મર્યાદાઓ દૂર કરી નાખી. આજે માત્ર દેખાતા રહેવું પણ એક પ્રકારની રાજકીય શક્તિ બની ગયું છે. રાજકીય નેતાઓ સારી રીતે સમજી ગયા છે કે લોકોનું ધ્યાન એટલે પ્રભાવ અને પ્રભાવ એટલે પરિણામ. અટેન્શન ઈકોનોમીના યુગમાં ઘણી વખત અસરકારક હોવા કરતાં સતત દેખાતા રહેવું વધુ મહત્ત્વનું બની જાય છે.

આ જ દબાણ પત્રકારત્વ પર પણ જોવા મળે છે. સમાચાર સંસ્થાઓ હવે માત્ર એકબીજા સામે નહીં, પરંતુ અલ્ગોરિધમ્સ દ્વારા સતત પીરસાતી અઢળક સામગ્રી સામે પણ હરીફાઈ કરે છે. ઝડપને વાહવાહી મળે છે, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ ક્લિક્સ મળે છે અને ઘણી વખત સૂક્ષ્મતા પાછળ રહી જાય છે. તેની અસર માત્ર મીડિયા કે રાજકારણ પૂરતી મર્યાદિત નથી. આપણા રોજિંદા વ્યાવસાયિક જીવનમાં પણ આ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. ડૉક્ટરો હવે કન્ટેન્ટ બનાવે છે. પ્રોફેસરો ઓનલાઈન ઓડિયન્સ ઊભી કરે છે. પત્રકારો પોતાની વ્યક્તિગત ફોલોઇંગ વિકસાવે છે. ઉદ્યોગસાહસિકો ઇન્ફ્લુએન્સર બની જાય છે. એક સમય હતો જ્યારે કોઈ વ્યક્તિની કુશળતા અને અનુભવ તેની ઓળખ નક્કી કરતાં હતા, પરંતુ હવે ઘણા ક્ષેત્રોમાં લોકો તમને કેટલા ઓળખે છે તે પણ તમારી ક્ષમતાના માપદંડનો ભાગ બની ગયું છે.

ભારતમાં આ સમગ્ર ઘટનાક્રમનાં કદ અને વ્યાપ કદાચ સૌથી વધારે છે. આજે ભારતમાં 90 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે (IAMAI 2025; DataReportal January 2026) અને તે વિશ્વના સૌથી મોટા ડિજિટલ સમાજમાંનો એક છે. આ વૃદ્ધિનો મોટો હિસ્સો એવા લોકોમાંથી આવ્યો છે જેમણે સ્માર્ટફોન દ્વારા પહેલી વખત ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો. વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ હવે માત્ર મેસેજિંગ એપ્લિકેશન રહ્યાં નથી. તે માહિતીની આપ-લે, મનોરંજન અને રાજકીય સંવાદના મહત્ત્વના માધ્યમ બની ગયાં છે.

અલબત્ત, આ બદલાવ સાથે અસંખ્ય તકો પણ ઊભી થઈ છે. મુખ્ય પ્રવાહના મીડિયામાં જે અવાજો પહેલાં સંભળાતા નહોતા તેઓ આજે લાખો લોકો સુધી પહોંચી શકે છે. સ્વતંત્ર પત્રકારત્વ, સાંસ્કૃતિક ચર્ચાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા લોકો હવે પરંપરાગત ગેટકીપર્સ પર નિર્ભર રહ્યા વગર પોતાના સમુદાયો અને ઓડિયન્સ ઊભાં કરી શકે છે.

પરંતુ આ સિક્કાની બીજી બાજુ પણ છે. જ્યારે એન્ગેજમેન્ટ કોઈ પણ પ્લેટફોર્મ માટે સૌથી મહત્ત્વનો માપદંડ બની જાય છે ત્યારે એવી સામગ્રીને પ્રોત્સાહન મળવા લાગે છે જે તરત જ પ્રતિક્રિયા પેદા કરે. અફવાઓ ઘણી વખત હકીકતો કરતાં ઝડપથી ફેલાય છે. લાગણીઓ ઘણી વખત ચકાસણી કરતાં આગળ નીકળી જાય છે. અને દેખાડો ઘણી વખત વિશ્વસનીયતાને પાછળ છોડી દે છે. સમસ્યા એ નથી કે લોકો અચાનક ઓછા વિચારશીલ બની ગયા છે. સમસ્યા એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સે શોધી કાઢ્યું છે કે માણસના ધ્યાનને માપી શકાય છે, તેની આગાહી કરી શકાય છે અને સૌથી અગત્યનું કે તેમાંથી નફો કમાઈ શકાય છે. 

આ આખી ચર્ચાનું એક બીજું પાસું છે જેના વિશે બહુ વાત નથી થતી. આપણી અંદરની દુનિયામાં પણ કંઈક બદલાઈ રહ્યું છે. કોઈ પુસ્તક વાંચવું, કોઈ ફિલ્મ ધ્યાનથી જોવી, લાંબી અને અર્થપૂર્ણ વાતચીતમાં ભાગ લેવો કે પછી થોડો સમય જાત સાથે જ બેસી રહેવા જેવી બાબતો માટે એકાગ્રતાની જરૂર પડે છે. કમનસીબે આધુનિક ડિજિટલ દુનિયા સતત આ એકાગ્રતાની કસોટી કરતી રહે છે.

જે ટેક્નોલૉજી આપણા સમયની બચત કરવા માટે આવી હતી, તે જ આજે આપણા સમય માટે, આપણી સાથે જ, સૌથી આક્રમક રીતે સ્પર્ધા કરી રહી છે. જે સાધનો આપણને એકબીજા સાથે જોડવા માટે બનાવવામાં આવ્યા હતા, તેમણે જ હવે આપણું ધ્યાન ખેંચવા માટે અસંખ્ય દાવેદારો ઊભા કરી દીધા છે. પરિણામે એકાગ્રતા જ દુર્લભ સંપત્તિ બનતી જાય છે. અને આ સૌથી મોટી વિડંબના છે. જે આર્થિક વ્યવસ્થાએ માણસના ધ્યાનને એક પ્રોડક્ટમાં ફેરવી દીધું, એ જ વ્યવસ્થા હવે ડિજિટલ ડિટોક્સ, માઇન્ડફુલનેસ રિટ્રીટ્સ અને પ્રોડક્ટિવિટી સિસ્ટમ્સના નામે એ ધ્યાનની ગેરહાજરી વેચીને નફો કમાઈ રહી છે.

હવે સવાલ એ પણ થાય કે આ બધા માટે જવાબદાર કોણ? અટેન્શન ઈકોનોમી પાછળ શેરહોલ્ડર્સ છે, ત્રિમાસિક નફાના ટાર્ગેટ્સ અને મોટાંમસ વ્યાવસાયિક હિતો છે. પરંતુ તેની સામાજિક કિંમત કોણ ચૂકવે છે? ઘટી રહેલો વિશ્વાસ, ખોટી માહિતીનો ફેલાવો, વધતું ધ્રુવીકરણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે ઊભી થતી ચિંતાઓનો બોજ આખરે સમાજે જ ઉપાડવાનો આવે છે, જ્યારે એન્ગેજમેન્ટમાંથી થતો નફો થોડાક મોટા ખેલાડીઓના હાથમાં સમાઈ જાય છે. નિયમન વ્યવસ્થા હજુ સુધી આ ગતિ સાથે તાલ મિલાવી શકી નથી. સરકારો એક તરફ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નિયંત્રણ લાવવાની વાત કરે છે, તો બીજી તરફ એ જ પ્લેટફોર્મ્સનો ઉપયોગ સંદેશાવ્યવહાર અને રાજકીય પહોંચ વધારવા માટે પણ કરે છે. અહીં રહેલો વિરોધાભાસ સ્પષ્ટ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો કે નહીં તે પસંદગી ખરેખર આપણી છે, પણ એ પણ એટલું જ સાચું છે કે આ આખા તંત્રની રચના, તેની ડિઝાઈન ખૂબ વિચારીને કરવામાં આવી છે. 

સૌથી મહત્ત્વના પ્રશ્નનું મૂળ અહીં જ છે. જે વ્યવસ્થા મૂળભૂત રીતે આપણું ધ્યાન ખેંચી લેવા માટે બનાવવામાં આવી હોય, ત્યાં પોતાનું ધ્યાન ક્યાં આપવું છે, તે નક્કી કરવું પણ એક પ્રકારની સ્વતંત્રતા અને સજાગતા બની જાય છે. આપણી સૌથી કિંમતી સંપત્તિ પૈસા નથી, ડેટા નથી કે પછી આપણો મત પણ નથી. આપણી સૌથી મોટી સંપત્તિ છે એ નક્કી કરવાની ક્ષમતા કે આપણે કઈ બાબતને કેટલું ધ્યાન આપવું છે. દરેક સ્ક્રોલ એક નિર્ણય છે. કોઈ પણ પ્લેટફોર્મ પર વિતાવેલો દરેક કલાક એક પ્રકારનો વ્યવહાર છે.

બાય ધી વેઃ 

આપણે આપણું ધ્યાન કોને કે ક્યાં આપી રહ્યા છીએ? એ આપીને આપણે કેવા પ્રકારની દુનિયા ઊભી કરવામાં ફાળો આપી રહ્યા છીએ? આ હવે વ્યક્તિગત પ્રશ્ન નથી. આ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક પ્રશ્નો પણ છે. કારણ કે ભવિષ્ય કદાચ માહિતી પર નિયંત્રણ ધરાવનારાઓના હાથમાં નહીં હોય પણ જે લોકો અટેન્શન પર નિયંત્રણ રાખતા હશે તેમના હાથમાં હશે. કોઈ એમ કહે કે પ્લેટફોર્મના અલ્ગોરિધમ તમને જે જોવું છે તે જ બતાવે છે, ત્યારે યાદ રાખજો કે એને એમ કરવાની ટ્રેનિંગ અપાઇ છે. એ જાણે છે કે તમને કઈ વસ્તુ સૌથી લાંબો સમય સુધી રોકી રાખે છે. અને આ બંને બાબતો હંમેશાં એકસરખી હોતી નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2026

Loading

7 June 2026 Vipool Kalyani
← સિતારના સધાયેલા તાર પર હું મારી જિંદગીને ઉજવું છું : પંડિત રવિશંકર 

Search by

Opinion

  • સિતારના સધાયેલા તાર પર હું મારી જિંદગીને ઉજવું છું : પંડિત રવિશંકર 
  • લેખકની જવાબદારી[1]—ઝડપથી પલટાતી દુનિયા
  • ચલ મન મુંબઈ નગરી—344 
  • છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા … 
  • માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved